વાર્તાનું શાસ્ત્ર/વાર્તાઓનો ક્રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકરણ ત્રીજું
વાર્તાઓનો ક્રમ

કહેવા યોગ્ય વાર્તાઓ નક્કી કર્યા પછી અને તેમને એકઠી કર્યા પછી કયા ક્રમમાં તે કહેવી તે નક્કી કરવાનું છે. વાર્તાકથન માટે વાર્તાનો ક્રમ નક્કી કરવાનું જેટલું આવશ્યક છે તેટલું જ તે અઘરું છે. છતાં જ્યાં સુધી ક્રમ નક્કી ન કરી શકીએ ત્યાં સુધી વાર્તાકથનનો ઉદ્દેશ અડધો જ પાર પડે, અને બીજી બધી રીતે વાર્તા કહેનારે કરેલી તૈયારી નિષ્ફળ જાય. વાર્તાકથનમાં ક્રમ જેવું હોવું તો જોઈએ જ, એ તો આપણે સાદા વિચારોથી પણ સમજી શકીએ તેમ છે. ત્રણ વર્ષના બાળકને આપણે ઐતિહાસિક વાર્તા કે અદ્ભુત વાર્તા કહેતા નથી. વાર્તા ગમે તેટલી સુંદર કહી શકતા હોઈએ છતાં એ ઉમરના બાળકને પ્રેમની વાતો, ધર્મની વાતો, બહાદુરીની વાતો, વિનોદની વાતોમાં રસ પડવાનો જ નહિ. એવી જ રીતે દસથી બાર વર્ષનાં બાળકોને આપણે બાલસ્વભાવને અત્યંત પ્રિય એવાં જોડકણાં. જેવા કે -

"કહાણી કહું કૈયા ને સાંભળ મારા છૈયા;
 છૈયૈ માંડયું હાટ ને ત્યાંથી નીકળ્યો ભાટ."

અથવા

"એક વાતની વાત અને સવાયાની સાત;
 એક બોરડીનો કાંટો તે સાડી અઢાર હાથ."

વગેરે અર્થ વિનાની વાતો સંભળાવવા બેસીશું નહિ; અને કદાચ તમને છેક નાંનાં બાળકો ગણીને એવી વાર્તાઓ કહેવાની ભૂલ કરીશું તો તેઓ જ આપણને ખાતરી કરી આપશે કે એ વાર્તાઓ તેમને માટેની નથી. જેમ બાળકોની સ્વાભાવિક ઉમરના ભેદે વાર્તાના શ્રવણના શોખમાં ભેદ છે, તેમ જ બાળકોની અસ્વાભાવિક ઉંમરના ભેદે પણ વાર્તાના શ્રવણના શોખમાં ભેદ પડે છે. બાળકને સ્વાભાવિક ઉમર હોય છે તેમ જ તેને માનસિક ઉંમર પણ હોય છે. કેટલાંએક બાળકો જેને આપણે ચાલાક અથવા ડાહ્યાંડમરાં અથવા પાકટ બુદ્ધિનાં કહીએ છીએ તેઓ શરીરની ઉમરે નાનાં હોવાં છતાં માનસિક ઉમરે મોટાં હોય છે. એમ જ ઊલટું કેટલાંએક આધેડ વય સુધી પહોંચેલાં મનુષ્યો માનસિક ઉમરે છેક નાનાં બાળક જેવાં હોય છે. આથી આવી જાતના માનસિક ઉમરના ભેદને કારણે વાર્તાકથનના ક્રમની ગોઠવણમાં એક અધિક વિચારને ધ્યાનમાં રાખવો પડે છે; છતાં સામાન્ય રીતે બાળકોની સ્વાભાવિક ઉમરે એ જ એમની માનસિક ઉમર હોવાનો મોટે ભાગે સંભવ છે, અને ઉક્ત દાખલાઓ અપવાદરૂપે હોવાથી વાર્તાના ક્રમની યોજનાને આપણે આવાં દષ્ટાંતોથી અબાધિત રાખશું. આવી જાતના અપવાદોને આપણે સદૈવ ધ્યાનમાં તો રાખવા જ પડશે, અને એવાં બાળકોને એમના શોખની વાર્તાઓ કહેવાના વિચારને સ્વીકારવો પણ પડશે જ. વળી એક જ સ્વાભાવિક ઉમરનાં બાળકોમાં પણ બુદ્ધિભેદ, રસવૃત્તિભેદે, પરિસ્થિતિભેદે એક જ પ્રકારની છતાં જુદી જુદી રચનાની ને જુદી જુદી વસ્તુની વાર્તાઓ સાંભળવાનો શોખ માલૂમ પડે છે. દાખલા તરીકે આપણે બાળવાર્તા કહેવા બેસીએ તો કોઈને ઉદરની વાર્તા ગમશે તો કોઈને ચકલાચકલીની ગમશે; કોઈ કાગડા અને પોપટ માટે મરી પડશે તો કોઈ ધનિયા હજામ ઉપર ફિદા હશે; કોઈને દેડકાદેડકીની વાર્તા હલાવી નાખતી હશે તો કોઈ વળી વાદીલા હજામમાં મોહિત થયેલ હશે. આ બધી રુચિઓને અવકાશ તો હોવો જ જોઈએ. આ ભિન્ન ભિન્ન રુચિ કયાંથી આવે છે એ પ્રશ્ન વાર્તા કહેનાર પાસે સીધેસીધો નથી, અને છે પણ ખરો. વાર્તાકથનના શ્રવણમાં બાળકની કઈ વૃત્તિ પ્રધાનપણે છે તે શોધવું અત્યંત કઠિન છે. સામાન્ય રીતે આટલા જમાનાના અનુભવ ઉપરથી આપણે જાણી શકયા છીએ કે આવી આવી વાર્તાઓ બાળકોને પ્રિય છે, અને એ વાર્તાઓ આપણે બાળકોને કહીને તેમને સંતોષ આપી શક્યા છીએ. પણ બાળકોની વાર્તાની પસંદગી કરવાની વૃત્તિની પાછળ આપણે જઈને જોઈ શક્યા હોઈએ ને એ વૃત્તિનું કારણ ખોળી કાઢતા હોઈએ તો નવી નવી વાર્તાઓ આપણે સફળતાથી યોજી શકીએ, એટલું જ નહિ પણ વાર્તાનો ક્રમ આપણે વધારે સ્થિર ને વ્યવસ્થિત કરી શકીએ. બાલ-મનનો પ્રદેશ અત્યંત વિશાળ છે; એ પ્રદેશમાં રુચિઓ અને અરુચિઓની શોધ કરવી કઠિન છે. છતાં ક્રમ નક્કી કરવા આપણે બને તેટલા એ રુચિઓની પાછળ જઈએ. બાળક વાર્તાને સાંભળે છે એ નવાઈની વાત નથી, પણ એ શા માટે સાંભળે છે એ નવાઈની વાત છે, અને તેથી ય વધારે નવાઈની વાત તો એ છે કે અમુક ઉમરનું અને એક જ ઉમરે અમુક જાતનું બાળક અમુક જ વાર્તાઓ શા માટે સાંભળે છે! બાળક જોડકણાં ભરેલી વાતો સાંભળે છે, બાળકને કલ્પિત વાતો ગમે છે, બાળક ઐતિહાસિક વાતો અને પ્રેમકથાઓ સાંભળે છે, બાળક બહાદુરીની અને ભક્તિની વાતો પણ સાંભળે છે. કારણ? તેમને વાર્તા કહેવાનું બીજું કશું કારણ હાથ ન લાગે, શા માટે તેઓ વાર્તાઓ સાંભળે છે તે આપણે કોઈ પણ રીતે જાણી શકીએ નહિ, તોપણ તેઓ વાર્તાઓ સાંભળે છે, એ જ તેમને વાર્તા કહેવાનું મોટામાં મોટું અને મજબૂત કારણ છે. તેઓ અમુક ઉમરે અમુક વાર્તાઓ સાંભળે છે એ જે આપણો અનુભવ છે, તે જ તેમને કહેવાની વાર્તાઓનો ક્રમ નક્કી કરવાને મજબૂત અને સહીસલામત સાધન છે. છતાં આપણે તેના કારણની ખોજ કરવાનો પ્રયત્ન કરીએ. શા માટે બાળક જોડકણાં સાંભળે છે? જેમાં કશો અર્થ ન હોય એવાં જોડકણાં સાંભળતાં બાળકોને આપણે જોયાં છે. એમનો એ વખતનો આનંદ વર્ણવી શકાય જ નહિ. એમની તલ્લીનતા તો મોટા મોટા શોધકની તલ્લીનતાથી પણ ચડી જાય. એમની એ વાર્તા ફરી ફરીને સાંભળવાની ધૂન તો એકાદ સારામાં સારું કામ કરનાર મોટા માણસની ધૂનથી યે બળવાન જોવામાં આવે. બાળકો ખાવું પીવું, રમતગમત, મોજમજા ભૂલી જઈને આવી વાર્તાઓ શા માટે સાંભળતાં હશે એ પ્રશ્ન સ્વાભાવિક છે, પણ એનો ઉત્તર સહેલો નથી. શું, વાર્તા સાંભળવાની અને કહેવાની પરંપરાએ બાળકના મનમાં આ રુચિ જગાડી છે? શું બાળક નવી ભાષાને શીખતું હોવાથી વાર્તામાં રહેલાં જુદા જુદા ભાષાપ્રયોગોને પોતાના બનાવવા વાર્તા સાંભળતું હશે? અથવા શું, વાર્તામાં આવતાં પ્રાણીઓ, પદાર્થો વગેરે જે જે પોતાની આસપાસ તે જોવા લાગ્યું છે તે વિષે વાર્તામાં કંઈક કથન છે અને તે સમજી શકાય તેવું નથી તેથી તેનો ભેદ ઉકેલવા બાળક વાર્તા સાંભળતું હશે? શું, આપણે એને વાર્તા કહીને જ એનામાં વાર્તા સાંભળવાનો કૃત્રિમ રસ પેદા કરતા હઈશું? વાર્તા કહેનારાઓનું એવું માનવું છે કે બાળક એકાએક આ દુનિયાની કૃતિઓ વચ્ચે ને આપણી ભાષા વચ્ચે નવુંસવું આવેલું હોવાથી તેને ભાષા દ્વારા દુનિયાનો પરિચય કરી લેવાની સ્વાભાવિક હાજત છે. એ હાજત વાર્તાકથન દ્વારા સંતોષાય છે, એટલે એમાં તેઓ રસ લે છે; એટલે કે બાળક પોતાની આસપાસની જે સ્થૂળ દુનિયા છે એ દુનિયાની વાતો જેમાં હોય તે વાર્તાઓ છેક નાની ઉમરે સાંભળવા પ્રેરાય છે. કેટલાએકનું એમ માનવું છે કે બાળકનું જીવન ક્રિયાપ્રદેશમાં વિહરવાની શરૂઆત કરતું હોય છે તેથી તેમને ક્રિયાપ્રધાન વાર્તાઓ ગમે છે. વળી કેટલાએક માને છે કે બાળકને એકાદ બનાવ કે એકાદ વસ્તુ કે એકાદ પ્રાણી કે એકાદ અનુભવ જે પોતાની સ્મરણશક્તિમાં બેસી જાય છે, ને જેનું સ્મરણ આનંદદાયક લાગે છે અથવા જેના સ્મરણથી બીજાં મીઠાં સ્મરણો સાંભરે છે, તેવી સામગ્રીથી ભરેલી વાર્તાઓ બહુ ગમે છે. આ બધી કલ્પનામાં ઘણું સત્ય છે. આ બધી કલ્પના પાછળ વાર્તા કહેનારનો લાંબો અનુભવ છે. મારા પોતાના અનુભવથી મેં કેટલીએક કલ્પના કરેલી છે તેને હું અહીં નોંધું છું. મારું એવું માનવું છે કે બધાં બાળકોને વાર્તા સાંભળવી ગમે છે એવી ઘણા લોકોની માન્યતા ભૂલ ભરેલી છે. આથી ઊલટું એવું પણ જોવામાં આવ્યું છે કે કેટલાંએક બાળકોને વાર્તા સાંભળવી જ ગમતી નથી. જુદાં જુદાં કારણોથી જુદી જુદી રુચિનાં બાળકો જુદી જુદી વાર્તાઓ સાંભળે છે એવો મારો અનુભવ છે. કેટલાંએક બાળકો એવાં છે કે જેઓ સ્વભાવથી પોતાને જોઈતું જ્ઞાન મુખ્યત્વે નરી આંખથી લે છે, તો કેટલાંએક બાળકો એવાં છે કે જેઓ જરૂરી જ્ઞાન પ્રમુખતઃ કાનથી લે છે. જે બાળકો આમ કાનથી જ્ઞાન લેવાવાળાં છે. તેઓને માટે અંગ્રેજીમાં કર્ણમન-વાળાં (ear-minded) એવો શબ્દ છે. કાનથી જ્ઞાન લેવાવાળાં બાળકોમાં બે પ્રકાર સામાન્ય છે; એક પ્રકાર ધ્વનિપ્રિય બાળકોનો અને બીજો પ્રકાર શબ્દપ્રિય બાળકોનો. ધ્વનિપ્રિય બાળકો સંગીત- પ્રધાન નીકળે છે જ્યારે શબ્દપ્રિય બાળકો સાહિત્યપ્રધાન નીકળે છે. આવાં સાહિત્યપ્રિય બાળકોને વાર્તા સાંભળવી ગમે છે. છેક બચપણથી જ તેમને વાર્તાશ્રવણમાં ખૂબ રસ આવે છે. જે બાળકો વધારે પ્રમાણમાં દર્શનપ્રિય હોય છે તેઓ વાર્તા સાંભળવામાં ઓછો રસ લે છે: તેમને જીવતીજાગતી દુનિયાના જીવંત અનુભવો કરવામાં જ વધારે રસ આવે છે. એકલાં અથવા વધારે પડતાં કલાપ્રેમી અને ઓછાં સાહિત્યરસિક બાળકોને વાર્તાનું કથન પ્રિય લાગતું નથી એમ કહી શકાય. સિદ્ધસૂત્રરૂપે નહિ પણ અનુભવથી કામચલાઉ સૂત્ર તરીકે મૂકી શકાય કે વાર્તા સાંભળવાનાં ભારે રસિક બાળકો મોટે ભાગે સાહિત્યપ્રેમી થવાનાં.

