લીલુડી ધરતી - ૨/અપરાધ અને આળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અપરાધ અને આળ

સંતુની ચીસ સાંભળીને ડાઘિયો કૂતરો જાણે કે કશુંક પામી ગયો હોય એમ ભસી ઊઠ્યો.

કૂવામાં થયેલા ધડાકા સાથે જ હવામાં ઊડેલો ગોબરનો છૂટો હાથ જોઈને તુરત સંતુ કૂવા તરફ દોડી ગઈ.

ડાઘિયો પણ એની પાછળ પાછળ ગયો.

ધડાકો થતાં જ એક ભયંકર અટ્ટહાસ્ય કરી ઊઠેલો માંડણ પોતે પણ જાણે કે ધડાકો સાંભળીને અને એનું આખું દૃશ્ય જોઈને હેબતાઈ ગયો.

ટોટો ફૂટતાં ચડેલા ધુમાડાના ગોટા આછરતાં સંતુએ કૂવાના થાળા પર ઊભીને અને મંડાણના પથ્થર પર હાથ ટેકવીને બીતાં બીતાં કૂવાની અંદર ડોકિયું કર્યું, અને ફરી વાર એ કારમી ચીસ પાડી ઊઠી. કૂવાને તળિયે પડેલા ગોબરના છિન્નભિન્ન વિકૃત અને બિહામણા બની ગયેલા મૃતદેહનું દૃશ્ય એ જીરવી ન શકી. એને આંખે અંધારાં આવી ગયાં. કમકમાં પ્રેરે એવું દૃશ્ય જોઈને એ રોમેરોમ કમ્પી ઊઠી. ચક્કર આવતાં, પોતે લથડી પડશે એવું લાગ્યું. તુરત એણે બીજા હાથ વડે મંડાણમાંનો ગરેડો પકડી લીધો અને સમતોલપણું જાળવી લીધું.

થોડી વારે આંખ ઉઘાડી તો સામે માંડણ ગૂમસૂમ બનીને ઊભો હતો. થોડી વાર પહેલાંના એના મોં પરના પેલા અટ્ટહાસ્યની રેખાઓ હવે આછીપાતળી ય રહી નહોતી. એ અટ્ટહાસ્ય પ્રેરનાર ​ઉન્માદ જેટલી જ ભારોભાર શૂન્યતા એના ચહેરા પર છવાઈ ગઈ હતી.

‘મૂવા રાખહ ! આ શું કરી બેઠો ?’ તીવ્ર આઘાત અનુભવી રહેલી સંતુના ધ્રૂજતા હોઠમાંથી લાવા રસ જેવા શબ્દો નીકળ્યા.

‘મૂવા કહાઈ ! જાણી જોઈને જ તેં વાટ્ય સળગાવી દીધી ! બાર્ય નીકળ્યા મોર્ય તેં પલીતો મેલી દીધો ! મેં વાર્યો તો ય તેં સાંભળ્યું નહિ ને એને હાથે કરીને વધેરી નાખ્યો, મૂવા ખાટકી !’

કુપિત ચંડિકા સમી સંતુએ માંડણને ભાંડવામાં કશું બાકી ન રાખ્યું. પણ માંડણના તો જાણે કે હોઠ જ સિવાઈ ગયા હતા. એ હત્યારાનું ભેદી મૌન જ સંતુ માટે ભયપ્રેરક બની રહ્યું.

એકાએક એને ભાન થયું કે માંડણ અત્યારે ઉન્માદાવસ્થામાં છે અને હું એકલી છું.

ડાઘિયો કૂતરો તો જાણે કે ગંધ પરથી જ કૂવાના તળિયે ભજવાઈ ગયેલી સંહારલીલા સમજી ગયો હોય એમ ભસવા લાગ્યો હતો. હવે એ એક ખોડીબારા પાસે જઈને વધારે ઉગ્રતાથી ભસતો હતો, એ ચોપગું પ્રાણી ખોડીબારાની બહાર આગલા બે પગ મૂકીને ઊભું હતું, અને બહાર જવા માટે જાણે કે કોઈકના સથવારાની રાહ જોઈ રહ્યું હતું. અને તેથી વધારે ને વધારે ઉગ્ર અવાજે ભસી રહ્યું હતું.

