વાર્તાવિશેષ/૪. વિનોદિની નીલકંઠ, ધીરુબહેન, હિમાંશી અને-
વિનોદિની નીલકંઠ (૧૯૦૭થી ૧૯૮૭)ની નવલિકા ‘દરિયાવ દિલ’ પર આધારિત ‘કાશીનો દીકરો’ ગુજરાતી ચલચિત્રના ઇતિહાસમાં વિકાસનો આરંભ સૂચવે છે. નારીહૃદયની ઉદારતા એના માતૃત્વ દ્વારા વ્યક્ત થાય છે, આ સત્યની વિનોદિનીબહેનને પ્રતીતિ છે. વળી, ભદ્રવર્ગ, મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગની ભાવનાઓ અને વિડંબનાઓ વિશે એ જાણે છે. ‘દિલ દરિયાવનાં મોતી’ની પ્રસ્તાવનામાં એ લખે છે : ‘કોઈ વાર રસ્તામાં, મોટર-બસમાં, આગગાડી, રેલવે સ્ટેશન ઉપર, ઇસ્પિતાલમાં, નદી કે દરિયાકાંઠે, અગર કોઈ મેળા કે મેળાવડામાં સંખ્યાબંધ માણસોની ઠઠ જામી હોય, ત્યારે મને વિચાર આવે છે કે દરેક માનવીના હૈયામાં સુખ-દુઃખની વાર્તા છુપાયેલી હશે... જીવનમાં મેં જે જોયું, જાણ્યું, સાંભળ્યું કે અનુભવ્યું તે આ સંગ્રહમાં વાર્તાઓ રૂપે વ્યક્ત કર્યું છે.’ ‘રસદ્વાર’ (૧૯૨૮) અને ‘આરસીના ભીતરમાં’ (૧૯૪૨) લેખો અને વાર્તાતત્ત્વ ધરાવતી રચનાઓના સંચય છે. ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ બળવંતરાય ઠાકોરની પ્રસ્તાવના સાથે એમના સેહની પ્રકાશન દ્વારા સને ૧૯૫૧માં પ્રગટ થયેલો પ્રથમ વાર્તાસંગ્રહ છે. એ પછી સને ૧૯૫૧માં ‘દરિયાવ દિલનાં મોતી’નું પ્રકાશન થયું અને ૧૯૬૫માં ‘અંગુલિનો સ્પર્શ’નું પ્રકાશન થયું. આ ૭૩ જેટલી વાર્તાઓમાંથી ‘દરિયાવ દિલ’ જેવી કેટલીક કૃતિઓ શૈક્ષણિક સામગ્રી તરીકે પાઠ્યપુસ્તકોમાં પસંદગી પામતી રહી છે. પણ સજર્નાત્મક ભાષાકર્મના આગ્રહી સંપાદકો આ વાર્તાઓની વિધાયક ભાવનાસૃષ્ટિની કદર કરી શક્યા નથી. વિનોદિનીબહેન અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે સ્નાતક થઈ અમેરિકાની મિશીગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતકની પદવી મેળવી ૧૯૨૯માં ભારત પાછાં આવે છે. શિક્ષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રે કામ કરવાની કૌટુંબિક પરંપરાને આગળ વધારે છે. રમણભાઈ નીલકંઠ અને વિદ્યાબહેન જેવાં માતાપિતાનાં સંતાન હોવાનો સંસ્કારવારસો એમના સ્વભાવમાં જોઈ શકાતો. પ્રસન્નતા અને હાસ્યવિનોદ એમની હાજરીમાં વરતાય. નાની ઉંમરે વિશ્વના કેટલાક દેશોનો પ્રવાસ પણ એમને બહુશ્રુત બનાવી એમની સંવેદનાને વિકસાવે છે. વળગણોથી મુક્ત એવી વૈજ્ઞાનિક માનવતાવાદી દૃષ્ટિને કારણે એમના ‘ઘર ઘરની જ્યોત’ના લેખોને વ્યાપક આવકાર મળતો રહેતો. એ માત્ર મધ્યમવર્ગની ગૃહિણીનાં લેખિકા ન રહેતાં સમગ્ર ગુજરાતના જનમનને સ્પર્શી શક્યાં હતાં. ‘સ્ત્રી જાતિના હક્ક, સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સ્ત્રી-સન્માનનાં પરગજુ હિમાયતી લેખે આપણા સમાજમાં સ્ત્રીઓને ચોતરફ થતાં નાના-મોટા અન્યાયોને ચીંધનાર અને સ્ત્રીઓને વેઠવી પડતી તેમ તેમના ઉપર ગુજરતી અનેક વિષમતાઓ સામે સબળ સયુક્તિક પોકાર ઉઠાવનાર લેખે વિનોદિની આગળ આવ્યાં છે, અને એમની ચોપડીઓ વધતી જાય છે તેમ તેમ એમનો વાચકવર્ગ પણ વધતો આવે છે. એમનાં લખાણોનું મુખ્ય આકર્ષણ તેમાં સ્પર્શાતા સૂચવાતા વિષયો ઉપરાંત એમની શૈલી છે, જે રમણભાઈ નીલકંઠ જેવા ઉત્તમ ગુરુ પાસે એ ગુજરાતી વાંચતાં-લખતાં શીખેલાં તેનો સરળ પુરાવો છે.’ – આ સ્વાગતવચન પછી બળવંતરાય ઠાકોર અંબાલાલભાઈની હાકલને યાદ કરે છે, થોડા ઉજળિયાતની નહીં પણ આખી પ્રજાની વાણી બનાવવાની સાહિત્ય-કલાધરોની ફરજ પર ભાર મૂકે છે. બ. ક. ઠા.એ નોંધેલી વિગતો પણ આજના સંદર્ભમાં પ્રસ્તુત છે. ‘ગુજરાતી પ્રદેશ અને હિંદના બીજા પ્રાંતો વચ્ચે ખેરપુરના ઝાંપાથી ડાંગની વનરાઈઓના સીમાડા લગી પથરાયેલ આપણા વતનની લાંબી કિનાર મોટેભાગે ભીલ, કોળી, ઠાકરડા આદિ પછાત ‘રાની’, ‘કાળી’, ‘કાંટાળ’, ‘વરજો’ (પેટા-પ્રજા)થી વસેલી છે અને કચ્છ, સૌરાષ્ટ્ર, આનંર્ત, લાટ એ દરેક મહાપટની વચ્ચે વચ્ચે પણ વધુ અસંસ્કારી વસતીનાં જૂથ સમાસ પામેલાં છે. ગુજરાતી મુસ્લિમોને જ જોઈએ તો તેમાં સૈયદ, પઠાણ, આરબ, મોગલ, ખોજા, મેમણ, વોરા, મલ્લાં, મકરાણી, મોલેસલામ, સીદી આદિ સંસ્કારે ચડઊતર સંખ્યાબંધ પ્રભેદો છે. તાત્પર્ય કે આપણી ગુજરાતી પ્રજામાં ‘બ્રાહ્મણ’ કે આર્ય સંસ્કૃતિનું વર્ચસ્વ સારી પેઠે ઓછું છે.’ (‘સ્વાગત’, ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’) આની સાથે બીજી સુસંગત વિગતો નોંધી બળવંતરાય ‘ગુજરાત એક સંસ્કૃતિ વ્યક્તિ’ સિદ્ધ કરવા ઠક્કરબાપા જેવા સેવકો સાથે વાર્તાકારોને પણ આહ્વાન આપે છે. ‘નાનાવિધ તેમ ચડઊતર સંસ્કારવાળી પ્રજાના ઓછા જાણીતા અંશો ભણી આપણી સહાનુભૂતિ જે કલાશક્તિઓ આકર્ષે છે’ એવા વાર્તાકારોને યાદ કરી નવલિકાગુંફન વર્ણનની પદ્ધતિ ધૂમકેતુને તેમ વિનોદિનીબહેનને સારી પેઠે ફાવે છે એમ નોંધે છે. ‘સોમ અને મંગળ’ નવલિકા બ. ક. ઠા.ને માર્મિક લાગી છે : ‘અભણ પણ સુશીલ ગામડિયણની હૈયાની વરાળ એની સરલ તળપદી બોલીમાં વહે છે તે કાળજાનાં ઊંડાણોમાં ઊતરી જાય છે અને આર્દ્ર સમભાવને આપોઆપ ઉપજાવી રહે છે.’ વાર્તાકથક સન્નારી પોષ મહિનાની રાતે પત્રો લખવા બેસે છે ત્યાં દૂધવાળી પ્રૌઢ ગોમતી આવે છે. એને બંને દીકરાને પરણાવવા બસો રૂપિયા જોઈએ છે. વાર્તા વાતચીતમાં આરંભાય છે. ચારેક વર્ષનો દીકરો સોમ મહાદેવભાઈને જોવા ‘ઝીંદાબાદ ઝીંદાબાદ’ કરતો દોડ્યો, ભીડમાં ખોવાયા પછી જડ્યો નહીં. બે-એક વર્ષ સુધી શોધ્યા કર્યો. પોણા ત્રણ વર્ષનો અનાથ મંગળ દેખાવે સોમા જેવો હતો. અરજી કરીને ખોળે લીધો. પછી મેળામાં મંગળે ચકડોળે બેસવાની જીદ પકડી, એને બેસાડવા ગયાં ત્યાં પાંચેક વર્ષનો સોમ દોડી આવ્યો. એને ખરીદનાર પટેલ કુટુંબ પાસેથી સોમને પાછો મેળવ્યો. આ પછી પણ પારકા જણ્યા મંગળ માટે આ દંપતીના હેતમાં ઓટ ન આવી, બલ્કે એને સવાયા સ્નેહથી ઉછેરતાં રહ્યાં. આંગળીથી નખ વેગળા એ કહેવત ખોટી પાડી. દસેક પૃષ્ઠની આ વાર્તા શ્રમજીવીના નૈસર્ગિક વાત્સલ્યને ઉપસાવતું વાતાવરણ પણ જગવે છે. બોલચાલની લઢણ વાર્તાને હૃદયના સત્યરૂપે પ્રતીત કરાવે છે. ખોવાતા બાળકનું કથાઘટક ‘ક્યાં ગઈ?’ વાર્તામાં પણ પ્રયોજાયું છે. શહેરમાં વધુ પૈસા મળશે એ બહાને મોતી શાંતાને એની મા લક્ષ્મી સુધી પહોંચાડી દે છે. ‘દરિયાવ દિલ’ પણ વિમાતાના માતૃત્વની અસીમ સમૃદ્ધિનો અનુભવ કરાવે છે. દિયર કાંતિના હડકવાથી થયેલા અકાળ મૃત્યુ પછી દેરાણી કરુણાનું દુઃખ વેઠતી જેઠાણી અંબા પોતે પણ સંસારસુખથી વિમુખ થાય છે. પણ પતિ પીતાંબર વાસનાને ઠારી શક્યા નથી. દીકરા દશરથ સાથે અંબા કન્યા જોવા સુરત જાય છે ત્યાં પીતાંબર એકાંતનો ગેરલાભ લઈ કરુણાને નંદે છે. અંબા પતિના વર્તન પરથી પતિની ભૂલ પામી જાય છે. પણ ઘૃણા કરતી નથી. દીકરી કાશીનો પતિ ત્રણેક વર્ષ માટે આફિકા ગયો. કાશી પિયર આવી. એને ઘર સોંપી અંબા સગર્ભા કરુણાને લઈ મુંબઈ ગઈ અને ત્યાંથી અજાણી જગાએ રહેવાનું ગોઠવ્યું. આ યુક્તિ સૌને ગળે ઉતારવા પોતે સગર્ભા છે એવો પ્રચાર કર્યો હતો. કરુણાના પુત્રને પોતાનો ઠરાવી પછી કરુણાને સોંપે છે. વાર્તાના આરંભે સાસુએ અંબાને નાનો કાંતિ સોંપ્યો હતો, એ જ ભાવે કહે છે : ‘મારાથી કાંતિ ન સચવાયો પણ તું આને જરૂર સાચવજે.’ ભાભી હોવા છતાં અંબા કાંતિની બીજી બા તરીકે વર્તી. પણ પીતાંબરને લાગતું કે ‘અંબાના પ્રેમાળ હૃદયનો ઘણો ખરો ભાગ આ બાળકે કબજે કરી લીધો છે.’ પોતાનું પલ્લું અંબા કાંતિની વહુને ચઢાવે છે એ પીંતાબરને કઠે છે. લગ્ન પછી કાંતિ આ રૂપાળી વહુનો બની જશે એ અંબાથી સહન નહીં થાય – પીતાંબરનું આ અનુમાન પણ ખોટું પડે છે. કાંતિના અકાળ અવસાનથી ‘બાળક અવસ્થામાં જ વિધવા બનેલી કરુણા કરતાં પણ અંબાનું રુદન વધુ હૈયાફાટ હતું.’ અંબાએ કરુણાને અભાગણી ન માની. ‘કરુણાનું રૂપાળું ઘાટીલું કપાળ ઉજ્જડ ઓરસિયા જેવું અને પોતાના કપાળમાં લાલચોળ ચાંદલો કરતાં પણ અંબાનું દિલ ક્ષોભ પામતું.’ – આવાં અનેક વાક્યો લેખિકાની અભિવ્યક્તિ પ્રત્યે આદર જગવે છે. પીતાંબરના વિચાર-વર્તનને પણ માનસશાસ્ત્રીય આધાર મળેલા છે. એ અંબા જેવો ઉદાર નથી પણ નર્યો દુષ્ટ કે કામાચારી પણ નથી. પરિસ્થિતિ અને અંબાનાં સંયમનિગ્રહ એનો બચાવ કરે છે, અંબા પણ એને માફ કરવા જેટલી પરિસ્થિતિ અને મનઃસ્થિતિની જાણતલ છે. એની અસીમ ઉદારતા જીવનની સમજણમાંથી જાગેલી અનુકંપા છે. તેથી અન્યથા આદર્શ લાગે તે અહીં યથાર્થ પ્રતીત થાય છે. ‘અંગુલિનો સ્પર્શ’માં ગર્ભસ્થ શિશુના સંચારથી ઉત્પલાની એકલતા પ્રસન્નતામાં પરિણમે છે. પ્રત્યક્ષ અનુભવ-ક્ષેત્રની બહારના જીવનને આલેખવાની કલ્પના અને જાણકારી ધરાવતાં વિનોદિનીબહેન ‘પાગલ હવા’ જેવી કરુણ-મધુર વાર્તા રચી શકે છે. વાર્તાના આરંભે બે કુટુંબની મૈત્રીનો ઉલ્લેખ છે. છ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું દેવદારુ ગામ, એમાં ‘સંધ્યાકાળ’ નામના બંગલામાં નિવૃત્ત જીવન ગાળતાં વાર્તાકથક પોતાને વિશે ઝાઝું કહે એ પહેલાં કલેક્ટર પ્રિયરંજનબાબુ પોતાના પ્રેમની કરુણાન્ત કથા કહેવા આવી પહોંચે છે. એનાં પત્ની આશાદેવીએ ‘પાગલ હવા બાદલ દિને પાગલ આમાર મન જેગે ઊઠે’ (તોફાની પવન અને વરસાદના દિવસે મારું ઘેલું મન જાગી ઊઠે છે) એ ગીત શરૂ કર્યું અને પ્રિયરંજનબાબુ અસ્વસ્થ થઈ ગયા હતા એ ઘટનાની કેફિયત આપવા એ આવ્યા છે. માતા સાથે એ યુવાવસ્થાના આરંભે કાશી ગયા હતા ત્યાં વહેલી સવારે તારાસ્નાન કરતાં સોળેક વર્ષની કાયસ્થ વિધવા બિન્દુને આ ગીત ગાતી જોઈ હતી. અપ્સરા જેવું રૂપ. પ્રેમ. પિતાને આ લગ્ન સામે બાધ ન હતો પણ પોતે બ્રાહ્મણ અને દીકરો કાયસ્થ વિધવાને પરણે એમાં એમને ઘોર પાપ દેખાતું હતું. એમણે અન્નજળનો ત્યાગ કર્યો અને પ્રેમને ખાતર પ્રિયરંજને પણ અનશન શરૂ કર્યું પછી માતાએ જળસમાધિ લીધી. બસ, પછી તો વિગત જાણી બિન્દુ પાગલ બની ગઈ. આશાદેવી અસમિયા છે. એમની સાથેનું દાંપત્ય પ્રસન્ન છે પણ પ્રથમ પ્રેમની સ્મૃતિ દાયકાઓ પછી પણ અસ્તિત્વને વિક્ષિપ્ત કરી મૂકે છે એ તથ્ય અહીં નાટ્યાત્મક રીતે રજૂ થયું છે. ભાવપરિસ્થિતિની પસંદગી અને રંગદર્શી ઉદ્ગારો કરુણ રસના સંચારી ભાવનું કામ કરે છે. ‘કાર્પાસી’ તરંગ કથા છે. કાર્પાસીની ભસ્મ તેના પ્રેમી અનલકુમારે નર્મદા કાંઠે એકઠી કરી એમાંથી કાર્પાસ – કપાસ થયો. લેખિકા નોંધે છે તેમ ગાંધીજીએ વાંચીને આ રચનાને ‘રસિક વાર્તા’ કહી હતી. ગુજરાતની વાર્તાસમૃદ્ધિ શ્રેણીમાં શ્રી મહેન્દ્ર મેઘાણીએ વિનોદિની નીલકંઠની તેર વાર્તાઓ પસંદ કરી હતી. (પૃષ્ઠ ૧૬૦, વર્ષ ૧૯૬૦) ત્યારે ‘અંગુલિનો સ્પર્શ’ સંગ્રહ પ્રગટ થયો ન હતો. નિબંધ, વાર્તા આદિના મિશ્ર સંચય ‘આરસીની ભીતરમાં’ જોતાં ‘સાવકી મા’ અને ‘સંયુક્તા’ જડી. ‘કાંકરિયો કુંભાર’, ‘કુટુંબ અને કબીલો’, ‘સોમ અને મંગળ’, ‘બદ્રી-કેદાર’ અને ‘બાર બાર વર્ષે’ – આ પાંચ વાર્તાઓ ‘કાર્પાસી અને બીજી વાર્તાઓ’ સંચયમાંથી લીધી છે તો ‘ચુડેલ’, ‘દરિયાવ દિલ’, ‘ક્યાં ગઈ?’, ‘બે માળાનું પંખી’ અને ‘મારું-તારું’ – આ પાંચ વાર્તાઓ ‘દરિયાવ દિલ’માંથી પસંદ કરી છે. ‘તારામાસીની વર્ષગાંઠ’ બાળ-કિશોર વાર્તાઓના સંચય ‘મેંદીની મંજરી’માંથી જડી. છઠ્ઠા દાયકાના મડિયા, પેટલીકર જેવા લોકપ્રિય વાર્તાકારો સાથે વિનોદિનીબહેનની જીવનલક્ષી રચનાઓ વાચકો માટે સુલભ કરીને મહેન્દ્રભાઈએ મેઘાણી પરંપરાનો વિવેક દાખવ્યો છે. અલબત્ત, માણસના ઉધાર પાસાને આલેખતી વાર્તા ‘મારું-તારું’ પણ એમણે પસંદ કરી છે. સાવકા નાનાભાઈ ત્રિકમને ઉછેરી ભણાવ્યો-ગણાવ્યો પણ એણે કેશવરામને અસહાય કરી મૂક્યા. એમના મગજની નસ તૂટી ગઈ. મિલકત ગુમાવવા કરતાંય સંબંધ તોડતી કૃતઘ્નતાનો આઘાત વધુ દારુણ હોય છે. ‘તારામાસીની વર્ષગાંઠ’ બાળવાર્તા ચિત્રાત્મક અને નાટ્યાત્મક છે. તારા નિઃસંતાન શ્રીમંત વિધવા છે. આખા ગામનાં બાળકોને એમણે પોતાનાં કર્યાં છે. હવા ખાવા તીથલ જાય છે તો બાળકોની ટુકડીઓ ત્યાં બોલાવી લે છે. એમની વર્ષગાંઠના અઠવાડિયામાં વીંટી ખોવાય છે. લે કોણ? બે બાળકો ગજવાં તપાસવાની ના પાડે છે. વીંટી તો ઉંદર ખેંચી ગયેલો. પ્રસન્ને ગજવું તપાસવાની ના પાડેલી, કેમકે એણે નાનાભાઈ માટે ખાટીમીઠી ટીકડીઓ સંતાડી રાખી હતી તો પોપટે તારાબહેન માટે લખેલી કવિતા અગાઉ જાહેર થવા દેવી ન હતી. તારામાસીના વાત્સલ્ય સાથે બાળમાનસમાં શુભ અને કલ્યાણકારી ભાવ જગવતી આ વાર્તા વીંટી ખોવાય ત્યાં નાટ્યાત્મક બની કુતૂહલ વધારે છે. ‘ચુડેલ’ પંદર પૃષ્ઠની ચરિત્રપ્રધાન નવલિકા છે. આદિવાસી જીવન વિશે લખતા નવલેખકોએ અંધશ્રદ્ધા અને વેરઝેરથી નિર્દોષને ચુડેલ ઠરાવી મારી નાખતા હિંસક કુરિવાજ વિશે લખ્યું છે. અહીં હલીમા કુરૂપ અને અભાગણી છે પણ એને ચુડેલ માનનાર મામી મેમુનાને એ સાજી કરે છે. અન્યાય વેઠી ગામનું ભલું કરે છે તેથી વાર્તાના આરંભે વર્ણન છે એ મુજબ એના અંતિમ સંસ્કાર માટે મુસલમાન સાથે તમામ વર્ણના લોકો કબ્રસ્તાનમાં હાજર છે. અંધશ્રદ્ધાને કારણે જાગતી ગેરસમજ દૂર કરવા અને કુરૂપ કાયામાં શિવસંકલ્પની શક્યતા ચીંધવા આ વાર્તા રચાઈ છે. આ માનવતાવાદી અભિગમ વિનોદિનીબહેનની નવલિકાઓનું મુખ્ય લક્ષણ છે. ‘કદલીવન’ નવલકથાને શ્રી નિરંજન ભગત લઘુ પ્રશિષ્ટ કૃતિ ‘માઈનૉર ક્લાસિક’ કહે છે. ગાંધીયુગ અને આઝાદીના આંદોલનના સમય સંદર્ભે પ્રેમ, કામ, ધન અને કુટુંબભાવના નિરૂપણની દૃષ્ટિએ એ લઘુનવલ વાચનક્ષમ છે અને એક સુશિક્ષિત મહિલાએ લખેલી પ્રથમ લઘુનવલ તરીકે એનું ઐતિહાસિક મહત્ત્વ છે.
