વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/અમેરિકાના કેટલાક ગુજરાતી સર્જકોનો પરિચય
મધુસૂદન કાપડિયાની કલમે
સવાલ પહેલો : અમેરિકાના ગુજરાતીઓની કેટલીક વિશેષતાઓમાંની મુખ્ય વિશેષતા કઈ? જવાબ પહેલો : અમેરિકામાં વસીને, ગુજરાતી ભાષા શ્વસીને, ગુજરાતી ભાષામાં સર્જન થતું રહે છે. દરિયાપારના અન્ય ખંડો અને દેશોમાં ગુજરાતીઓ વસે છે. અને ગુજરાતી ભાષામાં લખાતું રહે છે, પણ ગુણવત્તા, સાતત્ય અને નિસબતના સંદર્ભમાં અમેરિકાના ગુજરાતી સર્જકો ઘણા આગળ છે. સવાલ બીજો : અમેરિકાના ગુજરાતી સાહિત્યકારોની મર્યાદા કઈ? જવાબ બીજો : એમના સર્જનની મર્યાદા અને વિશેષતા કઈ છે તે કોઈ તટસ્થ રીતે કહેતું નથી, તેમની કૃતિઓનું તટસ્થ આકલન કે વિશ્લેષણ થતું નથી એ છે મોટી મર્યાદા. આ મર્યાદા અખિલ ગુજરાતી સાહિત્યની ગણાવી જોઈએ, કારણ કે અમેરિકન ગુજરાતી સાહિત્ય સમગ્ર ગુજરાતી સાહિત્યનું મહત્ત્વનું અંગ છે. ઊભા રહો, અમેરિકન ગુજરાતી સાહિત્ય સમગ્ર ગુજરાતી સાહિત્યનું અંગ છે, એવું કહે છે કોણ? અને કેવી રીતે કહે? એવું કહેવાથી કોઈ રાજી થતું હોય તો કહેવામાં કોઈ વાંધો નથી. ભલે ખાટલા ઘટી રહ્યા હોય, પણ ખોડ ક્યાં ઘટી છે? અહીં ખાટલે મોટી ખોડ એ છે કે દરિયાપારના ગુજરાતી સાહિત્યની સંબંધોની પ્રીતિથી ઘણી નોંધ લેવાય છે, પણ સાહિત્ય પદાર્થની સાચૂકલી મૂલવણીની રીતે ઝાઝી નોંધ લેવાતી નથી. હું ગુજરાતી ભાષાનો નીવડેલો, નામાંકિત, અનેક એવોર્ડ્સથી અલંકૃત સાહિત્યકાર છું અને તમે મને અમેરિકા બોલાવો છો અને અછોઅછો વાનાં કરો છો તો તમે શ્રેષ્ઠ સર્જક છો અને તેના તરફ અભિમુખ થઈને ઘણા આગળ નીકળી ગયેલા કવિ, નવલકથાકાર કે પછી ઇત્યાદિ ઈત્યાદિ છો. પાકાં પૂંઠાં વચ્ચે લખાણ કાચું હોય, પણ વહેવારના સંબંધો પાકા હોય તો પછી બધું પાકું જ છે એવા માહોલમાં આપણને મળે છે એક પુસ્તક : અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો. આ નામની પણ એક વિશેષતા છે. એ વિશેષતા એ છે કે કોઈ પણ પ્રકારના શબ્દવિશેષ વિનાનું સાવ સાદું અને સંપૂર્ણ અર્થઘટન કરાવતું નામ છે. ‘શબ્દશક્તિ દરિયાપાર’ની, ‘અમેરિકામાં ગુર્જરીનો ગુંજતો નાદ’ કે ‘અમેરિકાના સર્જકોનું સર્જન’ એવું કોઈ પ્રમાણમાં રૂપાળું લાગતું નામ લેખક-કમ-આસ્વાદક-કમ-વિવેચક રાખી શક્યા હોત! જોકે બહારથી રૂપાળું હોય તેમાં ઘણી વાર અંદરથી ભોપાળું હોય છે તેવું લેખક જાણતા હશે. તેથી નામ રાખ્યું સાવ સાદું અને અર્થસભર, પહેલાં તો લેખકને તેના માટે અભિનંદન! બીજાં અભિનંદન, અમેરિકાના ૨૬ સર્જકોનાં સાહિત્યસર્જનનું અભ્યાસી અને સ્વાધ્યાયી વિવેચન કરાવવા માટે. આ પુસ્તકમાં તેમણે સર્જકોને સલામ પણ કરી છે અને જરૂર પડી ત્યાં કડક નુકચેતીની પણ કરી છે. આ પુસ્તકમાં તેમણે પન્ના નાયક, હરનિશ જાની, કિશોર