વસ્તુસંખ્યાકોશ/પ્રસ્તાવના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પ્રસ્તાવના

‘વસ્તુસંખ્યાકોશ’ અન્ય કોશ કરતાં જરા જુદી તરેહનો સંદર્ભ કોશ છે. આપણી પરંપરામાં વિવિધ જાતનાં દેવ-દેવીઓ, તેમનાં આભૂષણો, વાહનો, આયુધો, મુગટો, પીઠિકાઓ વગેરેને લગતી સંખ્યાત્મક માહિતી મળે છે. આ ઉપરાંત સંગીત,નાટક, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, ખગોળ, પુરાણ, આચાર-નીતિ, વૈદક, વેદાંત, જ્યોતિષ વગેરે સંદર્ભે પણ સંખ્યાત્મક સામગ્રી ઉપલબ્ધ છે. આ સંખ્યાત્મક સામગ્રી વિશે બૌદ્ધમત અને જૈનમત જેવા વિવિધ મત પણ પ્રસિદ્ધ છે. કોશના સંપાદકોએ આ સામગ્રીને એકત્રિત કરી, વર્ગીકૃત કરીને અહીં મૂકી આપી છે.

સંશોધક સામાન્ય રીતે કોઈ પણ કોશ કક્કાના ક્રમમાં જોવા માટે ટેવાયેલો હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ પ્રયોજાઈ છે પરંતુ કક્કાના ક્રમની સાથે અહીં સંખ્યાનો ક્રમ પણ સંશોધકે જોવાનો રહેશે. એટલે કે [૦] દર્શાવનારા શબ્દો [૦] અંકની નીચે કક્કાના ક્રમમાં સંશોધક મેળવી શકશે. જેમકે, અનંત, અભ્ર, અંતરિક્ષ, શબ —- આ શબ્દો [૦] સંખ્યાની નીચે મળશે.

આ કોશમાં વિષય વૈવિધ્ય છે એ રીતે એનો ઉપયોગ વિવિધ વિષયના શોધક કરી શકશે. આપણાં સાહિત્યમાં સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાસાલ સૂચિત કરવા થતો હતો. સંખ્યાદર્શક શબ્દસંજ્ઞાઓનો આ કોશ એ પ્રકારની શોધ કરવામાં ખૂબ ઉપયોગી થશે.

કોશને અંતે ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે જેમાં પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષાવિષયક તમામ અંકસંખ્યા દર્શાવાઈ છે.

પરિશિષ્ટ-૨માં અવતાર, ઋતુ, ગણ, ગ્રહવર્ણન, ચક્રવિષયક સામગ્રી આપી છે.

આ ઉપરાંત અહીં જુદા જુદા ધર્મો અંગે, દેવી-દેવતા તથા તેમના વાહન, દિશા, પંચતત્ત્વ, નવરસ, રાગવિષયક સામગ્રી પણ છે. પરિશિષ્ટ-૩માં કોહિનુર હીરાની તવારીખ, ઈન્દ્ર-સંબંધી માહિતી, કેટલીક તદ્દન ખોટી માન્યતાઓ વિશે, શિવના લક્ષણ વગેરે વિષયક સામગ્રી સંશોધકને મળશે.

પ્રો. કીર્તિદા શાહ
 
અમદાવાદ