વિદિશા/કાશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાશી

ભોળાભાઈ પટેલ

કદા વારાણસ્યામમરતટિનિરોધસિવસન્…નિમિષમિવ નેષ્યામિ દિવસાન્!
– ભર્તુહરિ

દિલ્હીથી હાવડા જતા તૂફાન એક્સપ્રેસમાંથી મધરાતે મોગલસરાઈ સ્ટેશને ઊતરી વારાણસી તરફ જતી એક લોકલ ગાડીમાં બેઠાં. ગાડીનાં એ ડબ્બામાં બહુ બધા અસબાબ અને રિશ્તેદારોથી ઘેરાઈ હજી હમણાં જ મક્કાની હજ કરીને વતન પાછાં વળતાં વૃદ્ધ દમ્પતી બેઠાં હતાં. હજ કરીને આવવાની કૃતકૃત્યતા તેમની વાતચીતમાં વરતાતી હતી.

ગણો તો હુંય કાશી જતો હતો, અને કાશીની જાત્રાય કેટલી મોટી! કાશી શિવની નગરી છે. મોક્ષદાયિકા સાત નગરીઓમાં અયોધ્યા, મથુરા આદિની સાથે કાશી, પણ એક છે. હજારો વરસોથી હજારો યાત્રીઓ કાશીની જાત્રા અને કાશીની ઉત્તરવાહિની ગંગામાં નિમજ્જન કરીને પુણ્યબોધ અનુભવતા આવ્યા છે. ઠીક એ જ મુમુક્ષુ ભાવથી નહીં, પણ કોઈ એક ભાવનાત્મક સેતુથી કાશી કે ગંગા સાથે જોડાયાનો બોધ સદાય અનુભવતો રહ્યો છું.

ઉત્તરપ્રદેશના જાન્યુઆરીની ઠંડી હતી, પણ બંધ ડબ્બાની ભીડમાં એનો બહુ પ્રવેશ નહોતો. એકબે સ્ટેશન પછી ગાડીની ગતિનો અવાજ બદલાયો. પુલ પરથી ગાડી પસાર થતી હતી, ગંગાનો પ્રસિદ્ધ પુલ, ઝટપટ બારી ખોલી બહાર જોયું – અંધારામાં ગંગાના પ્રવાહનો આભાસ માત્ર મળ્યો. ગંગાને સૌ પહેલાં જોઈ હતી. હરદ્વારમાં. ત્યારે તો કિશોર હતો. બે ગલીઓ વચ્ચેથી ઘાટ તરફ જતાં પગથિયાં ઊતરી નજર ગંગાપ્રવાહના ખંડ પર જઈ પડેલી. મે મહિનો હતો, પણ પાણી અત્યંત ઠંડું. વેગવંત પ્રવાહમાં સ્નાન કરેલું. નદીમાં હતા બધે પથ્થર જ પથ્થર. પછી તે જ દિવસે કનખલની ગંગા જોઈ અને જોઈ હરકીપૌડીની સાન્ધ્યગંગા – દીપમાલિકાઓથી શોભતી. બહુ જ ભક્તિભાવથી મિત્રો સાથે મેંય દીવો તરતો મૂકેલો. એવી શ્રદ્ધા આજે હોત…! અને છતાં હજી વાત તો એટલી જ સાચી છે કે ગંગાને ભૂગોળમાં આવતી એક નદી તરીકે જ ક્યારે જોઈ છે?

એવું લાગે કે ગંગા નામ બોલતાં જ બધા જ આપણા પ્રાક્તન સંસ્કાર સળવળી ઊઠે છે – એક હિન્દુ ‘કલેક્ટિવ અન્કૉન્શિયસ’ ચિત્ત. એ આપણને આપણી પરંપરા સાથે જોડે છે, આપણી ભૂમિ સાથે જોડે છે. ગંગાનો પુલ પસાર થઈ ગયો હતો. ‘કાશી આ ગયલ –’ કાશી આવી ગયું. પણ અમે આગળ એક સ્ટેશન જઈ ઊતર્યાં – વારાણસી કૅન્ટ. વહેલી સવાર હતી. શામે અવધ, શબે (રાત) માલવાની જેમ સુબહે બનારસની કહેતી સાંભળેલી. સવારે આવ્યું બનારસ, સ્ટેશનની બહાર નીકળ્યા તો પગરિક્ષાઓનો મહાસમૂહ, વીરેન્દ્રસિંહે વાત શરૂ કરી.

‘કા હો, કેતના પઈસા લે બૈ?દૂ રૂપિયા, બાબૂજી,ઇત ઢેર હોઈન.નાંહી બાબૂજી, બહુ દૂર જાય કે હોઈન…

બનારસી હિન્દી, ભોજપુરીની નિકટની પણ તેનાથીય જુદી. કાશીની સડકો પર ઢચકોલા ખાતી રિક્ષા ચાલવા લાગી. કાશી વિઘાપીઠ દૂર નહોતી. અમારે ત્યાં ઊતરવાનું હતું. જઈને અમને બતાવેલા એક ઓરડામાં સામાન મૂકીએ-ન મૂકીએ ત્યાં વીજળી બંધ. હમણાં અહીં ભારે ‘પાવરકટ’ છે. આ પણ સુબહે બનારસ.

સ્નાનાદિથી પરવારી કાશીના માર્ગો પર નીકળી પડ્યાં. કાશી કહું કે વારાણસી કે પછી બનારસ? કાશી, વારાણસી, બનારસ નામ તો ત્રણે એક જ નગરનાં પણ ત્રણેય જુદો જુદો પ્રત્યય કરાવે છે. કાશી અને વારાણસીની સરખામણીએ બનારસ આધુનિક, કદાચ અંગ્રેજોના આવ્યા પછીનું, પ્રચલિત નામ છે. કાશી બોલો એટલે હિંદુ ધર્મનું અને હિન્દુનું હૃદયકેન્દ્ર સમજાય. એની એક જુદી જ ભાવમૂર્તિ જાગે. શિવના ત્રિશૂલ પર વસેલી કાશી. મોક્ષદાયિની કાશી, મરણં, મંગલં યત્ર-એવી કાશી, દરેક હિંદુના હૃદયમાં વસેલી કાશી. વારાણસી બોલો એટલે એક સમૃદ્ધ ભર્યાભાદર્યા ઐતિહાસિક નગરનો બોધ થાય, વિશેષ તો બૌદ્ધકાલીન નગરનો. જાતકોમાં વારાણસીનો વારંવાર ઉલ્લેખ આવે છે. એક સાંસ્કૃતિક, વ્યાવસાયિક નગર. બનારસ બોલીએ એટલે આજનું આ શહેર સમજાય. મુઘલ અને અંગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત. બનારસ સાથે ધર્મબોધ કે સાંસ્કૃતિક બોધ નથી જાગતો. પણ એના ફક્કડ મસ્ત સ્વભાવનો પરિચય જાગે. સુબહે બનારસથી બનારસી સાડી કે બનારસી પાન સુધી. આજે સરકારી નામ ફરી પાછું વારાણસી છે, પણ કાશી કે બનારસ જેટલું એ જલદી હોઠે નથી આવતું. આ નામ સાથે આજનાં આ નગરનો પ્રત્યય જાગતો નથી.

બહુ જ પુરાણું નગર છે કાશી. પુરાણો તો એટલે સુધી કહે છે કે સૃષ્ટિનીય ઉત્પત્તિ પહેલાં એની ઉત્પતિ. શિવ એને પોતાના ત્રિશૂલ ૫ર લાદીને ફરતા. સૂષ્ટિની ઉત્પત્તિ થઈ પછી આ ભૂમિ પર એ નગરીને સ્થાપિત કરી. હજીય કેટલાક માને છે કે શિવના ત્રિશૂલ પર એ વસેલી છે. ભૌગોલિક રીતે ખરુંય લાગે. કાશીનું કેન્દ્ર ‘ચૌક’ (આપણા માણેકચોકની જેમ). એને બંને ઉત્તર-દક્ષિણ બાજુએ ઢાળ છે અને પછી ચઢાણ છે પાછું. ત્રિશૂલના ઉત્તરના ફણા પર રાજઘાટનો વિસ્તાર અને દક્ષિણના ફણા પર ભદૈની વિસ્તાર, વચ્ચેના ફણા પર તો ચૌક છે જ.

કાશીનો ઉલ્લેખ જૂના વખતથી મળે છે એ તો ચોક્કસ. પણ નામ કાશી ક્યાંથી આવ્યું? કોઈ કહે છે અહીં તપ કરતાં કરતાં વિષ્ણુને પ્રકાશ દેખાયેલો, અથવા તો આ સ્થળ નિર્વાણના માર્ગમાં પ્રકાશ ફેંકે છે, અને કાશ્ એટલે પ્રકાશવું, ચમકવું. એટલે આ સ્થળ કાશી. કોઈ કહે છે કે આ પ્રદેશ કાશનાં જંગલોથી છવાયેલો રહેતો એટલે કાશી.

