રાણો પ્રતાપ/સાતમો પ્રવેશ4

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાતમો પ્રવેશ

'અંક પાંચમો


         સ્થળ : રાજમાર્ગ. સમય : રાત્રિ.

[રાજમાર્ગ પર રોશની થઈ છે. દૂર પડઘમ બજે છે. વિવિધ રંગના વાવટા ઊડે છે. સિપાહીઓની ટુકડીઓ રાજમાર્ગ પર આવે છે ને જાય છે. એક બાજુ કેટલાક પ્રેક્ષકો ઊભા ઊભા વાતો કરે છે.]


પહેલો પ્રેક્ષક : એઈ મહેરબાન, જરા સરખા ઊભા રહો ને! }}

[ધક્કો મારે છે.]

બીજો : કાં બાપા, ધક્કો મારો?
ત્રીજો : અલ્યા ચૂપ, ચૂપ, હવે વરઘોડો નીકળવાને વાર નથી.
ચોથો : નીકળે તો પાડ પ્રભુનો, ઊભા રહી રહીને પગ દુઃખે છે.
પાંચમો : શાહજાદાનાં લગ્ન માનસિંહની દીકરી વેરે થાય છે કે?
પહેલો : ના રે ના. એની બહેન વેરે.
બીજો : અરે, જા, જા, એની દીકરી વેરે.
ત્રીજો : ના, ના. એની બહેન વેરે. મને બરાબર ખબર છે.
બીજો : એમ હોય તો આ તે કઈ જાતનાં લગ્ન! એમ તે કાંઈ બને?
પહેલો : કાં? કેમ ન બને?
બીજો : સલીમના દાદા હુમાયુએ ભગવાનદાસની એક દીકરી વેરે લગ્ન કર્યાં. અને સલીમનાં લગ્ન કાંઈ એની બીજી દીકરી વેરે થાય?
પહેલો : પણ એમાં તને વાંધો શો લાગ્યો?
બીજો : અને સલીમનો બાપ પરણે ભગવાનની બહેન વેરે!
ચોથો : મેળ તો મળી જાય છે, હો ભાઈ! બાપ પરણ્યો ભગવાનની બહેનને, અને દાદાએ અને પોતે ભગવાનની બે બહેનોને વહેંચી લીધી.
પાંચમો : સગપણના દોરા પણ ભગવાનદાસની ચારેય તરફ વીંટાવા માંડ્યા છે, હો ભાઈ!
પહેલો : ભગવાન બડો ભાગ્યશાળી પુરુષ!
બીજો : મહારાજા માનસિંહ પણ બહુ વધી ગયો.
પાંચમો : કેમ?
બીજો : પરબારો સલીમનો સાળો જ બની બેઠો.
ત્રીજો : ભાગ્યની વાત છે, ભાઈ! સલીમના સાળા બનવું એ તો ભાગ્યની જ વાત ને?
પાંચમો : એમાં ભાગ્યની વાત શી?
ત્રીજો : અરે, પ્રથમ પહેલાં તો સાળા થાવું એ જ મોટું ભાગ્ય; ઉપરાંત, વળી સલીમનો સાળો ઠીકાઠીકનો સાળો! આહા! હું યે સાળો થયો હોત!
પાંચમો : એમાં તારું શું ચાલે, ભાઈ! જેવા લલાટ-લેખ.
ત્રીજો : પૂર્વ ભવની જેવી કમાણી, ભાઈ! આ ઉપરથી જ પૂર્વ ભવ માનવો પડે છે ને!
પાંચમો : માનવો જ પડે ને, ભાઈ!
ત્રીજો : અહા! ઠીકાઠીકનો સાળો હો! પાદશાહના છોકરાનો સાળો!
પહેલો : એ તો ઠીક, પણ સલીમનાં આવાં કેટલાંક લગ્ન થયાં?
બીજો : એક સો ઉપર હશે.
ત્રીજો : હોવાં જ જોઈએ. મહિને મહિને એકેકાં લગ્ન તો આપણે જોતા આવીએ છીએ.
ચોથો : આહા! જેને ઘેર આટઆટલી બાયડી, એ નસીબદાર પુરુષ, હો!
પહેલો : એમાં નસીબદાર શી રીતે?
ચોથો : નસીબદાર નહિ? ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં — બસ, બધો વખત એકાદ મોઢું તો સામે જ હોય! બસ, જાણે ગુલાબના બગીચામાં જ ફર્યા કરવાનું!
પહેલો : અલ્યા, વરઘોડો આવે. હવે સરખા ઊભા રહો.
બીજો : એ રામસિંહ! તારું માથું તો આકાશે ભટકાય છે હો!
ત્રીજો : માથું ઘેર મૂકીને નહોતું અવાતું?
ચોથો : ચૂપ ચૂપ, વરઘોડો આવી પહોંચ્યો.