ગોબર પર માંડણે આચરેલી છળલીલા જોઈને સંતુનું મગજ બહેર મારી ગયું હતું. અને એમાં એકાએક એણે માંડણની શૂન્ય આંખોમાં એક વિચિત્ર ચમક જોઈ. લોલુપ પુરુષની આંખોમાં લખાયેલી લિપિ ઉકેલવામાં પાવરધાં સ્ત્રીહૃદયોને શી વાર લાગે ? તુરત સંતુ સાવધ થઈ ગઈ. આમ તો તે ગામમાં જઈને શ્વશુરને આ બનાવની જાણ કરવી કે ગોબરના છિન્નભિન્ન મૃતદેહને બહાર કાઢવો, એની દ્વિધામાં અટવાયેલી હતી, પણ હવે માંડણની આંખમાંથી પહેલી જ વાર આ કામુક ભાવો વાંચ્યા પછી આ નમતી સંધ્યા સમયે આ નિર્જન વાડીમાં એક ઘડી પણ થોભવાનું એને સલામત ન લાગ્યું. ​આગળપાછળનો કશો ય વિચાર કરવા રોકાયા વિના એ તો ચોપભેર દોડી અને ખોડીબારા પર ઊંચી ઠેક લેતીક ને એણે ગામની દિશામાં દોટ મૂકી.

ક્યારનો ડાંઉ ડાંઉ કરીને ભસી રહેલો ડાઘિયો જાણે કે સંતુની જ રાહ જોઈ રહ્યો હોય એમ એની જોડાજોડ જ દોડવા લાગ્યો.

વગડાની નિર્જન વાટ્યમાં ય સંતુ જાણે કે માંડણને નજર સામે જ નિહાળતી હોય એમ એને આવેશભેર સંભળાવી રહી હતી :

‘હટ્ટ મુવા નુઘરા ! તને આટઆટલા ગણ કર્યા એનો આ અવગણ દીધો ?... હાય રે હાય ! આ તો ઘરનાં જ ઘાતકી થ્યાં !... આ માના જણ્યા ભાઈથી ય સવાયો ગણ્યો એનું આવું સાટું વાળ્યું ? ફટ રે ભૂંડા ! જેનું ખાધું એનું જ ખોદ્યું ?... આટઆટલા ઉપકાર ઉપર આવો અપકાર કર્યો ?... પણ એમાં તારો શું વાંક? અમે જ હૈયાફૂટાં કે તને ‘ભાઈ ભાઈ’ કરીને આટલો હેળવી મેલ્યો તંયે જ તું ભોરીંગ થઈને કરડ્યો ને ? તારા પેટમાં જ પાપ હશે એની કોને ખબર્ય પડે ?...’

હરણફાળે દોડતી સંતુ જાણે કે આંખના પલકારામાં જ ઓઝતને કાંઠે આવી પૂગી.

સીમનો કેડો જે સ્થળે નદીને મળતો હતો ત્યાં તો મોટી બધી મઘરપાટ હતી, જેમાં કાળે ઉનાળે ય કમરબૂડ પાણી ડેકા દેતું. અહીંથી ગામઝાંપે પહોંચવા માટે કાંઠેકાંઠે એક આડી કેડીએ ફંટાઈને ભૂતેશ્વરનો આરો ઓળંગવો પડતો. પણ સંતુને અત્યારે એ આડો કેડો લેવા જેટલો સમય જ ક્યાં હતો ? એને તો ઝટઝટ ગામઝાંપે પહોંચી જઈને શ્વશુરને જાણ કરવાની જ ઉતાવળ હતી. એને ઓઝત નહોતી દેખાતી, મઘરપાટ નહોતી દેખાતી; એની નજર સામે તો સ્ફોટક પોટાશના ધડાકાએ ધડમાથું જુદાં કરી નાખેલ પતિનો દયામણો દેહ જ તરવરતો હતો.

‘મુવા માણહમાર ! તને રૂંવાડે રૂંવાડે રગતપીત ફૂટે ! તારાં ​વાલાંમાં વિજોગ પડે !’ આવાં આવાં સ્ફુટઅસ્ફુટ શાપવાક્યો ઉચ્ચારતી સંતુએ તો આંખ મીંચીને જ મઘરપાટમાં ઝુકાવ્યું.

ગોઠણબૂડ પાણીમાં પહોંચતાં સુધીમાં પોતાનાં કપડાં પલળ્યાં એનું સંતુને ભાન નહોતું. એની સ્વગતોક્તિઓ સાંભળીને મઘરપાટમાં સાંધ્યનાન કરી રહેલા રઘાએ પૂછ્યું :

‘શું થયું ? શું થયું ?’

‘દાટ વાળી નાખ્યો—’ સંતુએ પાણીમાં ઉતાવળાં ડગ ભરતા જવાબ આપ્યો.

‘કોણે ? કોણે ?’

‘નખોદિયે મૂવે... એનાં માણહ મરે !’

રઘાનું સાંધ્યસ્નાન થંભી ગયું. નખોદિયો એટલે કોણ, એણે શો દાટ વાળી નાખ્યો, એને વિશે વધારે પૂછપરછ કરી જોઈ, પણ સંતુને કાને રઘાના પ્રશ્નો પહોંચી શકે એમ જ નહોતા, એ તો મઘરપાટનું ઊંડું મધવહેણ પણ ઓળંગીને ક્યારની સામે કાંઠે આંબી ગઈ હતી. એની પાછળ પાછળ દોડી રહેલા ડાઘિયાના ડાંઉ ડાંઉ અવાજો જ જાણે કે રઘાના પ્રશ્નોના સાંકેતિક ઉત્તર બની ૨હ્યા.

આ રઘાને હવે સ્નાનકર્મમાં રસ ન રહ્યો. એને તો ‘દાટ વાળી નાખ્યો’ નો ભાવાર્થ જાણવાની તાલાવેલી થઈ પડી. ‘મૂવો નખોદિયો’ એટલે કોણ ? થાનકવાળા ખેતરના વાડીપડામાં તો ત્રણ જ જણાં કામ કરે છે. : સંતુ, ગોબર ને માંડણ. એમાં દાટ શો વળી જઈ શકે ? આજકાલ તો મોસમ ટાણું પણ નથી કે ઊભી મોલાતમાં કોઈ ભેલાણ કરવા આવે કે ક્યાંય સીમચોરી થાય કે કોઈ ગરીબ ખેડૂત નાં નીરણપૂળા કે કાલરાં સળગાવનારાં નીકળે. ઉજ્જડ ખેતરમાં તો ખોડાં ઢોર પણ પગ નથી મેલતાં, તો સીમચોર તો કોણ નવરા હોય ? તો પછી ‘મૂવો નખોદિયો’ કોણ ? વાડીમાં તો ગોબર ને માંડણ બે જ જણા થઈને દારૂ ફોડે છે. એમાં નખોદિયો કહી શકાય એ ત્રીજો જણ આવ્યો ક્યાંથી ? અરે, માંડણિયો તો હજી થોડી ​વાર પહેલાં જ ગામમાંથી લાડવાનું પડીકું બંધાવીને ડાઘિયાને બુચકારતો બુચકારતો સીમમાં ગયો હતો, ને એટલી વારમાં આ શું થઈ પડ્યું ? ને ડાઘિયો તો ભસતો ભસતો પાછો ગામઢાળો આવતો રહ્યો, તો માંડણિયો ક્યાં રોકાણો ? કે ૫છી એણે સંતુને કાંઈક અટકચાળો કર્યો હશે ને ગોબરે એને ગારદ કરી નાખો હશે !

આવાં આવાં અનેક કુતૂહલો થતાં, ‘ચાલ, ગામમાં જઈને તપાસ કરું.’ એમ કહીને સ્નાનકર્મ આટોપીને રઘો કાંઠે આવ્યો. કાંઠા પર એક પાણા તળે દબાવી રાખેલું કોરું પંચિયું પહેરી લઈને ભીનું પંચિયું હજી તો નિચોવવા જાય છે ત્યાં તો ગામની દિશામાંથી ગોકીરો સંભળાયો. ઝાંપામાં ગામલોકોનું ખાસું ધાડિયું દેખાયું. કાસમ પસાયતાના નામની હાકલ પડી. અને જોતજોતામાં આખું ટોળું ભૂતેશ્વરના આરા લગોલગ આવી પહોંચ્યું. હાદા પટેલ સહુની મોખરે હતા. અંબાભવાની તથા રામભરોસેમાં ટોડાં ભાંગતા બેઠેલા સહુ નવરા ઘરાકો બહાર નીકળી પડ્યા હતા. ઉપરાંત, ગામમાં જેમને જેમને આ દુર્ઘટનાની જાણ થયેલી એ સહુ બનેલો બનાવ નજરે નિહાળવા જતા હતા.