અને વારાણસી? ૫દ્મપુરાણમાં શિવ પાર્વતીને કહે છે : ‘હે સુરવલ્લભે, વારણા અને અસિ – આ બે નદીઓ વચ્ચે જ વારાણસી છે, તેની બહાર કોઈએ રહેવું જોઈએ નહીં.’ આજે સૌ કોઈ તરત વારાણસી નામની વ્યુત્પત્તિ એ જ રીતે આપશે – વારણા અને અસિ આ બે નદીઓ વચ્ચે વસેલું હોવાથી વારાણસી. વારણા અથવા વરુણા આજેય ઉત્તરમાં વહે છે જે રાજઘાટથી થોડી આગળ ગંગાને જઈને મળે છે. પણ અસિ? અસ્સીઘાટ છે, પણ ત્યાં નદી નથી, એક મલિન પાણીનું નાળું છે. પણ સૌથી મોટો તો પ્રશ્ન એ છે કે જ્યારે આ નગર વારાણસી નામે પ્રસિદ્ધ હતું ત્યારે તેનો વસવાટ આટલે સુધી થયો નહોતો. આ તો એક લોકપ્રિય વ્યુત્પત્તિ છે. પહેલાં વારાણસી વરુણાને કાંઠે હતું. વરણા નામનાં ઝાડ એ નદીને કાંઠે હતાં એટલે વરણા, કે વરણાસી અને તેના પરથી એ નદીને કાંઠે વસેલું નગર તે વારાણસી અને પછી જેમ આપણા વડોદરાનું બરોડા થઈ ગયું તેમ વારાણસીનું થઈ ગયું બનારસ – અને હવે વારાણસી.

આ વારાણસીની સડકો પર આજે રિક્ષાઓ અને હવે સાઇકલોની ભારે ભીડ રહે છે. તેમાંય પગે ચાલતા યાત્રીઓ ઉમેરો કરે છે. ઘણી વાર એવું લાગે છે કે આ આખી ભીડ ધીમે ધીમે સરકે છે, કોઈ હિમશિલાની જેમ. કોઈને કશી ઉતાવળ નથી. એકબીજાને ઘસાઈને જાય, પણ તેની કોઈ ચીડ નથી. થાય છે, જવાય છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી જેવી હડકાયી ગતિ નથી. થાય કે આ શહેર આજ પણ ધીમી ગતિથી જ આધુનિકતાની પ્રક્રિયા ભણી જાય છે, કોઈ ઉતાવળ નથી.

આ દુકાનોય ધીમે ધીમે ઉઘડે છે. સવારમાં અહીં જલેબી- દૂધનો નાસ્તો, હોટલોવાળા તૈયાર કરે. આવી એક હોટલમાં બનારસી જલેબીનો નાસ્તો કરી સીધાં ઊપડ્યાં સંકટમોચન હનુમાનને મંદિરે. ત્રેવીસ વર્ષ પહેલાં કાશી આવેલો ત્યારે આ મંદિરે આવેલો, તેનું સ્મરણ તાજું થયું. એ શનિવારનો દિવસ હતો. દૂરથી એક જળધોધ પડતો હોય તેવો અવાજ આવી રહ્યો હતો. જેમ જેમ મંદિરની નજીક આવતા ગયેલા તેમ તેમ એ મહારવ બનતો ગયો. જઈને જોયું તો શતાધિક ભક્તો પોતપોતાની રીતે ગળું જેટલી અનુમતિ આપે તેટલા ઊંચે સૂરેથી હનુમાનચાલીસાનો પાઠ કરતા હતા, સમવેત સ્વરમાં નહીં. જે આવે તે સ્તૂપાકારે પડેલી હનુમાનચાલીસાની ચોપડીઓમાંથી એક ઉપાડે. અને જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા રહી, ટેકે બેસી પાઠ કરવાનો આરંભ કરે. કેટલાક તો આવે ને દૂરથી હનુમાનદાદાને પ્રણામ કરી મોટેથી શરૂ કરી દે – જય હનુમાન જ્ઞાનગુનસાગર…

ગોસ્વામી તુલસીદાસે આ હનુમાન મંદિરની સ્થાપના કરેલી એમ કહેવાય છે. આજેય આ આખા વિસ્તારમાં એ વાનરયૂથમુખ્યની સેના વિચરતી જોઈ શકાય. અત્યારે ભક્તોની ભીડ નહોતી. હનુમાનચાલીસાનો મેં પણ પાઠ કર્યો – અને ત્યાંથી સીધા કાશી વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ્યાં. વિશ્વવિદ્યાલયની આખી યોજનાબદ્ધ નિર્મિતિ આનંદ આપે છે. મદનમોહન માલવિયનું આ સ્વપ્ન આજે રાજનીતિનો અખાડો બની ગયું છે, એ વાંચીએ ત્યારે દુઃખ થાય છે. આખો વિસ્તાર નહીં તો તપોવન જેવો લાગે. એ તપોવનને એક છેડે કાશીના દેવતા ભગવાન વિશ્વનાથનું ભવ્ય મંદિર છે. સુઘડ અને સુંદર પણ. અહીં બેસી આરાધના કરવાનું મન થાય એટલી શાંતિ હતી. વિશ્વવિદ્યાલયમાં વિધા અને ધર્મ બન્નેની સહોપસ્થિતિ રહે એવી માલવિયજીની કલ્પના હતી. અહીં પ્રાચીન પદ્ધતિથી અપાતી વેદ- વિદ્યાની વ્યવસ્થા પણ છે અને અદ્યતન વિદ્યાશાળાઓ પણ છે.

અહીં ફરતાં ફરતાં આપણને વિઘાધામ કાશીના પુરાણા દિવસોનું સ્વાભાવિક રીતે જ સ્મરણ થાય. તક્ષશિલા પછી કાશીનું જ નામ આવતું. વિદ્યાપિપાસુઓ કાશી ભણી નીકળી પડતા. આજેય બ્રાહ્મણ બટુકને ઉપનયન અપાય પછી તે કાશી ભણી દોડે છે, ભણવા. અલબત્ત તેના મામા તેને પકડી લે છે. આ ઉપચાર પેલી પુરાણી પ્રથાનો અવશેષ છે. કાશીમાં તે વખતે આવું કોઈ વિશ્વવિદ્યાલય નહોતું. કાશીની ગલીએ ગલીએ વિદ્યાલયો હતાં, કહો કે ગુરુકુલો. એક એક ગુરુને ત્યાં થોડા થોડા વિદ્યાર્થીઓ ભણતા હોય, ગુરુને ત્યાં જ રહીને. રાજવી અને શ્રેષ્ઠીઓ તેમના ક્ષેમકુશળનો ખ્યાલ રાખતા. વેદ-દર્શન, આયુર્વેદ, સાહિત્ય, વ્યાકરણ – આ બધાનું શિક્ષણ આપનાર આચાર્યો અને ઉપાધ્યાયોની એક પરંપરા આજ સુધી જોવા મળે, અલબત્ત તેનું અદ્યતન રૂપ, વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. તે વખતે બ્રાહ્મણ વિદ્યાધામો સાથે જ બૌદ્ધ વિહારો પણ અધ્યયન- અધ્યાપનમાં પ્રવૃત્ત રહેતા. એક જમાનો હતો કે આખા દેશમાં ગમે ત્યાં ભણો, પણ પછી કાશીના પંડિતોની પરીક્ષામાંથી પસાર થાઓ પછી જ માન્યતા મળે. ઉપનિષદનો પેલો પ્રસિદ્ધ શ્વેતકેતુ વારાણસીનો વિદ્યાર્થી હતો, એમ કહેવાય છે. અહીં નિરંતર વાદવિવાદો થતા રહેતા – અહીંના ચંડાલો પણ વિવાદ કરી શકતા અને કહે છે કે એક ચંડાળે શંકરાચાર્યને આવા એક વિવાદમાં હરાવ્યા હતા!

એ હરાવ્યા હતા કે નહીં, તે તો ખબર નથી પણ મંડન મિશ્ર અને તેમની વિદુષી પત્ની સરસ્વતી સાથે શંકરાચાર્યનો પેલો પ્રસિદ્ધ વાદવિવાદ અહીં જ થયેલો.

પછી તો કાશીએ ઘણી આસમાની-સુલતાની જોઈ, વિશેષ તો સુલતાની. પણ અનેક વાર તે પડી પડીને જાણે તરત ઊભી થઈ જાય છે અને જાણે ‘પુનશ્ચ હરિઃ ઓમ્’ કરી ભંગ થયેલા યજ્ઞની ફરી શરૂઆત કરી દે છે. ઇસ્લામના આક્રમણ પછીય કાશી વિદ્યાકેન્દ્ર તો ટકી જ રહ્યું હતું, ધર્મકેન્દ્ર તરીકે પણ એ ધબકતું રહ્યું હતું. એટલે દક્ષિણમાંથી અહીં આવ્યા હતા રામાનુજ. તે પછી આવ્યાં રામાનંદ – તેમણે જ્ઞાનભૂમિ પર ભક્તિની ધારા વહાવી.