શા માટે બાળકો જોડકણાં અને અર્થ વિનાની વાતો સાંભળવા તત્પર રહે છે તેનો આ એક ખુલાસો છે. છેક નાનાં બાળકો જોડકણાંવાળી અને પોતાની આસપાસની દુનિયાનું જેમાં ક્રિયાત્મક પ્રતિબિંબ પડે છે તેવી વાર્તાઓ સાંભળે છે તેનું એક બીજું પણ કારણ છે. પોતે જે સઘળું નજરે ભાળે છે અને અનુભવે છે તે ભાષાના રૂપમાં બદલાઈ જાય છે, એ અનુભવ બાળકને નવો છે, અને તે કાંઈ જેવો તેવો નથી. આ અનુભવ તેને ચમત્કૃતિ ભરેલો લાગે છે એથી તે અનુભવની મીઠાશ વારંવાર લેવા તે ચાહે છે; અને તેથી તે વાર્તાના શ્રવણમાં રસ લે છે. ક્રિયામાત્રની પાછળ ભાષા છે, વસ્તુમાત્રને નામ અને ગુણ છે, એ કલ્પના અને જ્ઞાન જ્યાં જ્યાં વાર્તા તેને આપે છે ત્યાં ત્યાં બાળકને વાર્તા આવકારદાયક જ લાગે છે. એક ત્રીજું કારણ પણ છે. બાળક પોતાની નાની વયે પણ કેટલાએક ઇન્દ્રિયગમ્ય અને માનસગમ્ય અનુભવો કરે છે. એ અનુભવોમાં કેટલાએક મીઠા હોય છે અને કેટલાએક કડવા હોય છે. મીઠી વસ્તુની સ્મૃતિ સંઘરવાનો મનુષ્યનો સ્વભાવ છે. જ્યારે જ્યારે આપણે એકવાર થયેલ મીઠા અનુભવને સીધી રીતે વારંવાર તાજો કરી શકતા નથી ત્યારે ત્યારે આપણે તેનું સ્મરણ કરી તાજા થઈએ છીએ. વાસ્તવિકતાના અભાવે, વાસ્તવિકતા દૂર થવાથી અથવા નાશ પામવાથી આપણે તેનું વધારેમાં વધારે સ્થૂળ મૂર્તિથી સ્મરણ કરવાની યોજના કરીએ છીએ. બાળકના જીવનમાં પોતાને ગમી જાય એવા ઘણા સુંદર પ્રસંગો બને છે, પણ તે પાછા લુપ્ત થઈ જતાં બાળક તેને શોધવા અસમર્થ બને છે. આવે વખતે એ સ્થૂળ બનાવને વાર્તારૂપે તાજો થતો જોઈ વાર્તાનું તે પૂજારી બને છે. દૂર દેશાવર થયેલ કે મૃત્યુ પામેલ મિત્રનો ફોટો જેમ આપણા મનનું એક જાતનું સમાધાન કરી મીઠા લહાવાનું મીઠું સ્મરણ કરાવે છે, તેમ જ વાર્તાઓ ગત અનુભવોને તાજા કરી મીઠું લહાણું બક્ષે છે. ધારો કે એક બાળકને એક કૂતરીને તેનાં બચ્ચાં સાથે રમતી જોવાનું મળ્યું; તેને તે બહુ ગમી ગયું. બધો વખત કૂતરી અને તેનાં બચ્ચાં જોવાની બાળકને સગવડ ન મળે એ સમજી શકાય તેવું છે. જ્યારે કૂતરીની ગમ્મત સાક્ષાત્ જોવા ન મળે ત્યારે કૂતરીની ગમ્મત તાજી કરનારી વાર્તામાં બાળક સહેજે રસ લે એ દેખીતું છે. હવે એક ચોથું કારણ પણ છે કે જેથી બાળકને વાર્તા સાંભળવી ગમે છે, ને તે સાંભળવાથી તેને લાભ થાય છે. કેટલીએક પ્રવૃત્તિઓ જ એવી છે કે જે બાળક ઇચ્છે છતાં તેને બાળકના હિતમાં કોઈ કરવા દેતું નથી; તેમ કેટલીએક પ્રવૃત્તિઓ એવી છે કે જે બાળક તેને કરવા ચાહે છે ને તે કરી શકે છે, છતાં અજ્ઞાનનાં અને એવાં બીજાં ક્ષુદ્ર કારણોને લીધે માબાપો કે શિક્ષકો તેને તે કરવા દેતાં નથી. બાળકની સાહજિક વૃત્તિઓને રોકવાથી બાળકની ઇચ્છાઓ અતૃપ્ત રહે છે. એ ઇચ્છાઓ પછી બાળકને વાસ્તવિક રીતે નહિ તો કલ્પનાથી તૃપ્ત કરી લેવી પડે છે. કલ્પનાથી એટલા જ માટે કે એકલી કલ્પના કરવાથી પણ બાળકની અતૃપ્ત ઇચ્છાને ઘણોખરો સંતોષ મળી જાય છે. જેમ આપણા કોઈ મિત્રને મળવાને આપણી તીવ્ર ઇચ્છા હોય છતાં આપણને કોઈ તેની સાથે મળવા ન દે તો છેવટે આપણે તેની છબી જોઈને અરધોપરધો આનંદ મેળવવા રાજી હોઈએ છીએ, તેમજ બાળક અર્ધતૃપ્ત કે અતૃપ્ત ઇચ્છાને વાસ્તવિકતાથી નહિ તો કલ્પનાથી સંતોષવા પ્રેરાય છે. આ કલ્પનાથી સંતોષવાની રીત તે વાર્તાનું શ્રવણ છે. જો વાર્તા દ્વારા બાળકની અતૃપ્ત ઇચ્છાને સંતોષ મેળવવાનું ન મળે તો બાળકને કેવાં નુકસાન થાય તેનો વિચાર અહીં અપ્રાસંગિક હોઈ તે આપણે છોડી દઈએ છીએ. બાળકને વાર્તા સાંભળવાની મરજી થાય છે તેનું એક મોટું કારણ એ છે કે વાર્તાના શ્રવણમાં બાળકને પોતાને જે જાતનો વિકાસ જરૂરી છે તે તેને મળે છે. કઈ જાતનો વિકાસ બાળક વાર્તા દ્વારા શોધે છે તે દરેક પ્રસંગે પારખવું મુશ્કેલીભર્યું છે; પણ એટલું તો ચોક્કસ છે કે જે વાર્તા બાળકને કોઈ ને કોઈ રીતે ઉપકારક નથી તે સાંભળવા તે પ્રેરાતું નથી. અહીં વાર્તા સાંભળવી ન સાંભળવી બાળકની મુનસુફી ઉપર રહે છે એમ માની લેવામાં આવ્યું છે. બાળકોને આવાં આવાં કારણોથી વાર્તાઓ ગમે છે તે સંબંધે આટલા વિવેચન પછી આપણે વાર્તાનો ક્રમ ગોઠવીએ. આગલી ચર્ચા ઉપરથી આપણે આટલું તો નક્કી કરી શકીએ જ કે બાળકોને નીચે લખ્યા પ્રકારની વાર્તાઓ ખસૂસ ગમે છે :- (૧) નાનાં નાનાં જોડકણાંની વાર્તાઓ. (૨) નાનાં નાનાં જોડકણાં જેમાં પ્રધાન હોય તેવી વાર્તાઓ. (૩) પ્રાણીઓની વાર્તાઓ. (૪) પોતાની આસપાસ બનતી પરિચિત વસ્તુઓ અને પ્રાણીઓના બનાવોની વાર્તાઓ. (૫) જેમાં ક્રિયાઓનો મોટો ભાગ હોય તેવી વાર્તાઓ. આવી વાર્તાઓને મેં સામાન્ય રીતે 'બાળવાર્તાઓ' એવું નામ આપ્યું છે. પહેલા વર્ગમાં આપણે કહાણી કહું કૈયા, એક વાતની વાત અને નકો નકો રાજાને મૂકીએ. બીજા વર્ગમાં ડોશીની વાર્તા, એક ચકલીની વાર્તા, કાગડો અને કોઠીબું, કૂકડી પડી રંગમાં, ચકી પડી ખીરમાં, જૂકા પેટ ફૂટયા, નદી લોહી લોહી, વગેરેને આપણે ગણાવીએ. ત્રીજા વર્ગમાં બિલાડીની જાત્રા, કાગડા કાબરની વાર્તા, ભટૂડીની વાર્તા, કચેરીમેં જાઉગા, વગેરેને ગણાવી શકીએ. ચોથા વર્ગમાં આવી વાર્તાઓ માન્ય ગણાયઃ- કાગડો અને વાણિયો, ઈસપનીતિની કેટલીએક વાર્તાઓ વગેરે. પાંચમા વર્ગમાં આવી વાર્તાઓને મૂકી શકાય :- પાલીમાં પાંચ ઉંદરડા, ટશુકભાઈની વાર્તા, ટાઢા ટબૂકલાની વાર્તા, વગેરે. આપણે પ્રથમ શ્રેણીરૂપે આવી વાર્તાઓ નક્કી કરી, પરંતુ એ સાંભળવી યા ન સાંભળવી તે બાળકોની મરજીની વાત છે.