‘માળો માંડણિયો સાવ માથા ફરેલ નીકળ્યો !’

‘હાદા પટેલને તો ધરમ કરવા ગ્યા ને ધાડ પડવા જેવું થ્યું.’

‘માંડણિયે તો જૂનું વેર વાળ્યું—’

હવે રઘાનું કુતૂહલ વધારે ઘેરું બન્યું તેથી પોતે પણ નદીને કાંઠે જેમ તેમ ડગલાં ભરતો ટોળામાં જોડાયો.

સંતુને મોઢેથી સમાચાર સાંભળ્યા પછી આમે ય હાદા પટેલને જાણે કે ‘પગ ભાંગી ગયા’ જેવો અનુભવ થયો હતો. વલ્લભ મેરાઈ ને જેરામ મિસ્ત્રીનો ટેકો લઈને એમણે માંડ માંડ વાડીના ખોડીબારામાં પગ મૂક્યો એ પહેલાં તો જુવાનિયાઓનું વહેલેરું પહોંચી ગયેલું ટોળું વાવને ઘેરી વળ્યું હતું.

સીમમાં સંધ્યા આથમી ગઈ હતી અને અંધારું ઊતરી રહ્યું હતું. ​હાદા પટેલે કૂવાના ઊંડાણમાં નજર કરી તો તળિયે ગોબરનું ધડ લોહીના ખાબોચિયામાં પડ્યું હતું, ઝીણી નજરવાળા જેરામે કહ્યું કે ધડનું માથું જદું પડીને એક ભેખડમાં ભરાઈ ગયું છે.

દૃશ્ય જોઈને હાદા પટેલને તમ્મર આવ્યાં. જેરામનો ટેકો લઈને તેઓ જરા સ્વસ્થ થયા ત્યાં તો નજર સામે માંડણ આવી પહોંચ્યો.

હાદા પટેલે આ હત્યારાને મારવા હાથ ઉગામ્યો ત્યાં તો માંડણે જ સામેથી કહ્યું :

‘ગોબર વાવ્યમાં હતો ત્યાં જ સંતુએ વાટ સળગાવી દીધી ને ધડાકો થઈ ગ્યો—’

હવે તો હાદા પટેલને બેવડી ખીજ ચડી. એમણે માંડણને ઉપરાઉપર બે ત્રણ બુંહટ ખેંચી કાઢી.

‘હરામખોર ! તેં વાટ સળગાવી ને સંતુનું નામ લે છ ?’

જોરદાર હાથની લપડાક પડતાં માંડણનો બધો નશો ઊતરી ગયો. અત્યાર સુધી પોતે ચકચૂર અવસ્થામાં શાદૂળને મારી નાખ્યો હોવાનો જે સંતોષ અનુભવી રહ્યો હતો એને બદલે પોતાને હાથે ગોબરની જ હત્યા થઈ ગઈ હોવાનું ભાન થતાં હવે એણે પોતાનો બચાવ કર્યા વિના છૂટકો જ નહોતો. પોતે ઉન્માદાવસ્થામાં શાદૂળને બદલે ગોબરનું જ ખૂન કરી બેઠો છે એ સમજાતાં એનો રહ્યો સહ્યો ઉન્માદ પણ ઓસરી ગયો અને આ તહોમતમાંથી છટકવા એણે તર્ક લડાવીને બચાવ કરવા માંડ્યો :

‘ગોબર ને સંતુ આ જ બપોરે સારીપટ વઢ્યાં’તાં—’

‘વઢ્યાં’તા ? શું કામે ?’

‘મને શું ખબર ? પણ શાદૂળની કાંઈક વાત નીકળી એમાંથી બેય માણહ એવાં તો વઢ્યાં, એવાં તો વઢ્યાં કે કાંઈ વાત ન પૂછો !’

‘શાદૂળિયો તો હવે જેલમાં જઈને બેઠો છે.’

‘ઈ જેલમાં ગ્યા મોર્યની કાંઈક વાત નીકળી’તી ને એમાં બેય ​ વરવહુ વઢી પડ્યાં—’

‘મોર્યની વાત ?’ હાદા પટેલે પૂછ્યું.

‘હા, આપણે ઘીરે ઓળીપો કર્યો’તો, ને સંતુ લાદનો સૂંડલો ભરવા દરબારની ડેલીએ ગઈ’તી, તંયુંની વાત....’

