વાર્તાવિશેષ/૧૬. વાસ્તવના બે સ્તર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬. વાસ્તવના બે સ્તર


‘માને ખોળે’, ‘મારી ચંપાનો વર’

ઘણીવાર વસવસા જેવું લાગે છે : સુન્દરમ્ અને ઉમાશંકરે વાર્તા લખવાનું ઘણું વહેલું છોડી દીધું. વિષય, વસ્તુદૃષ્ટિ, સ્વરૂપ અને ઇબારતનું વૈવિધ્ય સાધીને એમણે આ કલાસ્વરૂપમાં ઠીક ઠીક રસ લીધો છે અને કેટલાંક નોંધપાત્ર પરિણામો સુધી પણ પહોંચ્યા છે. એમની કેટલીક વાર્તાઓ વાંચતાં આજે કોઈકને વિચિત્ર બલ્કે આઘાતજનક લાગે એવો પ્રશ્ન થયો છે : આ લોકો સીનિક કેમ ન થયા? માણસની હીનતાનો એમને જે પરિચય છે એ જયંતિ દલાલ સિવાય એમના બીજા કોઈ સમકાલીનને કદાચ નહોતો. પણ એ બંને એમના વસવસાને વેદનામાં ઢાળી શ્રદ્ધાવાન થયા. એથી અધ્યાત્મ અને લોકસંગ્રહની પ્રવૃત્તિને થયો છે એટલો લાભ સાહિત્યને થયો છે કે કેમ એવો પ્રશ્ન કર્યા વિના પણ એટલું તો અવશ્ય કહી શકાય કે આ બે સમર્થ સર્જકોની ચારેક દાયકા પૂર્વેની થોડીક વાર્તાઓમાં વાસ્તવના સ્વીકારની જે હિંમત અને અનુભવને સાકાર કરવામાં ભાષાની જે માવજત જોવા મળે છે એ દરેક યુગના નવલેખક માટે પ્રેરક નીવડી શકે એમ છે. કેમ કે અહીં જે વાસ્તવિકતા છે એ ચિત્તગામી હોઈ કલાતત્ત્વનો ભોગ લેતી નથી અને જે સાહિત્યિકતા છે એમાં અનુભવને ઢાંકી દેતી આલંકારિકતા નથી. ગુજરાતી સાહિત્યના ગદ્યને જનભાષાના સાહચર્યમાં મૂકવાનો એ જમાનો હતો. પ્રકૃતિને માનવચિત્તના પ્રતિબિંબરૂપે જોવાનો ત્યારે આરંભ થયો હતો. ઉપેક્ષિત અને તુચ્છ લાગતા વિષયોને મહત્ત્વ આપવાનો આગ્રહ વધતો જતો હતો અને આ બધાને એક કરી દેવાથી ઊભો થતો આદર્શવાદ ભલભલાને સ્થલ અને જલનો ભેદ ભુલાવી દે એમ હતો. સાહિત્ય માત્ર પ્રચારનું સાધન બની જાય અને કલાનો વિચાર પણ કરવા ન રોકાય એવા સમયના સરકતા તખ્તા પર ઊભા રહીને પણ સુન્દરમ્-ઉમાશંકરે ‘માને ખોળે’ અને ‘મારી ચંપાનો વર’ જેવી વાર્તાઓ લખીને નમૂના પૂરા પાડ્યા છે. આ વાર્તાઓમાં વર્ણવાયેલી પરિસ્થિતિઓ ચોક્કસ ભૌગોલિક લક્ષણો ધરાવે છે. પાત્રો તરીકે પ્રવેશેલાં માણસો ભલે લેખકોની કલ્પનામાંથી ઊતરી આવ્યાં હોય, આજે એ ગુજરાતના સમાજજીવનના ઇતિહાસના એક તબક્કા સાથે સંબંધ ધરાવતાં લાગે છે અને એમાં જે વૃત્તિવ્યાપાર આલેખાયેલો છે એ માનસશાસ્ત્રીય છે. આમ, અહીં વાસ્તવિકતાના બેઉ સ્તરનો સુયોગ સધાયો છે. આ વાર્તાઓ સ્ત્રી-પુરુષ સંબંધોને ગાઢ રીતે સ્પર્શે છે. પણ એકેયમાં પતિ-પત્નીના પ્રેમ કે દાંપત્યની વાત કેન્દ્રિત થયેલી નથી. એકમાં સસરાનું પુત્રવધૂ તરફનું વલણ ન સંતોષાતાં ક્રૂર રૂપ ધારણ કરે છે. બીજીમાં સાસુનું જમાઈ તરફનું વિજાતીય આકર્ષણ સૂક્ષ્મ આધિપત્ય ભોગવવા સુધી આગળ વધીને છેવટે સૌમ્ય બનતાં બનતાં એના દેખીતા ત્યાગ દ્વારા પણ દીકરીને દુભાવી અનન્ય વક્રતા ધારણ કરી લે છે. બંને વાર્તાઓમાં પાત્રોના આનુવંશિક વ્યક્તિત્વનું તત્ત્વ જાળવીને લેખકોએ જાણે-અજાણે વાસ્તવદર્શનની સૂઝ-સમજ દાખવી છે.

