રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રીજો પ્રવેશ

'અંક પાંચમો


સ્થળ : કિલ્લાની પાસે રણમેદાનમાં પ્રતાપસિંહનો તંબૂ. સમય : સાંજ.

[પ્રતાપ, ગોવિન્દ અને પૃથ્વીરાજ સશસ્ત્ર ઊભા છે.]

પ્રતાપ : દેવીની બહુ દયા થઈ!
પૃથ્વી : મહોબત પોતે જ પકડાઈ ગયો.
ગોવિન્દ : અને આઠ હજાર મોગલો ખપી ગયા.
પ્રતાપ : મહોબતને આંહીં લઈ આવો, ગોવિન્દસિંહ!

[ગોવિંદસિંહ જઈને બેડીમાં બંધાયેલા મહોબતને લઈ આવે છે.]

પ્રતાપ : [પહેરેગીરને] બેડીઓ ખોલી નાખો.

[પહેરેગીર બેડીઓ ખોલે છે.]

પ્રતાપ : મહોબત! તને છોડી દેવામાં આવે છે. જા, આગ્રા ચાલ્યો જા. માનસિંહને મારા રામરામ કહીને સંદેશો દેજે કે આ યુદ્ધમાં આપને મળવાની પ્રતાપની તો બહુ આશા હતી. આવ્યા હોત તો હલદીઘાટનો બદલો લેત. એ મોગલ સેનાપતિને, એ મહારાજાને કહેજે કે એક વાર તો યુદ્ધક્ષેત્રમાં એમને મળવાની હજુ મારી યાચના છે.

[મહોબત ચુપચાપ નીચે મોઢે રવાના થાય છે.]

પૃથ્વી : ત્યારે ઉદેપુર પણ સર કર્યું કે?
પ્રતાપ : હા, પૃથ્વી.
પૃથ્વી : ત્યારે હવે બાકી રહ્યો ચિતોડ.
પ્રતાપ : ચિતોડ, અજમેર અને મંડલગઢ.

[આ વખતે શક્તસિંહ આવે છે.]

પ્રતાપ : આવ, ભાઈ — [પ્રતાપ ઊઠીને શક્તસિંહને ભેટે છે.] મને જો એક ઘડીક મોડું થયું હોત તો તને જીવતો ન જોત, શક્તા!
શક્ત : મારી તો રક્ષા તમે બરાબર કરી, મોટાભાઈ; પરંતુ [નિઃશ્વાસ નાખીને] આ યુદ્ધની અંદર હું મારું સર્વસ્વ હારી બેઠો.
પ્રતાપ : એવું શું હારી બેઠો, બાપ?
શક્ત : મારી સ્ત્રી દૌલતઉન્નિસા.
પ્રતાપ : તારી સ્ત્રી દૌલતઉન્નિસા?
શક્ત : હા ભાઈ, મારી સ્ત્રી દૌલતઉન્નિસા.
પ્રતાપ : એટલે શું તેં મુસલમાન વેરે વિવાહ કરેલા?
શક્ત : હા, ભાઈ, મુસલમાન વેરે.
પ્રતાપ : [બહુ વાર સ્તબ્ધ રહીને, પછી કપાળે હાથ કૂટી] ભાઈ! ભાઈ! તેં શું કર્યું? આટલા દિવસ મારું સર્વસ્વ રઝળાવીને મારા વંશની રક્ષા કરી — [એટલું બોલી ઊંડો નિઃશ્વાસ નાખે છે. થોડી વાર ચૂપ રહે છે. પછી બોલે છે] ના, ના, હું જીવતાં તો એ કદી નહિ બને. શક્તસિંહ! આજથી તું મારો ભાઈ નહિ, કોઈ નહિ, મેવાડ વંશને ને તારે કાંઈ ન લાગેવળગે. ફિનશરાનો કિલ્લો તેં જીત્યો હતો, એટલે એ ઝૂંઢવી લેવાનો મારો અધિકાર નથી. પરંતુ આજથી તું અને એ કિલ્લો બન્ને મેવાડની બહાર છો.
પૃથ્વીરાજ : આ શું કરો છો, પ્રતાપ?
પ્રતાપ : હું શું કરી રહ્યો છું તે હું બરાબર સમજું છું. પૃથ્વી! શક્તસિંહ! આજથી તારે ને મેવાડને કાંઈ સગપણ નથી રાણાવંશ સાથે પણ કાંઈ સગપણ નથી.

