રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૧૮. શંકર ભગવાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮. શંકર ભગવાન



એક બ્રાહ્મણ હતો. એ પૈસેટકે સુખી હતો. પણ બ્રાહ્મણી કંજૂસ હતી. એટલે બ્રાહ્મણ મોજથી ખાઈ-પી શકતો નહોતો. બ્રાહ્મણને ઘણી વાર શીરો-પૂરી, લાડુ જેવું ખાવાનું મન થાય, પણ બ્રાહ્મણી કહે: ‘યજમાનને ઘેર એ ખાજો, અહીં નહિ!’

બ્રાહ્મણ રોજ સવારે નદીકિનારે ઊભેલા ભગવાન શંકરના મંદિરમાં દર્શન કરવા જતો. મંદિર પાસે એક જૂનું વડનું ઝાડ હતું. એના થડમાં મોટું પોલાણ હતું. બ્રાહ્મણ રોજ એ જુએ ને વિચાર કરે. એમ કરતાં એને કંઈ સૂઝી આવ્યું. એટલે એક દિવસ એ હરખાતો ઘેર આવ્યો ને હરિ ૐ હરિ ૐ હરિ ૐ રટવા લાગ્યો.

બ્રાહ્મણી કહે: ‘કેમ આજે આટલા હરખમાં છો?’

બ્રાહ્મણ કહ્યું: ‘તે ન હોઉં હરખમાં? આજે ભગવાને પ્રસન્ન થઈ દર્શન દીધાં! બાર વરસની મારી પૂજા ફળી! હરિ ૐ! હરિ ૐ! હરિ ૐ! આહા! શું ભગવાનનું રૂપ!’ પણ મારું નસીબ — બોલતાં બોલતાં તેણે માથે હાથ દીધો.

બ્રાહ્મણી શ્રદ્ધાળુ હતી, એ બોલી: ‘ભગવાને દર્શન દીધાં એ તો સારી વાત, એમાં આમ હાથ દઈ બેસવાનું શું કારાણ?’

બ્રાહ્મણે દુ:ખી સ્વરે કહ્યું: ‘શું કરું? ભગવાને રોજ સવારે પ્રસાદમાં શીરો માગ્યો છે ને બ્રાહ્મણી પોતાના હાથે બનાવી તેમને ધરે એમ કહ્યું છે. પણ આપણા ઘરને એ કેમ પોસાય?’

બ્રાહ્મણી કહે: ‘ભગવાને કહ્યું તે સમજીને કહ્યું હશે ને? ભગવાનને ધર્યું તે લાખ ગણું થઈને પાછું આવવાનું!

બ્રાહ્મણે કહ્યું: ‘એમ તો ભગવાને પ્રસન્ન થઈ વરદાન આપવાનું કહ્યું જ છે પણ એ તો ક્યારે? છ મહિના પછી!

બ્રાહ્મણીએ કહ્યું: ‘તો છ મહિના જ પ્રસાદ ધરવાનો છે ને? કંઈ વાંધો નહિ. હું મારી જાતે પ્રસાદ બનાવી ભગવાનને ધરીશ. ધરવા ક્યાં જવાનું છે એ કહો!’

બ્રાહ્મણે કહ્યું: ‘મંદિરે જતાં વડનું ઝાડ આવે છે એ જોયું છે ને? એનું થડ પોલું છે. એ થડની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પોલાણના મોં આગળ પ્રસાદનો પડિયો ધરી દેવાનો — આંખો બંધ રાખવાની અને બંધ આંખે જ પાછા ફરી જવાનું. ભગવાનની આજ્ઞાનો ભંગ કરીએ તો શું થાય એ ખબર છે ને?’

બ્રાહ્મણી બોલી: ‘એટલી મને નહિ ખબર હોય? ભગવાનના હુકમ વગર આંખો ઉઘાડી જોવાનું કરીએ તો આંખો ફૂટી જાય!’

બીજે દિવસે બ્રાહ્મણી તાજા ઘીના શીરાનો પડિયો લઈ ભગવાનને ધરવા ગઈ. એ પહેલાં બ્રાહ્મણ વડના પોલાણમાં સંતાઈને બેસી ગયો હતો. બ્રાહ્મણીએ આંખો મીંચી ત્રણ વાર વડની પ્રદક્ષિણા કરી, પછી શીરાનો પડિયો વડના પોલાણ આગળ ધર્યો. ધર્યો એવો જ બ્રાહ્મણે તે લઈ લીધો. બ્રાહ્મણી સમજી કે સ્વયં ભગવાને મારા હાથમાંથી પ્રસાદ લીધો! એ ખુશ થતી ઘેર ગઈ. થોડી વાર પછી બ્રાહ્મણે શીરો ઝાપટીને હરી ૐ! હરિ ૐ! હરિ ૐ કરતો ઘેર ગયો ત્યારે બ્રાહ્મણીએ એને હરખથી ફાટ ફાટ થતાં કહ્યું કે ભગવાને સ્વહસ્તે મારા હાથમાંથી પ્રસાદ લીધો!’