કોઈ પણ વાર્તા બાળકને અત્યંત ગમી જાય, તેનું પુનરાવર્તન બાળક વારંવાર માગ્યા કરે, તો સમજવું કે વાર્તા બાળકને ખૂબ ગમી ગયેલ છે. તે વખતથી તે વાર્તા તે ઉંમરના બાળકને લાયક બને છે. બાળકના મગજમાં કે મનમાં કોઈ એકાદ મનગમતી વાર્તા સાંભળવામાં આવતાં એક જાતના ઓર આનંદનો અનુભવ થાય છે. તે અનુભવની ખાતર જ બાળક આપણી પાસે વાર્તા કહેવરાવ્યા કરે છે; વાર્તાની બધી હકીકતો તેના ધ્યાનમાં આવે છે ને નથી પણ આવતી. એક છોકરીને લાડવા ખાવાનો ભારે શોખ હતો તેને એકવાર 'કહાણી કહું કૈયા'ની વાત મેં કહી; તે તેને અત્યંત ગમી. તે જોડકણું હતું તેથી તેને ગમી ન હતી; તેની ભાષા-રસિકતાને લીધે તે તેને પ્રિય થઈ ન હતી; પણ :-

"મહાદેવે મને લાડવા આપ્યા;
 લાડવા મેં ઘેર આણ્યા.
એક લાડવો મેં ખાધો;
એક લાડવો બાએ ખાધો;
એક લાડવો ભાઈએ ખાધો;
એક લાડવો કાકાએ ખાધો;
એક લાડવો બેને ખાધો.
ને એક લાડવો મામા માટે રાખ્યો
તે કાળિયો કૂતરો આવીને ખાઈ ગયો!”

એટલાં ભાગમાં આઠ વખત 'લાડવો' શબ્દ આવે એટલે એને એમાં ભારે ગમ્મત પડી. આખી વાર્તા એ સાંભળે પણ નહિ; પણ પાછલો ભાગ સાંભળવા તે એટલી બધી અધીરી બને કે મારે :-

"માળીએ મને ફૂલ આપ્યા;
ફૂલ મેં મહાદેવને ચડાવ્યાં."
ત્યાંથી વાર્તા શરૂ કરીને-
"કાળીયો કૂતરો આવીને ખાઈ ગયો !"

