રિલ્કે/19
અમુક સર્જકો સાથેની નિકટતા છોડવાનું હવે પરવડતું નથી. એ સમ્બન્ધમાં કેવળ અનુકૂળ સુખદ લાગણીઓને અનુભવવાનો લોભ છે એવું નથી. ઘણી વાર કવિની એકાદ પંક્તિ એટલી તો વિક્ષુબ્ધ કરનારી હોય છે કે દિવસોના દિવસો સુધી એમાંથી છૂટી શકાતું નથી. કેટલીક વાર આપણી વણઓળખાયેલી અને માટે જ નિરુપદ્રવી લાગણીઓને એ પંક્તિઓ એવી તો તાદૃશ રીતે મૂર્ત કરી આપે છે કે એને પ્રત્યક્ષ કર્યા વિના રહી શકાતું નથી. એક વાર એને પ્રત્યક્ષ કર્યા પછી મારી જાતને જ ફરીથી ગોઠવવાની અનિવાર્યતા ઊભી થાય છે. જે મારી આ પ્રવૃત્તિમાં સહચારી નથી રહેતા તેમને હું પછીથી અજાણ્યો લાગવા માંડું છું. કોઈક વાર એથી ઊંધું જ બને છે : કોઈક પંક્તિ એકાદ સમ્બન્ધ પર એવું તો અજવાળું પાથરી દે છે કે જાણે એકાએક કશુંક અભૂતપૂર્વ સાકાર થઈ ઊઠે છે. મારા જીવનમાં જો ચમત્કાર હોય તો તે આ સ્વરૂપના છે. જેનો નિત્ય સહચાર મને હંમેશાં રુચ્યો છે તેવા કવિઓ પૈકીનો એક કવિ છે રિલ્કે. દિવસને છેડે, થોડું સરખું એકાન્ત મળે ત્યારે, અકળ રીતે ચિત્તમાં વ્યાપી ગયેલા વિષાદ સાથે ઝૂઝતાં, હું રિલ્કેની એકાદ પંક્તિ ગણગણું છું : ‘ફરી બધું એક વાર મહાન અને બલવત્તર બનશે; ભૂમિ ફરી સરલ બનશે, જલમાં ફરી ઊમિર્ઓ જાગશે; વૃક્ષો ઊંચાં વધશે અને માનવી માનવીને છૂટાં પાડતી દીવાલો નીચી બનશે. ખીણોમાં ફરીથી સુદૃઢ અને સશક્ત પ્રજા ભૂમિને ઉર્વરા બનાવશે.’ કવિની આ આશાએ આંજેલી આંખે દુનિયા જોવી ગમે છે. રિલ્કેએ તો ગૌરવપૂર્વક કહ્યું છે : ‘કવિને તો પોતાની બહાર કશું છે જ નહિ. આ વૃક્ષો, પર્વતો, સમુદ્રનાં મોજાંઓ એ બધાં જ કવિ પોતાની અંદર જે વાસ્તવિકતાને આવિષ્કૃત કરતો જાય છે એનાં જ પ્રતીકો છે. આ બધું એનામાં પ્રવાહિત થયા જ કરતું હોય છે. એની નીચે જે ભૂમિ છે તે પણ વધારે પડતી હોય તો કવિ તો એને પ્રાર્થના કરવા માટે પાથરેલી શેતરંજીની જેમ સંકેલી જ લેશે. એને તો કેવળ હોવાનું કૈવલ્ય જ ખપે. એની એક મુદ્રાથી શાશ્વતમાં અનેક વિશ્વો ભમતાં થઈ જાય. દૂરદૂરનાં વિશ્વો શી રીતે ઈશ્વરમાં પરિણત થઈ જાય છે તેની તો ખબર મને નથી પણ આપણે માટે તો કળા જ એક માર્ગ; ત્યારે મને લાગે છે કે આપણે કવિઓ જ ઈશ્વરના પૂર્વજો છીએ.’ આ બુલંદી મને ગમે છે. કવિનું સાહસ જ અદ્ભુત હોય છે. બધા દિવસોની વીથિકાઓમાં થઈને ઉત્કટ ઝંખનાપૂર્વક વિહાર કરવો અને પછી કૌવતથી, પ્રચુરતાથી, હજારો મૂળરૂપે ભૂમિમાં પ્રસરવું, જીવનને ખૂબ ઊંડેથી ભેદવું અને યાતના સહીને આ જીવનથીયે અદકેરા જીવન માટે પરિણત થવું, સમયના પ્રદેશને ઉલ્લંઘી જવો – આવા પુરુષાર્થ વિના એ બુલંદી આવે ખરી? રવીન્દ્રનાથે ‘ચતુરંગ’ નામની દીર્ઘ કથામાં કહ્યું છે કે આપણે ઈશ્વર જે દિશામાં આવી રહ્યો છે તેની સામી દિશામાં