કાશી એટલે કબીરનીય ભૂમિ. હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયનું ઉત્તમ ફળ તે કબીર. કાશીની ફક્કડ મસ્તી એમનામાં હતી, તો કાશીની ભક્તિય એમનામાં હતી. અહીં એમણે પંડિતો પર પ્રહારો કર્યા હતા –

પોથી પઢી પઢી જગ મુઆ પંડિત ભયા ન કોયઢાઈ અચ્છર પ્રેમ કા પઢે સો પંડિત હોય.

કબીરે અઢી અક્ષર ભણી લીધા હતા. પછી જોઈએ શું? એમણે તો કહી દીધું – મસિ કાગદ છુયો નહીં, કલમ ગહી નહીં હાથ… શાહી અને કાગળને અડક્યું છે જ કોણ! અને કોણે અહીં કલમ પકડી છે! પંડિતોને સંભળાવી દીધું – તું કહતા કાગદ કી દેખી, મૈં કહતા આંખિન કી દેખી – કબીરે પોતાની આંખે જોઈ લીધું હતું. કબીરની સાથે અનેક સંતો આવ્યા, એમણે સંસ્કૃત નહીં, લોકભાષાનો વ્યવહાર કર્યો. ગૌતમ બુદ્ધ પછી ભાષા ક્ષેત્રે આ સંતોનો બીજો વિદ્રોહ. અહીં આવ્યા હતા વલ્લભાચાર્ય, અહીં આવ્યા હતા. તુલસીદાસ. અહીં આવ્યા હતા અસમના મહાન ધર્મસંસ્થાપક શંકરદેવ… અને આ યુગમાં આવ્યાં એની બેસન્ટ. અહીં કૉલેજ સ્થાપી, થિયૉસૉફીની સ્થાપના કરી – આજે એમની ભારતપ્રીતિની દ્યોતક ઇમારતો ઊભી છે.

અને આ વિશ્વવિદ્યાલયની ભૂમિ પર કેટકેટલાં વિદ્યાશ્રેષ્ઠોનાં નામો ઝબકી ગયાં છે! વિદ્યાના એ ધુરંધરોની શ્રેણીમાં આપણને તો સ્મરણ થાય. આપણા આનંદશંકર ધ્રુવનું, પ્રજ્ઞાચક્ષુ મહાપ્રાણ પંડિત સુખલાલજીનું. ત્રેવીસ વર્ષ પહેલાં અહીં આવ્યો ત્યારે મળ્યા હતા પંડિત દલસુખભાઈ માલવણિયા. તે વખતે અકારણ જ અમારા પર તેમણે સ્નેહ વરસાવેલો, તેનું સ્મરણ થયું.

વિદ્યાલયની ભૂમિની બહાર નીકળ્યાં. બપોર થવા આવ્યા હતા. વિચાર્યું અસ્સી ઘાટ જઈ ગંગાદર્શન કરી આવીએ. મન ક્યારનુંય ગંગા ગંગા કરતું હતું. ગલીઓ વટાવી અસ્સી ઘાટ પર આવીને ઊભાં. ઉત્તરવાહિની પુણ્યસલિલા ભગવતી ભાગીરથીનો ધીર-ગંભીર પ્રવાહ જોતાં જ મન પ્રસન્ન થઈ ગયું, અસ્સીનું મલિન નાળું અહીં ગંગાને મળે છે તે જોતાંય ગંગાકિનારાની ગલીઓ વચ્ચે નીકળ્યાં. બંગાલી ટોલા. અંધારી સાંકડી ગલીઓ, ઊંચાં જૂનાં મકાનો, ઉપર જતાં પગથિયાં. ક્યાંક મલિન ખુલ્લી ગટરો. બંગાળીઓ અહીં વર્ષોથી સ્થાયી થયેલા છે. આપણા ભદ્ર વિસ્તારમાં મહારાષ્ટ્રીઓની જેમ. અહીં બંગાળી સાંભળવા મળે. અસમમાં ભારતીયો (આમ તો મુખ્યત્વે બંગાળીઓ જ) પરના હુમલાને વખોડતાં ભીંતસૂત્રો જોવા મળે. લાંબી લાંબી સાંકડી ગલીઓ – ઘણા વખત પછી અમે સડક પર નીકળ્યાં ત્યારે તડકો જોયો.

સાંજે ફરી બનારસની સડકો પર નીકળી પડ્યાં. વીજળી જતી રહેલી પણ કશો કકળાટ નહોતો, દુકાનોના દીવાઓનું અજવાળું રસ્તા પર આવતું હતું. ચાલે.

દાલમંડીનો વિસ્તાર શરૂ થયો. વારાણસીનું વૈશ્વિકવિશ્વ પ્રાચીનકાળથી પ્રસિદ્ધ છે. અહીંની એક વેશ્યા અંઠ્ઠકાશી બૌદ્ધસાહિત્યમાં પ્રસિદ્ધ છે. તેની એક રાતની આવક આખા કાશી- રાજની એક દિવસની આવક કરતાં માત્ર અડધી જ હતી. વારાણસીની આ વારવનિતાઓની વાત સાહિત્યમાં પણ અવારનવાર આવતી રહી છે. એ વારવનિતાની પરંપરા આજે પણ છે. ડૉ. મોતીચંદ્રે નોંધ્યું છે કે રંગીન બનારસીદાસ આજેય ગંગાસ્નાન કરે, પછી બાબા વિશ્વનાથનાં દર્શન કરે અને પછી બાઈજીનો મુજરો સાંભળવા જાય. શિવની આ નગરીમાં બ્રહ્મજ્ઞાનીઓ અને વિદ્વાનો રહેતા, વેશ્યાઓ પણ રહેતી. આજે દાલમંડીનો વિસ્તાર વારવનિતાઓનો છે. નીચે બજાર છે. એક વાર કોઈને મળવા જવા ઇચ્છતા ગુજરાતના બે ઇતિહાસવિદો રસ્તે બધાંને પૂછતા – દાલમંડી કહાઁ હૈ? જવાબમાં દિશાસંકેત સાથે ‘બનારસી સ્મિત’ તેમને મળતું. તેનું રહસ્ય તો એ ઇતિહાસવિદોને ત્યાં પહોંચ્યા પછી સમજાયું હતું! આ વિસ્તારમાંથી પસાર થતાં જોયું કે ઉપરને ઝરૂખે અર્ધો ચહેરો પ્રકટ કરતી પણ્યાંગનાઓ ઊભી છે. નીચે બજાર બરાબર સ્વાભાવિક ક્રમે ચાલે. પેલી પણ્યાંગનાઓનું ઝરૂખે ઊભવું પણ અહીંના લોકોને એટલું સ્વાભાવિક લાગે. હજી સમય થયો નહોતો. કદાચ, નીચેની દુકાનો બંધ થયા પછી ઉપરની દુકાનો ખૂલે છે.

અંધારી ગલીઓ વટાવતાં ત્યાંથી આવ્યાં મણિકર્ણિકા ઘાટ ભણી – મહાસ્મશાન ભણી. અંધારામાં દૂર એક મોટો ઉજાસ દેખાતો હતો. ગલીઓ વટાવી ત્યાં પહોંચ્યાં, એ જ મણિકર્ણિકા મહાસ્મશાન. ત્રણ ચિતાઓ સળગી રહી હતી, એક ચિતા ગોઠવાતી હતી. કોઈ સૌભાગ્યવતીનો મૃતદેહ પડ્યો હતો. આસપાસ બધે ડાઘુઓ બેઠેલા હતા. ચિતા માટેનાં લાકડાંનો મોટો ગંજ ખડકાયેલો હતો.

કાશી મુમુક્ષુ મુમૂર્ષુઓની નગરી છે. અહીં મરણ મંગલ છે. કાશીમાં મરણ પામનારના કાનમાં અંતિમ ક્ષણે કાશીના અધિષ્ઠાતા દેવ શિવ તારકમંત્ર ભણી જાય છે, એનો મોક્ષ થઈ જાય છે. એટલું જ નહીં, અહીં જેના અંતિમ સંસ્કાર થાય તેનો પણ મોક્ષ સધાય છે એમ મનાય છે.