સુવર્ણા એની નાનકડી બેગમાં લઈ જવાય તેટલું બધું ઠાંસી ઠાંસીને ભરી રહી છે. હોસ્ટેલમાં રહેશે, ભણશે. આશા છે કે શિષ્યવૃત્તિ પણ પાછી શરૂ થઈ જશે. મા વિમળા વિધવા છે. અગવડો વેઠીને બંને દીકરીઓને ભણાવી છે. માને બંને દીકરીઓ ખૂબ વહાલી છે. દીકરીઓને મા પણ એટલી જ વહાલી છે. સુવર્ણાને રોકવામાં વિમળાબહેન નિષ્ફળ જાય છે. ત્યાં મોટી બહેન આશા દાખલ થાય છે. ધીરુબહેન અહીં સરખામણી કરે છે : ‘તે સુવર્ણાથી ઉંમરે મોટી હોવા છતાં કદમાં ઘણી નાની હતી. તેનો વાન શામળો અને દેખાવ છેક જ સામાન્ય હોવા છતાં તેના હલનચલનમાં એક પ્રકારનું લાવણ્ય હતું. એટલે તે કદરૂપી નહોતી દેખાતી. જોકે ઝાકઝમાળ સુવર્ણાની આગળ તો તેની કોઈ વિસાત ગણતું જ નહીં. કોઈને તે દેખાતી જ નહીં.’ (પૃ. ૫૩ વિશ્રંભ કથા) વાર્તાનું નામ છે ‘મનસ્વિની’. સુવર્ણાનું મનસ્વીપણું કેવા પ્રકારનું છે એ અંગે કુતૂહલ જાગે છે. એ કેમ ઘર છોડીને જાય છે એનું રહસ્ય વાર્તાના ઉત્તરાર્ધમાં વાચક પામી શકશે. આશા મોટી છે. એની સગાઈ પહેલાં થવી જોઈએ. એને જોવા આવનાર સૌજન્યથી વર્તે છે પણ પછી એ હા પાડવાને બદલે બીજા કોઈક દ્વારા સુવર્ણા માટે પૂછાવે છે, પડોશમાંથી સુવર્ણાને આ સંકેત મળી જાય છે અને એ મા કે મોટી બહેનને કારણ કહ્યા વિના હોસ્ટેલમાં રહેવા જવાનો નિર્ણય કરી લે છે. જેથી પોતે મોટી બહેનના ભવિષ્યની આડે ન આવે. એને યાદ છે જે દિવસ આશાનો અસ્વીકાર થયો તેની રાત્રે એ રડતી રહી હતી. મોટી બહેનના રુદનને સુવર્ણા શમાવી શકી નહોતી. હવે વાર્તાનો અંત જોઈએ. મા કહે છે : ‘આશા મારા સમ છે તને, એ મનસ્વિનીને તું એક શબ્દ કહે તો! સ્વાર્થ – નર્યા સ્વાર્થ – નાનપણથી એણે એ સિવાય કશું જોયું છે ખરું? કોઈનું ગમે તે થાય, કોઈનું દિલ ગમે તેટલું દુખાય, એણે કદી પરવા કરી જ નથી. એને તો બસ, પોતાનું ધાર્યું થવું જોઈએ. નિષ્ઠુર!’ માના શબ્દથી ચાળણીની જેમ વીંધાઈ ગયેલા દિલને જેમ તેમ કાબૂમાં રાખીને વીસ વર્ષની સુવર્ણા બેગ હાથમાં ઊંચકીને ઓરડાની બહાર નીકળી ગઈ.’ (પૃ. ૬૨, વિશ્રંભ કથા) સુવર્ણાના ઘર છોડવાનું રહસ્ય મોટી બહેન અને મા પણ ન સમજે? જેને પરીક્ષાઓનો ભારે કંટાળો આવે છે એવી સુવર્ણા આમ ભણવા નીકળી પડે? પણ સુવર્ણા એવી કુનેહથી નાટક કરે છે કે, મા એને ‘મનસ્વિની’ કહીને આઘાત આપે છે. હૃદયમાં રહેલી ઉમદા ભાવના ઉપરાંત એણે આ આઘાત જીરવવાનો આવે છે તેથી એના પ્રત્યેનો વાચકનો સમભાવ દ્વિગુણીત બને છે. આમ જીવનમાં પોતાનો લાભ જતો કરીને ખસી જતી સુવર્ણા વાર્તામાં – વાચકના સંવેદનમાં વિજયી નીવડે છે. લેખિકાએ સ્થાપવા ધારેલી શુભની સત્તા આદર જગવે છે. સુવર્ણા કરતાં વયમાં કંઈક મોટી યુવતીની કથા છે, રેવતી. વાર્તાનું નામ છે ‘સંયોગ’. એમાં અકસ્માતના તત્ત્વનો પણ ઉપયોગ થયેલો છે અને માણસની ફરજ સંયોગ પ્રમાણે બદલાય છે એવા ખ્યાલનો પણ ઉપયોગ થયો છે. શ્રીનાથન નામના એક મદ્રાસી સહાધ્યાયીના પ્રેમમાં રેવતી પડી એ પૂર્વે એના પિતા અને કાકાને ભય હતો કે કદાચ રેવતી કોઈના પ્રેમમાં પડી શકશે જ નહીં, એવું વિલક્ષણ હતું એનું વ્યક્તિત્વ. લેખિકા રેવતીના વ્યક્તિત્વનું વર્ણન કરે છે : ‘પ્રેમની સાથે જ સન્માનની ભાવના પણ આપોઆપ જાગે એવું તેજસ્વી એનું વ્યક્તિત્વ હતું. પુરુષોને પણ ઝાંખા પાડી દે એવું અસાધારણ એનું બુદ્ધિચાપલ્ય હતું. મા વગરની ઊછરેલી તે ઉપરછલ્લી મૃદુતા તો દર્શાવી જ શકતી નહીં, એટલે વિશાળ મિત્રમંડળમાં ફરવા છતાં તેને માટે નાજુક ચિંતાઓ જન્મે એવું નહોતું. ઊલટાનું કેટલીકવાર તો એવું બનતું કે આનંદરાવ વિચારમાં પડી જતા કે પુરુષ સમોવડી આ રેવતી સ્નેહનાં બંધન કદી સ્વીકારશે ખરી કે નહીં? રેવતીના સોનેરી ગોરા ભભકભર્યા રંગમાં તેના સુદૃઢ, સપ્રમાણ દેહમાં, તેની પ્રતિમા જેવી રેખાબદ્ધ મુખાકૃતિમાં સૌંદર્ય તો અભરે ભર્યું હતું, પણ સ્ત્રી સુલભ મધુરતા અને લજ્જા ક્યાં? તેની બુદ્ધિની તેજસ્વી ઝળહળતી આંખોમાં આંખ પરોવીને જોવાનું સામર્થ્ય જ કેટલા ઓછા યુવકોમાં હતું, તો પછી એ આંખોને સ્નેહના ભારથી નમાવી દે એવું પૌરુષ તો ભગવાન જાણે ક્યાં સર્જાયું હશે!’ (પૃ. ૨૦૭, એક લહર) આ વાર્તા બરાબર ઘૂંટાઈને લખાઈ છે. લેખિકાએ સહેજ વધુ સાવધ રહીને અકસ્માત અને અસંભવના તત્ત્વથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો હતો. રેવતી ‘કાળા, છોકરડા જેવા લાગતા એકવડા’ કાઠાના મદ્રાસી જુવાન શ્રીનાથનના પ્રેમમાં પડે તે અશક્ય નથી લાગતું, એના પિતા અને કાકા એને વારે અને એ દુઃખ સાથે બધું ખમી ખાય, શ્રીનાથનને છેવટનો પત્ર લખી દે એ પણ શક્ય લાગે છે પણ છાપામાં રેલવે અકસ્માત વિશે જાણીને એ તપાસ કરે અને એમાં શ્રીનાથન પણ હોય એ વસ્તુ કાકતાલીય લાગે છે. પણ વાર્તાને અંતે રેવતી દ્વારા ચરિતાર્થ થતો આદર્શ એના વ્યક્તિત્વ સાથે સુસંગત છે. ઘવાયેલા શ્રીનાથનને જોઈને જ રેવતી મૂર્ચ્છિત થઈ જાય છે. શ્રીનાથનનો જમણો હાથ અકસ્માતમાં કપાઈ ગયો છે. બીજો હાથ હજી પાટામાં છે. રેવતી રડે છે. શ્રીનાથનને હવે અકસ્માતનું દુઃખ નથી. કહે છે : ‘આને લીધે તો તું મને મળવા આવી. એ શું કંઈ ઓછો બદલો છે?’ ઇજનેરનો જમણો હાથ જાય એથી મોટું દુઃખ કયું? પણ હવે રેવતી એનો હાથ બનવા માગે છે. શ્રીનાથન ના પાડે છે. એણે પ્રેમ સ્વીકાર્યો હતો પણ હવે દાનની એ ના પાડે છે. બીજાં અપંગોની જેમ એ જીવી નાખશે. અભિમાનપૂર્વક. રેવતી અપંગ શ્રીનાથન સાથે લગ્ન કરવાના નિર્ણયમાં અફર છે. પૂર્વે એને છોડવાનો નિર્ણય કર્યો ત્યારે અંગત સુખ છોડ્યું હતું, ભાવિની આશા છોડી હતી. આજે પોતે શ્રીનાથનને છોડે તો એણે માનવતા જ છોડી દેવી પડે. આ દલીલ સાથે એ હૉસ્પિટલમાંથી જ પિતાને પત્ર લખીને નિર્ણય જણાવી દે છે. આમ આ પણ દુઃખ અને ભય પર શુભના વિજયની કથા છે. ત્રીજી વાર્તા છે ‘વિશ્રંભકથા’. એ ઉત્તમ નવલિકા છે. મણિકર્ણિકાના ઘાટ પર બે મહિલાઓનો ભેટો થઈ જાય છે. અને બાળપણનાં સ્મરણોમાં તલ્લીન થઈ જાય છે. એમના જીવનમાં એ સમાધિની ક્ષણ છે. લેખિકાએ વાર્તા ઉપાડી છે મંગળાના પુત્ર વિશ્વાસના દૃષ્ટિબિંદુથી. માની સાથે અહીં આવવું પડ્યું એ એને ગમ્યું નથી. મા-બાપના કર્મકાંડમાં એને અંધશ્રદ્ધા જ દેખાય છે. એ માને શોધવા નીકળ્યો છે. એ કામ એને સોંપીને પિતા ઉતારે પહોંચી ગયા છે. ચિતાના ધુમાડાથી બળતી આંખો રૂમાલથી દબાવતો એ આગળ વધતો રહે છે. લેખિકાએ એનો કંટાળો બરાબર ઉપસાવીને પછી દૂર ઘાટને નીચલે પગથિયા મંગળા અને શાંતિની વિશ્રંભકથા નિર્દેશી છે. એ નિમિત્તે બીજી સ્ત્રીઓથી મંગળા કઈ બાબતે જુદી પડે છે એ જણાવી શકાયું છે. ‘મંગળાનો તો ઊંચો સૂર જ કોઈએ સાંભળ્યો નહોતો. હંમેશ તે ઘરમાં કામ કર્યા કરતી, બધાંને મરજી મુજબ રસોઈ બનાવી આપતી, કોઈનું કંઈ ખોવાય તો શોધી દેતી. જે કોઈ વઢવા બેસે તેનું સાંભળી લેતી. હંમેશાં તે બધાથી દબાતી આવી છે. પહેલાં સાસુ-સસરાથી પછી પતિથી અને હવે વહુ-દીકરાથી.’ આ અંગે એને કશી ફરિયાદ નથી. આ તો માત્ર એક હકીકત છે, લેખિકાએ નોંધેલી. વિશ્વાસ પાસે જઈને સંબોધે છે : ‘મા.’ કોઈ સાંભળતું નથી. એક સમાધિ લાગી ગઈ હતી. ખુલ્લા પગ બળતા નહોતા. લોકોની ભીડનો કંટાળો નહોતો, માથે સૂરજનો તાપ નહોતો, મણિકર્ણિકાનું જીવનની નશ્વરતા વડે ગમગીની પ્રેરતું વાતાવરણ પણ ત્યાં નહોતું. સામાન્ય સ્ત્રીના જીવનની આ એક સ્વાભાવિક છતાં વિરલ ક્ષણ ઝિલાઈ છે. પણ મંગળાના જીવનમાં પણ કશુંક અસામાન્ય છે ખરું. વિશ્વાસ મા અને એની બહેનપણીની વાતો સાંભળતો આવી રહ્યો છે. એ સાંભળે ન સાંભળે એની શાંતિને પણ સભાનતા નથી. નામ વખાણીને એ પૂછે છે : ‘પણ એનું મોં વિનાયક જેવું તો સહેજે નથી!’ માંડ માંડ કરીને થડકતા અવાજે મંગળા કહે છે : ‘પણ શાંતિ, પછી મારો વિવાહ જ બીજી જગ્યાએ થયો હતો ને!’ આ પછી પરિસ્થિતિ અને મનની સ્થિતિ કેવી છે? ‘બધાં શાંત રહી ગયાં. દરેકના મનમાં બેચેની હતી. બાળકના હાથમાંનો મોટો સાબુનો પરપોટો એની ચમકતી સપાટી પરના બધા રંગ સાથે ઓચિંતાનો ફૂટી ગયો હોય એવું લાગવા માંડ્યું. ઘાટના પગથિયાંનો પાર જ નહોતો આવતો. માથે સૂર્યનો તાપ પણ અસહ્ય હતો.’ (પૃ. ૭, વિશ્રંભકથા) હવે પછી થોડીક ઔપચારિક વાતો થાય છે. નામ-સરનામાં લઈને બંને ગૃહિણીઓ વિદાય લે છે. વાર્તાનું છેલ્લું વાક્ય છે, ‘પણ મિલન તો ત્યાં ઘાટને નીચલે પગથિયે જ પૂરું થઈ ગયું હતું.’ કશા દામદમામ કે કલ્પનાના ઘટાટોપ વિના વાર્તા સાવ સાદી કથનરીતિથી મર્મસ્પર્શી બની છે. ભાવપરિસ્થિતિ-સિચ્યુએશન પણ કલાત્મક પરિણામ લાવવામાં કેવી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એનું આ વાર્તા દૃષ્ટાંત છે.