ત્યાં પૂરી કરીને તે વાર્તા વારંવાર કહેવી પડતી. એક બાળકને બુદ્ધ ભગવાનના પૂર્વજન્મની લગભગ પોણોસો વાર્તા કહેલી. પરંતુ તેને જે અત્યંત ગમી ગયેલ તે તો 'બુદ્ધ પૂર્વજન્મમાં કૂતરો' એ વાર્તા હતી. તે તેણે મારી પાસે કેટલીયે વાર કહેવડાવેલી. એ વાર્તામાં આવતો બુદ્ધ કૂતરો રોફથી આમ આમ ચાલીને કચેરીમાં ગયો ને રાજાને ઉપદેશ દેવા લાગ્યો, એ ભાગ એને એટલો બધો ગમી ગયેલો કે તેટલા ખાતર જ તેણે એ વાર્તા કેટલી યે વાર સાંભળેલી. હું એ વાર્તા કહેતાં થાકેલો પણ એ રસિયો એને સાંભળતાં થાકેલ નહિ ! આવી જાતના માનસનો આપણને નાટકશાળામાં અને સિનેમામાં પરિચય થાય છે. કેટલાએક એવા શોખીન પડેલા છે કે જેઓ માત્ર એકાદ જ ગાયન સાંભળવા કે એકાદ જ નાચ જોવા કે એકાદ જ ટેબલો જોવા નાટક કે સિનેમામાં પૈસા ખર્ચે છે, ને જ્યારે પોતાને ગમતું આવી જાય છે ત્યારે નાટકશાળા કે સિનેમા છોડી ચાલતા થાય છે. એ કહે છે : "બસ ! આટલા જ માટે પૈસા કુરબાન છે." બાળક આવી જ રીતે એકાદ આનંદનો અનુભવ ફરી ફરી વાર અનુભવવા વાર્તા ઉપર કુરબાન રહે છે. એક છોકરી હતી. એને વાર્તા સાંભળવી ન ગમતી. સ્વભાવથી એ છોકરી સાહિત્યપ્રિય ન નીકળી, પણ કલાપ્રિય નીકળી. પણ વાર્તા કહેતાં એને એક વાર્તા બહુ ગમી ગઈ. એવી ગમી ગઈ કે તે સાંભળતાં તે થાકે જ નહિ. એ વાર્તા શંકર જ્યારે તપશ્ચર્યા કરવા ગયા અને પાછળથી પાર્વતીમાતાએ પોતાના મેલમાંથી ગણપતિજી અને ઓખાને ઉત્પન્ન કર્યાં ને પછી શંકર આવ્યા ને ગણપતિજીનું ડોકું કાપી લીધું ને ઓખા એક મીઠાની ઓરડીમાં સંતાઈ ગઈ, તે હકીકતમાંથી વણેલી હતી. પણ જ્યારે શંકર મોટી દાઢી લઈને આવે ને ગણપતિ તેને કહે: "એ જોગટા ! કોણ છે? ચાલ્યો જા; ભાગી જા." ને શંકર માને નહિ એટલે લડાઈ થાય, ને તેમાં શંકર હફ લઈને ગણપતિજીનું ડોકું કાપી નાખે ને ઓખા કૂદ કૂદ કરતી નાસી જાય, એ પ્રસંગ આવે ત્યારે આ છોકરી એકાકાર બની જતી. પોતે જ જાણે ઓખા હોય અને તેનો ભાઈ જાણે ગણપતિ હોય એમ તેને લાગતું; તે પોતે જે ઘરને ઓટલે બેસતી તે જ ઓટલો શંકરના કૈલાસભવનનો ઓટલો તેને લાગતો, અને તેની માની નહાવાની ઓરડીમાં જ જાણે પાર્વતી નહાવા બેઠાં હશે એમ તેને થતું. આ વાર્તાનાં કયાં તત્ત્વો એ છોકરીને આકર્ષી શક્યાં હશે તે કહેવું મુશ્કેલ છે. નાનપણથી કોઈ એકાદ વાર્તા માટે પક્ષપાત બંધાઈ જવો એ આવા આનંદાનુભવને કારણે જ છે. મેં નાનપણમાં કેટલી યે વાર્તાઓ સાંભળેલી, પરંતુ મારી બાએ કહેલી 'ત્રણ' જૂબાઈની વાર્તા' હજી પણ મારી સ્મૃતિમાંથી ગઈ નથી. એ વાર્તા આખી ભૂલી ગયો છું, પણ એક જૂ જંગલમાં રહેતી ને એક જૂ ઘંટીના થાળામાં રહેતી ને એક જૂ પાદર રહેતી. એ સાંભળતાં મારા મનમાં જંગલની ને પાદરની જે કલ્પના થતી તેનો, ને જંગલમાં રહેનારી જૂ જ્યારે પોતાને માથે સૂરવાળીનો ભારો લઈને ઘંટીના થાળાની જૂને મળવા આવતી ત્યારે મારી આંખ આગળ એકાદ કણબણ સીમમાંથી લાણો લઈને નીતરતે લૂગડે આવતી હોય તેનો દેખાવ નજરે તરે છે. એ વાર્તા સાથે થયેલી એ જૂની દોસ્તીને લીધે આજે હું એને ચોમેર શોધી રહ્યો છું. એક બીજી વાર્તા મારી સ્મૃતિ ઉપર કોતરાઈ રહી છે. તે વાર્તાના 'સાંઢિયા પગ સડે' વાક્યથી શરૂ થાય છે. હું તે વાર્તા ભૂલી ગયેલો; ઘણે વર્ષે હમણાં જ મને એ વાર્તા આખેઆખી હાથ લાગી ત્યારે જૂના મિત્રને મળતાં આનંદ થાય તેટલો આનંદ થયેલો. 'આનંદી કાગડો' અને 'સાત પૂંછડિયો ઉંદર'ની વાર્તાઓ મને સરસ કહેતાં આવડે છે અથવા કહેવામાં ખૂબ મજા આવે છે, તેનું કારણ પણ એ જ છે કે એ વાર્તાઓ મારા જૂનાપુરાણા દોસ્તો છે. આટલું વાર્તાના ક્રમમાં પ્રથમ શ્રેણી સંબંધે. હવે બીજી શ્રેણી સંબંધે વિચારીએ. બીજી શ્રેણી કલ્પિત વાતોની છે. બાળવાર્તાઓ કલ્પિત છે પણ અહીં કલ્પિત વાર્તાનો અર્થ જરા વિશિષ્ટ છે. બાળવાર્તામાં બાળકની આસપાસની દુનિયાનું પ્રતિબિંબ હોય છે, જ્યારે આ કલ્પિત વાર્તાઓમાં કોઈ ખરી દુનિયાનું પ્રતિબિંબ હોવાપણું નથી. બાળવાર્તામાં એક જાતનું અશકયપણું છે જ્યારે આ કલ્પિત વાર્તાઓમાં બીજી જાતનું અશક્યપણું છે. આ બીજી જાતનું કલ્પિતપણું मूलं नास्ति कुतः शाखा એવા પ્રકારનું છે. પણ કલ્પિત વાર્તાની વ્યાખ્યા આપવાનો નિષ્ફળ પ્રયત્ન કરવો અથવા તેનું અધૂરું વર્ણન કરવું તેના કરતાં કલ્પિત વાર્તાના પ્રદેશને દેખાડી દેવો એ જ ઠીક છે. અંગ્રેજી ગ્રંથકારો પરીઓની વાતોને આ જાતની વાતોમાં ગણાવે છે; પૌરાણિક વાતો, દંતકથાઓ અને લોકવાર્તાને પણ આ જ વર્ગમાં મૂકવામાં આવેલ છે. આપણે ત્યાં પરીઓની વાતો ખાસ કરીને નથી એમ એકવાર હું કહી ગયો છું. આપણે ત્યાં કલ્પિત વાતોમાં નીચે લખ્યા પ્રકારની વાતો છે :- (૧) કુદરતના બનાવો અને દૃશ્ય સંબંધી વાતો. (૨) પૌરાણિક વાતો. (૩) ભૂતપ્રેતની વાતો. (૪) લોકવાર્તાઓ. (૫) દંતકથાઓ. (૬) પરીઓની વાતો. આપણે ત્યાં પરીઓની વાર્તાઓ નથી એનો અર્થ એ છે કે ગુજરાતના લોકવાર્તાના જૂના ભંડારોમાં એ રત્ન નથી. હાલના લેખકોએ પરીઓની વાતો ગુજરાતી ભાષામાં સંગ્રહો દ્વારા આણવાની શરૂઆત કરી છે. એવો એક સફળ પ્રયત્ન ભાઈ મેઘાણીનો છે. 'ડોશીમાની વાતો' બધી ગુજરાતની નથી પણ બંગાળની ને પરદેશી છે. એ સંગ્રહથી આપણી આ બીજી શ્રેણીમાં પરીઓની વાતો વધે છે. આપણે પરીઓની વાતોને પણ આવા સંજોગોમાં બીજી શ્રેણીની વાતોની યાદીમાં ખુશીથી ગણાવી શકીએ. ઉક્ત બધી વાર્તાઓ બાળક જ્યારે વાસ્તવિકતાના પ્રદેશમાંથી કલ્પનાના પ્રદેશમાં વિચરવા લાગે છે ત્યારે તેને સાંભળવી ગમે છે. 