લીલુડી ધરતી - ૧/વાજાંવાળા આવ્યા
જીવતીના આપઘાતનો સન્નાટો ગુંદાસર જેવા નાનાસરખા ગામથી જીરવવો મુશ્કેલ હતો.
આ ઘટનાએ સંતુ અને શાદૂળભા વચ્ચે જામી ગયેલી અથડામણને ઝાંખી પાડી દીધી; જીવા ખવાસની ધડપકડને પશ્ચાદ્ભૂમાં ધકેલી દીધી; રઘા મહારાજ અને જેરામ મિસ્ત્રી વચ્ચે ઝરી ગયેલી ચકમકની વાત ભૂલાવી દીધી. હજી ગઈ કાલ સુધી ગામ આખામાં વાતચીતનો વિષય બની ગયેલા ગિરનારના આરોહણનું મહત્ત્વ હવે ઓસરી ગયું. ગોબર ઉપર વરસીંડે ઉગામેલ જમૈયાની ઘટનાનું હવે ઝાઝું મહત્ત્વ રહ્યું નહિ. પોતાના પિતરાઈની રક્ષા કરવા જતાં માંડણે હાથ ગુમાવ્યો હતો એ અનુકમ્પાનો વિષય હતો ખરો, પણ જીવતીના અગ્નિસ્નાન સમક્ષ એની બહુ વિસાત નહોતી. આજે તો ચોરે ને ચૌટે એક જ વાત ચર્ચાતી હતી.
‘અરરર ! બચારી બાઈ ખડની ગંજી ભેગી ખડના પૂળાની ઘડ્યે સડસડ સળગી ગઈ !’
‘ગરનારી વાયરામાં તલસરું સળગે એમ ભડભડ ભડથું જ થઈ ગઈ !’
પાણીશેરડે દેરાણી જેઠાણીની વર્તુળાકાર વાવ પર વાચ્યાર્થમાં ગોળમેજી પરિષદ જેવો દેખાવ થઈ ગયો હતો. પાવઠાના પરિઘ આસપાસ ઊભીને પાણી સીંચતી પાણિયારીઓ એક પછી એક ‘આંખો દેખા હાલ’ રજૂ કરતી હતી. ‘અરરર ! જીવતીએ ઝાળ લાગ્યા પછી કાંઈ રાડ્યું પાડી છે, કાંઈ રાડ્યું પાડી છે ! ઠારો...ઠારો !’
‘પણ માલીપાથી કમાડ ઠંહવીને પછેં સળગી એટલે એને ઠારવા કોણ જાય, એનો બાપ ?’
‘પણ માલીપાથી એણે કાંઈ બોકાહાં નાખ્યાં છે, કાંઈ બેકાહાં નાખ્યાં છે ! સાંભળ્યાં નો જાય એવાં કાળાં બોકાહાં !’
‘બોકાહાં નો નાખવાં હોય તો ય નખાઈ જ જાય ને ! માડી ! જીવ કાઢી નાખવો કાંઈ રમત વાત છે ? એનું કહટ કેમ કરીને ખમાય ?’
‘તો કોણે એને પાણો મેલ્યો'તો કે હાથે કરીને જીવ કાઢી નાખજે ?’
હાથે કરીને આમ જીવ કાઢી નાખવાં તી કોઈને ગમતાં હશે મારી બૈ ? બટકબોલી ટપુડાની વહુ રૂડીએ એક મમરો મૂકયો ‘કિયે છ કે માંડણિયે જ એને સળગાવી મેલી’તી !’
વાવમાં બૂડતો એકેક ઘડો, વાવનાં પાણી જોડે પાણીશેરડાના વાતાવરણમાં પણ એકેક વમળ ઊભું કરતો હતો.
‘નથુબાપાનાં વવ અજવાળામા કે’તાં’તાં, કે માંડણિયાને જીવતી મૂળ ગમતી નો’તી એટલે ઘડોલાડવો કરી નાખ્યો ! અજવાળામાં એક જ ફળિયે રે'નારાં પડોશી રિયાં ને, એટલે એનાથી કાંઈ અજાણ્યું નો હોય !’
