રામચન્દ્ર પટેલની કવિતા/ખેતરમાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખેતરમાં

અને ઊભું રાખી હળ, ચલમ ખંખેરી ભરી હું
મૂકું અંગારો જ્યાં – મહુડી પરથી સારસ ઊડી
પણે આવી બેઠાં. તરત તરસ્યું ખેતર બધું
ચગ્યું લીલું, એમાં પવન વન પ્હેરી ચીતરવા
મને માંડ્યોઃ
જાણે હું થઈ હળવો ભાત જમતો
બપોરે, તું પૂળા લઈ બળદની પાસ વળતી,
પછી કૂવાથાળે કિચુડ રવમાં ધોતી કપડાં;
વળી કોઈ વેળા જલ રગથિયું હોય જતું તો
જતો ખેંચી ઘેસ્સી પર લઈ તને, નીક સરખી
કરી દેતાં ત્યારે ગગન ઢળતું પોષતણું; ને
હતો આ દા’ડો, તું સુરભિઝર લીલો મધુરવો
લઈ ચાલી ભારો કઈ તરફ?
હું ખેતર મહીં –
અહીં જો કોઈનો પિયળ પડછાયો અડી જતો,
ચડી આવે આંધી, ઘડીક કણસી હું સળગતો.