‘ઘટના પછી’ હિમાંશી શેલતનો આઠમો વાર્તાસંગ્રહ છે. અગાઉના સાત વાર્તાસંગ્રહોમાંથી ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ અને ‘એ લોકો’ની વિવેચકોએ વધુ ચર્ચા કરી છે. એમને વિવિધ સમ્માન પણ મળ્યાં છે. એક સર્જક તરીકે કલા અને સમકાલીન સમાજ સાથેની એમની નિષ્ઠા સતત વર્તાતી રહી છે. સાહિત્યનાં અન્ય સ્વરૂપોનાં બીજાં ત્રેવીસ પુસ્તકો પણ એમની નિષ્ઠા અને ક્ષમતાનો પરિચય છે. અનુવાદ અને સંપાદન ક્ષેત્રે વિરલ કામગીરી બજાવનાર ઝવેરચંદ મેઘાણીના સુપુત્ર સ્વ. વિનોદ મેઘાણી સાથેનું એમનું સહજીવન હિમાંશીબહેનની મૂલ્યનિષ્ઠાને બળ પૂરું પાડે એવું હતું. આદર સાથે એ વાતનું સ્મરણ થતું રહેશે. ‘ઘટના પછી’ વાર્તાસંગ્રહની વિશેષતા એ છે કે એમાં સંકલિત ચૌદ વાર્તાઓ કંઈ ને કંઈ બન્યા પછી – ઘટિત થયા પછી લખાઈ છે. લૌકિક નજરે જે અઘટિત-અયોગ્ય લાગે એ પણ સાહિત્યકૃતિમાં ઘટના તરીકે નિરૂપાય ત્યારે સંવેદન જગવી શકે, માનવમૂલ્યનો નિર્દેશ કરી શકે. સંગ્રહની છેલ્લી વાર્તાનું નામ પણ ‘ઘટના પછી’ છે. અભયનું અવસાન થયું છે. અભયને શું ગમતું હતું, શું નહોતું ગમતું એ યાદ આવતાં જ સુનંદા બોલી ઊઠે છે : ‘નથી રાખવી પ્રાર્થનાસભા.’ પણ વ્યવહારુ માણસો કહે છે : ‘જો બેન, અભયને ન ગમે એ ખરું પણ હવે સવાલ તારો છે. જો પ્રાર્થનાસભા નહીં હોય તો ગમે ત્યારે લોકો આવ્યા કરશે. તને જંપવા નહીં દે. ફાવશે એવું?’ (પૃ. ૧૧૦) સ્વજન ગુમાવવાની સંવેદના એક બાજુ છે અને બીજી બાજુ છે રીતરિવાજોની આડશમાં ફરજ પતાવી દેવાની લાગણીહીન ઉતાવળ. અભયનાં સાત ભાઈ-બહેન છે. અભય જીવતો હતો ત્યારે ન આવ્યા એ આવશે? આવે. સુનંદા સંબંધના અનુભવ વિના સગાં-વહાલાંની સલાહ સાંભળતી રહે છે. પણ વચ્ચે વચ્ચે અભય નથી એની પીડા જાગી ઊઠે છે – ‘નથી રહ્યો તેમાં જ યાદ આવે પાછલું... પાળા તોડીને ધસતા ડૂમાને માંડ અટકાવી સુનંદા ઊભી થઈ ગઈ. મરણના ઘરમાં જ સંભવે એવો સૂનકાર ઓરડાને ગળી ગયો.’ (પૃ. ૧૧૨) આ વાર્તામાં સગાંવહાલાંની જડતા અને સુનંદાની સંવેદના વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ છે. એ બોલકો બને તો વાર્તા હેવાલ બની જાય, બેસણાનો-પ્રાર્થનાસભાનો વિધિ પૂરો થાય ત્યાં મોટાભાઈ આવે છે. એ સુનંદાને પહેલી વાર મળે છે. અભયને પણ છેક ઓગણીસસો બાણુમાં મળેલા. ત્યારે અભય-સુનંદાનાં લગ્ન નહોતાં થયાં. અભય મોટા ભાઈના આગમનની રાહ જોતો. મોટા ભાઈ ત્યાં હાજર સહુ માટે અજાણી વ્યક્તિની જેમ ફોટા પાસે જાય એ પહેલાં સુનંદા અભયનો ફોટો ઉપાડી લઈને થેલીમાં મૂકી દે છે. ‘–નીકળીશું? સમય આમેય પૂરો થઈ ગયો છે.’ આ છે વાર્તાનું અંતિમ વાક્ય. આ નવલિકા કૌટુંબિક સંબંધોની ઔપચારિકતા, સાચા સંબંધની ઉપેક્ષાની વેદના અને નારીહૃદયની નિસ્બત આલેખે છે. સાથી ગુમાવનાર સુનંદા જેવી નારી માટે સ્નેહ સ્મૃતિરૂપે સધિયારો બને છે. સંગ્રહની પ્રથમ વાર્તા હિમાંશીબહેનની સમાજનિષ્ઠાની દ્યોતક છે. વ્યવહારુ લેખક કોમી રમખાણો વિશે લખવાનું ટાળે, લખે તો પણ સત્ય સુધી જવાની ખેવનાના અભાવે અધવચ્ચે અબપાઈ જાય. ‘ત્રીજું કોણ?’ વાર્તામાં મરનાર બે વ્યક્તિ તો નિગારઆન્ટીનાં ભાઈ-ભાભી છે. પણ એમને સાથ આપનાર ત્રીજું કોણ હતું? એ પ્રશ્ન તો વર્ણનાત્મક ઘટનાને માનવીય સંબંધ સુધી પહોંચાડવાની રચનારીતિ છે. હત્યાકાંડને લગતા બધા પ્રશ્નોના જવાબ મુનીરા કે માઈકલ પાસે નથી. માઈકલે રમખાણ વખતે ફોટા પાડેલા, ભડકે બળતા વિસ્તારોની એક વીડિયો ફિલ્મ લીધેલી. નિગારઆન્ટીને એ બતાવવામાં આવે છે. એ જોતાં એમની તબિયતને માઠી અસર થાય છે. છેક મોડી રાતે એક સપનું આવે છે. એમાં લેખિકા ત્રીજી વ્યક્તિ કોણ? એ પ્રશ્નનો ઉકેલ શોધે છે. સ્વપ્નમાં કહેવાયું છે કે તોફાનો ચાલુ થયાં ત્યારથી સંપતને ધમકીઓ મળતી. પણ એણે નિગારઆન્ટીનાં ભાઈ ભાભીનો સાથ નહોતો છોડ્યો. વાર્તાના અંતે નિગારઆન્ટી એ સંપતને શોધવા નીકળે છે. માત્ર એના નામની જ ખબર છે, સરનામું નથી. છતાં શોધવા નીકળે છે. સર્જકની શોધ કંઈક આવી જ હોય. હત્યાકાંડો અટકાવવા જતાં ખપી જનાર માણસની શોધ. ભલે એ સ્વપ્નમાં વસતો હોય. ‘સ્મૃતિલોપ’ વાર્તાના કેન્દ્રમાં સ્મરણશક્તિ – ઓળખવાની શક્તિ ગુમાવી બેઠેલાં બા લાગે. પણ એનો અંત કેતકી-અબ્બાસના આંતરધર્મીય લગ્નની ઘટનાનો સ્વીકાર સૂચવે છે. બાની સારવારમાં કોણ કેટલું રહે એ પ્રશ્નના વ્યવહારુ ઉકેલ સહેલો નથી. બા હવે કોઈને ઓળખતાં નથી ત્યારે અબ્બાસને અહીં કેમ ન બોલાવવો? ડૉક્ટર સંમતિ આપે છે. અબ્બાસ લાંબો પ્રવાસ ખેડીને આવે છે. બા નામ પૂછે છે. કેતકી કંઈ બોલે એ પહેલાં અબ્બાસ મસ્તીથી કહે છે : ‘તમે જે આપશો એ મારું નામ!’ માનવસંબંધોને નડતા અંતરાય ઓળંગતાં કથાનકો સજર્વાની સૂઝ અને ક્ષમતા હિમાંશીબહેન ધરાવે છે. ‘સ્મૃતિલોપ’ – અલ્ઝાઈમર અન્ય શારીરિક-માનસિક કારણોને લીધે થઈ શકે પણ અહીં દીકરી કેતકી મુસ્લિમ અબ્બાસને પરણે છે એથી મા ભારે ચિંતામાં પડી જાય છે. ‘આવે ઠેકાણે છોકરી સુખી થાય જ નહીં’ – આ ગ્રંથિ સ્મૃતિલોપની બીમારી નોતરે છે. કેતકી સ્વધર્મ પ્રમાણે જ જીવે છે. અબ્બાસની યોગ્યતાઓ અસાધારણ છે. જેમને માનો સ્નેહ સતત મળતો રહ્યો છે એ જયના-અશોક માત્ર દેખાવ કરી સારવારથી દૂર રહે છે, જ્યારે કેતકી-અબ્બાસ સતત સાથ આપી, ઇલાજ કરાવી માને રમતાં કરે છે. ડૉક્ટરે સૂચવેલી રમતના ઉલ્લેખથી આ ગંભીર કથાનક હળવી રીતે ઊઘડે છે અને અંતે પુત્રી માની પણ મા જેવી ભૂમિકા ભજવતી જોવા મળે છે. હિમાંશીબહેન જે ‘સ્મૃતિલોપ’ સૂચવે છે એ તો ધર્મ-સંપ્રદાયની સંકીર્ણતા ભૂલવા માટે છે. ‘વિચ્છેદની ક્ષણ’ પચીસ વર્ષના પ્રસન્ન દાંપત્ય પછી આવી ઊભી છે. રૂપા અને જનક વિશેષ યોગ્યતાને લીધે પ્રતિષ્ઠિત છે. એકવીસ વર્ષની દીકરી બેલા કલાકાર અને આયોજક છે. એણે રીહર્સલ માટે જવાનું છે ત્યાં માની જુદાઈનો અણસાર આવે છે. પપ્પા ઘર છોડીને જાય એ બેલા માટે અસહ્ય છે, ત્યાં રૂપા કહે છે : ‘પેલી બાઈને એબોર્શન કરાવવું પડ્યું... આટલી હદે ગયેલા પુરુષને આપણી સાથે રાખીને આપણે...’ બેલા માટે પણ આ અસહ્ય છે. રૂપાને બાઝીને ડૂસકાં ભરવા લાગે છે. હવે રૂપા એને આશ્વાસન આપે છે. છેવટે બેલા રીહર્સલ માટે જાય છે. પછી સ્મરણોમાં જનકના વાત્સલ્યના પ્રસંગો વર્ણવાયા છે. વાર્તાને અંતે જનક એના કાર્યક્રમ માટે યુરોપ ગયો છે. રૂપા બેલાને શુભેચ્છા આપી પ્રેક્ષકગૃહમાં જાય એ પહેલાં બેલા સૌમિત્રનો પરિચય કરાવે છે. એ ફ્લૂટ વગાડે છે. પરદેશથી આવ્યો છે. કેવી રીતે શીખ્યો? જનક પાસે. ગુરુ અને પથદર્શક તરીકે બિરદાવે છે. અહીં જનક માટેની સ્નેહસ્મૃતિ મનોમન ઊભરાય છે. ‘એ તો મારા–’ કહેવાનું મન થાય છે પણ બોલાતું નથી. સૌમિત્ર ‘નીવડેલા કલાકારની કેળવાયેલી શાલીનતાથી’ ઊભો છે. બેલાએ આ બંનેની વાતચીત સાંભળી નથી. ભાવક અનુમાન નહીં કરી શકે. પ્રતિભાશાળી પતિના સ્ખલનને વિચ્છેદની ક્ષણ સુધી ખેંચી શકાય? બાદબાકી એટલી સહેલી છે? ‘મોત’ (૧૯૯૭) વાર્તામાં વેશ્યા ગુલાબને ત્યાં એક આદમીના મરણ પછીની પરિસ્થિતિમાં ગુલાબની મનોદશાનું ચિત્રણ ધ્યાન ખેંચે છે. મરનારની પત્ની પ્રત્યે પણ સહાનુભૂતિ જાગે એવું આલેખન છે. મોતનો મલાજો જળવાયો છે. ‘કિંમત’ વિશે મેં અન્યત્ર લખ્યું છે. પૈસા માટે કાયા વેચનાર વ્યવસાયી યુવતી પણ નિર્લજ્જ થઈ કમાઈ લેવા તૈયાર નથી. પૈસા તો માગ્યા મળત, પણ એ મૂંગી થઈ જાય છે. રૂપવતી તરીકે અભિનય બદલ નામના મળવાની આશા જાગેલી, પણ સામો પક્ષ તો નગ્નતા ખરીદવા માગે છે. ‘મોહના બેસી રહી, નિરુત્તર.’ (પૃ. ૫, ગુ.ન.ચ. ૧૯૯૬, સં. કિરીટ દૂધાત) આત્મગૌરવની આવી વિલક્ષણ અને સૂક્ષ્મ સમજણ પૂર્વે કોઈ લેખિકાએ દાખવી નથી.
શ્રીમતી તારિણીબહેન દેસાઈની વાર્તાઓ ઘટનાના તિરોધાન પછીના વળાંકની મુદ્રા ધરાવે છે. નવલિકાને એક કલાસ્વરૂપ તરીકે સ્વીકારીને સાહિત્યિક ભાષા દ્વારા ધાર્યું પરિણામ લાવી શકાય છે એમ સમજીને અનુભૂતિઓ અને ધારણાઓને વ્યક્ત કરવાના જાગ્રત પ્રયત્નરૂપે એમણે છેલ્લા દોઢેક દાયકામાં જે વાર્તાઓ રચી છે એ એમની સુપુત્રી ધ્વનિનાં રેખાંકનો સાથે સંકલિત કરી છે. કુટુંબીજનો વચ્ચે ગૃહલક્ષ્મી શાં તારિણીબહેનનું ‘સુખ’ એ કદાચ એક લેખિકા તરીકે એમને બહુ સંયત રાખે છે. ઉગ્ર અસંતોષમાંથી જાગતો સંઘર્ષ અને વેદનામાં પરિણમતાં સાંસારિક દુઃખો એક સ્ત્રીની વાર્તામાં હોઈ શકે અને કલાનું પરિણામ ધારણ કરી શકે તો વાચકોની અનુગામી પેઢીઓને પણ પ્રભાવિત કરી શકે. જે નથી તે તારિણીબહેને વ્યક્ત કર્યું નથી અને એમાં જે સચ્ચાઈનું રક્ષણ થયું છે એ પણ બિરદાવવા જેવું તત્ત્વ છે. આ કુટુંબનો સાહિત્ય-સંગીત-કલાપ્રેમ પ્રસ્તાવના કરતાં વિવેચન લખવા પ્રેરે એવો છે. અને એ પણ ‘કંકાવટી’માં જેનો ઉચ્ચાર શેખાદમે એક વાર ‘કંકાસવટી’ કરેલો. હવે શેખાદમ સાથે ગઝલની એક પંક્તિ પણ યાદ આવી ગઈ : ‘ઔર ભી દુઃખ હૈં જમાને મેં મુહબ્બત કે સિવા.’ એટલે કે સાહિત્ય બહારની દુનિયા પણ મોટી છે. હિમાંશુ વોરાની દીકરી કિન્નરી સાથે ચર્ચા કરીને સંસ્કૃતિ એનો સાર મમ્મીને કહી શકે. એ વખતે હાજર હશે તો સુધીરભાઈ કહેશે – પણ ‘હાલોલનો એક છોકરો’ વાર્તામાં બીજું છે શું? સુખી રહેવા સર્જાયેલાએ જાતે દુઃખ નથી વહોર્યું? તારિણીબહેનની એક-એક વાર્તા પાછળ કોઈક નિમિત્ત તો પડ્યું જ છે. જે એના મૂળ રૂપે પ્રગટ ન થાય એની કાળજી લઈને લેખિકાએ કલાધર્મ અદા કર્યો છે. પણ આપણી પાસે તો આ વાર્તાઓ જ છે. એ ચૌદ પોઈન્ટનાં ટાઈપમાં સારા કાગળ પર છપાઈ છે. વાર્તાઓ બહુ લાંબી નથી. લખાવટમાં સતત સાવધાની વરતાય છે, ચીપી ચીપીને લખ્યાની ખાતરી થાય છે. અતિ ઉત્સાહ નથી દાખવ્યો. આટલી વાર્તાઓ લખવામાં જોઈએ એથી ઘણાં વધુ વરસ લીધાં છે. ‘અલૌકિક સિગરામ’માં બહારની સીમિત સૃષ્ટિને સંવેદનશીલ બાળકની આંતરિક અસીમ સૃષ્ટિ જેટલી વિસ્તારી શકાય કે કેમ એ શક્યતા તપાસી છે. ચાર બાય છના સિગરામમાં જ બધું જોવાનો-અનુભવવાનો અલૌકિકનો પ્રયત્ન જે ઘટનાને કારણે વાર્તાને અંતે નવું પરિમાણ ધારણ કરવા જાય છે એ ઘટના પણ માનસિક છે. ટૂંકમાં અહીં બાળકનું મન અને એને માથે લદાયેલી પરિસ્થિતિ એ બે જ ઘટકો છે જેમના સંબંધમાંથી વાર્તા સર્જાવાની છે. કશી લૌકિક ઘટનાની લેખિકાએ મદદ લીધી નથી. પણ એ વક્રતા એમને મદદરૂપ નીવડી છે, મોકળાશ ઝંખતો અલૌકિક ચાર બાય છની સિગરામમાં પુરાય છે અને પછી અંદર રહીને બહારના મુક્ત જગતને પામી રહે છે. ‘પણ પછી એ એની નજરને બારીમાંથી બહાર ધકેલી દે છે અને એના ઊના નિઃશ્વાસને દૂર સુધી – સરોવર પહાડ, દરિયો, નગર, આકાશ ક્ષિતિજ સુધી મોકલી દેશે અને એનાં આશ્ચર્ય સાથે એ રિબાઉન્ડ થઈ આવી જશે હૂંફાળો શ્વાસ બનીને.’ (પૃ. ૫) ‘કબરો પણ ચાલી શકે છે’ વાર્તામાં ‘કબર એ માણસ છે અને માણસ એ જીવતી કબર જ છે.’ એવું પ્રતિપાદન કરેલું છે. અને પછી ઇષાણને સજીવારોપણની શૈલીએ કબરમાંથી બહાર કાઢીને એને જડચેતન શુભાશુભ સકલ જગત સાથે અભેદ અનુભવતો વર્ણવ્યો છે. જોકે અહીં અભેદ કરતાં સાદૃશ્ય શબ્દ વધુ અર્થસૂચક નીવડે. આખી વાર્તાનો મદાર ‘ચાલવાનાં જંતુઓ’ પર છે. અહીં ઇષાણ પાત્ર નથી માત્ર આધાર છે, વર્ણનનો. વાર્તાલેખનનો આ પ્રકાર હવે વધુ નહીં ખેડાય. ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળ’નું સમગ્ર કથ્ય પ્રથમ વાક્યમાં મૂકી આપ્યું છે. ‘કિચૂડ કિચૂડ બોલતી સાંકળને હીંચકે ઝૂલતી આ વિધવા સ્ત્રી હીંચકે બેસીને પગથી હલસારા મારે છે, અને વાય છે અતીતનો પવન.’ (પૃ. ૨૫) આ સ્ત્રીનો વર્તમાન પણ જાણે કે ભૂતકાળનો ભાગ હોય એ રીતે નિરૂપણ થયેલું છે. ‘ઉઘાડબંધ થયાં કરતાં બારણાંની પાછળ’ વાર્તા પણ ભૂતકાળને જ ‘કેલિડોસ્કોપ’ બહુરૂપદર્શક સાધન બનાવીને કામ લે છે. આ પ્રકારની વાર્તાઓમાં મુખ્ય પાત્રના અન્ય પાત્રો અને સૃષ્ટિ સાથેના સંબંધો વધુ સ્પષ્ટ બનીને આવવાં જોઈએ તો જ વાચકના મન પર એનું મુદ્રાંકન થાય. ‘હાલોલનો એક છોકરો’માં માતા ગુમાવીને ગામ આવેલો નગરનો રમાકાન્ત દાદીમાના ઉદ્ગારના પ્રત્યાઘાતરૂપે બધી રસોઈ ભેગી કરીને એક પાત્રમાં જમવા લાગે છે અને જાણે અજાણે આ પ્રત્યાઘાત જ એના ઘડતરમાં નિમિત્ત બને છે : લગ્ન પછી પત્ની એની આ ટેવથી અકળાય છે ત્યારે એને જે રીતે સ્વસ્થ વર્તતો બતાવ્યો છે એમાં લેખિકાની કલાસૂઝ રહેલી છે. આલંકારિક ઉક્તિઓ દ્વારા વાર્તા આગળ ચલાવવા કરતાં આવા વળાંકે પાત્રના મન અને વર્તનને ચોક્કસ છતાં વાચક માટે અણધારી દિશામાં લઈ જવામાં રહેલી પરંપરાગત કળાની ઉપેક્ષા કરવા જેવી નથી. તારિણીબહેનની વાર્તાઓની ચર્ચા કરતાં યૉસેફ મેકવાને તુરંત આ વાર્તાનું નામ દીધું હતું. વાચન દરમિયાન જેમાં સાદ્યંત રસ પડે એવી કેટલીક વાર્તાઓ અહીં છે. ‘હાલોલનો એક છોકરો’ વાચકની સ્મૃતિમાં પણ સચવાય એવો પરિસ્થિતિ અને ઘટનાનો અન્વય સધાયો છે. ‘વાદળો, સૂર્ય અને આકાશ’માં બાળમાનસના તરંગોનું આલેખન છે. માનવીય સૃષ્ટિ અને અન્ય સૃષ્ટિ વચ્ચે વિકલ્પોથી પસંદગી કરવાની છે એ ભાગ કંઈક રસપ્રદ થયો છે. વાર્તાનું સ્વરૂપ લલિત નિબંધનું છે. પછીની વાર્તા ‘વ્હીસલ અને બચુડો’ પણ બાળસૃષ્ટિને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. ‘ક્ષણોનો પિરામિડ’ એકાધિક પરિમાણ ધરાવે છે. નરેન્દ્ર, રમા, નયન, રમેશ – આ બધી વ્યક્તિઓ અહીં પતિ અને પિતા, પત્ની અને માતા, પુત્ર અને વિદ્યાર્થી તથા મિત્ર તરીકે આવે છે. વાર્તા કુટુંબ અને સમાજ વચ્ચે આકાર લેવા લાગે છે. અને બીમારીને કારણે ઊભી થયેલી ભાવિની અનિશ્ચિતતા અંતે કારુણ્યનો સ્પર્શ કરાવી જાય છે. વાર્તાકાર તરીકે તારિણીબહેને અહીંથી શરૂઆત કરવાની છે. ‘ઉંબર પર ઊભેલું કૉલાજ’, ‘ઑલીવથી ભરેલા પફની પાછળ’, ‘સિસ્મોગ્રાફ’ વગેરે કૃતિઓમાં જોવા મળતા અંગ્રેજી શબ્દપ્રયોગો મૂંઝવે છે. કેટલાક વાચકોને તો વિમુખ પણ કરી દે. જે સંકુલતા આધુનિકતાનું લક્ષણ છે એ આનાથી જુદી છે. ‘પગ બોલતા લાગે છે’ વાર્તામાં પણ અંગ્રેજી શબ્દોની ભરમાર છે, પરંતુ એમાંના મોટા ભાગના શબ્દો પરિસ્થિતિજન્ય અનિવાર્યતા લઈને આવે છે. બીમારી, એની સાથે જોડાયેલું કંટાળાનું તત્ત્વ અને સુખદુઃખ સાથે સંકળાયેલી માણસની તરંગલીલા અહીં વ્યક્ત કરવામાં લેખિકા ઠીક ઠીક સફળ થયાં છે. ‘હાલોલનો એક છોકરો’, ‘ક્ષણોનો પિરામિડ’ અને ‘પગ બોલતા લાગે છે’ આ ત્રણ વાર્તાઓ લખનાર પાસે વાર્તાકાર તરીકેની સજ્જતા છે. અને એમની પાસે વધુ અપેક્ષા રાખવાનાં કારણ પણ આ ત્રણ વાર્તાઓ પૂરાં પાડે છે. બીજી ભાષાઓની ‘ટૂંકી વાર્તા’ પ્રમાણમાં લાંબી હોય છે અને વાસ્તવલક્ષી વિગતોનો પણ એ ઠીક ઠીક ઉપયોગ કરતી હોય છે. ગુજરાતી નવલિકાનું ટૂંકું સ્વરૂપ એને કવિતાની નજીક લઈ જવામાં પણ મદદરૂપ થયું છે. એ વલણ તારિણીબહેનની કેટલીક વાર્તાઓમાં છે. પાછળથી એ આધુનિક નગરજીવનની ગદ્યાળુતા પણ વાર્તાની ઇબારતમાં લઈ આવે છે. આ સભાનતા આવકાર્ય છે. રાધેશ્યામ શર્માએ ‘નવી વાર્તા’ નામના સંચયમાં એમની નવલિકા ‘કબરો પણ ચાલી શકે છે’ છાપી હતી ત્યારથી એમના પ્રત્યે ધ્યાન ખેંચાયું હતું. એ પછી એમણે ચડિયાતી વાર્તાઓ લખી છે.
