લીલુડી ધરતી - ૨/અને મૃત્યુમાંથી જીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અને મૃત્યુમાંથી જીવન

સતીમાના ખેતર ઉપર ખાસ્સો મેળો જ ભરાઈ ગયો.

ગોબરની હત્યા થઈ ત્યારે, કે સંતુને એની ‘જડી’ સાંપડી ત્યારે જે મેદની ઊમટેલી એના કરતાં ય આજે વધારે ભીડ જામી.

દેવશીએ એના ગુરુભાઈ જોગીઓને વિદાય કરતાં કહ્યું : ‘ભાઈયું, મારે તો હવે આંયાકણે અધવચાળે જ વાયક આવી ગ્યાં ગણો. મારે તો પાટ ગણો કે જ્યોત ગણો ઈ હધું ય હવે આ મારી પરણેતર જ !’

ગુરુભાઈઓએ દેવશીને બહુ બહુ સમજાવી જોયો, પણ એ પોતાના નિર્ધારમાંથી ચલિત ન થયો.

‘ભાઈયું ! મારો નિજાર ધરમ હવે મારા ઘરની નીંજરીમાં જ. મારી ગત્યગંગા હવે આ મારા ગામની ધરતીમાં જ. આ ઢોરની પડખે ઢોર થઈને મારા ભાઈની ધણિયાણી જાત્યતોડ્ય કરે ને હું હાથમાં રામપાતર લઈને શું મોઢે ફરું ?’

ગુરભાઈઓએ પ્રલોભનો આપવામાં કશી બાકી ન રાખી. પણ દેવશી મક્કમ રહ્યો.

‘ભાઈયું ! હવે મારા મનનો પાટ તો આ લીલીછમ ધરતી જ. એના ઉપર ઘોડાપૂર મોલ લહેરાશે ઈ પાટનું લીલું પાથરણું થાશે, ને એને માથે જ્યોત પરગટાવવા મારે મંતર ભણવાની ય જરૂર નથી.’ કહીને દેવશીએ ઊજમ-સંતુનો નિર્દેશ કરીને સમજાવ્યું : ‘આ ઊભી જીવતી ને જાગતી સદાય પરગટ એવી ઝળહળ જ્યોતું—’ ​ આ સાથીઓને તો આખરે સમજાવીને વિદાય કરી શકાયા પણ ખેતર ઉપર જે જબરી ભીડ જામી એને ખસેડવાનું દેવશીનું ગજુ નહોતું. ખેતર અને વાડીપડામાં જાણે કે માણસોનું કીડિયારું ઊભરાઈ રહ્યું.

‘હાલો સતીમાને ખેતરે. હાદા પટેલનો દેવશી પાછો આવ્યો છે—’

‘જોગીની જમાતમાંથી ભેખ ઉતારીને પાછો આપણા ભેગો રે’વા આવ્યો છે—’

ભૂતેશ્વરને આરેથી ખેતરના શેઢા સુધી ગામનાં માણસોનાં નોર પડી રહ્યાં.

ભગવાં ને ભેખધારી દેવશીને પહેલી જ નજરે ઓળખી શકે એવાં બહુ ઓછાં માણસો હતાં. વખતી એને જોતાં વાર જ ઓળખી ગઈ. ભવાનદાએ પણ ઠુમરના આ કંધોતરને ઓળખી કાઢ્યો, આરંભમાં તો કેટલાંક વહેમીલાં માણસોએ શંકા પણ ઉઠાવી : આ જટાળો બાવો સાચે જ દેવશી છે કે પછી દેવશીને નામે છેતરવા આવ્યો છે ? પણ દેવશીએ પોતાની હેડીના એકેએક પરિચિતને એનાં નામ વડે જ સંબોધવા માંડ્યા, એમના વ્યવસાયો વિશે વાત કરી, સગાંસંબંધીઓના ક્ષેમકુશળ પૂછ્યાં, ત્યારે તો પેલા વહેમી લોકોનાં મનમાં રહીસહી શંકાઓનું પણ નિવારણ થઈ ગયું.

