લોકમાન્ય વાર્તાઓ/કમાઉ દીકરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કમાઉ દીકરો

ભેંસ ગાભણી હતી ત્યારથી જ ગલાશેઠે અઘરણિયાત વહુની જેમ એની ચાકરી કરવા માંડી હતી. શેઠને તો ઘરનાં જ ખેતરવાડી રહ્યાં એટલે ઘાસ કે નીરણ-પૂળાની તો ખેંચ ન જ હોય, પણ ઓછામાં પૂરું ખેડુશાઈ વેપારધંધો હોવાથી કપાસિયાનીય કમીના ન હતી. વળી, ગલાશેઠને મૂળથી જ ઢોરઢાંખર ઉપર બહુ ભાવ. આ ભેંસને તો તેમણે હથેળી ઉપર જ રાખી હતી, પણ જ્યારે ભેંસ વિયાણી અને પાડીની આશા રાખી હતી ત્યાં પાડો આવ્યો ત્યારે ઘરમાં ગલાશેઠ સિવાયનાં સૌ માણસો નિરાશ થયાં. શેઠનેય ઘડીભર લાગ્યું તો ખરું કે આ તો દવરામણનો સવા રૂપિયો પણ માથે પડ્યો. પણ શેઠ ગમે તેવા તોય મોટા માણસ, અને એમનાં મન પણ મોટાં એટલે પાડીને બદલે પાડો આવતાં એમણે બહુ વિમાસણ ન અનુભવી. ગામલોકોએ તો માંડી મેલ્યું હતું કે આ વણમાગ્યા, અણગમતા પાડાને શેઠ પાંજરાપોળ ભેગો કરી દેશે, પણ વાણિયા માણસની વાત થાય? ગમે તેવી તોય ધર્મી જાત રહી. ગલાશેઠ તો કહે, ‘પાડાને મારે પાંજરાપોળને ખીલે નથી બંધાવો. ભલે મારી કોઢમાં જ બે કોળી રાડાં ચાવે. સૌ પોતપોતાનું લખાવીને જ આવે છે, કીડીને કણ ને હાથીને મણ દેવાવાળો આ પાડાના પેટનુંય મને દઈ રહેશે.’ પાડો તો લીલાંછમ રાડાં ને માથે બોઘરું બોઘરું છાશ પીને વર્ષની આખરે તો ક્યાંય વધી ગયો. તોય શેઠે તો કીધું કે, ‘મારે એને પાંજરાપોળ નથી મોકલવો. એમાં અમારા ઘરની આબરૂ શી? ભલે મારા વાડામાં ભારો સાંઠા બગાડે, અમને ભગવાન દઈ રહેશે.’ પણ ન-દુઝણિયાત ઢોરનું પાટું ખમીખમીનેય કેટલાક દી ખમાય? પાડો મોટો થતો ગયો તેમ તેમ એનો આહાર પણ વધતો ગયો. સાંજસવાર ચાર ચાર કોળી રાડાં પણ હવે એને ઓછાં પડવા લાગ્યાં. તુરત શેઠની આંખ ઊઘડી. એક સવારે પાડાને પાંજરાપોળ મૂકવા જવા સારુ ગલાશેઠ પાદર થઈને નીકળ્યા. લખૂડો ગોવાળ પણ એક ખડાયાને ડચકારતો ડચકારતો પડખેથી પસાર થયો. ખડાયું હજી હતું તો નાનકડું પણ જોયું હોય તો પહેલા વેતરવાળી ભગરી ભેંસ જેવું જ લાગે. રંગેરૂપે પણ એવું જ. ચારેય પગ ને મોં ઉપર ધોળાં ફૂલ ચકરડાં ને કપાળ વચ્ચોવચ્ચ મજાની ટીલડી. આંખ કાળી બોઝ જેવી, ને ચામડીની રુંવાંટી તો મુલાયમ મખમલની જ જોઈ લ્યો! ડિલ આખું જાણે કે રૂના પોલથી જ ભર્યું છે ને હાડકું તો ક્યાંય વાપર્યું જ નથી એવું પોચું પોચું ગાભા જેવું. ભેંસ એક તો ભરાઉ ડિલવાળી ને એમાં પાછું ચડતું લોહી; એટલે આંચળ પણ ખોબામાં ન સમાય એવાં. એને જોઈને પાડાના પગમાં તો કોકે મણ મણ સીસાનાં ઢાળિયાં ઢાળી દીધાં હોય એમ એ રણકીને ઊભો રહ્યો. લખૂડાએ પાડાને ડચકારા કરી જોયા, પણ સાંભળે જ કોણ? પૂંછડું ઊંબેળ્યું, પણ ખસે એ જ બીજા! લખૂડો શેઠના પાડાને કહે, ‘એલા શરમ વગરના! નકટા! નાગા, હાલતો થા હાલતો. જરાય લાજતો નથી?’ પણ પાડો તો તસુય ખસે જ નહીં ને! લખૂડે ફરી પાડાને બે-ચાર ગાળો સંભળાવી અને પોતાનો પરોણો પાડાની પીઠ ઉપર સબોડ્યો, પણ પાડો તો ફરીથી રણકીને ખડાયા સામો ઊભો થઈ રહ્યો. લખૂડો તો પ્રાણીઓનો પરખંદો આદમી એટલે આ પાડાનું પોત તુરત પારખી ગયો. ગલાશેઠને કહે, ‘શેઠ આ પાડાને હવે પાંજરાપોળ મોકલવો રહેવા દિયો. ભલે મારે વાડે મોટો થાય. સામટું ખાડું બાંધ્યું છે એમાં આનો ખીલો એક વધારે.’ ‘તું એને શું કરીશ?’ શેઠે પૂછ્યું. ‘હું એને ખવરાવી-પિવરાવી મોટો કરીશ. મારે આમેય ભેંસું દવરાવવા સારુ મૂંઝવણ તો ટળશે. આજે ઠીક જોગેજોગ જડી ગયો, બાપલા!’ શેઠે તો તરત દાન અને મહાપુણ્ય કરીને, ‘જા, તું કમાઈ ખા!’ કહેતાં પાડો લખૂડાને આપી દીધો. ‘કમાવાની તો કોને ખબર છે? કે’ દી ઈ મોટો થાય ને ગામ એની પાસે ભેંસુ દવરાવે ને મને રૂપિયોરાડો મળતો થાય? પણ હમણાં તો મારે હાથહાથની કાતરિયુંવાળાં મોંઘાપાડાં રાડાં એને નીરવાનાં જ ને?’ ગલાશેઠને એક કાંકરે બે પક્ષી મારવાનું પુણ્ય મળતું હતું. આમેય પાડાને પાંજરાપોળમાં મૂકવા તો બહાર કાઢ્યો હતો. લખૂડા ગોવાળને આપવાથી એ ગામમાં ને ગામમાં, પોતાની નજર આગળ રહેતો હતો; એટલું જ નહીં, પોતાના જેવા મોટા માણસને ઘરેથી ઢોર મહાજનવાડે મુકાય એ નીચાજોણામાંથીય ઊગરી જવાતું હતું. પણ પોતાની એ મિલકતમાંથી જતે દિવસે લખૂડો દવરામણનો ધંધો કરીને માલેતુજાર બની જાય એ વસ્તુ ગલાશેઠના વેપારી ગળા માટે ગળવી મુશ્કેલ હતી. તેમણે તરત પાડાના વેચાણ માટે કિંમત આંકવા માડી. ‘દવરામણના પૈસા આવે એમાંથી મને કેટલું જડે?’ લખૂડો વેપારી નહોતો. એને એ કળાની ગતાગમ પણ નહોતી. એણે તો સીધો ને સટ જવાબ આપ્યો, ‘દવરામણનાં અડધાં ફદિયાં તમારાં ને બાકીનાં અડધાં મારાં; પછી?’ શેઠે સોદો કબૂલ રાખ્યો. લખૂડો ઢોરઢાંખરનો હોશિયાર પારખુ રહ્યો એટલે ગલાશેઠના પાડાનાં લખણ વરતી ગયો. એણે તો પાડાને સારી પેઠે ખવરાવી-પિવરાવીને સાંઢ જેવો કરવા માંડ્યો. પોતાને બાળપણથી જ ઢોર ઉપર અનર્ગળ પ્રેમ હતો. બાપુકા સાઠ ભેંસના ખાડા વચ્ચે જ પોતે નાનેથી મોટો થયેલો. પશુઓને તે પોતાનાં આપ્તજનો ગણતો. એમાં, ગયે વર્ષે પોતાનો જુવાનજોધ દીકરો રાણો બે દિવસના ઊલટી-ઝાડામાં ફટાકિયાની જેમ ફૂટી ગયો ત્યારથી એનું દિલ ભાંગી ગયું હતું. જ્યારથી ગલાશેઠનો પાડો આંગણે બાંધ્યો ત્યારથી લખૂડાને એમાં પોતાના મૃત પુત્ર રાણાનો અણસાર કળાતો હતો. એક દિવસ નીરણ-પૂળો કરી રહ્યા પછી એને કાળીભમર રુવાંટી ભરેલ છાતીવાળો રાણો સાંભરી આવ્યો ત્યારે એનું કઠણ હૈયુ પણ હાથ ન રહી શક્યું. આજે એ જીવતો હોત તો મને ઘડપણમાં રોટલો તો કામી દેત ને!’ પણ માથે વીંટેલ પનિયાના છેડા વતી આંખ લૂછીને વિચાર્યું, ‘કાંઈ નહીં આ સામે ખીલે બાંધ્યો ઈય મારો રાણો જ છે ને? કાલ સવારે મોટો થઈ ભેંસું દવવા માંડશે તંયે તો મૂળાનાં પતીકાં જેવા કલદારથી મારો ખોબો ભરી દેશે.’ અને તે ઘડીએ જ લખૂડાએ શેઠના પાડાનું નામ રાણો પાડી દીધું. રાણો તો લખૂડાના હાથની ચાકરી પામતાં કોઈ લક્ષાધિપતિને ઘેર સાત ખોટનો દીકરો ઊછરે એમ ઊછરવા લાગ્યો. દિવસને જાતાં કાંઈ વાર લાગે છે? થોડાક મહિનામાં તો રાણો જુવાનીમાં આવી ગયો. મોંનો આખો ‘સીનો’ બદલી ગયો. આંખમાં નવી ચમક આવી ગઈ. અંગેઅંગ ફાટવા લાગ્યું. લખૂડાના અનુભવી કાન રાણાનો નવો રણકો વરતી ગયા. બીજે જ દિવસે લખૂડો બાવળની ગાંઠ કાપી આવ્યો ને સુથાર પાસે જઈને થાંભલા જેવો જાડો ને ભોંયમાં હાથેક સમાય એવો મજબૂત ખીલો ઘડાવ્યો. રાણાને હવે પછી એ ખીલે બાંધવા માંડ્યો. પણ અંતે તો રાણો ગલાશેઠની ભેંસને પેટે એક કાઠી આપાના ઘરઘરાવ પાડાના દવરામણથી અવતર્યો હતો. એની દાઢમાં શેઠની કોઠીના કણ ભર્યા હતા, એનામાં સંસ્કાર પણ શેઠના જ હતા. નાનપણમાં શેઠના ઘરના કપાસિયા, રાડાં, અડદમગનાં કોરમાં ને માખણ સોતી છાશ પી પીને મોટો થયો હતો. એમાં વળી લખૂડા જેવા ગોવાળ બાપની ચાકરી પામ્યો; પછી કાંઈ બાકી રહે ખરું? એક દિવસ સૂંડલોએક અડદનું કોરમું ભરડી ગયો અને રાત પડી ન પડી ત્યાં તો ઘેરા ઘૂંટેલા અવાજે રણકવા માંડ્યો. લખૂડો ખાટલામાં સૂતો હતો ત્યાંથી સફાળો ઊઠીને રાણા પાસે આવ્યો અને ખોડેલો બાવળિયો ખીલો હલબલાવી જોયો પણ ચસ ન દીધો ત્યારે એને નિરાંત વળી, રાણાની ડોકમાં પહેરાવેલી સાંકળમાં એક કડી ચડાવીને લખૂડો બીતો બીતો જઈને ખાટલામાં પડ્યો. મધરાતે લખૂડો ફરી જાગી ગયો. રાણાનો આવો જોરદાર રણકો તો એણે પોતાના આવડા લાંબા આયખામાં કોઈ દિવસ સાંભળ્યો નહોતો. ડાંગ કે પછેડી કાંઈ પણ ભેગું લીધા વિના એ દોડતોકને જોવા ગયો તો ખીલે રાણો તો નહોતો પણ નવોનકોર ખીલોય મૂળમાંથી ઊખડી ગયેલ જોયો, ટોડલે પડેલ મેરાયાની વાટ ઊંચી ચડાવીને અડખેપડખે નજર કરી તો સામે ખૂણે બાંધેલ એક ખડાયાના વાંસા હારે રાણો પોતાનો વાંસો ઘસે છે! ડોકમાં રુંડમાળ જેવી