તા. ૪-૪-૧૯૮૧
‘આ એક ખંડ’ ભારતીબહેન ર. દવેની ચૌદ વાર્તાઓનો સંગ્રહ છે. જીવનની બધી લેણદેણ પૂરી કર્યા પછી, જુદી જુદી ક્ષણે ભવસાગરનાં ભરતીઓટ અનુભવ્યા પછી વ્યક્તિ પોતાનું સંવેદન વ્યક્ત કરે તો કેવું પરિણામ આવે? આ સંગ્રહમાંની ‘આ એક ખંડ’ વાર્તા એનું દૃષ્ટાંત છે. સાહિત્ય અકાદમી – દિલ્હી દ્વારા પ્રકાશિત ‘વીસમી સદીનું નારીલેખન’ સંચયમાં આ વાર્તા સમાવેશ પામેલી છે. જીવનની સંધ્યાએ પોતાના કલાત્મક સમૃદ્ધિ ધરાવતા ખંડમાં અનુભાઈ એકલા છે પણ એમની એકલતામાં ખાલીપો નથી. સ્મરણોની સમૃદ્ધિ છે. દીકરી, જમાઈ, એમનાં બે સંતાનો અમેરિકા સ્થાયી થયાં છે. એમની વિદાય સ્વસ્થતાથી સ્વીકારી લીધી છે. ‘આખા ખંડનું સુશોભન એવી કલાદૃષ્ટિથી થયું હતું કે જોનારને અનુપમ હાર્મનીનો અનુભવ અનાયાસ થતો રહે.’ (પૃ. ૧૬૯) હાર્મની – સંવાદિતા સિદ્ધ કરવામાં ખંડની કલાત્મક વસ્તુઓનો ફાળો છે એમ વાદ્યસંગીતની પણ નિર્ણાયક ભૂમિકા છે. પોતે સિતાર વગાડતા. સંગીતકાર ખાનસાહેબે આગ્રહ કરતાં અનુભાઈએ કેદાર વગાડેલો. એનું સ્મરણ વર્તમાન ક્ષણને સભર કરે છે : ‘મીઠાં સ્મરણો વાગોળતા અનુભાઈ સિતારને બેઠક પર મૂકી એમ જ શાંત બેસી રહ્યા. દીવાનખંડ ફરી નીરવ શાંતિમાં સરી પડ્યો.’ (પૃ. ૧૭૫) સંગીત કરુણને પણ આનંદની અનુભૂતિમાં પલટાવી શકે. કાલિદાસના શાકુન્તલમાં પ્રકૃતિ પણ એક પાત્ર છે. એ શકુન્તલાને વિદાય આપે છે. અહીં કલાત્મક ખંડ છે, એ અનુભાઈને સાથ આપે છે, જીવવામાં, વિશ્રામ સાથે. ‘થાપણ’ વાર્તા ‘કુમાર’ માસિકમાં પ્રગટ થઈ ત્યારે લોકપ્રિય થઈ હતી. એમાં ગતિશીલ ઘટનાઓ છે. મનાલીમાં ટ્રૅકિંગ કરતાં માધવી અને સુબાહુ નજીક આવેલાં. મિલન પ્રેમના ઉત્કટ આવેગનું હતું, પણ સુબાહુનું લગ્ન જાનકી સાથે થયું. માધવીએ ગર્ભપાત કરાવવાને બદલે સુજાતાને જન્મ આપી ઉછેરી. પણ આજે માધવી મરણ પથારીએ સૂતી છે. એ સુબાહુને પત્ર લખી બોલાવી, સુજાતારૂપી થાપણ સોંપે છે. આ પૂર્વે સુબાહુએ પત્ની જાનકીને પોતાના પૂર્વસંબંધની વાત કરી નથી તેથી એ આંચકો અનુભવે છે, છતાં એની દીકરી મીનુ મૃત્યુ પામી છે. એનો ઓરડો રમકડાંથી ભરેલો છે. એમાં સુજાતા જાય અને મીનુનું સ્થાન લે એ શક્યતા ઊભી થાય એ પહેલાં જાનકી ગુસ્સે થઈ હાથ ઉપાડે છે. ઘરની નજીકમાં રેલવેના પાટા છે. એ મમ્મીની દિશામાં જાય છે એટલું જાણતી સુજાતા રડતી રડતી પોતાના ટેડી બેરને લઈ ચાલી નીકળે છે. ખ્યાલ આવતાં જાનકીને ભૂલ સમજાય છે. પણ સુજાતા ક્યાં છે? શોધે છે, દોડે છે, ‘ટ્રેનની તીણી વ્હીસલ સંભળાઈ, જાનકી ‘સુજુ બેટા, ઊભી રે ઊભી રે!’ એમ બૂમો પાડતી એની નજીક પહોંચી ગઈ અને બે હાથ ફેલાવી સુજાતાને ઊંચકી લીધી અને છાતી સરસી ચાંપી દીધી. ઑફિસથી આવી સ્કૂટર પાર્ક કરતા સુબાહુની આંખો, આ દૃશ્ય જોતાં વરસી રહી.’ – આ અંત વિવેચનની પરિભાષામાં મેલોડ્રામૅટિક – અતિરંજિત કહેવાય પણ આનાથી વધુ પ્રતીતિજનક બીજો કયો અંત હોઈ શકે? માધવી વાર્તાના આરંભે આવે છે. એનું યૌવન ભલે કેન્સરનો ભોગ બન્યું પણ એળે ગયું નથી. એનો પ્રેમ સુજાતા રૂપે સુબાહુ અને જાનકીના ખાલીપાને ભરવામાં નિમિત્ત બને છે. જે નથી તેનું સ્થાન જે છે તે લે છે. મૃત્યુની નજીક પહોંચેલી માધવીની સ્વસ્થતા પેલી નાટ્યાત્મક ઘટના પછી પણ ભુલાશે નહીં. સાહિત્ય અને ફિલ્મમાં આ કે બીજા પ્રકારની થાપણની વાત અવારનવાર આવતી રહી છે. પણ વિદેહ મીનુનો રમકડાંથી ભરેલો ઓરડો અને ટેડી બેર જેવાં રમકડાં સાથેના સંવાદની યોજનામાં ભારતીબહેનની સૂઝસમજ વર્તાય છે. ‘અભિનય’ વાર્તામાં રક્તપિત્તનો ભોગ બનેલી મહિલા, એની ઉપેક્ષા કરનાર દીકરાને ઝંખતી છેલ્લો શ્વાસ લઈ રહી છે. જીવ જતો નથી. એની પીડા જોનાર જીજી દર્શનને બોલાવી પેલાં માજીનો દીકરો ભીખો બની, એમને લેવા આવ્યાનો અભિનય કરવા કહે છે. દર્શન ભીખો બની માજીને સંબોધે છે. દર્શન માટે અભિનયની કળા સહજ હતી પણ અહીં રક્તપિત્તના દર્દીની દુર્ગંધ ભૂલીને એમને અપનાવવાની ક્ષણ વિરલ છે. ‘માજીના હાથ વધુ લંબાયા. એ અશક્ત અને ધ્રૂજતા ઢળી રહેલા હાથ એને વીંટળાઈ વળ્યા. એક અસહ્ય ભીનાશ – પચપચાહટથી કંપતા અવાજે અને તીવ્ર ધ્રુજારીથી કંપતા શરીરે દર્શને કહ્યું : ‘મા, હું તારો ભીખો, તને લેવા આવ્યો છું... હાલ, તારે ઘરે આવવું છે? જીજીએ દર્શનની પીઠે હાથ પસવાર્યો ને માજીનું નિશ્ચેષ્ટ શરીર એના હાથમાંથી પલંગ પર સરી પડ્યું!’ (પૃ. ૧૭) આવો અભિનય સત્યથી સવાયો સિદ્ધ થાય. પણ લેખિકાએ રક્તપિત્તથી સબડતા-ગંધાતા દર્દી સામે સૂગ ન રાખવાનો સંકેત કર્યો છે એમાં એમની માનવતાવાદી દૃષ્ટિ રહેલી છે. સુશીલ નારીને થતા અન્યાયોમાં આત્મરાગી પુરુષો અને લોલુપ લલનાઓ બંનેનો ફાળો હોય છે એવું સમગ્રપણે આ સંગ્રહ સૂચવે છે તેમ છતાં સમાન્તરે વર્તાય છે કે લેખિકા નારીવાદના પૂર્વગ્રહોથી મુક્ત છે. આમેય એમણે લેખન અનુઆધુનિક કાળમાં શરૂ કર્યું છે ને! જીવન, કલા, નિસર્ગ અને શ્રમજીવી માણસ પ્રત્યે લેખિકાનો સમભાવ અછતો રહેતો નથી. વિઘટિત થતા મહત્ત્વાકાંક્ષી પરિવારોના ઉધાર પાસાનો હવાલો વડીલો વૃદ્ધોએ સંભાળવાનો આવે છે. કશી કડવાશ વિના વૃદ્ધો આ પરિસ્થિતિને સ્વીકારતા જણાય છે. ભારતીબહેન સામે છે એ સમાજ રુગ્ણાલય બન્યો નથી. ગુમાવવાનો અનુભવ હારી જવાની મનોદશા ભણી દોરી જતો નથી. તેથી ‘આ એક ખંડ’ ફરિયાદનો નહીં, વિશ્રામનો અનુભવ કરાવે છે. ભારતીબહેન શિક્ષિકા રહ્યાં, કટોકટીકાળમાં ભાવનગરની જેલમાં રહેલા સત્યાગ્રહીઓને ખાવાનું પહોંચાડતાં. અમદાવાદ આવ્યા પછી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થયાં. સાહિત્ય પરિષદના ભવનમાં ગ્રંથભંડારને વિકસાવ્યો. પ્રકાશનમંત્રી તરીકે દૃષ્ટાંતરૂપ કામ કર્યું. પીએચ.ડી. થવાનાં હતાં. એના વિકલ્પે ‘આ એક ખંડ’ની રચના કરી. મહાદેવી વર્માનું ગીત છે : ‘પરિચય ઇતના, ઇતિહાસ યહી, ઉમડી કલ થી મિટ આજ ચલી. મૈં નીરભરી દુઃખ કી બદલી.’ પણ નીર હોય તો દુઃખ શેનું?
તા. ૧૩-૯-૨૦૧૩
બે દાયકા પહેલાં સુરતમાં સાહિત્ય પરિષદ દ્વારા યોજિત વાર્તાસત્રમાં ‘મંગળસૂત્ર’ વાર્તા સાંભળેલી. કોઈ એક વજનદાર ઘટના હોય એવી વાર્તા યાદ રહી જાય. ‘મંગળસૂત્ર’માં ઘરનો ભાર અને પતિનો ત્રાસ વેઠતી પાંચ દીકરીઓની મા પુષ્પાનો અવિરત થાક આલેખાયો છે. મૂળ આ કુટુંબ પંજાબનું છે, પતિને ઠાકુર હોવાનું પોકળ અભિમાન છે. પહેલાં મિલમાં જતો, મિલ બંધ પડતાં છૂટક મજૂરી કરે ન કરે. મોટી દીકરી મુન્ની સિલાઈ કરે. ‘સપનાં જોવાની ઉંમરમાં એની આંખે ચશ્માં આવી ગયાં.’ પુષ્પા બસમાંથી ઊતરે છે ને પાછળથી હડસેલો આવે છે એના વર્તનથી વાર્તા શરૂ થાય છે. હાથસાળ સોસાયટી બસસ્ટેન્ડથી અર્ધો ગાઉ દૂર છે. આ અઠવાડિયે ચાર વાર મોડી પડી છે. દયાળજી હાજરી પૂરે છે, કાઢી પણ મૂકે. લગ્ન પહેલાંના આરામ અને સુખના દિવસોની સમાંતરે ગંગાકાંઠેથી, અગિયાર મહિના સૂકી રહેતી સાબરમતી કાંઠે આવેલી, આ આખું ઘર સંભાળતી નારીનાં વડીલોએ દહેજમાં ઘણું આપેલું. ‘પુષ્પાના દસ તોલા સોના સહિત બધું ઓહિયાં. હવે રહ્યું છે આ માત્ર ફોફા જેવું મંગળસૂત્ર – બસમાં કોઈ ખેંચી ન જાય માટે મંગળસૂત્ર બ્લાઉઝમાં મૂક્યું હતું. ખૂચ્યું ત્યારે ખ્યાલ આવ્યો, પહેરી લીધું. ‘લડકા દે સાલી કમજાત છોકરા લા, હરામજાદી...’ પાંચ દીકરીઓ પછીય પતિના બળાત્કારો, દીકરીઓના ભવિષ્યની ચિંતા, હરપાલ પોતાને ઠાકુર કહી કોઈ દીકરીને ઘર બહાર કામે જવા દેવા માગતો નથી. પુષ્પા સગર્ભા છે, સાતમો મહિનો જાય છે તોય હાથસાળ પર કામ કરે છે. શારીરિક પીડા અને માનસિક પીડાનો ગુણાકાર થતો રહે છે. દવાખાનામાં ભાનમાં આવે છે ત્યારે સાથે કામ કરતી રજ્જોને મંગળસૂત્ર સોંપે છે. રજ્જો દ્વારા આ લાંચ આપીને તજવીજ કરીને મુન્નીને પોતાની સાથે સાળ પર બેસવા કહે છે. મરવાના વાંકે જીવતી હોવા છતાં સંઘર્ષમાંથી પલાયન કરતી નથી. જીવશે, દીકરીઓ માટે જીવશે. સૌભાગ્યનું પ્રતીક કે ખુદ સૌભાગ્ય એના માટે શું છે એ વાર્તાને અંતે સૂચવાય છે, બલ્કે ખુલ્લું પડી જાય છે. પ્રણય ત્રિકોણમાં પતિનો વિશ્વાસઘાત ખમતી નારીની વેદના સાચી, પણ એ તો વાદળા જેવી. પુષ્પા પતિના પશુત્વના પ્રતાપે પ્રાપ્ત થતા રહેલા માતૃત્વની મર્યાદા સાચવે છે, સુખ કે આનંદ તો શું આશ્વાસનના પણ સદંતર અભાવે જીવતી નારીના પક્ષે ઊભો રહેલો નારીવાદ અહીં અનુભવાય છે. પુષ્પાનું કુટુંબ બિનગુજરાતી છે, હિન્દીની છાંટવાળા સંવાદો છે, રજ્જોના અવાજનું બળ એમાં ઉમેરાય છે. ‘અરે નામ મત દે ઉસ હેવાન કા’ થી શરૂ થતા રજ્જોના ઉદ્ગારોમાં ‘અરે તેરે બસમેં હો તો તૂ કર પેદા...’ – હરપાલને – નઠારા પુરુષને જવાબ આપવામાં આ ભાષા બળ પ્રગટ કરે છે. માત્ર નવ પૃષ્ઠની આ વાર્તામાં બિન્દુએ આખું જિંદગીનામા લખી દીધું છે. સ્થળ-કાળ, ઉત્તર-પશ્ચિમ ભારતનો સમાજ, નરમાનસ, અકિંચનનો સધિયારો બનતા લઘુઉદ્યોગ, ભીડની ભીંસ, સમાનતાને બદલે તુચ્છકાર, બધું એવું સંકલિત થયું છે, એકરૂપ થયું છે કે આ વાર્તા નારીચેતનાનું દૃષ્ટાંત બની છે. સને ૧૯૯૭ના ગુજરાતી નવલિકાચયનમાં શ્રી રવીન્દ્ર પારેખે આ કૃતિ સમાવી છે. એમણે વાર્તાની ભાષા વિશે લખ્યું છે : ‘વાર્તા પર સિંધી, ઉર્દૂ, પંજાબી, હિંદી ભાષાનું પ્રભુત્વ સંવાદ અને સંવેદનાને સ્તરે નોંધપાત્ર જરૂર છે પણ એક ગુજરાતી વાર્તા ઓછામાં ઓછી કેટલી ગુજરાતી હોવી જોઈએ તે વિચારવાનું રહે.’ બિન્દુએ ભાષાનું જે મિશ્ર રૂપ સંવાદોમાં ખપમાં લીધું છે એ હરપાલ જેવા નકારાત્મક અને રજ્જો જેવા વિધેયાત્મક પાત્રને ઉપસાવવામાં ખપ લાગે છે. નાગરી ભાષાનું માધુર્ય અહીં લજ્જાઈ જાય. જો કે સુરતી ગાળો ચાલે, ભગવતીકુમાર શર્માએ ‘સુવ્વરની ઓલાદ’ જેવી વાર્તા લખી છે. એમાં એ ઝાલ્યા ઝલાયા નથી.
શ્રીમતી દીના કે. પંડ્યાની નવલિકા ‘ઓહવાટ’ને કેતન મુનશી પારિતોષિક મળેલું. એ જ નામે એમનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે. પતિએ સોમલીને ઘરમાંથી કાઢી મૂકી છે અને ભાઈના ઘરે પહોંચે એ પહેલાં જ રસ્તામાં એને પ્રસૂતિ થાય છે, ‘એ વાર્તા-વસ્તુ જ રોમાંચક લાગે છે.’ વ્યાપક આવકાર પામેલી આ વાર્તા નારીચેતનાનો ઉત્તમ આવિષ્કાર છે. સીમ-પાદર વળોટીને ચાલતા ત્રણ ઓળાઓ – ત્રીસેકની મા સોમલી, દસેક વર્ષની દીકરી મીણા અને આઠેક વર્ષની રાધીને લેખિકા એમનાં કપડાંલત્તાં સાથે ઓળખાવે છે. જાકારાનું દુઃખ વર્ણવ્યું નથી, સામે ટેકરી પર દીકરીઓના મામાનું ઘર બતાવી સોમલી ચાલી-ચલાવી રહી છે. ‘છેલ્લી બસ ગઈ’નો અફસોસ સોમલીને હૈયે છે, તો સાથે ટિકિટના પૈસા બચી ગયાનો મનમાં હરખ છે. ગાગર જેવડા પેટમાં બાળક છે, એનોય ભાર નથી. આર્થિક સ્થિતિની અસર જુઓ. વિષમ દશામાં પણ ટિકિટના પૈસા બચ્યાનો હરખ છે. દીકરી મીણા અને રાધીના મા સાથેના વર્તનમાં ગંભીર-હળવા ઉદ્ગારો વાર્તાને ગતિ આપે છે. ત્રણ મનોદશાઓનું સંયોજન કરીને પ્રસૂતિની શક્યતા, વેદના, જીવલેણ પીડા અને પરિણામે પુત્રજન્મ, રસ્તો સડકની નજીક છે, પણ મદદ કોણ કરે? ત્યાં કેડી પરથી ધમધમતું બાઈક નીકળે, દૂધનાં બે કેન બાંધ્યાં છે. માથે ફાળિયું વીંટેલી આધેડ વ્યક્તિએ ઝાડીમાં સળવળ જોઈ નજર કરી. ‘મા, ટીંબા કોરથી ભટભટિયું આયું લાગેસ!’ રાધી રાજી થતાં બોલી. ‘કુણ સે ત્યાં? હું વપત પરી?’ ‘આઈયા મામલો બાયુનો સે, વીરા, તું તારે કૂટર હંકારી જા. સુટકો થાય એટલે હાઉ. ટીંબે તિકમભાઈનું ખોરડું સેને ઇની બુન ઉ સોમલી સું.’ ‘તિકો તો બકાલાની હેરફેર ગીયો સે... છકરો લઈને બુન –’ બાઈકવાળો ભાઈ મોબાઈલ પર સંદેશો મોકલીને ત્યાંથી ખસે છે. મોટી દીકરીની જવાબદારીભરી મદદ અને નાનીની ચિંતા વિનાની વર્તણૂક. એમાંથી જાગતી રમૂજ કથાવસ્તુને શુભની દિશામાં લઈ જાય છે. બહેન છે કે ભાઈ? ‘ગાંગલી નૈઈ તો? બે પગ વચાળે લોચો હોય તો ભઈલો જાણ્ય.’ મામાનો છકડો વાર્તાને અંતે લેવા આવતો દેખાય છે ત્યાં રાધી ગાવા લાગે છે : ‘ઝેંણ વાગે ઝેંણ મેહુલિયો ગાજે સે.’ બોલીનો સાર્થક – અનિવાર્ય ઉપયોગ ‘ઓહવાટ’ વાર્તાને જીવનનું બળ પૂરું પાડે છે. નારી શક્તિ લઈને જ જન્મે છે. ભાવક વાંચીને સશક્ત થશે. ‘ઉત્ખાત’ મેધા ત્રિવેદીની દલિત ચેતનાની તટસ્થ અભિવ્યક્તિ કરતી કલાત્મક નવલિકા છે. મેધાબહેનના બે વાર્તાસંગ્રહ પ્રગટ થયા છે. નાયિકા વિદેશ રહે છે. પિયરમાં બે પેઢી એને બોલાવ્યા કરે છે. પ્રસંગો આવ્યા, ગયા, નથી ગઈ. છેલ્લે પપ્પાનો ગંભીર અવાજ સાંભળી ટિકિટ કરાવી લીધી. આજ સુધી નીતા કેમ પિયર જવાનું ટાળતી હતી અને પપ્પાનો અવાજ કેમ ગંભીર હશે એનું રહસ્ય છેલ્લે પ્રગટે છે, એ પણ બોલકું બન્યા વિના. બાળસહજ રમતોમાં સાંવરા સાથે ફૂલછોડ વાવવાની અને એકમેકની કવિતા પૂરી કરવાની રમતનો પણ સમાવેશ થાય છે. સાંવરાના પિતા રઘુકાકા, છોડી ગયેલી મા, એનું સ્વાર્થી તોછડું વર્તન, સાંવરા માટે મિલની નોકરી, ટ્રેડ યુનિયનનો આગેવાન, જેલ, નીતા સ્વદેશ આવી છે એ અરસામાં જ સાંવરો જેલમાંથી છૂટીને આવ્યો છે. દવાઓ લેવાનું એણે બંધ કર્યું છે. નીતાનાં લગ્ન પૂર્વે એ એના ઓરડામાં ઘૂસીને બોલેલો : ‘નીતા, આપણી કવિતાનું શું?... તું પણ છિનાળ જ!’ નીતા ધ્રૂજી ઊઠી હતી. એણે જોરથી સાંવરાના ગાલ પર તમાચો મારી દીધો હતો. આ ઘટના વાર્તાના અંત ભાગમાં સંયોજાઈ છે. નાયિકા ભારત આવે છે, ત્યાંથી ‘ધૂંધળા વાતાવરણથી ટેવાયેલી આંખોએ અચાનક જ ઉષ્માનો અનુભવ કર્યો.’ જેવાં વાક્યો પણ કંઈક વધુ કહેવાનાં છે. ‘પરેશે ઘણું રોકી, તારું પ્રોજેક્ટવર્ક અધૂરું રહી જશે, અહીંયાં દીપ રજાઓમાં હોસ્ટેલમાંથી પાછો આવશે.’ એક પણ બહાનું ચાલવા દીધું ન હતું. આટલાં વરસ નીતા પિયર ન ગઈ અને હવે જાય છે એ ક્ષણનું માનસ વાર્તાને અંતે વાચકને અસર કરે છે. પિયરના ઘરે પહોંચી, જે ઓરડો એનો હતો, જેની બારીમાંથી એને ઓળખીતાં વૃક્ષો દેખાય છે, એ ઓરડામાં હવે ભત્રીજી રીમા રહે છે. એ પણ કવિતા અને કલામાં રસ ધરાવે છે. એણે કંઈક કહેવાનું હતું. મૂંઝાતી લાગે છે. નીતાના આગ્રહ પછી કબાટમાંથી રીમા ઘણી જૂની નોટબુક કાઢીને ફોઈને આપે છે. પ્રેમની કરુણકથા ઓરડાના અંધારામાં ઊઘડે છે. પેલાં બારી બહારનાં વૃક્ષો સાથે વાવવાની ઘટના પણ સંવેદન જગવે એવી છે. નીતા સીધી રીતે વાત કરતી નથી. એના શબ્દો છે : ‘છોડ પર બેઠેલી કળી જ્યાં સુધી કળી હોય ત્યાં સુધી જ છોડની, કળીમાંથી ફૂલ થતાં જ આખી દુનિયાની નજરમાં આવી જાય.’ લેખિકા મેધાબહેન આવાં અવતરણ-ક્ષમ વાક્યો અનાયાસ રચે છે. સાંવરા વિશેની દાદીમાની ફરિયાદ પણ ઘણું કહી જાય છે. ‘આખી રાત વાંસળી વગાડી વગાડીને ચીસો પાડતો હતો. આ તું આવી ત્યારથી જરા શાંત થયો છે.’ એ શાંતિ અન્યના હૃદયની અશાંતિ બને એવી છે. એ અંગે પણ મૌન.
