વસુંધરાનાં વહાલાં-દવલાં/૨૧. ‘લખમી’ કહેવાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૧. ‘લખમી’ કહેવાઈ

“એ આવ્યો છઉં.” એવા શબ્દ બોલીને કામેશ્વર ગોરે જ્યારે પોતાના આંગણામાં પગ મૂક્યો ત્યારે પીપરડીનો આખો બ્રાહ્મણવાડો એને ઘેરે મેળે મળ્યો. કામેશ્વર ગોર ત્રણ વરસની જેલ ખેંચીને ગુજરાતમાંથી પાછા વળ્યા હતા. “પે’લાં પરથમ તો મને ગોબર ને ગૌમૂતર આપો.” એમ કહીને એમણે ઓશરીને પણ ન અડકતાં ફળીમાં જ એક બાજુ આસન લીધું. ગોબર ને ગૌમૂત્ર આવ્યાં તેના પ્રાશન વડે એણે દેહની વિશુદ્ધિ કરી નાખી. “કાં દાદા, પોં’ચાડ્યાં? ફતે કરી આવ્યા? ક્ષેમકુશળ?” એમ પૂછતાં જ્ઞાતિજનોને એણે જવાબ આપ્યો: “હોવે ભાઈઓ, ધુબાકા!” “ઘંટી તાણવી પડેલી કે કાકા?” “અરે હરિ હરિ કરો મારા બાપ!” કામેશ્વર દાદાએ અભિમાન ધારણ કર્યું: “બ્રાહ્મણના દીકરાને ઘંટી તણાવનાર પાપીઓ તો સરકારની જેલમાંય ન હોય. હા, બ્રાહ્મણપણું પાળતાં આવડવું જોવે.” “ત્યાં નિત્યનિયમ તો સચવાતો હશે.” “સાચવવાની ટેક હોય તો તોડાવવાની કોની મગદૂર છે, બેટા?” ઘરમાં તે દિવસે કંસાર રંધાયો, અરધી રાત સુધી કામેશ્વર દાદાએ આનંદની વાતો કરી. અને પછી પોતે એકલા પડ્યા ત્યારે એણે પત્નીને પૂછ્યું: “અમરચંદ શેઠ તરફથી આપણા રૂપિયા મળી ગયા’તા ને?” “ના, અમને કશી ખબર નો’તી, એ કશું બોલ્યા પણ નો’તા ને એમણે મરતાં મરતાં પણ કોઈને કશો સંદેશો કહ્યો જણાયો નથી. પ્રતાપ શેઠ તો તે પછી ઇંદ્રનગર રહેવા ચાલ્યા ગયા છે.” “આંહીં આવે છે તો ખરાને?” “હા.” “તો એની પાસેથી જ લેવા રહેશે! શિવોઊંહં! શિવોઊંહં! શિવોઊંહં!” “આપશે તો ખરાને?” ગોરાણીએ ચિંતા દર્શાવી. “ન આપે તો ક્યાં જાય? હરે હરે કરો. કઢાવવાની ચાવીઉં તો આપણી પાસે હોય ને?” કામેશ્વર ગોરે સ્થિતપ્રજ્ઞ જેવી મુખમુદ્રા કરી નાખી. પછી પૂછ્યું: “લખડી આવી ગઈ કે નહિ?” “હજુ આવી જણાઈ નથી.” “આવે ને ઉઘરાણી-પાઘરાણી કરે તો જવાબ ન આપશો. કહેવું કે જા પ્રતાપ શેઠની પાસે.” વળતે જ દિવસે વાઘરીવાડામાં મેળો મળ્યો. લખડી આવી! લખડી આવી! દસ વરસની છોકરી માને બાઝી પડી. “આ વખતે લખડી કાંક ઓસરી ગઈ.” વાઘરણોએ લખડીના સુકાયેલા મોં પર હાથ ફેરવ્યો. “આગળ જઈ આવી’તી ત્યારે તો રાતી રાણ જેવી થઈ આવી’તી.” “આ વખત જેલની જમાદારણી બેક કંટી હતી. ને મારે મૂઈને પારકા