વલ્લભાનો હાથ ઝાલીને ધીમે ડગલે હાદા પટેલ ખેતરના ખોડીબારામાં પ્રવેશ્યા અને તુરત દેવશી દોડતોક ને પિતાના પગમાં પડવા ગયો, પણ હાદા પટેલે એને વાર્યો..

‘મને નહિ, સતીમાને જ પગે લાગજે. આજે સવારે સ્તવનમાં માએ ચોખોફૂલ હોંકારો ભણ્યો’તો કે દેવશી ઘેરે આવશે—’

અને પછી એના અનુસંધાનમાં મનશું ગણગણ્યા : ‘સાચાં સત્‌ તો તારી પરણેતરનાં જ. એના જ પુન્યપરતાપે તને ધરતીનો સાદ સંભળાણો.’ ​ અને દેવશી સતીમાના થાનક નજીક ગયો તો ત્યાં સંતુ પોતાની કાખમાં જડીને રમાડતી ઊભી હતી. વડીલોને જોઈને સંતુ જરા દૂર ખસી એટલે હાદા પટેલે દેવશીને સમજાવ્યું :

‘સતીમાને પરતાપે આપણા ઘરની મનષા ફળી, ગોબર પાછો થ્યા કેડ્યે એની જડી ખોવાઈ ગઈ’તી એને સતીમાએ પાછી ગોતી દીધી, ને બીજો ખોવાણો’તો તું; તને ય પાછો ગોતી દીધો.’

બોલતાં બોલતાં ગદગદિત થઈ ગયેલા હાદા પટેલ, કોઈનું ધ્યાન ન જાય એ રીતે આંખ લૂછી રહ્યા. એમને મન આજે દેવશીનું આગમન, એક જ પુત્રનું નહિ પણ પરબત, ગોબર ને દેવશીનું ત્રણેયનું સામટું પુનરાગમન બની રહ્યું હતું.

હર્ષાશ્રુ વહાવી રહેલી ઊજમની આંખ સુકાતી જ નહોતી. પણ ઊજમ કરતાં ય વિશેષ આનંદ જાણે કે વખતીને થતો હતો. એણે દેવશીને પૂછ્યું :

‘ગગા ! આટલાં વરહ ક્યાં રોકાણો’તો ? તારા નામનું તો અડદનું પૂતળું ય કામેસર ગોરે કરાવી નાખ્યું’તું—’

અને તુરત એના અનુસંધાનમાં પ્રશ્નોની પરંપરા ઊઠી : ક્યાં હતો ? ક્યાં હતો ? કયાં મલકમાં ઊતરી ગયો હતો ? શા કારણે તેં કંથા ધારી હતી ? શા માટે તેં ભગવાં પહેર્યાં હતાં ?

આ પ્રશ્નોની ઝડીનો દેવશી શી રીતે ઉત્તર આપે ?

બરોબર બાર વર્ષ પહેલાંની એ વાત. પોતે અતીત ઈશ્વરગીરીની ભાઈબંધી કેળવેલી અને ભૂતેશ્વરમાં પડ્યોપાથર્યો રહેતો. એવામાં એક ભજનમંડળીમાં એક મારગી સાધુ ભેટી ગયો. એણે આંબાઆબલી બતાવીને ભોળા દેવશીને ભોળવેલો. સૌરાષ્ટ્રનાં નાનાં નાનાં ગામોમાં એ સમયે શક્તિપંથના વિકૃત અવશેષ સમો વામાચાર પ્રચલિત હતો. દેવશીમાં નાનપણથી જ થોડી વિરક્ત મનોદશા તો હતી જ, અને એમાં આ વામમાર્ગીઓની ગુપ્ત રહેણીકહેણી જાણવાનું એને કુતૂહલ થયું. દૂરના એક ગામડે ‘ગત્ય’ બેઠી અને એમાં વાયક ​ આવતાં આ ભાવુક યુવાને એ ગુપ્ત લીલાઓના અડ્ડા પર પહેરેગીર સાથે ‘પંજા મિલાવ્યા.’ તુરત ‘ગુરુ’ એ આ ગરવા શિષ્યને પ્યાલો પાયો, અને દેવશી આત્મસાધનાને નામે ચાલતા આફંદમાં ફસાઈ ગયો.

