વિનોદ જોશીનાં કાવ્યો/ને સાયબો આવ્યો નંઈ!
દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!
સળિયું ભાંગીને રાત કાઢી,
ને સાયબો આવ્યો નંઈ!
સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય
અને તોરણ બાંધું તો એને ટોડલા,
કાજળ આંજું તો થાય અંધારાંઘોર
અને વેણી ગૂંથું તો પડે ફોડલા;
દિ’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!
પાંપણ લૂછીને રાત કાઢી
ને સાયબો આવ્યો નંઈ!
ઓશીકે ઊતરીને આળોટી જાય
મારાં સૂનાં પારેવડાંની જોડલી,
નીંદરના વ્હેલ સાવ કોરાધાકોર
તરે ઓશિયાળા આંસુની હોડલી;
દિ’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!
પાંગત છોડીને રાત કાઢી,
ને સાયબો આવ્યો નંઈ!