કજિયા ઉછીના લેવાનો સ્વભાવ પડી ગિયો! એટલે મને બેક વધુ સંતાપતા.” “ને આ વખતે છતી થઈ ત્યારે ફુલેસે પણ મારી’તી, ખરું?” “ઈ માર કાંઈ બેઠો થોડો રે’ છે?” લખડીનું અભિમાની મોં ચકચકી ઊઠ્યું. “મારેલી ખરી, પણ મૂંઢ માર મારેલો. લોઈ બોઈ નતું નીકળ્યું.” “હેં મા, શું મારેલું? કહે ને માડી?” છોકરી પૂછવા લાગી: “મૂંઢ માર કેવો હોય?” “જે માર્યું કળાય નહિ એ કહેવાય મૂંઢ માર, માડી!” મા દીકરીને પોતાના જીવન-તાળાની જ્ઞાન-ચાવીઓ આપતી હતી: ગડદા, પાટુ, ઢીંકા, ઠોંસા, લાકડીના ઘોદા, હાથ મરડે, ચોટલો ઝાલીને ઢરડે, ઊંચે કડામાં દોરડું બાંધીને સીંચે, એ બધો મૂંઢ માર.” છોકરી માના દેહ પર હાથ ફેરવતી ફેરવતી સાંભળી રહી. “આંહીં બધેય તને માર પડ્યો’તો, હેં મા? દાદો મને ખબર દેતો’તો.” “દાદો મળતો’તો તને? તેં સાચી વાત લખી’તી, હેં દીકરી ફોતરી?” લખડીએ પોતાના મરેલા બાપના પ્રેતની વાત પૂછી. “હું મરું મા, આંબલીએ મને ઝાલર-ટાણે મળ્યો’તો. પોતે આંબલીની પોલમાંથી મને બોલાવી. કહે કે દીકરી, માને અટાણે ફુલેસ કાંઈ મારે છે, કાંઈ મારે છે, કાંઈ મારે છે! એમ કહેતો દાદો ચીસ પાડીને પોલમાં મોઢું છુપાવી ગ્યો. માડી! મેં નજરોનજર ભાળ્યો.” એમ કહીને એણે આખો વાઘરીવાડો એકઠો કર્યો અને પોતે જે ‘માતા’ને પોતાના બાપના થાનકમાં શાંતિ કરવા લાવેલી છે તેના ખબર આપ્યા. “ક્યાં છે?” “તળાવડીએ જ બેસાડેલ છે મેં. આપણે એને સામૈયું કરીને લાવવાં છે. હાલો સંધા. ઢોલીને તેડાવો. વાણિયા-બામણ પોતાના સાધુસંતને જે ઠાઠથી આણે છે એ જ ઠાઠથી આપણે શીદ આપણી માતાને ન લાવવાં? હાલો, હું બધું ખરચ આપીશ.” સામૈયાનો થાળ અને ઢોલનગારાં સજ્જ થયાં તે અરસામાં તળાવની પાળે આંટો મારીને થોડાક જણ પાછા વળ્યા. એમણે વાઘરીવાડામાં ઘેર ઘેર કહી દીધું: “કોઈ અજબ પ્રતાપી માતાજી આવ્યા છે. તાલકું તો તેજ તેજના અંબાર કાઢે છે. આવું રૂપ આ કાઠી-ગરાસિયામાં કે વાણિયાંનાં સંત, પૂજ કે સતિયુંમાં નથી જોયું.” વાઘરીઓના સમારંભમાં કોળીઓ ને રાવળિયાઓ ભળ્યા. ખોબો ખોબો પૈસાની દક્ષિણા વેરવી છે મારે, એવો સંદેશો પહોંચાડીને લખડીને ગામના બ્રાહ્મણવાડામાંથી પણ બ્રાહ્મણોને બેઠા કર્યા. ગરાસિયા ને વાણિયા પણ એ ‘રૂપરૂપના ઢગલા’ જોગણના પ્રતાપમાં અંજાવા પહોંચી ગયા. નિષ્પ્રાણ ગામમાં નવું ચેતન પ્રકટ્યું. આ સાધવી આંહીં કાયમી થાનક બાંધીને બેસવાની છે એ જાણીને સૌએ પોતાનો કાળ નિર્ગમવાનું એક નવું સ્થાન મળેલું માન્યું. “આંકફરક જોઈ દેતાં હોય ને આ માતાજી,” બેકારોએ નજર ઠેરવી, “તો રંગ રહી જાય ગામનો.” “એ તો કાંઈક ગાંજો બાંજો પાશું. ચપટી ભાંગનો લોટો લઈ જાશું. દેવતાઈ વિભૂતિ છે, મસ્તીમાં ડોલશે, ત્યારે આફુરડી એની વાણી ફૂટશે.” ગામના દુકાનદારોએ લખડીને કહી દીધું, કે “તારે એકથી સો રૂપિયા સુધીની ચીજ મંગાવી લેવી. તારા પૈસાની ઉતાવળ નથી. તું તો તીરથ નાઈને આવી છો, લખમી!” લખડીએ પોતાનાં બે લગ્નોમાંથી લાટા ને લાટા મેળવ્યા હતા, એ નવી લોક-પ્રતિષ્ઠા હતી. લખડીનો રંગ રહી ગયો; કેમકે એણે એક ચાલાકી કરી. પોતાનો ‘ભરમ’ એણે સાચવી રાખ્યો. એણે કોઈને ન કહ્યું કે પોતાના ભાગનાં નાણાં તો હજી કામેશ્વર દાદાની પાસે છે. લખડીએ બાપના પ્રેતના બાકળા જમાડ્યા. બ્રાહ્મણોએ લખડીને નાનો-શો યજ્ઞ પણ કરી દઈને એ જ તળાવડીની પાળે, જ્યાં ગીધને સમળીઓની મુર્દા-ઠોલણ પંક્તિઓ બેઠી હતી ત્યાં બેસી કૂતરા હાંકતે હાંકતે લાડુ આરોગ્યા. લખડી ગામની લખમી ગણાઈ ગઈ. કામેશ્વર દાદાએ એનું ‘લખમી’ નામ કાયમ કરી નાખ્યું. “પાપ કર્યાંય પ્રમાણ છે, ભાઈ, પ્રમાણ છે.” કામેશ્વર દાદાએ બ્રાહ્મણોને સંભળાવ્યું: “બાપના જીવને ગત કરવા એક વાઘરણ નીકળી પડી છે, ત્યારે આપણા ગામના વાણિયા-ગરાસિયાને તો તપાસો. કેટલાના પૂર્વજો પાણી વિના ટળવળે છે!” એમ લખડીએ બ્રાહ્મણોને ને બ્રાહ્મણોએ લખડીને નવપ્રતિષ્ઠા પહેરાવી. સૌને જમાડી-જુઠાડી રાતે લખડી એકલી આંબલીએ જઈને બેઠી. પગે લાગી બોલી: ‘ભાભા, હવે તો તારા જીવને મોકળો કર્યો કે નહિ પરભુએ? મારાથી થાય એટલું મેં કર્યું છે, ડોસા! બહુ ભૂંડે હાલે મેં તારા પ્રાણ કઢાવ્યા’તા, બાપા! તું દસ વરસ આંઈ સળગ્યા કર્યો. હું તારી કજાત દીકરી, તારો છૂટકબારો વહેલો ન કરી શકી. તું જોતો’તો ને, ભાભા, મેં કાંઈ માર ખમવામાં બાકી રાખી છે? મેં ઉંકારોય કર્યો છે? મેં મારી છોકરીનેય યાદ કરી છે કે’દી? તને ગત્યે કરવા સારુ મેં મારું રોવાનુંય બધું દસ-દસ વરસથી સંઘરી રાખ્યું છે, બાપા! આજ લોક મને ડાહીને ગાંડી ઠેરવે ઈ બીકે હું બીજે ક્યાં જઈ અંતર ઠાલવું, ડોસા? તારી આંબલીની પોલમાં.....’ એમ બોલતાં લખડીનું રુદન ફાટી નીકળ્યું. સીમના લોકોએ એ ધ્રુસકેધ્રુસકા સાંભળી સમજી લીધું કે વેરડા ભાભાનું ભૂત મહા કષ્ટ પામતું પામતું આંબલીનો ત્યાગ કરી રહેલ છે. મનમાં મનમાં તેમણે ‘રામ! રામ!’ના જાપ જપ્યા. આંબલીના પોલાણ પર દેહ ઢાળીને કંઠ રૂંધવા મથતી લખડીને અધરાતે જઈ તેજુએ ખોળામાં લીધી. પોતાના ઉઘાડા દેહ પર તેજુનાં ગરમ આંસુઓ છાનાં છાનાં ટપકતાં લાગ્યાં ત્યારે ચમકીને લખડી બેઠી થઈ ગઈ. “માતાજી! માતાજી!” એણે તેજુના પગ ઝાલ્યા: “તમે શીદ મારે દુ:ખે દુ:ખી થ્યાં? આવું રૂપ રોવા નથી સરજાણું, માતા! હાલો, મેં તો મારો ભાર હળવો કરી લીધો. હવે મને કાંઈ નથી, હવે મારા મનમાં એક જ અબળખા છે, ઓલી ફાતમા જમાદારણીને—” તેજુએ લખડીના મોં આડે હાથ દીધો ને કહ્યું: “અધરાત છે. તારા બાપુનો જીવ ગત્યે જઈ રહ્યો હશે. એનો રસ્તો રોક મા.” બ્રાહ્મણોના પેટમાં હજુ લાડુ હજમ નહોતા થયા ત્યાં જ દુકાનદાર લખડીની પાસે લેણાનો આંકડો લઈ ઊભો રહ્યો. રાત પડવા દઈને લખડી કામેશ્વર દાદા પાસે ગઈ. દી’એ ન જવાય, માડી, સાઠ વરસના બામણની આબરૂ શી? લોક કહેશે કે ગોર જેવા ગોરને ઘેર વાઘરણની ઉઘરાણી વળી શી નીકળી પડી? “કામેશર દાદા ઓ!” “કહી દ્યો, દાદા ગામ ગ્યા છે.” અંદરથી કામેશ્વર છોકરાંને કહેતો હતો. “અરે દાદા, હું સાંભળું છું. કાળી રાતે ગામ શા વાસ્તે જાવું પડે છે?” લખડીએ હાંસી કરી. “પૂજાપાઠમાં બેઠા હોઈએ ત્યારે તમે વાઘરાં લપ કરવા આવો, તમારા ઓછાયા દેવને ન પડવા જોવે, પછી ખોટું કહેવું જ જોઈએ ને?” બોલતા બોલતા કામેશ્વર બહાર આવ્યા. “શું છે, બાઈ?” “મારા ભાગના રૂપિયા: મારે ઘરમાં ઘાલવા નથી. તમે જ તમારે હાથે ચૂકવી આપો વેપારીને, દાદા! ઈ રાતનો પૈસો ઘરમાં ઘાલું તો મારી છોડીને માથેય ઓછાયો પડે. મારું તો થવાનું તે થઈ ગયું.” “રૂપિયા તો અમરચંદ શેઠ પાસે હતા, બાઈ! પ્રતાપ શેઠ પાસે જઈને ઉઘરાણી કર.” “તમે ઇંદરનગર જઈને લઈ પણ આવ્યા છો ને ઉડામણી શીદ કરો છો?” “મારા હતા તે હું લઈ આવ્યો.” “ને મારા? હું પરતાપ શેઠને ઓળખું છું કે તમને? રૂપિયાની ફાંટ બાંધી આવ્યું’તું કોણ?” “આબરૂનું જોખમ ખેડ્યું’તું કોણે? હું બામણ ઊઠીને જેલ ભોગવી આવ્યો. ગાંડી, તું તો ફરી જઈનેય કામી આવીશ. મારે તો હવે જનમારો ખાલી હાથે જ ખેંચવો રિયો ના?” “તમે નથી લાવ્યા મારા ભાગના રૂપિયા?” “ના.” “તો તમારામાંથી આલો, મારા બાપને અવગત્યમાંથી