આ મહાસ્મશાનમાં ચિતા ક્યારેય શાન્ત થતી નથી. દિવસે હોય કે રાત. એકાદ ચિતા તો જલતી હોય, અને કોઈ ચિતા ન જલતી હોય ત્યારે કુશ – ઘાસ તો સળગતું રહેવું જ જોઈએ. ચિતાનો અગ્નિ બુઝાવો ન જોઈએ. મૃત-દેહોના બળવાની વાસ આવી રહી હતી. આસપાસ બધે ચિતાની આગની આભા હતી. જરા દૂર ગંગા વહી જતી હતી. ગંગા પર ચાંદની પથરાયેલી હતી, તેનાં સ્થિર પાણી આકાશને પ્રતિબિંબિત કરતાં હતાં. અત્યારે આખો આ સ્મશાનઘાટ ભયાનક લાગતો હતો. બાજુમાં જ કાશી કરવત મંદિર છે. આવી સ્થિતિમાં પણ અમને પેલી કરુણ રમૂજભરી કહેવત યાદ આવી – ‘મેલ કરવત, મોચીનો મોચી—’

પાછા વળતાં સાંકડી ગલીમાં અવાજ સંભળાયો, રામ નામ સત્ત હે’ – અંધારામાં આગળ ફાનસ સાથે એક માણસ ચાલતો હતો, પાછળ અર્થી હતી. હજી દશ ડગલાં આગળ ગયાં ત્યાં ફરી અવાજ સંભળાયો ‘રામ નામ સત્ત હૈ–’

આ પરિસરમાંથી જલદી જલદી નીકળી જવું જોઈશે. થોડી વારમાં ભીડભાડભરી સડકો ઉપર. જાણે પેલા મુલકમાં ગયાં જ નથી. કાશીનાં બજારોના માર્ગો પર ફરતાં મને રહી રહીને પાછા કબીર યાદ આવતા હતા. –

કબીરા ખડા બજાર મેં લિયે લુકાઠી હાથજો બારે ઘર આ૫ના સો ચલે હમારે સાથ-

કોણ જઈ શકે એ કબીરા સાથે? મશાલ લઈને ઊભાં છે એકલાં કબીર.

  • * *

બીજે દિવસે વહેલી સવારે દશાશ્વમેધ ઘાટ પર પહોંચી ગયાં. હજી તો ઘાટના નિત્ય સાથીઓ બન્ને બાજુએ હારબંધ બેસતા રક્તપિત્તિયા ભિક્ષુકો પોતાનાં સ્થાન લઈ રહ્યા હતા, ઘાટિયા પેલી પુરાણપ્રસિદ્ધ છત્રીઓ નીચે પોતાની સામગ્રી ગોઠવી રહ્યા હતા, ગંગાપુત્રો (પૂજા કરાવનાર બ્રાહ્મણો અને ગંગા પર હોડી ચલાવનાર મલ્લાહો)ની ભીડ થઈ રહી હતી, યાત્રિકોની વણજાર તો શરૂ થઈ ચૂકી હતી. વહેલી સવારે ગંગાનું દર્શન પાવન કરે તેવું હતું. સામેના ભાઠા પરથી સૂરજ બહાર નીકળી રહ્યો હતો. ગંગાનાં વારિ આલોકિત થતાં જતાં હતાં. ધીરે ધીરે એ સ્વચ્છ સ્થિર પાણીમાં પ્રકાશ-સ્તંભ રચાતો ગયો. આ બાજુ યાત્રિકો ગંગાજલથી તેને અર્ધ્યર્થ આપવા લાગ્યા. ઘાટ પરનાં મંદિરોમાં ઘંટારવ શરૂ થયા. ભીડ વધતી ગઈ. ઘાટ પર હિન્દ ઊભરાવા લાગ્યું. કોણ આ બધાંને અહીં ખેંચીને લઈ આવે છે હજારો વરસથી? આ ટાઢમાં ધ્રૂજતાં અલ્પસાધન સ્ત્રીપુરુષોય કેવી પ્રસન્નતાથી ડૂબકી લગાવી રહ્યાં છે! ગંગાપુત્રો એમના ભોળપણનો લાભ લઈ દાનદક્ષિણાની આશાએ તેમની પાસે પૂજન કરાવે છે. ઘાટિયા તિલક લગાવી સ્નાનનું પુણ્ય અર્જિત કર્યાનું પ્રમાણપત્ર આપે છે. હાથમાં ધાતુનાં જળપાત્રો ગંગાજળથી ભરી આ આખો સંઘ પેલા ગંગાપુત્રથી દોર્યો બાબા વિશ્વનાથને જળાભિષેક કરવા જઈ રહ્યો છે. પેલા ત્રણચારના હાથમાં મૃણ્મયપાત્ર છે – હું એમની શ્રદ્ધાને સન્માની રહ્યો. સ્નાન પછી આ એક કિશોરી ઘાટ પર જ છૂટા પૈસા લઈને બેઠેલી એક વ્યક્તિ પાસે ચલણીનોટ વટાવી, ભીના કેશ બરડા પર પાથરી ભિક્ષુકોને દાન આપતી જઈ રહી છે. એણે ગંગામૈયા પાસે શું માગ્યું હશે?

વિશાળ જળપ્રવાહ પર હોડીઓ હલમલી ઊઠી હતી, ગંગાપુત્ર મલ્લાહો – ‘કા બાબૂજી, વો પાર જાયે કે હૌ, નાવ ચાહી?’ પૂછતા ઊભા છે. ઘાટ પણ હવે તડકામાં ચમકી ઊઠ્યા અને ચમકી ઊઠ્યાં ઘાટ પરનાં આલયો. રામચરિતમાનસની ચોપાઈઓ ગુંજવા માંડી. – ઘાટ હવે છલોછલ હતા. અહીં પાણી જરા મલિન લાગતું હતું. અમે વિચાર્યું – સામે પાર જઈને સ્નાન કરીશું.

નાવમાં બેસી કિનારાથી હટતાં જ ઘાટની શોભા મનમાં વસી ગઈ. એ શોભા હતી એની ઠેલંઠેલ થતી પચરંગી ભીડમાં, જે ઘાટથી ઊંચે જતાં પગથિયાં સુધી વધતી જતી હતી. નાવમાંથી ઝૂકી હાથમાં અંજલિ ભરી પુણ્ય સલિલને માથે ચઢાવી લીધું. નાવ સામે કાંઠે જતી હતી પણ અમે ઘાટઅભિમુખ હતાં. હવે કાશીતલવાહિની ગંગાનું સમગ્ર દર્શન થતું હતું. ત્યાં ઉત્તરમાં અસ્સીઘાટથી દક્ષિણમાં રેલવેના આછા દેખાતા પુલ નજીકના રાજઘાટ સુધીની ગંગાનું દર્શન. ગંગા બરાબર અષ્ટમીના ચંદ્રનો આકાર ધારણ કરે છે. અહીં સામે કાંઠે આવ્યા પછી નદીકાંઠે વસેલી આ પુરાણનગરીનું એક રમ્ય પ્રોફાઇલ દેખાયું.

તડકો હોવા છતાં હવાના કણકણમાં શીતલતા હતી. પાણી પણ શીતલ. થોડીવાર સૈકતપુલિન પર ચાલ્યાં. પછી ગંગાના જળમાં પ્રવેશ કર્યો. અહીં પણ અનેક સ્નાનાર્થી હતાં. સ્વચ્છ વારિ. પાણી નીચેની રેતી પર તડકાને કારણે એક ભાત રચાતી હતી. રંજના–બિન્દુએ ગંગામાં ડૂબકી મારી. ઊજમ અને વીરેન્દ્ર હજી બહાર હતા. કમરપુર પાણીમાં જઈ મેં પણ ડૂબકી લગાવી. મારી ચારે બાજુએ ગંગાનું પાણી હતું. ક્ષણેક મેં અનુભવ્યું કે ગંગોત્રીથી ગંગાસાગર સુધીની ગંગાથી હુંય અભિન્ન છું. પાણીથી બહાર આવ્યો ત્યારે હુંય હતો ગાંગેય, ગંગાલહરીનો શ્લોક મારે મુખેથી મોટેથી નીકળી પડ્યો :

નિધાનં ધર્માણાં કિમપિ ચ વિધાનં નવમુદામ્પ્રધાનં તીર્થા નાં અમલપરિધાનં ત્રિજગતઃ ।સમાધાનં બુદ્ધેરથ ખલુ તિરોધાનમધિયામ્શ્રિયામાધાનં ન: પરિહરતુ તાપં તવ વપુઃ ।।

– ગંગાનું વપુ અમારાં તાપને હરો – જગન્નાથે કરેલી સ્તુતિમાં વ્યક્ત થતું ગંગાનું રૂપ જાણે ખરે જ અનુભવાય છે. એ ધર્મનું સ્થાન છે, અવનવા આનંદોનું ઉદ્ભવસ્થાન છે. શ્રેષ્ઠ તીર્થ છે, ત્રણે લોકનું સ્વચ્છ વસ્ત્ર છે ગંગા.

