લઘુ સિદ્ધાન્તવહી/વિશ્વસાહિત્યનાં અર્થવર્તુળો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘વિશ્વ સાહિત્ય’નાં અર્થવર્તુળો

જર્મન કવિ ગટેએ ૩૧ જાન્યુઆરી, ૧૮૨૭ની ડાયરીનોંધમાં પોતાના મંત્રી એકરમાનને લખાવ્યું કે, ‘મને બીજાં રાષ્ટ્રો તરફ જોવાનું ગમે છે. બીજાને પણ એમ જ કરવા હું સૂચવું છું. રાષ્ટ્રીય સાહિત્યનો હવે આજે બહુ ઓછો અર્થ રહ્યો છે. વિશ્વસાહિત્યના પ્રારંભનો યુગ આવી પહોંચ્યો છે અને દરેકે એમાં ફાળો આપવો જરૂરી છે.’ ગટે દ્વારા આ રીતે પહેલી વાર ‘વિશ્વસાહિત્ય’ (weltliteratur)નો નિર્દેશ થયો. પરંતુ, વિશ્વસાહિત્યના આ પછી વિસ્તરેલાં અર્થવર્તુળોને સમજવા માટે ગટે આવા વિશ્વસાહિત્યના સંપ્રત્યય ભણી કેમ દોરાયો એનાં પરિબળો તપાસવાં મહત્ત્વનાં બનશે. ગટેને રાતોરાત આ સંજ્ઞા કે વિચાર સૂઝ્યો નથી. આ સંજ્ઞા કે વિચારના ધારણ પાછળ અનેક સંકેતો સૂચિત છે. ઐતિહાસિક ભૂમિકા પરથી જોઈએ તો ફ્રેંચ ક્રાંતિથી એક સાંવેદનિક જગત ઘડાતું આવતું હતું. ૧૭૮૯થી ૧૭૯૯ સુધીની ફ્રેંચ ક્રાંતિએ સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાની વિભાવનાઓ વહેતી મૂકી એ સાથે જ એક જગત, એક સંસ્કૃતિ અને એક સાહિત્યનાં બીજ એમાં નિહિત પડેલાં. આ વૈચારિક આબોહવા વચ્ચે વિજ્ઞાનની યંત્રફાળ પણ મહત્ત્વની બની. કાર્લ માર્ક્સે ૧૮૨૫માં વિશ્વબજાર (World market)નો ઉલ્લેખ કર્યો. સ્ટીમરો, રેલવે, ટેલિગ્રાફ, સુએઝ નહેર-આ બધાં વિકાસનાં સંસાધનોને કારણે વિશ્વબજાર ઊભું થાય એ સ્વાભાવિક હતું. જુદા જુદા દેશો સાથેના સંપર્કો પહેલાં કરતાં પ્રમાણમાં ઘણા ત્વરિત બન્યા હતા. એટલે આંતરરાષ્ટ્રીય સંપર્ક અને એનું વિવેકપૂર્ણ આકલન કરવાનો સમય પાકી ચૂક્યો હતો. ફ્રેંચ ક્રાંતિ દ્વારા ઊઘડેલું વિચારજગત અને વિજ્ઞાનના વિકાસથી આગળ વધેલું ભૌતિક જગત-આ બે પરિબળો વચ્ચે સંકુચિત રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય ઉદ્દંડતાને કોઈ સ્થાન નહોતું. કોઈ પણ પ્રજા ગુરુતાગ્રંથિથી પીડાતી પોતાના આસપાસ સાથે જ બંધાયેલી રહે એ હવે શક્ય નહોતું. જર્મનીમાં વકરતા રાષ્ટ્રવાદ વચ્ચે, આથી જ ગટેને આંતરરાષ્ટ્રીય સાહિત્યસંપર્કનો વિચાર સૂઝ્યો છે. વળી, ગટેની પહેલાં, જર્મનીમાં ફ્રીડરિક શ્લેગલે ‘યુનિવર્સલ પોએઝી (Universal Poesie)’નો સર્વસામાન્ય ખ્યાલ ઊભો કરેલો મોજૂદ હતો, અને સમકાલીન હર્ડર (Herder) જેવા તત્ત્વવિચારકના સૂરનો પણ ગટેને સાથ હતો. અલબત્ત ‘વિશ્વસાહિત્ય’ સંજ્ઞાનું લક્ષ્ય શરૂમાં યુરોપીય સાહિત્ય રહ્યું. પણ ધીમે ધીમે એ ‘ઇન્ટરનેશનલ લિટરેચર’, ‘યુનિવર્સલ લિટરેચર’, ‘જનરલ લિટરેચર’ એવી એવી