શ્રીમતી સુહાસ ઓઝા, પન્ના ત્રિવેદી અને ડૉ. રેણુકા એચ. પટેલ વાર્તાકાર હોવાની સાથે સાથે અભ્યાસી છે અને નારીજીવન વિશે એમણે પોતાના દૃષ્ટિબિંદુથી કંઈક કહેવાનું છે. સને ૨૦૦૯માં પ્રગટ થયેલા એમના વાર્તાસંગ્રહો છે ‘ઉઘાડા આકાશનો એક ટુકડો’, ‘રંગ વિનાનો રંગ’ અને ‘ધોધમાર’. સુહાસબહેન વરિષ્ઠ છે. એમની પાસે અડધી સદીના અનુભવો અને ચિંતન છે. એ બે સંતાનનાં માતા હતાં ત્યારે એમના પતિ અજયભાઈને સ્કૉલરશિપ મળતાં એ પણ ઇંગ્લેંડ ગયાં. કેવું લાગ્યું ઇંગ્લેંડ? ‘ત્યાંનું મુક્ત જીવન, સ્વચ્છ ઘર, સ્વસ્થ સુખી જીવન માણતી યુવતીઓને જોઈ થયું : પત્નીત્વ, ગૃહિણીપદ, માતૃત્વ... આ બધું ભારતીય નારી માટે બંધનો શા માટે બની જાય છે? જરાક મોકળાશ મળતાં અપરાધભાવ કેમ જાગે છે? શું સ્ત્રી સમાજને ટકાવનાર, વંશવૃદ્ધિ કરવાનું સાધન માત્ર છે? ભારત પાછી આવી અને આ મંથનમાંથી બાની શીળી છાયામાં અનેક વાર્તાઓ સર્જાઈ...’ (પૃ. ૭, ઉઘાડા આકાશનો એક ટુકડો) પન્ના ત્રિવેદી સર્જકતાના સંદર્ભે સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદરેખા આંક્યા વિના કહે છે : ‘મનુષ્યચિત્તનાં ગહનતમ પડોમાં રહેલ સંવેદનવિશ્વને આકારિત કરવું ગમે છે. સ્ત્રી હોય કે પુરુષ, ઉભયની ભીતર રહેલા એના પોતીકા અવાજને શબ્દોમાં ભરવો ગમે છે... માનવહૃદયની આ દમિત સંવેદનાઓના એકાંકી સૂરને સહૃદતાપૂર્વક સાંભળું છું ત્યારે ભૌતિકતાએ સાધેલી પ્રગતિનો વાચાળ જાડો, ઘેરો રંગ ખરી પડતો અનુભવું છું... જડ વ્યવસ્થાઓના વ્યૂહોને ભેદી લેવામાં જ સર્જકનું ગૌરવ રહેલું અનુભવાય છે.’ (નિવેદન, રંગ વિનાનો રંગ) ડૉ. રેણુકા એચ. પટેલ માને છે કે સ્ત્રીને સ્ત્રી જ વધુ સમજી શકે : ‘‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’ એ વાત કંઈક અંશે સાચી હશે, તો પણ એક સ્ત્રીનું હૃદય બીજી સ્ત્રીના હૃદયનું પ્રતિબિંબ જેટલું સરળ અને સચોટ રીતે ઝીલી લે છે એટલી સરળતાથી એ સ્ત્રીના પ્રેમમાં પડેલો પુરુષ પણ ઝીલી શકતો નથી.’ (પૃ. ૭, ધોધમાર) સર્જક સ્ત્રી હોય કે પુરુષ – એની વાર્તાની સફળતા અનુભવ, નિરીક્ષણ, કલ્પના અને પ્રત્યક્ષીકરણ પર આધાર રાખે છે. તેથી નારીજાગૃતિના આંદોલન પૂર્વે એની વેદનાને વ્યક્ત કરતી ઉત્તમ વાર્તાઓ આઝાદી પૂર્વેના ગુજરાતી સર્જકોએ આપી છે. ફેર પડ્યો છે તે સંખ્યામાં. કેટકેટલી લેખિકાઓ નારી-સંવેદનનાનું નિરૂપણ કરતી થઈ! રેણુકાબહેનની વાર્તા ‘મીરાંનું ઘર’ સને ૨૦૦૭ના નવલિકાચયનમાં પણ સ્થાન પામેલી માર્મિક રચના છે. મીરાંની માતાનું મૃત્યુ થયું ત્યારે એ ૧૪ વર્ષની હતી. ઉષાબહેન શાશ્વતને જન્મ આપ્યા પછી મીરાંને અમદાવાદ લઈ આવેલાં. નોકરી કરતી હોવા છતાં મીરાં ઘરના માણસની જેમ રહી. શાશ્વતના ઉછેર, રમતગમત, શિક્ષણ સાથે એની માયા વધતી ગઈ. પરણી નહીં. હવે શાશ્વત અઠ્ઠાવીસ વર્ષનો છે, મીરાં બેતાલીસની. શાશ્વતે એમ. બી. એ. થવા અમેરિકા જવું છે. ફી નથી. મીરાં પોતાની બચતના ત્રણ લાખ રૂપિયા શાશ્વતને આપે છે. શાશ્વત એને આગ્રહ કરીને ચાર ધામની યાત્રાએ મોકલે છે. ત્રણેક અઠવાડિયાં પછી આ ઘેર પાછી આવી રહી છે ત્યારે શાશ્વતની ચિંતાથી અજંપો અનુભવી રહી છે. ઘેર પહોંચે છે ત્યારે એક અજાણી યુવતી આવકારે છે : પાણી સાથે શાશ્વતનો પત્ર આપે છે. એ અમેરિકા પહોંચી ગયો છે. મીરાંએ આપેલા ત્રણ લાખ રૂપિયા ઉપરાંત બીજા બે લાખ એણે મીરાંના ખાતામાં જમા કરાવ્યા છે. આ માટે ઘર વેચી દીધું છે. મિત્રનો ફોન નંબર આપ્યો છે. આ ઘર માટે મીરાંએ આયખું આપ્યું પણ એ હવે પારકું છે. વાર્તાનું સમાપન આ શબ્દોમાં થાય છે : ‘બે પળ માટે તે ત્યાં જ બેસી રહી, પછી ધીમા પગલે સામાન લઈ ઝાંપાની બહાર નીકળી ગઈ. સહેજ આગળ જઈ પાછા ફરી તેણે ઘર તરફ એક નજર નાખી.’ મીરાંના ઓશિંગણ એવા શાશ્વતથી જાણેઅજાણે મીરાંને જે અન્યાય થાય છે એ લેખિકાએ બોલકાં બન્યા વિના સૂચવ્યો છે. લેખનની સાદગી અસર કરે છે. પન્ના ત્રિવેદીની વાર્તા ‘બળાપો’માં રાખીને એની મા સતત ઠપકો આપતી રહે છે, સાચવીને હરવા-ફરવા કહે છે. માના બળાપાની ભાષા રાખીને બરાબર સમજાતી નથી. અંતે રહસ્ય છતું થાય છે, જ્યારે મા ઝૂકીને રાખીના કાનમાં ધીમેથી કહે છે : ‘મેં વિચાર્યું છે, હું અને દેવેનબાબુ... લગ્ન...તું સમજતી નથી આ દુનિયાને. એ લોકોને કારણે જ તો તું છે રાખી...!’ ‘કાલ ઊઠીને તુંય પરણીને ચાલી જાય પછી સથવારો તો જોઈએ જ ને!’ (પૃ. ૧૭, રંગ વિનાનો રંગ’) યુવતીની દૃષ્ટિએ અહીં માનું જીવન છેલ્લે પ્રતિરૂપ પામી સૂચવાય છે. લાઘવ ધ્યાન ખેંચે છે. ચિંતા કરનારનું મન ચિંતાનો વિષય બને છે અંતે. ‘ઉઘાડા આકાશનો એક ટુકડો’ વાર્તા માટે સુહાસબહેનને ‘સુધા’ની વાર્તા સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. ચારેક દાયકા પૂર્વે વાંચેલી આ વાર્તા સ્મૃતિમાં સચવાઈ રહી છે. પ્રસૂતિના પૂર્વાપર સંદર્ભ સાથે એ સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું વર્ણન લેખિકા જ કરી શકે એવું પ્રભાવક છે. માને સાથે લીધા વિના એ એકલી હૉસ્પિટલ જાય છે. ડૉક્ટર તપાસે છે. દુઃખ પરચો દેખાડે છે. હવે રોકાવાનું છે. પતિને ફોન. શારીરિક પીડા, મનોબળ, ચિંતા, ભાન, પતિનો પ્રેમ, લાગણીના પલટા, બાળકનું જન્મવું, આકાશનો સ્પર્શ... ઊંઘનો આરામ. અહીં કોઈની સામે ફરિયાદ નથી. વેદના સ્ત્રીનું વરદાન બને છે અને એને માતૃત્વ પ્રાપ્ત થાય છે. વાત્સલ્ય સ્ત્રીની સૌથી મોટી મૂડી છે.
પચીસમાં ભારતીય ફિલ્મ ફેસ્ટીવલમાં નિર્ણાયક સમિતિના સભ્ય તરીકે હું ૧૯૭૭માં ત્રણેક અઠવાડિયાં માટે દિલ્હી હતો ત્યારનો પ્રસંગ યાદ આવે છે. વર્ષાબહેને (૧૯૪૨) અન્નપૂર્ણાની હેસિયતથી પ્રવીણ જોષી, સિતાંશુ અને મને ઠપકો આપ્યો હતો. અમારે એમને ત્યાં જમવા જવાનું હતું. નિયત સમય કરતાં અમે દોઢેક કલાક મોડા પહોંચ્યા હતા. વર્ષાબહેને ઑફિસથી આવ્યા પછી સારી એવી મહેનત કરીને રસોઈ તૈયાર કરી હતી. વૈવિધ્ય જોતાં લાગે કે કેટલા રસથી એમણે રસોડામાં સમય આપ્યો હતો. એ પછી અમે દોઢેક કલાક રાહ જોવડાવી. વર્ષાબહેને ઉષ્માથી સ્વાગત કરીને, સ્નેહથી જમાડીને ભવિષ્યમાં કોઈ ‘વર્કિંગ વુમન’ને આ રીતે અતિ વિલંબ થકી હેરાન ન કરવા મીઠો ઠપકો આપ્યો હતો. પણ ત્યારેય એ મહિલાવાદી તો નહોતાં જ લાગ્યાં. ‘કનુપ્રિયા’ની ૨૪ કૃતિઓમાં કેટલીક નવલિકાઓ છે, કેટલીક ભાવવાહી ગદ્યખંડ જેવી તો કેટલીક લઘુકથાઓ છે. પ્રેમની પ્રતીતિ પછી એના અભાવની વ્યથા વ્યક્તિગત વેદનારૂપે વ્યક્ત થાય છે કે એમાંથી વિજાતીય શોષણના મહિલાવાદી મુદ્દા ઊભા થાય છે એ જોવાનું કુતૂહલ હતું. વાર્તાના સ્વરૂપ નજીક જઈને અટકી જતા ભાવવાહી ગદ્યખંડોમાં નારીનાં બે રૂપ રજૂ થયાં છે : એક છે રાધાનું, બીજું છે નિશાનું. નિશાને સૂર્યની પ્રખરતાની તૃષા છે તો કનુપ્રિયા રાધા વિરહનું ગીત છે, પ્રતીક્ષા છે કેવળ. ‘એકને અપેક્ષા છે અને થોડીક ઉપેક્ષાથી જ એના અસ્તિત્વને ધક્કો પહોંચે છે. બીજામાં તૃપ્તિ છે, સતત ઉન્માદ છે, ચિરંજીવી સત્તા છે.’ (પૃ. ૪૧) આ ભાવના સ્વીકાર્યા પછી પણ ક્યારેક વીસમી સદીની નારીની સભાનતા ઊપસી આવે છે : ‘પણ કૃષ્ણ એટલે પુરુષ. પછી એ ભગવાન હોય તોયે શું? હું પુરુષ અને પ્રકૃતિની આધ્યાત્મિક સ્તરે વાત નથી કરતી. પણ પુરુષ અને સ્ત્રીની આ પાર્થિવ સ્તરે વાત કરું છું. પુરુષે હંમેશાં પોતાનો હાથ ઊંચો રાખ્યો છે. એ ગમે તેટલા દગા કરે, વચનભંગ કરે છતાં એનું સ્થાન આપનારાઓમાં, દાતાઓમાં અને સ્ત્રીનું સ્થાન લેનારાઓમાં. વિધિની વિચિત્રતા તો જુઓ. આવી સ્થિતિ પણ રાધાએ સ્વીકારી અને તે પછી તમામ નારીઓએ સ્વીકારી. જેણે સ્વીકારી તેના પર પુરુષના ચાર હાથ, સમાજના ચાર હાથ અને જેણે બળવો કર્યો તે નાદાન, નફ્ફટ કે નકામી ગણાઈ!’ (પૃ. ૩૩) આ સ્વગત ઉક્તિઓ આગળ વધતાં કનુ સાથેના સંવાદમાં વળાંક ધારણ કરે છે. ‘જે એકદમ આપણું તેમાં તે વળી ભાગીદારી હોય?’ આ મનોદશાથી આગળ વધી નાયિકા કહે છે : ‘મને લાગે છે કે હું પણ એ રાધા છું. આકાશના આ તારા એ રાધાનાં આંસુ છે ને મારાં પણ દુઃખનાં આંસુ નહીં, પ્રેમનાં, હર્ષનાં, જીવનની કૃતકૃત્યતાનાં. મારી મૂર્ખાઈ મને ગમે છે. એમાં મસ્તી છે. એટલે જ તો દ્રાક્ષ ખાટી છે એ જાણવા છતાંયે કહું છું!’ (પૃ. ૩૫) અપેક્ષા વિનાના સમર્પણનું ગૌરવ કેટલીક કૃતિઓમાં થયું છે. તદ્દન સામાજિક વાસ્તવના સ્તરે કેટલીક કૃતિઓમાં ‘સુખ આપવાની ઇચ્છાના દમનની વેદના’નું આલેખન છે. ત્યાં લેખિકાનો સ્વકીય સ્વર એક જીવનદૃષ્ટિ રૂપે ઝંકૃત થાય છે. ‘મીઠી ચળ’, ‘ચાવીવાળું રમકડું’ આદિ કૃતિઓમાં અભાવને સંયમ દ્વારા સહી લેવાની સમજણ છે તો ‘મનગમતી કેદ’માં પ્રેમિકા પરકીયા જ રહી જાય છે એ બદલ પુરુષ સામે ફરિયાદ છે. પિંજરાનો દરવાજો માલિક ખોલે ત્યારે પોપટ બહાર આવે, પરબીડિયું ઉપાડીને પાછો અંદર જતો રહે આ સ્થિતિ જાણે કે પ્રેમિકાની છે. એ પુરુષને છોડી શકતી નથી અને મનગમતી કેદમાં જીવે છે. નગરજીવનમાં આ એક નવી વાસ્તવિકતા રૂઢ થતી જાય છે. તો માનસશાસ્ત્રીય સત્ય શું છે? ‘એક યુવતી બે પુરુષને પ્રેમ કરી શકે; પરંતુ સમાજનાં બંધન અને તેના પોતાના સંસ્કાર એને એ વાત જાહેર કરતાં રોકે છે. હૃદયના આવેગોને ભાવાવેશને તો કોઈ રોકી શકતું નથી...’ (પૃ. ૮૭) આઝાદી પૂર્વે ભારતીય સમાજમાં ત્યક્તાની દશા વિધવાથી પણ બદતર હતી. અહીં છૂટાછેડા પામતી યુવતી અનુભવે છે કે આખી પૃથ્વી મારી છે, આ આકાશ પણ મારું છે. હું એકલી નથી. પ્રેમ દ્વેષ બની જાય તે પહેલાં છૂટાં પડી જવું સારું એ વિધાન ‘પૂર્ણા’ નામની રચનામાં ભાવવિસ્તાર પામ્યું છે. પ્રાસ્તાવિકમાં વર્ષાબહેન કહે છે : ‘અનેકાનેક અનુભવોથી સમૃદ્ધ જીવન સૌને સાંપડતું નથી. ઈશ્વરની કૃપાથી મને સાંપડ્યું. જ્યારે જ્યારે અંદર શૂળ ઊપડ્યું ત્યારે વાર્તારૂપે એનું શમન થયું. કંઈક લખવા ખાતર વાર્તા લખવાનું મારાથી બની શક્યું નથી, કદાચ મારામાં એ પ્રકારની શિસ્ત જ નથી. અંદરની અસ્વસ્થતા સંયમની સીમા ઓળંગીને બહાર ધસી આવે ત્યારે જે લખાયું તેને હું ‘વાર્તા’ કહું છું.’ આત્મકથાત્મક ન લાગે એવી વાર્તાઓમાંની એક ‘શ્યામળી’ કલેક્ટર અને સાંતાલ યુવતીના સ્નેહની કથા પ્રકૃતિના સાન્નિધ્યમાં સાબુ અને જામફળની આપ-લે સાથે આગળ વધે છે. યુવતી શીતળાને કારણે મૃત્યુ પામે એ પહેલાં કલેક્ટરને જોવા ઝંખતી હતી. એનો બાપ બોલાવવા આવે છે. પણ એ પહોંચે એ પહેલાં જ યુવતીની આંખ બિડાઈ જાય છે. આ કરુણ અંત માટે કુદરત સિવાય બીજું કોઈ જવાબદાર નથી. વાર્તામાં ઋજુતાનું સંવેદન લીલયા વ્યક્ત થયું છે. મોટા હોદ્દાઓએ વર્ષાબહેનની ઋજુતાને આંચ આવવા દીધી નથી. દેખાડો કે દાવો એમના સ્વભાવમાં નથી. કોઈ કાર્યશિબિરમાં, કોઈ સંમેલનની ભીડમાં કે ઔપચારિક પત્રવ્યવહારમાં એમનું આભિજાત્ય અછતું રહ્યું નથી. વર્ષાબહેન કોઈક પાત્ર દ્વારા કેફિયત રજૂ કરે છે : ખબર પડી કે પૂર્ણસ્ય પૂર્ણં આદાય પૂર્ણેમેવાવશિષ્યતે! ‘હું સંપૂર્ણ, આનંદસભર જિંદગી જીવું છું. ૨૪ કલાકના ૪૮ કલાક બનાવી શકું છું! ૫૦ વટાવ્યા છતાં સપનામાંયે નહોતો તેવો તરવરાટ અનુભવું છું. પિતા, પુત્રી, પતિ સૌએ પોતપોતાનો ભાગ ભજવ્યો. એ સૌની હું ઋણી છું. અંતે તો મારા અંતરમાં શું છે, હૃદય કોને માટે રડે છે ને કોને માટે આનંદે છે, તેનું જ મહત્ત્વ છે. ખેર...’ અહીં મને એક ગઝલની પંક્તિ સાંભરે છે : ‘અપને ગમ કો ગીત બનાકર ગા લેના’
