વલ્લભજી હરિદત્ત આચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આચાર્ય વલ્લભજી હરિદત્ત (૨૬-૬-૧૮૪૦, ૧૧-૧-૧૯૧૧): કવિ, સંપાદક, અનુવાદક. જન્મ જૂનાગઢમાં. ત્યાંની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ. ૧૮૬૧માં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીને અશોકના શિલાલેખોની નકલ કરાવવામાં સહાય. ૧૮૬૩માં પાટણના શિલાલેખોની નકલ કરી ગ્રંથ રૂપે કર્નલ વૉટ્સનને બતાવતાં તેમની સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો, જે પુરાતત્ત્વ-સંશોધન માટે પોષક બન્યો. અલગ અલગ સ્થળે થોડો સમય શિક્ષણકાર્ય. ૧૮૬૮માં જૂનાગઢ પ્રેસના મૅનેજર, પછી ૧૮૮૮થી ૧૮૯ર સુધી વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ (વૉટ્સન મ્યુઝિયમ)માં ક્યુરેટર. એમણે ‘આરતીમાળા', ‘ચંદ્રહાસોપાખ્યાનના દુહા’ (૧૮૬૨), ‘નરભેરામના દુહા’, ‘વાઘેશ્વરીની હમચી' (૧૮૬૧), ‘વૉટ્સન-વિરહ' (૧૮૯૬), ‘સૈરિન્ધ્રીચંપૂ' (૧૯૦૩/૭), ‘ચંડીપાઠના સારનો ગરબો’ (૧૮૬૨) જેવી પદ્યકૃતિઓ અને ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’, ‘અન્ત્યપ્રાસકોશ’, ‘કવિતાવાક્યશતક' જેવાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં પુસ્તકો તેમ જ ‘અશોકક્ષત્રપસંબંધિત ભાષણો', ‘સદ્ગુણી સ્ત્રીચરિત્ર' (૧૮૮૭), ‘ધર્મમાળાનું ભક્તિવિચારસૂત્ર’ (૧૮૭૧) જેવાં પ્રકીર્ણ વિષયનાં પુસ્તકો આપ્યાં છે. ‘નવરાત્રિના ગરબા-સ્તોત્ર' (૧૮૬૫) અને ‘મંગલાષ્ટકસંગ્રહ’ જેવા સંચયો ઉપરાંત સંસ્કૃત ગ્રંથોના ગુજરાતી અનુવાદો પણ કર્યા છે, જે પૈકી ‘કીર્તિકૌમુદી' (૧૯૦૮), ‘ચંડી આખ્યાન' (૧૮૯૨), ‘પ્રબોધચન્દ્રોદય નાટક' (૧૮૭૭), પુષ્પદંતરચિત ‘શિવમહિમ્નસ્તોત્ર' (૧૮૭૬) તથા ‘વિક્રમાંકદેવચરિત' (૧૯૧૧) નોંધપાત્ર છે.