રાણો પ્રતાપ/બીજો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : કોમલમીરના મહેલની પાસે સરોવરતીર. સમય : સંધ્યા.


                           [પ્રતાપસિંહની કન્યા ઇરા એકલી ઊભી ઊભી સૂર્યાસ્ત નિહાળી રહી છે.
                           આથમતા સૂર્ય સામે જોતી જોતી આનંદથી તાળી પાડતી —]

ઈરા : કેવો ભવ્ય દેખાવ! સૂર્ય આથમી રહ્યો છે. આખા આકાશમાં કોઈ નથી. બસ, એકલો એ સૂર્ય! ચાર-ચાર પહોર સુધી આકાશના રણવગડામાં ભટકી ભટકીને, અત્યારે હવે આ વિશ્વને જ્વાલાના રંગમાં ઝબકોળીને એ ચાલ્યો જાય છે. ઊગ્યો ત્યારે પણ એવો જ ગૌરવભર્યો, આથમે છે ત્યારે પણ એવો જ ગૌરવવન્તો! ઓ — ગયો. આકાશની પીળી પ્રભા ધીરે ધીરે ભૂખરી બની ગઈ. અને સંધ્યા તો આથમતા સૂર્યની સામે શૂન્ય નજરે જોતી જોતી, જાણે દેવતાની આરતી ઉતારવા ધીરે પગલે વિશ્વમંદિરમાં દાખલ થાય છે! મધુરી સંધ્યા! વહાલી સખી! એવી શી ચિંતા તારે હૃદયે વસી છે? અંતરમાં એવી કઈ ઊંડી નિરાશા આવી છે? શા કારણે આટલી ઉદાસ છે તું, બહેન? આટલી બધી અબોલ — આટલી મૂંઝાયલી? બોલ બોલ, બહેનાં!

[ઈરાની મા લક્ષ્મીબાઈ આવીને પાછળથી સાદ કરે છે.]

લક્ષ્મી : ઈરા!

[ઈરા તુરત ચમકી ઊઠે છે : માતાને જોઈને ઉત્તર આપે છે.]

ઈરા : કેમ, માડી?
લક્ષ્મી : હજી સુધી તું અહીંયા શું કરે છે?
ઈરા : સૂર્યાસ્ત જોઉં છું, મા! જો તો ખરી, મા, કેવો રમણીય દેખાવ! આકાશનો રંગ કેવો ઉજ્જ્વલ! પૃથ્વીની મુખાકૃતિ કેવી શાંત! સૂર્યાસ્ત જોવો મને તો બહુ ગમે છે.
લક્ષ્મી : રોજેરોજ જોવો ગમે છે?
ઈરા : રોજ ને રોજ જોવો ગમે છે. એ તો કદીયે જૂનો નથી થતો. સૂર્યોદય પણ સુંદર તો ખરો! પણ સૂર્યાસ્તની અંદર કોણ જાણે એવું કંઈક છે, કે જે સૂર્યોદયમાં નથી. કોણ જાણે કેવુંયે ઊંડું એ રહસ્ય, કોણ જાણે કેવીયે ગુપ્ત વેદના! અસીમ આકાશમાં જાણે ઊંડી કોઈ ગમગીની છવાઈ રહી હોય ની! કેવી અબોલ અને મધુર એ વિદાય! બહુ સુંદર, મા! બહુ સુંદર.
લક્ષ્મી : બેટા! તને ટાઢ વાશે.
ઈરા : ના, મા, મને ટાઢ વાય જ નહિ, હવે તો મહાવરો પડી ગયો. પેલો તારો જોયો, મા?
લક્ષ્મી : કયો તારો?
ઈરા : પેલો જો ને, પશ્ચિમ દિશામાં, આથમતા સૂર્યની ઉગમણી બાજુએ.
લક્ષ્મી : હા જોયો, જોયો.
ઈરા : એનું નામ શું તે ખબર છે તને?
લક્ષ્મી : ના.
ઈરા : એનું નામ છે શુક્રનો તારો. છ મહિના સુધી આ તારો ઊગતા સૂર્યની આગળ આગળ ચાલે; બીજા છ મહિના આથમતા સૂર્યની પાછળ પાછળ ચાલે. કોઈવાર જાણે પ્રેમરાજ્યનો સંન્યાસી, કોઈ વાર વળી જાણે સત્ય રાજ્યનો પુરોહિત! માડી, જો તો ખરી. એ તારો કેવો અચળ, કેવો ઝળહળતો, કેવો સુંદર છે!