'બાળવાર્તા’ની શ્રેણીને લાયકનું બાળક કલ્પિત વાર્તામાં રસ નથી લઈ શકતું એવો અનુભવ વાર્તા કહેનારાઓનો છે જ. પણ શા માટે કલ્પિત વાતોમાં અમુક ઉમરે બાળકો રસ લે છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ હું કહી ગયો તેમ કેટલાંએક બાળકો શબ્દપ્રિય હોય છે. જે બાળકો શબ્દપ્રિય છે તે બાળકો વાર્તા સાંભળવાનું વધારે પસંદ કરે છે. શબ્દપ્રિય બાળકો વાસ્તવિક વાર્તા સાંભળવાનાં શોખીન હોય છે તેમ જ તેઓ કલ્પિત વાર્તા સાંભળવાનાં પણ શોખીન હોય છે. વાસ્તવિક વાતો કે કલ્પિત વાતો, શૌર્યની વાતો કે અદ્ભુત વાતો, બધી ય વાતો શબ્દચિત્ર છે; ને જે બાળકો શબ્દચિત્રપ્રિય છે તેઓ ગમે તે ઉમરે વાર્તા સાંભળવાનાં શોખીન હોય છે. વળી શબ્દપ્રિય બાળકો શબ્દનું બળ અનુભવવા ઈચ્છા રાખે છે. શબ્દથી આપણી સામે ચિત્ર ખડું થાય છે તેમાં શબ્દની શક્તિ રહેલી છે. જેટલું અસરકાર શબ્દચિત્ર વાસ્તવિક વાર્તા ઊભું કરી શકે તેથી વધારે અસરકારક ચિત્ર કલ્પિત વાર્તા કરી શકે. આ એક કારણ છે કે જેથી બાળકો કલ્પિત વાતો સાંભળવા પ્રેરાય છે. આવી વાર્તાઓ બાળકો સાંભળે છે તેનું બીજું કારણ પણ છે. કેથરના શબ્દોમાં એ કારણ હું લખીશ :- "Primitive man through fear and fancy personified the forces of nature and gave them human attributes, and because they were less tangible than the creatures of the jungle and plain that figured in this earliest fables, his mind visualized them as fantastic beings, sometimes lovely and sometimes grotesque, fairies and goblins, destructive monsters and demons and avenging grants whe preserved him from that which he feared. This originated the fairy story that was the expression of this religion. The child enjoys these tales." એનો સારાંશ એ છે કે સમાજના બાલ્યકાળનો મનુષ્ય પોતાને અગમ્ય એવાં કુદરતનાં બળોમાં મનુષ્યના ભાવોનું આરોપણ કરતો. કુદરતનાં ભિન્ન ભિન્ન બળોની ભિન્ન ભિન્ન સૃષ્ટિઓ-જેવી કે ભૂતપ્રેતસૃષ્ટિ, ગાંધર્વકિન્નરસૃષ્ટિ, પરીઓની સૃષ્ટિ, રાક્ષસાદિની સૃષ્ટિ - ને તે આ કુદરતનાં બળોમાં કલ્પતો અને તેમની વાતો ઉડાવતો. આ વાતો તે કલ્પિત વાતો. આપણે બાળકને સમાજના પ્રાથમિક મનુષ્યની સાથે સરખાવેલ છે. સમાજના પ્રાથમિક મનુષ્યની બુદ્ધિ બાળકમાં જેટલા પ્રમાણમાં છે તેટલા પ્રમાણમાં તેને આ કલ્પિત વાતો ગમે છે. કલ્પિત વાતો બાળકો સાંભળે છે એનું એક ત્રીજું કારણ પણ આપી શકાય. પોતાની કલ્પનાશક્તિ ખીલવવાને માટે એને તૃપ્તિ આપવાને માટે, કલ્પક બાળક આવી વાર્તાઓમાં રસ લે એ સ્વાભાવિક છે. વાસ્તવિકતાભરી વાતો સાંભળ્યા પછી વાસ્તવિકતાના પાયા ઉપર રચેલી કલ્પનામાં વિહાર કરવાની કલ્પક બાળકની વૃત્તિને આવી વાર્તા સાંભળવાથી જ સંતોષ મળી શકે. જે વાતોમાં મનુષ્યસ્વભાવ અને લક્ષણનાં, મનુષ્યના વર્તનની વિલક્ષણતાનાં, મનુષ્યના ભાવાભાવનાં, મનુષ્યની નિર્બળતા-સબળતાનાં પ્રતિબિંબો છે, તે વાર્તા વાસ્તવિકતાના પાયા ઉપર રચેલી ગણવામાં વાંધો ન હોવો જોઈએ એવું મારું માનવું છે; અને એવી વાર્તાઓ સાંભળવાથી બાળક પોતાની કલ્પનાશક્તિને કેળવે છે એ સત્ય હોવાથી બાળકો શા માટે આવી વાર્તાઓ સાંભળે છે તેનો એક વધારે ખુલાસો મળે છે. આવી વાર્તાઓ સાંભળવાનું એક ચોથું કારણ છે. જો આવી વાર્તાઓને વાસ્તવિકતાના પાયા ઉપર રચેલી ન ગણીએ અને તદ્દન હવાઈ યાને મનથી માની લીધેલી એટલે કે make- believe ગણીએ તો આપણી પાસે એક બીજો ખુલાસો છે. જે બાળકોને માબાપો અથવા શિક્ષકો વાસ્તવિક જીવન જીવવાની ના પાડે છે કે તેમાં આડે આવે છે તે બાળકોના ઉપર એક જાતનું દબાણ થવાથી તેમની વાસ્તવિક જીવન જીવવાની વૃત્તિને એકાદ દૂર દૂરના ખૂણામાં છૂપાઈને બેસવું પડે છે. એ દબાયેલી વાસના કોઈ ને કોઈ રૂપમાં બહાર પડવાનો પ્રયત્ન કરે છે. જો એ વાસનાને બહાર પાડવાનો તૃપ્તિ મેળવવાનો કોઈ પણ માર્ગ નથી મળતો તો તે વાસનાઓ ભયંકર રોગો અથવા અનીતિભંગનાં સ્વરૂપો તરીકે ફાટી નીકળે છે. સામાન્ય રીતે બાળકમાં એટલું બધું ચેતન ભર્યું છે - તે એટલું બધું સ્થિતિસ્થાપક છે કે તેના ઉપર થયેલ દબાણને તે બીજાંત્રીજાં સાધનોથી દૂર કરે છે. આથી જ વાસ્તવિક જીવનમાંથી હાંકી કહાડવામાં આવેલાં બાળકો કલ્પિત રમતો રમીને વાસનાને અમુક અંશે તો તૃપ્ત કરી લે છે. આથી જ આવાં બાળકો કલ્પિત વાતો સાંભળીને વાસ્તવિક જીવનની ઝંખનાને ટાળી શકે છે. આનો અર્થ એવો નથી કે કલ્પિત વાર્તાઓ વાસ્તવિક જીવનને બદલે દાખલ કરવી ઠીક છે. વાસ્તવિક જીવન જ ઉચ્ચ પોષણ આપે છે – પ્રથમ દરજ્જાનું પોષણ આપે છે; પણ જ્યાં કુદરતી ખોરાક ન મળી શકે ત્યાં કૃત્રિમ ખોરાકથી ચલાવવાનું છે, તેમ જ જ્યાં વાસ્તવિકતા નથી મળેલી ત્યાં જ આવી વાર્તાઓનો અર્થ છે, અને આવી વાર્તાઓ બાળકો સાંભળે તેવો પ્રબંધ કરી આપવાની આપણી ફરજ પણ છે. આવી વાર્તાઓ સાંભળવાથી કદાચને વાસ્તવિકતાથી બાળકના માનસને જે વિકાસ મળે તે ન મળે; પરંતુ એટલું તો ચોક્કસ જ છે કે આવી વાર્તાઓ સાંભળવાથી બાળકની દબાયેલી વાસનાઓની સદ્ગતિ થઈ જાય છે.

