રિલ્કે/4
‑આજે આખોય દિવસ કેવળ તારે જ ખાતર હું ગુલાબનો સ્પર્શ માણ્યા કરીશ, કેવળ તારે ખાતર. કેવળ તારે ખાતર ફરી એક વાર જેને લાંબા (આહ, કેટલા લાંબા) સમય સુધી સ્પર્શ્યા નથી તે ગુલાબના સ્પર્શને માણીશ.
બધી ગુલાબદાની ખીચોખીચ ભરી દઈશ, એકની પર એક એમ સો સો ગુલાબોથી એને ભરી દઈશ, જેમ એક ખીણ બીજી ખીણમાં ગોઠવાઈ હોય છે તેમ.
રાત્રિની જેમ કદી ભુંસાય નહિ એવી રીતે, સમપિર્ત થઈ ચૂકેલા દૃષ્ટિપાતોને પરવશ કરી નાખીને, ઉપરના વિશાળ વિસ્તારના તારાની જેમ, જેઓ પોતાની ઉજ્જ્વળતાથી જ કેવળ પોતાને બુઝાવી શકે.
ગુલાબભરી રાત, ગુલાબભરી રાત. ગુલાબોની રાત, અનેક ઉજ્જ્વળ ગુલાબોથી ભરી ગુલાબથી પ્રકાશિત રાત્રિ. ગુલાબી પાંપણોની નિદ્રા... એવી જ ગુલાબી ચળકતી નિદ્રા, હું હવે તારી નિદ્રામાં સૂનારો તારી સુવાસમાં સૂનારો, તારી શીતળ ઉત્કટતાનાં ઊંડાણોમાં સૂનારો. હવે હું એ તને સાચવવા આપું છું. મારા અસ્તિત્વની ઉત્કટતાને તારા વિના કોણ આલિંગનથી આવરી લઈ શકે? મારું ભાવિ તારી અતાગ વિશ્રાન્તિમાં સદા વિસ્તાર પામતું રહો.
એતદ્, જુલાઇ : ૧૯૭
મારી અન્ધકારભરી સ્ખલનની ગર્તામાંથી તું મધુરતાથી મને ઓળખનારા તારા મુખની સમીપ ઊંચે લઈ જા. તારા આલંગિનથી થતો આનન્દ મારા હૃદયના ગમ્ભીર મર્મસ્થાને કેવો વ્યાપી જાય છે તે મને યાદ આવે છે. એ સ્થાનેથી મારું પતન થયું, કેમ જાણે મેં તને કદી જાણી જ નહીં હોય! મેં જે ખોયું તેને મોેઢે મારા હૃદયને કેવા તો આશ્વાસનથી ફોસલાવ્યા કર્યું! તારામાં આટલી ઉત્કટતાથી એકરૂપ થઈને ભળી ગયેલી મારી જિદ્વદગી – એને તેં તારા મુખ સુધી લાવીને બરાબર ચૂમી નહિ. તને ક્રૂર બનીને દમ્યા કરતી ઉગ્ર ઝંખના હવે મારી શિરાઓને ભેદી નાખીને તારું નામ દઈ સાદ પાડ્યા કરે છે. પણ તારો પ્રેમ સુધ્ધાં શૂન્યને આમ જ ભેદીને એકાન્તને બેમાં વિભક્ત કરી નાખતો હશે?