પોતે કોઈ આત્મોન્નતિની પ્રવૃત્તિને બદલે નિષ્પ્રાણ પાખંડલીલામાં ફસાયો છે એવું દેવશીને ભાન થયું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. હવે પિતૃગૃહે પાછા ફરવાનું એને માટે સરળ નહોતું. પંથની ‘ગત્યગંગા’ છોડીને એ એકલપંથી બન્યો અને સ્થૂળ ક્રિયાકાંડીઓનો સંગ તજીને સાચા આત્મસાધકોનું શરણું શોધ્યું.

વર્ષો સુધી એ ભટકતો રહ્યો અને સાચા સત્સંગીઓની સાથે મલક આખો પગ તળે કાઢી નાખ્યો પણ પાછા ઘેર આવવાનું એને યોગ્ય ન લાગ્યું, કેમ કે અંતરમાં એક ડંખ હતો. કુટુંબના જ્યેષ્ઠ પુત્ર તરીકેની જવાબદારીઓ ખંખેરીને, આપ્તજનોને રઝળતાં મેલીને પોતે ચાલી નીકળ્યો હતો તેથી પુનરાગમન માટે એનો પગ ભારે થઈ ગયો હતો. જનક પિતાને અને પેલી પારકી જણી પરણેતરને પોતે કેમ કરીને મોઢું બતાવશે એવો ક્ષોભ એને સતાવી રહ્યો હતો.

સમય જતાં આ અંતરનો ડંખ દૂર થયો, ક્ષોભ ઓસરી ગયો, પણ સાથે સાથે કુટુંબ સાથે પોતાને સાંકળતી કડી પણ આપોઆપ દૂર થઈ ગઈ. સંસારી માયાનાં બંધન આમ વિચિત્ર રીતે તૂટી ગયાં. નિવૃત્તિનો લાંબો ગાળો જ એને નિર્લેપ ને નિર્મોહી બનાવી ગયો.

પણ પોતાના ખેતરની ધરતી પર સરાઈ ગયેલું ધાન્યવાવણીની પ્રવૃત્તિનું એક વિલક્ષણ અને સુભગ દૃશ્ય જ આ નિવૃત્ત માણસને પ્રવૃત્ત થવા પ્રેરી ગયું. શેઢેશેઢે ચાલતાં એણે પોતાનું ખેતર ઓળખ્યું; ઓરણી કરી રહેલી પોતાની અર્ધાંગનાને ઓળખી; સંતુને એ ઓળખતો નહોતો પણ અનુમાન કરી લીધું કે એ પણ ઠુમરના ખોરડાની જ કોઈ પુત્રવધૂ હશે. ક્યાં ગયા મારા બે ભાઈઓ ? ક્યાં ગયો પરબત ? ક્યાં છે ગોબર ? શા કાજે એક સ્ત્રીએ ઊઠીને ધોરીને ​સ્થાને જોતરાવું પડ્યું છે ? આ એક જ દૃશ્ય અને આ એક જ પ્રશ્ન દેવશીના હૃદયને હલમલાવી ગયા. ક્ષણાર્ધમાં જ એણે નિર્ણય કરી નાખ્યો. સાચો જીવનયજ્ઞ નિવૃત્તિમાં નહિ પણ પ્રવૃત્તિમાં છે; શ્રેયની સાધના પણ આ શ્રમજીવનમાં છે; માણસને મોક્ષ મળવાનો હોય તો પણ આ ધરતીની માટીમાંથી જ એ મળશે, એનાથી દૂર જવામાં નહિ.