પ્રત્યેક બાળક કલ્પિત વાર્તા સાંભળવા રાજી હોય છે એમ નથી. પણ જ્યાં જ્યાં બાળક કલ્પિત વાર્તા સાંભળે છે ત્યાં ત્યાં ઉપર લખ્યાં ચાર કારણોમાંના કોઈ ને કોઈ કારણો હોવાનો સંભવ છે. પણ કારણોનો પ્રદેશ મર્યાદિત હોઈ શકે નહિ, કારણ કે મનુષ્યના મનનો પ્રદેશ અમર્યાદિત છે. છતાં, જો બાળક વાર્તા સાંભળે તો સમજવું કે તેને કંઈ ને કંઈ જરૂરિયાત છે કે જેથી તે સાંભળે છે. આપણે તેની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ એ વિચાર આપણી પાસેથી ખસવો ન જોઈએ.

હવે આપણે ત્રીજી શ્રેણીનો વિચાર કરીએ. અંગ્રેજ લેખકો આ શ્રેણીને શૂરપ્રધાન (heroic period) સમય કહે છે. આપણે ત્યાં વાર્તાની શ્રેણીઓ ગોઠવવાનો શાસ્ત્રીય પ્રયોગ હજી સુધી થયો જ નથી, અને તેથી આપણને શ્રેણી ગોઠવવાનું કામ મુશ્કેલીભર્યું લાગે છે. ભવિષ્યમાં વાર્તાકથન માટે શ્રેણીઓ બરાબર ગોઠવાય અને બાળકોને જે વખતે જે યોગ્ય વાર્તાઓ કહેવી જોઈએ તે જ વખતે તે યોગ્ય વાર્તાઓ કહેવામાં સગવડ મળે એટલા માટે એ સંબંધે થોડેઘણો પણ વિચાર કરવાની શરૂઆત આવશ્યક છે. શ્રેણીનો વિચાર તો જરૂર કરવો જોઈએ. ગમે તે વાત ગમે તે બાળકને ગમે તે ઉંમરે આપણે કહી શકીએ જ નહિ; અને બાળકને તેના કથનમાં રસ આવે પણ નહિ, તેમ જ વાર્તાનો તેઓ બરાબર લાભ ઉઠાવી શકે પણ નહિ. એકવાર વાર્તા કહેવામાં અત્યંત કુશળ ગઢવીને કેટલાક છોકરાઓને વાર્તા કહેવા માટે ખાસ બોલાવામાં આવ્યા હતા. ગઢવીની વાર્તા સાંભળવા માટે સૌ ઉત્સુક હતા. ગઢવી એવી તો સરસ વાર્તા કહેશે કે કોણ જાણે કેવો ય રસ જામશે એમ સૌ ધારતા હતા. ગઢવીએ વાર્તા શરૂ કરી; વાર્તા આગળ ચાલી પણ રસ જામે નહિ. ગઢવી ઘણી જ સુંદર લોકભાષામાં દુહા-સોરઠાનો પ્રયોગ કરતા જાય, હાવભાવ દેખાડતા જાય ને વાર્તાને રસિક બનાવવા પોતાનાં બધાંય હથિયારો વાપરતા જાય. પણ છોકરાઓનાં મોઢાંઓ ઉપર આળસ, ઊંઘ અને કંટાળા સિવાય બીજું કંઈ જ દેખાય નહિ. પછી તો ગઢવીનો પોતાનો રસ પણ ઓછો થવા લાગ્યો, ને જેમ જેમ છોકરાઓ વાર્તામાંથી ઊઠી ઊઠીને ચાલતા થતા ગયા તેમ તેમ તેમની વાર્તાની ઝમક પણ ઊડતી ગઈ. આખરે વાર્તા પૂરી થઈ. આ જ વાર્તા જો ગઢવીએ ચોરા ઉપર પડેલા અફીણી પણ રસિક અને જુવાન ગરાસિયાઓને કહી સંભળાવી હોત તો ગઢવીને સારો એવો સરપાવ મળી જાત; પણ અહીં તો ઊલટું ગઢવીની વાર્તામાં કાંઈ દમ નહિ એમ સૌને લાગ્યું. આનું કારણ એ હતું કે વાર્તા પસંદ કરવામાં ગઢવીએ મોટી ભૂલ ખાધી હતી. જે છોકરાઓ વાર્તા સાંભળવા બેઠા હતા તે છોકરાઓ ઊછરતા કુમારો હતા; કૌમારાવસ્થાનું લોહી તેમનામાં ઊછળી રહ્યું હતું; તેઓના શરીરનો અને મનનો વેગ પોતાનાં ઘરો, શેરીઓ અને ગામના સીમાડાને વટી જઈને દૂર દૂર ઊડતો હતો; તેમની રગોમાં નવા નવા અનુભવો કરવાને, નવી નવી શોધો કરવાને, નવી નવી શક્તિઓ અજમાવવાને, એ અવસ્થાનું લોહી ધપી રહ્યું હતું. તેમને સાહસની, પરાક્રમની ને શૂરાતનની વાર્તાઓ જોઈતી હતી; તેમને બહાદુરીની, નિખાલસ ઉદારતાની ને અન્યને માટે બલિદાન આપનાર યોદ્ધાઓની વાર્તાઓ જોઈતી હતી. તેમને એકલી પ્રેમની કથા નહોતી જોઈતી; પ્રેમની અવસ્થા યાને યુવાવસ્થા હજી તેમનામાં પ્રવેશી ન હતી. ગઢવીની વાર્તા ઈશ્કની હતી. આથી જ ગઢવીની વાર્તા નિષ્ફળ ગઈ. આ હકીકત શ્રેણીનો વિચાર કરવાની જરૂરિયાત બતાવે છે. બાલમંદિરમાં કેટલીએક વાર સારા મહેમાન પાસે વાર્તા કહેવરાવવાનો પ્રયોગ કરીએ છીએ ત્યારે પાકો અનુભવ થાય છે કે વાર્તાકથનના વિચારમાં શ્રેણીનો વિચાર આવશયક છે જ. હવે આ ત્રીજી શ્રેણીમાં કેવી વાર્તાઓ હોવી જોઈએ તે નક્કી કરીએ. બાળકોની આ કૌમારાવસ્થામાં કુમારોની જિજ્ઞાસાઓ- ઇચ્છાઓને પોષે તેવી વાર્તાઓ જરૂર જોઈએ. આવી વાર્તાઓમાં આપણે નીચે લખી વાર્તાઓ ગણાવી શકીએ :- (૧) ઐતિહાસિક વાર્તાઓ. (૨) ઐતિહાસિક દંતકથાઓ. (૩) બહારવટિયાની વાતો. (૪) વીરરસ કાવ્યોના સાર - વાર્તારૂપે. આ વખતે મૂળુ માણેક ને જોધા માણેકની વાર્તા બાળકોમાં નવું જીવન રેડે; આ વખતે સાંભળેલાં રામાયણ અને મહાભારત બાળકોના મગજમાંથી કદી પણ ભૂંસાય નહિ; આ વખતે સાંભળેલી એભલવાળાની અને મોખડાજીની, જગદેવ પરમાર અને વીરમતીની વાર્તાઓ આજીવન એવી ને એવી જ તાજી રહે. આ વખતે બાળકોની દુનિયા વિશાળ થયેલી હોય છે. તેમણે ગામના ચોરા જોઈ લીધા છે, ગામને સીમાડે ઊભી કરેલી ખાંભીઓ- શૂરવીરોના પાળિયાને તેમણે ગણી નાખેલા છે; છાને ખૂણે માબાપથી બીતાં બીતાં ઘરમાં એકાદ સડેલ તલવારનું કાતું આડીમાં સડતું હોય છે તે કાઢી જોયું છે. આ વખતે તેમને આવી વાર્તામાં ભારે રસ જામે છે. નાનપણમાં મેં એક ગઢવીની શૂરાતનની વાર્તા સાંભળેલી. એ વાર્તાની બીજી હકીકતો તો ભૂલી ગયો છું, પણ ગઢવીએ એક રજપૂત સવાર ઘોડા ઉપર બેસી ખરે બપોરે ડુંગરોની ગાળી વચ્ચે થઈને એકલો ચાલ્યો જતો હતો તેનું વર્ણન કરેલું, તે હજી આબાદ મારી સ્મૃતિમાં એવું ને એવું જ છે. તેણે ખોંખારો મારીને કહેલું : "હેં કે પરવતની મૂછે મૂછો લાગી રહી છે, ને ઉપરથી આગ વરસી રહી છે, ને રાજપૂતર પોતાનો ઘોડો ખબડક ખબડક દોડાવ્યે જાય છે. શું રાજપૂતરની મૂછો ! એના ઉપર જાણે લીંબુ ઠરે.” અમે જ્યારે કૌમારાવસ્થામાં હતા ત્યારે અમે તો વાર્તા સાંભળવાને બદલે સાચેસાચ નાનાંમોટા સાહસો ખેડેલાં. અંધારું, સ્મશાન ને એકાંત જગ્યા એ અમારાં પરિચિત સ્થાનો થઈ પડેલાં. બહાદુરીનો વેગ અમે સામસામી ટોળીઓ કરીને લડી લેવામાં વહેવડાવતા. અમે લડાઈ કરવાના ભારે શોખીન હતા. ગામમાં માણભટ્ટ મહાભારત સંભળાવે તે રાતના બાર ઉપર બે વાગ્યા સુધી સાંભળતા અને દિવસે શૂરાઓ બનીને યુદ્ધો રચતા. એકવાર તો બાવીશ જણાની અમારી ટોળીએ જાળની સોટીઓ કાપેલી ને પછી તેના ઉપર એ સોટીઓને અખંડ વિજયી બનાવવા માટે અમારામાંના એક જણની આંગળી કાપીને લોહી ચડાવેલું ! માબાપો જ્યારે અમને છેક નાના છોકરાઓ ગણતાં હતાં ત્યારે અમે ભારે ભારે પરાક્રમો કરતા હતા. આ એક સ્વાભાવિક વૃત્તિ છે. આ વૃત્તિને સાચેસાચી તૃપ્તિ મળવી જ જોઈએ. સાચી બોયસ્કાઉટ પ્રવૃત્તિથી આ વૃત્તિને તૃપ્તિ મળી જવા સંભવ છે. એમ નહિ તો કુમારોના પ્રવાસો, રમતો અને ભ્રમણોમાંથી પણ આ વૃત્તિને ઘણું પોષણ મળી શકે. કોઈ પણ રીતે આપણે આ વૃત્તિને સાચેસાચી રીતે પોષી ન શકીએ તો પછી વાર્તા તો કહેવી જ જોઈએ. વાસ્તવિકતાના અભાવે કુમારોનો રસ વાર્તામાં જામવાનો જ, અને વાસ્તવિકતાના અભાવથી થયેલ નુકસાનનો થોડોઘણો બદલો તો વળવાનો જ.

