વિવેચનની પ્રક્રિયા/છેલ્લા દાયકાની ગુજરાતી નવલકથા : એક દૃષ્ટિપાત
પ્રસિદ્ધ વિવેચક જ્હોન લેહમને એક જગ્યાએ લખ્યું છે કે “જો મને પૂછવામાં આવે કે હું જેનાં નામ આપું તે સો ઉત્તમ નવલકથાઓ કે સો ઉત્તમ કાવ્યકૃતિઓ એ બેમાંથી હું કોને વધારે સહેલાઈથી જતી કરી શકું કે જેથી મને એમ ન લાગે કે હું એનાથી વંચિત રહ્યો છું અને મારી આધ્યાત્મિક ભૂખ સંતોષવામાં આવી નથી, તો હું સહેજ પણ અચકાયા વગર જવાબ આપું કે હું વધારે સહેલાઈથી નવલકથાઓ જતી કરી શકું.”
પણ જો સરેરાશ વાચકને આ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ એથી ઊલટો આવવાનો સંભવ છે. નવલકથા એ વાચકોનો માનીતો પ્રકાર રહ્યો છે. ‘કરણઘેલો’થી આરંભી ‘કામિની’ સુધીની નવલકથાઓના પટ પર દૃષ્ટિપાત કરતાં આ પ્રકારને મબલક સર્જનશક્તિવાળા લેખકોએ ખેડ્યો છે અને તેમના ઉત્તમોત્તમ સર્જનાત્મક આવિષ્કાર રૂપ માતબર કૃતિઓ આપણને મળી છે.
છેલ્લાં વર્ષોમાં નવલકથાના પ્રકારમાં પરિવર્તન આવ્યું. નવલકથા એ આરામ ખુરશીમાં પડ્યાં પડ્યાં ગબડાવી જવાની વસ્તુ નથી પણ પૂરી એકાગ્રતાથી એક એક વાક્ય અને એક એક શબ્દ વાંચીને એનો કલામર્મ પકડવાની અને આસ્વાદવાની વસ્તુ છે એ બાબત ઉપર ભાર મુકાયો. પ્રતીકો, કલ્પના અને સંદર્ભના કલાત્મક સંયોજન દ્વારા નવલકથા એ નાટક અને કવિતા જેવા કાંઈક સવિશેષ સુગ્રથિત સાહિત્ય પ્રકારોની સમકક્ષ ઊભી રહેવા પ્રયત્ન કરવા લાગી, એમાં કવિતાની ટેકનિકનો પણ વિપુલ વિનિયોગ થવા માંડ્યો.
આ બધાને પરિણામે ગુજરાતીમાં લઘુનવલનો પ્રકાર આગળ આવ્યો અને સત્ત્વશીલ કૃતિઓ પણ આપણને સાંપડી, અન્ય ભારતીય ભાષાઓમાં પણ આ પ્રકારની કૃતિઓ લખાઈ છે અને ગુજરાતી રચનાઓ ગુણવત્તામાં એથી ઊતરતી નથી એમ જરૂર કહી શકાય. પરંતુ સાતમા અને આઠમા દાયકામાં આ સ્વરૂપમાં કાંઈક બંધિયારપણું (સ્ટેગનેશન) આવી ગયું જણાય છે. છેલ્લા દશકામાં કળાનો નવોન્મેષ દાખવતી કૃતિઓ આપણને મળી નથી એ હકીકતનો સ્વીકાર કર્યે જ છૂટકો. અને એક નવલકથામાં જ શા માટે, અન્ય સાહિત્ય પ્રકારોમાં પણ સર્જકતાની ઓટનાં દર્શન દુર્લભ નથી.
અનુગાંધીયુગ પછી સ્વ. રાવજી પટેલ, લાભશંકર, સુરેશ જોશી, બક્ષી, રઘુવીર, રાધેશ્યામ આદિના પ્રયત્નોથી નવલકથા એક સાહિત્યિક સ્તર ઉપર મુકાઈ હતી, પણ એ પછી એમાં, આ દાયકામાં, આગળ ગતિ થઈ નથી. નવલકથાઓના વિપુલ ગંજમાંથી નોંધપાત્ર નવલકથાઓની યાદી પણ ઘણી લાંબી થાય. વિઠ્ઠલ પંડ્યા, મોહનલાલ ધામી, સારંગ બારોટ, પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ, દેવશંકર મહેતા, હરીશ નાયક, પરાજિત પટેલ જેવા લેખકો સંખ્યાબંધ નવલકથાઓ પ્રગટ કરે છે પણ એમાં કશો વિશિષ્ટ ઉન્મેષ પ્રગટતો નથી.