‘હા...’

‘ઈ તંયે શાદૂળિયે સંતુને રોકી રાખી’તી. સારી વાર લગણ રોકી રાખી’તી—’

‘ખોટી વાત.’ હાદા પટેલ ઉશ્કેરાઈ ગયા.

‘મારે આ સગે કાને સાંભળી ઈ વાત ખોટી ? સંતુએ કીધું કે સૂંડલો ભરવામાં અસૂરું થઈ ગયું એમાં રોકાઈ ગઈ. ને ગોબરે કીધું કે તું જાણી જોઈને રોકાણી’તી. સૂંડલો ભરવાનું બહાનું કાઢીને શાદૂળભાને ઓરડે જાણી જોઈને બેઠી રઈ’તી—’

‘ખોટી વાત, સાવ ખોટી વાત !’

‘મારી વાત માન્યામાં નો આવતી હોય તો પૂછી જોજો ઊજમભાભીને. હું તમારે મન પારકો હઈશ પણ ઊજમભાભી તો પારકાં નથી ને ?’ માંડણે પોતાના ફળિયાવાળાં અજવાળીમાને મોઢેથી સાંભળેલી વાતનો સરસ તુક્કો લડાવી દીધો, અને પછી ઉમેર્યું :

‘ઊજમભાભી હંધુ ય જાણે છે એટલે તો સંતુ શિયાવિયાં થઈ ગઈ. ને પછી તો ગોબરે એને પરોણે પરોણે સબોડી નાખી... આ એની હંધી ય દાઝ સંતુએ ગોબર ઉપર ઉતારી, ને વાટ સળગાવી વહેલો ધડાકો કરી નાખ્યો !’

સાંભળીને વળી પાછા હાદા પટેલ ઉશ્કેરાઈ ગયા. માંડણને એક ગડદો મારીને બોલ્યા :

‘સાલા ડફેર ! વાટ તેં સળગાવી ને હવે તારું પોતાનું આળ ઓલી પારકી ઉપર ચડાવશ ?’

હવે જેરામ વચ્ચે પડ્યો. બોલ્યો :

‘હાદા પટેલ ! માંડણિયા હારે તમે શું કામે ઠાલી જીભાજોડી ​’કરો છો ? કાસમ પસાયતો એને કડી પહેરાવવા આવે જ છે. પહેલાં પરથમ ગોબરને તો વાવ્યમાંથી બહાર કાઢો !

હવે હાદા પટેલને સમજાયું કે આ કિસ્સામાં કોણ અપરાધી છે એ નક્કી કરવા કરતાં ય અત્યારે વધારે તાકીદનું કામ તો પુત્રના મૃતદેહને બહાર કાઢવાનું છે. એમણે આદેશ આપ્યો.

‘કોહ જોડો, કોહ.’

તુરત બેત્રણ જુવાનિયાઓએ થાનકની છાપરી તળે બાંધેલા ખાંડિયાબાંડિયા બળદને છોડ્યા, ને કોસને વરત બાંધ્યું. મંડાણ પર ભરાવેલું રાંઢવું ઝાલીને એક જોરુકો જુવાન આગોતરો વાવની અંદર ઊતરી ગયો, અને તુરત એણે કૂવાને તળિયેથી જ બુમ પાડી :

‘અંધારું સારપટ છે, કાંઈ સુઝતું નથી.’

તુરત જેરામે વલ્લભને કહ્યું :

‘જા રામભરોસેમાંથી આપણી પેટ્રોમેક્સ ઉતારી આવ્ય !’

અને પછી હાદા પટેલને એણે હળવો ઠપકો આપ્યો :

‘આ તમે માંડણિયા હારે માથાકૂટ કરવામાં રોકાણા એમાં વાવમાં અંધારું થઈ ગયું.’

હાદા પટેલે આંખમાં આવેલાં ઝળઝળિયાં લૂછતાં જવાબ આપ્યો :

‘ભાઈ ! અંધારું તો વાવમાં નહિ પણ મારા જીવતરમાં થઈ ગયું. ઘરનો દીવો સદાયનો ઠરી ગ્યો. હવે એવા વીજળીના દીવા ય ક્યાંથી ઉજાસ કરવાના ?’

‘ક્યાં છે માંડણિયો ?’ શેઢેથી કાસમ પસાયતાએ પડકાર કર્યો.