વાર્તાની કલ્પનામાં બાળકોને ત્યારે જ જવું પડે છે કે જ્યારે બાળકોને વાસ્તવિક દુનિયામાં જવાનો પ્રતિબંધ કરવામાં આવે છે. આ સત્યની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ એટલે એક બાઈના શબ્દોમાં મારા વિચારો જણાવી આ શ્રેણીનો વિચાર પૂર્ણ કરું છું. કેથર લખે છે :- “They (grown-up children) want to live through nights of danger and days of daring, and since authority (of parents and teachers) hovers argus-eyed about them, ready to swoop down upon every lad who would go pirating of path finding, the nearest approach to the expe- rience consists in listening to and in reading tales of adventure.” બાળક કુમાર મટીને યુવાન થાય છે એ અવસ્થા મનુષ્યના જીવનમાં અતિ મહત્ત્વની અવસ્થા છે. યુવાવસ્થામાં મનુષ્ય ઉપર જે છાપ પડે છે–જીવનવિષયક તેના જે આદર્શો ઘડાય છે, તે છાપ-તે આદર્શો આખી જિંદગી સુધી ભૂંસાતા નથી. મનુષ્યની આ અવસ્થા અતિ ચંચલ અવસ્થા ગણાય છે. આ અવસ્થાને જે મનુષ્ય કાબૂમાં રાખીને પોતાની જિંદગીનું નાવડું જેતે ખડક સાથે ભટકવા દીધા વિના સીધેસીધું મહાસાગર ઉપર લઈ જઈ શકે છે, તે મનુષ્ય જીતે છે એમ આપણે માનીએ છીએ, ને એવો આપણો અનુભવ છે. શું સહવાસ કે શું વાંચન, શું ગીતશ્રવણ કે શું વાર્તાશ્રવણ, શું નાટકદર્શન કે શું ભવાઈદર્શન, આ અવસ્થામાં મનુષ્યના જીવનને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અવસ્થા એટલે ઇન્દ્રિયો અને મનના વેગના પ્રબળ પૂરની અવસ્થા. આ અવસ્થામાં બાળકને પ્રબળપણે અને સ્પષ્ટપણે પોતાની જાતિનું ભાન થાય છે. પોતે પુરુષજાતિ છે અથવા સ્ત્રીજાતિ છે એ વાત તેના મગજમાં સ્પષ્ટપણે આવિર્ભાવને પામે છે. આ જાતિજ્ઞાનની શરૂઆત થતાં જ પોતે પોતાને અન્ય જાતિથી જાદું માને છે. તેને અન્ય જાતિ પોતાનાથી એટલી બધી ભિન્ન લાગે છે કે તે જાતિના વિચારો તેના મનમાં વધારે ને વધારે ઘોળાયા કરે છે. ત્યારથી પોતે અન્ય જાતિમાં રસ લેવા લાગે છે, તેમાં તેને મોહ થવા લાગે છે, તેનાં રહસ્યો ને ભેદોને તે ઉકેલવા મથે છે. એ જાતિ પોતાની જાતિ સાથે કયા સંબંધ ધરાવે છે, એ જાતિ પોતાની જાતિના વિકાસમાં ને પોતાના હૃદયના ભાવોને તૃપ્તિ આપવમાં ક્યું સ્થાન ધરાવે છે તે શોધવા તે દોડે છે. આ જાતની મનની વૃત્તિને સામાન્ય રીતે આપણી પ્રેમવૃત્તિ કહી શકીએ. યુવાવસ્થા એ પ્રેમની અવસ્થા છે. જેમ માના ધાવણ અને પ્રેમથી બાલ્યાવસ્થાને પોષણ મળેલું છે તેમ યુવાવસ્થામાં જીવનના સાથીપણાને માટે યોગ્યતા ધરાવનાર કોઈ માતાના જેવા નિર્દોષ અને પ્રેમળ પ્રેમની ભેટ ધરાવનાર વ્યક્તિની અપેક્ષા રહે છે. આ અપેક્ષાનું સાંત્વન સન્માર્ગે થાય, આ અવસ્થાનો મનુષ્ય માતા જેવી જ પ્રેમી વ્યક્તિનો નિર્દોષ પ્રેમ પામી શકે, એ માટે શિક્ષકોએ, માબાપોએ અને ગુરુજનોએ કાળજી રાખવાની છે.

