રાજા-રાણી/બીજો પ્રવેશ3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજો પ્રવેશ

ચોથો અંક


         સ્થળ : દેવદત્તની મઢૂલી. દેવદત્ત અને નારાયણી.

દેવદત્ત : પ્રિયે, ત્યારે હવે રજા આપો, સેવક જાય છે.
નારાયણી : તે જાઓ ને! મેં કાંઈ તમને બાંધી રાખ્યા છે?
દેવદત્ત : તારું દુઃખ જ આ છે ને! આ દુઃખે તો ક્યાંય જવાનું જ બનતું નથી. વિદાય લેવામાં પણ મજા ન મળે! જો સાંભળ, હું કહું તેમ કર. પ્રથમ તો આંહીં શરીરને પડતું મૂક. પછી બોલ, કે ‘હાય! હું હતભાગિની! હાય વિધિ! હા કામદેવ! શું કરું?’ બોલ.
નારાયણી : હવે ઠાલા બકો મા. મારા સમ, સાચું બોલો, ક્યાં જાવું છે?
દેવદત્ત : રાજાની પાસે.
નારાયણી : રાજા તો લડાઈમાં ગયા છે. તમે શું લડાઈમાં જશો? દ્રોણાચાર્ય બની ગયા કે શું?
દેવદત્ત : ના રે, તું બેઠી છો ત્યાં સુધી હું તે લડાઈ કરું? ઠીક, પણ આ વખતે તો મને રજા આપો, પ્રિયે!
નારાયણી : તે જાવને; કોણ તમને ગળાના સમ દઈને ઝાલી રાખે છે?
દેવદત્ત : હાય રે પ્રભુ મકરકેતન! આંહીં તમારાં ફૂલનાં બાણ નહીં કામ કરે. તમારું આખું ને આખું પાષાણ-શર નહીં છોડો, ત્યાં સુધી આ ગોરાણીનું કાળજું નથી વીંધાવાનું. આ તો ગોરાણીનું કાળજું! અરે, કહું છું કે શિખરદન્તી, પક્વબિમ્બાધરોષ્ઠી, આંખમાંથી જરાક જળજળિયાં નહીં નીકળે! ઝટપટ એક-બે ટીપાં તો પાડ, એટલે હું રસ્તો પકડું!
નારાયણી : કપાળ તમારું! મારે શું દુઃખ હોય તે હું આંસુડાં પાડું? પણ હેં! સાચું કહો તો, તમારા ગયા વિના શું રાજાની લડાઈ નહીં ચાલે? એવા મોટા લડવૈયા ક્યારે થઈ ગયા?
દેવદત્ત : અરે, મારા વિના લડાઈ બંધ જ નહીં પડે; મંત્રીજીના ઉપર કાગળ આવે છે કે રાજાજી તો ખુવાર થઈ જાય તોય કોઈ વાતે લડાઈ નથી છોડતા; બંડ તો આંહીં ક્યારનું બેસી ગયું તોયે —
નારાયણી : બંડ બેસી ગયું; ત્યારે રાજા લડાઈ કરે છે કોની સાથે?
દેવદત્ત : રાણીના ભાઈ કુમારસેન સાથે.
નારાયણી : અરે, એ શી વાત? પોતાના સાળાની સાથે લડાઈ? મને તો લાગે છે એકબીજા રાજા આ રીતે જ મશ્કરી કરતા હશે. આપણે હોઈએ તો ફક્ત કાન મરડી નાખીએ, એટલે પતી જાય; ખરું?
દેવદત્ત : ના, મશ્કરી તો નથી. મહારાણી કુમારસેનની મદદથી જયસેન અને યુધોજિતને યુદ્ધમાં કેદ પકડી રાજાજીની પાસે લઈ આવ્યાં; પણ મહારાજે એમને શિબિરમાં આવવા જ ન દીધાં.
નારાયણી : શું બોલો છો? ત્યારે તમે આટલા દિવસ સુધી ગયા કેમ નહીં? આ સમાચાર સાંભળ્યા પછી પણ બેઠા છો? જાઓ, હમણાં જ ઊપડો. રાણીજી જેવાં સતીનું અપમાન કર્યું? અરેરે! નક્કી રાજાની કાયામાં કળજુગ પેસી ગયો!
દેવદત્ત : જાણે વાત આમ બની; કેદ પકડાએલા બંડખોરોએ બાપુને કહ્યું કે “બાપુ, અમે તો તમારી જ રૈયત કહેવાઈએ. અપરાધ કર્યો હોય તો તમે પોતે જ સજા કરો. પણ એક પરદેશી આવીને અમારું અપમાન કરે, એ તો તમારું જ અપમાન કર્યા બરોબર કહેવાય. કેમ જાણે તમારા પોતાના રાજમાં રાજ ચલાવવાની તમારી શક્તિ જ ન હોય! આવા એક સાધારણ બળવામાં ઠેઠ કાશ્મીરથી લશ્કર આવે, એથી વધુ મશ્કરી બીજી કઈ હોઈ શકે?” આટલું સાંભળતાં જ મહારાજ સળગી ઊઠ્યા, અને કુમારસેનને બે-પાંચ આકરાં વેણ કહેવરાવી એક દૂત મોકલી દીધો. કુમારસેન તો ઉદ્ધત જુવાન, એટલે શી રીતે ખમી શકે? મને લાગે છે કે એ પણ દૂતની સાથે સામાં બે-ચાર વાંકાં વેણ કહેવરાવ્યા વિના નહીં રહ્યા હોય!
નારાયણી : એમાં શું? કુમારસેન તો રાજાના પોતાના કહેવાય — કાંઈ પારકા માણસ તો નથી ને? તો પછી ભલે ને સામસામી વાતો કર્યા જ કરે! તમે નહીં હો તો શું રાજાને બે-પાંચ વેણ બોલતાં પણ નહીં આવડે? વાતો બંધ કરીને વળી હથિયાર ચલાવવાની શી જરૂર? એમાં તો ઊલટું હારી જવાય!
દેવદત્ત : અસલ હકીકત તો લડાઈ કરવાનું એક બહાનું હતું. પણ હવે તો રાજાજી કહે કે ‘લડાઈ ન છોડું’, હવે તો અવનવાં બહાનાં કાઢ્યા જ કરે છે. અત્યારે હિંમત કરીને રાજાને એના હિતની બે વાતો કહે એવો કોઈ નથી રહ્યો. એટલે હવે તો મારાથી નથી રહેવાતું. હું તો આ ચાલ્યો.