‘આ રિયો ! આ ગુડાણો’ સામેથી ટોળાંએ જવાબ દીધો.

‘હજી લગણ એને છૂટો રાખ્યો છે ?’ કાસમે સહુને ઠપકો આપ્યો. ‘છીંડું ઠેકીને વહેતો થઈ ગ્યો હોત તો ?—’

‘ભાઈ ! આ કાળમુખાને ઝાલી રાખીને ય હવે મારે કયો લાભ કાઢવાનો હતો ?’ હાદા પટેલે અંતરની વેદના વ્યક્ત કરી. ‘એને હવે તમે શૂળીએ ચડાવો તો ય મારો છોકરો થોડો પાછો ​ આવવાનો હતો ?’

કાસમે આવતાંની વાર જ માંડણનો સાજો ને ઠુંઠો બેઉ હાથ ભેગા કરીને દોરડું બાંધી દીધું અને દોરડાના બીજા છેડાનો ગાળિયો બનાવીને સતીમાની દેરીના શિખરની કોતરણીવાળી ખાંચમાં પરોવી દીધો. પછી માંડણને ધમકી આપી : ‘આંહીથી જરા ય આઘોપાછો થ્યો છો તો તને સતીમાની આણ્ય છે !’

સાંભળીને હાદા પટેલ મનશું ગણગણ્યા. ‘સતીમાના થાનકની સામે જ જેણે મારા દીકરાને વાઢી નાખ્યો, એને સતીમાનો ય ભો શેનો હોય ?’

માંડણનાં બન્ને હાથનાં બાવડાં બરોબર મજબૂત બંધાયાં છે કે નહિ એની ખાતરી કરવા કાસમ એની નજદીક ગયો અને એના મોંઢાની લગોલગ પોતાનું મોઢું જતાં એ ચમકી ઊઠ્યો.

‘એલા, આ શું ગંધાય છે? ડબલું ઢીંચ્યું છે કે શું ?... હા, આ વાસ આવે જ છે.. ચિક્કાર પીધો લાગે છે !’

આટલું કહીને કાસમે થાનકની દેરીના શિખર પરથી ગાળિયો છોડી નાખ્યો.

‘એલા, તું તો દારૂ પીધેલો માણહ સતીમાને અભડાવીશ ! તને આંયાં કણે ન બંધાય.’ કહીને કાસમે માંડણને નજીકના ખીજડા તરફ દોર્યો અને ખીજડાના થડ જોડે એને મુશ્કેટાટ બાંધ્યો.

અત્યાર સુધી ટોળામાં માંડણે સંતુ પર મૂકેલો આરોપ ચર્ચાતો હતો. એમાં હવે કાસમની ઉક્તિઓ સાંભળ્યા પછી માંડણે ઢીંચેલા દારૂની ચર્ચા પણ ભળી.

‘કોને ખબર છે, શું થયું, ને કેવી રીતે થયું... વાડીમાં ત્રણે ય જણાં એકલાં જ હતાં. ચોથું કોઈ હાજર હોય તો સાચી વાત કરે ને ?’

‘પણ સંતુ પંડ્યે જ ઊઠીને વાટ સળગાવી દિયે ને પોતાના જ ધણીને મારી નાખે એવું તો ક્યાંય બને ખરું ?’ ​ ‘ભાઈ ! આમાં તો કાંઈ કહેવાય નહિ. આજ વરહ દી થ્યાં શાદૂળિયો ને સંતુ ફજેતફાળકે ચડ્યાં’તાં. કિયે છ કે સંતુને શાદૂળિયે ઓલી હૉકીસ્ટીક આપી રાખી છે. બેય જણાં વચ્ચે કાંઈક તો ખરું જ ને ? સાવ દેવતા સળગ્યા વિના ધુમાડો થોડો દેખાય !’

‘ને એમાં ક્યાંક ગોબરિયો આડો આવ્યો હોય તો એનો કાંટો કાઢી ય નાખવો પડે. અસ્તરી-ચરિતર તો આપણે ક્યાં નથી જાણતા ?’

‘ને આ કાસમ કિયે છે એમ વાવ ખોદવાને બહાને બે ય જણા દારૂ જ ઢીંચતા હશે. આંયાંકણે વગડામાં કોણ ભાળવાનું હતું ? આ તો કાસમે મોઢું સૂંઘ્યું તંયે ખબર પડી.’

