વસુંધરાનાં વહાલાં-દવલાં/૧૪. એ ક્યાં છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. એ ક્યાં છે?

પિતાનું નામ પ્રતાપભાઈએ જોતજોતામાં ભૂંસી નાખ્યું. પિતરાઈઓનાં ખોરડાં ખરીદી લઈને શેઠે ફળિયું સુવાંગ કર્યું હતું. ભાંગેલી ખડકી ઉતરાવીને પ્રતાપ શેઠે ત્યાં ડેલો પડાવ્યો. ડાબી બાજુ ઓરડા, જમણી બાજુ તબેલા, ડેલાની અંદર સ્ત્રીઓને રહેવાની નાની ડેલી, નાની ડેલીને નાનો ચોક, નાના ચોકને ત્રણ કોર ઓટા, ઓટાને માથે ચાંદની રાતે તકિયા મૂકીને પ્રતાપરાય પત્નીના ખોળામાં પગ દબાવરાવે અને લીલાછમ તાજા રજકા બટકાવતી બે ઘોડીઓની લાદ પણ એક પ્રકારની સમૃદ્ધિદર્શક સુગંધે આખી ડેલીને ફોરાવી મૂકે. શેઠિયો શોખીન નીકળ્યો. પિતાની નાનકડી હાટડી પણ પડાવી નાખવાનાં એણે ઘણાં માથાં માર્યા, પણ અમરચંદ શેઠે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી મારું એ જ બેસણું, ને મૂઆ પછીયે જો પડાવશો તો ભોરિંગ સરજીને હું ત્યાં ભમીશ એટલે એ એક ખૂણાનો ખાંચો મૂકીને પ્રતાપ શેઠે એક માળ ઉપર લેવરાવ્યો. એ માળ તેમ જ ડેલી માથેની એ માઢમેડી પર ચડીને દરિયાકાંઠાની ખારવણોએ જ્યારે ટીપણી ટીપી ત્યારે ફરતાં ગામોના સીમાડામાં એના રાસડા સંભળાયા. વિજયગઢથી આણેલી કિટ્સન લાઈટો મેડીને માથે આખી રાત ઝગતી રહી પણ ટીપણી બંધ ન પડી. અને છ મહિને જે દિવસ વાસ્તુના અવસર પર ઇંદ્રનગરના અધિકારીમંડળની એંઠમાંથી ગામનો ઢેઢ, ઢાઢી, મીર, વાઘરી ને ઝાંપડો પેટપૂરતું ગળ્યું ધાન પામ્યો તે દિવસથી પીપરડી ગામ ‘આઈ સોઢીબાઈની પીપરડી’ એ જૂના નામથી ઓળખાતું બંધ પડ્યું—મલકમાં નવું નામ ફરી વળ્યું: ‘પરતાપ અમરાની પીપરડી’. તે દિવસથી પ્રતાપ શેઠે દાતણપાણી કરવા માટે ડેલીના ઓટા ઉપર બેઠક રાખી. તે દિવસથી ગામની પનિયારીઓએ પ્રતાપ શેઠની ડેલી પાસે થઈને નીકળવામાં જીવનનો મહિમા માન્યો. તે દિવસથી પાણી ભરનારીઓનાં ડગલાંને દોઢ્ય વળી, ઘૂમટાની લંબાઈ વધી, બેડાંને ચકચકાટ ચડ્યા, ઈંઢોણીએ મોતીઓ જડાયાં, ચરણીએ હીર ડોકાયાં. જેમને પોતાની વહુ-દીકરીઓના આવા શણગાર પરવડતા હતા તેઓને માટે પ્રતાપ શેઠની ડેલીનો પાણીશેરડો લાખેણાં લહાવની વાત બન્યો. જેમની આવા શણગાર કરવાની ત્રેવડ નહોતી તેમની બાયડીઓએ નવાણે જવાના નોખા લાંબા પંથ પકડ્યા. કોળી, વાઘરી ને વાણંદની વહુવારુઓએ શેઠની ડેલી પાસે નીકળવાની હિંમત છોડી, કેમકે પ્રતાપ શેઠનું દાતણ એટલે તો પંદર-વીસ પરોણાનો દાયરો ફરતાં પાંચ ગામડાંનો મોભો, મલાજો, ઢાંકણ. ઘોડે ચડીને ગામમાં આવતો કોળી પાદરમાંથી જ નીચે ઊતરીને ઘોડું દોર્યો આવતો; ને ઘોડે ચડ્યો ગરાસિયો ગામનાં છીંડાં ગોતીને પોતાને મુકામે પેસી જતો. ‘હાક્યમ જેવો બેઠો છે, બાઈ!’ ગામ-નારીઓ વાતો કરતી. ‘દી વળ્યો છે એમ ડિલેય કેવું વળ્યું, બાઈ! પેટે તો વાટા પડે છે પરતાપ શેઠને!’ સાંજ પડતી ત્યાં ઉઘરાણીની થેલી ઉપાડીને ગામમાં આવતો શેઠનો સંધી ઘોડેસવાર ગામના દરબારોને નિસ્તેજ બનાવી દેતો. એનો તરવાર-પટો પાવલીઓના રણકારો કરતો ને એના હાથની બંદૂક દુશ્મનોનાં હૈયાં ડારતી. રાજપૂતોની એક પછી એક જમીન પોતાના બંધાણી ધણીઓથી રિસાઈને શેઠને ચોપડે બેસણું શોધવા લાગી. પ્રતાપના ચોપડાએ જમીનોને ખાતરી આપી કે આ દસ્તાવેજોનાં દ્વારમાંથી તમને કઢાવી જાય એવો ગરાસિયો હવે જનમ લેવાનો નથી. સ્વાદના શોખીનો ‘પ્રતાપ અમરાની પીપરડી’ પર મીટ માંડે છે. પૂડલા ખાવાની તલબથી ત્રાસતા ન્યાયાધીશ પીપરડીનો કેડો સાંધે છે. લાડુના ભૂખ્યા લોકસેવકો ખેડૂતોના રોટલાથી થાકી થાકી પ્રતાપ શેઠની પીપરડીને પોતાના માર્ગમાં લ્યે છે. સવા રૂપિયાથી માંડી સવાસો રૂપિયાની ટહેલ નાખનાર વિપ્રને સૌ કોઈ પ્રતાપ શેઠની પીપરડી જ ‘બંગલા’ ચિંધાડે છે. પ્રતાપે નાનકડા પીપરડી ગામમાં સર્વ પ્રકારના શહેરી સ્નેહીઓને આકર્ષણ કરનારી સામગ્રી વસાવી હતી. ‘મારી નવલકથા કોઈ સુંદર વાતાવરણમાં બેસીને મારે લખવી છે. પીપરડીની બંગલી સાફ છે કે?’ પ્રતાપ પર કોઈ ગ્રંથકાર સ્નેહીનો કાગળ આવતો. ‘હિંદભરમાં સ્વરાજ-ફાળો ઉઘરાવીને વિસામો શોધું છું. માથેરાન-મહાબળેશ્વર તો હવે જૂનાં બની ગયાં છે. બોલો, બીજા મિત્રો તરફથી તાકીદના તારો આવી પડ્યા છે, તમારા પર કળશ ઢોળું કે?’ એવો એક દેશસેવકનો કાગળ નહિ પણ તાર જ આવતો. ‘ઈંદ્રનગરની કોર્ટમાં મારા એક સ્નેહીને માથે રાજની આફત આવી છે. તમારા વિના બચાવ નથી. કાલે ટ્રેન પર જોડાશો?’ દેશી રાજ્યના ઇન્સાફને જાહેર સભામાં ‘બાપુ શાહી’ કહી વગોવનારા કોઈ રાષ્ટ્રવીર પોતાના ખોટા દસ્તાવેજ કરનાર સાળાને ઉગારવાની મેલી રમતમાં પણ પ્રતાપ શેઠની આ પ્રમાણે મદદ લેતા, ને લેતા એટલે, બસ, ફાવતા. નાનકડા પીપરડી ગામમાં પ્રતાપ શેઠ હોય તો જ દેરાસર ચણાય અને સાધુસાધ્વીઓને ઉતારવા ઉપાશ્રય બંધાય. અને એક ગાઉના ફેરમાં જઈને રાજની રેલગાડીના પાટા પીપરડીને પાદર પડે એવું સ્વપ્ન પણ જ્યાં બેવકૂફીમાં ખપે ત્યાં પ્રતાપ શેઠે સાચું કરી બતાવ્યું. જમીનો મપાઈ, સડક દોરાઈ, માટીના સૂંડલા ધમધોકાર પડવા લાગ્યા એ ખબર પડતાં તો મુનિશ્રી