આ સાંભળીને, પાવઠીને સામે છેડે ઘડો ખેંચી રહેલી સંતુએ પડકાર કર્યો :
‘એલી બાઈ ! તુંય સાવ ટાઢા પોરની કાં હાંક્યે રાખ્ય ! જીવતી તો માલીપાથી કમાડ ભીડીને હાથે કરીને સળગી. એમાં માંડણિયાનો વાંક શું કામ કાઢશ ?’
‘બાપુ ! તને માલીપાની ખબર્ય ક્યાંથી પડે ! માંડણિયો કે’દુને બીજું ઘર કરવાની તજવીજમાં હતો ઈ તો ગામ આખુંય જાણે છે. પણ આડે આ જીવતીનું સાલ હતું ઈ એણે માથે રહીને કાઢી નાખ્યું.’
‘માથે રહીને કાઢી નાખ્યું ?’ સંતુએ ફરી ઉગ્ર અવાજે કહ્યું. ‘એલી બાઈ ! જરાક તો વચાર કરીને બોલ્ય ? જરાક તો ઉપરવાળાનો ભો રાખ્ય ! જીવતી સળગી તંયે માંડણિયો તો ખડકીમાં હતો ય નહિ. સારીપટ ગોકીરો થ્યા કેડ્યે જ તો ઈને ખબર્ય પડી.’
‘ઈવે ટાણે તો આઘોપાછો જ થઈ જાય ને ? બાયડીનાં લૂગડાં ઉપર લાલબાઈ મેલીને બારો નીકળી ગ્યો હશે !’
‘બચાડો ઘરભંગ થઈ ગ્યો ઈનું તો કાંઈ કરતાં નથી. ને ઠાલાં આવાં આળ શું કામે ચડાવો છો ?’ સંતુએ ભોળે ભાવે કહ્યું. ‘દખિયા જીવની જરાક તો દયા ખાવ ?’
‘દખિયો જીવ !’ સતુની પડખેના જ ગરેડે પાણી સીંચતી વખતી ડેસી વ્યંગમાં બોલી, ‘એલી સંતુ ! ઈ દખિયા જીવની બવ દયા આવે છે કાંઈ ?’
સંતુએ નિખાલસ ભાવે કહ્યું :
‘દયા તો આવે જ ને ? એક તો બચાડો હાથે ઠૂંઠો થયો, એટલે હવે પરવશ પડુ જેવો... ને એમાં ઘરભંગ થયો !’
‘બવ પેટમાં બળતું હોય તો પછી ઈ ઘરભંગનું ઘર માંડી દે ની ?’
વખતીએ ટાઢો ટમકો મૂક્યો ને સંતુ રોમેરોમ સળગી ઊઠી. એની અણિયાળી આંખમાંથી અંગારા વરસી રહ્યા, પાણીશેરડાનું વાતાવરણ સ્તબ્ધ બની ગયું.
વખતીએ વગર વિચાર્યે કરી નાખેલા બફાટને લીધે માત્ર સંતુ જ નહિ પણ સહુ પાણિયારીઓ બેબાકળી બની ગઈ, અને ‘અરરર ! આ શુ બાફી માર્યું?’ એવો ભાવ સૂચવવા માંમાંથી મૂંગેમૂંગે જીભ બહાર કાઢી રહી. ‘વખતીકાકી ! આવા ન બોલ્યાનાં વેણ બોલતાં શરમાતાં નથી ?’ આધાતની કળ વળ્યા પછી સંતુ બોલી : ‘શું કરું આ તમારે માથે ધોળાં કળાય છે એની મને શરમ આવે છે. તમારી જગાએ બીજી કોઈએ આવાં વેણ કાઢ્યાં હોત તો ઈની જીભ જ ખેંચી કાઢત !’
વખતીને પણ હવે સમજાયું કે પોતે કળ-વકળનું કશું ભાન રાખ્યા વિના અડદ મગ ભેગા જ ભરડી માર્યા છે, તેથી એ પણ હવે નીચી નજરે પાણી ખેંચી રહી. ડોસીને એ પણ ખ્યાલ આવ્યો કે શાદૂળ જેવા ગામધણી સામે ટક્કર ઝીલનારી આ છોકરીને છંછેડવામાં માલ નથી.
