રાજેન્દ્ર શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

રાજેન્દ્ર કેશવલાલ શાહ, રામ વૃંદાવની' (૨૮-૧-૧૯૧૩) : કવિ. જન્મ વતન કપડવંજમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કપડવંજમાં. અંબુભાઈ પુરાણીની વ્યાયામપ્રવૃત્તિમાં રસ લીધો. ૧૯૩૦માં અસહકારની લડતમાં જોડાયા. ૧૯૩૨માં મૅટ્રિક. ૧૯૩૪માં વડોદરા કૉલેજમાં જોડાઈ ૧૯૩૭માં ફિલસૂફી વિષય સાથે બી.એ. અમદાવાદની શાળામાં નોકરી. પછી જયોતિસંઘમાં ૧૯૪૨ સુધી કામ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં મોદીખાનાની દુકાન. ૧૯૪૫માં મુંબઈ જઈ જંગલોમાં લાકડાં કાપવાનો કોન્ટ્રાકટ રાખતી કંપનીમાં નોકરી. ૧૯૫૧થી ૧૯૫૫ સુધી કાગળનો વેપાર. ૧૯૫૫માં ‘લિપિની પ્રિન્ટરી’ નામના પ્રેસનો પ્રારંભ. ૧૯૪૭નો કુમારચંદ્રક, ૧૯૫૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૪નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૧૯૭૦થી નિવૃત્ત જીવન અને વતનમાં નિવાસ. એમના કાવ્યરાશિ વિપુલ છે તેમ સત્ત્વશાળી પણ છે. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ આ કવિ અનુગાંધીયુગના પ્રમુખ કવિ છે. એમની કવિતામાં પ્રહ્લાદ પારેખની કવિતાનાં લક્ષણો વિકસિત રૂપે જોવા મળે છે. પ્રફ્લાદ પારેખ-શ્રીધરાણીથી શરૂ થયેલી સૌંદર્યાભિમુખ કવિતાની પરાકાષ્ઠા આ કવિની કવિતામાં આવી છે; ને ગાંધી-ઠાકોર-પ્રભાવ ઓસરતો ગયો છે. વળી, રવીન્દ્ર-પ્રભાવ પ્રબળ રૂપમાં અન્ય કાવ્યો કરતાં એમનાં ગીતો પર વિશેષ જણાય છે. ધ્વનિ' (૧૯૫૧)નાં ૧૦૮ કાવ્યોમાં પિસ્તાળીસ ગીતો છે. આ સંગ્રહ પ્રગટ થયા પછી થોડાક મહિના પછી કવિને સાઠ ગીતોનો સંગ્રહ ‘આંદોલન' (૧૯૫૧) પ્રગટ થયો છે. તે પછીના સંગ્રહોમાં પણ ગીતો સારી સંખ્યામાં છે. ઉપરાંત ૧૯૭૮માં કવિને બીજો ગીતસંગ્રહ ‘ઉગીતિ’ પ્રગટ થયો છે. આમ, આ કવિ, ન્હાનાલાલ પછીના આપણા મોટા ગજાના ગીતકવિ છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિએ કાવ્યશક્તિનાં ઊંચાં શિખરો સર કર્યા છે. અનવદ્ય પ્રકૃતિકાવ્ય ‘શ્રાવણી મધ્યા', અર્થસઘન ચિતનપ્રવણ કાવ્ય ‘નિરુદ્દે શે, મૃત્યુના મિલનનું વિરલ કાવ્ય ‘શેષ અભિસાર’, યશોદાયી સૉનેટમાળા ‘આયુષ્યના અવશેષે’ વગેરેથી આ સંગ્રહ સમૃદ્ધ છે. ૧૯૬૦માં બાળકાવ્યસંગ્રહ ‘માર પિચ્છ' પ્રકાશિત થયો છે. ‘શાંત કોલાહલ' (૧૯૬૨) એમનો બીજો કાવ્યસંગ્રહ છે. એમાં ‘રાગિણી'નાં આઠ સોનેટના ગુચ્છમાં સંગીતના વિવિધ રાગોને અનુલક્ષીને સંપન્ન દામ્પત્યજીવનની પ્રસન્નતા પ્રગટ કરી છે. આવું જ નોંધપાત્ર બીજ ગુચ્છ છે ‘વનવાસીનાં ગીત'. આ બે ગુચ્છો ઉપરાંત ‘છલનિર્મલ’, ‘મેડીને એકાંત’, ‘સ્વપ્ન’, ‘ફેરિયો અને ફક્કડ’, ‘શાંત કોલાહલ', ધરુ જેવાં ઉત્તમ કાવ્યસંગ્રહની ગુણવત્તા વધારે છે. ‘ચિત્રણા (૧૯૬૭)માં માધ્યમ કવિનું હોવા છતાં દૃષ્ટિ તો ચિત્રકારની જ છે. એમાં સોળ કૃતિઓ છે, જેમાંની આઠ દૃશ્ય-ચિત્રણોની અને આઠ છબિચિત્રણની છે. આ ચિત્રણોમાંથી ‘પારિજાત’, ‘દ્વારિકા’, ‘ગાંધી', ‘ક. નર્મરા’નાં ચિત્રાંકને વિશેષ આરવાઈ છે. ‘વિષાદને સાદી (૧૯૬૮)નાં કાવ્યોમાં સાંપ્રત પરિસ્થિતિની સભાનતા અનુભવાય. છે. એમાં બે પ્રકારની રચનાઓ છે : પુરાણના પ્રસંગે વર્તમાનને સ્પર્શતા અર્થઘટન સાથે રજૂ થયા છે તેવી ‘અગ્નિ-તેજ, આગ અને ભસ્મ’, ‘મેલ’, ‘હિરણ્યકશિપુ’, ‘પૂતનાનો પ્રેમ’ જેવી રચનાઓ અને મનુષ્યની ભાષા તથા તેની કેટલીક પ્રવૃત્તિઓ વિશે સીધે સીધી વાતો કહેતી રચનાઓ. ‘ક્ષણ જે ચિરંતન’ (૧૯૬૮)નાં મુંબઈમાં’, ‘મધ્યરાત્રીએ શહેર' જેવાં નગરકાવ્યો નિરંજન આદિના નગરકાવ્યોથી ભિન્ન પ્રકારનાં તો છે જ, સાથે સાથે કવિની વૈયકિતક મુદ્રાથી અંકિત પણ છે. ‘મધ્યમા' (૧૯૭૭)માં કવિ નવું કાવ્યરૂપ લઈ ઉપસ્થિત થયા છે. પ્રથમ ખંડ દૈનંદિની'ની નિશ્ચિત પ્રકારના દૃઢબંધવાળી એકત્રીસ રચનાઓમાં રોજબરોજની સામાન્ય લાગતી ઘટનાઓમાંથી કાવ્યત્વને કંડારવાને પ્રયાસ થયો છે. ‘દક્ષિણા' (૧૯૭૯)ની કાવ્યસૃષ્ટિ રહસ્ય-ચિંતન અધ્યાત્મની સૃષ્ટિ છે. અહીં કવિ વૈયકિતક અનુભૂતિને વૈશ્વિક અનુભૂતિ સાથેનો સંબંધ જોડી આપે છે. પત્રકાવ્યોનો સંગ્રહ ‘પત્રલેખા' (૧૯૮૧)માં મુખ્યત્વે ઇહલૌકિક અનુભૂતિઓનું આલેખન સાંપડે છે. કુટુંબજીવન સાથે સંકળાયેલા અનેક ભાવોનું આલેખન અહીં કેટલીક રચનાઓમાં થયું છે. દીકરીને સાસરે વળાવવાના મર્મસ્પર્શી પ્રસંગનું આલેખન કવિએ ‘ગૃહિણીને રચનામાં કર્યું છે. ‘પ્રસંગસપ્તકનાં કાવ્યોમાં એક નાટ્યમય આકૃતિ રચવાનો કવિનો પ્રયાસ જોઈ શકાય છે; છતાં ‘અહલ્યા’, ‘કૈકેયી’, ‘રેણુકાનો પુનર્જન્મ', ‘પૃથાની વરપ્રાપ્તિ’ વગેરકાવ્યોમાં શાપ-અભિશાપ અને વરદાન કેન્દ્રમાં રહેલાં છે. સંકલિત કવિતા' (૧૯૮૩) એમને પૂર્વપ્રકાશિત સંગ્રહોનો સંગ્રહ છે. એમણે ૧૯૮૫માં ‘આંબે આવ્યા મોર’ નામે બીજો બાળકાવ્યસંચય આપ્યો છે. એમની કવિતાના મુખ્ય વિષયો પૈકી એક છે પ્રેમ. એમનો પ્રેમનો અનુભવ વધુ ને વધુ વ્યાપક થતો ગયો છે એની પ્રતીતિ ‘ધ્વનિથી ‘પત્રલેખા’ સુધીનાં પ્રેમકાવ્યોમાં થાય છે. એમાં પ્રણયભાવ ઘણીવાર લૌકિકતાની હદને ઓળંગી અલૌકિકતાના સીમાડાને સ્પર્શી રહે છે. બીજો મહત્ત્વનો વિષય છે પ્રકૃતિ. પ્રકૃતિ જયાં આલંબનવિભાવ તરીકે આવી છે ત્યાં શુદ્ધ પ્રકૃતિકાવ્યો પ્રાપ્ત થયાં છે, પરંતુ પ્રકૃતિ જયાં ઉદ્દીપનવિભાવ તરીકે પ્રયોજાઈ છે ત્યાં તે પ્રણયના ભાવને પોષક બની છે. પ્રેમકવિતા કરતાં પ્રકૃતિકવિતાનું ફલક વિસ્તૃત છે. એમની પ્રભુપ્રેમની, રહસ્યવાદી અને સાંપ્રત પરિસ્થિતિની સભાનતાની ચિતનકવિતા એકી સાથે અધ્યાત્મની અને કલાની એમ ત્રિવિધ પ્રાપ્તિ માટે મથે છે. એમનાં કાવ્યો પરથી એમનું જે કવિવ્યક્તિત્વ આપણી સમક્ષ ખડું થાય છે તે ઋતદૃષ્ટિ કવિનું છે. ઊર્મિકવિતાનું અત્યંત મહત્ત્વનું લક્ષણ ‘લિરિસિઝમ’ એમની કવિતામાં નૂતનતા અને તાજપ સાથે અભિવ્યક્ત થાય છે. એમની કવિતા સૌદર્યાનુભૂતિની પીઠિકા પર આસ્વાદી શકાય છે એનું કારણ છે એમની અપૂર્વ સંવેદનક્ષમતા. કવિમાં સૂક્ષ્મ સંવેદન શક્તિ તો છે જ, સૂક્ષ્મ શબ્દશક્તિ પણ છે. આ શક્તિત્યનું રસાયણ રચાતાં કવિતામાં ભાવસૌંદર્ય પ્રગટે છે. એમની કવિતાને પ્રધાન ગુણ માધુર્ય છે. ઉચિત પ્રતીક-કલ્પનોને વિનિયોગ, ભાષાની સુઘડતા, શબ્દોની ચારુતા, છંદ-અલંકાર-લય-પ્રાસાદિનું રસૂઝભર્યું નિયોજન તથા કાવ્યબાનીનું સુઘટ્ટ રેશમી પત એમની કવિતાને કલાત્મક રૂપ આપે છે. એમણે ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના વાર્ષિક કેસૂડાંમાં ‘સરદાસ’ અને આઈ.એન.ટી.ના સામયિક ‘એકાંકી'માં ‘ગતિ-મુક્તિ’ એમ બે એકાંકીઓ પ્રકાશિત કર્યાં છે. એમણે આઠેક વાર્તાઓ પણ લખી છે. કવિ જયદેવ-વિરચિત પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિ ‘ગીતગોવિંદ'ને એમણે કરેલા સમશ્લોકી અનુવાદ ધ્યાનાર્હ છે.