[એટલું બોલીને ગુસ્સામાં ને ક્ષોભમાં આંખો આડા હાથ દે છે.]

ગોવિંદ : રાણા —
પ્રતાપ : ચૂપ રહેજો, ગોવિન્દસિંહ! આટલા દિવસ થયા હું મારા વંશની જે પવિત્ર આબરૂની રક્ષા કરતો આવ્યો. તેને ખાતર ભાઈ, સ્ત્રી અને પુત્રનો ત્યાગ કરવો પડશે તો કરીશ. જીવીશ ત્યાં સુધી તો એ આબરૂની રક્ષા કરીશ. મર્યા પછી જે થવાનું હોય તે થાય!
પૃથ્વીરાજ : રાણા! શક્તસિંહ આ યુદ્ધમાં —
પ્રતાપ : હા, હા, મારો જમણો બાહુ હતો એ હું જાણું છું. છતાં, એને પણ સડેલો હાથ સમજીને હું કાપી ફેંકી દઉં છું.

[પ્રતાપ જાય છે.]

પૃથ્વીરાજ : હા! હતભાગી રાજસ્થાન!

[જાય છે.]
[ગોવિંદસિંહ પણ ચુપચાપ પૃથ્વીસિંહની પાછળ જાય છે.]

શક્તસિંહ : [સ્વગત] મોટાભાઈ! તમારી તો હું દેવ જાણી ભક્તિ કરું છું. પરંતુ તમારી આજ્ઞાથી હું શું દૌલતને મારી સ્ત્રી તરીકે નાકબૂલ કરું? એકસો ને એક વાર હું કબૂલ કરીશ કે દૌલતઉન્નિસા સાથે મેં લગ્ન કરેલાં. ભલે એ લગ્નમાં ઢોલનગારાં ન વાગ્યાં હોય, પુરોહિતના મંત્રોચ્ચાર ન થયા હોય, અગ્નિદેવ સાક્ષી ન રહ્યા હોય; છતાં મેં એની સાથે સાચાં લગ્ન કરેલાં. અત્યારે તો એટલું કબૂલ કરવું એ જ મારો દિલાસો છે. પ્રતાપ! તું દેવ ખરો! પરંતુ એ પણ દેવી હતી. તેં મારી આંખો ખોલીને પુરુષની મહત્તા બતાવી. પુરુષને હું સ્વાર્થી જ સમજતો હતો; તેં દુનિયામાં ત્યાગનો મહિમા દેખાડ્યો. તેમ સ્ત્રીજાતિને હું તુચ્છ, અસાર, કદાકાર પ્રાણી સમજતો હતો; પણ દૌલતે સ્ત્રીજાતનું સૌંદર્ય દેખાડી દીધું. અહો! કેવું એ સૌંદર્ય! આજ પ્રભાતે તો એ મારી સન્મુખ ઊભી હતી. કેવું તેજોમય એ મોં! કેવું મહિમામય! ને કેવું વિશ્વવિજયી રૂપથી વિભૂષિત! મૃત્યુને પેલે પારથી આવીને સ્વર્ગની કાંતિ જાણે એ વદન પર ઝળકતી હતી. એની સારી જિંદગીનું સંચિત પુણ્યજળ જાણે એ મોંને પખાળી રહ્યું હતું. પૃથ્વી પણ જાણે એના પગ તળે સ્થાન પામીને પુનિત બની હતી! કેવી એ છબી! હત્યાદેવીના નિઃશ્વાસરૂપ એ ધુમાડાની વચ્ચે, મૃત્યુનાં એ પ્રલયકારી મોજાંઓ વચ્ચે, જિંદગીની સમી સાંજના એ લગ્નને ટાણે, અહો, કેવી એ મૂર્તિ!

[ધીરે ધીરે ચાલ્યો જાય છે.]