વસુધા/ઈંટાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઈંટાળા

મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં,
મળેલા અલી બાબાને લૂંટારા જેમ ચાલીસ.

બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને,
આમ ને તેમ વેરાઈ પડ્યા છે દુષ્ટ એ બધા.

દિવસે સભ્ય વેશે એ વ્યવસ્થિત વસ્યા દીસે,
શિશુનાં ઘરની ભીંતો, ઈરાનીના ચૂલા બની.

કિંતુ એ રાતને ટાણે પલટે વેશ-પેંતરા,
માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા!

જાળવી જાળવી હાંકું તોય એ મત્સ્ય શા ધસી,
કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! ૧૦

તેઓ અહીં આ ફરલૉંગ અર્ધના
પંથે વસે, નીમ તરુની છાંયમાં,
કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા,
છે ભામટા સૌ દિલના સદા બળ્યા!

કોઈ અહીં કેવળ માટી રૂપમાં
ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી
બની પડ્યા છે, પથરાય કૈંક તો
પાક્કા ઘણા ઈંટતણા સ્વરૂપમાં.

એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય,
કે રક્તવર્ણા, અભિરામદેહી,
સૌને શિરે મંડિલ શી દિસે વસી
કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી.

કો આવિયા છે અહીં ખેતરોથી,
કોઈ ચણાતાં ઘરમાંથી ભાગી,
કે કો જતી લારી થકી પડીને
ભાંગી બની બે કટકા, પડી રહ્યા.

ખંડાયલી કાય બધાયની અહીં,
ન ઈંટ આખી વરતાય કોઈ,
અખંડના ભાગ્ય વિશે ન ખંડ છે!
આ તો બધાં ખંડિતનાં જ બંડ છે!

દુર્ભાગી આ માલિકહીન શ્વાન શા,
જુગારી શા કે નિત હારનારા,
અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં
આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં.

એ એકદા ખેતરમાં સુકર્ષિતા
માટી હતા ધાન્યફળોથી શોભતા,
કોઈ હતા મંદિર માળિયે ચડ્યા,
પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા!

એ આજ આંહીં રખડાઉ ભામટા,
અકિંચનો ને રખડંત નિર્ગૃહી
લોક તણો સાથ જ સેવતા વસે,
રસ્તે જતાનાં પગ-ટાયરો ડસે.

આવે અહીં સૌ ઋતુની પ્રવાસી
કૈં ટોળીઓ અલ્પ દિનો-નિવાસી,
ઈરાનીઓ મસ્ત અને ગુલાબી,
છારાં, મદારી, ભટકંત વાઘરી.

તંબૂ તણાતા, પથરાય સાદડી,
રચાઈ જાતી ઘર-છાવણી-છટા,
ને આ ઈંટાળા નિત સેવનાતુર
ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા. ૫૦

સંરક્ષતા કાય થકી સુઅગ્નિ,
માથે ધરે ભાણ્ડ પચંત અન્નનાં,
એ તાવણીમાં કપરી તવાતા,
કચ્ચા મટી થાય ઘણાક પક્કા!

અનેક રૂપે નિજ સેવ અર્પતા,
અનેકની મૈત્રીથકી સુશિક્ષિત,
પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે,
કરી રહ્યા કર્મ અનેક સંકુલ.

એ ટોળીઓની રખડાઉ જિંદગી
માંહે વસ્યાં વેરની તૃપ્તિ અર્થે
કૈં છે બન્યા સ્હાય અમોલી, જાતે
ચપ્પુ છરા સંગ ઘસાઈ ધાર દૈ!

કે કૈં નજીવી વસથી વઢી પડ્યે,
વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં,
ગોળા સમા તોપતણા કરે ચડી
શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી!

કે રાત્રિ-એકાંત વિશે અભાગણી
પતિવિહોણી પરિત્યક્ત નારીને
ઉદ્વેગ ઓછો કરવા બન્યા હશે
સહાય માથું કૂટવા મહીં કો.

કે ઝાડનાં પર્ણથકી ચળાતી
જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની
કેલિપ્રસંગે બની કો શક્યા હશે
ઘેને ભર્યાં શીશ તળે ઉશીકાં.

...થયું થયું, એ રખડાઉ લોકની
કથા બધી ના કહી નાખવા ચહું.

જાવા દો વાત એ આખી સંબંધો માનવીયની,
કંટાળું કથની ક્‌હેતાં ઈંટાળા ને લુંટારુની.

હજારો ઈંટ સીમેન્ટ પથ્થરોનાં ચણેલ કૈં
મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં છ જે, ૮૦

અહીં આ રવડે માર્ગે અડફેટે ચડે સદા,
અને તે એમના જેવાં તરછોડાયલાં સદા

સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોકઠામાં સમાજના.
ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન ચ નિર્ગૃહી-

તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં,
રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું.

અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું
શીખીને કર્મ તેવાં છો મને આ આંતરી રહ્યા,

બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો,
રાચું છું નિત્ય આ ભાળી રખડુ જન ડાયરો!

અને આ માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં
અલીબાબા તણા ચોરો સમી આ લોકટોળીને

નીરખી ચિંતું છું નિત્યે: ઈંટાળા રખડાઉ આ
તથા આ રખડુ ટોળાં:— કોઈ શું કડિયો નથી

ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય,
આપણાં ઈંટચૂનાનાં થકી યે ભવ્ય આલય?
૮ એપ્રિલ, ૧૯૩૭