સ્નાન કરી ફરી નાવમાં બેસી દશાશ્વમેધ પર આવ્યાં. ઘાટિયા તિલક વગેરે માટે બોલાવતા રહ્યા, ગંગાપુત્રો કાશીવિશ્વનાથનાં દર્શન કરાવવા પાછળ લાગ્યાં – પણ અમે તેમને અવગણી ચાલ્યાં, ભિક્ષુઓની હાર વટાવી વિશ્વનાથનાં દર્શન કરવા. એક ગલીમાં પ્રવેશ કર્યો. સાંકડી ગલી. બંને બાજુએ તેમાંય પાછી દુકાનો. કાશીના દેવતા ક્યાં જઈને રહે છે. ભલા! તળ કાશીના લોકોની જેમ એ પણ ગલીકૂંચીમાં રહેવા ટેવાયા છે કે શું? કાશી એટલે આ ગલીઓ. અહીં પણ આખો દેશ દેખાય. પગરખાંની રક્ષા માટે અહીં એક વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. બાબા વિશ્વનાથને ધરાવવા પ્રસાદ જ્યાંથી ખરીદો, ફૂલમાળા ખરીદો, તે દુકાનદારનાં પગથિયાં પાસે ચંપલ રક્ષિત. એટલે ફૂલમાળા લીધી. અને ધીમે ધીમે ભીડ વધતી ગઈ – અમે બાબાના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ગમે તેટલી શ્રદ્ધા હોય તોય ટકાવવી મુશ્કેલ. સાંકડી જગા. ફરસ આખી ભીની ભીની, વરસાદ પડ્યો હોય તેવી, અને ત્યાંથી દર્શન સુધી જવા માટે શારીરિક તાકાત જોઈએ. આ બાબા વિશ્વનાથ! પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગોમાંનું આ એક જ્યોતિર્લિંગ! ના, જ્યોતિર્લિંગ તો હવે નથી.

વારાણસીમાં બૌદ્ધધર્મનો એક વેળા ઉત્કર્ષકાળ હતો, પણ વળી પાછું તે શૈવધર્મનું મુખ્ય તીર્થ બની ગયું. શૈવધર્મની સાથે ભાગવત ધર્મનો પણ વિકાસ અહીં થયો હતો. વારાણસીનું નામ ગુપ્તયુગમાં અવિમુક્ત ક્ષેત્ર થયું. શિવે હંમેશાં આ ક્ષેત્રમાં જ રહેવાનું કહેલું ને! વારાણસી વ્યાપારનું જ નહિ ધર્મનું કેન્દ્ર બનવા માંડ્યું. એનો મહિમા વધતો ગયો; કેમ કે –

દેવો દેવી નદી ગંગા મિષ્ટમન્નં શુભા ગતિ:વારાણસ્યાં વિશાલાક્ષિ, વાસઃ કસ્ય ન રોચતે!

મત્સ્યપુરાણના આ શ્લોકમાં દેવદેવી (શિવપાર્વતી)ની સાથે ગંગા તો છે – ‘મિષ્ટમન્નં’ પણ છે. (આજે પણ સરેરાશ બનારસી મીઠાઈપ્રિય છે.) ધીમે ધીમે વારાણસી શિવના ચિરંતન વાસની માન્યતાને લીધે મોક્ષધામ બનતું ગયું. પુરાણોમાં કાશીમાહાત્મ્ય ઉમેરાતું ગયું,

એ દિવસોમાં અવિમુક્તેશ્વરમાંથી વિશ્વનાથની સ્થાપના થઈ. કાશીની યાત્રાનોય મહિમા વધ્યો. આજે પણ ‘કાશીની યાત્રા’ એક માત્ર કોરી ઉક્તિ નથી, ઘણું બધું છે. કાશીમાં મંદિરો વધતાં જ ગયાં. પુરાણોમાં શિવને મુખે ઉચ્ચારાયું કે, ‘હે પાર્વતી, કાશી મારી પ્રિય નગરી છે. અહીં પાપીને પણ મોક્ષ મળે છે. સ્નાન કરવાથી જે મોક્ષ નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, હરદ્વાર અને પુષ્કરમાં પણ નથી મળતો, તે અહીં સહેલાઈથી મળે છે. પથ્થરથી પગ તોડાવીને પણ અહીં રહેવું સારું!’

ઇસ્લામના આક્રમણે અહીંનાં મંદિર તોડ્યાં. મહમદ ગજનીએ સોમનાથને જમીનદોસ્ત કર્યું – શહાબુદ્દીન ઘોરીએ સારનાથ, વિશ્વનાથ, અને બીજાં અસંખ્ય મંદિરો તોડ્યાં. તેમાંથી જ બનાવાઈ મસ્જિદો. મુસલમાનોના અત્યાચારો છતાં કાશીની ધાર્મિક પરંપરા ચાલુ રહી. વિશ્વનાથનું મંદિર ફરી બન્યું. અને બીજાં મંદિરો પણ. બાબા વિશ્વનાથમાં લોકોની શ્રદ્ધા વધતી જ રહી. ઔરંગઝેબના વખતમાં ફરીથી મંદિર તોડવામાં આવ્યું. આજનું વિશ્વનાથનું મંદિર આદિ વિશ્વનાથનું રહ્યું નથી. તે તો બસો વર્ષ પહેલાં જ રાણી અહલ્યાબાઈએ બંધાવ્યું છે. હજુ અડોઅડ મંદિર તોડી બનાવેલી જ્ઞાનવાપી મસ્જિદ છે. જ્યોતિર્લિંગ ન હોવા છતાં આજના વિશ્વનાથ જ્યોતિર્લિંગની જેમ જ પૂજાય છે.

‘મહિમ્નઃ પારં તે…’ શિવમહિમ્નસ્તોત્રનો પહેલો શ્લોક બોલવાનો બિન્દુનો સંકલ્પ ક્યાંથી પૂરો થાય એ ધક્કાધક્કીમાં? આ મહિમા! પણ દર્શનેય કર્યા વિના પાછાં ફરી જવું? ફૂલોનો, બીલીપત્રોનો ઢગલો થતો હતો. જળ-અભિષેક થતો જતો હતો. પ્રસાદ ધરાવાતો હતો. દાનદક્ષિણાઓ અપાતી હતી. યાત્રિક માત્ર ગદ્ગદ. એમના ધ્યાનમાં આ બધું નહોતું. હતી માત્ર બાબાના દર્શનથી કૃતકૃત્યતા. મને મોગલસરાઈની ગાડીના હાજી યાદ આવ્યા.

અમે ત્યાંથી બહાર આવ્યાં, અનેક જાત્રાળુઓની સાથે. પણ એ જાત્રાળુઓનો જાત્રાભાવ મારી જાત્રા બની ગયો. આ કઈ ચીજ છે, કઈ ચીજ છે? રિલ્કેએ કહ્યું છે કોઈને પ્રણામ કરતાં જોઈએ એય એક પરમ પાવનકારી દૃશ્ય છે.

શેરિંગ નામના પાદરીએ, ‘બનારસ – ધ સૅક્રેડ સિટી ઑફ ધ હિન્દુઝ’માં ખ્રિસ્તીધર્મના બનારસમાં પ્રસારના સંદર્ભમાં એવી આગાહી કરી છે કે બનારસ આજ સુધી ધર્મની બાબતોમાં અન્ય નગરોમાં અગ્રણી રહ્યું છે, હવે પણ રહેશે. ઈશ્વરની મદદથી. એ ઈશ્વર એટલે ખ્રિસ્તીઓના ‘ગૉડ’. બિચારો શેરિંગ – ૧૮૬૮માં એણે પુસ્તક લખ્યું હતું. એ હજી આજેય અહીં આવીને જુએ! બનારસ એ જ છે – એવું જ હિન્દુ તીર્થ!

સાંકડી ગલીમાંથી પાછા ફરતાં સામે મળ્યો નંદી, સાચવવું પડે. કાશી વિશેની મને પેલી કહેવત યાદ આવી :

રાંડ સાંડ સીઢી સંન્યાસીઇન્સે બચૈ સો સેવૈ કાશી–

પહેલાં બનારસ વિધવાઓનું આશ્રયસ્થાન હતું. શરદબાબુની નવલકથાઓમાં પણ વાંચીએ છીએ કે સ્ત્રીઓ વિધવા થાય એટલે કાશી જવા નીકળી પડે. બધી વિધવાઓમાં ધાર્મિક વૃત્તિ ક્યાંથી હોય? અહીં શિવને વાછડાઓ માનતા તરીકે ચઢાવવામાં આવે છે, અને પછી છૂટા મૂકી દેવામાં આવે છે, પણ હવે એમની બહુ સંખ્યા નથી. આવાં ક્યાંક ભેટી જાય. હજી સીઢીઓ છે, ઘાટનાં પગથિયાં. કેટલાં ઊતરો ત્યારે ગંગાપ્રવાહે પહોંચો! સંન્યાસીઓ પણ હવે તો ઓછા થવા લાગ્યા છે. ગમે તેમ પણ આ કહેવત કાશીનાં એક સ્વરૂપની ઝાંખી કરાવી જાય છે.

