લીલુડી ધરતી - ૧/માનતા ફળી
માંડણનું આ અણધાર્યું પરિવર્તન ગોબરથી અજાણ્યું ન રહ્યું. પણ એ એનું કશું કારણ પૂછેકારવે એ પહેલાં તો માંડણે માગણી કરી :
‘અડધો રૂપિયો લાવ્યની !’
‘રૂપિયો શું કરવો છ ?'
‘જરીક ગામ ઢાળો જઈ આવું —’
નમતા બપોરના તડકામાં વાડીની સૂકી ધરતી પર પથરાતા માંડણના લાંબા ભયજનક પડછાયા તરફ તાકી રહેતાં ગાબરે પૂછયું :
‘ચાનો કોપ પીવાની તલપ લાગી છે ? તો જીવો ખવાહ ખાતે લખીને પાશે, રોકડાની શું જરૂર છે ?’
‘મારે રોકડો જ જોયેં —’
ગોબરે વધારે દલીલ કરીને આ દખિયા જીવને વધારે દુ:ખી ન કર્યો. એણે તરત પોતાનું કેડિયું ઊંચકીને એના ખિસ્સામાંથી અધેલો સેરવી કાઢ્યો ને માંડણના હાથમાં મૂકયો.
‘અબઘડીએ પાછો આવું છું.’ કહીને માંડણ ગામની દિશામાં વહેતો થયો.
માંડણ ગયો અને થોડી જ વારમાં વાડીના ખોડીબારા પર જુસબ ઘાંચી દેખાયો. દિવસ આખો ઘાણીએ બેસીને તલ પીલનાર અને રાતે પાલો ભરેલો એકો હાંકનાર જુસબનાં કપડાં સાચા અર્થમાં ‘ઘાંચી જેવાં મેલાંઘાણ જ રહેતાં. તેલ વડે રસબસતા એનાં પહેરણ ઈજાર પર જામતા ધૂળના થથેરા વડે જે દીદાર સરજાતા એ ઉપરથી તો ગામમાં મેલાંઘાણ માણસ માટે ‘જુસ્બા ઘાંચી જેવો ઓઘરાળો’નો શબ્દપ્રયોગ પણ પ્રચલિત બન્યો હતો. એ ઓઘરાળા જુસબે આજે કડકડતાં નવાં કપડાંમાં દર્શન દીધાં તેથી ગોબરને નવાઈ લાગી.
જુસબે કાંખમાં એક નાનકડું બાળક તેડ્યું હતું તેથી ગોબરને લાગ્યું કે ગામ આખું અહીં ફૂટતા ટોટાના બમગિલોલા જોવા આવી ગયું, એમ જુસબ પણ વિલાયતી દારૂની આ આતશબાજી જોવા આવ્યો હશે. પણ ત્યાં તો એની પાછળ મરિયમ પણ આવતી દેખાઈ. મરિયમે તો વળી જરી–કસબનો આબો પહેર્યો હતો તેથી ગોબરને વધારે નવાઈ લાગી, ના ના, આ લોકો કાંઈ આતશબાજી જોવા નથી આવ્યાં. આ તો કોઈ પીરના ઉરસમાં જતાં હોય એવાં કપડાં પહેરીને નીકળ્યાં છે.
જુસબના હાથમાં બાળક અને મરિયમના હાથમાં રૂમાલ વીંટેલું પોટકું જોઈને સંતુને એમના આગમનનું પ્રયોજન સમજતાં વાર ન લાગી.
‘મરિયમ તો સતીમાને થાનકે આવી છે, એના છોકરાની માનતા ઉતારવા.’
ગોબર તો આ દંપતીના મરક મરક થતા પુલકિત ચહેરા તરફ તાકી જ રહ્યો અને એમની આ ભાવુકતાને મનમાં ને મનમાં અંજલિ આપી રહ્યો.