શ્રીમતી અંજલિ ખાંડવાલા (૨૧-૯-૪૦) સાચું કહીએ તો સંગીતકાર છે. પણ એક વાર સમ પર પહોંચ્યા પછી એ પતિ સાથે લેખનસ્પર્ધામાં ઊતર્યાં છે. પણ આ સ્પર્ધા લય અને અર્થ વચ્ચેની છે. કોઈ જીતે તોય શું ને હારે તોયે શું! શ્રી પ્રદીપ ખાંડવાલા મોટે ભાગે અંગ્રેજીમાં કવિતા લખે છે, ક્યારેક ગુજરાતીમાં. એમનાં અંગ્રેજી કાવ્યનો સંગ્રહ પ્રગટ થયેલો છે. સંગીતની એમની સમજણ ઝીણી છે. આ દંપતીએ અમદાવાદમાં ૧૯૭૫થી સ્થાપી થતાં પહેલાં અમેરિકામાં એકાદ દાયકો કામ કરેલું. ત્યાંની બચતમાંથી જ મોટેભાગે પેલું ખેતરવાળું ઘર બાંધ્યું હશે. ફિલસૂફી સાથે અભ્યાસ કર્યો હોય, કિરાના ઘરાનાની શાસ્ત્રીય તાલીમ લીધી હોય, મોન્ટ્રિયલની વૅનિયર કૉલેજમાં ૧૯૭૦થી ૭૫ સુધી ભણાવ્યું હોય અને પતિ કરતાં વધુ સારું ગુજરાતી આવડતું હોય તો પછી અંજલિબહેન શા માટે વાર્તા ન લખે? ‘લીલો છોકરો’ (૧૯૮૬) વાર્તા વાંચીને મને થયું કે આ પેલા ખેતરવાળા ઘરનો ચમત્કાર લાગે છે. મને એમના સંગીતમાં રસ તેથી વૃક્ષો વિશે એમણે મને માનદ્ સલાહકાર રાખેલો. એમણે યુકેલિપ્ટસ વાવેલાં. બીજાં પણ અનેક વૃક્ષો વાવ્યાં છે. ફૂલછોડ છે. વાડ છે. બધા માટે પ્રેમ છે. આ પ્રેમ એ જ તો ‘લીલા છોકરા’ના સર્જનનું કારણ હશે. અંજલિબહેન કહે છે કે ના, વૃક્ષો વાવ્યાં એ પહેલાં આ વાર્તા લખેલી. એ કારણ પણ એટલું સાચું હોઈ શકે. આવી વાર્તા લખવાથી પણ વૃક્ષો ઉછેરવાનું મન થાય. જે બાળકો-કિશોરો વાંચે એ વિજાતીય આકર્ષણ અનુભવવા પૂર્વે વૃક્ષોના પ્રેમમાં પડે. લીલા છોકરાનું નામ પૌરવ છે. પપ્પાને કહીને એણે રબ્બરનો છોડ ઓરડામાંથી બહાર કઢાવેલો કેમ કે એ છોડે એને ખાસ ભલામણ કરેલી. એણે તડકામાં નહાવું હતું. પૌરવની સાતમી વરસગાંઠે શું થયેલું એ જાણવા જેવું છે. ‘મુશળધાર વરસાદને કારણે શાળા બંધ છે. સવારથી પૌરવ કૂંડામાં તૈયાર કરેલા રોપાની જમીનમાં રોપણી કરવામાં મશગૂલ છે. મોઢેથી સિસોટી વગાડે અને કૂંડું તોડી નાનકડા રોપાનાં મૂળ ન તૂટે એમ સાચવીને જમીનમાં રોપે છે. એમ કરતાં એક કૂંડું હાથમાંથી છટક્યું; નીચે પડતાં જ ફૂટી ગયું; અંદરની માટી વેરાઈ ગઈ; ઝીણાં ઝીણાં મૂળ તૂટી ગયાં અને પૌરવે તીણી ચીસ પાડી. રૂપાંદે અને પૌલોમી હરણફાળે દોડતાં આવ્યાં અને જોયું તો રોપાને હાથમાં લઈ પૌરવ રડતો હતો. આંસુ લૂછતાં લાડથી માએ પૂછ્યું – ‘શું થયું પૌરવ?’ ‘મા! આ નાનકડો છોડ મારા હાથમાંથી પડ્યો... એ ગભરાઈ ગયો... અને વાગ્યું હોય એમ રડવા લાગ્યો.’ (પૃ. ૫, લીલો છોકરો) આવી તો અનેક રોમહર્ષક ઘટનાઓ છે આ કિશોરકથામાં. અંતે પૌરવ મોટો વનસ્પતિશાસ્ત્રી બને છે. વૃક્ષના સંવેદનને એ જાણે છે. નાસ્તિક લોકોને ખાતરી કરાવવા એ પ્રયોગો કરે છે. એક નારિયેળીની આસપાસ પચ્ચીસેક માણસો કિકિયારીઓ કરતા ધમાચકડી મચાવી ભય ઉપજાવતા રહે તો એનું શું પરિણામ આવે? ત્રીજે દિવસથી એ નાળિયેરી ઝૂકવા લાગે છે, એનાં પાન ચીમળાવા લાગે છે. છ દિવસમાં પાન સાવ સુકાઈ જાય છે, મૂળ ઢીલાં પડે છે. આઠ દિવસે ઝાડ જમીનદોસ્ત થઈ જાય છે. પેલી ભયાવહ કિકિયારીઓ નાળિયેરીથી જીરવી શકાઈ નહીં. આ પ્રયોગ વખતે પૌરવ તો દૂર ખસી ગયેલો. એનાથી એક વૃક્ષનો અંત પ્રત્યક્ષ જોઈ શકાય એમ નહોતો. અંતે પીપળા સાથેની આત્મીયતા પણ પ્રભાવક છે. બીજી વાર્તા છે ‘રમાડી.’ ભીડવાળા ગરીબ ઘરની રમાને લેખિકાએ રમાડી જાણી છે. એનો આત્મવિશ્વાસ જાગે, એની સર્જકતા વ્યક્ત થાય એ માટે શિક્ષિકા દામિનીબહેનનું પાત્ર યોજીને એક સુખદ વાર્તા રચવામાં સફળતા પ્રાપ્ત કરે છે. ત્રીજી વાર્તા ‘પીટર.’ મૂળ નામ પદ્મનાભ હતું. અમેરિકનોની સગવડ માટે પીટર કહેવાનું રાખેલું. આ છોકરો વિલક્ષણ લાગે એ રીતે ઊછરતો જાય છે. પણ એમાં કશું અસ્વાભાવિક નથી. કિશોરોને અવનવાં ક્ષેત્રોમાં ડોકિયું કરવાનું મન થાય. પીટર તમામ અજાણ્યાં ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે. વિદેશની સાહ્યબી છોડી એ ભારતમાં આવવા રવાના થાય છે. મોટેરાંઓને ગમે એવું ‘સાહિત્યિક’ વર્ણન કરતાં પણ અંજલિબહેનને ફાવે છે. જુઓ : ‘ઍરપોર્ટ પર વળાવવા જતાં, દીકરો પોતાના ખોબામાંના પાણી જેમ સરી જાય છે અને પોતે એ વહી જતા પાણીને અટકાવી શકતા નથી તેની લાચારી અનુભવી. છૂટા પડવાની વીલી ક્ષણ આવી. પીટર એક પછી એક બંનેને ભેટ્યો. ત્રણેની આંખોમાં ભીનાશ ધ્રૂજી. સિક્યોરિટી ચેકના દરવાજા પાછળ પૂરો સરકી ગયો ત્યાં સુધી માબાપની આંખો પાછળ પાછળ ગઈ અને ખાલી થઈ પાછી વળી.’ (પૃ. ૪૬) આ પીટર હિમાલયવાસી ગુરુનું સાન્નિધ્ય સેવે છે તેમ શ્રીધર સાથે ઝૂંપડપટ્ટીમાં પણ રહે છે. હરે કૃષ્ણ ચળવળમાં પણ થોડાક માસની લટાર મારી આવે છે. જોખમો ખેડે છે તેમ થાક પણ ઉતારે છે. ફરી પાછો ભારત જઈને સલોનીને પરણી આવે છે. પીટર-સલોનીની શાળા આજે મોન્ટ્રીયલની સર્વોત્તમ શાળા છે એવું વિધાન કરવા પહેલાં એની પૂરી પ્રતીતિ વાર્તામાં જગવી શકાઈ છે.
ડૉ. સરૂપબહેન ધ્રુવે ‘ઉમ્મીદ હોગી કોઈ’ પુસ્તક હિન્દીમાં લખ્યું. વરિષ્ઠ લેખક-સંપાદક-અનુવાદક મોહન દાંડીકરે એનો ગુજરાતી અનુવાદ કર્યો. યજ્ઞ પ્રકાશન સમિતિએ એનું પ્રકાશન કર્યું, એથી મૂળ વસ્તુની શ્રદ્ધેયતા બેવડાય છે. ડૉ. સરૂપ ધ્રુવના લેખનથી ગુજરાતી ભાષા-સાહિત્ય સમૃદ્ધ બન્યાં છે. ભાષામાં એમનો સ્વકીય રણકો છે તેથી આ પુસ્તક એમણે હિન્દીને બદલે ગુજરાતીમાં લખવું જોઈતું હતું અને ‘રચના’ને બદલે મૂળ સરૂપ નામે નિરીક્ષણ રજૂ કરવાં જોઈતાં હતાં. પણ નામ અને ભાષાનું અંતર ઊભું કરીને એમણે રજૂઆતને વધુ વિશ્વસનીય બનાવી છે, વધુ ગ્રહણશીલ બનાવી છે, તથ્યોને સંવેદનાથી જોડ્યા છે. સાથે એક શ્રુતિ છે એ કોણ? શ્રી મોહન દાંડીકર અને એમનાં પ્રકાશક સુપુત્રી પારુલ સર્વોદય ભાવનાને સમર્પિત છે. તેથી ‘ઉમ્મીદ હોગી કોઈ’નો ગુજરાતી અનુવાદ ‘અણસાર ક્યાંક આશાનો’ ગાંધી-વિનોબા-જેપીના સર્વોદય ભાવને પોષનારો હોય એ સ્વાભાવિક છે. અહીં કશું આરોપણ નથી, તથ્ય આધારિત અર્થઘટન અને નિરૂપણ છે. ગુજરાત માટે લાંછનરૂપ ગણાય એવી કોમી ઘટનાઓના દસ્તાવેજ વચ્ચે પણ માનવતાનું અજવાળું એ દસ્તાવેજને યાદ રાખવા યોગ્ય ઠરાવે છે. સરૂપબહેન હિંસા સામે આક્રોશ વ્યક્ત કરવાની ક્ષણે પણ સર્જકની તટસ્થતા દાખવે છે. પુસ્તકની સામગ્રીની ઐતિહાસિક ગુણવત્તા અને એની સંતુલિત રજૂઆત જોઈને જ મોહનભાઈ અનુવાદ કરવા પ્રેરાયા હશે. ‘થશે શું મારા દેશનું?’ લેખિકા અને અનુવાદકનો આ સહિયારો પ્રશ્ન છે. ઇતિહાસ ચેતવી શકે. પ્રથમ વાર્તા છે : ‘ભાથીભાઈ સીતાફળવાળા’. પંચમહાલનું આંજણવા ગામ. પંચોતેર જેટલા મુસ્લિમ પરિવારો ગામમાં પાછા ફરવાની હિંમત કરી શકતા નથી. ભાથીભાઈના ઘણા પ્રયત્નો નિષ્ફળ જાય છે. ભાઈ સરપંચ છે, સાથે છે અને નથી. સીતાફળની મોસમ આવી છે. યાકુબને તૈયાર કર્યો. એ એક ટોપલામાં સીતાફળ ભરીને લુણાવાડા જતો હતો. એક ગેરમુસ્લિમે એને અટકાવ્યો, માર્યો, પૈસા પડાવી લીધા, સીતાફળ ફેંકી દીધાં. ભાથીભાઈને ખબર પડી. બીજો ઉપાય કર્યો. ટેમ્પો પણ સફળ ન થયો. જેના ટ્રેક્ટરને મદદ કરી હતી એ ભરાવ્યું, લોકો કમાયા. ભાથીભાઈ કહે છે : ‘આ બનાવથી લુણાવાડામાં ગયેલાં વિસ્થાપિતોમાં અમારા માટેનો વિશ્વાસ બંધાયો. સૌ પ્રથમ વૃદ્ધ ફઈબાઓએ પહેલ કરી. ભાથીભાઈએ જોખમ ખેડીને વિસ્થાપિતોને વતનમાં આવવા પ્રેર્યા-સાત પૃષ્ઠની વાર્તા વાચકની માનવીય ચેતનાને સંકોરે છે. ‘દોસ્તી’ના આરંભે ખેતર બાળવા આવતા ટોળાને કૂતરો રોકે છે. ઓટોરીક્ષાવાળો યુનુસ ઘર તરફ વળે છે. પર્વતની તળેટીમાં વસેલું ખુમાપુર ગામ પટેલો, આદિવાસીઓ સાથે માત્ર ત્રણ મુસ્લિમ કુટુંબો. યુનુસનો બાળપણનો મિત્ર શકરો આઠ-આઠ દિવસ સુધી બધાંને સાચવે છે, પછી લશ્કરનો ‘ડબો’ બોલાવી લાવે છે. ‘પોલીસને બદલે લશ્કરના જવાનો પીડિતોના બચાવ માટે સ્ફૂર્તિથી કામ કરી રહ્યા હતા.’ (પૃ. ૪૦) બધુ કંઈક નિયંત્રિત થતાં વિસ્થાપિતોએ વતનમાં પાછા આવવું હતું પણ એક જૂથ એમને અમુક લાખ આપી કેસ પાછા ખેંચવા સમજાવવા આવે છે. ‘જમાલભાઈએ એમને કહી દીધું – ૨૫-૩૦ લાખ રૂપિયા આપશો તો પણ કેસ પાછો નહીં ખેંચીએ. અમે પણ છેલ્લાં દોઢસો વરસથી આ ગામ-ઘર-જમીન-ખેતરોના માલિકો છીએ.’ (પૃ. ૪૩) પેલુ જૂથ ધૂંધવાતું પાછું જાય છે. યુનુસ કોઈ કોઈ વાર શકરાને મળવા જાય છે. પણ શકરો માત્ર ખબરઅંતર પૂછીને અટકી જાય છે. મળવા આવવાની હિંમત કરી શકતો નથી. દોસ્તી દૃઢ છે પણ હિંમત આવે ત્યારે ખરી. આ તા. ૧૯-૯-૨૦૦૬ સુધીની નોંધ છે. એ પછીનાં દસ વર્ષમાં શું થયું? કોઈક કર્મશીલ જરૂર જાણતા હશે. ‘ગામને ખોળે’ દાહોદ જિલ્લાના વાંઝિયાકૂટ ગામના હત્યાકાંડ પછીની ઘટનાઓ વર્ણવે છે. શ્રુતિએ આ બહેનોની સાથે અગાઉ કામ કર્યું છે. બધા ગરીબ છે પણ મોં પર ઉદાસી નથી. ‘લૂંટાઈ ગયાં છે પણ તૂટી ગયાં નથી.’ કેવી રીતે પાછાં આવ્યાં? પૂછો લલીબેનને. લલીબેન આદિવાસી છે. ઘરનાં સુખી છે. બધાંને રોડ બાજુ ભાગતાં જોઈ બોલાવે છે. આશરો આપે છે. લેખિકા નોંધે છે ‘લલીબેનનું ઘર એટલે જાણે માનું પેટ.’ પછી બધાંને સંતરામપુર કેમ્પમાં લશ્કરની મદદથી પહોંચાડ્યાં. એમને પાછાં લઈ આવવા ગામના વડીલો પહેલ કરે છે. લાવ્યા પછી ચોકી પણ કરે છે. એમના આવ્યા પછી ગામનું તૂટી ગયેલું અર્થતંત્ર સરખું થાય છે. શ્રી મોહનભાઈ દાંડીકર સિત્તેર પુસ્તકોના લેખક છે. સરૂપબહેનના ચાર કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. નવ ગુજરાતી-હિંદી નાટકો ભજવાયાં છે. ‘લોકવાર્તામાં કથાઘટક-મોટિફ’ પર પીએચ. ડી. થયાં છે. સૈદ્ધાન્તિક વિવેચનનાં પુસ્તકો પણ આપ્યાં છે. પુસ્તકનું મુખપૃષ્ઠ શ્રી ગુલામ મોહમ્મદ શેખનું છે. એ પણ નિસ્બત દાખવે છે.
રેખાબા સરવૈયા ગુજરાત રાજ્યના રેવન્યુ વિભાગમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે સેવાઓ આપે છે. સને ૨૦૦૪માં એમનો લઘુકથાઓનો પ્રથમ સંગ્રહ ‘રેત પર લખાયેલ અક્ષરો’ પ્રગટ થયેલો. તાજેતરમાં ‘ખોબામાં દરિયો’ નામે લઘુકથાનો બીજો સંગ્રહ પ્રગટ થયો છે. ગુજરાતીમાં લઘુકથાના પ્રણેતા મોહનલાલ પટેલ અને પ્રમાણમાં વધુ લઘુકથાઓ લખનાર રમેશ ત્રિવેદીએ ‘રચનાશૈલીની વિશેષતાં’ અને ‘પાણીદાર ને મનભાવન મૌક્તિકો’ શીર્ષકથી આ પુસ્તકને આવકાર આપ્યો છે. લઘુકથા એ કંઈ ટુચકો નથી. આશ્ચર્ય પમાડે એવી ચમત્કૃતિ હોય તો પણ એમાં સંવેદન જગવતું સત્ત્વ ન હોય તો એ સાહિત્યમાં સ્થાન ન પામે. રેખાબા સરવૈયાની ઘણી ખરી લઘુકથાઓમાં અંતે ચમત્કૃતિ હોય છે ખરી પણ એમનું લક્ષ્ય માનવ સંબંધોમાં વિધાયક તત્ત્વ શોધવાનું છે. નકારાત્મક પરિબળોને કારણે ઊભું થયેલું માણસ-માણસ વચ્ચેનું અંતર ઓછું કરવાનું છે. ૬૯ લઘુકથાઓના આ સંગ્રહની પહેલી રચના છે, ‘ગંધ.’ વાતાવરણ કોમી હુલ્લડનું છે. હુમલાખોરોથી બચવા એક ડોશી નાસતાં જાય છે. ટૂંકો રસ્તો લીધો છે, પણ આ મોતનો મારગ નથી એની ખાતરી નથી. ડોશીની માનસિક-શારીરિક સ્થિતિનું વર્ણન કરતાં રેખાબા લખે છે : ‘ગભરાટ અને ડર બેય જાણે કે એના પગની બેડી બનીને ગતિને અવરોધી રહ્યાં હતાં. પણ એથી વિપરીત, હૃદય જોર જોરથી ધબકીને પગને પણ ઝડપ વધારવાનું કહી રહ્યું હતું તો મગજ આ સ્થિતિમાં સમતુલા જાળવવા માટે મરણિયા પ્રયાસો કરીને અવિરત વિચારોમાં વીંખાઈ રહ્યું હતું.’ (પૃ. ૪, ગંધ, ખોબામાં દરિયો) – ઉપર્યુક્ત વર્ણનમાં લેખિકાની સર્જકતા જોવા મળે છે. પગ, હૃદય, મગજને પરિસ્થિતિ સાથે સાંકળવામાં વિરોધાભાસની મદદ લીધી છે એ નોંધપાત્ર છે. ટોળામાંથી કે આજુબાજુથી કોઈની મદદ મળે અને ડોશી બચી જાય એવો સુખદ અંત શોધી શકાય. પણ લેખિકાએ ચીંધવો છે કોમી એખલાસ. આઠ-નવ વરસની છોકરી ડોશીની નજીક સરકે, ડોશી એને હૂંફ આપે, રેંકડીની આડશ કરતા વાત્સલ્યની આડશ વધુ સુરક્ષા સૂચવે. અને ત્યાં એક શબ્દ ચમત્કાર સર્જે : ‘અમ્મીજાન.’ દાદીમાને બદલે ‘અમ્મીજાન’ શબ્દ નવા સ્થપાયેલા સંબંધનું સૌંદર્ય ઉપસાવે છે. ગાઝાપટ્ટી પર થઈ રહેલા વિનાશક હુમલાનું રિપોર્ટિંગ જોતા બાળક અરિદમ અને મા વચ્ચેના સંવાદરૂપે લઘુકથા ‘બુઠ્ઠી ધાર’ રચાઈ છે. પેન્સિલની બુઠ્ઠી ધાર સંવેદનાને બુઠ્ઠી કરી દે એવી સામાજિક ઘટનાઓમાંની એક છે લગ્નનો ઉત્સવ. ‘અવ્યક્ત’માં જુલમનો ભોગ બનેલી બાળકીનું મૌન ટી. વી.ના દૃશ્યની સાક્ષીએ વિસ્ફોટ પામે છે. હોટલના ટેબલ બૉયથી ચાનો કપ ઢળે અને શ્રીમંત નબીરાનાં કપડાં પર પડે – આવું કેમ બને? સાર્થક આ દૃશ્યને જુએ છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા આ છોકરાને એક વૃદ્ધાની સેવામાં ઉજાગરા કરતો જુએ છે. સામાજિક વિષમતા પ્રત્યે લેખિકા ધ્યાન ખેંચીને અભાવોમાં જીવતા છોકરાની માનવતાને ઉજાળે છે. ‘અકથ્ય’માં ખાવાપીવામાં જેની સાથે નાતો હતો એ ગામડાનું ઘર જોતાં કશુંક ગુમાવ્યાનો સંકેત છે. ‘ગૂંચ’ દીકરીના વિવાહની છે એ અંતે એના નિષ્ફળ લગ્નજીવનની ગૂંચ રૂપે ઓળખ આપે છે. ‘અંતે તો’ પડોશીઓ વચ્ચેનું અંતર માઠા પ્રસંગે ઘટે એનો નિર્દેશ કરે છે. ‘અભેદ્ય’માં અનુષ્કાને જોવા મળતી માનસિક સંતુલન ગુમાવી બેઠેલી સગર્ભા યુવતી અતિવૃષ્ટિમાં પણ એને જોવાની જીદ, બચ્ચાને જન્મ આપે એવી બિલાડીનું આવવું અને બાર બાર વર્ષથી માતૃત્વથી વંચિત હોવાની હકીકત... કથા સીધી રેખામાં ચાલે છે. ‘ચાંદરડું’માં ગરીબીનું સધન ચિત્ર છે. ઝૂંપડીની છતમાંથી પડતું ચાંદરડું મા-બાપ બંનેનું ધ્યાન ખેંચે છે. (પૃ. ૬૦) ‘ડિમોલિશન’માં સરકારી નોકરી કરતાં પતિ-પત્નીની સામાજિક નિસ્બત પ્રગટ થાય છે : પત્ની મિત્રા પતિ મંથનને કહે છે : તમે બદલી માગી લો અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ. કારણ? ‘નવો જિલ્લો જાહેર થતાં સરકારી કચેરી માટે વર્ષો જૂના ડાક બંગલાની જગ્યા પસંદ કરાઈ છે અને એ જગ્યાનું મંત્રીશ્રીના હસ્તે વિધિવત ખાતમૂહુર્ત થઈ શકે એ માટે વર્ષો જૂનાં વૃક્ષોનું ડિમોલિશન વહેલી તકે શરૂ કરવાનું રહેશે.’ (પૃ. ૫૮, ખોબામાં દરિયો) ‘ભંગાર’ વ્યંગકથા છે. વૃદ્ધ માબાપને પણ ભંગાર માનવાનું માનસ નવી પેઢીમાં વધતું જાય છે. રેખાબા અહીં અજિતને નહીં પણ પત્ની અમીને અનુદાર બતાવે છે. કોઈ નારીવાદી વિવેચક આ અંગે ટકોર કરી શકે. અમી અજિતને કહે છે : ‘હમણાં થોડા દિવસો વાતને ટાળવાનો પ્રયાસ કર... ત્યાં સુધીમાં હું આપણા સર્વન્ટ્સને ખાલી કરવાનું કંઈક કરું છું... કહેવાય ભલે ભંગાર પણ... એનોય સરખો ભાવ તો મળવો જોઈએ કે નહીં...!’ (પૃ. ૬૮) અલબત્ત રેખાબા અમી સાથે સંમત નથી જ તેથી એમણે એના ભંગાર જેવા માનસ પર ઠંડો વ્યંગ કર્યો છે. માબાપ ભંગાર નથી, આ માનસ ભંગાર છે. દરેક લઘુકથા વિશે ચર્ચા થઈ શકે. લેખિકાની સામાજિક નિસ્બત દરેક રચનામાં વર્તાય છે. ભાષા સરળ રહીને વચ્ચે વચ્ચે સાહિત્યિક છટા દાખવે છે. અધ્યાપન કરવાને બદલે વહીવટમાં ગયાં તેથી લેખન માટેનો સમય તો એમાં ખર્ચાશે પણ બદલામાં નવા અનુભવ અને વિવિધ ક્ષેત્રનાં નિરીક્ષણો સુલભ થશે જે લેખનની સામગ્રી બની શકે. બીજા લેખકો કરતાં રેખાબા વિચારના નિરૂપણની રીતે પણ જુદાં પડે છે. વિચારની ભૂમિકાએ આરંભ કરીને લઘુકથાના અંતના વિસ્મય સુધી પહોંચવામાં એ મોટે ભાગે સફળ થાય છે.
