રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ2

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રીજો પ્રવેશ

'અંક ત્રીજો


         સ્થળ : કારાગૃહ. સમય : રાત્રિ.

[બેડીઓમાં જકડાયેલો શક્તસિંહ બેઠો છે.]

શક્ત : રાત પૂરી થવા આવી. સાથે સાથે મારું આ પામર આયુષ્ય પણ પૂરું થવા આવ્યું. આજનું પ્રભાત મારા જીવનનું છેલ્લું પ્રભાત! પ્રભાતે તો આ સુકોમળ, સુંદર, હૃષ્ટપુષ્ટ કાયા લોહીલોહાણ બનીને ધૂળમાં રોળાવાની. બધાય એ જોઈ શકશે; નહિ જોઉં એક હું જ. હું? એ ‘હું’ કોણ? ક્યાંથી આવ્યો એ? આજ ક્યાં જાય છે એ? ખૂબ વિચારી જોયું; પણ કંઈ ન સમજાયું. પ્રશ્નો બાંધી જોયા, પણ કાંઈ પત્તો ન મળ્યો; દર્શનશાસ્ત્ર વાંચ્યું, પણ કાંઈ મીમાંસા ન થઈ. હું કોણ? ચાલીસ વરસ પૂર્વે ક્યાં હતો? કાલે ક્યાં હોઈશ? એ પ્રશ્નોની મીમાંસા તો આજે થવાની. કોણ એ?

[હાથમાં બત્તી લઈને મહેરઉન્નિસા દાખલ થાય છે.]

મહેર : હું મહેરઉન્નિસા.
શક્ત : મહેરઉન્નિસા! શહેનશાહ અકબરનાં પુત્રી!
મહેર : હા, એ જ.
શક્ત : આપ આંહીં શા માટે?
મહેર : તમને બચાવવા માટે.
શક્ત : મને બચાવવા? શા માટે? મને પોતાને તો બચવાની કશીયે પરવા નથી!
મહેર : બચવાની પરવા નથી? આવી સુંદર દુનિયાને છોડતાં તમને કશું દર્દ નથી થતું?
શક્ત : બિલકુલ નહિ. દુનિયા તો હવે જૂની બની ગઈ. રોજ સવારે એ-નો એ સૂર્ય! રોજ રાતે એ-નો એ ચંદ્રમા અથવા એ-નું એ અંધારું! રોજ એ-નાં એ ઝાડ, એ-ના એ પહાડ, એ-ની એ નદીઓ, એ-નું એ આકાશ! પૃથ્વી તદ્દન પુરાણી બની ગઈ. હવે તો મૃત્યુને પેલે પાર જઈને જોઉં, ત્યાં કાંઈ નવીન છે કે નહિ?

મહેર : જિંદગી પર તમને કશી મમતા નથી?

શક્ત : શા માટે? આટલા દિવસ જિંદગી ખૂબ જોઈ, આખરે છેક અસાર લાગી. હવે જોઉં તો ખરો, મૃત્યુ કેવુંક છે! હરહમેશ એની કીર્તિ સાંભળું છું, પણ એને વિષે કશુંય નથી જાણતો. એને જાણી લઈશ.
મહેર : તમારાં પ્રિયજનોને છોડી જતાં શું તમને વસમું નથી લાગતું?
શક્ત : પ્રિયજન હોત તો વસમું લાગત ખરું; પણ મારે એકે ય પ્રિયજન નથી. જગતમાં કોઈને ચાહતાં શીખ્યો નથી. કોઈએ મને પણ પ્યાર નથી કરેલો, કોઈનું કશું માંગણુંયે નથી રહ્યું. બધું કરજ ચુકાવી દીધું છે. [સ્વગત] હા; એક દેણું બાકી રહી ગયું — સલીમની લાતનું કરજ મેં નથી પતાવ્યું. એ એક કામ અધૂરું રહી ગયું.
મહેર : ત્યારે તમને છૂટવાનું મન નથી કે?
શક્ત : [આગ્રહથી] હા, મન થાય છે, શાહજાદી! એક વાર છૂટવા બહુ આતુર છું. મારું કરજ ચુકાવીને આપોઆપ હું પાછો આવીને પકડાઈશ. આપની તાકાત હોય તો, બસ, એક વાર છૂટો કરો.
મહેર : પહેરેગીર!

[પહેરેગીર આવીને સલામ કરે છે.]

મહેર : બેડી ખોલો!

[પહેરીગીર બેડી ખોલે છે.]