‘અલ્યા પણ આપણા ગામમાં દારૂ આવ્યો ક્યાંથી ?—’ કોઈએ પૃચ્છા કરી.

‘કેમ ભલા ? તારે પીવો છ ? વિચાર થઈ ગ્યો છ ?’

‘ના ના; આ તો અમથું પૂછું છું—’

પેલા જાણકારે હળવે રહીને બાતમી આપીઃ ‘આટલા દી તો શાપર ગ્યા સિવાય ક્યાંય દારૂ જડતો જ નહિ. પણ હવે મૂળગર બાવે ખાનગીમાં વેચવા માંડ્યો છે—’

‘અરરર ! ઈ અતીતનો દીકરો ઊઠીને આવા ધંધા કરે છે ?’

‘બીજું શું કરે બિયારો ? આઠે ય પૉર બીડિયુંનાં ભૂંગળાં વાળે કાંઈ છોકરાં છાશ્ય ભેગાં થોડાં થાય ? તી હવે ઈ શાપરથી શીહા લઈ આવે છે, ને ઘેરબેઠાં આ માંડણિયા જેવાને આઠ આઠ આને ડબલું ભરી દિયે છે—’

દોડતી ઝડપે છતાં ગોકળગાયની ગતિએ જ આગેકૂચ કરી રહેલો રઘો આખરે ખોડીબારામાં પ્રવેશ્યો. એને પગલે પગલે જ વલ્લભ મેરાઈ હાથમાં પેટ્રોમેક્સ લઈને આવી પહોંચ્યો. અને પેટ્રોમેક્સની પાછળ ગામમાં બાકી રહેલાં માણસોની ઘીસત પણ આવી પહોંચી.

હાથમાં પેટ્રોમેકસ લઈને જ વલ્લભ કોસમાં બેસીને કૂવામાં ​ઊતર્યો. ખાંડિયા–બાંડિયા બળદો ગોબર અને હાદા પટેલ સિવાય બીજા કોઈના ડચકારાને ઓળખતા જ નહિ, તેથી હાદા પટેલને જ અત્યારે વરત ઉપર બેસવું પડ્યું.

મૃતદેહને સુવાડવા માટે પડખેની એક વાડીમાંથી કોઈનો ખાટલો લાવવામાં આવ્યો. વાવને તળિયેથી ગોબરનું ધડ અને માથું એકઠાં કરીને કોસમાં ગોઠવ્યાં, અને હાદા પટેલને પૈયે હાલવાની હાકલ થઈ.

દુખિયા પિતાએ ગળગળે સાદે બળદને ડચકાર્યો, પણ બળદે એ અપરિચિત અને ગદ્‌ગદ્ સ્વરે ઉચ્ચારાયેલ વિચિત્ર ડચકારો ગણકાર્યો જ નહિ.

હાદા પટેલે ફરી વાર ડચકારો કર્યો, પણ આ મૂંગા જીવો પોતાના તરુણ પાલનહારના મૃતદેહ ખેંચવાને નારાજ હોય એવું લાગ્યું. આખી વાડીમાં પથરાઈ ગયેલી મૃત્યુમીંઢી ગમગીની આ ચોપગાં પશુઓને પણ જાણે કે સ્પર્શી ગઈ લાગી.

આખરે હાદા પટેલે ન છૂટકે એક જુવાનના હાથમાંથી પરણો માગીને આ પ્રાણીઓને ઘોંચવો પડ્યો, ત્યારે જ તેઓ ધીમે ડગલે આગળ વધ્યાં.

કોસ થાળા નજીક આવ્યો ત્યારે ચાર માણસોએ મળીને ગોબરનું લોહીનીંગળતું ધડ ઉંચકી ખાટલા પર સુવાડ્યું અને બાજુમાં એનું બેડોળ બની ગયેલું માથું મૂક્યું ત્યારે એ કમકમાં પ્રેરનારું દૃશ્ય જોઈને હાદા પટેલની આંખે અંધારાં આવી ગયાં. તમ્મર ખાઈને તેઓ નીચે પટકાઈ પડ્યા.

કાસમ પસાયતાએ કહ્યું : ‘શાપરથી શંકરભાઈ ફોજદારને બરકવા પડશે. એની હાજરીમાં પંચક્યાસ કર્યા વિના લાશનો કબજો નહિ સોંપાય.’

*