આ કૂવો કેટલા હાથ ઊંડો ગયો, હજી બીજા કેટલા હાથ ઉતારવો છે, કેટલો સમય લાગશે, વગેરે ઔપચારિક વાતચીત કરીને જુસબ થાનક ભણી આગળ વધ્યો. મરિયમે સંતુ જોડે થોડી સુખદુ:ખની વાત કરી. સંતુએ મરિયમના છોકરાનાં વખાણ કર્યાં અને પછી થાનક ભણી જઈ રહેલી આ શ્રદ્ધાળુ માતાને અસીમ અહોભાવથી અવલોકી રહી.
કૂવાના મંડાણ પર બેસીને ગડાકુ ફૂંકી રહેલા ગોબરે થોડી વારે સંતુને કહ્યું :
‘મરિયમની માનતા ફળી ખરી ! જુસબને માથે આવા દુકાળિયા વરહમાં સતીમાનું છત્તર ચડાવવાનું ખરચ આવી પડ્યું.’
‘તારે માથે ય આવું ખરચ આવવાનું છે.’ સંતુએ હળવેથી કહ્યું.
‘હેં ?’
‘હેં શું ! દહ તેલા રુપું વહોરવાની તેવડ્યમાં રે’જે—’
‘શું વાત કરછ ?’
‘આ મરિયમની ઘોડ્યે હવે મારી માનતા ય ફળવાની છે—’
‘કંયે ! કંયે ?’
‘એમ તો હજી વાર છે, ગભરાઈશ મા. આવા માઠા વ૨હમાં તને ખરચ નહિ કરાવું, પણ આવતી સાલ હુતાશણી ટાણે છત્તર ઘડાવવાના વેતમાં રે’જે—’ સંતુએ શરમાતાં શરમાતાં કહ્યું.
સાંભળીને ગોબર શરમાયો પણ ખરો. ‘એમ વાત છે ! ને અટાણ લગી કોઈને કે’તી ય નથી ?’
‘આવી વાતમાં તી કાંઈ પૂંજિયા ઢેઢને બરકીને ઢોલ પિટવવાના હોય ?’
‘ભાભીને વાત કરી છે કે નઈં ?’ પોતે જેને સદૈવ માતાતુલ્ય ગણેલી એ ઊજમનો ઉલ્લેખ કરીને ગોબરે પૂછ્યું.
‘મને તું વધારે વા’લો કે ભાભી ?’ સંતુએ કહ્યું. ‘તને કીધા મોર્ય ભાભીને કાને વાત નંખાય ?’
‘સમજ્યો, સમજ્યો ! ઘરમાં હજી કોઈને ખબર જ નથી !’
‘પહેલી પરથમ ઘરવાળાને ખબર પાડવી જોયેં, પછી ઘરને–’
‘અને ગામને !’
‘ગામને કિયે છ મારી બલા ! હું તો તને કહું, એટલે એમાં આખું ગામ શું, આખો મલક આવી ગ્યો !’
ગોબર મૂછમાં હસી રહ્યો. સંતુના ભક્તિભાવને એ પ્રશંસી રહ્યો.
‘હજી તો હું ને તું, બે જ જણાં આ વાત જાણીએ છીએ ને !’ ‘ના !’ સંતુએ કહ્યું. ‘એક ત્રીજું પણ જાણે છે—’
‘કોણ ? કોણ ?’
સંતુ થોડીવાર મૂંગી રહી એટલે ગોબરે વધારે ઉત્કંઠાથી પૂછ્યું :
‘કોણ જાણે છે ? તારી સહીપણી જડી ?’
‘ના.’
ગોબર વિચારમાં પડી ગયો. થોડી વારે પૂછ્યું :
‘તો પછી આપણે બે સિવાય આવી વાત બીજું કોણ જાણે ? તારી મા હરખીકાકી ?’
‘તારી ધારણા આઠ આના સાચી પડી ખરી.’ સંતુએ કહ્યું.
‘મારી મા આ વાત જાણે છે પણ ઈ મારી હરખી મા નહિ બીજી એક મા છે.’
‘બીજી એક મા ? કોણ ? કઈ મા ?’
‘આ સામાં થાનકમાં બેઠાં ઈ સતીમા !’ સંતુએ અજબ ભક્તિભાવથી થાનક ભણી આંગળી ચીંધી.’
