રામચન્દ્ર પટેલની કવિતા/વિસામો
Jump to navigation
Jump to search
વિસામો
મને પ્હેલો રે વિસામો દેજો ઘરઉંબરો
રવેશની છાંટજો છાયા,
જોડે સોહાવજો ચોક, રતનટાંક્યું બારણું
ગાંઠે તોરણ-તુલસીની માયા,
બીજો રે વિસામો મારો ખડકીખોળિયું,
બાંધજો જવતલ ઝગ્યા સવાસ,
દેવેદીવામાં ઊંચો એક રામણદીવડો,
એના ઓલવ્યા ન જાય અજવાસ;
કોકનું મુખડું જોયાનું કે આભલું વાંચ્યાનું
ઊઘડે નગરચોક બજાર;
ગઢનો ઘોડો એવો થાક્યો તો શિખટોચ,
ઉપાડી લાવ્યો’તો અંબાર,
છેલ્લો વિસામો હળવો ઠારજો રે વીરા!
રૂખડો આખર થયો અંગાર,
કોણે કાંધ્યો આલી રે એટલું કે’જો કાનમાં
મીઠો લાગશે મૂને અંધાર.