રાજા-રાણી/પહેલો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પહેલો પ્રવેશ

બીજો અંક


સ્થળ : સિંહગઢ : જયસેનનો મહેલ.
જયસેન, ત્રિવેદી અને મિહિરગુપ્ત.


ત્રિવેદી : મહેરબાન, એમ જો તમે રાતી આંખ કરશો, તો હું ભાન જ ભૂલી જઈશ. હે...એ ભક્ત વત્સલ હરિ! બિચારા મંત્રીજીએ ને દેવદત્તે મળીને ખૂબ માથાકૂટ કરી મને બધું શીખવેલું, હું કેવું બરાબર બોલ્યે જતો હતો? આપણા મહારાજાએ કાળભૈરવની પૂજાનું ઉપલક્ષ કરીને —
જયસેન : ઉપલક્ષ કરીને?
ત્રિવેદી : હા, અને ઉપલક્ષ ન હોય તોયે એમાં વાંધો શું છે? હે મધુસૂદન! કોણ જાણે, બાપુ, તમારે તો હજાર જાતના વિચાર કરવાના હોય! ‘ઉપલક્ષ’ શબ્દ કંઈક કઠણ બની ગયો છે ખરો. એનો સાચો અર્થ બેસાડવામાં ઘણાએ ગોળાટા કર્યા છે, એ તો ખરી વાત.
જયસેન : એમ કે, ગોર? હમણાં હું એનો અર્થ નક્કી કરી નાખીશ હો!
ત્રિવેદી : રામ તૂં હિ! અને અર્થ ન બેસતો હોય, તો ઉપલક્ષ રે’વા દ્યો, ઉપસર્ગ સમજો. શબ્દના કાંઈ દુકાળ છે, બાપા? શાસ્ત્રમાં કહ્યું છે કે શબ્દ એ જ બ્રહ્મ છે. એટલે પછી, ઉપલક્ષ કહો કે ઉપસર્ગ કહો; બેય એક જ છે.
જયસેન : ઠી-ઈ-ક! મહારાજે અમને બોલાવ્યા, એનો ઉપલક્ષ અને ઉપસર્ગ બેય સમજ્યા; પણ એનું ખરું કારણ ખુલ્લે ખુલ્લું કહો જોઉં!
ત્રિવેદી : એ તો હું શું જાણું, બાપા? એ તો મને કોઈએ ફોડ પાડીને નથી કહ્યું. હે...એ હરિ!
જયસેન : મા’રાજ! તમે બહુ વસમે ઠેકાણે આવ્યા છો; વાત ચોરશો તો આફતમાં આવી પડશો, હો કે!
ત્રિવેદી : હે...એ ભગવાન! જુઓ બાપા! તમે રીસ ચડાવો મા. તમારો સ્વભાવ બરાબર મદમાતેલા ભમરા જેવો હોય એમ નથી લાગતું?
જયસેન : વધુ બકવાદ કરો ના, ગોર! ખરું કારણ જાણતા હો તે કહી દ્યો.
ત્રિવેદી : હે...એ વાસુદેવ! બધી વાતોનાં કાંઈ ખરાં કારણ હોતાં હશે, મે’રબાન? અને હોય તોયે કાંઈ બધા મનુષ્યોને એની ખબર હોય ખરી! એ તો જેણે ખાનગીમાં મસલત કરી હોય એ જાણે; ને દેવદત્ત જાણે. પણ એની વિશેષ ચિંતા શું કામ કરો છો? ત્યાં જાશો કે તરત જ સાચું કારણ કળાઈ આવશે, એક ઘડી પણ વાર નહીં લાગે.
જયસેન : મંત્રીએ તમને બીજું કાંઈ નથી કહ્યું?
ત્રિવેદી : નારાયણ! નારાયણ! તમારે ગળે હાથ! બીજું કાંઈ નથી કહ્યું. મંત્રીએ તો કહેલું કે “ગોર! જેટલું કહું છું તે ઉપરાંત બીજી એકેય વાત ન કરતા. જો જો, તમારા ઉપર કોઈને જરાય વહેમ ન આવે.” મેં કહ્યું કે “રામ રામ! વહેમ શા માટે આવે, બાપા? હું તો ભોળે ભાવે બધુંયે કહ્યે જઈશ. જેને વહેમ આવે એને આવવા દ્યો!” હરિ! હરિ! સાચો તો તું એક છે.