સાહિત્યની કોટિએ પહોંચે એવી આ દશકાની નવલકથાઓમાં કૃષ્ણના સત્યભામા સાથેના અને જાંબવનની પુત્રી રોહિણી સાથેના લગ્નના રોમાંચક કથાનકને વર્ણવતી મુનશીની ‘કૃષ્ણાવતાર’નો પાંચમો ખંડ, કૃષ્ણના વ્યક્તિત્વને હૂબહૂ ચીતરતી દૃઢ કથાબંધયુક્ત અને કાવ્યમયતાનો સંસ્પર્શ અનુભવાવતી હરીન્દ્ર દવેની ઘાટીલી રચના ‘માધવ ક્યાંય નથી’, શિથિલ બંધવાળી છતાં રસપ્રદ વાચન પૂરું પાડતી શિવકુમાર જોષીની ચીલેચાલુ કથા ‘અયનાંશુ’, આરંભ અને અંતના અવ્યક્તની સાથે મધ્યના વ્યક્તનું કલાત્મક અનુસંધાન નહિ જાળવતી છતાં લેખકના નવલકથાલેખનમાં સ્પષ્ટ વિકાસ સૂચવતી ભગવતીકુમારની ‘વ્યક્તમધ્ય’, ટૂંકી વાર્તામાંથી સિનેમાની વાર્તા અને પછી નવલકથારૂપે પ્રગટ થયેલી સિદ્ધહસ્ત પન્નાલાલની ‘કંકુ’, ગોવર્ધનરામની શૈલીની યાદ આપતી વજુભાઈ મહેતાની ‘એક દીપ જલે અંતરમાં’, ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો?’ એ નાટકના કથાવસ્તુ ઉપરથી કર્તાએ જેને “નવી નાટકીય નવલકથા” તરીકે ઓળખાવી છે તે મધુરાય કૃત ‘કામિની’ વગેરેનો ઉલ્લેખ થઈ શકે.
રઘુવીર ચૌધરીએ આધુનિક યુરોપીય નારીની મનોવૈજ્ઞાનિક સંકુલતાને ‘વેણુવત્સલા’માં પ્રતીતિજનક રૂપે રજૂ કરી છે ‘વેણ’થી ‘વત્સલા’ સુધીની યાત્રા સાહજિક રીતે નિરૂપાઈ છે. મધુરાયની ‘સભા’ એની નવી ટેકનિકની દૃષ્ટિએ નોંધપાત્ર બની છે. લેખક પાર્ટીમાં એક પછી એક પાત્રોને રજૂ કરે છે. વાચક પણ જાણે એમાંનું એક પાત્ર બની રહે છે (આ કૃતિ પરથી રજૂ થયેલ નાટ્ય રૂપાંતર ‘કુમારની અગાશી’ પણ લોકપ્રિય બન્યું છે.)
પિનાકિન દવેએ ‘છાયા’માં પોતાનો સ્તર સાચવી રાખ્યો છે. એમની ‘આધાર’ એ રમા નામે એક નર્સની કરુણ કથની આપે છે. એક નારીના જીવનની કરુણતા આ નવલકથામાં હૃદયસ્પર્શી અભિવ્યક્તિ પામી છે. ખાસ કરીને મનોવ્યાપારોના આલેખન તરીકે એ ધ્યાન ખેંચે છે. એક રીતે એ મનોવૈજ્ઞાનિક નવલકથા છે. અવિલીનીકરણ હોવાથી ઇડિપસ ગ્રંથિનો ભોગ થયેલા કિશોરના મનોભાવો અને રમાની વિવિધ ફેન્ટસીઝનું આલેખન સુંદર થયું છે.