અન્ય જાતિ વિષે વિચાર કરવાનો આખો પ્રદેશ કલ્પનાનો છે. આ કલ્પનાના પ્રદેશમાં આપણે સૌ થોડે અથવા વધારે અંશે ભટકેલા છીએ. આજે આપણે એ અવસ્થાને સમજણપૂર્વક વાંચીએ તો આપણને અવશ્ય લાગે કે એ વખતનું આપણું ભ્રમણ મોહક અને આનંદાયક છતાં કેટલું બધું રસ્તાની બહારનું હતું! માબાપો પોતાના અનુભવોથી, શિક્ષકો પોતાના નિખાલસ સહવાસથી અને સાહિત્ય પોતાના ઉદાત્ત ભંડારથી યુવાનને યોગ્ય માર્ગે દોરે નહિ, તો અનેક યુવતી ને યુવાનોનું ભટકી ભટકીને મરી જવાનું કમભાગ્ય આપણે સહેવું પડે; સરસ્વતીચંદ્ર અને કુમુદ જેવાં કેટલાં યે બસૂરાં મનુષ્યોનો આપણે ભોગ ચડાવવો પડે. આટલા જ માટે યુવાવસ્થામાં આપણે યુવકોને કેવી વાર્તા કહેવી એનો વિચાર આ પ્રકરણમાં કરવાની જરૂર છે. શૂરવીરને શૂરાઓની વાર્તાઓ ગમે તો પ્રેમી હૃદયને પ્રેમની વાર્તાઓ ગમે એ સ્વાભાવિક છે. અનુભવ પણ આ જ વાતની સાક્ષી પૂરે છે. પણ આ વાર્તાઓ કેવી હોવી જોઈએ? ખાસ કરીને પ્રેમકથાઓની ખોટ તો કોઈ પણ સાહિત્યમાં નથી જ પડતી. પણ પ્રેમકથાઓ અને પ્રેમકથાઓમાં તફાવત છે. સદેવંત સાવળીંગાની પ્રેમકથા આપણા સામે ઉચ્ચ જીવનનો ઉચ્ચ આદર્શ ઓછો રજૂ કરે છે. તો હલામણ જેઠવાની વાર્તા આપણા જીવન ઉપર રાજ્ય ભોગવવા લાયક છે. સીતા, જસમા ને રાણકદેવી પ્રેમજીવનમાં એક નવો આદર્શ રચે છે ત્યારે તારામતી, દયમંતી, ને દ્રોપદી, એ જ જીવનમાં એક એવો જ નવીન અને અપૂર્વ આદર્શ ધરે છે. પ્રેમના ઉચ્ચ આદર્શમાં રામ, મજનૂ, વિજાણંદ ઓછા પૂજનીય નથી. પણ પ્રેમઘેલાં પેમલા અને પેમલીઓના પ્રેમે આપણું કેટલું બગાડ્યું છે તેની આપણને કયાં ખબર નથી? પરિણીત સ્ત્રી પાછળ પ્રેમને નામે ભટકવાનો પાપી આદર્શ રજૂ કરનારી કેટલી યે નવલકથાઓએ આપણા જુવાનોની અત્યારની જિંદગી ઘડેલી છે તે આપણા ખ્યાલ બહાર નથી જ. આથી જ આપણે વાર્તાઓ અને વાર્તાઓમાં તફાવત કરવો ઘટે છે. પ્રેમકથાઓ તો આપણે યુવાવસ્થામાંથી પસાર થતાં બાળકોને કહેવી જ જોઈએ; પણ તે પેલા ગઢવીએ કહેલ પ્રેમકથા જેવી તો નહિ જ. પ્રેમકથા એટલે પુરુષો અને સ્ત્રીઓ જેમાં પાત્રો આવે તે કથાઓ એવો અર્થ નથી; પતિ અને પત્નીની વાતો જેમાં આવે તે જ પ્રેમકથાઓ એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. જેમાં પ્રેમની કથા હોય તે પ્રેમકથા એ વ્યાખ્યા સહેલી અને સાદી છે. ભાઈબહેનના પ્રેમની કથા તે એક પ્રેમકથા; સ્ત્રીમિત્ર અને પુરુષમિત્રના પ્રેમની કથા તે વળી બીજી પ્રેમકથા; માતા અને પુત્ર વચ્ચેની પ્રેમકથા તે વળી એક ત્રીજી પ્રેમકથા. આમ પ્રેમકથાઓના અનેક પ્રકારો ગણાવી શકાય. આ બધી કથાઓ શુદ્ધ પ્રેમથી, આદર્શ પ્રેમથી ભરેલી હોવી જોઈએ. આપણે પ્રેમથી બીવાનું નથી, પણ પ્રેમની નિર્બળતાથી અને કલુષિતતાથી ડરવાનું છે. પ્રેમની વાતોથી આપણે આપણા પ્રેમજીવનનો આદર્શ સુંદર રીતે ઘડી શકીએ છીએ. આપણને યુવાવસ્થાથી જ કોઈ ને કોઈ વાર્તાનું કોઈ પાત્ર ગમી ગયેલું હોય છે. કોઈના પ્રેમની આદર્શમૂર્તિ સીતા થઈ છે, તો કોઈના પ્રેમની આદર્શપ્રતિભા સાવિત્રી બની છે, તો વળી કોઈના પ્રેમની આદર્શ સ્ત્રી કુમુદ કે કુસુમ કે એવી કોઈ સ્ત્રી છે. આપણે હંમેશ એ પાત્રોની કોટિએ પહોંચવાને ગડમથલ કરેલી છે, અને આપણી નિષ્ફળતાની કડવાશ પણ અનુભવેલી છે. નવવધૂને નવપતિ પોતાની કલ્પનાની કોઈ પ્રેમમૂર્તિના તાજથી નવાજે છે, જ્યારે નવપતિને નવવધૂ પોતાની કલ્પનામાં રમતા કોઈ પતિદેવની મૂર્તિની ભાવનાથી પધરાવે છે. આ ઉદાત્ત ભાવનાઓ ઘડવાનું કામ વાર્તાઓ સારી રીતે બજાવી શકે છે. આ કાર્ય બજાવવા માટે જ પ્રેમવાર્તાઓનું વાર્તાકથનમાં આ અવસ્થાએ સ્થાન છે. પ્રેમકથાઓ કહેવાથી બાળકો બગડી જાય અને ઊલટો તેમનો રાગ વિરુદ્ધ જાતિમાં વધે તેવી માન્યતા બાળકના માનસનું અજ્ઞાન અને પોતાના જ આત્માનો અવિશ્વાસ બતાવે છે. અમુક ઉમરે જે વિકાસ સ્વાભાવિક છે તેને વિકાર લેખી દાબી દેવાનો પ્રયત્ન વ્યર્થ છે એટલું જ નહિ પરંતુ ભયંકર છે. અનિષ્ટ પ્રેમના ભયને લીધે શુદ્ધ પ્રેમને રોકવા જતાં શુદ્ધ પ્રેમ પણ અશુદ્ધ સ્વરૂપ પકડે છે એ વિચારવા જેવું છે. ભૂખને મટાડવાનો ઉપાય લાંઘણ નથી પણ યોગ્ય ખોરાક છે, તેમ સ્વાભાવિક હાજત મટાડવાનો ઉપાય હાજતની યોગ્ય પરિતૃપ્તિમાં છે. જ્યારે આવી તૃપ્તિથી માણસ વિહોણો રહે છે ત્યારે તેનામાં અનિષ્ટ એવાં આચરણો અને તેને પરિણામે ભયંકર રોગો ફાટી નીકળે છે. પ્રેમકથાઓ એક જાતનો ઉચ્ચ ખોરાક છે. ઊછળતા લોહીમાં વહેતું પ્રેમઝરણ આવી કથાઓથી વ્યવસ્થિત થઈ અમૃતમયી નદી બને છે; પણ જો આ ઝરણાને રોકવાનો પ્રયત્ન કરીએ તો તે ખાલી પ્રદેશ ઉપર એક મોટા નદ જેમ ફેલાઈ જઈ બધું ડુબાવી દે છે. આ સંબંધમાં એક સ્વિસ બાનુના વિચારો પ્રસંગોચિત ગણાશે. એ લખે છે :- “In this period when the world-old emotions ae first aroused, she advocates the use of love-stories that are pure in tone and high in ideal. We cannot change human nature and keep the boy of sixteen from being drawn by a magnet to the maid who is lovely in his eyes, but we can give him an ideal that will make his feeling an elevating thing instead of a debasing one. We can put into the heart of a girl a poetry and idealism that will keep her worthy of a prince; and we can do it through literature. Instead of leaving her free to roam unguided and read whatever falls into her hand or of sitting like a board of censors beside her and goading her toward the which always allures. We can lead her to delightful, wholesome stories, of which there are a goodly number.” અલબત્ત જે જે શાળાઓમાં સહશિક્ષણનો પ્રબંધ છે તે શાળાઓમાં આવી કલ્પિત વાર્તાઓની ઓછી જરૂર છે. જ્યાં જીવંત પ્રેમને અવકાશ છે ત્યાં કલ્પિત પ્રેમની વાર્તાનું કામ નથી. સહશિક્ષણમાં જે શુદ્ધ પ્રેમની પણ અપેક્ષા છે તે સંબંધે અહીં વિસ્તારથી કહી શકાય નહિ. આ સંબંધે અહીં આટલું જ. બાળકની આ પ્રેમપૂર્ણ અદ્ભુત કથાઓ સાંભળવાની અવસ્થા એ વાર્તાશ્રવણની છેલ્લી શ્રેણી છે. અહીં વાર્તાનું શ્રવણ અટકે છે. આ ઉમર પછી તો માણસ પોતાની જાતે જ પ્રેમકથાઓ વાંચીને તેનો આસ્વાદ લઈ શકે છે. છતાં સાઠ સાઠ વર્ષના ડોસાઓ પણ વાર્તાશ્રવણમાં એક બાળક જેટલો જ અખૂટ રસ ધરાવે છે એ કાંઈ વાર્તાની શક્તિનો અથવા ઘરડા માણસની બાલ્યાવસ્થાનો જેવો તેવો નમૂનો નથી. પણ આ વિચારને આપણે અહીં જ છોડી દઈશું. ઉક્ત શ્રેણીઓમાં જે જે પ્રકારની વાર્તાઓ ગણાવી છે તે તે પ્રકારની વાર્તાઓ ઉપરાંત બીજી વાર્તાઓ પણ છે અને તેને વિદ્યાર્થીના જીવનમાં સંપૂર્ણ અવકાશ મળવો જોઈએ. વિનોદની વાર્તાઓનો એક પ્રકાર છે, કહેવતોનાં મૂળની વાર્તાઓનો બીજો પ્રકાર છે ને ચાતુરીની વાર્તાઓનો ત્રીજો પ્રકાર છે. આવી જાતની વાર્તાઓ ગમે તે શ્રેણીમાં કહી શકાય; પરંતુ આ વાર્તાઓ સામાન્ય રીતે તે ઉમરનાં બાળકોને કહી શકાય કે જ્યારે તેમનામાં બુદ્ધિશક્તિનો થોડોઘણો પણ અંકુર ફૂટેલો હોય. ચાતુરીની વાર્તાઓ ઉક્ત ત્રણ પ્રકારમાં સહેલી ગણાય. કહેવતોનાં મૂળની વાતો તો ત્યારે જ કહેવાય કે જ્યારે બાળકોમાં સાહિત્યવિષયક અભિરુચિ વધારે બહાર પડતી જોવામાં આવે, ને વિનોદની વાતો તો ત્યારે જ ઉડાવાય કે જ્યારે બાળકમાં બુદ્ધિની સૂક્ષ્મતા જામી હોય, વિનોદ વિનોદમાં ફેર પડે છે, છતાં સાચો વિનોદ અને શુદ્ધ વિનોદ લગભગ મોટી ઉંમરનાં બાળકો જ ઝીલી શકે છે. આ ઉપરાંત બીજા રસોથી ભરપૂર વાર્તા જ્યાં જ્યાં કહી શકાય ત્યાં ત્યાં કહેવાની છૂટ જ છે. શ્રેણી એ બંધન નથી પણ દિશાસૂચક વસ્તુ છે; શ્રેણીનું કામ એટલું જ છે. જેટલે અંશે શ્રેણી અનુભવ ઉપર રચાયેલી છે તેટલે અંશે તેની ઉપયોગિતા નિશ્ચિત છે. હવે શ્રેણી પ્રમાણે બાળકની ઉંમરનો વિચાર કરીએ. આ બાબતમાં આપણે ત્યાં યુરોપ જેવા પ્રયોગો નથી થયા. આથી આપણે કહી શકીએ નહિ કે આટલી ઉમરના બાળકને માટે આ શ્રેણી યોગ્ય ગણાય. પણ જ્યારથી બાળક વાર્તા સાંભળવા માંડે ત્યારથી તેની પહેલી શ્રેણીને માટેની યોગ્યતાની કલ્પના કરવી. પછી તો બાળકના રસને અનુસરીને શ્રેણીઓ અને ઉમરનો મેળ મેળવવો. આ દિશામાં ખાસ અખતરા કરવાની જરૂર તો છે જ. વાર્તાઓ ક્યા ક્રમમાં કહેવી તે સંબંધે આટલું ઘણું થશે એમ ધારી આ પ્રકરણ પૂરું કરું છું.