રિલ્કે/13

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એક દન્તકથા

કોઈ લંગડા માણસને વાર્તાઓ કહેવાની કેવી મજા આવે! તંદુરસ્ત માણસો તો બદલાયા કરતા હોય છે; એ લોકો વસ્તુઓને ઘડીકમાં એક દૃષ્ટિકોણથી તો ઘડીમાં બીજા દૃષ્ટિકોણથી જોતા હોય છે, અને જ્યારે તમે એમની સાથે ચાલતા હોય છે ત્યારે એઓ કલાકેક સુધી તમારી જમણી બાજુ ચાલશે અને પછી એકાએક તમારી ડાબી બાજુથી તમારી વાતમાં હોંકારો પૂરશે. એમ કરવાથી એઓ વધુ વિનયી અને સંસ્કારી લાગશે એવી એમની માન્યતાથી એઓ આવું કરતા હોય છે. લંગડા માણસની બાબતમાં આવું કશું બનવાનો ભય હોતો નથી. એ ચાલી નથી શકતો તેથી એ વસ્તુઓના જેવો જ લાગે છે; વસ્તુઓ સાથે એ ઘનિષ્ઠતા કેળવતો પણ હોય છે. લંગડા માણસની બાબતમાં આવું કશું બનવાનો ભય હોતો નથી. એ ચાલી શકતો નથી તેથી એ વસ્તુઓના જેવો જ લાગે છે; વસ્તુઓ સાથે એ ઘનિષ્ઠતા કેળવતો પણ હોય છે. એથી એ જાણે બીજી બધી વસ્તુઓ કરતાં ચઢિયાતી વસ્તુ જેવો લાગતો હોય છે; કારણ કે એ એક એવી વસ્તુ છે જે નિ:શબ્દ બનીને જ નહીં પણ એના વિરલ શાન્ત શબ્દોથી અને નમ્ર આદરની લાગણીથી સાંભળે છે. મારા મિત્ર એવાલ્ડને વાર્તા કહેવાનું મને બહુ ગમે છે. જે બારીમાંથી ડોકાવાની એને ટેવ છે તે બારીમાંથી મને સાદ દઈને એણે કહ્યું, ‘મારે તને કંઈક પૂછવાનું છે’ ત્યારે મને ખૂબ આનન્દ થયો. હું તરત એની પાસે ગયો અને એના ખુશખબર પૂછ્યા. ‘ગયે વખતે તેં જે વાર્તા મને કહી હતી તે તું ક્યાંથી શોધી લાવ્યો હતો? કોઈ ચોપડીમાંથી?’ આખરે એણે મને પૂછ્યું. મેં સહેજ ખિન્ન થઈને કહ્યું, ‘હા, ઇતિહાસકારોએ એ વાર્તાને એ મરી ગયા પછી એમનાં થોથાંમાં દાટી રાખી હતી; એને કાંઈ ઝાઝો સમય થયો નથી. હજી તો સોએક વરસ પહેલાં તો એ અલબત્ત, બેદરકારીથી, લોકોના હોઠ પર જીવતી હતી. પણ આજકાલ લોકો જે શબ્દો વાપરે છે તે એવા વજનદાર હોય છે કે એને ગાઈ શકાતા નથી. એ શબ્દો જ એ વાર્તાના શત્રુ બની રહ્યા. એક પછી એક હોઠ પરથી એ ભૂંસાતી ગઈ અને સૂકાઈ ગયેલા બે હોઠ પર જ જીવતી રહી. એક વિધવાની ટૂંકી મૂડીને આધારે તે એ કેટલુંક જીવવાની હતી! ત્યાં જ આખરે એ, કોઈ વારસ આપ્યા વિના, મરી ગઈ અને મેં કહ્યું છે તેમ એને માનપાનસહિત, એનાં બીજાં કુટુમ્બીઓની સાથે, પોથીમાં દાટી દેવામાં આવી.’ ‘એ મરી ગઈ ત્યારે એ ખૂબ ઘરડી થઈ ગઈ હતી?’ મારા મિત્રે મારી વાત કરવાની આલંકારિક રીતને સ્વીકારી લેતાં પૂછ્યું. ‘એને ચારસોપાંચસો વર્ષ થયાં હશે.’ મેં એને સાચી જ માહિતી આપી. ‘એનાં કેટલાંક સમ્બન્ધીઓ તો એથીય લાંબાં આયુષ્યવાળાં હતાં.’ ‘કોઈ પોથીમાં સૂઈને આરામ લીધા વિના?’ અચરજ પામીને એવાલ્ડે પૂછ્યું. મેં એને સમજાવતાં કહ્યું, ‘મને ખબર છે ત્યાં સુધી એ વાર્તાઓ આખો વખત એક હોઠ પરથી બીજા હોઠ પર ફર્યા કરતી હતી.’ ‘એઓ કદી સૂઈને આરામ કરતી જ નહોતી?’ ‘કરતી જ હતી ને, ગાનારના હોઠ પરથી સરીને, કોઈના હૂંફાળા અને અંધારા હૃદયમાં એ ઘડીભર આરામ કરી લેતી હતી.’ ‘પણ એ લોકો એટલા બધા શાન્ત હતા કે ગીતો એમનાં હૃદયમાં સૂતાં જ રહે?’ એવાલ્ડને જાણે આ વાત ગળે ઊતરતી જ નહોતી. ‘એવું જ હશે ને! કહેવાય છે કે એ લોકો બોલતા બહુ થોડું; ધીમે ધીમે લય દ્રુત થતો જાય એવાં નૃત્યો કરતાં. એના લયને એમના ડોલવાની સાથે સમ્બન્ધ હતો; અને ખાસ તો એ કે એ લોકો કદી ખડખડ હસતા નહિ. આજે તો આપણે લોકોને ઘણી વાર મોટેથી હસતા સાંભળીએ છીએ – આપણી સંસ્કૃતિની આટલી બધી પ્રગતિ થઈ હોવા છતાં.’ એવાલ્ડ બીજા પ્રશ્ન પૂછવાની અણી પર જ હતો, પણ તે એણે દબાવી દીધો ને હસી પડ્યો. ‘હું પૂછ પૂછ કર્યા કરું છું, પણ તારે વાર્તા કહેવી હશે ને?’ એણે મારા તરફ જોઈને કહ્યું. ‘વાર્તા? કોણ જાણે. મારે તો એટલું જ કહેવું હતું કે આ ગીતો અમુક કુટુમ્બોની વારસાગત સમ્પત્તિ હતી. પેઢી દર પેઢી એ ચાલ્યાં આવતાં હતાં જેમ કોઈ કુટુમ્બમાં એકનું એક બાઇબલ બાપદાદાના જમાનાથી સચવાતું આવે છે તેમ. એ કાંઈ એમ ને એમ મૂકી રાખવામાં આવે નહીં, એ વપરાય પણ ખરું, અને તેથી દરરોજના ઉપયોગનાં એના પર ચિહ્નો પણ અંકાયાં હોય. જે માણસને આવો વારસો નહિ મળ્યો હોય તે આ ગીતો ગાઈ ન શકવાને કારણે એનાં કુટુમ્બીઓથી જુદો પડે; અથવા તો એના બાપદાદાના વખતનાં થોડાં જ ગીતો જાણતો હોય અને બીજાં ઘણાં ગીતોનો એને કશો અનુભવ જ નહિ હોય. ‘યેગોર ટિમોફિયેવિચની જ વાત લઈએ. એણે એના બાપની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં. એની વહુ હતી તો રૂપાળી. એની સાથે એ કીવ ગયો. એ પવિત્ર શહેર ગણાતું. એની આજુબાજુ પુરાણા રૂઢ સંપ્રદાયને માનનારા ઘણા મોટા મોટા હુતાત્માઓની કબરો છે. ટિમોફીએ (અને આ ટિમોફીના જેવો આજુબાજુના દસ ગાઉના પંથકમાં કોઈ ગાનારો નહોતો) અને એના પાડોશીઓને કહ્યું કે એને તો ઘણી વાર ખાતરી થઈ જ ચૂકી હતી કે એને યેગોર નામનો કોઈ દીકરો હતો જ નહિ. આમ છતાં એ વિષાદ અને પશ્ચાત્તાપથી મૂગો થઈ ગયો. ધૂળથી છવાયેલા વાયોલિનમાં જેમ ઘણા સૂરો