મોદી, કૃષ્ણાદિત્ય, પ્રીતિ સેનગુપ્તા, અશરફ ડબાવાલા, મધુમતી મહેતા, ભરત ઠક્કર, ભરત ત્રિવેદી, રાહુલ શુક્લ, પ્રીતમ લખલાણી, વિરાફ કાપડિયા, નટવર ગાંધી, ભરત શાહ, શકુર સરવૈયા, ઇન્દ્ર શાહ, ચંદ્રકાન્ત શાહ, કિશોર રાવળ, ઘનશ્યામ ઠક્કર, કમલેશ શાહ, આર. પી. શાહ, આનંદ રાવ લિંગાયત, સુચિ વ્યાસ, જયશ્રી વિનુ મરચન્ટ અને સુધીર પટેલનાં સર્જન વિશે લખ્યું છે. ભારતથી અમેરિકા જઈ વસેલા મધુ રાય કે આદિલ મન્સૂરીને તેમણે નથી સમાવ્યા. (જયંતિ પટેલ રંગલો પણ છે ગેરહાજર) પ્રતિબદ્ધતા અને નિસબતથી લખતા ડૉ. નીલેશ રાણા કે ડૉ. નવીન વિભાકર જેવા પણ આ પુસ્તકમાં સ્થાન ન પામે એની મારા જેવાને નવાઈ લાગે! લેખક કહે છે કે લખતી વખતે કૃતિને જ નજર સમક્ષ રાખી છે, તેના કર્તાને નહિ. આમાં સમાવિષ્ટ લગભગ બધા જ સાહિત્યકારો સાથે મારે પરિચય છે, ઘણાના જોડે સ્નેહસંબંધ છે. થોડાની સાથે મૈત્રી છે. કૃતિઓની મર્યાદાઓની ચર્ચા કરતી વખતે લેશ પણ ઉદારતા રાખી નથી. જેવું છે તેવું, જેવું મને લાગ્યું છે તેવું સ્પષ્ટ, કદાચ કઠોર વાણીમાં લખ્યું છે. વાતમાં તથ્ય છે. લેખકે ખરેખર તટસ્થ રીતે લખ્યું છે. ક્યારેક એવું પણ લાગે કે તેઓ કડક વિવેચક થયા છે. આ તમામ વિવેચનમાં તેમનો સઘન અભ્યાસ ઊડીને આંખે વળગે છે અને પછી હૃદયને પણ સ્પર્શે છે. પન્ના નાયક વિશે તેમણે ઉમળકાથી વિગતવાર લખ્યું છે. તેમનું આ વિવેચન વાંચીને હું પન્ના નાયકની ઘણી કૃતિઓ બીજી વખત વાંચવા પ્રેરાયો અને તેમને પ્રતિભાવ સાથે સંમત થવા પ્રેરાયો. પન્ના નાયક ગુજરાતી સાહિત્યના એક સશક્ત સર્જક. અલબત્ત, તેમની કેટલીક કવિતાઓ વિશે મધુસૂદન કાપડિયા આમ પણ નોંધે : સફળતાની ‘તમા કર્યા વિના’ લખાયેલી કવિતાને બહુધા નિષ્ફળતા જ વરી છે. છંદોબદ્ધ કાવ્યો, ગીતો અને લાંબી અછાંદસ કૃતિઓ બહુધા આયાસસિદ્ધ છે. તેમાં કૃત્રિમતાની ગંધ આવે છે. સાહજિકતાના સૌંદર્યનો સ્પર્શ આ રચનાઓને ભાગ્યે જ થયો છે. હરનિશ જાની સર્જનાત્મકતાથી ફાટ ફાટ થતા સર્જક છે. જેટલું તેમનું વજન છે. તેટલું જ વજનદાર તેઓ લખે છે. વિવેચક મહોદય મધુસૂદનભાઈ પણ તેમની કૃતિઓને હોંશેહોંશે વખાણે છે. જોકે તેઓ કહે છે કે કૃતિઓનો અંત એ હરનિશ જાનીની નવલિકાઓની ગંભીર મર્યાદા છે. અલબત્ત, લેખકને નવલિકામાં અંતની જે મુશ્કેલી નડી છે તે નિબંધોમાં નડી નથી. નિબંધોના અંત સહજ સ્વાભાવિક છે. લેખક કહે છે, ‘હાસ્યની ઝીણી સૂઝ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વક્રદૃષ્ટિ, પ્રથમ પેઢીના ‘અતો ભ્રષ્ટ’ ગુજરાતી વસાહતીઓનું વિનોદી આલેખન, કોઈ પણ જાતના અભિનેવેશ વિના દંભી ધર્માચરણીઓ અને તેનાથી વધારે દંભી ધર્મગુરુઓનું નિર્મમ છતાં માર્મિક નિરૂપણ હરનિશ જાનીની હાસ્યરસની કૃતિઓની ગુણસંપત્તિ છે.’ લેખકને હરનિશ જાનીના ભારતીય ઇતિહાસ-ભૂગોળના જ્ઞાન માટે માન ઊપજતું નથી. જે માણસ ભારતમાં આવવાને એડવેન્ચર ગણતો હોય તેનું ભારતના ઇતિહાસ-ભૂગોળનું જ્ઞાન સ્વાભાવિક છે કે માન ઊપજાવે તેવું ન હોય. લેખક નોંધે છે કે પ્રીતિ સેનગુપ્તા ગુજરાતી ભાષાના વિરલ પ્રવાસ નિબંધકારોમાંના એક છે. ગુજરાત અને દરેક ગુજરાતીનું એ ગૌરવ છે કે તેમની પાસે પ્રીતિ સેનગુપ્તા છે. લેખક કાકાસાહેબ કાલેલકર અને ભોળાભાઈ પટેલ પછી પ્રવાસ સાહિત્યના ક્ષેત્રમાં પ્રીતિબહેનનું નામ સુપ્રતિષ્ઠિત છે તેવું નોંધે છે. તેઓ કહે છે કે લેખિકાની વિશેષતા એમનું વૈશ્વિક પરિપ્રેક્ષ્ય છે. પ્રીતિનાં ચરણચિહ્ન પૃથ્વીના સાતેસાત ખંડ ઉપર પડી ચૂક્યા છે. વિવેચક કેટલા સભાન અને લેખનને અખિલાઈમાં જોવાનો અભિગમ રાખનારા છે તેની આ બાબત પરથી સાબિતી મળે છે. તેઓ કહે છે કે પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસનિબંધોનું એક ઉમદા લક્ષણ છે, લેખિકાની નિસબત, આ પ્રવાસનિબંધો માત્ર ઐતિહાસિક, ભૌગોલિક આલેખો નથી. માત્ર પ્રકૃતિવર્ણનો અને સૌંદર્યાનુભૂતિ નથી, પણ અહીં હમદર્દી છે, સહાનુભૂતિ છે, કરુણા છે. આમ કહી લેખક લેખિકાનું એક વિધાન નોંધે છે : ‘કોઈ પણ અન્યાયનો ભોગ બનતી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે હૃદય પક્ષપાતી રહેતું આવ્યું છે.’ મધુસૂદનભાઈ એમ પણ નોંધે છે કે લેખિકાએ જે જે સ્થળોનો પ્રવાસ કર્યો હોય તે બધાં જ વિશે પ્રવાસવર્ણન લખવા અને છપાવવાની આગ્રહ વધુ પડતો છે. પરિણામે કેટલાંય પ્રવાસવર્ણનો સંવેદનશીલતા વિનાના માહિતીમૂલક લેખો જ બની ગયાં છે. અશરફ ડબાવાલાના બોલચાલમાં વપરાતા તળપદા શબ્દોની સમૃદ્ધિને તેઓ બિરદાવે છે. તેઓ એમ પણ નોંધે છે કે કવિ રૂઢિપ્રયોગોનો શક્તિશાળી રીતે ઉપયોગ કરે છે. અલબત્ત, અશરફ ડબાવાલાને ગઝલમાં જે સફળતા મળી છે તેવી ગીતોમાં મળી નથી તેવી નોંધ પણ તેઓ કરે છે, મધુમતી મહેતાનાં ભક્તિગીતોને તેઓ દિલ દઈને આવકારે છે અને આશા પણ રાખે છે કે તેમનો કાવ્યસંગ્રહ ઝડપથી પ્રકાશિત થાય, વિરાફ કાપડિયા વિશે નોંધતાં તેઓ અભિપ્રાય આપે છે કે ભવિષ્યનો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસકાર દરિયાપારના સાહિત્ય વિશે એકાદ નાનકડું પ્રકરણ ફાળવશે ત્યારે વિરાફ કાપડિયાના સર્જનમાંથી કવિતા, સાચી કવિતા, સરળ, મધુર, પ્રસન્ન, પ્રાસાદિક કવિતાના નમૂના જરૂર મળશે. સાચી વાત, અને હા, ૫૦-૧૦૦ વર્ષ પછી પણ દરિયાપારના ગુજરાતી સાહિત્ય વિશે સાતત્યપૂર્વક લખાશે ત્યારે મધુસૂદન કાપડિયાના આ પુસ્તકને ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ જરૂરથી યાદ કરાશે. પ્રતિભાશૂન્ય, ધ્યાનશૂન્ય, કદરવિહીન દરિયાપારના ગુજરાતી સાહિત્યના રણમાં સાચૂકલું વિવેચન અને ખરો આસ્વાદ કરાવવા માટે મધુસૂદન કાપડિયાને જય જય ગરવી ગુજરાત.
રમેશ તન્ના