। । ।

‘માને ખોળે’ની શબૂ સાસરે જવા નીકળી છે. સસરો અને વર તેડવા આવ્યા છે. શબૂના બાપા જીવતા હતા ત્યારે બાપનો મોકલ્યો એનો વર તેડવા આવેલો. બાપ ધાડમાં જતો હતો. જમાઈને ઘણું કહેલું પણ એ કાયર અને પાછો બાપને કહ્યા વિના ડગલુંય ન ભરે. ‘એવો બાપડિયો, તોય એ આદમી! અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી!... બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા મૂઆ અને આ ભિયાએ પોતે ક્યારે જતા રહ્યા તેની ખબરેય ન પડવા દીધી.’ શબૂ સગર્ભા છે, પતિથી, પણ સસરો એમ જ માને છે કે એના પેટમાં કોઈકના હમેલ હતા. આ જ કારણે એ એની હત્યા કરવા પ્રેરાયેલો છે? શબૂએ સાંભળેલું કે આ માણસનો મોટો છોકરો મરી ગયો પછી એની વહુને એના જ હમેલ રહેલા અને કંઈ ન નીવડ્યું તે છેવટે ગતે કરી દીધેલી. આ ઉલ્લેખ પણ વાર્તાના ઉત્તરાર્ધમાં આવે છે. નમાલો પતિ અને કામી ક્રૂર સસરો શબૂને તેડીને જઈ રહ્યા છે ત્યારે એના પગ કેમ ઝડપથી ઊપડતા નથી, વાડ-કાંટાની મમતાય કેમ છૂટતી નથી, આટલાં વર્ષે સાસરે જાય છે તોય કેમ ઉમંગ નથી, એવો પ્રશ્ન વાચકને ન થાય એ રીતે લેખકે શબૂની પોતાની ધરતીની ધૂળ સાથેની આત્મીયતા આલેખી છે. એમ જ લાગે છે કે આ માતા સમી પ્રકૃતિથી વિખૂટા પડવાની વેદના છે. મૃત્યુ પામેલા પિતાનું સ્મરણ પણ છે. આ બધાનો સહજ લાભ લેવાની સાથે સુન્દરમ્ કરુણ અંતની શક્યતા માટે પણ વાચકને તૈયાર કરતા રહ્યા છે. એક સૂચક વાક્ય નોંધવા જેવું છે : ‘તેના ઊતરવાથી ઊડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી ‘શબૂ ગઈ’ એમ કહેતી હોય તેમ હવામાં ઊડી રહી.’ શબૂ સગર્ભા છે એ સંદર્ભ સામાન્ય સંજોગોમાં આનંદસૂચક હોય. લેખકે વાર્તાના આરંભે વર્ણનના ભાગ રૂપે એ માહિતી આપી હોત તો વાચકના મન પર રૂઢ છાપ પડવાથી કશું વિશેષ સિદ્ધ ન થાત. કલાકાર તરીકે અહીં સુન્દરમ્ની ખૂબી એ છે કે એમણે બાળકના રુદનના ભણકારાના અવારનવાર ઉલ્લેખ કરી ચિંતા અને ભયનું વાતાવરણ સર્જ્યું છે અને પેટમાં બાળક ફરકવાના નિર્દેશ સુધીમાં તો શબૂની આશાને વાચકની દુરાશામાં પલટી નાખી છે. મોં પરના પરસેવાને સૂકવી જતો ઠંડો પવન અને એ પછીની પ્રસન્નતા તો ક્ષણિક જ નીવડે છે. નદીની રેતમાં ચાલતાં ચાલતાં એ અજવાળી રાતના સ્મરણે ચઢી જાય છે. આંખમાં પાણી આવી જાય છે. રેતીમાં પગ ઢીલા પડવા લાગે છે. પાણી ઢૂકડું દેખાય છે પણ આવતું નથી. પેલા બાપ-દીકરો કાદવને ખૂંદીને બગાડી નાખે છે. શબૂને મહીસાગરના પાણીના ટાઢા સ્પર્શથી ગલીપચી થાય છે. ‘મહીસાગર મા! મરું તો તારા જ ખોળામાં.’ આ વિચાર આવ્યા પછી એનું હૃદય ધબકી ઊઠે છે : ‘આજુબાજુ વેરાન વેરાન હતું. નદીના પાંચ ગાઉના સપાટ ભાઠામાં ઝાડપાન, ઘર-ખોરડું કશાનું નામનિશાન ન હતું છતાંય બાળકનું રડવું સંભળાયે જ ગયું.’ શબૂ અંબામાનું સ્મરણ કરી લઈ ભયમાંથી રાહત પામવા મથે છે. લેખકે બાપ-દીકરાને દૂર ઊભા બીડી પીતા એકથી વધુવાર નિર્દેશ્યા છે. બાપ-દીકરાના ધુમાડામાંય કેટલો બધો ફેર! – એય નોંધ્યું છે. એમની પાછળ પાછળ જતાં પિયરનાં ઝાડવાં, નદીનાં કોતર, નદીની રેતી, અરે નદીનાં પાણી પણ આઘાં ને આઘાં થતાં જતાં હતાં. ગળે સોસ પડવો શરૂ થાય છે. શબૂ અનુભવે છે કે એણે હવે માત્ર પોતાનો જ જીવ બચાવવાનો નથી. બાળકની આશાએ એના હૃદયમાં ઉમળકો આવે છે. હરખનાં આંસુ આવી જાય છે ત્યાં વર-સસરાને એકાએક ઊભેલા જોઈ ધ્રાસકો પડે છે. એને એના મૃત પિતા પાછી બોલાવતા હોય એવો ભાસ થાય છે. લેખકે ભયજનક આભાસો કરાવવાનું ચાલુ રાખ્યું છે. પરબ અને બાળકના રડવાની ઊલટી દિશામાં એને દોરી જવામાં આવે છે. વરના મોં પર મૂંઝવણ દેખાય છે. પાણી વિના ગળે ડૂમો ભરાય છે. બેસી પડે છે. ‘બાપે ચારે કોર એક નજર નાખી. બધેય સૂનકાર હતો. એકલો પવન રેતીની વાછટો ઉડાડતો વાતો હતો.’ બાપે દીકરાને ઉશ્કેરવાની તક આવી ગઈ છે. વાર્તાની આ કેન્દ્રવર્તી ક્ષણ છે. ગળચી પકડી એને મારી નાખવા મથતા વરને તો એ પેઢામાં લાત મારી દૂર ફેંકે છે. પણ ખુન્નસ ભરેલી સસરાની આંખો, ગાંઠાળાં આંગળાંવાળા વરુના પંજા જેવા હાથ અને એથીય વધુ ક્રૂર એના શબ્દો સામે શબૂ હારી જાય છે. માણસના જે અમાનવીય રૂપને સુંદરમે અહીં જોયું છે એ આ શબ્દોમાં નિરૂપ્યું છે : ‘તેના ગળા પર ભીંસ વધતી જતી હતી, તેના પગ પછાડા મારવા લાગ્યા. તેનો વર તે પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના ગળામાં સોસ વધવા લાગ્યો. મહીસાગરનાં પાણીમાં પોતે ડૂબકી મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું. તેની આંખો ખેંચાવા લાગી. તે ઘડીક એકદમ ખૂલી ગઈ. તેના મોં પર સસરાનું વરુ જેવું મૂંછાળું મોં ઝઝૂમી રહ્યું હતું. તેમાંથી બીડીની ગંધ આવતી હતી. એ મોંની પાછળ જે થોડું આકાશ દેખાતું હતું તેમાં તેને દેખાયું કે એના બાપ જાણે હવામાં આમતેમ આંટા મારી રહ્યા છે – પોતાના બચ્ચાને પીંખી નખાતું જોતો કોઈ ગીધ ઊડતો હોય તેમ.’ શબૂના મૃત્યુને લેખકે પૂરતી સ્વસ્થતા અને ધીરજથી વર્ણવ્યું છે. બાપ-દીકરો એના શરીરને રેતીમાં ઠાવું પાડી પાછા વળે છે – બાળકનું રડવું સંભળાતું હતું એ દિશા તરફ. પરબવાળી બાઈનું છોકરું રડતું હતું એ વિગત હવે નિર્દેશાય છે. બાપનું નામ રૂપા હોણ છે અને દીકરાનું મેઘો એ પણ હવે જ ઉલ્લેખાય છે. રડતા છોકરા માટે પરબવાળીને રૂપિયો આપવો અને ‘ના મોકલી બૂન!’ જેવો એને જવાબ આપવો – એ બંને વચ્ચે કશોક સંબંધ છે એ આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. મેઘો પહેલાંય કહી શક્યો હોત પણ લેખકે એને એવો કલ્પ્યો છે કે એ પત્નીની હત્યા પછીય કહી શકતો નથી કે એના પેટમાં હતું એ બાળક એનું હતું. કદાચ એવા જવાબ સાથે રૂપા હોણને કશી નિસ્બત પણ ન હતી. પુત્રવધૂ એ એની જરૂરિયાતની વસ્તુ પણ હતી અને વેવાઈ જીવ્યો ત્યાં સુધી દીકરીને સાચવી રહ્યો એનું એને ઝેર હતું. આ હત્યા રૂપા હોણ માટે કોઈ મોટું સાહસ પણ નથી, સહજ કર્મ છે. માત્ર મેઘો બીકનો માર્યો કશું બોલી ન શક્યા પછી પગ ઢસડતો અર્ધા મુડદાની જેમ ચાલવા લાગે છે એમાં એણે અડધું જીવન ગુમાવ્યું હોય એવું સૂચવાયું છે. સુન્દરમે જીવનને અહીં બેઉ કિનારેથી જોયું છે. શબૂ નરી ઊર્મિલ છે, સાચી છે. સસરો ક્રૂર અને જુઠ્ઠો છે. જેને પોતાની કોઈ શક્તિ કે ગતિ નથી એવો વર પેલી ક્રૂરતાના ભયે દબાઈને એને સાથ આપે છે. શબૂની હત્યા પછી જ એ કંઈક પસ્તાતો દેખાય છે. પાણી, કાદવ અને રેતનાં વર્ણનો પણ આ ત્રણ માનવ પ્રકૃતિ અને પ્રવૃત્તિને ઉપસાવી શકે એમ છે. વાસ્તવિકતાના અંશ તરીકે જ એમનો ઉપયોગ થયો છે. આ વાર્તામાં પ્રતીકોની મદદ લેખકને જોઈતી પણ નથી. નદીને મા કહી છે એ પણ એટલા માટે કે શબૂ એના પટમાં જ ઊછરી છે. મહી સાથેનો મૃત્યુની ક્ષણ સુધીનો શબૂનો જીવંત સંબંધ આલેખતાં આલેખતાં જ એનું વ્યક્તિત્વ સ્ફૂટ કર્યું છે. માનવીય દૃષ્ટિએ તો શબૂ અક્ષમ્ય ક્રૂરતાનો ભોગ બની છે પણ એની અંગત લાગણીની રીતે જોઈએ તો અહીં એને ઇચ્છા-મૃત્યુ મળ્યું છે. ભલે કામી સસરાએ હારીને દીકરાને આગળ કરી પોતાનું ધાર્યું કર્યું હોય, શબૂ ભલે અણધારી ક્ષણે જ વીંખાઈ ગઈ હોય, પણ મનવાંછી જગાએ મરવા પામી છે અને તેથી વાર્તાને અંતે એની વેદના વિજયી નીવડી છે. આવું સંતુલન બહુ ઓછા કલાકારો સિદ્ધ કરી શકતા હોય છે.