મહેર : [પોતાના ગળામાંથી હીરાનો હાર કાઢીને પહેરેગીરને આપે છે] આ હાર વેચી નાખજે. ઓછામાં ઓછી એની એક લાખ સોનામહોર ઊપજશે. ભવિષ્યમાં તને ગુજરાનની ચિંતા નહિ રહે, જા.

[પહેરેગીર જાય છે.]

શક્ત : [જરાવાર સ્તબ્ધ] એક વાત પૂછું? મારા છુટકારાને માટે આવડી આતુરતા આપને કેમ?
મહેર : કેમ? એ જાણવાનું પ્રયોજન આપને શું?
શક્ત : ફક્ત કુતૂહલ.
મહેર : [સ્વગત] હા, જવાબ દેવામાં શો વાંધો છે? ભલેને આંહીં જ બધું નક્કી થઈ જાય! [પ્રકટ] ત્યારે સાંભળો, મારી બહેન દૌલતઉન્નિસા યાદ આવે છે?
શક્ત : હા, આવે છે.
મહેર : એ — એ આપના પર મુગ્ધ છે.
શક્ત : મારા પર?
મહેર : હા, આપના પર. અને જો હું ભૂલતી ન હોઉં તો આપ પણ એના પર...
શક્ત : હું?
મહેર : હા, આપ નકામા કાં ઈનકાર કરો?
શક્ત : હું છૂટું એમાં એને શો લાભ?
મહેર : એ તો એ જાણે. સવાર પડતું આવે છે. આપ હવે છૂટા છો; ઇચ્છા હોય ત્યાં આપ જઈ શકો છો. કોઈ નહિ અટકાવે. અને જો દૌલતઉન્નિસા સાથે લગ્ન કરવા તૈયાર હો —
શક્ત : લગ્ન! હિન્દુ થઈને યવનની સાથે લગ્ન! એ કયા શાસ્ત્ર અનુસાર?
મહેર : હિન્દુ શાસ્ત્ર અનુસાર. આપના પૂર્વ પુરુષ બાપ્પારાવે પણ યવનની સાથે લગ્ન ક્યાં નથી કર્યાં?
શક્ત : એ લગ્ન તો આસુરી.
મહેર : ભલે આસુરી, પણ લગ્ન તો ખરાં જ. અને શાસ્ત્રનું પૂછો છો? શાસ્ત્ર કોણે ઘડ્યાં છે, શક્તસિંહ? લગ્નનું શાસ્ત્ર તો બસ એક જ — પ્રેમ. કોઈ શાસ્ત્રની તાકાત નથી કે સ્નેહના બાંધેલા બંધનને જરાયે ઢીલાં કરી શકે. નદી જ્યારે સાગરને મળવા ધસે, તારો જ્યારે તૂટીને પૃથ્વીને ભેટવા દોડે, ફૂલવેલ જ્યારે આંબાને આલિંગતી ઉપર ચડે, ત્યારે શું એ બધાં પુરોહિતના મંત્રોચ્ચારની વાટ જોતાં હોય છે?
શક્ત : શાસ્ત્રોનો મને ભય નથી, શાહજાદી! જે માણસ સમાજને નથી માનતો તેને વળી શાસ્ત્રની શી કિંમત?
મહેર : ત્યારે આપ સ્વીકાર કરો છો?
શક્ત : [વિચારે છે.] એમાં મારું શું જાય છે? જિંદગીમાં જરા વિચિત્રતા તો જોવાશે! આજ સુધી સ્ત્રી-ચરિત્રની પરીક્ષા નથી કરી. લે ને, એય કરી જોઉં!
મહેર : શું કહો છો? મંજૂર?
શક્ત : મંજૂર.
મહેર : ધર્મસાક્ષી?
શક્ત : ધર્મને હું માનતો નથી.
મહેર : માનો કે ન માનો, પણ બોલો ‘ધર્મસાક્ષી.’
શક્ત : ધર્મસાક્ષી.
મહેર : શક્તસિંહ, મારો અમૂલો હાર મારી છાતી છૂંદીને મારા ગળામાંથી કાઢી આજ હું તમારે ગળે પહેરાવી દઉં છું. જોજો હો, એનું અપમાન ન થાય. બોલો, ધર્મસાક્ષી?
શક્ત : ધર્મસાક્ષી.
મહેર : ચાલો ત્યારે.
શક્ત : ચાલો. [ચાલતાં ચાલતાં સ્વગત] આજ સુધી મારું જીવન જરા ગંભીર ભાવથી ચાલ્યું આવતું હતું, આજ જાણે એમાં એક પ્રહસન પેસી ગયું!
મહેર : ચાલો ત્યારે, સવાર પડવા આવ્યું છે.