ગુજરાતી લેખક મંડળની વિવિધ પ્રવૃત્તિઓમાં એક છે : ‘લેખિકા મંચ.’ એના દ્વારા લેખિકાઓની વાર્તાઓનું સંપાદન કરી ‘સ્ત્રીઆર્થ-૧’નું પ્રકાશન કર્યું હતું. ૨૦૧૬ના જુલાઈમાં ‘સ્ત્રીઆર્થ-૨’નું પ્રકાશન થયું છે. એમાં તેત્રીસ લઘુકથાઓનો સમાવેશ થયો છે. સંપાદન કર્યું છે લેખક મંડળનાં ઉપપ્રમુખ પ્રતિભા ઠક્કરે. એમને સાથ આપ્યો છે નંદિની શાહ-મહેતા અને ઊર્વી અમીને. એમની કૃતિઓ પણ આ સંગ્રહમાં સુલભ છે. જેમનાં બેથી વધુ પુસ્તકો પ્રગટ થયા હોય એવાં પ્રજ્ઞા પટેલ, રેખાબા સરવૈયા, અર્ચના ત્રિવેદી, હીના હેમંત મોદીની કૃતિઓ પણ અહીં છે. જેમની ‘સ્ત્રીઆર્થ-૧’માં કૃતિઓ પ્રગટ થઈ હતી એમને પણ અહીં વાંચી શકાશે. વળી આ લેખિકાઓ વિવિધ વયજૂથની છે, પ્રશંસા માટે એમને નવોદિત કહીએ એમાં કશું ખોટું નથી. મુંબઈ અને અમેરિકા-કેનેડામાં વસતી લેખિકાઓ પણ અહીં છે. આ કેવી રીતે શક્ય બન્યું? ધીરુબહેન પટેલ તો રીતસર શિબિર કે સત્રનું આયોજન કરે, અહીં શિબિરનું સ્થળ છે ફેસબુક, વૉટ્સએપ ગ્રુપ. પ્રતિભાબહેન કહે છે : ત્રણ દેશોની તેત્રીસ લેખિકાઓની નાનકડા સ્ક્રીન પરની સફરને લેખક મંડળે માર્ગદર્શન આપ્યું. મંડળના પ્રમુખ અને સમાજલક્ષી સર્જક શ્રી મનીષી જાનીએ ‘સ્ત્રીઆર્થ-૨’ની વિસ્તૃત પ્રસ્તાવના લખી છે. શામળ ભટ્ટથી અત્યાર સુધીમાં વ્યક્ત નારીભાવનાની સમીક્ષા કરીને એમણે દરેક લઘુકથાનો મર્મ સ્પષ્ટ કર્યો છે. શામળની બત્રીસ પૂતળીઓની વાર્તાઓથી આ વાર્તાઓ ત્રણસો વર્ષ આગળ છે. સંખ્યા પણ બત્રીસને બદલે તેત્રીસ છે. શ્રીમતી ઇલા આરબ મહેતાની દાયકાઓ પૂર્વે પ્રગટ થયેલી કથાકૃતિ ‘બત્રીસ પૂતળીની વેદના’નું અહીં સ્મરણ થાય છે. અન્યાયનો પ્રતિકાર, ન્યાય માટેનો સંઘર્ષ, બદલો જેવાં વલણો નારીલેખનમાં પ્રગટ થતાં ગયાં, અહીં પણ એ છે, પણ ધ્યાન ખેંચે એવું એક વિધાયક વલણ પણ છે. ક્યાંક સુખ છે, સંતોષ છે, આનંદ છે. મહાશ્વેતા જાનીની વાર્તા છે – ‘એક ચપટી લાગણી.’ આરંભે ગાઢા અક્ષરમાં લખ્યું છે : ‘રોજ દોડતી જિંદગીમાં તારું બે ચપટી વ્હાલ, કોરાકટ શ્વાસમાં જાણે વીરડો ફૂટ્યો.’ વાર્તા ખુશીને કેન્દ્રમાં રાખીને લખાઈ છે. સવારથી સાંજ સુધીનો એનો નિત્યક્રમ વર્ણવાયો છે. ઘર સંભળે છે, પતિને સાચવે છે, ઓફિસનું કામ પણ કરે છે. થાક નથી, કોઈની વિરુદ્ધ વિચારવાનો જાણે કે સમય જ નથી. દીકરો આરવ જલદી મોટો થઈ ગયો. સોળ વર્ષના દીકરાને શું ગમશે, શું નહીં ગમે એનો ખ્યાલ કરી ખુશી અને સમીરે એને માટે અગાઉથી કોઈ ભેટ નહોતી ખરીદી. સાથે જઈ અપાવીશું, પણ મન માન્યું નહીં, ખુશી ત્રણ વડાપાઉં પેક કરાવી લાવી. વાર્તા હવે સાચા અર્થમાં આગળ વધે છે. પુત્ર આરવ કહે છે : ‘મમ્મા! તું અહીં શાંતિથી બેસ, હું તારા માટે પાણી લઈને આવું.’ – ખુશી થાકી ગઈ હતી એટલે બે ઘડી પોરો ખાવા બેઠી. પાણી પીધું... પછી આરવને કહ્યું : ‘હું તારા ફેવરીટ વડાપાઉં લાવી છું. ચલ ઝટ ખાઈએ.’ આરવે કહ્યું : ‘એક મિનિટ મમ્મી તારા માટે એક સરપ્રાઈઝ છે... બે મિનિટ માટે આંખ બંધ કર. તો હવે તું આંખો ખોલી શકે છે!’ અરે આ શું? દીકરો ગરમ ગરમ ચાના બે કપ લઈને આવ્યો! આરવે કહ્યું : ‘વડાપાઉં સાથે ચા! છે ને પરફેક્ટ કૉમ્બો મમ્મા?’ ‘હા બેટા એકદમ પરફેક્ટ.’ ખુશી આરવને વ્હાલથી એકદમ વળગી પડી!’ (પૃ. ૨૭ સ્ત્રીઆર્થ-૨) નાની ઘટના દ્વારા કેવું મોટું સુખ સૂચવાયું છે? આ વિધાયક દૃષ્ટિ છે. એ ભાવકને શક્યતાના માર્ગે સાથે લે છે. સેજલ પોંદાની વાર્તા ‘લાઈટ’માં સ્વપ્નનો તેમજ કપોલકલ્પનાનો – ફેન્ટસીનો મિશ્ર ઉપયોગ છે. ચિત્રગુપ્ત, આધુનિક વેશ, લેપટોપ, સ્યૂસાઈડ, દરબારની નવી શાખા – બધું આશ્ચર્યજનક છે. આત્મહત્યાની વાત સ્વપ્નમાં આવે છે, લેપટોપમાંથી અવાજ આવે છે : ‘માનનીય બ્રહ્માજી સ્યૂસાઈડ દરબારના બધા લોકો સાથે મનકી બાત કરશે.’ સ્વપ્ન પૂરું થાય ત્યાં રાહુલ પીધેલી હાલતમાં અંદર આવે છે. ‘માનસીએ ધક્કો મારી હંમેશ માટે એને પોતાની જિંદગીમાંથી બહાર કાઢી મૂક્યો. સપનાના શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યા. ‘કુછ રૌનકેં ખુદ સે ભી હુઆ કરતી હૈં.’ માનસીએ હળવું સ્મિત કર્યું અને આખા રૂમની લાઈટ ચાલુ થઈ.’ (પૃ. ૮) અહીં એકલા હોવું – એકલા થવું અભિશાપ નથી, સધિયારો છે, સંકુલ પરિસ્થિતિ કલ્પીને લેખિકાએ આપઘાતને નકાર્યો છે. લેખિકા સેજલ મુંબઈનાં છે. નીવડેલાં લેખિકા છે. નંદિની મહેતાની વાર્તા ‘અસર’માં પિતાની ઇમેજથી માતાની ઇમેજ પ્રતિ સંક્રમણનો નિર્દેશ છે. પારુલ મહેતાની વાર્તા ‘ત્વચા નીચેના માણસ’ ગ્લેમરને બદલે એસિડનો ભોગ બનેલી યુવતીને સ્ટેજ પર લાવી નવી દૃષ્ટિથી, નવો વિષય લઈ સ્ત્રીસશક્તિકરણનું દૃષ્ટાંત બને છે. મુંબઈનાં સમીરા પતરાવાલાની વાર્તા ‘ફકીરની પાળ’માં ફકીરનું રેખાંકન ઊપસે છે. દોરાના બોજથી અકળાતો લીંબડો પ્રત્યક્ષ થાય છે. પુત્રીના કથનરૂપે વાર્તા આગળ વધે છે. ‘મારું નવું નામ હતું ‘ફકીરની પાળ’. અહીંયાં દરેક ધર્મના લોકો આવતા, દુઃખને પણ ક્યાં કોઈ ધર્મ હોય છે?’ (પૃ. ૧૧૮) કેવી મોટી વાત! દુઃખને પણ ક્યાં કોઈ ધર્મ હોય છે? અહીં પોસ્ટ ઑફિસ – ધૂમકેતુના અલીડોસાના દુઃખનું સ્મરણ થશે. અજ્ઞેયજીએ કહેલું : ‘દુઃખ સબકો માંજતા હૈ!’
‘વિનોદે આવીને બેલ મારી. થોડી વાર ઊભો રહ્યો. ‘સીમા!’ ફરી બેલ મારતાં બૂમ પાડી. ‘હું છું.’ પણ કોઈનો પગરવ સંભળાયો નહીં. ‘એને ખબર તો છે કે હું આજ આવી જવાનો છું.’ અકળાઈને એણે બારણાને ધક્કો માર્યો તો બારણું ખુલ્લું જ હતું. અંદર પ્રવેશ્યો તો સામે જ હીંચકા પર બેઠી બેઠી સીમા લીલા દોરાથી ભરત ભરવામાં તન્મય હતી. ‘અરે તું અહીંયાં જ છે તો બોલતી કેમ નથી?’ વિનોદે આશ્ચર્યથી પૂછ્યું : ‘લે, આ સૂટકેસ ને પ્લીઝ, એક કપ ગરમાગરમ ચા.’ પણ સીમા તો ભરત ભરતી રહી અડોલ ને હીંચકો હળવું હળવું ઝૂલતો રહ્યો.’ (શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી, ૨૦૦૫) ડૉ. પારુલ કંદર્પ દેસાઈએ સને ૧૯૯૮થી વાર્તા લખવી શરૂ કરી અને સંગ્રહની ચૌદમી વાર્તા ‘એક ડગલું આગળ’ સને ૨૦૧૩માં પ્રગટ થઈ. સંગ્રહનું નામ પણ આ વાર્તા પરથી અપાયું છે. વૈદ્યરાજ પતિ કંદર્પ દેસાઈ નીવડેલા વાર્તાકાર છે. એમના પ્રતિભાવ પારુલબહેનને મળતા રહ્યા છે. ઉપરાંત ‘પાક્ષિકી’, ‘સાહચર્ય’ અને ‘સુ. જો. સા. ફો.’ જેવી વાર્તાલેખકોની કાર્ય શિબિરોનો એમણે લાભ લીધો છે. તેથી પણ એમને ઓછું લખીને નોંધપાત્ર સર્જકતા સુધી પહોંચવાની સજ્જતા પ્રાપ્ત થઈ છે. સંગ્રહની લગભગ બધી વાર્તાઓ નારીપ્રધાન છે. એક બે અપવાદ બાદ કરતાં પુરુષે નકારાત્મક ભૂમિકા ભજવીને નારીનું ઊજળું પાસું ઉપસાવ્યું છે. ઉપર્યુક્ત અવતરણ ‘અંદર-બહાર’ નામની વાર્તાના અંત ભાગનું છે. વાર્તાકાર શ્રી વીનેશ અંતાણીએ વર્ષની શ્રેષ્ઠ વાર્તાઓમાં આનો સમાવેશ કરેલો. કારણ? ઘર ન છોડવાનો સીમાનો નિર્ણય. પતિની બેવફાઈ વિશે જાણ્યા પછી ઘર છોડવું કે કેમ એની દ્વિધા અનુભવ્યા પછી એ પતિને ન ગમતી પ્રવૃત્તિ તાજી કરે છે, ભરત ગૂંથણની કળાને ફરી હાથમાં લે છે. હજી એ હીંચકા પર છે પણ એના હાથનો દોરો લીલા રંગનો છે. તિરસ્કાર કે પલાયન નહીં પણ પોતાની જાત સાથે ફરી જોડાવાનો પ્રયત્ન. નારીવાદી વાર્તા માટે આ નવો અંત છે. નારીવાદના પુરસ્કર્તાઓએ પણ ઉત્તર આધુનિક કાળમાં સૂચવ્યું કે પુરુષને વામણો ચીતરવાની પળોજણ છોડી સ્ત્રી-પુરુષ સમાનતા પર ભાર મૂકવો. શોષણ અને અત્યાચારનો વિરોધ હોય પણ નિર્દોષ પુરુષની સમાનતા સ્વીકારવી કે નહીં? પોતાની સમાનતા અને સ્વતંત્રતા સ્વીકારવા-સ્વીકાર કરાવવા ઘરમાં સાથે જ રહેવું – આ નિર્ણય ‘એક ડગલું આગળ’ વાર્તામાં વધુ દૃઢતાથી ઘૂંટાયો છે. એ માટે લેખિકાને અન્ય પાત્રો-પ્રસંગોની મદદ મળી છે. નિશાનો પતિ કિરીટ પરપ્રાંતીય છે. પ્રેમલગ્ન થયેલું. પતિની જેમ નિશા પણ કમાય છે, બેંકમાં નોકરી કરે છે. નિશાની બહેનપણી રેણુકાની દીકરી ગુડ્ડીને અકસ્માત નડ્યો છે. નિશા એને પચાસ હજાર રૂપિયાની મદદ કરવા બેંકના પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા જાય છે તો જમા છે માત્ર પાંચ હજાર રૂપિયા! કિરીટે નિશાને પૂછ્યા વિના જ પૈસા ઉપાડી લીધા હતા. કિરીટને શીરો બહુ ભાવે છે, ‘શીરા જેવી નિશા પણ.’ ઉડાઉ પતિનો આ પ્રેમ? નિશા કિરીટને પૂછ્યા વિના રેણુકાને મદદ કરવા લોન લે છે. આ પગલું એના નારીત્વનું – એના સ્વાતંત્ર્યનું સર્વોત્તમ કર્મ છે – એકશન છે, રીએક્શન નથી – માંદલી પ્રતિક્રિયા નથી. વાર્તાકાર બિપિન પટેલે સંગ્રહની સુદીર્ઘ પ્રસ્તાવના લખી છે. ઇબ્સનની નાયિકા નોરાએ ઘર છોડ્યું અને બંધ થતા બારણાનો અવાજ આખા યુરોપે સાંભળ્યો એ આજથી એકસો પંદર વરસ પહેલાંની ઘટનાથી આરંભાતા નારીવાદની ટૂંકમાં રજૂઆત કરીને બિપિનભાઈએ ‘એક ડગલું આગળ’ ઉપરાંત ‘એસએમએસ’, ‘અરીસો’, ‘કશુંય નહીં પણ’ અને ‘ગ્રહણ’ વાર્તાઓની વિગતે ચર્ચા કરી છે. લેખિકાની પ્રથમ વાર્તા ‘વિપર્યાસ’ વિશે એમણે અગાઉ લખેલું, ચમનમાં. આત્મસન્માન ટકાવવા ઇબ્સનની નોરાની જેમ પારુલની નિશા ઘર છોડતી નથી. બિપિનભાઈ નોંધે છે : ‘વાર્તામાં મહત્ત્વનો મુદ્દો એ છે કે સ્વાર્થી, પ્રેમનો દેખાવ કરી શોષણ કરતા પતિને ચેતવણી રૂપ એક ડગલું આગળ જરૂર દેખાય છે... પોતાનું સ્વાતંત્ર્ય બરકરાર રાખીને દાંપત્યજીવનને એક તક આપે છે, તે દૃષ્ટિકોણ મૂકીને જલદ પ્રતિક્રિયા માંગતા કે પરંપરાવાદી એમ બંને વાચકવર્ગને આંચકો આપ્યો છે.’ (પૃ. ૧૪) આ સંદર્ભમાં વાર્તાનો અંત વાંચો : ‘તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ત્યાંથી જ થઈ શકશે. પણ કિરીટને ખબર પડશે ત્યારે?... ખબર શું પડશે? હું જ કહીશ – ‘મેં રેણુકાને મદદ કરવા લોન લીધી છે અને હપ્તા મારા પગારમાંથી જ કપાશે અને... મેં... મેં... પ્રમોશન સ્વીકારી લીધું છે... મોટે ભાગે વલસાડ બ્રાંચમાં મૅનેજર તરીકે ટ્રાન્સફર થશે.’ પૂરા આત્મવિશ્વાસથી તૈયાર થઈ નિશા બેંકમાં જવા નીકળી.’ પચાસેક વર્ષ પહેલાં જ્યંતિ દલાલ જેવા લેખકોએ આવો અંત ધરાવતી વાર્તાઓ લખી છે. પણ બીજા લેખકો સુખ અને સુમેળ સાધવા વાર્તાને આગળ ચલાવતા, પ્રાયશ્ચિત કરાવી કિરીટની પાત્રતા કેળવતા, ‘આરવનો જન્મ, જીવનની પરમ સુખદાયી ક્ષણો’ – એ વસ્તુના વિકાસ માટે પણ જગા ફાળવવામાં આવી હોત. પણ વાર્તાકાર પારુલ દેસાઈ લાઘવમાં માને છે, સંકેતથી કામ લે છે. છતાં ક્યાંય જટિલતા નથી. પતિની ચંચળતા ભૂલવા મથતી લોપાની મનોદશા સૂચવતાં ‘વિપર્યાસ’ની લોપાના સંદર્ભે આવી ઉપમા યોજાઈ છે. ‘એ નહોતી ઇચ્છતી તોય ચહેરા પરના ખીલની જેમ એ સ્મરણ ધસી આવ્યું.’ માનસી ઊંચો હોદ્દો ધરાવે છે, પરણી નથી. લોપા બે સંતાનો અને પતિ સાથે સુખી છે. એના આગ્રહથી માનસી એક દિવસ એના ઘેર રહેવા આવે છે. દરિયા કિનારે લોપા વિવેકની લોલુપ નજર જુએ છે, ભૂલી શકતી નથી. જ્યારે માનસીને પરિવારના જીવનમાં રસ પડે છે. પંજાબી ડ્રેસને બદલે એ સાડી ધારણ કરે છે. જ્યારે લોપાને માનસીની સ્વતંત્રતા વિશે વિચારો આવે છે. પોતાના સમર્પણ વિશે પ્રશ્નો જાગે છે. મનોદશાની આ અદલાબદલી સૂચવીને લેખિકા અટકી જાય છે. પેલા આસ્તિક અને નાસ્તિક આખી રાત વિવાદ કરતા રહ્યા. સવારે આસ્તિક બદલાઈને નાસ્તિક થઈ ગયો અને નાસ્તિક થઈ ગયો આસ્તિક. લેખિકા કોના પક્ષે છે? લોપાના કે માનસીના? ‘લાકડાના લાડુ’ કરતાં અહીં જુદી દિશા લેખિકાએ સૂચવવી છે. નારીની ભ્રમણાને સપનામાં બદલી શકે એવો એક પુરુષ અવાજ ‘એસએમએસ’ વાર્તામાં છે. બાકી તો બધા પુરુષ પ્રમાદધન જેવા?