છોડાવવો છે આ ને આ ટાણે. વેપારીના માગણા હોય ત્યાં લગી બાપ મારો તરસ્યો તે તરસ્યો સળગ્યા કરશે.” “મારા ભાગમાંથી? માગછ ઓલ્યા ભવનું?” “ઓલ્યા નહિ, આ ભવનું.” “તો લઈ લેજે.” એમ કહીને કામેશ્વર ડોસાએ ખડકીમાં પેસવા પગ ઊપડ્યા. “વાર છે વાર,” કહેતી લખડીએ ધસારો કર્યો. ડોસાની કાછડીનો છેડો ઝાલી લીધો. ડોસાની ચોટી હાથ કરી, “ભાભા, બામણા, હાલ્ય, મેલ્ય મારી માતાજીને પગે હાથ. હાથ મેલ્ય ઈ જોગણને પગે, એટલે તારા રૂપિયાને માથે થૂંકી નાંખું. હાથ મેલ્ય એને પગે, એટલે હું ફરીથી મારી કાયાને ક્યાંક વેચી આવું. મારે મારા બાપની તરસ ટાઢી કરવી છે. બાપ કહેતો હશે કે રાંડ દીકરીએ પરભુને છેતર્યો, પારકું ધાન ખવરાવ્યું! હાલ્ય, મારી શોક્યના મામા!” બ્રાહ્મણના ઘરમાં કોઈને જાણ થાય તે પૂર્વે તો કામેશ્વરની કાછડી ઝાલીને લખડીએ દોટ કઢાવી, ગામની છીંડીએથી ખીજડા-તળાવની પાળે ઉપાડી ગઈ, રાતના ઠંડા પહોરે જોગણ વેશધારી તેજુ પોતે કરેલા કૂંટીઆમાંથી પાણી ખેંચી ખેંચી નવાં રોપેલાં ઝાડના છોડને પાતી હતી. “મેલ્ય આને પગે હાથ.” લખડી ડણકી. કામેશ્વરે તેજુના પગે સ્પર્શ કર્યો. “થૂ તારા રૂપિયા માથે.” કહી કામેશ્વરને લખડીએ છોડી દીધો. કાછડી બાંધતા કામેશ્વર ગોર જીવ લઈને નાઠા. “જાઉં છું હવે પ્રતાપ શેઠ પાસે,” લખીએ ક્હ્યું. “લખી!” તેજુએ કોમળ સ્વરે કહ્યું: “બોન, માણસને ફજેત કરાય? પરતાપ શેઠનાંય આમ લૂગડાં ઉતરાવીશ?” તેજુએ લખીને બદલી ગયેલી નિહાળી, એણે કામેશ્વર ગોરની દશા થયેલી દીઠી. “લૂગડાં!” લખીએ કહ્યું, “માતાજી, પરતાપ શેઠ બે દિ’થી આવેલ છે. એણે શો કામો કર્યો છે જાણો છો? એણે પડખેના ગામના એક ખેડુના ઘરને માથે એના બસો રૂપિયાના લેણા સારુ કડી દેવરાવી છે. ખેડૂતના ઘેર સુવાવડી બાઈ છે. સુવાવડીનો ખાટલો બહાર કઢાવ્યો છે.” “આપણે સવારે એની પાસે જાયેં, લખી, બોન, હું તારી જોડે આવું. હુંય સમજાવવા લાગીશ. અત્યારે આંહીં સૂઈ રહે.” “મને નીંદર નહિ આવે. સવારે વેપારીને મોઢું શું બતાવીશ? બીજા હજાર લેણદારોના વેચી ડાળિયા કરી જાઉં. હું લખડી છું. પણ આ તો બાપની અવગત કાઢવાનો મીઠો કોળિયો. એનાં દામ ખોટાં ન કરું, હું લખડી.” “તને નીંદર નહિ આવે તો આપણે બેઠાં બેઠાં વાતો કરશું. લખમી, તારા બાપના નામે ઈશ્વરનાં ગાંડાંઘેલાં ગાશું.” વાતો કરી કરીને લખીને