  • * *

કાશીની ઉત્તરે વરુણા નદી છે, અને વરુણાના પુલને પાર કરીને પેલી બાજુ જઈએ એટલે શરૂ થાય ઋષિપતન, ઈસિપતન; સારનાથ. સારનાથની ભૂમિ પર આવતાં જ આપણા ભાવનાપ્રવણ ચિત્તમાં અઢી હજાર વર્ષો પૂર્વેનો ઇતિહાસ સજીવન થાય. અહીં સૌ પ્રથમ બુદ્ધના ધર્મચક્રનું પ્રવર્તન થયું હતું. કલ્પના સામે એ ચિત્ર આવે છે, બોધિગયામાં જ્ઞાનપ્રાપ્તિ થયા પછી જગતના કલ્યાણ અર્થે ગૌતમ ગંગા પાર કરીને વારાણસીના આ ક્ષેત્રમાં આવ્યા હશે. તે વખતે મગધ, વત્સ, કાશી, કોસલ, ઉત્તર પંચાલ, મગધ ગંગાના મેદાનમાં આવેલાં જનપદો હતાં. કાશીરાજ બ્રહ્મદત્તનું નામ બૌદ્ધ જાતકોમાં અનેક વાર આવ્યું છે.

ગૌતમ અહીં આવ્યા, અર્હત્વપ્રાપ્તિ પછી. તેમના પાંચ સાથીઓ, બુદ્ધે જ્યારે કઠોર તપ છોડી મધ્યમ માર્ગ અપનાવ્યો, ત્યારે તેમને છોડીને આ તરફ આવ્યા હતા. એટલે ઉરુવેલાથી ચાલતા ગંગાપાર કરી ઈસિપતનના મૃગદાવમાં આવ્યા. ગૌતમની પાસે નદી પાર કરવા નાવવાળાને ઉતરાઈ આપવાના પૈસા પણ નહોતા. અહીં આવી તેમણે પોતાનો પ્રથમ ઉપદેશ પેલા પાંચ સાથીઓને આપ્યો :

ભિક્ષુઓ, બે અતિઓ, –અનર્થો અને કામવાસનાથી લિપ્ત અતિ અને દુઃખમય આત્મપીડક અતિ, –નું લોકો સેવન કરે છે. ભિક્ષુઓ, આ બંને અતિઓમાં પડ્યા વિના તથાગતે મધ્યમ માર્ગ શોધ્યો છે. તે માર્ગ ૫રમ દૃષ્ટિ આપનાર, જ્ઞાનબોધક, શાંતિદાયક તથા અભિજ્ઞા અને પરિપૂર્ણ જ્ઞાન અને નિર્વાણ માટે છે. આ તે જ આર્ય અષ્ટાંગિક માર્ગ છે. તેમાં સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વચન, સમ્યક્ કર્મ, સમ્યક્ જીવન, સમ્યફ જીવિકા, સમ્યક્ પ્રયત્ન; સમ્યક્ સ્મૃતિ, અને સમ્યક્ સમાધિ નિહિત છે. આ છે હે ભિક્ષુઓ મધ્યમ માર્ગ..

ધર્મચક્રપ્રવર્તન પછી ગૌતમ અનેક વાર અહીં આવતા રહ્યા હતા. વારાણસીની પેલી પ્રસિદ્ધ વેશ્યા અટ્ટકાશીને અહીં જ તેમણે દીક્ષા આપી હતી. ગૌતમે કહ્યું હતું : ચરથ, ભિક્ખવે, ચારિકં બહુજનહિતાય, બહુજનસુખાય લોકાનુકંપાય અત્યાય હિતાય દેવમનુસ્સાનં – હે ભિક્ષુઓ બહુજનના હિત માટે, સુખ માટે, અનુકંપા કરવા માટે, દેવમનુષ્યના હિત સુખ માટે – ચરથ – વિચરણ કરો. અને નીકળી પડ્યાં બૌદ્ધ ભિક્ષુઓ – દેશપાર, દરિયાપાર – સમગ્ર એશિયા ખંડમાં ફરી વળ્યા – સારનાથ તેનું આરંભિક પ્રસ્થાનબિન્દુ,

આજે ત્યાં માત્ર ખંડિયેરો પડ્યાં છે. દૂરથી ઘમેખનો સ્તુપ દેખાય છે. મ્યુઝિયમમાં ગોઠવેલ અવશેષોને સહારે એ પ્રાચીન ભવ્ય અતીતને મનમાં ઊભો કરવા પ્રયત્ન કરીએ છીએ.

અહીં મ્યુઝિયમમાં પ્રવેશતાં જ બોધિસત્ત્વ ગૌતમની વિરાટ મૂર્તિ દેખાય છે. અશોકના સિંહશીર્ષોની પાસે જ. માનવરૂપમાં બોધિસત્ત્વની આ પ્રતિમા પહેલી સદીમાં ઘડાઈ હતી. મહારાજ કનિષ્કસ્થય – અભિલેખ પણ છે. પછી તો અભયપ્રદાન મુદ્રામાં કે ધર્મચક્ર મુદ્રામાં બુદ્ધની મૂર્તિઓ જોતાં જ તસ્મિન્નેવ કાલે તસ્મિન્નેવ સ્થાને હોવાનું થઈ જાય. અહીં બુદ્ધની સાથે કાશીના અધિષ્ઠાતા દેવ શિવ પણ છે. અને આ બૌદ્ધદેવી તારા–કેવી નમણી એની મૂર્તિ છે – એની આંખની ભ્રમર તો! દેવીનાં ઘાટીલાં સ્તનો પર અનેક હાથોનો મલિન સ્પર્શ વળગેલો છે.

ધર્મની સાથે અહીં કલાઓનો વિસ્તાર થયો હતો. શુંગકુશાણકાલીન મથુરાશિલ્પ, ગુપ્તકાલીન શિલ્પ. બુદ્ધની પ્રતિમા જોતાં જ શાંતિનો સ્પર્શ આપણને થાય. દેશપારના બૌદ્ધયાત્રિકો આવ્યા છે. દરેક પ્રતિમાને પોતાના હાથમાં રહેલી માળા વડે સ્પર્શ કરી માળા આંખે અડકાડે. ધર્મચક્રપ્રવર્તનની આ પાવનભૂમિ પર આવવાની કૃતકૃત્યતા આ યાત્રીઓને ચહેરે પણ જોઈ. અહીં મૂલગંધકુટિવિહાર છે. નામ પ્રાચીન છે, પણ તે પ્રસિદ્ધ વિહાર આજે નવું બૌદ્ધ મંદિર છે, તેની પડખે પ્રાચીન વિહારોના અવશેષ છે. તેની પાસે આજે પણ મૃગદાવ – હરિણઉદ્યાન છે. બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લેખ આવે છે કે કાશીનરેશે પોતાના ક્ષેત્રના એક વનને ત્યાંનાં વાસી હરણોના ઝુંડને દાનમાં આપી દીધું હતું. એ હરણોના રાજા સારંગનાથના નામ પરથી સારનાથ નામ પડયું હોવાનું મનાય છે.

છેક ૧૨મી સદી સુધી આ પ્રદેશ બૌદ્ધધર્મની પ્રવૃત્તિઓથી ગુંજતો રહ્યો હતો. પછી ઇસ્લામના આક્રમણે બધું જમીનદોસ્ત કરી દીધું. ખંડિયેરોમાં ફરતાં ફરતાં શુંનું શું થાય છે. ઘમેખ સ્તુપ આગળ નેપાળીઓનું એક વૃંદ પ્રાર્થના કરતું બેઠું હતું. એક મહિલા સ્તોત્ર બોલતી હતી – અને ધ્રુવપંક્તિ આવતાં સૌ પ્રાર્થીઓ સાથે ગૂંજી ઊઠતાં. પલાંઠી વાળી અમે પણ ત્યાં બેસી ગયાં – કેવડો વિરાટ સ્તુપ છે! સ્તુપમાંથી ઈંટો બહાર દેખાય છે. વચ્ચે સુકાઈ ગયેલું ઘાસ છે. બહાર પથ્થરોના આવરણ પર નયનરમ્ય ભાતો કોરેલી છે. બાજુમાં જ આધુનિક મૃગદાવો છે – હરણાં વિચરતાં હતાં. છેક વાડ પાસે આવ્યાં. ઘેરથી આણેલી સુખડી અમે હરણાંને ખવડાવી, તારની વાડમાંથી હાથ નાખી તેમને પંપાળ્યાં. (આ રીતે તો એકવાર જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં સિંહને પણ પંપાળેલો!) વિહારનાં ખંડિયેરો વચ્ચે એક વૃક્ષની છાયામાં બેસી નાસ્તો કર્યો. અને પછી ત્યાં જ બેસીને ચુપચાપ ભૂતકાળને શ્વસ્યો.

