રવીન્દ્રપર્વ/૯૩. ઓ રે સાવધાની પથિક
Jump to navigation
Jump to search
૯૩. ઓ રે સાવધાની પથિક
હે સાવધાન પથિક, એક વાર તો રસ્તો ભૂલીને ભટકતો થા. તારી ખુલ્લી આંખોને વ્યાકુળ આંખોના જળથી અંધ કરી દે. એ ભૂલી જવાયેલા રસ્તાની ધારે ખોવાઈ ગયેલા હૃદયની કુંજ છે. ત્યાં કાંટાળા વૃક્ષ નીચે રાતાં ફૂલોનો ઢગલો ખરીને પડ્યો છે. કાંઠા વગરના સમુદ્રને કિનારે ત્યાં બંને વેળા ભાંગવાઘડવાની રમત ચાલ્યા કરે છે. તારા અનેક દિવસના સંચયની તું ચોકી કરતો બેઠો છે. ઝંઝાવાતની રાતના ફૂલની જેમ એને ઝરી જવા દે. આવ, હવે બધું ખોઈ બેસવાની જયમાળા શિરે ધારણ કરી લે. (ગીત-પંચશતી)