જંપાવી દીધી. ચંદ્રમા નમી ગયો હતો. તમરાં બોલતાં હતાં. શિયાળોની લાળી સંભળાતી હતી. તેજુ ચાલી, તળાવડીની પાળે. ખીજડાના પોલાણ ઉપરથી માટી ને પથ્થરો ઊંચક્યાં. પોતાની થાપણ અનામત હતી. ડબલું જર્જરિત બની ગયું હતું. રૂપિયાને મઢીમાં લાવીને એણે આંબલીના કાતરાનું ખાટું પાણી કરીને માંજ્યા. કાળા કીટોડા જેવા એ સિક્કામાં થોડો ઘણો ઉજાસ આવ્યો. પ્રતાપ શેઠ આવ્યા હતા. પોતે જાણ્યું હતું. છોકરો કિશોર તો મઢીએ આંટો પણ મારી ગયો હતો. તેજુએ એને પોતાની પાસે બેસારી માથે હાથ મૂક્યો હતો. ડોકમાં પડેલી પાવલીની માદળડી દેખીને એના અંતરમાં આંસુ ઊભરાયાં હતાં. પાવલીને પોતે પંપાળતી હતી ત્યારે કિશોર બીકથી આઘો ખસી ગયો હતો. ‘મારા બાપાએ ના પાડી છે કોઈને અડવા દેવાની!’ એ સાંભળીને તેજુએ મોં મલકાવ્યું હતું. બે વર્ષ પૂર્વેની કૂણાશ પ્રતાપના હૃદયને હવે ખાલી કરી ગઈ હતી. એ કૂણપનાં સાચાં કારણ તો પોતાના છોકરાની માંદગી અને પોતાની અસ્કામતનો વારસદાર ખોઈ બેસવાની બીક જ હતાં. કિશોરની તે પછીની નિરોગીતાએ પ્રતાપ શેઠની કડકાઈને ફરીથી નવો પટો કરી આપ્યો હતો. પીપરડી ગામના ગરાસના ડગમગતા પાયા પ્રતાપે ઈંદ્રનગરમાં પૈસા પાથરી પાછા સ્થિર કરી લીધા હતા. લોકોના ઊગતા વિફરાટને એણે દરબારી સીલ-કડીઓ વડે ડાંભી દીધો હતો. પોતાના ક્ષણિક વૈરાગ્ય પર પ્રતાપે દાંત કાઢ્યા હતા. રાણીજીનો એ રાજમાન્ય ઝવેરી બન્યો હતો. બૅન્કમાં ફક્ત એની ચિઠ્ઠીની જ જરૂર પડતી હતી. સોનાની ખાણમાં એણે પોતાનું હિત પેસાડી દીધું હતું. દીકરાની ડોકની માદળડીનો સાચો મર્મ એ સહેલાઈથી વીસરી ગયો હતો. માદળડી કિશોરની ડોકમાં રહેવી જોઈએ, તે ઉપરાંતની કોઈ જૂની ભાવના એણે બિનજરૂરી માની હતી. પ્રભાતે આરબ દરવાનોએ લખડીને ને તેજુને તુચ્છકારી પાછાં કાઢ્યાં. સાંજે પ્રતાપ ગાડી લઈ ચક્કર મારવા નીકળ્યો ત્યારે મઢી પાસે તેજુએ બે હાથ પહોળા કરીને બરાબર માર્ગ વચ્ચે ઊભી રહી. “મઢીમાં આવશો, શેઠ? એક-બે વાતો કરવી છે. એકલા જ પધારો.” પ્રતાપ કમને ઊતર્યો, ને મઢીની પરશાળે આવ્યો. “ઓલી વાઘરણ બેઠેલી જોઈ, શેઠ?” તેજુએ દૂર બેઠેલી લખડીને દેખાડી: “એનું માંગણું તમારા બાપની પાસે રહ્યું છે. ને તમારું માંગણું મારા બાપની પાસે બાકી છે. આજ આપણે એ બેય લેણદેણનો હિસાબ કરવાનો છે.” “તમે કોણ છો? કોણ તમારો