મોહવિજયજીએ પીપરડી તરફ છેક અમદાવાદથી ઝડપી વિહાર આદર્યો. પીપરડીના વણિકોના દસ ઘરોએ પોતાને ઘેર તીર્થંકર ઊતર્યા ગણ્યા. “એક જ વચન લેવા આવ્યો છું, શેઠ!” મુનિશ્રીએ એકાંતે વાત ઉચ્ચારી. “ફરમાવો!” “સ્ટેશનનું નામ શું રખાવવાના છો?” “પીપરડી.” “ન બને.” “ત્યારે?” “તમારા ગામથી ત્રણ જ ગાઉ ગૌતમગિરિની પ્રતિષ્ઠા મેં કરી છે એ કેમ ભૂલી ગયા? એ નવીન તીર્થને મારે આબાદ બનાવવું છે. તમારે એ પુન્ય જોઈએ છે કે નહિ? સ્ટેશનનું નામ ગૌતમગિરિ ન પડાવો તો પીપરડીનું પાણી મારે ને મારા સાધુઓને ખપશે નહિ.” અને મુનિશ્રી મોહવિજયજી પ્રતાપ શેઠનો જમણો હાથ પોતાના પગને અંગૂઠે મુકાવીને કોલ થઈ ગયા. પચીસ ગાઉના ઘેરાવામાં ‘પ્રતાપ શેઠ, પ્રતાપ શેઠ’ થઈ રહ્યું, અને પહેલી જ વાર ત્યાં આવતી રેલગાડીમાં પ્રતાપ શેઠ ખુદ ઠાકોર સાહેબનાં સલૂનો લઈ આવ્યા. ત્યાર પછી એ જુવાનના પ્રતાપી કીર્તિ-મંદિર પર સોનાનું ઈંડું ચડી ગયું. એવી દોમદોમ સાહ્યબીની ઉપર એક ચિંતાની વાદળી તોળાઈ રહી હતી. પ્રતાપ શેઠનો સાત વર્ષનો લાડકો પુત્ર ગળેલું શરીર લઈને મૂંઢા હાથની સેજને માથે લોચતો હતો. એની પહેલાંનો બાળક ત્રણ વર્ષની ઉંમર લગભગ પથારીમાં જ વિતાવીને મૃત્યુ પામ્યો હતો. દાક્તરોની દોડાદોડ થતી હતી. મોસંબીના કરંડિયા છેક મુંબઈથી ઊતરતા હતા. મહેમાનોની ભીડ ચોવીસ કલાક ચાલુ રહેતી. ઇંદ્રનગરથી અધિકારીઓ પણ આંટો ખાઈ જતા હતા. એક રીતે એ માંદગી હતી, બીજે સ્વરૂપે એ ઉત્સવ હતો. દુનિયાની દિલસોજી માનવીના આંગણામાં છોળો મારે એ અવસર ઉત્સવ નામને જ લાયક છે. દસ વર્ષ: ગામની સૂરત પલટાઈ ગઈ હતી? ના, ના, એક પ્રતાપ શેઠનાં મેડીમાળિયાં જ એ વધુ ભાંગેલા ગામની બરબાદીને આબાદી અને ઉજાસનો પોશાક પહેરાવતાં ઊભાં હતાં. ચિતામાં બળતું શબ ઘણી ઘણી વાર બેઠું થઈ જાય છે, પણ એ બેઠાં થવામાં પ્રાણ નથી હોતા. પીપરડી ગામનાં થોડાંક ખોરડાંનાં વિલાયતી નળિયાં એટલે એ ગામના ચિતા-ચડેલા શબનું બેઠા થવું: ગરાસિયાનાં ઘરો ખંડેરો બન્યાં હતાં. બ્રાહ્મણોને આંગણેથી ગાયોના ખીલા બળતણમાં ગયા હતા. ખેડૂતોના બળદને કાગડા ઠોલતા તેને ઉડાડવા માટે પૂંછડાં પછાડવાની તાકાત તૂટી ગઈ હતી. સજીવન હતો ફક્ત વાઘરીવાડો. કૂબાનું લીંપણ એવું ને એવું ચોખ્ખું ફૂલ હતું. એક દિવસ કૂબાના ફળિયામાં પડેલાં અજીઠાં હાંડલાંને કૂતરાંઓની ઔષધિમય જીભો જ્યારે દાણોદાણો ચાટી લઈને ફરી ખીચડી ચડાવવા માટે તૈયાર માંજેલાં જેવાં બનાવી રહી હતી ત્યારે સાંજનો સમય હતો. અલોપ બની ગયેલી તેજુના ખંડેર જેવા કૂબાને છાપરે ઝૂલા ખાઈ રહેલ ઠીબમાં એક આધેડ વાઘરી પાણી રેડતો હતો. એ વાઘરી એ જ હતો, જેણે દસ વરસ પરની એક સંધ્યાએ તેજુની આડે પડીને ગામલોકોનો લોહિયાળ માર ખાધો હતો. વાઘરીઓ બેઠા બેઠા વાતો કરતા હતા: “ફરી વાર પાછી ઝાંપડાઓને લે’ર થવાની!” “કેમ?” “શેઠનો છોકરો હવે ઘડી—બે ઘડીનો મે’માન છે. ખાંપણમાં તો રોગા રેશમના રેટા જ ઓઢાડશે ને!” “ઝાંપડાં બાઝી મરવાનાં. ઓલ્યો પે’લ વારકીનો મૂઓ ત્યારે કેવી બઘડાટી બોલેલી, ભૂલી ગ્યાં?” “આપણે તો હમણાં ઊલટાનાં ભારી એક દાતણ રોજ નાખવાં પડે છે શેઠને ઘરે. આપણને કાંઈ લાભ? મે’માનોનો કાંઈ પાર છે!” “ને હવે તો દાગતરું મલક બધામાં હાલી મળ્યા છે.” બોલનાર વાઘરી ભૂવો હતો: “એટલે માતાના દાણા જોવરાવતુંય લોક મટી ગયું છે. માતાના નામની માદળડી એક વાર તો બાંધી જોવે—પણ હવે એને કે’વા કોણ જાય?” ‘માદળડી’ શબ્દ સાંભળીને એક સિત્તેર વરસનો ડોસો ઊભો થયો. એ પોતાના કૂબામાં ગયો. બે-ચાર માટલાં પડ્યાં હતાં તેમાં તેણે ખાંખાંખોળાં કર્યાં. એક નાનો સિક્કો એના હાથમાં આવ્યો. દસ વરસની કાટ ખાઈ ગયેલી એ એક ચારઆનીને એણે માંજીને ચળકતી કરી. લઈને એ શેઠના ઘર ભણી ચાલ્યો. બે વાર તો નાઉમેદ બનીને પાછો વળ્યો, ત્રીજી વાર ‘જે થાય તે ખરી’ એમ બોલીને એણે પગ ઉપાડ્યા. દાતણ નાખવાને નિમિત્તે એ પ્રતાપ શેઠના અંદરના ઓરડાઓ સુધી પહોંચ્યો. ઓરડાની અંદર ઢોલિયાને વીંટળાઈ વળી પુરુષો ને બૈરાંનું ટોળું બેઠું હતું. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની એક યુવતી ઓસરીની થાંભલીએ અઢેલીને આંસુ પાડતી હતી. એ પ્રતાપ શેઠની પત્ની હતી. “મા!” વાઘરીએ કહ્યું. “અત્યારે નહિ, ચાલ્યો જા, ભાઈ!” બાઈએ એને તરછોડ્યો. “હું કશું માગવા નથી આવ્યો—આપવા આવ્યો છું.” “શું છે?” “મા, હું અક્કલહીણો છું. મારી પાંતીનું દખ ન લગાડજો. પણ જો એક વાર, હૈયે બેસે—ન બેસે તોય, જો એક વાર, આ પાયલીમાં દોરો પરોવી ભાઈને ગળે બાંધો તો બીજું તો કાંઈ નહિ, મા, ભાઈના વિવા’ થાશે તે દી અમેય ગળ્યો કોળિયો પામશું—એટલી જ મારી તો અબળખા છે, માડી!” શેઠ-પત્નીએ પાવલી સામે જોયું. વિક્રમ જેવા તત્ત્વજ્ઞાનીએ પણ વહેમને વશ થઈ અમરતાની આશાએ કાગડો ખાધો હતો. શેઠ-પત્ની જે શ્રદ્ધા ને વહેમથી દવાદારૂ અને ઇંજેક્શનોને પણ અજમાવી ચૂકી હતી, તેવા જ વહેમથી પાવલીને પણ અંતકાળના એક લૂલા-પાંગળા ઇલાજ લેખે લઈ બેઠી. એણે કોઈને જાણ થવા ન દીધી. જગતમાં ઘણા અકસ્માતો