‘ભાઈ ! તેં તો બવ વાટ જોવરાવી કાંઈ !’ દેવશીની હેડીના ભાઈબંધો ફરિયાદ કરી રહ્યા.

‘તારા વિના તો હોળીને દિવસે નાળિયેર રમનારાંની ખોટ પડી ગઈ’તી. પોર સાલ ગોબર ગિરનાર ચડ્યો’તો, પણ પરગામવાળા આપણને હરાવી ગ્યા—’

મુખીએ કહ્યું : ‘હવે ઓણસાલ તો ઓલ્યા દલસુખ શેઠને કે એના વેરસીડાને દેખાડી દયીં કે ગોફણના ઘાની ઘોડ્યે નાળિયેર ફેંકનારો જણ ગુંદાહરમાં આવી ગ્યો છે—’

એ સાંભળીને હાદા પટેલ અધિક ધન્યતા અનુભવી રહ્યા. માત્ર ઠુમરની ડેલીએ જ નહિ, ગામ આખામાં આનંદમંગલ વરતાઈ રહ્યો. એકલા ઠુમર કુળનો જ નહિ, આખા ગુદાસરનો કંધોતર પાછો આવ્યો હોય એવી લાગણી પ્રવર્તી રહી.

* * *


ઊજમની બધી જ બાધા–આખડીનો અંત આવ્યો. હવે, પતિનું પુનરાગમન થાય તો પગપાળા ગિરનાર ચડીને, અંબામાની સાખે જ મોઢામાં ‘ધોળું ધાન’ મૂકવું એવી બારબાર વરસની લાંબી ને આકડી અગડ પૂરી કરવાની બાકી રહેતી હતી.

દેવશીને આ કઠિન સંકલ્પની જાણ થતાં જ એણે એ બાધા છોડાવવાની ઉતાવળ કરી. વાવણીનાં કામ પતી ગયાં, અને જરા વિશ્રાંતિ મળી કે તુરત આખું કુટુંબ પગપાળા ગિરનાર જવા તૈયાર થયું. ​ અંબામાને પગે લગાડવા માટે સંતુએ પોતાની જડીને પણ સાથે લીધી.

ગામમાંથી દેવશીના કેટલાક જૂના ભાઈબંધો પણ આ આરોહણમાં શામેલ થયા.

ડુંગરની પહેલી ટૂંકનાં પગથિયાં ચડતાં–ચડતાં ઊજમ સંતુને કહી રહી :

‘મને તો અંબામાને બદલે તું જ ફળી હો એમ લાગે છે—’

‘મારી ઠેકડી કરો છો ?’

‘ના ના, સાચું કહું છું. બળધની જીગાએ તને જોંતરાયેલી ભાળીને જ તારા જેઠ શેઢેથી ખેતરમાં આવી પૂગ્યા’તા—’

‘જાવ જાવ !’

‘સાચું કહું છું. હું તો ફૂટ્યાં કરમની છું. પણ તારાં નસીબે જોર કર્યું હશે—’

‘મારાં નહિ,’ કહીને સંતુએ પોતાની કાખમાં રમતી બાળકીનો નિર્દેશ કરીને ઊજમની ઉક્તિ સુધારી આપી, ‘આ નિયાણી છોકરીનાં નસીબે જ જોર કર્યું હશે. આ કુંવારકા જ કંકુપગલી લાગે છે !’

સાંભળીને ઊજમ સંમતિસૂચક મૌન ધારણ કરી રહી. પગથિયાં ચડતાં ચડતાં, દૂર દૂર દેખાતા અંબામાના શિખર પરથી નજર પાછી ખેંચીને બાળકી જડી ઉપર નોંધતાં એણે કહ્યું : ‘આપણે ઠાલાં અંબામાની ટૂક લગણ ચડવાનો દાખડો કરીએ છીએ. આપણે તો ઘરના ઊંબરામાં જ આ અંબામાનો અવતાર હાજરાજૂર છે.’

[ સમાપ્ત ]