નારાયણી : મરજી હોય તો ભલે જાવ, બાકી હું એકલી કાંઈ ઘરનો ઢસરડો નહીં કરી શકું એ વાત પહેલેથી જ કહી રાખું છું. આ પડ્યું તમારું ઘરબાર. હું તો જોગણ બનીને ચાલી નીકળીશ.

દેવદત્ત : હમણાં ખમી જા, હું આવું પછી જાજે. છતાં તું કહેતી હોય તો હું રોકાઈ જાઉં.
નારાયણી : ના, તમે તમારે જાવને! હું શું સાચેસાચ તમને રોકતી હતી? ના, ના, તમારા વિના કાંઈ મારી છાતી ફાટી નહીં જાય, ઉચાટ કરશો મા. મારું તો મજાનું ચાલ્યું જવાનું.
દેવદત્ત : એ હું ક્યાં નથી જાણતો? મનેય ખબર છે કે મલયાનિલ તારા પર કાંઈ અસર કરે તેમ નથી. વિરહ તો શું, વજ્રનો ઘા વાગે તોયે તને કાંઈ ન થાય.

[જવા તત્પર.]

નારાયણી : હે ઈશ્વર! રાજાજીને રૂડી મતિ દેજો, ભગવાન! વહેલા વહેલા પાછા એને ઘેર પહોંચાડજો!
દેવદત્ત : ઘર છોડીને કદી જ ક્યાંય ગયો નથી! હે ભગવાન! આ બધાંની રક્ષા કરજો.

[જાય છે.]