માત્ર વખતી જ નહિ પણ બીજી પાણિયારીઓ ય મનમાં ને મનમાં ધ્રૂજી રહી. એક ઘા ને બે કટકા કરનારો સ્વભાવ ધરાવનારી સંતુ અબઘડીએ આ ડોકરીને ઈંઢોણીએ ઈંઢોણીએ ટીપી નાખશે એવી દહેશત સેવાઈ રહી. પણ ત્યાં તો સહુના આશ્રાય વચ્ચે સંતુએ બેડું માથા પર મૂકયું ને ‘ડોસી ! તમારા માથા પર આવ્યાં છે ઈ ધોળાં લાજે છે, ધોળાં !’ કરતીક ને ઝડપભેર ઉતરીને ગામ ભણી વહેતી થઈ ગઈ.
હવે જ વખતીના મોઢામાં જીભ આવી.
‘આવડી નખ જેવડી છોકરીનો મિજાજ, કાંઈ મિજાજ ! કાણાને કાણો ન કહેવાય, એવું કરી પડી !'
પણ ડોસીની આ ફરિયાદમાં સૂર પુરાવવાનું કોઈનું ગજુ નહોતું. તેથી વખતે એકલીને જ પોતાનું સંભાષણ ચાલુ રાખવું પડ્યું :
‘માંડણિયાની મોટી વાલેશરી નો જોઈ હોય તે ! આજ લગણ તો બે ય ઘર વચ્ચે બોલ્યાવે'વારે ય નો’તો ને હવે એની સગલી થઈને ઉપરાણાં લેવા આવે છે...’
વખતીનો આ બબડાટ હજી ય લાંબો ચાલત. પણ ત્યાં તો ભૂતેશ્વરના મંદિરની દિશામાંથી નવતર વાદ્યોનો અવાજ આવ્યો :
તડાક્ ધિન... ધિન
તડાક્ ધિન...ધિન...
અને સહુ પાણિયારીઓનું ધ્યાન એ તરફ દોરાયું.
ગુંદાસરના પાદરમાં વહેલી પરોઢમાં નવી જાતનાં વાજાં નગારાં વાગવા લાગ્યાં. ઢોલ ને શરણાઈ સિવાયનું બીજુ કોઈ જ વાજિંત્ર જેમણે જન્મારામાં જોયું નહોતું એ ગામલોકો માટે આ વિદેશી વાદ્યો કૌતુકનો વિષય બની રહ્યાં; સહુ એકીટસે આ વાદકો તરફ તાકી રહ્યાં; પાવઠી પર પાણી સિંચાતાં થંભી ગયાં.
જાંબલી રંગના જીનનાં અડધાં પાટલૂન, અડધી ખમીસ, લીલા રંગનાં મોજાં ને માથે ધોળી ટોપીઓનો એકસરખો ગણવેશ પહેરેલા કિશોરો−તરુણો આ વૃંદવાદન કરી રહ્યા હતા.
‘હાલો મોરલીરાજાં સાંભળવા ! હાલો મોરલીવાજાં જોવા !’ ગામના ઉગમણા ઝાંપાથી ઠેઠ આથમણા ઝાંપા સુધી સમાચાર ફેલાઈ ગયા.
વાદકોમાં સહુથી મોટેરો છોકરો બગલમાં બૅગ–પાઈપ વાજું દાબીને ગલોફાં ફુલાવી ફુલાવીને વગાડતો હતો. એ માણસ હવા તો એક જ ભૂંગળામાં ઠાંસતો હતો, પણ એ વડે એકીસાથે ત્રણચાર મોરલીઓમાંથી સૂર નીકળતા હતા એ તો અહીંનાં ગામડિયાંઓ માટે જાદુમંતર જેવું અચરજ ઊભું કરતા હતા.
‘એલાવ, હાલો કોથળાવાજાં સાંભળવા !’
ઊભી બજારેથી માણસો આવવા લાગ્યાં. જોતજોતામાં તો વાદકોની આજુબાજુ ખાસ્સું ટોળું જામી ગયું. પૂરતી સંખ્યામાં શ્રોતાઓ એકઠા થઈ ગયા છે એવું લાગતાં જ વાદકોના મુખીએ સંજ્ઞા કરી.
એકાએક ‘કોથળાવાજાં’ બંધ થઈ ગયાં અને વાંસળીઓ વાગવા લાગી. ચાર કિશોરોએ અત્યંત કરુણ સ્વરે ગાવા માંડ્યું : ‘નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નહિ...’
