વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/V
Jump to navigation
Jump to search
V
Vampirism જિગરખોરી યુરોપમાં જિગરખોર અંગે એક એવી માન્યતા હતી કે અદમ્ય વાસનાયુક્ત મનુષ્ય જો મૃત્યુ પામે તો એનો પ્રેતાત્મા કોઈ પણ નિદ્રાધીનનું લોહી ચૂસી પોતાના દટાયેલા સ્થૂલ શરીરને નષ્ટ થતું અટકાવી શકે; અને પ્રેતાત્માને આમ કરતો અટકાવવા એની કબર તોડી પડાતી તેમ જ મડદાનું માથું કાપી નખાતું અથવા તો એનું હૃદય ભાલાથી વીંધી નખાતું. સો સવાસો વર્ષ પહેલાં આવું ઘણું સાહિત્ય યુરોપમાં પ્રગટ થયેલું. ફ્રેન્ચ નવલકથાકાર થિયોફાઈલ ગોશિયાંએ આ માન્યતાનો ઉપયોગ કરી ‘ધ બ્યૂટીફૂલ વેમ્પાયર’ નવલકથા લખી છે. ગુજરાતીમાં રમણલાલ સોનીએ એનો ‘મીનાક્ષી’ નામે અનુવાદ કર્યો છે.
Variorum વિવિધ પાઠાંતરયુક્ત આવૃત્તિ લેખકની હસ્તપ્રતમાં રહેલા બધાં પાઠાંતરોને નોંધતી પુસ્તકની આવૃત્તિ. આ ઉપરાંત ક્યારેક આવી આવૃત્તિમાં પૂર્વેના સંપાદકોની ટીકાઓનો અને એમની સમાલોચનાઓનો પણ સમાવેશ થયો હોય છે.
Verbivocovisuality વાચિકદૃશ્યતા મૂર્તકવિતામાં શબ્દ અને અર્થને સમાવતી ભાષાપરક સંરચનાને એની દૃશ્યસંરચના સાથે સંબંધ છે; એ સંબંધને આ સંજ્ઞા નિર્દેશે છે.
Verism અવિતથવાદ કલા અને સાહિત્યમાં ચુસ્તપણે વાસ્તવનું પ્રતિનિધાન થવું જોઈએ; અને તેથી બીભત્સ તેમ જ કુત્સિતનો પણ એમાં સમાવેશ થવો જોઈએ. આ રીતે આદર્શીકૃત કર્યા વગરના વાસ્તવને પુરસ્કારનો સિદ્ધાંત.
Verschleierte rede જુઓ FIS.
Verstehen સમજણ જર્મનીમાં આધુનિક ફિલસૂફીને વિજ્ઞાનના સ્વરૂપ અને એની પ્રક્રિયાના માળખામાં ઢાળવાનો પ્રયત્ન થયેલો. અને તથ્યવાદ સાથે નિકટનો નાતો જોડેલો. પરંતુ પછીથી માનવવિદ્યાઓને જુદી પાડવા મહત્ત્વનો ભેદ ઊપસ્યો. ડિલ્થેએ વિજ્ઞાનની સમજૂતી(explanation)ની પદ્ધતિ સામે સમજણ (understanding)ની સ્વતંત્ર પદ્ધતિ પર માનવવિદ્યાઓને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો.
Virtual Reality આભાસી વાસ્તવ કમ્પ્યૂટર દ્વારા ઊભા કરાયેલા આભાસી વાસ્તવમાં ત્રિપરિમાણી ગોગલ્સ અને મોજાંઓની મદદથી કમ્પ્યૂટર વાપરનારો એમાં લીન થઈ શકે છે. આ માટેની સંજ્ઞા યારોન લેનિરે (Iaron Lanier) ૧૯૮૬માં આપી. વિજ્ઞાનનવલકથાઓમાં ભય અને ઉલ્લાસ માટે એનો ખાસ્સો ઉપયોગ થયો છે. પણ આ આભાસી વાસ્તવ બે-ધારી છે. એક બાજુ એ કલ્પનાના જગતમાં બારી પાડે છે તો બીજી બાજુ ‘પ્રમાણિત વાસ્તવ’ અંગેની આપણી ધારણાને પડકારી એ આપણને આંચકો આપે છે. ઉત્તમ પ્રકારની ટેક્નોલોજી હોય તો કમ્પ્યૂટરે રચેલું છાયાસાદૃશ્ય ક્યાં પૂરું થાય છે અને ક્યાં વાસ્તવિકતા શરૂ થાય છે એ કળવું મુશ્કેલ બને છે.