‘ગતિ’ નામે પૂજા તત્સતનો વાર્તાસંગ્રહ જોતાં આનંદ થયો. મોડું લખવાનું શરૂ કર્યું. પણ પુસ્તક વહેલું પ્રગટ થયું. પિતાજીની હયાતીમાં નહોતું લખ્યું. પિતાજી કોણ? નિર્દેશ નથી કર્યો. પૂછવું પડ્યું. પિતાજી કોણ? શ્રી નવનિધ શુક્લ, પાલનપુરમાં અધ્યાપક. ઉત્તમ વક્તા, અભ્યાસી, રસદર્શી વિવેચક. હવે નથી, એમને – પપ્પા-મમ્મીને અર્પણ આ સંગ્રહ જોઈને એમણે ધન્યતા અનુભવી હોત. મૂળ કુટુંબ ભાવનગરનું. સાહિત્ય અને કળાના પાયાના સંસ્કાર તો હોય જ. કહે છે કે પૂજાબહેન ગાય છે પણ સારું. અધ્યાપક, ઉદ્ઘોષક, અનુવાદક તરીકે કામ કરેલું. પુત્રીના જન્મ પછી નોકરી નથી કરતાં. પિતાજીના મૃત્યુના બીજા દિવસે ‘વિદ્યાના પપ્પા’ વાર્તા લખાઈ. પૂજાબહેને વિદ્યા નામ ધારણ કરીને નવનિધભાઈ વિશે અંજલિ લેખ લખ્યો હોય એવું લાગે. રેખાચિત્ર વાંચ્યાનો અનુભવ થાય. પાલનપુર અને અમદાવાદના સંદર્ભો પરિસ્થિતિને પ્રત્યક્ષ કરે છે. બીમારીને કારણે અંતિમ દિવસોમાં કેવી સ્થિતિ હતી? ‘શબ્દની દુનિયાનો માણસ નિઃશબ્દ થઈ ગયો. તીવ્ર યાદશક્તિ ધરાવતો માણસ વિસ્મૃતિમાં લીન થઈ ગયો. મોતીના દાણા જેવા અક્ષર ધરાવતા માણસની પેન્શનનાં કાગળિયા પર અંગૂઠાની છાપ લેવી પડતી. સુંદર કંઠ અને વાણી ધરાવતા પપ્પા વાચાવિહીન થઈ ગયા. એમને મોટા અવાજ, કર્કશતાથી આમેય નફરત હતી. એમના જીવનમાં માત્ર સુમધુરતા અને સુમેળતા માટે જ સ્થાન હતું. કુદરતે પપ્પાનાં કલમ ને કંઠ બંને છીનવી લીધાં.’ (પૃ. ૫૦, ગતિ) એક આળસુ બુદ્ધિજીવી કે પછી આ ભૌતિકવાદી દુનિયા જેને સમજવામાં નિષ્ફળ ગઈ તેવું કુમળું કવિહૃદય? – આ અંજલિરૂપ ઉદ્ગારો પણ રેખાચિત્ર માટે પૂરક બને છે. તો આધિભૌતિક તત્ત્વોનો નિર્દેશ કુતૂહલ જગવે છે : ‘પેલા દેવેન્દ્રભાઈ પાલનપુરથી આવેલા, તે કહેતા હતા કે પિતાની અંતિમ વિદાયના દિવસે જ તેમણે સાંજે માનસરોવર તળાવને કાંઠે બાંકડા પર બેઠાં બેઠાં પપ્પાને તળાવને કિનારે ટહેલતા જોયા! ખરેખર એ જ વ્યક્તિ! વિદ્યાએ બાળસહજ વિસ્મયથી ફૈબાને પૂછ્યું : ‘હેં ફૈબા, આ સાચું હશે? એમણે કહ્યું કે ‘હા, જરૂર હોઈ શકે. શરીર રૂપી ખોળિયામાંથી નીકળીને જીવાત્મા તરત જ પોતાની મનભાવતી જગાએ જઈ ચડે છે. આત્માને તો કોઈ બંધન નડતાં નથી. એ તો ગમે ત્યાં પહોંચી જઈ શકે.’ વિદ્યા સાંભળી રહી. નરી વાસ્તવિકતાના પ્રખર સૂર્યપ્રકાશમાં આભાસની આવી છાંયડી ઘણી વાર ગમે છે.’ (પૃ. ૫૧) પિતાનું અનન્ય વાત્સલ્ય, પોતાની સોળેક વર્ષ પૂર્વેની સ્મૃતિઓ – આ બધું જાણે કે એક લસરકે પ્રગટ થઈ ગયું છે. ક્યારેક અંગત વસ્તુ બિનંગત કરતાં સવાયું નીવડે એનું ઉદાહરણ છે આ રચના. ‘બોન વોયેજ’ વાર્તાને મમતા વાર્તાસ્પર્ધાનું ઇનામ મળેલું. પુત્રી કાવ્યાની નજરે આ વાર્તા કહેવાઈ છે. સિત્તેર વર્ષના નિવૃત્ત જજ પરિમલ ભટ્ટનો અમેરિકા જઈ વસવાનો નિર્ણય જગજાહેર હતો. ત્યાં ગયા, રહ્યા. પત્ની સુધાના અવસાનનાં વર્ષો નોંધતા રહ્યા, ડાયરીમાં. ‘સવારે નવ વાગ્યે દીકરો અને પુત્રવધૂ ‘ડેડ જઈએ છીએ – બાય’ કહીને જાય તે પછી સાંજે આવે ત્યાં સુધીની એક એક પળ ક્રમશઃ અઘરી બનતી જાય છે.’ છેલ્લે અનામિકાનો સંપર્ક થાય છે. સાથે રહી શકાય? અનામિકામાં સુધાનું પ્રતિબિંબ દેખાય છે, એ શું અઘટિત લેખાય! એવું હોય તો સુધા મને માફ કરે, બીજા કોઈની માફીની મને તમા નથી.’ (પૃ. ૯૧) પ્રૌઢ પરિમલ ભટ્ટ અને ભારતને વળગી રહેતી પુત્રી કાવ્યાનાં વ્યક્તિત્વ પ્રગટ થાય છે. છેલ્લે સ્પષ્ટ થાય છે કે અનામિકા પણ પરિમલ ભટ્ટને રોકી રાખવાને બદલે ‘બોન વોયેજ’નું કાર્ડ પાઠવે છે. અમેરિકાની ભૌતિક સુવિધાઓ, સ્વતંત્રતા સાથે અંતરતમ સંબંધનો અભાવ આ વાર્તા સૂચવે છે. અંગ્રેજી મિશ્રિત શબ્દપ્રયોગ જરૂર કરતાં વધારે લાગે. પુસ્તકની આરંભિક ત્રણ વાર્તાઓ ‘ગતિ’, ‘અભિમન્યુની વાઈફ’ અને ‘શબ્દ’ લેખિકાની રચનારીતિ અને ભાષાનો પરિચય કરાવે છે. ‘ગતિ’ વાર્તામાં અકસ્માત પછી આછા અંધારામાં ઊભા રહેલા યુવકની મનોદશા એનાં સ્મરણો અને વર્તમાન ક્ષણો સાથે વ્યક્ત થઈ છે. મદ્યપાન, સ્ત્રીસંગ જેવી બાબતો સાથે એકલતા, ભૂખ, ઊંધી વળેલી કાર એની પચ્ચીસ વર્ષની વયે આવેલી સ્થગિતતાને સૂચવે છે. તૂટેલી વસ્તુઓ સંધાય છે – લેપટોપ, મોબાઈલ, ‘સ્લો ડાઉન’નું બોર્ડ આ બધું નવો છતાં મર્યાદિત સંચાર જગવશે એવું અનુભવાય છે. ભાષા ઘૂંટાયેલી છે. અનુઆધુનિક કાળની માનવીય સંવેદના – કહો કે એની ઊણપ અહીં કલાત્મક ઘાટ પામે છે. ‘શબ્દો’ વાર્તા પુરુષની – ભાઈની નજરે કહેવાઈ છે. બાળપણમાં દાદરા પરથી નજર સામે પડીને મૃત્યુ પામેલી બહેન પરીનું સ્મરણ એ આ વાર્તાનો મર્મ ભાગ છે. ‘એ દિવસે મેડીએ લાકડાના દાદરાના કઠેડા પાસે અમે બેઉ ભાઈ-બહેન સૌથી ઉપરના પગથિયે બેઠેલા. હું પાછલા રૂમની બારીમાંથી સામેની ભીંત પર પડતા તડકાના ચાંદરણામાં ફિલ્મ પાડી રહ્યો હતો. બપોરના બારેક વાગ્યા હતા. બા રસોડામાં ને બાપુજી નોકરીએ હતા. પરી એના નાનકડા હાથ વચ્ચે લાવીને વારે ઘડીએ મારા હાથમાંથી ફિલ્મની પટ્ટી લેવા પ્રયત્ન કરી રહી હતી ને હું ક્યારેક ગુસ્સાથી જાને આઘી કરતો મારા ફિલ્મની પટ્ટીવાળા હાથ વધુ ઊંચા ઉઠાવતો જેથી એ પહોંચી ન શકે. એટલામાં નાનકડા એ પગ લપસવાનો અવાજ. ફસડક દાદરા પર પછડાટી ખાઈને ફંગોળાતા એ નાનકડા શરીરનો દરેક પગથિયે આવતો થડ્ થડ્ અવાજ અને છેલ્લે ભક્.’ (પૃ. ૧૮) બહેનના મૃત્યુની આ ઘટના કિશોરાવસ્થાને વીંટળાયેલી રહે છે. એકવીસમે વર્ષે ગામ છોડેલું. પેલી ઘટના સ્મરણને પણ ડહોળતી રહે છે. પાછા વળતાં ટ્રેનની બારીમાંથી રસ્તામાં નદીમાં પેલી ફિલ્મની પટ્ટી પધરાવી દીધી. આઘાત કંઈક ઓસરવા લાગ્યો છે. પણ ભાવકના સંવેદનમાં ઓટ આવતી નથી. ભાઈબહેનનો બાળપણનો નાતો એ આપણી પ્રજાકીય મૂડી છે. આ સંગ્રહની અઢાર વાર્તાઓ છથી દસ પૃષ્ઠની મર્યાદામાં પૂરી થાય છે. કથનરીતિનું વૈવિધ્ય અને પુખ્ત વયે પ્રાપ્ત થતી સમજણ આ સંગ્રહને આવકારવા પ્રેરે છે લેખિકાએ સાહિત્યનો અભ્યાસ અગાઉ ખંતથી કર્યો છે, સજર્નાત્મક લેખન દ્વારા પિતાજીનો વારસો દિપાવ્યો છે.
જે વિવેચક નથી, ભાવક છે, ભાવકોના સંયોજક છે એવા શ્રી નિમિત્ત કારીયા પોતાનું ટેક્નોક્રેટ તરીકેનું કામ બાજુ પર રાખી ઐશ્વર્યા દૂધિયાની આઠ વાર્તાઓ વાંચે છે, કેમકે આ વાર્તાઓ ગુજરાતીમાં લખાયેલી છે. ઐશ્વર્યા સેપ્ટ યુનિવર્સિટીમાં ઇજનેર થયાં છે. અંગ્રેજીમાં ભણ્યાં હશે, લખ્યું ગુજરાતીમાં, ચીપી ચીપીને ધ્યાનથી લખ્યું લાગે છે. અનુસ્વારો વધુ વાપર્યા છે. જોડણી પોતાની છે. બાકી બધું બરાબર છે. બધે અંગ્રેજીની બોલબાલા હોય ત્યારે માતૃભાષામાં લખવાનું વ્રત પાળવું એ ભારતીય માનસ સૂચવે છે. આ વાર્તાઓ લખવી એ પોતાની જરૂરિયાત હતી એનું કારણ ઐશ્વર્યા આપે છે : ‘દુનિયાનાં એ બધાં લોકો જેમણે મારા પર વિશ્વાસ કરવાનું જોખમ લઈને મને પોતાની કહાનીઓ કીધી, એ લોકો જેમણે મને ઘણી હકીકતો નરી આંખે દેખાડી; એ લોકો જેમણે મને અમુક કહાનીઓ જીવવા પર મજબૂર કરી, આ ત્રણેય પ્રકારના લોકોએ મને આ વાર્તાઓ લખવા પ્રેરી છે.’ લેખિકા એક બીજા કારણની પણ ચર્ચા કરે છે : ‘અમને કાયમ બ્લેમ કરવામાં આવે છે કે અમે પોતાની ભાષાથી દૂર થઈ ગયાં છીએ. અમને આવડતું, અમે શીખેલું, અમે બોલેલું ગુજરાતી અહીં લખ્યું છે.’ ઘરમાં ગુજરાતી ટક્યું હોય તો જ આ શક્ય બને. પિતાશ્રી અને કાકા બંને ડૉક્ટર, બાળકોની સારવારના વિશેષજ્ઞ, બાળકો તો માતૃભાષામાં જ જવાબ આપે ને! બાળકોની ભાષા ટકાવી એને કેળવવી એ પછી શિક્ષકોની જવાબદારી, ઐશ્વર્યાએ યાદ કર્યા છે શિક્ષકોને, મિત્રોને, પોતાના સાચા દિલને... ‘ઓઝલ’ સંગ્રહની પહેલી વાર્તા છે ‘સળવળાટ’. ડાયરી રૂપે લખાઈ છે. ‘જીવનના નવા વર્ષમાં પ્રવેશતાં પહેલાં સરવૈયું કાઢી લઉં.’ આ લખનારનું નામ આરવ છે. સ્મૃતિમાં છે અનિતા તન્ના, સંબંધમાં મુકાય છે આમન્યા સાથે. પછી અનાથ આશ્રમમાં ગીફ્ટ્સ વહેંચવાનો પ્રસંગ છે. રમતમાં મારામારી કરતાં બાળકોમાંથી છોકરી આરવને પોતાના તરફ આવતો જોઈ નાસી જાય છે મેડમ પાસે. હેડ ઑફિસનો દરવાજો ખૂલે છે અને આરવ પાછો ફરી જાય છે. ‘મારાં પાછાં ફરતાં ડગલાં એ જ મોગરાની ખુશ્બૂમાં ઓગળી ગયા.’ મોગરાની ખુશ્બૂ અગાઉ અનિતા તન્નાના વર્ણનમાં આવે છે. આ વર્ણન ઐશ્વર્યાની સજર્નાત્મક ભાષા દ્વારા એક નોખા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે : ‘જે લડાઈમાં હું હાર્યો હતો એમાં તો એ ઊતરી જ નહોતી ક્યારેય. બધાની એ દોસ્ત હતી તોય સમજી નહોતો શક્યો હું કે કોની એ નજીક હતી. ગણિતની પઝલ અને ગુલઝારની ગઝલ એને રોમાંચ આપતી. ફિઝિક્સની પ્રેક્ટિકલ કરવામાં એને એવરેસ્ટ ચડવા જેટલી ખુશી મળતી. એની ખૂબસૂરતી એ વારંવાર એની આંખથી બરાબર પા ઇંચ દૂર આવી પડતી લટમાં હતી. એનામાંથી હંમેશ આવતી મોગરાની ખુશ્બૂમાં હતી... ઘણી વાર મને લાગતું કે એની નજરમાં એવો એક સન્નાટો છે, જે દુનિયાનાં તમામ અટ્ટહાસ્યોના અવાજને જવાબ આપી શકે છે. મારા અભિમાને મને એની નજીક ક્યારેય ન જવા દીધો પણ એનું આ રહસ્ય મારી અંદર એવી ઉત્કંઠા જગાવી ગયું જે આજે પણ એટલી જ તાજી છે! જીવનની કરુણતા એ છે કે તમે રહસ્યમય સવાલના જવાબ શોધવામાં ને શોધવામાં એ સવાલના જ પ્રેમમાં પડી જાઓ છો! ને હું પણ કદાચ...’ મોગરાની સુગંધ અનાથાશ્રમની હેડઑફિસ સુધી વાર્તાને પહોંચાડે એ સંયોજનમાં વાર્તાનું તત્ત્વ છે. ઓછા શબ્દોમાં સમયનો લાંબો પટ સંકલિત થયો છે. પછી આવે છે ઉપસંહાર. દરેક વાર્તાને અંતે એક પૃષ્ઠ કોરું રાખીને એકાદ પેરેગ્રાફ ઉપસંહાર રૂપે મૂક્યો છે. એથી નિબંધનું તત્ત્વ દાખલ થાય છે : ‘ઘણી વાર તમે કઈ રીતે પ્રેમમાં પડો છો એના કરતાં કોના પ્રેમમાં પડો છો એ વધારે અગત્યનું બની જાય છે.’ ફોટોગ્રાફ્સ વાર્તા દીઠ બબ્બે છે, ચાર રંગમાં. બીજી વાર્તા ‘પશ્ચાતાપ’માં સહાધ્યાયી કાહિની અને આદ્ય વચ્ચે સ્વપ્નમય સંબંધનું નિરૂપણ છે, છતાં લાગણી કરતાં વિચાર વધુ ઉપસે છે. ‘અમુક સંબંધોમાં એવું કેમ હોય છે કે ભૂલ જે સહન કરે એના કરતાં જે કરે એને વધારે તકલીફ પહોંચે છે.’ ઉપસંહારનું એક વાક્ય નોંધપાત્ર છે : ‘જીવન ક્યારેય ખુશી આપવાની ખાતરી નથી આપતું પરંતુ એક આશા આપવાની ખાતરી જરૂર આપે છે.’ આદ્ય એના પિતા પાસેથી સાંભળેલું વાક્ય કાહિનીને કહે છે : ‘મારા પિતા મને કાયમ કહેતા હતા કે જે માણસની સામે તમે હારી જાઓ ને એની સામે જીતવું હોય તો એ માણસને પોતાનું બનાવી લેવું જોઈએ.’ (પૃ. ૧૫, ઓઝલ) લેખિકાએ વ્યક્તિત્વ વિકાસનાં ઘણાં સૂત્રોની મૂડી એકઠી કરી છે. છઠ્ઠી વાર્તા ‘અહેસાસ’નું લખાણ નિમિત્તભાઈને ગમ્યું નથી. ઐશ્વર્યા પણ ઉપસંહારમાં લખે છે કે આ વાર્તા એક વ્યર્થ પ્રયાસ છે. સાચે જ એવું છે? ના, અન્ય વાર્તાઓમાં જે ઓઝલ રહેલું એ અહીં પ્રગટ છે, મુખર છે. વિહાન અપેક્ષા રાખ્યા વિના મદદ કરતો રહે છે, ભૂલવા કહે છે. પણ વાર્તાની નાયિકા એક દિવસ-કદાચ યોગ્ય દિવસે એને ત્યાં પહોંચી જાય છે. આંગળીઓ એકમેકમાં પરોવાય છે. એનો ફોટોગ્રાફ પણ છાપ્યો છે. ઉપસંહારનું એક વાક્ય માર્મિક છે : ‘જ્યારે પાસે કંઈ હોય નહીં ત્યારે પણ ગુમાવવા કંઈક તો બાકી રહેતું જ હોય છે.’ ગુમાવવાના અનુભવમાં સચ્ચાઈ હોય ત્યારે ભાવકને કશુંક સવાયું પ્રાપ્ત થાય છે.
◆