જઈએ તો જ ઈશ્વર સાથેનું મિલન સમ્ભવે. એ અરૂપમાંથી રૂપમાં આવે છે. અસીમમાંથી સીમામાં પ્રવેશે છે તે આપણા મિલનની ઝંખનાને કારણે. આપણે જ એને ઝંખીએ છીએ એવું નથી, એ પણ આપણને ઝંખે છે. રિલ્કે એ વાત બીજી રીતે કહે છે : ઘણા તો ઈશ્વરને ભૂતકાળની સ્મૃતિ રૂપે જ ઓળખતા હોય છે, પણ જે સર્જક છે તેને માટે તો ઈશ્વર જ અંતિમ સ્થિતિ, ગમ્ભીરતમ તુષ્ટિ. ભક્ત કહેશે : ઈશ્વર છે. દુ:ખીને થશે : એક વાર ભગવાન હતો ખરો! ત્યારે સર્જક સ્મિતપૂર્વક કહેશે : એ જરૂર અસ્તિત્વમાં આવશે. આ શ્રદ્ધાથી પણ કશુંક વિશેષ છે, કારણ કે કવિ પોતે જ ઈશ્વરને રચવામાં સહાયભૂત થઈ રહ્યો હોય છે. આથી જ તો, ઈશ્વર આવીને કહે કે હું છું ત્યાં સુધી તમારે રાહ જોવાની ન હોય. જો ઈશ્વરને પોતાના સામર્થ્યની ઘોષણા કરવી પડે તો એ કેવું બેહૂદું લાગે! પ્રારમ્ભથી જ ઈશ્વર આપણી દ્વારા શ્વસી રહ્યો છે તેનો આપણને અનુભવ થવો ’ઢ્ઢઈએ. જ્યારે તમારું હૃદય એને ગુપ્ત રીતે તમારી આગળ છતો કરી દે ત્યારે જાણવું કે તમારામાં રહ્યો રહ્યો પ્રવૃત્ત થઈ રહ્યો છે. પ્રાર્થના એ શી વસ્તુ છે? આપણે કોની પ્રાર્થના કરીએ છીએ? આ પ્રશ્નનો જવાબ એકદમ આપી શકાય તેમ નથી. પ્રાર્થના તો રિલ્કેને મતે, આપણા એકાએક ઉદ્ભાસિત થઈ ઊઠતા સ્વભાવની દ્યુતિ છે. એ એવી દિશા છે જે અસીમ તરફ આપણને લઈ જાય છે, એનું કોઈ મર્યાદિત લક્ષ્ય નથી. કવિની સિસૃક્ષા અને મહદૃવાકાંક્ષા વિશ્વોનાં વિશ્વો ભમીને ક્યાંય સ્થિર થતી નથી; પ્રાર્થનાની ગતિ પણ એને સમાન્તર જ છે. પ્રાર્થના કરતાં પહેલાં ઈશ્વર છે કે નહિ તે પૂછી લેનારા કૃપણ લોકો કરતાં કવિ તો જુદો જ જીવ છે. ઈશ્વર જો હવે નથી, અથવા તો હજી અસ્તિત્વમાં જ આવ્યો નથી તો તેથી શું થઈ ગયું? મારી પ્રાર્થના એટલી સજાગ હોવી ’ઢ્ઢઈએ જેથી એને અસ્તિત્વ પ્રાપ્ત થાય જ. પ્રાર્થના એ નરી સિસૃક્ષાનો આવિષ્કાર છે. એનું આરોહણ ઈશ્વરને ચીંધે છે. દૃઢાગ્રહી થવું સારું નહિ, પછી હઠાગ્રહી થઈ જ જવાય. કવિ તો વિશાળ અનુકમ્પા ધરાવે. આથી રિલ્કે કહે છે : ‘હું આ કે તે મત ધરાવું છું એવું જાહેર કરવાનું ઇચ્છતો નથી. એવી નિશ્ચિતતામાં કશુંક આખરી રહ્યું હોય છે. હું તો મારે વિશે એવી કશી નિશ્ચિતતા અનુભવતો નથી. હું તો સદા રૂપાન્તરિત થયા કરું છું. આ દૃશ્ય જગતમાં જે કોઈ છે તેને એક દિવસ હું કેવળ મારી એવી આગવી રીતે વર્ણવીશ. આથી જ તો કવિને એનું કશુંક ગુહ્ય હોય છે જ. એના હૃદયમાં જે ચાલી રહ્યું હોય છે તેનો અણસાર એની મુખમુદ્રા પરથી નહિ આવી શકે. આથી હું મારી જાતને પ્રગટ કરી દઈને શરણે જતો નથી. એકલો રહીને મારે જ આધારે દૃઢતા પ્રાપ્ત કરું છું; કારણ કે જેઓ સ્વયંપર્યાપ્ત અને અખણ્ડ છે તેમનો આ સ્વભાવ છે, તેમની આ જીવનરીતિ છે. ૭-૫-૭૮