[વરઘોડો આવે છે.]

પહેલો : અલ્યા, આ પોતે પાદશાહ!
ત્રીજો : અને આ કન્યાનો બાપ માનસિંહ લાગે છે.
બીજો : ના, ભૈ ના, કન્યાનો ભાઈ, અત્યાર સુધી ગોખાવ્યું ને આટલી વારમાં ભૂલી ગયો?
ચોથો : પાદશાહ તો અસલ પાદશાહ!
પાંચમો : ને માનસિંહ પણ અસલ માનસિંહ!
પહેલો : અલ્યા નાચનારીઓ!
બીજો : વાહ વાહ! નાચે છે કાંઈ! ખરી નાચનારીઓ!
ચોથો : રસ્તે નાચતી નાચતી જાય છે.
ત્રીજો : નાચે નહિ? અલ્યા મોરપંખીનો નાચ નાચે!
પાંચમો : વાહ! ભારી નાચ! લ્યો ચાલો.
પહેલો : ચાલો ચાલો; વર તો નીકળી ગયો.
બીજો : અહા! હું આ વખતે સલીમ હોત!
ત્રીજો : વરને જોઈને બધાને અદેખાઈ આવે.
બીજો : ન આવે? વર હાથીને હોદે ચડીને ચાલ્યો જતો હોય, વાજાં વાગતાં હોય, સામે માણસો જોતાં હોય, એ મજા ક્યાંય થાવી છે? ભલેને આડે દિવસે વર ઘાસ વાઢતો હોય, પણ લગ્નનો એક દિવસ! અહા! એવો દિવસ ફરી આવે નહિ —

[નેપથ્યમાં બંદૂકનો અવાજ થાય છે. રસ્તામાં પ્રચંડ શોર બકોર ચાલે છે. ફરી પાછો બંદૂકનો અવાજ સંભળાય છે.]

પહેલો પ્રેક્ષક : અલ્યા! આ બંદૂકનો અવાજ ક્યાંથી?

[ત્રણ આદમી આકુળવ્યાકુળ બનીને દોડ્યા આવે છે.]

બીજો પ્રેક્ષક : અરે ભાઈ, શું થયું?
પહેલો આદમી : ભૂંડું થયું.
પહેલો પ્રેક્ષક : શી રીતે?
બીજો આદમી : એક પાગલે આવીને સલીમના ત્રણ મા’વતને કાપી નાખ્યા.
ત્રીજો પ્રેક્ષક : અરર!
ત્રીજો આદમી : પછી સલીમ નીચે પડી ગયો, એને પણ લાત મારી.
બીજો પ્રેક્ષક : તું શું બોલે છે?
પહેલો આદમી : પછી લોકો એને પકડવા દોડ્યા; લોકોને એણે ન માર્યા; તરવાર ફેંકી દીધી, અને તમંચાથી પોતાની ખોપરી ફોડી નાખી.
બીજો પ્રેક્ષક : પણ એ હતો કોણ?
ત્રીજો આદમી : કોઈ ગાંડો.
બીજો આદમી : ગાંડો નહિ, રાણા પ્રતાપનો ભાઈ શક્તસિંહ.
ત્રીજો આદમી : શી રીતે ઓળખ્યો?
ચોથો આદમી : બે લાત મારીને એણે ચીસ પાડી કે ‘હું શક્તસિંહ છું. સલીમ! આ તારી ત્રણ લાતો અને આ એનું વ્યાજ’ એમ કહીને બીજી બે લાતો લગાવી દીધી.
પહેલો પ્રેક્ષક : મારો બેટો ખરો છાતીવાળો!
બીજો પ્રેક્ષક : મરી ગયો?
પહેલો આદમી : અરે, લોથ થઈ ગયો.
ત્રીજો આદમી : જોઈએ હવે. એને દફનાવે છે કે બાળે છે?

[બધા જાય છે.]