। । ।

‘મારી ચંપાનો વર’ સમયની સાથે ચાલતી અને એક આખી પેઢી સુધી વધતી વાર્તા છે. ‘માને ખોળે’માં એક દિવસની થોડીક ઘડીઓનો હિસાબ છે, ભૂતકાળ એમાં આવી આવીને ભળતો રહે છે, જ્યારે ‘મારી ચંપાનો વર’માં સ્મૃતિસંચારીનો ઉપયોગ થોડાક પાછલા ભાગમાં થયો છે એ પણ વર્તમાનમાં થતી વાતચીતના ભાગ રૂપે, વર્તનના સંદર્ભમાં. ચાર મહિનાની ચંપા લક્ષ્મીના પ્રફુલ્લ સૌંદર્યની કૂંપળ જેવી છે, – લેખકને આવી કોઈક આલંકારિક છટાનો બાધ નથી, લક્ષ્મીના રૂપની મોહિનીની વાત પણ આ જ શૈલીએ કરી લીધી છે. એ કુંવારી હતી ત્યારે સૌ કોઈ એનો વર થવા તૈયાર હોય એવું વાતાવરણ હતું. એમાં, ‘વાંક હોય તો હતો લક્ષ્મીના સોનેરી ઝાંયવાળા ભરપૂર વાળનો, આંખના શાંત તોફાનનો અને જવલ્લે જ ફરકતા પણ તેથી તો દુર્દમ્ય ઉત્પાત મચવતા – સ્મિતનો.’ આવાં થોડાંક લસરતી કલમે લખાઈ ગયેલાં રંગદર્શી વાક્યોને બાદ કરતાં, આખી વાર્તા કોઈપણ ઉંમરે વિધવા થયા પછી વૈધવ્યમાં જીવવાની ફરજ પાડતા ઇલાકાની ભાષામાં આલેખાઈ છે. ‘સૌ કોઈએ કહ્યું કે લક્ષ્મીનો વર સાવ ઊંધા કપાળનો, એના નસીબમાં લક્ષ્મીનું રૂપ માયું નહીં.’ થી શરૂ કરીને ‘ને હેં! દુઃખ તો સૌને છે. કોને નથી? હેવાતનમાંય ઘણીઓ નરક જેટલી આપદા ભોગવે છે, ને કોઈ રાંડીખડી વળી સુખથી આયખું પૂરું કરતી આપણે ક્યાં નથી જોતાં?’ ‘લક્ષ્મીને અનેક વ્યક્તિઓનાં આશ્વાસન મળે છે. એ દરેકની ભાષા એક, પણ લહેકા જુદા છે. લક્ષ્મીના રૂપને રામી જેવી સ્ત્રીઓ પણ માણતી હોય એમ તાકી રહે છે. ‘રામીની હથેળી નીચે લક્ષ્મીના ચહેરાના સ્નાયુઓ ઓગળતા હોય એમ હલવા લાગ્યા.’ રામીના આશ્વાસનનો પ્રકાર જુદો જ છે : ‘તારો ધણી ફૂટ્યા કપાળનો હશે, તે કાળનો કોળિયો થઈ ગયો, તું તો નથી જ...’ જે પૂરતું સૂચક હતું એનાથી પણ રામીને સંતોષ નથી. એ સ્પષ્ટતા પણ કરે છે : ‘લોકનિંદા? લોક કોણ વળી? આપણે ને આપણે જ. ઘેર ઘેર માટીના ચૂલા. લક્ષ્મી, તને બધુંય સૌની પેઠે ધીરે ધીરે સમજાઈ જશે.’ પણ લક્ષ્મી એના રૂપની અદબ રાખે છે. એ હવે લક્ષ્મી તરીકે નહીં, ચંપાની બા તરીકે જીવે છે. લોકો કહે પણ છે : ‘આજ લગી રાંડી તો એક લક્ષ્મી જ છે.’ લક્ષ્મીના કરમાતા જતા રૂપની પણ લેખકે વિગતે નોંધ લીધી છે. હવે સાડલામાં શરીર સરખું કંઈ દેખાતું નથી ને ચંપાને બે-ત્રણ વરસ થાય એટલામાં તો લક્ષ્મી વીસ-ત્રીસ વરસ ઘરડી થઈ જાય છે. પોતે દબાઈ ખંડાઈને ચંપાને ખીલવે છે. કોઈ પુરુષ વિશે કદી વાત કરતી નથી. માત્ર ચંપાના વરની વાતે હોંશભેર કરે છે : ‘ચંપાની ગોઠણો એને એકાંતમાં ચીમટી દઈ ચીડવતી હશે એથીયે વિશેષ સહીપણાથી લક્ષ્મી એને પજવતી અને પછી સંતોષથી કહેતી : તું પરણી ઊતરે એટલે હું મારો જન્મારો જીતી.’ મા-દીકરી નવરાં પડે એની સાથે ચંપાના વરની તેવડમાં ગપાટે ચઢી જાય છે. લેખક અહીં પાછા કંઈક હળવાશથી નોંધે છે : ‘ચંપાને તો આ બધું નવું નવું, કોડભર્યું, ઉમળકાભર્યું હતું. પણ લક્ષ્મીને માટે આ જૂના જીરણ કિલ્લાઓ પર નવો ધસારો હતો.’ લેખક પેલી રામીનેય નથી ભૂલ્યા. વચ્ચે વચ્ચે એનાં મહેણાં-ટોણાં સંભળાતાં રહે છે. લક્ષ્મી બધી વિધવાઓની પ્રતિનિધિ જ નથી, કંઈક વિલક્ષણ પણ છે. ‘મારી ચંપાનો વર આમ જરી ઠીક તો હોવો જોઈએ ને?’ – આ શબ્દોમાં એની સુરુચિના ધોરણ ઉપરાંત પણ કશુંક છે. જેણે ટુંમાઈને પણ દીકરીને અછો અછો વાનાં કર્યાં છે એ લક્ષ્મી એની જાણ બહાર જ ચંપાના વરમાં, પસંદગીનો પુરુષ શોધી રહી છે. ગૌરી એની બાળપણની ગોઠણ હતી. એ મરતાં લક્ષ્મીએ એના પતિ પૂનમલાલ સૂચવ્યા, ‘એવડો મોટો?’ એવું ચંપાથી બોલાઈ તો ગયું પણ પછી એણે માની પસંદગી સ્વીકારી લીધી. વર્ષો પછી લક્ષ્મી પુરુષ સાથે વાત કરવા પામે છે. વાત કરવાનો વિષય છે ગૌરી. પૂનમલાલ આવે છે, બેસે છે. કોઈ શેરીમાંથી પસાર થતાં પૂછતું જાય છે : ‘શેના તડાકા ચાલે છે?... લક્ષ્મી, કોણ આવ્યું છે?’ ‘અરે...’ લક્ષ્મી ભર્યા ભર્યા અવાજે જવાબ આપતી : ‘મારી ચંપાનો વર.’ આ વાતોના સંદર્ભો જ લેખકે લક્ષ્મીની દમિત વૃત્તિઓને બલ્કે સમગ્ર જિજીવિષાને સતેજ થતી સૂચવી છે. લક્ષ્મીને બીજો કશો લોભ નથી, પૂનમલાલના સાહચર્યથી વિશેષ એણે ઝંખ્યું પણ નથી અને મળી છે માત્ર હાજરીની હૂંફ, પણ લક્ષ્મી માટે એ ઓછું નથી અને લોકનજરે આ એનો હક છે. આ પંદર વરસ ક્યાં એ કોઈનીય સાથે બોલવા ગઈ હતી? જમાઈ જોડે તો એ બોલવાની જ. એના આ માનસને સ્પષ્ટ કરવા અગાઉ લેખકે નોંધ્યું છે : ‘કોકવાર બંને જણાં વાતો કરતાં હોય, ને કોઈ બારણે ડોકાય ને જરી મલકાઈને ચાલ્યું જાય, ત્યારે લક્ષ્મીને થતું કે પોતે કેટલી બધી સુખી છે! હાંસીમાં કોઈ હસતું હશે, એની તો એને કલ્પના પણ ન આવતી.’ લક્ષ્મીની આ નિર્દોષતાને લેખકે ક્યાંય નંદાવા દીધી નથી. ગૌરી નિમિત્તે ભૂતકાળનાં સ્મરણો જાગે છે ત્યારે પૂનમલાલનું મન ગૌરીથી નહીં, એ વખતની લક્ષ્મીથી ભરાઈ જાય છે એમ નોંધ્યા પછીય કોઈની ઉત્સુકતા વાતોથી વધુ આગળ વધતી નિર્દેશાઈ નથી. આ મર્યાદામાં રહેવાયું છે. તેથી તો અતૃપ્ત કામનાની વાત વધુ વિશ્વસનીય બની છે. પૂનમલાલ ઊલટતપાસ કરતો હોય એ રીતે ઘા અંગે પૂછે છે. દીવાટાણું છે. લક્ષ્મી કોણી પાછળનો ભાગ બતાવવા હાથ આમળીને ઊભી રહે છે, બીજા હાથે કમખો ઊંચો રાખીને ખાતરી કરાવવા જાય છે ત્યારેય એ તો જાણે શરીર બહારની કોઈ પારકી વસ્તુને પકડીને ઊભી હોય છે. આ તટસ્થ દેખાતી ક્ષણેય એનું અંતરંગ કેવું ડૂબેલું છે એ લેખકે કોઈ પાત્રની દયા રાખ્યા વિના પણ પૂરતી માયાથી નોંધ્યું છે : ‘ના, ના; લાગેલું જ છે.’ એમ ઘાને લૂછવા આંગળીઓ વડે પ્રયત્ન કરીને પૂનમલાલે કહ્યું, ત્યારે લક્ષ્મીના આખાય શરીરના અણુ-અણુએ એ સાંભળ્યું.’ લક્ષ્મી આજ સુધી જે રીતે જીવી એમાં સમાજે પાડેલી ટેવ જોઈ શકાય. પણ લક્ષ્મીને આ સમાજથી સંતોષ છે કેમ કે એણે જ એને ચંપાનો વર આપ્યો. આ અર્થઘટન ઉમાશંકરભાઈનું જ છે. પોતાના સમાજના નિરીક્ષણમાં સાંપડેલી ઘણી વિગતો એમણે અહીં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખપમાં લીધી છે : ‘પોતાના પતિને હોંશભેર મળવાની એક નવવધૂને સમાજે તકો આપી છે તે કરતાં જમાઈને મળવાની એક સાસુને ઓછા સંકોચપૂર્વક આપી છે.’ આ હકીકત આજે ઐતિહાસિક બની ચૂકી છે. લક્ષ્મી પણ હવે ઇતિહાસનો દાખલો બનવામાં છે. પણ એનાં માનસિક સંચલનો કોઈપણ યુગમાં અભ્યાસ અને આસ્વાદનો વિષય રહેશે. ખુદ ચંપાને નવાઈ લાગે છે કે મારી પાછળ મરી જનારી મા મને કેમ આમ ભુલાવામાં નાખે છે? લક્ષ્મી રૂપવિકારી તારાની જેમ પાછી ઝળાંહળાં થઈ ઊઠી છે. લેખકના શબ્દો જોઈએ : ‘ચંપાને સુવાવડ માટે પિયર લઈ આવવા લક્ષ્મી એને ઘેર ગઈ ત્યારે ફિક્કી માંદલી આંખોથી ચંપા પોતાનું રૂપ માએ ચોરી લીધું હોય એમ એની ભભક સામે જોઈ રહી.’ આ પલટો રસપ્રદ છે પણ વાર્તાનું વાર્તાપણું પલટામાં નહીં પુનરાવર્તનમાં છે. ચંપા માતા બને એ પહેલાં જ પૂનમલાલને બીમારી થઈ આવે છે. લક્ષ્મી દીકરીને ઘેર પહોંચીને જમાઈની સારવારમાં લાગી જાય છે. પૂનમલાલને તો એક જ ચહેરામાં લક્ષ્મી અને ચંપા જોવા મળે છે પણ દરદીને સાચવવાની ફરજ પોતાની જ હોય એ રીતે લક્ષ્મી ‘જરી જંપ્યા છે ત્યાં...’ કહીને, પતિને બોલાવવા જતી ચંપાને છણકાવી કાઢવા જેવું વર્તન પણ કરે છે. એથી ચંપા અકળાય છે. પાંચમી રાતે ‘બહારનાં અંધારાંમાંથી જામીને બન્યો હોય એવો મૃત્યુદૂત’ સૌની નજર આગળ તરવરે છે. પૂનમલાલના મૃત્યુની ક્ષણે તો ગંગાજળ લાવવા, સોનાની કરચ લાવવા લક્ષ્મી ચંપાને સ્ફૂર્તિથી કહેતી હોય એમ લાગે છે, પણ પછી એનુંય બાવરાપણું થીજી જાય છે. એ ભારેખમ થઈ ફસડાઈ પડે છે. માણસો પૂનમલાલના શબને ભૂમિ પર ઉતારે છે એ ક્ષણે લેખક ફકરાની જગાએ એક વાક્ય મૂકે છે; જે આજનો વાર્તાકાર ભાગ્યે જ લખે : ‘લક્ષ્મી બીજી વાર રાંડી.’ અલબત્ત, એ રડે છે એ તો ચંપા વતી જ. પછી એના માટે રડવા સિવાય કશું રહેતું નથી. ‘હવે ફરી પાછું દુઃખી દીકરીથી પોતાના જીવનને ભરી દેવું એ ખોટે છેડેથી જિંદગી શરૂ કરવા જેવું હતું.’ મૃત્યુ સિવાય વિકલ્પ ન હોય એમ એ ખાતી, પીતી કે આરામ કરતી નથી. મરણ પામેલી મા વિશે વિચારતાં ચંપાના ખ્યાલમાં આવે છે કે એણે પોતાનાંને દૂભવીનેય સમાજને ક્યાંય દૂભાવ્યો ન હતો. આ સરળ ચાલાકી ચંપાની દૃષ્ટિએ નોંધાઈ હોઈ અપ્રસ્તુત બનતી નથી. બે મહિના પછી એનેય દીકરી અવતરે છે. લક્ષ્મીએ સ્વીકાર્યો હતો એ જ જીવનક્રમ ચારેક પંક્તિઓમાં નોંધીને લેખક વાર્તાનું સમાપન કરે છે : ‘અને ચંપા, બાનું વેર લેવા જાણે, બમણા વહાલથી દીકરીને ઉછેરતી રહી.’ જે સંકુલ મનોવ્યાપાર લક્ષ્મીના જીવનમાં જોવા મળ્યો એની સાથે આ વાક્યને સીધો સંબંધ હોય કે ન હોય, ચંપા પોતાના દુઃખને દ્વિગુણિત કરીને જાણે એમાંથી મુક્તિ પામવાની હોય એ રીતે જીવનને સ્વીકારી લે છે. આ વિશ્વક્રમને સમજવાની તાત્ત્વિક વાત નથી પણ જીવનક્રમને સ્વીકારી લેવાની સામાજિક ટેવ છે. તેથી દેખીતા બદલાની વાત કરતાં એક વસ્તુ વધુ નકારાત્મક છે, જે અંતે મા-દીકરીના અને સાસુ-જમાઈના વ્યક્તિગત સંબંધને ઓળંગીને લેખકની યુગની રૂઢ સામાજિક પદ્ધતિઓને પણ માર્મિક રીતે સ્પર્શી રહે છે. ‘મારી ચંપાનો વર’ એક વાર્તા તરીકે તો ચંપાના અનંત ખાલીપાનો નિર્દેશ કરી એના એ શૂન્ય ચિત્તમાં જ વિરમે છે. ‘જાણે બાનું વેર લેવા’ જેવી ઉક્તિથી પણ પ્રકારાન્તરે તો આ જ ભાવ લેખકે ઉપસાવવાનો હતો. અહીં ચંપાને ‘ભોળી બાની સરળ ચાલાકી’ એ વાતમાં લાગી કે એણે પોતાનાંને દૂભવીનેય સમાજને ન દૂભવ્યો. આવું તો એ પોતે પણ કરી શકે. એમ જ કરશે. અલબત્ત, આ એની અંગત જરૂરિયાત નથી, લેખકના સમાજે યુવાન વિધવા પર લાદેલી ફરજ છે, જે વિકસવા માંગતા કોઈ પણ સમાજની આંતરિક જરૂરિયાત ન હોઈ શકે. વાર્તામાં રહેલી વક્રતાના સૌન્દર્ય દ્વારા લેખક આ સમાજદર્શન કરાવવાની સાથે સાથે, માત્ર બાહ્ય વર્તનનાં ઝીણવટભર્યા ચિત્રો આપીનેય લક્ષ્મીના માનસિક સ્તરો નિર્દેશતા રહે છે.

। । ।

રૂપા હોણની કામવૃત્તિ અને હિંસા ઉઘાડી અને આક્રમક છે. લક્ષ્મીના વર્તનમાં અતૃપ્ત જાતીયતા પ્રગટે છે અને મરણપથારીએ પડેલા પૂનમલાલ સાથે એ ચંપાને વાત પણ કરવા દેતી નથી એમાં સૂક્ષ્મ પ્રકારની હિંસા છે. બંને વાર્તાઓએ નરી વાસ્તવલક્ષી માવજતથી પોતાને પરિચિત માણસના પરિસ્થિતિજન્ય બાહ્ય વ્યવહાર અને મનઃસ્થિતિજન્ય આંતર-વ્યાપારનું જીવંત ચિત્ર આપ્યું છે. અને તેથી તો એ આજેય ગુજરાતી સમાજને એની પોતાની વાર્તાઓ લાગે છે. અહીં વાસ્તવિક જીવન અને સાહિત્યના વાસ્તવ વચ્ચે સધાયેલા અભેદ વિશે ઉદાસીન રહેવાનું નવા વાર્તાકારોને પાલવે એમ નથી.

૧૯૭૬