ઢબુરાઈને પડી રહ્યા હોય એમ એ ડોસામાં ઘણાં ગીતો રૂંધાઈને રહ્યાં હતાં. એનો વારસો લેવાને ઘણા જુવાનિયાઓ એની ઝૂંપડીમાં ટોળે વળ્યા, પણ એ બધાંને એણે કાઢી મૂકુા. એ લોકો કરગરીને કહેવા લાગ્યા, ‘બાપા, અમને એકાદ ગીત તો આપો. જોજોને, અમે એને ગામડાંઓમાં લઈ લઈ જઈશું અને પછી તમે એને સાંજ ઢળતાં ગોરજ વેળાએ ગમાણો શાન્ત થઈ ગઈ હોય ત્યારે ખેતરોના વાડાઓમાંથી ગવાતું સાંભળશો.’ ‘બુઢ્ઢો હંંમેશાં ચૂલા પાસે બેઠો રહેતો ને માથું ધબ્ણાવ્યા કરતો. એને કાને બરાબર સંભળાતું નહોતું. એના ઘરની આજુબાજુ ફર્યા કરતા જુવાનિયાઓ ગીતની માગણી કરતા હતા કે કેમ તેની એને કશી ખબર પડતી નહોતી, તોય એ એના ધોળા વાળવાળું માથું હલાવીને ‘ના, ના, ના,’ કહ્યા કરતો. એમ કરતાં કરતાં જ આખરે એ ઊંઘી જતો અને ઊંઘમાંય ‘ના, ના’ કર્યે જતો. જુવાનિયાઓ જે ઇચ્છતા હતા તે કરવાનું એને ગમ્યું હોત; હવે થોડા જ વખતમાં એની મૃત મૂગી માટીમાં એ ગીતો ધરબાઈ જવાનાં હતાં એ વિચારે એ પણ ખિન્ન તો હતો જ. પણ જો એણે આ જુવાનિયા પૈકીના એકાદને કશુંક શીખવવાનો પ્રયત્ન કર્યોે હોત તો એનો દીકરો યેગોરુશ્કા એને જરૂર યાદ આવી ગયો હોત – ને તો પછી કોણ જાણે શુંનું શું બન્યું હોત! કારણ કે એ કશું બોલતો નહોતો તેથી જ કોઈએ એને આંસુ પાડતાં જોયો નહોતો. દરેક શબ્દની પાછળ એનાં ડૂસકાં રહ્યાં જ હતાં. આથી જ તો કશું બોલાઈ જશે એવું લાગે કે તરત જલદી જલદી કાળજીપૂર્વક એણે એનું મોઢું બંધ કરી દેવું પડતું. રખે ને એ શબ્દો બોલાઈ જશે તો એવી એને બીક રહ્યા કરતી. ‘બુઢ્ઢા ટિમોફીએ એના એક માત્ર દીકરા યેગોરને થોડાંક ગીતો ખાસ્સાં શિખવવા શરૂ કરી દીધાં હતાં. પંદર વર્ષનો યેગોર આજુબાજુનાં ગામના બધા મોટા થઈ ગયેલા જુવાનિયા કરતાં સરસ ગાતો થઈ ગયો હતો. તહેવારને દિવસે ઘણું ખરું ટિમોફી સહેજ ઢીંચીને બેઠો હોય ત્યારે એના દીકરાને કહેતો, ‘યેગોરુસ્કા, મારા લાડીલા, મેં તને ઘણાં બધાં ગીતો, ભજનો અને સન્તોનાં જીવનનાં આખ્યાનો ગાવાનું શીખવી દીધું છે. તું દરરોજ એમાંનું એક ગાઈ શકે એટલું શીખવી દીધું છે. આ રાજ્યમાં હું સારામાં સારું ગાનારો છું તે તો તું જાણે છે. મારા બાપને આખા રશિયાનાં ગીતો આવડતાં હતા, તાર્તારોની વાતો પણ આવડતી હતી. તું તો હજી ઘણો નાનો છે, અને તેથી મેં તને હજી ખૂબ સરસ ભજનોની વાત તો કહી જ નથી. એ ભજનોના શબ્દે શબ્દે દીવા પ્રગટે છે. એના શબ્દોની સામાન્ય શબ્દો સાથે સરખામણી કરી શકાય નહીં. એ સાંભળીને તહેવારના દિવસે કહ્યા કરતો – એટલે કે ઘણી બધી વાર કહેતો. આખરે એક દિવસ બુઢ્ઢા જોડે સારું એવું ઝઘડ્યા પછી અને ગરીબ ખેડૂતની કન્યા ઉસ્તિઓન્કા સાથે પણ લડ્યા પછી અલોપ જ થઈ ગયો. આ પ્રસંગ બન્યા પછી ત્રણ વર્ષ બાદ ટિમોફી માંદો પડ્યો. એ ગાળામાં જ રશિયાના વિશાળ સામ્રાજ્યમાંથી ઘણા બધા જાત્રાળુઓ કીવ જવાને નીકળતા હોય છે. એનો પાડોશી ઓસ્સિપ એ માંદા બુઢ્ઢાને મળવા આવ્યો : ‘હું જાત્રાળુઓ સાથે જાઉં છું, ટિમોથી ઇવાનિચ; હું જાઉં તે પહેલાં મને એક વાર ભેટી લેવા દો.’ ઓસ્સિપ કાંઈ એ બુઢ્ઢાનો દોસ્ત નહોતો. પણ હવે લાંબી જાત્રાએ નીકળતો હતો તેથી જતાં પહેલાં બાપની જેમ એની રજા લેવાની એને ઇચ્છા હતી. એણે ગળગળા થઈને કહ્યું, ‘મેં તમને કોઈક વાર દુભવ્યા છે. મને માફ કરજો. દારૂના નશામાં મારાથી એવું થઈ ગયું હશે. એવી સ્થિતિમાં આપણું કશું ચાલતું હોતું નથી તે તો તમે જાણો છો. હું તમારે માટે દેવળમાં પ્રાર્થના કરીશ. અને દીવો પ્રકટાવીશ. તો આવજો પિતાતુલ્ય ટિમોફી ઇવાનિચ, તમે ફરીથી સારા થઈ જશો અને ઈશ્વરની ઇચ્છા હશો તો તમે અમને ફરીથી તમારાં ગીતો સંભળાવશો. કેટલા લાંબા વખતથી તમે ગાયું નથી. કેવાં અદ્ભુત ગીતો! એમાંનું એક્કેય અમે ભૂલી શક્યા નથી. અમનેય એ બધાં આવડે છે, પણ તમારાં જેવાં તો નહિ જ. ગાવાનું તો માત્ર તમને જ આવડે છે. એ તો કબૂલ કરવું જ પડશે. ઈશ્વરે તમને એ બક્ષિસ આપી છે. બીજાને એણે બીજું જ આપ્યું હશે. દાખલા તરીકે મને...’ બુઢ્ઢો ચૂલા પાસે હતો. એણે કણસતાં પડખું ફેરવ્યું અને એ જાણે કશુંક કહેવા જતો હોય એવું લાગ્યું. બહુ જ ધીમા અવાજે એ જે કાંઈ બોલ્યો તે યેગોરના નામ જેવું સંભળાયું. કદાચ એને કાંઈ સંદેશો મોકલાવવો હશે. પણ બારણા આગળથી જ્યારે ઓસ્સિપે પૂછ્યું, ‘તમે કશું કહ્યું?’ ત્યારે એ નિશ્ચેષ્ટ પડી રહ્યો. એણે એનું ધોળા વાળવાળું માથું સહેજ હલાવ્યું, તેમ છતાં, એ તો ઈશ્વર જ જાણે કે એ શી રીતે બન્યું, ઓસ્સિપને ગયાને એક જ વર્ષ થયું હશે ત્યાં યેગોર અણધાર્યોે જ પાછો ઘરે આવી ચઢ્યો. વૃદ્ધે પહેલાં તો એને ઓળખ્યો સુધ્ધાં નહિ, કારણ કે ઝૂંપડીમાં અંધારું હતું અને એની ઝંખવાઈ ગયેલી આંખો એ નવી અપરિચિત આકૃતિને જોવાને બહુ ઉત્સાહિત નહોતી. પણ ટિમોફીએ આગન્તુકનો અવાજ સાંભળ્યો ને એ ચમક્યો ને કૂદીને સફાળો એના સળેકડા જેવા પગ પર ઊભો થઈ ગયો. યેગોરે એને પકડી લીધો ને પડી જતાં અટકાવ્યો. પછી બન્ને ભેટી પડ્યા. ટિમોફી રડી પડ્યો. યેગોર એને ફરી ફરી પૂછતો રહ્યો, ‘તમે લાંબી માંદગી ભોગવી હતી કે શું?’ વૃદ્ધ સહજ સ્વસ્થ થયો અને વળી ચૂલા પાસે પોતાને સ્થાને જઈને એણે બદલાયેલા, સહેજ કઠોર, અવાજે પૂછ્યુ, ‘ને તારી વહુ ક્યાં છે?’ થોડી વાર સુધી તો કોઈ કશું બોલ્યું નહિ. પછી યેગોર તિરસ્કારથી થૂંક્યો અને બોલ્યો, ‘મેં એને બાળક સાથે મોકલી આપી છે.’ પછી એ થોડી વાર સુધી ચૂપ રહ્યો. ‘એક દિવસ ઓસ્સિપ મને મળવા આવ્યો. મેં પૂછ્યું, ‘કોણ, ઓસ્સિપ નિકોફોરોવિચ?’ એણે કહ્યું, ‘હા. યેગોર તારા બાપ માંદા છે. હવે એમનાથી ગવાતું નથી. ગામમાં હવે બધું શાન્ત થઈ ગયું છે. ગામનો આત્મા જ રહ્યો નથી. કોઈ બારણું સુધ્ધાં ઠોકતું નથી, કશી હલચલ થતી નથી, કોઈ હવે રડતું નથી; અને હસવાને માટે પણ હવે કશું કારણ રહ્યું નથી.’ ‘હું આ વિશે વિચારું છું. શું કરવું? આથી હું મારી વહુને બોલાવું છું.’ ‘ઉસ્તિઓન્કા, મારે ઘરે જવું પડશે. હવે ત્યાં કોઈ ગાતું નથી. હવે ગાવાનો વારો મારો છે. બાપા માંદા થઈ ગયા છે.’ ‘વારુ’ ઉસ્તિઓન્કા કહે છે, ‘પણ હું તને મારી સાથે લઈ જઈ શકીશ નહિ. તું તો જાણે છે કે મારા બાપ તહૃે રાખશે નહિ, અને હું કદાચ હવે પાછો નહિ આવું. એક વાર ત્યાં ગાવાનું શરૂ કરું પછી મારાથી અહીં પાછા નયે અવાય.’ ઉસ્તિઓન્કા મારી વાત સમજે છે ને કહે છે, ‘વારુ, ભગવાન તમારું ભલું કરે. અહીં ઘણા યાત્રાળુઓ આવે છે. એ લોકો મને કંઈક ને કંઈક આપશે. ભગવાન મને મદદ કરશે.’ અને આમ હું ચાલી નીકળ્યો. હવે તમે મને તમારાં ગીતો ગાઈ સંભળાવો.’ ‘યેગોર પાછો આવ્યો છે ને બુઢ્ઢો ટિમોફી ફરી ગાવા લાગ્યો છે એ વાત બધે ફેલાઈ ગઈ. પણ એ પાનખરમાં એ ગામમાં પવન એવો સખત વાયો કે એ ગામમાંથી પસાર થનારું કોઈ પણ ટિમોફીના ઘરમાં ગીત ગવાતાં હતાં કે કેમ તે વિશે ચોક્કસ કહી શક્યું નહિ. કોઈ બારણું ઠોકતું તોય એ ઘરનું બારણું ઊઘડતું નહિ. બાપદીકરો એકલા જ રહેવા માગતા હતા. યેગોર ચૂલાની પાસેની બેઠક પર બાપ સૂતા હતા તેની કિનાર પર બેઠો અને બુઢ્ઢાના હોઠની નજીક વારે વારે કાન ધરીને સાંભળવા લાગ્યો, કારણ કે ટિમોફી ખરેખર ગાતો હતો. એનો ક્ષીણ અવાજ સહેજ કમ્પતો હતો. એ યેગોરને એનાં બધાં જ અત્યન્ત સુુન્દર ગીતો સંભળાવતો હતો. યેગોર કદીક માથું હલાવતો હતો તો કદીક બેઠક પરથી ઝૂલી રહેલા એના પગ હલાવતો હતો, કેમ જાણે એ પોતે જ ગાઈ રહ્યો નહિ હોય! આવું ઘણા દિવસો સુધી ચાલ્યા કર્યું. ટિમોફી એની સ્મૃતિમાંથી એક