[એટલું બોલીને ઈરા એકીટશે એ તારાની સામે તાકી રહે છે. લક્ષ્મી પળવાર પુત્રીની સામે એક નજરે નિહાળી રહે છે, અને પછી ઈરાની પાસે આવી હાથ ઝાલીને કહે છે.]

લક્ષ્મી : ચાલો હવે ઘરમાં, ઈરા! સાંજ પડી ગઈ.
ઈરા : થોડીવાર ઊભી રહે, મા! એ કોણ ગાય છે?
લક્ષ્મી : હા! આ ઉજ્જડ વનમાં કોણ હશે એ?

[આઘે આઘે એક સાધુ ગાતો ગાતો ચાલ્યો જાય છે.]

[રાગ : ધીરાના પદનો]
કૂડાં સુખની વાતો મેલો રે, સુખડાંએ તો દીધા દગા!
હું તો દુઃખની વાટે હાલ્યો રે, દુઃખડાં મારાં સાચાં સગાં!
સગાં બનીને સુખ સવારે આવ્યાં,
સાંજ સુધી રોકાણાં;
રાત પડી ત્યાં તો રસ્તા લીધા,
પાછાં નવ ડોકાણાં.
એવી જૂઠી એની યારી રે, જૂઠાં એનાં મુખડાં હસે!
ઓલ્યાં દુઃખની પ્રીત્યું ન્યારી રે, મુખડાં એનાં મીઠાં દિસે. — કૂડાં.
દયા કરીને સુખ મુજ ઘર આવે,
(એનું) ચરણામૃત મારે પીવું.
રૂદો રુવે આંસુડાંની ઊભરે,
તોયે હસતાં રે’વું.
એવી આંસુડાંની ધારા રે, દેખી સુખડાં આડું જુવે;
એવે ટાણે દુઃખડાં ધાતાં રે, ખોળે લઈને લોચન લુએ. — કૂડાં.

[બન્ને જણાં ચુપાચુપ એ ગાન સાંભળે છે. લક્ષ્મીબાઈ પુત્રીની સામે જુએ છે, ત્યાં એની આંખો જાણે આંસુના ભારથી નીચે નમેલી લાગે છે. ઇરા તરત માની સામે જુએ છે.]

લક્ષ્મી : દુઃખની છબી મીઠી?
ઈરા : હા, માડી. માર્ગમાં રમતાં-હસતાં તો અનેક માનવી ચાલ્યાં જાય છે, પણ એની સામે કોઈ કદી જુએ છે? બધાંની વચ્ચે એકાદ કોઈ આંસુભીની, નમેલી આંખોવાળું ઉદાસ માનવી જોઈએ, તો શું એમ નથી થતું મનમાં, કે એને બોલાવીને બે વાતો પૂછીએ? એનાં વીતકો સાંભળવાનું મન નથી થતું? એના પ્રાણમાં પ્રાણ પરોવીને, એક ચુંબન કરીને એનું આંસુ લૂછવાની ઇચ્છા શું ન થાય, માડી? લડાઈમાં જે જીત્યું હોય એનો ઇતિહાસ સાંભળવો ગમે, કે જે હાર્યું હોય એનો? એ બેમાંથી કોને માટે હૈયું દાઝે? કયું ગીત મીઠું? ઉદાસીનું કે આનંદનું? ઉષા રળિયામણી કે સંધ્યા? જઈને શું જોવાનું મન થાય? ઠાઠમાઠથી ભરેલી, સુખસંપત્તિમાં છકેલી, ગીતથી ગાજતી દિલ્હી નગરી? કે વૈભવવિહોણી, નિસ્તેજ, નીરવ મથુરાપુરી? માડી, સુખની અંદર કોણ જાણે કાંઈક અહંકાર જેવું લાગે છે. એ અહંકાર બહુ છકેલો, બહુ બોલકણો! પણ દુઃખ તો બહુ વિનયી, બહુ શાંત.
લક્ષ્મી : વાત સાચી છે, ઈરા!
ઈરા : મને તો લાગે છે કે દુઃખ ઊચું છે, સુખ હલકું છે. દુઃખ જે જમા કરે તે બધું સુખ ખરચી નાખે.
લક્ષ્મી : એટલી બધી તો મને ખબર નથી પડતી, ઈરા! છતાં લાગે છે કે સંસારમાં જે મહાન નરો હોય તે જ દુઃખી હોય છે, તે જ પીડાય છે. મનમાં કોઈ કોઈ વાર વિચાર્યા કરું છું કે અરે! દયાળુ પ્રભુએ આવી લીલા કાં રચી?