કાશીથી સારનાથને રસ્તે જતાં વચ્ચે એક આડી સડક જાય છે, પ્રસિદ્ધ હિન્દી કથાકાર પ્રેમચંદના ગામ લમહી થઈને. વળતાં અમે રિક્ષાને લમહી જવા વાળી. મુખ્ય સડકથી એક આડસડક આવી. ખેતરોની વચ્ચે નાનકડું ગામ લમહી. પેસતાં જ હતું પ્રેમચંદનું ઘર. ઘરની નજીક જ વાંસની ઝાડી. પીપળાનું ઝાડ, બાજુમાં મહુડો અને ફણસી હતાં. જરા દૂર તલાવડી છે. ઘર બંધ છે. બંધ રહે છે. પ્રેમચંદને આજે સો વર્ષ થયાં. આ મહાન સાહિત્યકારને ઘેર ઊભાં એક તીર્થયાત્રાનો ભાવ જાગ્યો. આ ગામનો પરિવેશ તેમની પ્રસિદ્ધ નવલકથા ‘ગોદાન’માં ચીતરાયો છે. ગામની વહુવારુઓ અને દાદીમાઓ સાથે વાતો કરી –

‘કા હો માવા, પ્રેમચંદ કે દેખે રહૂ તૂં?’હાઁ.‘ઊ કઈસન રહલન?’આઈસન કિ હમહન ઓનકે તરઉવાક ધોવનો નાહીં હયી.

ઘણાંએ પ્રેમચંદને જોયા નહોતા. તેમની વાતો સાંભળી હતી. એક કૃતકૃત્યનો ભાવ લમહીની મુલાકાતથી થયો. એવો જ ભાવ સાંજે પ્રસાદજીના ઘરના દર્શનથી થયો. એ તો તળ બનારસના જ. જયશંકર પ્રસાદ, ‘કામાયની’ના પ્રસિદ્ધ કવિ. પ્રસાદ અને પ્રેમચંદ બન્ને મિત્રો હતા. લમહીથી ચાલીને પ્રેમચંદ બનારસ આવતા અને પ્રસાદને મળતા. ઉત્તરવયમાં પ્રેમચંદ પણ બનારસમાં જ રહેલા.

સાંજે વારાણસીના હાટમાં નીકળ્યાં. આજે બનારસી પાન જમાવવાનો વિચાર આવ્યો. આ બનારસી પાન પર જ એક લેખ લખી શકાય. આ પાન ચાવવાનું હોય નહીં, એ તો મોંમાં ઓગળતું જાય. એ પાન આગળ તો આપણું પાન તો ઘાસ બની રહે. જોકે એની અસલ મજા તો તમાકુ કિમામ, આદિથી આવે, પણ અમે તે લઈ શકીએ તેમ નહોતાં. પાન મોંમાં મૂકતાં જ વાત પ્રમાણી. ફિલ્મની આજકાલ પ્રચલિત પ્રસિદ્ધ લીટીઓ અમે બોલતાં આગળ ચાલ્યાં.

ખાઈ કૈ પાન બનારસ વાલા…

શિવની આ નગરીમાં ભાંગનો પણ ઘણો મહિમા. બનારસીદાસો હોડીમાં જ સીલબટ્ટો લઈને બેસે. ભાંગ પીને એ શિવને પ્રસન્ન રાખે. બાબા વિશ્વનાથને અમે એ રીતે પ્રસન્ન કરીએ એવો વિચાર વિચાર જ રહી ગયો.

બિન્દુ-રંજનાને બનારસી સાડીઓ લેવી હતી. વારાણસી તેની વસ્ત્રકળા માટે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ છે. જાતક યુગમાં જે કાસેય્યક કે વારાણસેય્યકથી ઓળખાતું તે જ આ જ બનારસી સિલ્ક ને! બનારસી સાડી દેશપરદેશમાં વખણાય જ છે ને! આપણી બાજુથી કોઈ અહીં આવે એટલે પહેલો પ્રશ્ર પૂછે, શું બનારસી સાડીબાડી ખરીદી કે નહિ? અમે એક દુકાનમાં પ્રવેશ્યાં… એકને જોઈ અને બીજીને ભૂલો. બીજી દુકાનમાં ગયાં. કેવી નયનરમ્ય ભાતો અને રંગો! દુકાનદારને ત્યાં એ જ વખતે ‘જુલાહા’ સાડીઓ લઈને આવતા હતા. દુકાનદારે તેમાંથી પણ સાડીઓ બતાવી. મને તો એ જુલાહાને જોઈ કબીર યાદ આવતા હતા. આખો દિવસ કાપડ વણી તેઓ સાંજે કાશીના હાટમાં વેચી ઘર ચલાવતા ઝીની ઝીની બીની ચદરિયા… અહીંથી એક સાડી લઈ વળી પાછી બીજી દુકાનમાં. સાડીઓનો વરસાદ વરસી રહ્યો! એની સાથે સાડી બતાવનાર ગુમાસ્તાની જીભ પણ છૂટી થઈ ગઈ. કેવી નફાસતવાળી હિન્દી બોલતો હતો! એકદમ લખનવી! ‘આપકા દોલતખાના કિધર હૈ?’ વીરેન્દ્રે કહ્યું. ‘હમારા ગરીબખાના અહમદાબાદમેં હૈ.’ કહે, ખરીદો ન ખરીદો. જુઓ તો ખરા, ઈત્તફાકન આ૫ બનારસકી સબસે મશહૂર દુકાન મેં તશરીફ લાયે હૈં – કિંગ ઑફ બનારસી સાડીઝ…પાંચ હજારની સાડી કાઢીને બતાવી, દેખિયે દેખિયે. યહ ભી આપ લોગોં કે લિયે હૈ! અને પછી એ સાડીની, સાડી ખરીદનારની, સાડી પહેરનારની વાત કવિતાની ભાષામાં કહી રહ્યો. અમે અહીંથી સાડી ન લીધી, પણ તેનોય એણે અફસોસ ના કર્યો. કલ ફિર આઈએ, નઈ સાડિયાં આનેવાલી હૈં – કહી ઊજમ ભણી જોઈ કહ્યું, આપ કલાકાર લગતે હૈં. અમે કહ્યું કે એ કવિતાઓ કરે છે, તો તરત રાજી થઈ ગયા. મૈં ભી તુક જોડ લેતા હૂં, મુઝે લોગ ‘બેદિલ, શરારતી’ કહતે હૈં! અરે, આ તો શાયર નીકળ્યો! નાગરજીએ અમને કહેલું કે બનારસ કા હર તંબોલી ભી શાયર હોતા હૈ! ખરી વાત. ખરી વાત.

એ રાત્રે કાશી નાગરી પ્રચારિણી સભાની ઇમારત આગળ થઈને નીકળ્યા. આ સંસ્થાએ કેટલાં પ્રાચીન ગ્રંથોનો ઉદ્ધાર કર્યો છે! હિંદીના વિદ્વાનોની આ એક કર્મસ્થલી છે.

કાશીતલવાહિની ગંગાનો અને ગંગાતટવર્તી કાશીનો પરમ પરિચય તો ત્યારે થાય જ્યારે નાવમાં બેસી અસ્સી ઘાટથી વરણા સંગમ સુધીના તેના ઘાટોની ચહલપહલ અને ગંગાની બંકિમ છટા જુઓ. જેમ કાશીવિશ્વનાથની ગલીમાં આ નગરીનું વ્યક્તિત્વ ઓળખાય તેમ આ બાવન ઘાટનાં દર્શનથીય. અમે દશાશ્વમેધ ઘાટથી હોડીમાં એક વાર રાજઘાટ થઈ વરુણા સંગમ સુધી જઈ આવ્યાં અને ત્યાંથી જ પાછાં અસ્સીઘાટ થઈ સામે કિનારેના કાશીનરેશના રામનગરના મહેલ સુધી જઈ આવ્યાં.

દશાશ્વમેધથી રાજઘાટ તરફ ચાલ્યાં ત્યારે ગંગાના વિપુલ વારિઓઘની મધ્યે અમારી હોડી સરકતી હતી. અહીંથી તટસ્થ ઘાટ રમણીય લાગતા હતા. જુદા જુદા ઘાટનાં ઊંચે જતાં પગથિયાં પર નજર ચઢે એટલે છેલ્લે નજર એક ગલીને નાકે જઈ ઊભી રહે. દૂરથી બધા ઘાટનાં નામ લખેલાં દેખાય અને તે સાથે અદ્યતન વિજ્ઞાપનો પણ દેખાય. સામે ગંગાનો સૈકત પુલિન અને પછી ખેતર. ગંગામાં પૂર આવે ત્યારે એ બધું ડૂબી જાય. પૂર ઊતરી જાય ત્યારે પથરાયેલા કાંપથી ફસલ મબલક થાય.