હવે કેટલાંક મોટેરાંઓને આમાં સમજણ પડી. ‘આ તો ઓલ્યાં આસરમવાળાં લાગે છે... માબાપ વિનાના...’
‘પરાર્યની સાલ ફાળો ઉઘરાવી ગયાં’તાં, ને પંચાઉના લાડવા જમી ગ્યાં’તાં ઈ માંયલાં જ.’
‘ઓલ્યાં નડિયાદ કોર્યથી આવ્યાં’તાં ઈ જ કે બીજા ?’
‘ઈ નંઈ તો ઈનાં ભાઈયું હશે. નડિયાદનાં નંઈ તો ડાકોરનાં.’ પાણીશેરડે રાબેતા મુજબ ચાલતું નિંદા અને કૂથલીપર્વ અત્યારે એકાએક કરુણાપર્વમાં પલટાઈ ગયું.
‘અરરર બાઈ ! આ તો સાવ નધણિયાતાં છોરું બચાડાં... એને મારું કહેનારું કોઈ નંઈ...’
‘બીજા હંધા ય દુઃખ ખમાય, પણ માબાપના વિજોગનાં દુઃખ કેમ ય કર્યાં ન ખમાય.’
ગુંદાસરમાં સર્વજ્ઞ ગણાતી વખતી ડોસીએ સરરર કરતો ઘડો કૂવામાં ઉતારતાં વાતને એક નવો વળાંક આપ્યો :
‘આ હંધાં ય છોકરાંનાં માવતર કાંઈ મરી પરવાર્યા કંઈ નંઈ હોય. ઘણાયની માવડિયું જીવતી હશે, ને બાપ પણ બેઠા હશે.’
‘તો પછી છતે માવતરે જણ્યાંવને આસરમમાં શું કામે મેલતાં હશે ?’ એક અબૂજ વહુવારુએ કુતૂહલ વ્યક્ત કર્યું.
‘મેલવાં પડે.’ વખતી બોલી, ‘હજાર કારણે મેલવાં પડે. તેં હજી દુનિયા નથી જોઈ, એટલે ક્યાંથી ખબર પડે ?’
‘અરરર ! ઈ માવડિયું નાં કાળજાં લોઢાનાં જ હશે ને નીકર, પેટનાં જણ્યાં આમ પારકાં હાથમાં સોંપતાં જીવ કેમ કરીને હાલે ?’
‘પાપ ઢાંકવાં હોય તો હંધુ ય કરવું પડે.’ વખતી ડોસીએ કહ્યું.
પાણીશેરડે હજી તો આ કરુણ રસની પૂરેપૂરી જમાવટ થાય એ પહેલાં તો પેલું વાદકમંડળ કૂવાની લગોલગ આવીને ઊભું રહ્યું.
‘નાનપણમાં કોઈનાં માતાપિતા મરશો નહિ...’ અનાથાશ્રમના મુખીએ પરચૂરણ સિક્કા ભરેલી લાકડાની એક સીલબંધ પેટી આ પાણિયારીઓ સમક્ષ ખખડાવી અને મૂંગે મૂંગે જ મદદની યાચના કરી.
અહીં પાણી ભરતાં ભરતાં અનાથને શી રીતે આર્થિક સહાય કરવી એની મૂંઝવણ સહુ પાણિયારીઓ અનુભવી રહી, પણ ત્યાં તો વખતીએ જ સહુ વતી સંભળાવી દીધું :
‘બાપુ ! આંઈ કૂવે આવતાં તમારા સારુ કાવડિયાં ગાંઠ બાંધીને નથી લઈ આવ્યાં તી ઝટ કરતાંક ને છોડી દઈએ.’
‘કાવડિયાં તો ભાયડા માણહનાં ગુંજામાં હોય. બજારે જાવ તો જડશે.’ બીજી એક બટકબોલીએ ઉમેર્યું.
અને ટોળું ગીત ગાતું ગાતું બજાર તરફ વળ્યું ત્યારે પાછળ વખતી પોતાનો અંતિમ વાક્પ્રહાર કરવાનું ન ચૂકી :
‘ઘરનાં જણ્યાંવને બચાડાંને ઢીં’કાઢૂંબા જડે ને આ પારકાં પરોતાં સારુ રોકડાં કાવડિયાં ઠારી મેલ્યાં છે ! ગાલાવેલાં ન ભાળ્યાં હોય તો !’