[પ્રતાપનો કુમાર અમરસિંહ આવીને સાદ કરે છે.]

અમરસિંહ : મા, મારા બાપુ બોલાવે છે.

[લક્ષ્મી અને ઈરા ચાલ્યાં જાય છે. અમરસિંહ એક સૂકા લાકડા પર બેસે છે.]

અમરસિંહ : હાશ! આખા દિવસના થાક પછી અત્યારે માંડ લગાર વિસામો મળ્યો. માંડ છૂટ્યો! રાતદિવસ બસ લડાઈની જ ધમાલ! બાપુને તો ખાવું નહિ, સૂવું નહિ, બસ ભણાવ્યા કરે, કસરત કરાવ્યા કરે, મસલત કર્યા જ કરે! હું એક રાજકુમાર, તોયે મારે પણ એક પામર સિપાઈની માફક યુદ્ધની તાલીમ લેવી! તો પછી રાજકુમાર થવામાં સાર શો? દુઃખ બાકી રહ્યું હશે તે બસ, આ સ્વેચ્છાએ લીધેલ વ્રત! આ સદાની ગરીબી! કાયમની કંગાલી! હરહંમેશનાં સાંસાં! શા માટે આ ધંધો માંડ્યો છે બાપુએ! કાંઈ સમજાતું નથી. એ કાકા જાય ઓ કાકા!

[શક્તસિંહ ફરતો ફરતો અમર પાસે આવે છે.]

શક્ત : કોણ, અમરુ?
અમર : હા, કાકા, આપ અત્યારે આંહીં?
શક્ત : જરા ફરું છું; હવા ખાઉં છું; ઘરમાં બહુ ગરમી લાગે છે. આ ઉદય-સાગરનો કિનારો બહુ મનોહર છે.
અમર : હેં કાકા, આજ સુધી આપ જ્યાં હતા ત્યાં શું આવું સરોવર નહોતું?
શક્ત : ના, ભાઈ.
અમર : આંહીં કોમલમીરમાં આપને કેવુંક ગમે છે?
શક્ત : ઠીક છે, પડ્યા છીએ.
અમર : બાપુએ આપને આંહીં બોલાવ્યા, તે શું મોગલોની સામે યુદ્ધ કરવા માટે?
શક્ત : ના રે, ભાઈ! તારા બાપુએ તો મને આંહીં આશરો દીધો છે.
અમર : એટલે શું આપ અત્યાર સુધી નિરાધાર હતા?
શક્ત : એક રીતે નિરાધાર તો ખરો જ ને, બેટા!
અમર : પણ આપ તો મારા બાપુના સગા ભાઈ છો.
શક્ત : હા, અમરુ! છું તો ખરો.
અમર : તો પછી આ રાજ્ય જેમ મારા બાપુનું તેમ આપનુંય ખરું ને!
શક્ત : ના ભાઈ! તારા બાપુ તો મારા જ્યેષ્ઠ ભ્રાતા છે, અને હું તો ફટાયો છું.
અમર : પણ તેથી શું?
શક્ત : શાસ્ત્રના ફરમાન પ્રમાણે જ્યેષ્ઠને જ ગાદી મળે, ફટાયાને નહિ.
અમર : એવો ધારો શા માટે? જ્યેષ્ઠ હોય એથી કાંઈ શ્રેષ્ઠ ન કહેવાય, તો પછી આવો ધારો કેમ?
શક્ત : એ તો હું નથી જાણતો.

[શકતસિંહ વિચાર કરે છે.]


                  હા, આ પણ એક સમસ્યા સાચી! જ્યેષ્ઠ હોવાથી કાંઈ શ્રેષ્ઠ ન કહેવાય! તો પછી સમાજમાં આવો નિયમ શા માટે? ઉચિત નિયમ તો એમ થવો જોઈએ કે જે શ્રેષ્ઠ તેને જ ગાદી મળે. શા માટે એ નિયમ                   નહિ? કોને માલૂમ? સમસ્યા તો સાચી!

અમર : શું વિચાર કરો છો, કાકા?
શક્ત : કાંઈ નહિ. ચાલો ઘરમાં. રાત પડી ગઈ.

[બન્ને જાય છે.]