જયસેન : પણ પૂજાને ઉપલક્ષે આમંત્રણ, એ તો સાદી વાત છે. એમાં વળી વહેમ આવવાનું શું કારણ હોય!
ત્રિવેદી : બાપા, તમે મોટા માણસ ખરા ને! એટલે તમને આવી વાતમાં યે વહેમ આવે. એમ ન હોય તો શાસ્ત્રમાં ‘धर्मस्य सूक्ष्मा गति :’ શીદ કહી હોય? તમને — મોટા માણસને — જો કોઈ આવીને કહે કે ‘ઊભો રહે. લુચ્ચા, તારી ડોકી મરડી નાખું’; તો તરત જ તમને લાગે કે ગમે તેમ પણ આ બિચારો દગો નથી કરતો, એની નજર આપણા માથા ઉપર ઠરી છે. પણ જો કોઈ આવીને તમને એમ કહે કે ‘આવ મારા બાપ, આસ્તે આસ્તે તારો બરડો ખંજવાળું’. ત્યાં તો બસ તરત જ તમને વહેમ આવે! કેમ જાણે હળવે રહીને ડોકી મરડી નાખવા કરતાં બરડામાં ખંજવાળવાનું કામ વધુ મુશ્કેલ હોય! હે...એ ભગવાન! જો રાજાજી તમને ચોખ્ખેચોખ્ખું કહે કે એકવાર મારા હાથમાં આવો, એટલે હું તમને એક પછી એક રાજ્યમાંથી રસ્તો પકડાવું; તો તો તમને કાંઈ એવો વહેમ ન આવત કે, કોણ જાણે ભાઈ, રાજકુમારીની સાથે વિવાહ કરવા કદાચ રાજાજી બોલાવતા હશે! પરંતુ મહારાજાએ તો એમ કહેવરાવ્યું ખરુંને, કે “હે સર્વે ભાઈઓ, ‘राजद्वारे स्मशाने च यस्तिष्ठिति स बांधव :’ માટે તમે સર્વે પૂજાને ઉપલક્ષે આંહીં પધારો ને કાંઈક ફળાહાર કરો.” બસ, ત્યાં તો તરત જ તમને વહેમ આવ્યો કે ફળાહાર કોણ જાણે કઈ જાતનો હશે! હે... મધુસૂદન! હોય એ તો! મોટા માણસોને નાની વાતમાં વહેમ આવે.
જયસેન : ગોર દેવતા, તમે તો ઘણા જ સરળ પ્રકૃતિના આદમી, હો! તમારી વાત સાંભળ્યા પછી મારો ભ્રમ ભાંગી ગયો.
ત્રિવેદી : જીવતા રહો! વ્યાજબી કહ્યું. અમમાં કાંઈ તમારા જેવી અક્કલ છે, બાપા? બધી વાત અમે સમજાવી ન શકીએ. અમે તો ભોળા ભટાક. પુરાણસંહિતામાં કહ્યું છે કે ‘अन्ये परे का कथा’ અર્થાત્, પારકાંની વાતમાં અમારે ડાહ્યલા શું કામ થવું પડે?
જયસેન : બીજા કોને નોતરું દેવા નીકળ્યા છો?
ત્રિવેદી : તમારા બધાનાં અભાગિયાં નામેય યાદ નથી રહેતાં. જેવા આકરા તમારા — કાશ્મીરીઓના સ્વભાવ, તેવા જ આકરાં તમારાં નામઠામ! જુઓને, આ રાજમાં તમારી ટોળીના જેટલા જેટલા, જ્યાં જ્યાં છે તે તમામને ત્યાં ત્યાંથી આવવાની હાકલ પડી છે, બાપા. હે...એ શૂલપાણિ! એકેય બાકી નથી રહેવાનો.
જયસેન : ઠીક, જાઓ ગોર, હવે વિશ્રામ કરો.
ત્રિવેદી : પણ તમારા મનમાંથી તમામ વહેમ નીકળી ગયો, એ જાણીને મંત્રીજી ભારે રાજી થાશે, હો બાપા! હે...એ મુકુંદ હરે મુરારે!

[જાય છે]

જયસેન : મિહિરગુપ્ત, બધો મામલો સમજાયો કે? હવે, ગૌરસેન, યુધોજિત, ઉદયભાસ્કર, એ તમામની પાસે તાબડતોબ દૂત રવાના કરો; કહેવરાવો કે બધાએ તરત જ એકઠા થઈને મસલત કરવાની જરૂર છે.
મિહિરગુપ્ત : જેવો હુકમ.