લીલુડી ધરતી - ૧/શુકન પકવ્યાં
ઊજમ અને સંતુ આજે ચાર વાઢવા વાડીએ આવ્યાં હતાં. આ દેરાણીજેઠાણીને ઘર કરતાં ખેતરમાં વધારે નિરાંત ને એકાંત મળતાં તેથી તેઓ વધારે મોકળે મને સુખદુઃખની વાત કરી શકતાં.
સંતુ આજે સવારના પહોરમાં જ પાણીશેરડે વખતી ડોસી જોડે થયેલો વરવો સંવાદ વર્ણવી રહી હતી.
‘વખતીને ઠેકાણે બીજી કોઈ આવું બોલી હોત તો એને ઢીંકે ઢીંકે ગૂંદી નાખત—’
‘આપણે એવું કાંઈ ગણકારવું જ નહિ.’ ઊજમ વ્યવહારુ સલાહ આપતી હતી : ‘બોલનારનું મોઢું ગંધાય—’
‘મને તો થયું કે ઈની રાંડની જીભ જ વાઢી લઉં –’
‘એવા માણસને વતાવવામાં માલ નહિ... એના વેણ આ કાને સાંભળીને આ કાનેથી કાઢી નાખવાં સારાં... ઠાલું બોલ્યું બાર પડે ને રાંધ્યું વરે પડે.’
સંતુને આવી આવી શાણી શિખામણો આપી રહેલી ઊજમની નજર એકાએક ખેતરના ખોડીબારા તરફ ગઈ અને એ સહસા બોલી ઊઠી :
‘આ ધાડિયું કોનું આવ્યું ?’
ક્યારામાં વાઢી રહેલી સંતુએ ઊંચે જોયું તો કાંઠામારગ પરથી ખોડીબારા તરફનો ઢોરો ચડતાં માણસો દેખાયાં.
‘આ તો ઓલ્યાં વાજાંવાળાવ લાગે છે... ઓલ્યાં માબાપ વગરનાં... આજ સવારનાં ગામમાં ગર્યાં છે, ઈ જ—’
‘ગામમાં મરની ગર્યાં, પણ આપણા ખેતરમાં શું કામે ને ગરે છે ?’ ઊજમને નવાઈ લાગી.
‘ભગવાન જાણે !’ કહીને સંતુએ વળી એક વધારે આશ્ચર્ય વ્યક્ત કર્યું. ‘આ સહુની મોઢા આગળ તો રઘોબાપો આવે છે !’
‘રઘો ?’ ઊજમે ઝીણી નજરે જોઈને પૂછ્યું, ‘રઘાનો આંયાં કણે શું ડાબલો દાટ્યો છે ?’
દેરાણી–જેઠાણી આવાં કુતૂહલ અનુભવી રહી ત્યાં તો રઘાની રાહબરી તળે અનાથાશ્રમનો આખો ઝમેલો થાનકવાળા ખેતરમાં દાખલ થઈ ગયો.
રઘાને જોઈને સંતુ જરા ભય અનુભવી રહી. ઊજમે પણ અગમચેતીથી આ ભેદી માણસને પડકાર્યો :
‘રઘાબાપા ! કોનું કામ છે ?’
‘સતીમાતાનું.’ રઘાએ જવાબ આપ્યો.
અત્યારે ખેતરે કોઈ નહિ હોય, એમ સમજીને અનાથ બાળકને થાનકમાં પગે લગાડવા આવી પહોંચેલ રઘો અણધાર્યા પડકારથી જરા છોભીલો પડી ગયો અને ઊજમના પ્રશ્નનો સાવ ટૂંકો ઉત્તર આપીને એ સતીમાના થાનક તરફ વળી ગયો.
ભૂદેવના હાથમાં તરભાણું, દીવેટ, દીવાસળીની ડાબલી વગેરે વસ્તુઓ જોઈને ઊજમને એટલી તો ખાતરી થઈ કે રઘો આવ્યો છે તો સાચોસાચ થાનકે દીવો કરવા. છતાં હજી એને સમજાયું નહિ કે આ આશ્રમવાળાં બાળકોને તેડીને આ માણસ શા માટે અહીં સુધી લાંબો થયો હશે...