લઠ્ઠ સાંકળ ને છેડે ધૂળઢેફાં સોતો ભોંયમાંથી ઉખેડી કાઢેલ બાવળિયો ખીલો લટકે છે! લખૂડાનો તો જીવ ઊડી ગયો, પણ આવે ટાણે બીને બેઠા રહે કામ થાય? લખૂડાએ એની આવડી આવરદામાં ભલભલા પાડાઓને હથેળીમાં રમાડી નાખ્યા હતા. ઝટ ઝટ એણે તો પડખેને ખીલેથી એક વાછડી છોડી મૂકી, રાણાને ખબર પણ ન પડે એવી રીતે એની સાંકળમાંથી ખીલો છૂટો કરી, નવે ખીલે એનો ગાળિયો પરોવી દીધો ને થોડીક વાર પછી ખડાયાને એની જગ્યાએથી છોડીને પડખેના એકઢાળિયામાં બાંધી આવ્યો; પણ એમ તો રાણાના રણકા ને છાકોટા વધતા જ ગયા. તુરત લખૂડો ચેતી ગયો અને રાણાની સાંકળ હળવેકથી છોડીને ઓશરીના તોતિંગ થાંભલા ફરતી બાંધી દીધી. હવે રાણો કાંઈક શાંત થયો. આ બનાવ ઉપરથી લખૂડો ચેતી ગયો કે, હવે રાણાનું નાક વીંધવાનો અને નાકર પહેરાવવાનો સમય પાકી ગયો છે. નાકર નાખ્યા વિના આ જનાવર હવે હાથ નહીં રહે. બીજું બધું તો ઠીક, પણ કાળ ચોઘડિયે કોઈ માણસને શીંગડું ઉલાળીને ભોંય ભેગો કરી દેશે તો જાતે જનમારે મારે કપાળે કાળી ટીલી ચોટશે. રાણાની આંખ બદલાતી જતી હતી. લખૂડાએ એના પગમાં મોટો તોડો નાખ્યો હતો અને નાકમાં નાકર પહેરાવી હતી એટલે એ કાંઈકેય હાથ રહેતો હતો. બાકી તો ખાઈપીને રાણો એવો તો મસ્તાન થયો હતો અને ફાટફાટ થતાં અંગોને લીધે આંખમાંથી એટલું તો ઝેર વરસતું હતું કે કોની મજાલ છે કે એ આંખ સામે આંખ પણ મેળવી શકે? હવે રાણો સાવ તૈયાર થઈ ગયો હતો. લખૂડાને થયું કે ખવરાવી- પિવરાવીને મોટો કરેલ દીકરો હવે બે પૈસા કમાતો થાય તો સારું; કારણ કે, હવે તો રાણો ફાટીને ધુમાડે ગયો હતો. વાડામાંથી બહાર તો કાઢ્યો નહોતો થાતો. વળી, હમણાં હમણાં તો એનો આહાર પણ બેહદ વધી ગયો હતો. એટલું વળી સારું હતું કે ગલાશેઠે, ભવિષ્યની કમાણીને લોભે પોતાની વાડીમાંથી રાણા માટે લીલું વાઢી જવાની લખૂડાને છૂટ આપી હતી. ગલાશેઠનું મફત મળતું લીલું ખાઈને રાણાનું જે લોહી જામ્યું એથી ગામ આખું તો ઠીક, પણ લખૂડો પોતે હવે તો બીવા લાગ્યો હતો. એના છાકોટા સાંભળીને લખૂડાને દહેશત લાગતી કે કોક દિવસ રાણાની આંખ ફરકશે તો મારાં તો સોયે વરસ એક ઘડીમાં પૂરાં કરી નાખશે. અગમચેતી વાપરીને એણે રાણાના નાકની નાકર પગના તોડા સાથે બાંધી રાખવાનું શરૂ કર્યું હતું, પણ આમ દિવસ આખો હાથીની જેમ બાંધી રાખવાનું અને સાંજ પડ્યે અધમણ કડબનો બુકરડો બોલાવી દેવાનું તે કેટલાક દિવસ પોસાય? લખૂડાને થયું કે હવે ભેંસો દવરાવવી શરૂ કરીએ તો જ સાંજ પડ્યે રૂપિયારોડાનું દનિયું પડવા માંડે. લખૂડાએ ગામમાં વાત