બને છે. એકસાથે બનતી ઘણી ઘટનાઓ કાર્ય-કારણની કડીઓનાં રૂપ ધારણ કરે છે. પ્રતાપ શેઠના પુત્રની બીમારીનાં વળતાં પાણી થયાં. વૈદોએ, દાક્તરોએ, સારવાર કરનારાઓએ—પ્રત્યેકે પોતપોતાના શિર ઉપર આ મહામૂલી જિંદગી બચાવ્યાની જશ-પાઘડી પહેરી લીધી, ને પ્રતાપ શેઠે પોતે પણ વ્યવહારજ્ઞ માણસ તરીકે પ્રત્યેકને પોતાના પુત્રનો જીવનદાતા કહી કહી પાઘડી બંધાવી. છોકરા માથે પાણી ઢોળવાને દિવસે પ્રતાપનું ધ્યાન ગળામાં પડેલી ચારઆનીની માદળડી પર ગયું. એણે પત્નીની સામે જોઈ કહ્યું: “આ તમારી વિદ્યા હશે!” “રે’વા દેજો, એ કાઢશો નહિ.” “તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ન ભૂલ્યાં કે? સારું થયું કે મને વશ કરવાની કોઈ આવી માદળડી મારી ડોકે નાખવા નહોતાં લઈ આવ્યાં!” “લાવી’તી!” એટલું કહીને એણે બે હાથના પંજાના આંકડા ભીડીને પ્રેમ-માદળડીનો આકાર રચ્યો અને ઉમેર્યું: “નીકર તમે પણ ક્યાં બચવાના હતા? ખીજડા-તળાવડીની પાળ ઉપરથી ઝોડ વળગ્યું’તું, વીસરી ગયા!” “તને કોણે કહ્યું?” પ્રતાપ શેઠ અપરાધીના રૂપમાં આવી ગયો. “હવે....એ વાત જવા દઈએ.” “પણ આ માળદડી ક્યારે નાખી’તી?” “પછી કહીશ.” પાણીઢોળે પૂર્ણ સ્ફૂર્તિમાં આવેલા બાળક ઉપર જ્યારે વર્ષોની ઊંઘનું ઘારણ વળ્યું હતું ત્યારે શેઠ-પત્નીએ ગર્વભેર બડાશ હાંકી કે તમારા વૈદ-દાક્તરોની માત્રા પાછળ બે હજાર રૂપિયાનું ખરચ કર્યું તો મને પણ એ માદળડીના બે હજાર ચૂકવો.” “કોણે આપી?” “નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કિંમત નહિ રહે!” “તો પણ કહો.” “ફૂલિયા વાઘરીએ.” ફરીથી પાછું વાઘરીઓનું કામણ-ટૂમણ શરૂ થઈ ચૂક્યું છે ને એનું મૂરત પોતાને ઘેરથી થયું છે એ વાત શેઠના હૃદયમાં ખટકી. એણે થોડા દિવસ રહીને ફૂલિયા વાઘરીને એકાંતે તેડાવ્યો ને ધમકાવ્યો: “ગામ છોડવું છે? શા દોરાધાગા ચલાવવા માંડ્યા છે? ડેબાં ભાંગી ગયાં’તાં એ ભૂલી ગયો? હરામખોર, મારા જ ઘરમાં?” “માફ કરો, બાપા!” શેઠની મોજ લેવાની આશાએ દોડતો આવેલ વાઘરી શેઠની ચંપલ પડી હતી તે મોંમાં લઈને કરગરવા લાગ્યો: “દસ વરસ લગી દલમાં સંઘરી રાખેલી લાલચમાં મારો પગ ભૂલથી પડી ગયો છે. હવે માફ કરો!” “દસ વરસની શી વાત? હજી મારો ખેધ છોડતાં નથી કે તમે વાઘરાં?” “બાપા સા’બ, મારો ગનો નથી. મેં તો સોંપેલી વાતનો મારા દલ માથેથી ભાર ઉતાર્યો છે. મારાં સોણાંમાં આવી આવીને રોજ રગરગતું ને રોતું મોં હું તે દી ન સંઘરી શક્યો. મને કહે કે: ફૂલિયા ભાભા, પાવલી આજ નૈ આપ તો પંછે કે’ દી આપીશ?” “કોણ કહેતું’તું? કોનું મોં રોતું’તું?” “ભાઈસા’બ, મને ભઠશો મા, હો? મેં આજ લગી કોઈને નથી કહ્યું.” “નહિ ભઠું, કહે.” “તેજુડીનું મોં.” પ્રતાપની આંખો નીચી ઢળી. “એની દીધેલ જ એ પાયલી: મને હાલતી વખતે સમ ખરાવી ખરાવી કીધું’તું કે માદળડી ઘડાવીને ડોકમાં પે’રાવવાનું કે’જે, હો ફૂલાભાભા! શરીરે નરવ્યા રે’શે ભાઈ! પણ હું આંહીં એ વાત લઈને શી રીતે આવું? મારા પગ શેં ઊપડે? નીકર મોટા ભાઈ માંદા ને માંદા રેતા’તા ત્યારે મને કાંઈ થોડું મન થયું હશે?” વાઘરીએ કહ્યું. “તું આ બધું શું બબડી રહ્યો છે, ઘેલા? તને ક્યારે આપી’તી પાવલી? ક્યારે આ બધું કહ્યું’તું? કે જોડી કાઢ છ ને મને ઊઠાં ભણાવ છ?” “માતા લ્યે મને, જો હું ઊઠાં ભણાવતો હોઈશ તો! જાતરાએ જાતી જાતી ઈ મને કે’તી ગઈ’તી, બેય વાત કે’તી ગઈ’તી તે. અમે એની જૂની ઠીબમાં ચકલાંને પાણી નાખવાનું તો ક્યારેય વીસર્યા નથી પણ આ બીજી વાત પાળવાના પગ નો’તા ઊપડ્યા, બાપુ!” “જાત્રાએ?” પ્રતાપે પોતાની સ્મૃતિ તાજી કરવા લાગ્યો. “કોની જાત્રાએ?” “ઈ...ભાઈ...ભગત માણસ કે’તો’તો તે તેજુને અમારી દીકરી કરીને ડાકોરની જાતરાએ લઈ જાશું. અમનેય તે ઈમ થ્યું કે પ્રાછત કરી આવતી હોય તો અમારી નાતમાં ભેળવી લઈએ. માથે બદનામું હોય ત્યાં સુધી તો....” ફૂલો બોલતો બોલતો બંધ પડી ગયો. એને મોડું મોડું ભાન આવ્યું કે પોતે જૂના જખમના ટેભા ઉતરડ્યા હતા. “ફૂલા ભાભા!” પ્રતાપ શેઠ પોચા પડ્યા: “તૂટક તૂટક વાત છોડીને મને કડીબંધ આખી વાત કહીશ?” “કઉં, ભાઈસા’બ! કે’વામાં મન શો વાંધો છે? પણ તમે મને...” “હું તને કાંઈ નહિ કરું, ભાભા! મારે એ આખી વાત સાંભળવી છે.” ફૂલાએ માંડીને વાત કહી. “અત્યારે એ ક્યાં છે?” “કાંઈ પત્તો નથી.” “ઇંદ્રનગરના એ મકાનની તને ખબર છે?” “મેં ફરી કે’ દી જોયું નથી.” “મારી સાથે આવીશ? આપણે ત્રાગડો મેળવવો છે.” “પણ બાપા!” ફૂલો ભયથી ધ્રૂજી ઊઠ્યો: “હવે ઈ ઈને રસ્તે ચાલી ગઈ. મરી ખૂટી હશે. જીવતી હોય તોય તમને વતાવતી નથી. હવે ઈનાં મૂળિયાં ખોદવાથી શો સાર? ખમા, ભાઈ બેઠા થયા છે! એની માદળડીનું બા’નું તો બા’નુંય જાળવી રાખો, બાપા! એ દટાઈ ગઈ છે તેમાંથી ખોદવાની શી જરૂર છે?” પ્રતાપની આંખોમાં જળ ઊભરાયાં: “ભાભા, મારે એનાં મૂળિયાં પણ નથી ખોદવાં. એનાં મૂળિયાં ખોદનાર મારા બાપ અને હમીરભાઈ તો મરી ખૂટ્યા છે. મારે ફક્ત આટલો ત્રાગડો મેળવવો છે કે એ અને એનો છોકરો ક્યાં છે? જીવે છે કે મૂએલાં છે?”