ગોબરે થાનક તરફ નજર કરી તો મરિયમ પોતાના બાળકને સતીમા સન્મુખ પગે લગાડી રહી હતી. જુસબ સતીમાના થળા ઉપર છત્તર ટાંગી રહ્યો હતો.
‘ઈ સતીમા હંધુય જાણે છે... રજેરજ વાત જાણે છે.’ સંતુ જાણે કે સ્વગત બોલી રહી હતી. ‘ઈની આંખ્ય હંધેય ફરી વળે છે. ઈનાથી કાંઈ કરતાં કાંઈ અજાણ્યું નથી રે’તું.’
ગોબરે પુલકિત હૃદયે કહ્યું :
‘તું તો સતીમાની ઘરની જ દીકરી. તારે તો આ ગામવાળાં કરતાં મોટેરું છત્તર ઘડાવવું પડશે—’
‘તી એમાં કાંઈ નવી નવાઈ છે? તારે તેવડ્યમાં રે’વું પડશે—’
‘નથુબાપો મારો ઢાળિયો કરી નાખશે, માનતા ગામની ફળે, પણ બકડિયાં નથુ સોનીને !’ કહીને ગાબરે સુવર્ણકારના વ્યવસાયનું વિવરણ કર્યું : ‘દુકાળ હોય કે સકાળ હોય, સારું વરહ હોય કે માઠું વરહ હોય, પણ સોનીભાઈને તો હુંધે ય સરખી જ કમાણી. સારે વરહે માણસ સોનું–રૂપું વહોરી જાય... ને માઠે વરસે વેચી જાય. નથુબાપાને તો બે ય કોર્યથી લાભ : વેચતાં ય ચોરે ને વહોરતાં ય ચોરે. ઓલ્યા કાશીના કરવતની જેમ–બે ય કોર્યથી ઘરાકને વહેરતા જાય–’
થાનક તરફથી પાછાં ફરતાં જુસબ અને મરિયમ કૂવાના થાળા નજીકથી પસાર થયાં ત્યારે મરિયમની કાંખમાં રમતા દાણિયા જેવા બાળક તરફ સંતુ–ગોબર અનિમિષ નજરે નિહાળી રહ્યાં.
*** થોડી વારમાં માંડણ ધીમે પગલે ખોડીબારામાં પ્રવેશ્યો. એની ચાલ જાણે કે બદલાઈ ગઈ હતી. અહીંથી એ ગામ તરફ ગયો એ વેળાએ એની આંખમાં છવાઈ ગયેલી શૂન્યતાને સ્થાને તેજીલી ચમક આવી ગઈ હતી.
માંડણની પાછળ પાછળ જ એના ફળિયાનો પાળેલો ને માંડણથી બહુ જ હળી ગયેલો ડાઘિયો કૂતરો પણ આવ્યો એ જોઈને સંતુ બોલી :
‘આ ડાઘિયો તો જાણે કે માંડણ જેઠનું પૂછડું !’
‘નથુબાપા તો આને રોટલાનું બટકું ય નથી નીરતા.’ માંડણે કહ્યું. ‘અજવાળીકાકી આમ ધરમની વાતું મોટી મોટી કરે, પણ જીવ સાવ આટલો જ. ડાઘિયો સવારનો ભૂખ્યો હશે, તી મેં રામભરોસેમાંથી લાડવા લઈને ખવરાવ્યા.’
અને માંડણે હાથમાંના પડીકામાં વધેલું લાડવાનું છેલ્લું બટકું ડાઘિયાને નીરી દીધું.
‘એલા, આ તો મસાણિયા લાડવા છે.’ ગોબરે કહ્યું. ‘લોટ, પાણી ને લાડવા જ, બીજું કાંઈ નહિ.’
‘મસાણિયા લાડવામાં તી એલચીનો સ્વાદ નખાતો હશે ક્યાંય ? પણ મારા ડાઘિયાને આ લાડવા બવ ભાવે છે–’
ગોબરે ચૂંગી ખંખેરીને ઊંધી વાળી દીધી : ‘હાલો, ઝટ ચારપાંચ ટોટા ફોડી લઈએ, નીકર વળી ખાબોચિયામાં પાણી ભરાઈ જાશે.’