વહેતી મૂકી કે મારા રાણા પાસે ભેંસ દવરાવવી હોય તો રૂપિયો બેસશે; પણ ગલાશેઠે એ કબૂલ ન કર્યું. તેમણે બે રૂપિયા ભાવ બાંધવાનો આગ્રહ રાખ્યો. ગલાશેઠનો ભાવ બીજા ગોવાળોના ભાવ કરતાં બમણો હતો. પડખેના જ ગામમાં એક કાઠી આપા ફક્ત એક રૂપિયામાં ભેંસ દવરાવી દેતા. પણ એ આપાના પાડાને ચાકરી જોઈએ તેવી નહોતી મળતી, એટલે ડિલમાં એ રાણા કરતાં બહુ નબળો હતો. પરિણામે ગલાશેઠે સૂચવેલો બે રૂપિયાનો ભાવ લોકોને બહુ આકરો ન લાગ્યો. આથી આપાનો વેપાર કાંઈક અંશે તૂટવા લાગ્યો અને લખૂડાની ઘરાકી જામવા માંડી. ધીમે ધીમે રાણાની ખ્યાતિ ગામના સીમાડા વટાવીને પરગામે પહોંચી. હટાણા માટે આવરોજાવરો કરનારાઓએ લખૂડાનાં અને રાણાનાં બે મોંએ વખાણ કરવા માંડ્યાં. તે દરમિયાન ગામમાં દવરાવેલી ભેંસો વિયાવા માંડી હતી. એમનાં પાડી-પાડરડાં બતાવીને લખૂડો તેમ જ ગલાશેઠ રાણાની વધારે જાહેરાત કરતા. લખૂડાની મૂઠી રૂપિયાથી ભરાવા લાગી. જોકે, કુલ આવકમાંથી અડોધોઅડધ તો ગલાશેઠ વગર મહેનતે ઉપાડી જતા અને બાકી વધતી રકમમાંથીય લખૂડાને રાણાના ખાણ માટે રોજિંદું ખરચ થતું, છતાં રાણાનો ભાવ બમણો રાખ્યો હતો એટલે બચત સારા પ્રમાણમાં થઈ શકી. પાંચેક વીસુ રૂપિયા ભેગા થયા એટલે લખૂડાએ વાડામાં ગયે ચોમાસે પડી ગયેલી વંડી ફરી ચણી લીધી. વરસાદ-પાણી ટાણે નીરણ-પૂળો ભરવા માટે આટલા દિવસ મૂંઝાવું પડતું હતું, તે હવે ફળિયામાં એક ખૂણે કાચું ચણતર કરીને માથે સાંઠી છાઈ દીધી. લખૂડાએ પોતાની ડાંગને છેડે પિત્તળનાં ખોભળાં પણ જડાવ્યાં; અને છતાં જ્યારે રૂપિયા વધ્યા ત્યારે એણે રાણાના પગમાં રૂપાનો તોડો પહેરાવ્યો અને સ્મૃતિપટ ઉપર મૃત પુત્રના ચિત્રની રહીસહી રેખાઓ સાથે આ નવા પુત્રની રેખાકૃતિની ઘડ બેસારવા માંડી. લખૂડાની આ આબાદી ગલાશેઠ જીરવી ન શક્યા. તેમને થયું કે રાણાની કમાણીમાંથી પોતાને મળવું જોઈએ તેટલું વળતર નથી મળતું. વળી, રાણાની વધતી જતી શાખને લીધે તેમની વેપારી બુદ્ધિએ ભાવ વધારવાનું સુઝાડ્યું. લખૂડાને તેમણે બેને બદલે અઢી રૂપિયા ભાવ રાખવાની ફરજ પાડી છતાં ભરતામાં જ ભરાય એ કોઈ અણલખ્યા નિયમને આધારે કે પછી લખૂડાના સદ્ભાગ્યે, રાણાની કમાણી ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલી. વધેલા ભાવ નહીં ગણકારતાં, અડખેપડખેનાં ગામડાં-ગોઠડાંમાંથીય માણસો પોતાની ભેંસો લઈને લખૂડા પાસે આવવા માંડ્યા. લખૂડો જીવનની ધન્યતા અનુભવી રહ્યો. રાણા ઉપર – એક દિવસ મહાજનવાડે પુરાવા જતા એક અનાથ પાડરડા ઉપર – પોતે લીધેલી મહેનત