રખે ને આમાં કશો ભેદ હોય એમ સમજીને સંતુ અને ઊજમ ચારની ગાંસડી બાંધવાનું પડતું મેલીને સતીમાના થાનક નજીક પહોંચી ગયાં. જોયું તો રઘાએ અજબ આસ્થાપૂર્વક માતા સમક્ષ ઘીનો દીવો પેટાવ્યો, અને ઉત્સાહપૂર્વક નાળિયેર વધેરીને કશીક માનતા કે બાધા કોઈ સાંભળી ન શકે એટલા અસ્પષ્ટ અવાજે, ગણગણવા લાગ્યો :
‘છોકરાવ ! સતી માને પગે લાગો તો સુખી થાશો !’ નાળિયેરની કટકી કટકી સહુ અનાથોને વહેંચીને રઘાએ લશ્કરી ઢબે હુકમ ફરમાવ્યો. અને સહુ બાળકો પોતાનાં વાજાં, વાંસળી, વાદ્યો એક તરફ મૂકીને સતીમાની મૂર્તિ સમક્ષ પ્રણિપાત કરી રહ્યાં.
હવે જ રઘાએ પાછળ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે મારી આ બધી જ ક્રિયાઓ અને ચેષ્ટાઓ આ ખેતરની બે માલેકણો છાનીમાની અવલોકી રહી છે. રખે ને આ બે સ્ત્રીઓ મારા આ વર્તન અંગે વહેમાય, એવી એક સાહજિક દહેશતથી એણે ખુલાસો કરવા માંડ્યો :
‘આ બચાડાં માબાપ વિનાનાં છોકરાં... ગામમાં સાવ અજાણ્યાં. એટલે હું એની ભેગો હાલ્યો ને પાંચપચી રૂપિયા ઉઘરાવી દીધા... ભૂખ્યાંતરસ્યાં વાજા વગાડતાં’તાં એટલે મારો જીવ બળ્યો... ભૂતેશ્વરની ધરમશાળામાં સહુને જમાડ્યાં જુઠાડ્યાં... બચાડાં આ પંથકમાં કોઈ દિ’ આવેલ નહિ એટલે અજાણ્યાં ને આંધળાં બેય બરોબર... મેં કીધું હાલો હું તમને વળાવી જાઉં, ને શાપરને કેડે ચડાવતો જાઉં... પણ સીમ વળોટતાં સતીમાનું થાનક આવે એની આ અજાણ્યા માણસને શેની ખબર હોય ?... મેં કીધું આવાં સાચક ને હાજરાહજૂર સતીમાને થાનકે દીવો કર્યા વિના ન નીકળાય... એટલે, મારગેથી જરાક આડા કરીને આણીકોર આવ્યા... સતીમાને વંદ્યા વિના સીમાડો વળોટાય ? આ હવે માની મૂર્તિને જવારીને સારાં શકન પકવ્યાં કે’વાય...’
સંતુ–ઊજમને આવુ અષ્ટંપષ્ટં ભણાવીને રઘાએ હુકમ છોડ્યો :
‘એલા છોકરાવ ! માની મૂર્તિ સામે સારીપટ વાજાં વગાડો એટલે મા પરસન થાય !’ રઘાનો બોલ પડતાં જ અનાથોએ એમનાં વાદ્યો ઉપાડ્યાં અને પૂરજોશમાં વગાડવા માંડ્યાં.
પોતાની આંતરિક અસ્વસ્થતા જતી કરવા માટે ૨ઘાને આવા કશાક બાહ્ય ઘોંઘાટની આવશ્યકતા હતી જ, વળી, સંતુ–ઊજમ તરફથી પૂછાનાર કોઈ અગવડકારક પ્રશ્નો ટાળવાની પણ એની મુરાદ હતી. એ બન્ને મુરાદો પૂરેપૂરી બર આવી ગઈ છે એમ લાગતાં જ રઘાએ ટોળીને આગેકૂચનો આદેશ આપી દીધો :
‘હાલો ઝટ, વગાડતાં વગાડતાં જ વે’તાં થાવ, એટલે સીંજા મોર્ય શાપરના પાદરમાં પૂગી જાવ !’
નાની સરખી લશ્કરી ટુકડી કૂચ કદમ કરતી હોય એ ઢબે અનાથો હાદા પટેલના ખેતરમાંથી મારગકાંઠે ઊતરી ગયા ત્યારે દૂર દૂરથી સંભળાતાં એમનાં સૂરીલાં વાજામાંથી સંતુ–ઉજમને રઘા મહારાજનાં કોઈક ભયાનક કારસ્તાનની બસૂરી તાન સંભળાઈ રહી.
***
અંબાભવાની હૉટલમાં નાનો સરખો ઉલ્કાપાત મચી ગયો.
દિવસ આથમ્યો ને દીવે વાટ ચડી છતાં ય રઘો ન આવ્યો તેથી ઘરાકોનું કુતૂહલ વધી ગયું.
આફ્રિકાથી પાછા ફર્યા બાદ જે માણસે ઓઝતનો સામો કાંઠો કદી વળોટ્યો નહોતો, એ આજે હૉટલ બંધ થવાના સમય સુધી ફરક્યો જ નહિ, તેથી છનિયા જોડે ગામલોકોનેય ચિંતા થવા લાગી.
‘એલા ક્યાં ગ્યા ગોરબાપા ?’
‘હું શું જાણું ?’ છનિયો કહેતો હતો. ‘ઈ તો ઓલ્યા વાજાંવાળાને વળાવવા ગ્યા’તા–’
વાજાં વાળાંવ તો રોંઢાટાણાના ગામમાંથી ઊઘલી ગ્યાં છે. પણ અટાણ લગણ ભૂદેવ રોકાણા ક્યાં ?’
‘ને વાજાંવાળાનું વળામણું ક્યાં લગણ કરવાનું ? ગામના પાદર લગણ, ને બવબવ તો શાપર લગણ.’ ‘તો ય સીંજાટાણે તો પાછો આવી જ પૂગે ને ? કે પછી ઈ મહેમાનને એને મૂળ ગામ લગણ મેલવા ગ્યો છ ?’
‘ભલું પૂછવું ભૂદેવનું ! એને તો બાવો ઊઠ્યો બગલમાં હાથ; રઘાને તો નહિ આગળ ધરાર કે નહિ વાંહે ઉલાળ. ક્યાં વાંહે કોઈ વાટ જોનારી છે તે ટાણાસર ઘરભેગા થાવું પડે ?’
‘અરે ભલો હશે તો તો ઓલ્યાં માબાપ વગરનાંવ સારુ ગામમાંથી પાંચપચીનું ઉઘરાણું કર્યું છે ઈ હધુંય ખંખેરતો આવશે !’
આ બધી ય નુક્તેચિનીમાં જેરામ મિસ્ત્રી ઊંડો રસ લઈ રહ્યો હતો. રઘાની આ ભેદી હિલચાલને પરિણામે મિસ્ત્રીની જિજ્ઞાસા એવી તો ઉશ્કેરાઈ ગઈ હતી કે એ શક્ય તેટલી વધારે વિગતો મેળવવા મથી રહ્યો હતો.
અને એવામાં જ, રાતનાં બીડીબાકસ ખરીદવા નીકળેલા ગોબરે વાતવાતમાં કહ્યું કે સાંજકને ટાણે રઘોબાપો વાજાવાળાંવને લઈને સતીમાને થાનકે પગે લગાડવા ને નાળિયેર વધેરવા આવ્યો’તો—
આ સમાચારે તો જેરામની જિજ્ઞાસાને બેવડી બહેકાવી મૂકી. એણે તો કલ્પનાના ઘોડાને એટલે સુધી દોડાવ્યા કે આ રીતે અનાથ બાળકોને ફોસલાવીને પટાવીને એમને પેલા કાબૂલીઓ કે પઠાણોને ત્યાં વેચી મારવાની પણ રઘાની મુરાદ હોય !’