ભગવતીકુમાર શર્માની ‘સમયદ્વીપ’ માત્ર જૂની નવી જીવનપદ્ધતિ વચ્ચેના સંઘર્ષના નિરૂપણમાં જ સમાપ્ત ન થતાં સ્વકીય વ્યક્તિત્વોના આલેખનમાં સફળ થાય છે અને “દ્વિધાના દ્વીપ ઉપર ઊભા રહીને” લેખક નવલકથાકારને ઉચિત એવું કલાતાટસ્થ્ય જાળવીને પોતાનું નિરીક્ષણ રજૂ કરે છે. ‘સુખ નામનો પ્રદેશ’ એ હરીન્દ્રની નવલકથામાં મનુષ્યની સુખ મેળવવાની સનાતન ઇચ્છાની સાથે સમકાલીન ઘટનાઓ ગૂંથી લઈ વિવિધ તરંગલીલાઓના આલેખન દ્વારા સુખ નામના પ્રદેશની મનુષ્યની શોધનું આહ્લાદક ચિત્ર અપાયું છે.
ડૉ. દામોદર બલરની ‘બેહુલા’ અને ‘અપૂર્વ અપેક્ષા’ના વસ્તુને તેમના વ્યવસાય સાથે સંબંધ હોવા છતાં ચિરંતન રસની કૃતિઓ તરીકે એનો ઘાટ–ખાસ કરીને ‘અપૂર્વ અપેક્ષા’માં સો વર્ષ પછી પૃથ્વી પર કેવું જીવન હશે એની પ્રકલ્પના–કલાત્મક છે. લેખકની નવલકથાકાર તરીકેની સજ્જતાને કારણે એ માત્ર ‘સાયન્સ ફિક્શન’ બનવામાંથી ઊગરી ગઈ છે અને માનવહૃદયના સનાતન સ્વરૂપને આલેખવામાં લેખક સફળ થયા છે.
ધીરેન્દ્ર મહેતાની પ્રથમ નવલકથા ‘વલય’માં પરિસ્થિતિના વળાંકો સંબંધોના વર્તુળને કેવા ખંડિત કરે છે એ બતાવવા સાથે એક સંવેદનશીલ બૌદ્ધિક સાંપ્રત સમયમાં જે એકલતા અને નિઃસહાયતા અનુભવે છે, પારસ્પરિક સંબંધોનો સંવાદ રચવામાં જે મુશ્કેલી અનુભવે છે એનું આ કૃતિમાં સુંદર ચિત્રણ થયું છે. તેમની તાજેતરમાં પ્રગટ થયેલી ‘ચિહ્ન’ પોલિયોના દરદીની કથા આપે છે. લેખકની એક રીતે આ આત્મકથાત્મક નવલકથા ગણી શકાય, તેમ છતાં કલાકારને આવશ્યક એવી તટસ્થતાને કારણે એક વિશિષ્ટ નવલકથા એ બની શકી છે.
મફત ઓઝાની ‘ઘૂઘવતા સાગરનાં મૌન’માં કથા કહેવાની ફાવટ, રચનાની ભૌમિતિક તરાહ, કાવ્યાભાસી અભિવ્યક્તિ છટાઓ, ગણ્યાગાંઠ્યાં પાત્રોનાં મનનાં ઊંડાણોમાં ઈષત્ સ્પર્શ કરાવવાની શક્તિ વગેરેને લઈને આ લઘુનવલ શીર્ણ-વિશીર્ણ થતા કુટુંબના વિનિપાતમાં વારસો અને વાતાવરણ કેવો ભાગ ભજવે છે તે દર્શાવે છે. આ નવલકથા પરથી એકપાત્રીય અભિનયના શ્રી પૃથ્વીસિંહ ઝાલાએ કરેલા જાહેર પ્રયોગો લોકપ્રિય નીવડ્યા છે. કવિ રામચંદ્ર પટેલની ‘એક સોનેરી નદી’ કાવ્યમય વર્ણનો આપતી ગ્રામપ્રદેશના સૌન્દર્યને અભિનવ રીતે પ્રગટ કરી આપતી સાદ્યન્ત રસપ્રવાહ જાળવતી એક નોંધપાત્ર કૃતિ છે.