લેખે લાગી હતી. પોતાના પુત્ર રાણાને પણ એની મા સુવાવડમાંથી જ મા વિહોણો કરીને ચાલી નીકળી હતી. લખૂડાએ એ બાળકનાં બળોતિયાં ધોઇને એની માનું સ્થાન લીધું હતું. નમાયા છોકરાને પોતે વીસ વર્ષનો જુવાનજોધ બનાવ્યો, પણ અદેખું કોગળિયું એની જુવાની ન સાંખી શક્યું. લખૂડાના પિતૃવાત્સલ્યની અભંગ ધારા નીચે પુત્રની જગ્યાએ આ પ્રાણી આવીને ઊભું અને આંખ ઉઘાડતાં વારમાં તો એણે પુત્રની ખોટ વિસારે પાડી દીધી. આજે આ કમાઉ દીકરાએ પાંચ પૈસાનો ધણી બનાવ્યો હતો અને જાતી જિંદગીએ સુખનો રોટલો અપાવ્યો હતો. તે દિવસે સનાળીના ગામપટેલ પંડે જ પોતાની ભગરી ભેંસ લઈને રાણા પાસે દવરાવવા આવ્યા ત્યારે લખૂડાના હર્ષનો પાર ન રહ્યો. ગલાશેઠને ખબર પડી ત્યારે તેમને પણ આનંદ થયો, પણ તેમનો આનંદ લખૂડાના આનંદથી જુદી જાતનો હતો. તેમને થયું કે ગામપટેલ જેવા ખમતીધર માણસ પાસેથી પાવલું-આઠ આના વધારે મળે તો સારું! પટેલ તેમની ભેંસ સાથે પાદરની એક હોટેલ પાસે ઊભા હતા. તેમણે લખૂડાને કહેવરાવ્યું એટલે લખૂડો તો રાણાને દોરતો કોઈ શહેનશાહી મલપતી ચાલે આવ્યો. પટેલની ભેંસ અવેડા પાસે ઊભી રાખી હતી, એટલે રાણો તો સીધો એ તરફ જ દોડવા જતો હતો પણ લખૂડાએ ચેતી જઈને એની નાકર પગના તોડા સાથે બાંધી દીધી. તુરત રાણો સાવ સોજો થઇને ઊભો રહ્યો. ન તો એક ડગલું આગળ ચાલી શકે, ન એક તસુ પાછો હઠી શકે. રાણાની નાકર બંધાયા પછી જ બીકણ છોકરાં ઓરાં આવવાની હિંમત કરી શક્યાં; કારણ કે આમ આડે દિવસેય રાણાને છુટ્ટી નાકરે આડા ઊતરવાનું જોખમ કોઈ ન ખેડતું, ત્યાં તો આવા દવરાવવા ટાણે – જ્યારે હાથણી જેવી ભેંસ નજર સામે ઊભી હોય ત્યારે – રાણાની આંખ સામે મીટ માંડવાની પણ કોની છાતી ચાલે? સૌની ધારણા એવી હતી કે વહેલામાં વહેલી રોંઢા ટાણે ભેંસ દવરાવાશે અને બન્યું પણ એમ જ. રોંઢા નમતાં રાણો બરોબર તૈયાર થઈ ગયો હતો. ભગરી પણ ઠેકાણે આવી ગઈ હતી. લખૂડો ખુશમિજાજ હતો. ગામપટેલ આવતી સાલ થનાર દુઝાણાના દિવાસ્વપ્નમાં રમતા હતા. ઓચિંતા જ ગલાશેઠ આવી ચઢ્યા અને લખૂડાને અને ભગરીના ધણી ગામપટેલને કહી ગયા કે દવરામણના અઢી રૂપિયાને બદલે ત્રણ રૂપિયા પડશે. ભાવ સાંભળીને ગામપટેલને ટાઢ વાઈ ગઈ. લખૂડાને પણ ગલાશેઠની આ કંજૂસાઈ પ્રત્યે અણગમો ઊપજ્યો. ગામપટેલ અને ગલાશેઠ વચ્ચે બહુ રકઝક ચાલી તે દરમિયાન ગામના કેટલાક વિઘ્નસંતોષીઓ આવીને પટેલના કાનમાં ફૂંક મારી ગયા. ગામપટેલનું મન ઢચુપચુ થવા લાગ્યું. આઠ આના વધારે આપતાં તેમનો જીવ કચવાવા લાગ્યો. રાણો હવે લખૂડાના હાથમાંથી રાશ છોડાવતો હતો. ગામના માણસોએ ફરીથી પટેલના કાનમાં હોઠ ફફડાવ્યા. પટેલે છેવટનો નિર્ણય જણાવ્યો: ‘શેઠ, તમારો આવો આકરો ભાવ તો અમને નહીં પોષાય. જોઈએ તો અઢી રૂપિયા આપું.’ ‘અરે ત્રણ રૂપિયાની માથે આનો એક લટકાનો આપવો પડશે. સાત વાર ગરજ હોય તો આવો ને?’ ગલાશેઠે તુમાખીમાં કહ્યું. રાણાનું જોર વધતું જતું હતું. લખૂડાએ સમો પારખીને ગલાશેઠને વાર્યા: ‘શેઠ, પાવલું, આઠ આના ભલે ઓછા આપે. રાણા સામું તો જરાક જુવો!’ ગલાશેઠે કહ્યું: ‘ના, ના, એક પૈ ઓછી નહીં થાય!’ પટેલે કહ્યું: ‘તો મારે પાછું જાવું પડશે!’ ‘તો રસ્તો પાધરો પડ્યો છે,’ ગલાશેઠ બોલ્યા. ગામલોકોએ પટેલને સાનમાં સમજાવ્યા. પટેલે છેવટનું જણાવી દીધું: ‘અમારે તમારા રાણા વિના અડ્યું નથી રહેવાનું. તમે ને તમારો રાણો રહો તમારે ઘેર. અમે ભલા ને અમારી ભેંસ ભલી. તેરેકુ માંગન બહોત તો મેરેકુ ભૂપ અનેક.’ રાણો હવે હાથ નહોતો રહેતો. લખૂડાએ ગલાશેઠને સમજાવ્યા, ‘શેઠ, આઠ આનરડીના લોભમાં પડો મા ને આ જનાવરની આંખ સામે જરાક નજર કરો!’ ગલાશેઠ તાડૂક્યા: ‘હવે જોઈ જોઈ એની આંખ! એમ આંખ જોઈને બી જાઈએ તો તો રહેવાય કેમ? બાંધી દે એની નાકર તોડા હારે.’ શેઠનો હુકમ કબૂલ કરી, અનિચ્છા છતાં લખૂડો રાણાની નાકર એના તોડામાં ભરાવવા જતો હતો એ વખતે ચબૂતરે બેઠેલાં બધાં માણસોએ બૂમો મારીને લખૂડાને વાર્યો, ‘એલા, રેવા દે, રેવા દે! નાકર બાંધવી રેવા દે હો! રાણિયાની આંખ્ય ફરી ગઈ છે. હવે ઈ ઝાલ્યો નહીં રહે!’ અને નાકરની કડી ભરાવીને લખૂડો હજી ઊભો થવા જાય છે ત્યાં જ રાણો વીફર્યો. એક છાકોટા સાથે એણે માથું હવામાં વીંઝયું, અને નાકના ફોરણાનું જાડું ચામડું ચિરાઈ ગયું. નાકરની કડી તોડા સાથે જ પડી રહી અને રાણાના નાકમાંથી લોહીનો દરેડો છૂટ્યો; પણ અતૃપ્તિની વેદના આગળ આ નસકોરાની વેદના શા હિસાબમાં? રાણાએ વીફરીને લખૂડા સામે શીંગડાં ઉગામ્યાં. લખૂડો લાગ ચુકાવીને દોડ્યો. અડખેપડખેનાં માણસો તો ક્યારનાં ચેતી જઈને ચબૂતરે ચડી ગયાં હતાં. ગલાશેઠ અને ગામપટેલ વગેરે લોકો હોટલમાં પેસી ગયા હતા. લખૂડો મુઠ્ઠી વાળીને દોડ્યો. જીવ બચાવવા સારુ વીરડીમાં પડેલા ધણમાં ઘૂસી ગયો. ડોબાં આડે સંતાઈ જવાની બહુ મથામણ કરી પણ ફાવ્યો નહીં, કારણ કે આજે રાણાનો વિફરાટ જુદી જાતનો હતો. એણે ધારી નેમથી લખૂડાનો પીછો પકડ્યો. લખૂડો આડેધડ દોડવા લાગ્યો. એને આશા હતી કે ક્યાંય ઝાડની ઓથે ઊભીને રાણાની નેમ ચૂકવી દઈશ; એમાંય એ નિષ્ફળ નીવડ્યો. આટલી વારમાં તો બધેય રીડિયામણ થઈ ગઈ હતી, ‘એલાવ ભાગજો! ભાગજો! રાણિયો ગાંડો થયો છે.’ ચારે કોરથી બૂમો સંભળાતી હતી. લખૂડાના હોશકોશ ઊડી ગયા હતા. આઘે આઘે ડોબાં ચારતાં છોકરાંઓએ રાણાને જ્યાંત્યાં શીંગડાં ઘસતો ને છાકોટા નાખીને દોડતો જોયો એટલે સૌ ચપોચપ પીપળ ઉપર ચડી ગયાં પણ કમભાગ્યે લખૂડાને તો એવું કોઈ ઝાડઝાંખરું પણ વેંતમાં નહોતું આવતું. એની મતિ મૂંઝાણી હતી. ડૂબતા માણસના તણખલાની જેમ એણે પોતાનો ફેંટો રાણાના રસ્તા આડે નાખીને એને ભૂલવવા કરી જોયું; પણ ફેંટાને તો રાણાએ શીંગડે ચડાવી લીધો અને ફેંટાનો લાલચટાક રંગ જ કેમ જાણે લખૂડાનો આખરી અંજામ લાવવાનો હોય એમ બમણા વેગ અને ક્રોધથી રાણો લખૂડાની પાછળ પડ્યો. દોડી દોડીને લખૂડાને હાંફ ચડ્યો હતો. મોઢે જાણે કે લોટ ઊડતો આવતો હતો. જીભ સુકાતી હતી. ગળે શોષ પડતો હતો. છાતી ધડક ધડક ધડકારા કરતી હતી. પેટમાં જાણે કે લાય લાગી હતી. કપાળ ઉપર પરસેવાનાં મોતિયાં બાઝયાં હતાં. આવી સ્થિતિમાં એ રાણાથી છટકવા આડેધડ દોડ્યે ગયો. હવે લખૂડો થાક્યો હતો. આજે ફરી બેઠેલો રાણો મને નહીં જ મૂકે એવી ખાતરી થતાં ટાંટિયા ભાંગી ગયા. ચારે કોર નજર ફેરવી, પણ ક્યાંય ઓથ જડે એવું ન લાગ્યું. ભાંગેલ હૃદયે પણ એ દોડ્યે જ જતો હતો, છતાં એ હવે આવી રહ્યો હતો. હવે બહુ ઝાઝું દોડાય એમ લાગતું નહોતું. ભવિષ્યમાં દૂર દૂર પણ ઊગરવાનો આરો દેખાતો ન હોય તો પછી માણસને ક્યાં સુધી હૈયારી રહી શકે? લખૂડાએ ફાટી આંખે પાછળ જોયું. રાણો હવે બહુ છેટો ન હતો. લોહીલોહાણ નાકોરી અને શીંગડાંમાં હીરાકશીનો ફેંટો ફરકાવતો એ છંછેડાયેલી નાગણીની જેમ નજીક ને નજીક ઊડતો આવતો હતો. લખૂડાને દિશાઓ નહોતી સૂઝતી. કાળને અને પોતાને હાથવેંતનું છેટું છે એ હકીકતનું ભાન થતાં એના ગુડા ભાંગી ગયા અને બાજુ પર ઊભેલ આવળના ઝુંડ આડે સંતાવાથી પોતે રાણાની નજર ચુકાવી શકશે એવી ગણતરીથી આવળ આડે ઢગલો થઈને એ પડી ગયો. પણ રાણાની કાળઝાળ આંખોમાંથી લખૂડો પોતાને બચાવી નહોતો શક્યો. ઢગલો થઈને પડ્યા પછી હાંફની ધમણ સહેજ પણ ધીમી પડે એ પહેલાં જ પાંસળાંની કચડાટી બોલાવતા રાણાનો એક હાથીપગ લખૂડાનાં પાંસળાં ઉપર પડ્યો અને બીજી જ ક્ષણે લોહીમાંસ સાથે ભળી ગયેલ એ હાડકાંના ભંગાર ટુકડાઓમાં ભાલા જેવું એક અણિયાળું શીંગડું ભોકાયું અને એક જોરદાર ઝાટકા સાથે, સૂતરની આંટી બહાર આવતી રહે એમ આંતરડાંનું આખું જાળું બહાર ખેંચાઈ આવ્યું. આવળના એ ખાબોચિયામાં લખૂડાના ઊના ઊના લોહીનું જે પાટોડું ભરાણું એમાં રાણાએ ખદખદતો પેશાબ કરીને બધું સમથળ કરી નાખ્યું.