સંજ્ઞાઓમાં વિસ્તરતું ગયું. પોતાની સ્થાનીય, પ્રાંતીય કે રાષ્ટ્રીય સીમાઓથી ઊંચકાવું એ વિશ્વસાહિત્યની અનિવાર્ય શરત છે. ‘અન્યો’ સાથે સંલગ્ન થવાની તત્પરતા, ‘અન્યો’ માટેની સહિષ્ણુતા, ‘અન્યો’ની ભિન્નતા પરત્વેનો આદર, અન્તઃક્ષેપયુક્ત સહભાગિતાની ક્ષમતા (empathetic participation) - વગેરે જેવો દૃષ્ટિવ્યાપ જો વિશ્વસાહિત્યની પાછળ રહ્યો છે, તો જગતને એના અંતરતમ સ્તરોમાં ધારી રાખનાર કશુંક છે એવી શ્રદ્ધા પણ એની પાછળ રહેલી છે. અનિવાર્ય આદાનપ્રદાન, પરસ્પરાવલંબન, સાંસ્કૃતિક સાપેક્ષતાનો સ્વીકાર, મનુષ્યજાતિની મૂળભૂત એકતા - જેવી વિભાવનાઓ સાથે ગતિમાન થયેલું વિશ્વસાહિત્ય આજે અનેક વિસ્તારો દર્શાવી રહ્યું છે. ‘વિશ્વસાહિત્ય’ સમાસને આમ તો, ષષ્ઠી તત્પુરુષથી ‘વિશ્વનું સાહિત્ય’ એમ છોડી શકાય છે, પણ ‘વિશ્વ’ અને ‘સાહિત્ય’ એમાં બે પદ વચ્ચેના સંબંધની સંકુલતા અનેકપદલોપી-મધ્યમપદલોપી સમાસ તરફ જવા સૂચવે છે : (૧) વિશ્વ(ની કોઈ પણ ભાષા કે પ્રજાની રુચિને સ્પર્શે એવું) સાહિત્ય. અહીં સ્થાનિક વિરુદ્ધની વૈશ્વિકતા (globality) અભિપ્રેત છે. (૨) વિશ્વ(ની ઉત્તમ ગણાતી કૃતિઓની બરોબરી કરી શકે તેવું) સાહિત્ય. અહીં અસદૃશતા (incommensurability) વિરુદ્ધ તુલનાત્મકતા છે. (૩) વિશ્વ(માં ઉત્તમ ઠરેલી રુચિને સંતોષતું) સાહિત્ય. અહીં લોકવાદિતા (populism) સામે પ્રશિષ્ટતા અભિપ્રેત છે. (૪) વિશ્વ(ની સર્વસામાન્ય રુચિને સ્પર્શતું) સાહિત્ય. અહીં વિશિષ્ટતા વિરુદ્ધની સાર્વત્રિકતા છે. (૫) વિશ્વ(માં અમર ગણાયેલી, ટકી ગયેલી રચનાઓનું) સાહિત્ય અહીં અસ્થાયી વિરુદ્ધ શાશ્વતસાહિત્ય અભિપ્રેત છે. (૬) વિશ્વ(ની મનુષ્યજાતિના સર્વસામાન્ય અનુભવને સ્પર્શતું) સાહિત્ય. અહીં રૂપવાદિતા વિરુદ્ધ અનુભવવાદિતા અભિપ્રેત છે. આજે વિશ્વસાહિત્ય એક બાજુ જો અનુવાદ-મીમાંસા (Translation studies)ની આવશ્યક સામગ્રી છે, તો બીજી બાજુ એ તુલનાત્મક સાહિત્યની પણ આવશ્યક સામગ્રી છે. વળી, બે ભિન્ન ભાષા કે સાહિત્યની રચનાઓની તુલનામાં થતું તુલનાત્મક સાહિત્ય આજે પાછું ત્રણ શાખાઓમાં કાર્યરત છે : ચૈતસિક સમાન્તરતાઓ શોધવા સમયને અંકે લઈ ચાલતી ઐતિહાસિક કાવ્યમીમાંસા (Historical poetics); જુદી જુદી વિવેચનપરંપરામાં અને વિવેચનપદ્ધતિમાં પ્રવેશતી તુલનાત્મક કાવ્યમીમાંસા (Comparative poetics) અને સંસ્કૃતિઓના કેન્દ્રમાં મૂલ્યાંકનને ખેંચતી સંસ્કૃતિમીમાંસા (Cultural studies). ટૂંકમાં, વિશ્વસાહિત્ય, ભાષા, વંશ, સંસ્કૃતિની સરહદો વટાવવા માટેનું અને અર્થઘટનો તેમજ પ્રતિક્રિયાઓ માટેનું એક જબરદસ્ત ખુલ્લાપણું સહૃદયને સમર્પે છે.