રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૩. મતૂરી—ફતૂરી
ગલબોે શિયાળ ન્યાયાધીશ બની છાતી કાઢી બધે ફરતો હતો. કહે: ‘લડો, કજિયા કરો અને મારી પાસે ન્યાય કરાવવા આવો. ભાઈ-ભાઈ લડો, બાપ-દીકરો લડો, પડોશીઓ લડો ને આવો મારી પાસે! કોણ સાચો ને કોણ ખોટો તે હું કહી આપીશ.’
એક વાર શિયાળવીને માછલી ખાવાનું મન થયું. તેણે ગલબાને કહ્યું: ‘મને માછલી લાવી આપો તો તમે ન્યાયાધીશ ખરા, નહિ તો કાંઈ નહિ!’
દુનિયામાં બધાં પોતાને ન્યાયાધીશ કહી માન આપે અને ઘરવાળી જ એનો ઈન્કાર કરે એ કેમ ચાલે? એટલે શિયાળ માછલીની શોધમાં નીકળ્યો. ફરતો ફરતો તે નદી કિનારે આવ્યો. જોયું તો ત્યાં બે જળબિલાડીઓ વચ્ચે એક માછલી બાબત ઝઘડો થયો હતો. એ જલબિલાડીઓનાં નામ મતૂરી ને ફતૂરી. મતૂરી કહે: ‘આ માછલી મેં પકડી છે, માટે એ મારી છે!’
ફતૂરી કહે: ‘તેં તો માત્ર એની પૂંછડી પકડેલી; પૂંછડીથી કંઈ માછલી પકડાય નહિ. મેં એનું મોં પકડ્યું ત્યારે એ પકડાઈ છે. માટે એ મારી છે!’
ગબલો શિયાળ એમની વચમાં જઈ ઊભો. કહે: ‘અરે બહેનો, શા સારુ લડો છો? તમારો ન્યાય કરનારો ન્યાયાધીશ સ્વયં તમારી સામે અત્યારે હાજર છે.’
હવે મતૂરી-ફતૂરી બંનેએ કહ્યું: ‘ન્યાયાધીશ સાહેબ, અમારો ન્યાય કરો! આ માછલી કોની તે કહો.’
ગબલા ન્યાયાધીશે બેઉને સવાલો પૂછી બધી વાત સમજી લીધી. પછી ચુકાદો જાહેર કરતાં કહ્યું: ‘મતૂરી, તેં માછલીની પૂંછડી પકડેલી તેથી આ પૂંછડીનો ભાગ તારો!’ આમ કહી એણે એને માછલીની પૂંછડીનો કટકો આપ્યો. મતૂરી કંઈ બોલવા જતી હતી, પણ શિયાળે કહ્યું: ‘ખબરદાર, ન્યાય વિશે ટીકા ટિપ્પણ નહિ!’
ફતૂરી રાજી થઈ. તેને થયું કે હવે બાકીની આખી માછલી મને મળશે. ત્યાં તો ન્યાયાધીશે કહ્યું: ‘ફતૂરી, તેં માછલીનું મોં પકડેલું, તેથી મોંનો આ ભાગ તારો?’ આમ કહી એણે માછલીના મોંનો જરી જેટલો કટકો ફતૂરીને આપ્યો.
હવે બંનેએ એક સાથે પૂછ્યું: ‘તો આ બાકી રહી તે માછલીનું શું?’
વિદ્વાન ન્યાયાધીશે કહ્યું: ‘ન્યાય કચેરીની એ ફી છે.’ આમ કહી માછલી કબજે કરી શિયાળે રસ્તો માપ્યો.
હવે મતૂરી-ફતૂરી બંનેની આંખોમાં આંસુ આવી ગયાં. બંનેએ ઉપલી કોર્ટમાં અપીલ કરી, સિંહ સરકારની કચેરીમાં જઈ દાદ માગી. સિંહે તરત જ હુકમ છોડ્યો કે ન્યાયાધીશ શિયાળે માછલી સાથે તરત જ કચેરીમાં હાજર થવું.
સિપાઈ આ હુકમ લઈને ગલબા શિયાળને ઘેર ગયો, ત્યારે ગલબાની શિયાળવી માછલી જોઈને રાજી રાજી થઈ ગલબાને કહેતી હતી: ‘વાહ મારા ન્યાયાધીશ!’ —
વધારે બોલવાનો એને વખત મળ્યો નહિ, કારણ રાજાના હુકમથી શિયાળે માછલી સાથે તરત દરબારમાં હાજર થવું પડ્યું.
હવે સિંહ રાજાએ ગલબાને કહ્યું: ‘ન્યાય કચેરીની ફી કચેરીમાં જમા કરાવવાને બદલે તું તારે ઘેર લઈ ગયો એ ગુના માટે તારું ન્યાયાધીશપણું રદ કરવામાં આવે છે!
શિયાળવીને રાજી કરવા જતાં શિયાળે પોતાનું ન્યાયાધીશપદ ગુમાવ્યું. માછલી સરકાર ખાતે જપ્ત કરવામાં આવી.
મતૂરી-ફતૂરીએ ખુશ થઈ તાળીઓ પાડી. તેમના મનથી એમ કે હવે સિંહ સરકાર માછલી અમને આપશે. પણ એવું કંઈ થતું દેખાયું નહિ, ત્યારે બંનેએ અરજ કરી: ‘મહારાજ, અમારી માછલી?’
‘કઈ માછલી?’ સિંહે પૂછ્યું.
મતૂરી-ફતૂરીએ જપ્ત કરેલી માછલી દેખાડી કહ્યું: ‘આ! અમે એ નદીમાંથી પકડી હતી. એનાં માલિક અમે છીએ!’
સિંહે કહ્યું: ‘શું કહ્યું? નદીનાં માલિક તમે છો?’
બંનેએ હાથ જોડી કહ્યું: ‘ના, મહારાજ, નદીનાં નહિ, માછલીનાં!’
સિંહે કહ્યું: ‘નદીનાં માલિક તમે નથી, તો નદીની માછલીનાં માલિક તમે કેવી રીતે થયાં? માછલી પકડવા માટે તમે સરકારમાંથી પરવાનો લીધો છે? લીધો હોય તો રજૂ કરો.’
બંનેએ કબૂલ કરવું પડ્યું કે ‘અમે પરવાનો લીધો નથી.’
સિંહે હુકમ કર્યો: ‘પરવાના વગર માછલી પકડવા માટે તમારો બેઉનો દંડ કરવામાં આવે છે. અને દંડ ખાતે માછલીનું માથું અને માછલીની પૂંછડી તમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે.’
મતૂરી-ફતૂરી જે કંઈ થોડું મળ્યું હતું તે યે ખોઈ બેઠી.
સિંહ સરકારે કચેરી બરખાસ્ત કરી.
મતૂરી-ફતૂરી એક બીજાની સામે જોઈ રહી. બેઉની આંખો ટપ ટપ ચૂતી હતી!
[‘પ્રબોધક કથાઓ’માંથી]