પછી એક ગીત શોધી કાઢતો ગયો, દરેક એકબીજાથી ચઢિયાતું! ઘણી વાર રાતે એ એના દીકરાને જગાડતો અને એના સુકાઈને ચીમળાઈ ગયેલા હાથે મુદ્રાઓ કરીને એકાદ નાનું ગીત ગાઈ સંભળાવતો, પછી તો એક પછી એક ગીત ગાયે જતો – આળસુ સવારનો સંચાર થાય ત્યાં સુધી આવું એક અત્યન્ત સુંદર ગીત ગાયા પછી એ મરી ગયો. એના છેલ્લા દિવસો દરમ્યાન એ ઘણી વાર કડવાશથી ફરિયાદ કરતો કે હજી એની પાસે ઘણાં ગીતો રહી ગયાં છે ને એ બધાં એના દીકરાને આપવાનો હવે સમય રહ્યો નથી. એના કપાળમાં ખેતરમાં ચાસ પાડ્યા હોય તેવી ઊંડી રેખાઓ અંકાઈ ગઈ હતી. એની સ્મૃતિ સતેજ બની ગઈ હતી. એના હોઠ આતુરતાથી ધ્રૂજતા હતા. રહી રહીને એ ટટાર બેઠો થઈ જતો, એનું માથું આમથી તેમ હલાવતો, એના હોઠ ફફડતા – અને આખરે બહુ ક્ષીણ અવાજે એક નાનકડું ગીત હોઠ બહાર ફેલાઈ જતું. પણ છેલ્લે છેલ્લે તો એ દિયુક સ્ટેમાનોવિચ વિશેના, એને ખાસ ગમતાં ગીતો જ ગાયા કરતો. એના દીકરાને પણ એ સાંભળીને અચરજ થતું હોય અને એ ગીતો જાણે પહેલી વાર સાંભળતો હોય એવો ઢોંગ કરવો પડતો જેથી એનો બાપ ગુસ્સે નહિ થઈ જાય. ‘બુઢ્ઢા ટિમોફી ઇવાનિચના મરણ પછી એનો દીકરો એકલો એ ઘરમાં રહેવા લાગ્યો. ક્યાં સુધી તો એ ઘર બંધ જ રહ્યું. પછીની વસંત ઋતુમાં યેગોરે બારણાં ખોલ્યાં ને એ બહાર આવ્યો. હવે એણે દાઢી વધારી હતી. એ ગાતો ગાતો ગામમાં ફરવા લાગ્યો. પછી તો એ બાજુનાં ગામડાંમાં પણ જવા લાગ્યો. યેગોર એના બાપના જેવો કુશળ ગાયક થયો હતો એવું ખેડૂતોમાં બોલાવા લાગ્યું. એને ગંભીર તેમ જ વીર રસનાં ગીતો આવડતાં. કેટલાંક ગીતો તો એવાં કરુણ હતાં કે કોઝાક હોય કે ખેડૂત, એની આંખોમાં આંસુ આવ્યા વિના રહેતાં નહિ. વળી આ પહેલાં કોઈ ગાયકનો હતો નહિ એવો એનો અવાજ કોમળ અને વિષાદભર્યોે હતો. એનો આ ગુણ અણધાર્યોે જ, એ ગીતના ટેકની ધ્રુવપંક્તિ ગાતો ત્યારે, પ્રકટ થતો. એ પંક્તિ હૃદયને હલાવી નાખતી. મેં તો લોકોને એવું કહેતાં સાંભળ્યાં છે.’ ‘એ હલક એના બાપ પાસેથી એ નહોતો શીખ્યો?’ એવાલ્ડે મને થોડી વાર પછી પૂછ્યું. ‘ના, એ એને કેવી રીતે પ્રાપ્ત થઈ તેની કોઈને ખબર નથી.’ મેં કહ્યું. હું બારી પાસેથી ખસી ગયો હતો તેમ છતાં એ લંગડો ફરી મારા તરફ સરક્યો અને મને પૂછ્યું. ‘કદાચ એને એની વહુના ને બાળકના વિચાર આવતા હશે. એણે એના બાપના મરી ગયા પછી એનાં વહુદીકરાને તેડાવી લીધાં કે નહિ?’ ‘ના, હું નથી માનતો કે તેડાવી લીધાં હોય. એ મરી ગયો ત્યારે તો સાવ એકલો હતો.