પન્નાલાલને પગલે પગલે આપણ નવલકથાકારોએ પોતાની કૃતિઓમાં એનું એ જ ગામડું, વાણિયાનું શોષણ અને જાતીયતાનું આલેખન કરવા માંડ્યું, પણ રઘુવીર ચૌધરી એમની ‘લાગણી’ નવલકથામાં એક તાજી હવા લઈ આવે છે. એમનું નિરૂપણ ચીલેચાલુ બન્યું નથી. માનવજીવનની કરુણતાના આલેખનમાં રઘુવીરની શક્તિઓનું સારું પરિણામ આવ્યું છે. તેમની ‘ઉપરવાસ કથાત્રયી’ પણ આ દશકાની ગુજરાતી નવલકથાઓમાં એક મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન છે. સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના પ્રજા–પ્રશ્નોને વાચા આપતી આ કૃતિ વાસ્તવ અને આદર્શનો સુંદર સુમેળ રચે છે.
આધુનિક જીવનરીતિને હળવાશથી નિરૂપતી, પરિચિત વાતાવરણમાં અપરિચિત પ્રશ્નને ઉઠાવ આપતી ચિનુ મોદીની ‘ભવચક્ર’ સંદર્ભો અને શૈલીની દૃષ્ટિએ સાહિત્યિક આબોહવા ઊભી કરતી નવલકથા છે.
શ્રી ‘દર્શક’ની ‘સોક્રેટીસ’ એ આ દશકાની મહત્ત્વની નવલકથા છે. ઐતિહાસિક ઇતિવૃત્તનો ઠીક ઠીક ઉપયોગ કરવા છતાં મુનશી પછી કોઈ મોટા ગજાનો ઐતિહાસિક નવલકથાકાર આપણને મળ્યો નથી. પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી દર્શકે ‘સોક્રેટીસ’માં ગ્રીક સંસ્કૃતિના સુવર્ણયુગ અને એના ધૂપછાંવની કથા આપી મુનશી પછીના મોટા ઐતિહાસિક નવલકથાકાર તરીકેનું સ્થાન સિદ્ધ કર્યું છે. ગ્રીક સંસ્કૃતિની જાહોજલાલીના એ સમયમાં એક એકથી ચડિયાતા સર્જકો, શિલ્પીઓ, સ્થપતિઓ, રાજપુરુષો, વિચારકો અને સેનાપતિઓ એની પાસે હતા; પરંતુ બીજા રાજ્યો પ્રત્યે સામ્રાજ્યવાદી વલણ અને ઘરઆંગણે લોકશાહી આ બન્ને વચ્ચે મેળ બેસાડી શકાયો નહિ, એથી સત્તા-સમતુલા અને સમંજસ કાર્યપદ્ધતિ કે નીતિરીતિના દ્વૈતને કારણે એથેન્સમાં આંતરિક વિદ્રોહ વધતો ચાલે છે.
આંતરિક કલહો માઝા મૂકતા આવે છે. સોક્રેટીસ જેવો મહાન યોદ્ધો ગ્રીકોનો સમાદાર પામેલો પણ હવે એની માનવજાત પ્રત્યેની કરુણા અને જીવનદૃષ્ટિ ઘણાને ખૂંચવા લાગી. પરિણામે એથેન્સની વિચારનીતિથી જુદી વિચારનીતિને કારણે અને આંતરપ્રત્યયથી જ જીવવાના સદાગ્રહને કારણે એને વિષપાન કરવું પડ્યું. નવલકથામાં લેખક સોક્રેટિસને કેન્દ્રમાં મૂકે છે જરૂર, પણ એમની વાર્તાકલાની ખૂબી સમગ્ર યુગના આંતરસંઘર્ષને નિરૂપવામાં અને એની સાથે ઍપોલોડોરસ અને મીડિયાના પ્રણયને જોડવામાં રહી છે. દર્શકની સંવિધાનકલાનું પણ એ દર્શન કરાવે છે આ નવલકથા દસ્તાવેજી મહત્ત્વ ધરાવે છે પણ એ તવારીખી બનવામાંથી ઊગરી ગઈ છે.