બાપ?” “એ પછી વાત. પહેલાં આ છોકરીનો મામલો પતાવશો?” તેજુએ અમરચંદ શેઠના પરાક્રમની વાત કરી. “મારી આબરૂ લેવા માંગો છો? જોઈએ તો સો-બસો રૂપિયા ધરમાદો કરું.” “ધરમાદો તો બીજા હજારુંનો કરજો. અત્યારે તો બાપનું કરજ ચૂકવો. આ લ્યો ઘરમાંથી ન કાઢવા હોય તો આ હું ચૂકવું છું તેમાંથી આપો.” કાળા રૂપિયાની પોટલી તેજુએ પ્રતાપની પાસે છોડી નાખી. એ બોલી: “અમે રહ્યાં વહેમી લોક, મૂવાં માવતરની અવગત્ય ન ખમી શકીએ અમે.” “તમે કોણ છો?” “મારી ઓળખાણની બીજી તો કોઈ એંધાણી નથી રહી. રહ્યા છે એકલા આ દેહ પરના ડામ.” એમ કહીને તેજુએ પોતાના ગળાનું બુતાન ખોલી નાખી છૂંદણાંના વેલ્યબુટ્ટા ને મોરલા પોપટ પ્રગટ કર્યાં. “હવે તો સાંભરશે ને?” “મારું મોત—” પ્રતાપ ચોંકી ઊઠ્યો: “તેજબાઈ!” “ના રે ના, કોઈ બીજું જાણશે નહિ. હું તો ચાલી નીકળવાની છું. ગભરાશો નહિ, સુખેથી સાયબી ભોગવજો. પણ એક વેણ માગું છું. લોકોના નિસાસા લેશો મા. બાપના પાપની વરાળ બેટાને એ જ્યાં હશે ત્યાં ગોતીને બાળશે, એને કોઈ પાણી નહિ પાય.” “એ જીવે છે?” “સાંભળ્યું છે, જોયો નથી. જોવા પામીશ પણ નહિ. જોવોય નથી. જોઈને કરવુંય છે શું?” “તું પાછી આવી, મને ફજેત કરવા, મારા વારસામાં ભાગ પડાવવા?” “બોલો મા, આ લીલાં ઝાડવાં બળી જાશે.” પ્રતાપ શેઠ ઊઠીને ચાલ્યા ત્યારે એમની મુખ-રેખાઓએ સંકોડાઈને કાનખજૂરાનો આકાર ધર્યો. “આ નહિ લેતા જાવ?” પ્રતાપ ન બોલ્યો. “ઠીક ત્યારે, બેય ખાતાં સરભર કરજો.” ગાડી પાણીના રેલા પેઠે ચાલી ગઈ. પછી લખડીને બોલાવીને તેજુએ કહ્યું: “લે બોન, શેઠ આપી ગયા છે. આશિષ દે એને!” રૂપિયા દેખીને લખડીને કહ્યું: “હાશ પરભુ, એની વાડી લીલી રાખજો. મારો બાપ—મારો ભાભો અવગત્યેથી છૂટ્યો.” સીધી એ દુકાનદાર પાસે ગઈ. રૂપિયા જરા કાળા હતા. “ભાઈ, તારે એમ હોય તો સવાયા લે. પણ મારો છૂટકો કર.” દુકાનદારે ચોખી છાપ અને પૂરો રણકો સાંભળ્યા પછી સવાયા સ્વીકારી લેવાનો લાગ ગુમાવ્યો નહિ. એક-બે મહિના ગયા. પછી એક દિવસે— “લખી, બોન.” તેજુએ તે સાંજે ભલામણ કરી: “કાયાનો કુંભ ક્યારે ફૂટી જાય, તેનો ભરોસો નહિ. હું હોઉં—ન હોઉં, ત્યારે આ પંદર-વીસ રોપા વાવ્યા છે તેને પાણી વગર ન રે’વા દેજે. ધરતીનાં જણ્યાં છે. આપણે ઉગાડ્યાં, એટલી આપણને વળગણ.” વળતે દિવસે પ્રભાતે તેજુની મઢી ખાલી હતી.