રવીન્દ્રપર્વ/૩૪. રંગમંચે ધીમે ધીમે
Jump to navigation
Jump to search
૩૪. રંગમંચે ધીમે ધીમે
રંગમંચે ધીમે ધીમે હોલવાઈ દીપશિખા,
ખાલી થયું નાટ્યગૃહ, અન્ધારના મસીઅવલેપે
સ્વપ્નચ્છબિઅવલુપ્ત સુષુપ્તિની જેમ થયું શાન્ત
ચિત્ત મમ નિ:શબ્દના તર્જનીસંકેતે. આજ સુધી
જે સાજે મેં રચી રાખ્યો હતો મારો નાટ્યપરિચય
જવનિકા ખૂલતાં પહેલાં, તે તો આજે ઘડીકમાં
થયો નિરર્થક. ચિહ્નિત કરી મેં રાખ્યો હતો મને
અનેક ચિહ્ને ને વર્ણપ્રસાધને, અનેકની પાસે;
ભુંસાયું સૌ. પોતાનામાં પોતાની જે નિગૂઢ પૂર્ણતા,
તેણે મને કર્યો સ્તબ્ધ. સૂર્યાસ્તના અન્તિમ સત્કારે
દિનાન્તની શૂન્યતામાં ધરાની વિચિત્ર ચિત્રલેખા
જેમ જાય ઢંકાઈ ને બાધામુક્ત નભ બને
નિર્વાક્ વિસ્મયે સ્તબ્ધ તારાદીપ્ત આત્મપરિચયે.
(પ્રાન્તિક)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