બ્રાહ્મણ કહે: ‘વાહ, ભગવાન કેટલા દયાળુ છે! હરિ ૐ! હરિ ૐ! હરિ ૐ!’ આવું રોજ ચાલવા માંડ્યું. બ્રાહ્મણ હવે શરીરે તાજોમાજો દેખાતો હતો.

બ્રાહ્મણી કહે: ‘તમે હવે ગોળમટોળ થતા જાઓ છો.’

બ્રાહ્મણ કહે: ‘ભગવાનની કૃપા થઈ છે એટલે મન મગન રહે છે.’

છ મહિના થવા આવ્યા. બ્રાહ્મણને ગમત કરવાનું મન થયું. શીરાનો પડિયો લેતી વખતે તેણે જરી ખોંખારો ખાધો.

બપોરે બ્રાહ્મણ ઘેર આવ્યો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું: ‘આજે તો મેં ભગવાનનો ખોંખારો સાંભળ્યો!’

બ્રાહ્મણ કહે: ‘મેંય ઘણી વાર સાંભળ્યો છે. ભગવાન બરાબર મારા જેવો જ ખોંખારો ખાય છે!’ આમ કહી એણે ખોંખારો ખાધો. પણ બ્રાહ્મણી કંઈ સમજી નહિ.

થોડા દિવસ પછી શીરો લેતી વખતે બ્રાહ્મણ હસ્યો. બપોરે બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું: ‘આજે તો ભગવાન હસ્યા!’

બ્રાહ્મણ કહે: ‘મેં પણ એમને હસતા સાંભળ્યા છે. બરાબર મારા જેવું જ હસે છે!’ આમ કહી એ હસ્યો. પણ બ્રાહ્મણી કંઈ સમજી નહિ.

અને પછી એક દિવસ પ્રસાદ લેતાં લેતાં ભગવાને પ્રસન્ન થઈ કહ્યું: ‘બ્રાહ્મણી, માગ, માગ, તું માગે તે આપું!’

બ્રાહ્મણીએ આનો વિચાર કરી જ રાખ્યો હતો. તેણે વિચાર્યું હતું કે વરદાનમાં ધનમાલ માગીએ તો મળે, પણ એ બધું જતે દહાડે ખૂટી જવાનું, તેના કરતાં વરદાનમાં ખુદ ભગવાનને જ માગી લઈએ તો. પછી કોઈ વાતે કંઈ તકલીફ રહે નહિ. એટલે તેણે કહ્યું: ‘ભગવાન, મારા પર પ્રસન્ન થયા હો તો કાયમ મારા ઘરમાં આવીને રહો!’

ભગવાન બોલ્યા: ‘તું ખરેખર ભાગ્યશાળી છે, બાઈ!’

બીજી જ ક્ષણે ભગવાન શંકર થડના પોલાણમાંથી કૂદકો મારી બહાર આવ્યા ને બોલ્યા: ‘આંખો ઉઘાડ, બ્રાહ્મણી! ચાલ, હવે ઘેર જઈએ!’

સાક્ષાત્ શંકર પોતાની સાથે ઘેર આવવા તૈયાર થયા છે એ જોઈ બ્રાહ્મણી ખુશ ખુશ થઈ ગઈ. હવે એણે આંખો ઉઘાડી. જોયું તો સામે એનો બ્રાહ્મણ ઊભો હતો.

બ્રાહ્મણી કહે: ‘અરે, તમે ક્યારે આવ્યા? ભગવાન શંકર ક્યાં અલોપ થઈ ગયા!’

બ્રાહ્મણે હસતાં હસતાં કહ્યું: ‘ક્યાંય અલોપ નથી થયા, આ તારી સામે જ તો ઊભા છે!’

હવે બ્રાહ્મણી બધી વાત સમજી. પોતાને છેતરીને બ્રાહ્મણે છ છ મહિના લગી એકલાં એકલાં શીરો આરોગ્યો છે એ જોઈ બ્રાહ્મણીને રીસ તો ચડી, પણ એ હસી પડી! કહે: ‘ખરા મારા શંકર ભગવાન!’

[લાડુની જાત્રા]