રાંઢવું ઝાલીને ગોબર સડેડાટ કૂવામાં ઊતરી ગયો.
અંદર એકઠાં થયેલાં કપચી ને ટાચોડાનાં બકડિયાં ભરાવા લાગ્યાં ને કાંઠે ઊભેલા માંડણે એ સારવા માંડ્યાં.
એક ટોટો ફૂટ્યો, બીજો ફૂટ્યો, ત્રીજો ફૂટ્યો...
સંતુએ કહ્યું : ‘અબઘડીએ સીંજાટાણું થાશે... હવે કાલ્ય સવારે વાત.’
‘ડાબે ખૂણે અડધી છીપર રહી ગઈ છે. એટલી ઉખેડી નાખું તો નિરાંત.’ કહીને ગોબર વળી પાછો રાંઢવું ઝાલીને કૂવામાં ઊતર્યો.
માંડણ નવી વાટ તૈયાર કરવામાં રોકાયો, સાથે સાથે, રામભરોસેના રેડિયોમાંથી સાંભળી આવેલા કોઈક નવા ફિલ્મી ગીતની તરજ ગણગણવા લાગ્યો, અને વચ્ચે વચ્ચે સંતુ તરફ ભેદભરી નજરે નિહાળવા લાગ્યો.
સંતુને અત્યારે માંડણની વર્તણૂક બહુ વિચિત્ર લાગતી હતી. એ સિનેમાનાં ગીતો ગણગણતો હતો, તે વચ્ચે વચ્ચે આવેશમાં આવી જઈને બબડતો હતો :
‘શાદૂળિયાની ખોપરીમાં દારૂ ધરબીને આવો એક ટોટો ફોડવો છે. ઈ ફટાયાની ખોપરીના ચૂરેચૂરા કરી નાખવા છે...’
બાકી રહેલી ભેખડમાં ગોબરે છેલ્લી સુરંગ ધરબી દીધી, ને વાટ ઉતારવાનો અવાજ દીધો.
માંડણે કાંઠેથી વાટની દોરી અંદર ઉતારી.
સંતુ ટાચોડાનું છેલ્લું તગારું ઠાલવવા જરા દૂર ગઈ.
ગોબરે ટોટા પર વાટ ગોઠવી.
તગારું ઠલવીને પાછી ફરતી સંતુએ દૂરથી જોયું તો માંડણ પર બાંધેલું રાંઢવું ધ્રૂજતું હતું. એ ઉપરથી સમજાઈ ગયું કે ગોબર બહાર નીકળવાની તૈયારી કરે છે...
પણ ત્યાં તો માંડણે હાથમાં પલિતો લીધો...
‘આ શું કરો છો, માંડણ જેઠ ?’ સંતુએ દૂરથી જ બૂમ પાડી : ‘એને કાંઠે તો આવવા દિયો !’
પણ માંડણ આવું કશું સાંભળવા તૈયાર નહોતો. એણે તો પટ કરતોક ને વાટ ઉપર પલિતો ચાંપી દીધો...
એ દૃશ્ય જોઈને સંતુના મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ !
પલિતો ચાંપીને માંડણ ચોંપભેર દૂર નાસી ગયો.
‘રાંઢવું વધારે ધ્રુજી ઊઠ્યું. અંદરથી ગોબરનો ભયભીત અવાજ સંભળાયો :
‘માંડણિયા ! આ શું કર્યું ?’
પણ ત્યાં તો ગોબરના અવાજને અને સંતુની ચિચિયારીને દાબી દેતો ભયંકર ધડાકો થયો.
બાકી રહેલી ભેખડની શિલાઓ જોડે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડ્યા...
એ કાળા મેશ ધુમાડાના ગોટાઓમાં ગોબરનો સતીમાની માદરડી બાંધેલો ગોરમટો હાથ પણ છૂટો ઊડ્યો...!
એ જોઈને સંતુના ભયભીત હૃદયમાંથી આકાશના ઘુમ્મટને ચીરી નાખે એવી તીણી ચિચિયારી નીકળી ગઈ.