‘કાં તો કાલ સવારમાં જ સાંભળશું કે અનાથાશ્રમમાંથી બેચાર છોકરા ખોવાણા છે.’
‘અરે ભામણનો દીકરો ઊઠીને આવા ગોરખધંધા કરતો હશે ?’ જેરામના નિવેદન સામે જુસબ ઘાંચીએ શંકા વ્યક્ત કરી.
‘તમને કોઈને શી ખબર પડે રઘાની રમતની ?’ જેરામે જવાબ આપ્યો. ‘આફ્રિકામાં એણે કેવા જાકુબીના ધંધા કર્યા છે, ઈ જાણો છો તમે કોઈ ?’
‘ના ભઈ ! એટલા આઘેતા મલકમાં અમે કાંઈ જોવા−જાણવા ગ્યા નથી.’
‘તો પછી, કાંઈ જાણતા ન હો તો મૂંગા રહેતા હો તો !’ જેરામે આખી ય ચર્ચાને એક નવો જ વળાંક આપી દીધો. અને રઘાની ચિંતા કરી રહેલા લોકોને એણે અનાથ બાળકોની ચિંતામાં નાખી દીધા.
જેરામ મિસ્ત્રી કેવળ દોરીને બદલે ફૂટપટી વડે કામ કરનાર ‘ભણેલ સુથાર’ હોવાથી આવી આવી બાબતોમાં એની જાણકારી વિશેષ હોઈ શકે, એવી શ્રદ્ધા પણ લોકોને બેસી ગઈ.
‘આ ખેપમાંથી રઘલો પાનસેં હજાર રૂપિયા કાછડીએ ચડાવીને નો આવે તો મારું નામ જેરામ નહિ !’
જેરામને મોઢેથી આવી બેધડક જાહેરાત સાંભળીને તો લોકોને પાકે પાયે ખાતરી થઈ કે રઘો અત્યારે અનાથ બાળકોનું વેચાણ કરવા જ બહારગામ ગયો છે. ‘અંબાભવાની’ના વાયુમંડળમાં જરા અરેરાટી જેવું પણ ફેલાઈ ગયું. એક દયાળુ ખેડુનું દિલ દ્રવી જતાં એનાથી બોલાઈ પણ ગયું :
‘ભૂદેવની વાંહે કોઈ ખાનારું તો છે નહિ ને ઠાલા શું કામે આવાં ન કરવાનાં કામ કરતા હશે ?’
‘તમે જોવા ગયા છો કે વાંહે કોઈ ખાનારું છે નહિ ?’ જેરામે સીધો પ્રશ્ન પૂછ્યો.
‘ભાઈ ! આ નજરે ભાળીએ છીએ ઈ બોલીએ છીએ. ગોર બાપા પંડ્યોપંડ્ય એકલ માણસ છે, ને વાંહે કોઈ રોનારું છે નહિ.’
‘વાંહે કોણ છે ઈની તો હજી ખરે ટાણે ખબર્યું પડશે !’ જેરામે ત્રિકાળજ્ઞાનીની અદાથી આગાહી કરી.
‘ભઈ ! તું મોટો ભણેશરી થયો છે એટલે તને હંધીય ખબર્ય પડે ! અમે થોડા ભગવાન થઈ આવ્યા છીએ કે ગામ આખાની આગલી પાછલી યાદ રાખવા બેહીએ ?’
હૉટલમાલિકની ગેરહાજરીને કારણે સહુથી વધારે ચિંતા તો છનિયાને થતી હતી.
રઘો આજે સવારમાં થડો છોડીને ગયો ત્યારે છનિયાને કીટલીમાં વધેલી ચા પીએ તો માના સોગન અને વકરામાંથી એક કાવડિયું ય નેફે ચડાવે તો બાપના સેગન દઈને ગયેલો, તેથી હવે હૉટલ બંધ કરતી વેળા એ વધેલી ચા અને વકરાની શી વ્યવસ્થા કરવી એની આ નોકરને ભારે વિમાસણ થઈ પડી.