અહીં જાણે દરેક ઘાટનું માહાત્મ્ય અલગ છે. જે ઘાટે સ્નાન કરવાથી અધિક પુણ્ય મળે, તેનો વધારે મહિમા. એટલે કોઈ ઘાટ સ્નાનનિરત યાત્રીઓથી ભરેલો હોય, કોઈ માત્ર ધોબીઓથી ભરેલો હોય. વિજન ઘાટ પર હિપ્પીઓને આરામ કરતાં જોઈ શકો. વરુણાસંગમે પહોંચ્યાં, પણ વરુણાનો પ્રવાહ એક ડખોળાયેલો રેલો હતો. અત્યારે. અહીં કિનારે એક ઉત્તમ કન્યા મહાવિદ્યાલય છે. અહીં ઘાટ પાસે આવતાં સ્થિર પાણીમાં કિનારાની શોભા જે રીતે જળમાં પ્રતિબિંબિત થતી હતી તે જોઈ મુગ્ધ થઈ જવાય. હલેસાંને લીધે હલી ઊઠતી સપાટીને લીધે પછી પાણી અંદરની પ્રતિબિંબિત સૃષ્ટિ સરરિયલ બની જાય. કિનારા પરનું અચલ મંદિ૨ જળની અંદર પ્લાસ્ટિકનું બની જાય. આપણને થાય જળની અંદર રહેલા એ મંદિરના દેવતાનાં દર્શન કરી આવીએ.

આ વિસ્તારમાં પ્રાચીન વારાણસી વસેલી. ત્યાંથી પાછાં વળ્યાં. હવે સામે પ્રવાહમાં જવાનું હતું. હોડી હવે ઘાટની ખૂબ નજીક નજીક ચાલતી હતી. લોકદર્શન બરાબર થાય, ઘાટ ઘાટ પર તેલ લગાવી કસરત કરતા વ્યાયામવીરો જોવા મળે. તેમને દંડ પીલતા કે મગદળ ફેરવતા જોઈ લાગે કે કાશી હજી તે જ છે. તૈલાભ્યંગ પછી વ્યાયામ, પછી ગંગાસ્નાન. નિરાંતે, કશી ઉતાવળ નથી. ગંગા કિનારે રહેતા લોકો તો ગંગામાં જ રોજ સ્નાન કરવા આવે. મણિકર્ણિકા ઘાટ આવ્યો. ચિતાઓ જલતી હતી, અને હવે આ ફરી દશાશ્વમેધ.

અહીંથી અરસીઘાટ ભણી, કાશીનરેશના મહેલ સુધી હોડી લઈ જવા કહ્યું. ઘાટની નજીક નજીક જતાં હતાં. એક ઘાટ પર બનારસી સાડીઓ સુકાતી જોઈ, એક મોહક રંગસૃષ્ટિ, રામનગરને કાંઠે પહોંચ્યાં એટલે બીજી દુનિયા, અહીં જાણે નદીકિનારે વસેલું ગામ. કાશીનું કોઈ ચિહ્ન નહીં. ગામનો ઢાળ ઊતરો એટલે નદી. કોઈ ઘાટબાટ ના મળે. નદી કાશીનરેશના મહેલને અડકીને જાય છે. આ મહેલ જોતાં રાજા ચૈતસિંહ અને વૉરન હેસ્ટિંગ્ઝ યાદ આવી જાય છે. આજે તો મહેલમાં મ્યુઝિયમ છે. બધા મહેલો હવે મ્યુઝિયમ થતા જાય છે ને! આજે તો જવું હતું અમારે. એટલે જલદી પાછાં વળ્યાં. ગંગાની મધ્યમાં હોડી જઈ રહી છે. હોડીવાળાને પૂછ્યું : ‘યહાઁ પાની કિતના ગહરા હૈ?’ ‘આઠ પોરસા બાબુજી. બાઢ મેં તો ઘાટ વાટ સબ ડૂબ જાલા. ગોદૌલિયા ૫૨ નાવ ચલૈ લગલ’ આઠ માથોડાં પાણી છે અહીં. પૂર આવે ત્યારે તો શહેરનાં ગોદૌલિયા જેવા નીચા વિસ્તારોમાં હોડીઓ ફરે છે. આ ગંગાપુત્ર હોડીવાળા પણ કમાલના હોય છે. એમની જબાન ખોલાવો એટલે જાતજાતની વાતો કરે. ઘાટ ઉપરના પેલા ઘાટિયા કે પંડાઓ કરતાં જરાય ન ઊતરે. એમની પાસેથીય તત્ત્વદર્શન સાંભળવા મળે.

અહીંથી ગંગા અને કાશી બંને પ્રિય લાગતાં હતાં. બંનેય પ્રાચીન પુરાતન. આ ગંગા કેટલાય કાળથી અહીં વહી રહી છે! વહી રહી છે! હરમન હેસ્સની ‘સિદ્ધાર્થ’ નવલકથા યાદ આવે છે. એનો નાયક છેવટે નદી પાસેથી જ બધું શીખે છે. નાવિક વાસુદેવ અનંત જિજ્ઞાસુ સિદ્ધાર્થને કહે છે, આ નદીને પ્રેમ કર, એની પાસે રહે, એની પાસેથી શીખ…નદી બધું જ જાણે છે. એની પાસેથી જ બધું જ જાણવા મળશે.

પણ આપણે તો ગંગાની અલપઝલપ ઝાંખી લઈને ચાલી નીકળવાનાં. વૈરાગી ભર્તૃહરિ જેવા ભર્તૃહરિએ કહ્યું હતું – કાશી નગરીમાં ગંગા નદીને તીરે વસતો, કૌપીન પહેરતો, મસ્તકે અંજલિપુટ કરી ‘હે ગૌરીનાથ! હે ત્રિપુરહર, હે શંભો, હે ત્રિનયન, તમે મારા પર પ્રસન્ન થાઓ.’ એમ કલપતો હું ક્ષણમાત્રની પેઠે મારા અનેક દિવસો ક્યારે વ્યતીત કરીશ?

અત્યારે અહીંની આ શોભા જોઈ આપણને થાય, ખરે નિમિષમાં જ દિવસ વીતી જાય. સિદ્ધાર્થને પેલી હોડીવાળા વાસુદેવે તો કહ્યું હતું કે સમય જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. તે રહસ્ય તું નદી પાસેથી શીખ.

પણ, આપણે શીખી શકતાં નથી. બપોરના ૨-૩૦ની કાશી વિશ્વનાથ એક્સપ્રેસમાં નીકળવાનું છે. આરક્ષણ કરાવી લીધું છે. દશાશ્વમેધ ઘાટ નજીક આવતો ગયો. એ જ ભીડ, એ જ ચહલપહલ. જીવંત ઘાટ. એ રીતે કાશી એક જીવંત નગરી છે, એકદમ પ્રાચ્ય– ‘ઓરિએન્ટલ’. પેલે દિવસે આ ઘાટે સ્નાન ન કરતાં સામે ઘાટે ગયો હતો. ભીડ તથા ડહોળાયેલું પાણી જોયાં. આજે આ ભીડ વચ્ચે એ પાણીમાં હું ડૂબકીઓ લગાવી રહ્યો.

નાહીને પાણીમાં પગથિયાં ચઢું છું ત્યાં મારી જેમ સ્નાન કરતા એક યાત્રિકે કહ્યું – ‘ફિરસે એક બાર ગોતા લગાઈએ.’ કોણ જાણે મેં એની વાત માની લીધી. ફરી પગથિયાં ઊતરી ડૂબકી લગાવી, ‘આપકે સબ પાપ કટ ગયે અબ.’ – તેણે કહ્યું.

હું એની સામે જોઈ રહ્યો. એ સશ્રદ્ધ હતો.

ઘાટનાં પગથિયાં ચઢું છું. પણ આજે ઘાટ સૂનો કેમ છે? આટલા યાત્રિકોની અવરજવરમાંય? આજે રોજના પેલા ભિક્ષુકોની બે બાજુ બેઠેલી હાર નથી. આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવ્યા છે, ઘાટ ઉપર. ગંગામાં નૌકાવિહાર કરી રહ્યા છે. એમની નજર આ ભિખારીઓ પર પડે તો? સવારથી જ એમને હટાવી ઘાટ સ્વચ્છ રાખવામાં આવ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અહીં ભારતનું દર્શન કરશે, પણ એ અધૂરું રહેશે.

ઘાટનાં પગથિયાં ચઢતાં ચઢતાં ફરી પાછા વળી ગંગાનાં દર્શન કર્યાં. ક્યારે હવે કાશી નગરીમાં ગંગા નદીને તીરે? કદા? કદા? ગંગા તો વહી રહી છે, વહી રહી છે.