દિલીપ રાણપુરાએ ‘સૂકી ધરતી સૂકા હોઠ’ આપણા પ્રાથમિક શાળાના શિક્ષકોની અને શિક્ષણપ્રથાની સમસ્યાઓનો વિષય લઈ એક હૃદયસ્પર્શી નવલકથા આપી છે. લેખકના અનુભવની સચ્ચાઈને કારણે એક ઓછા ખેડાયેલા વિષયવસ્તુને તે કલાત્મક રૂપ આપી શક્યા છે.
સાતમા દશકના અંતભાગમાં ચન્દ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર, મધુ રાય, મુકુંદ પરીખ વગેરેએ નવલકથાના સ્વરૂપ પરત્વે પ્રયોગશીલતા દાખવી. બક્ષી નવલકથાની ટેકનિકની બાબતમાં ઉદાસીન રહી વિવિધ વસ્તુગૂંફન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સૌમાં રાધેશ્યામ શર્માની ‘ફેરો’ ખાસ ઉલ્લેખપાત્ર છે. ‘ફેરો’ એ આધુનિકતાની મુદ્રાવાળી છેલ્લા દશકના પ્રારંભમાં આપણને મળેલી પ્રથમ સુગ્રથિત નવલકથા છે.
અમદાવાદની એક પોળમાં રહેતાં પતિ–પત્ની પોતાના મૂંગા બાળકને લઈને રણપ્રદેશની નજીકના કોઈ તીર્થધામે બાધા કરવા જાય છે. ત્રણે ગાડીમાં નીકળ્યાં છે પણ આગલા સ્ટેશને બાળક ગુમ થાય છે. પણ ગાડી તો ઊપડી ચૂકી. મુસાફરી આરંભાઈ એની પૂર્વ તૈયારીની ક્ષણથી આ ક્ષણ સુધીના આલેખનમાં અનેક કલ્પનો અને પ્રતીકોના કલાત્મક સંયોજન દ્વારા મનુષ્યજીવનનું એક ભાતીગળ ચિત્ર આપ્યું છે. પાત્રો અને પરિસ્થિતિઓનું અંતર્ગત વૈવિધ્ય હોવા છતાં એ થઈ તો રહે છે મનુષ્યજીવનના ફેરાની વાત – આધુનિક સંદર્ભમાં. રાધેશ્યામ જેવાઓ પાસે જ અત્યારે કાંઈક બંધિયાર થયેલા આ પ્રકારની વિશેષ શક્યતાઓના ઉત્ખનનની અપેક્ષા રહે છે.
છેલ્લા દશકાની નવલકથામાં આપણાં મહાભારત, રામાયણ અને ભાગવતનો વળી પાછો આધાર લેવાનું વલણ બલવત્તર બન્યું છે. અનેક સિદ્ધ અને નવા લેખકો એના વસ્તુ ઉપરથી નવલકથાઓ લખવા પ્રેરાયા છે; પરંતુ મુનશી, પન્નાલાલ, હરીન્દ્ર કે છેલ્લે ઈલા આરબ મહેતા સિવાય અન્ય લેખકોની રચનામાં કોઈ વિશેષ પ્રગટ થતો જણાતો નથી. રઘુવીર ચૌધરી જેવા સિદ્ધ નવલકથાકાર સામાજિક અને પ્રાદેશિક નવલકથા આપે છે. તાજેતરમાં તેમણે ‘રુદ્રમહાલય’ દ્વારા ઐતિહાસિક કથા આપવાનો પ્રયત્ન આરંભ્યો છે.
ચંદ્રકાન્ત બક્ષી કથાવસ્તુના વૈવિધ્યવાળી અને ઊંચી કોટિની ડિટેક્ટિવ કથાઓ આપે છે. ભાષાને ઓગાળી નાખી સરેરાશ વાચક સાથે સંક્રમણ સાધવાનો તેમનો પ્રયત્ન દાદ માગી લે છે. પણ સાહિત્યિક દૃષ્ટિએ નવલકથાની સ્વરૂપગત શક્યતાઓનો તાગ લેતી સાચી પ્રયોગશીલ કૃતિઓ માટે તો આપણે આગામી દસકા સુધી કદાચ રાહ જોવાની રહેશે.