‘એલા હંધોય વકરો શાદૂળભાને બરકીને સોંપી દે !...’ નથુ સોનીએ મજાક કરી, ‘આમે ય રઘાબાપાને ઈ પહેલા ખોળાનો હોય એટલો બધો વહાલો છે, એટલે વકરાનો કબજો એને જ સોંપી દે !’
સાંભળીને બેચાર ઘરાકોએ મર્માળાં હાસ્ય વેર્યા; એકાદ જણે આંખ મિચકારી. જેરામે સંભળાવી :
‘ઈ તો વહાલો હતો તે દીની વાત તે દી. હવે ઓલ્યા પોલીસવાળા આવ્યા કેડ્યે તો શાદૂળિયાની સામું જોતાં ય રઘલો ગભરાય છે.’
‘કોને ખબર છે કોણ ગભરાય છે !’ ભાણા ખોજાએ કહ્યું. ‘જીવો ખવાહ જેલમાં ગ્યા પછેં તો શાદૂળભાએ ડેલી બા’ર પગ પણ નથી મેલ્યો. ઈના વન્યા તો સંતુ રંગીલીની રિકાટે ય ધૂળ ખાતી પડી છે.’
કોઈકે વળી એક ગોળો ગબડાવ્યો :
‘સાંભળ્યું છે કે શાદૂળ તો વેશપલટો કરીને ક્યાંક પર મલકમાં ઊતરી ગ્યો છે. રૂપલી રબારણના કેસનો નિકાલ ન આવે ત્યાં લગણ કિયે છ કે શાદૂળભા આ ગામમાં પગ નહિ મેલે.’
‘અલ્યા તું દરબારગઢની માલીપા જઈને જોઈ આવ્યો લાગ છ, હંધુ ય !’
‘જોવા તો કોણ જાય ? પણ ગામમાં વાતું થાય ઈ સાંભળીએ. કિયે છ કે જીવા ખવાહનો નિકાલ નહિ થાય ત્યાં લગણ શાદૂળભા ઉંબરા બા’રો નથી નીકળવાનો.’ ‘જીવલાનો કેસ તો આ પુનમને દી હાલવાનો જ છે.’ હવે જેરામે પોતાનું અખબારી જ્ઞાન રજૂ કર્યું. કાં તો જલમટીપ જડે છે ને કાં ફાંસીએ ચડાવે છે !’
‘ફાંસીએ તો મને રઘોબાપો ચડાવી દેશે.!’ છનિયાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. ‘આવીને વકરો ગણશે ને કાંઈ વેમ પડશે તો મારી મારીને લોથ કરી નાખશે !’
છનિયાની મૂંઝવણ પર સહુ ઘરાકોએ સહાનુભૂતિથી વિચાર કર્યો અને એને કશોક તોડ કાઢવાનો પણ પ્રયત્ન કરી જોયો, હોટલ વધાવવી કે નહિ એ પ્રશ્ન મહત્ત્વનો બની રહ્યો. રખેને રઘો અડધી રાતે આવી પહોંચે તો ? આખરે આવું નક્કી કર્યું કે છનિયાએ હૉટલને તાળું વાસીને બહાર ઊંબરા ઉપર જ સૂઈ રહેવું ને રઘો આવે કે તુરત જ ગલ્લામાંથી વકરો ગણી દેવો.
‘ભાઈશા’બ ! તમે સહુ માથે ઊભા રહીને વકરાનો હિસાબ ગણી લ્યો નકર રઘાબાપાને વેમ આવશે કે કાવડિયું નેફે ચડાવ્યું છે તો મારું ઢીંઢું રંગી નાખશે !’
‘હવે જોયો મોટો ઢીંઢાં રંગવાવાળો ! ગોબરે છનિયાને હિંમત આપી. ‘તું તારે મૂળાને પાંદડે મઝા કર્ય ! તારી સામે અવાજ કરે તો અમે સહુ બેઠા છીએ.’