વસુધા/આસ્તે, કુંજગલી!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આસ્તે, કુંજગલી!

કુંજગલીમાં વાસ અમારો,
ત્યાં અટકે છે નિત્ય ખટારો,
સરતા સહુ સુખથી ઉદગારોઃ
‘આસ્તે, કુંજગલી!’

કુંજગલનમાં વૃંદાવનની
રટ રાધાને મનમોહનની,
ગોપગોપી ઉર ધૂન સ્તવનનીઃ
‘આસ્તે, કુંજગલી!’

‘કૃષ્ણ! કૃષ્ણ!’ કોકિલ ટહુકારે,
ચંદ્ર ચકોર ચુમે અણસારે, ૧૦
કૈં લવતાં છૂપા અભિસારેઃ
‘આસ્તે, કુંજગલી!’

ક્યાં વૃંદાવન, કયાં રણના થર?
ક્યાં રસસાગર, કયાં ઉર ઊષર?
ક્યાં મુરલીસ્વર, ક્યાં અમ આ સ્વરઃ
‘આસ્તે, કુંજગલી!’?

ટ્રામ રેલને પાટે પાટે,
મોટ૨ ઘોડાગાડી ઘાટે,
૨હું પુકારી વાટે વાટે;
‘આસ્તે, કુંજગલી!' ૨૦

શા કારણ તું નામ ધરીને,
આવી ઉભી અહીં ટોળ કરીને?
ઉર મરતું અહીં નિત્ય છળીને,
‘આસ્તે, કુંજગલી!’

આજ ચડું નવ હવે ઊતરવું,
રઝળી રવડી જગ ખૂંદી મરવું,
કદા ઊતરવા થશે ઉચરવું,
‘આસ્તે, કુંજગલી!’?