વેણીનાં ફૂલ/આભના ચંદરવા
આભમાં ચાકળા ને ચંદરવા
કે આવડા કેણે ચોડ્યા રે લોલ!
આભમાં રે' એક રજપૂતાણી
કે મૈયર આણે આવી રે લોલ.
પરણ્યો ચોરીયેથી ચાલ્યો છે
કે મીંઢળ નથી છૂટ્યા યે લોલ.
ગાજતી ઘોડીએ ઘુઘરમાળ
કે રજપૂત રણે ચડ્યો રે લોલ.
જાય છે કામધેનના ચોરનારા!
કે એકલો જુદ્ધ માંડે રે લોલ.
આવશે ઓણને પોર દિવાળી!
કે સુંદરી વાટ્યું જોતી રે લોલ.
વાટડી જોઈ જોઈ દિનડા ન ખૂટે
કે એણે ઉદ્યમ લીધા રે લોલ.
કંથને સંભારી સંભારી
કે હીરનાં ભરત ભર્યાં રે લોલ.
આભની ઓસરીમાં પાથરિયાં
કે આણલાં અતિ ઘણાં રે લોલ.
૧[૧]ભરિયલ સાત રખ્યની સમશેરૂં
કે સાયબો કેડ્યે લેશે રે લોલ.
૨[૨]ભરિયલ ધ્રૂવ તારાની ઢાલું
કે અવચળ ઘાવ ઝીલે રે લોલ.
૩[૩]ભરિયલ વીંછીડાની વાઘું
કે ઘોડલે ચડાવશું રે લોલ.
૧ સાતરખ્ય (સપ્તર્ષિ)નું નક્ષત્ર તલવારના આકારનું દેખાય છે.
૨ ધ્રૂવતારો અવિચળ હોવાથી ઢાલનો ભાવ ઉઠે છે
૩ વીંછીડાનું નક્ષત્ર ઘોડાની વાઘ (લગામ) જેવું દેખાય છે.
૪[૧]ભરિયલ આભગંગાનાં તોરણ
કે ટોડલે ઝૂલાવશું રે લોલ.
૫[૨]ભરિયલ ચાંદાનો વીંઝણલો
કે પિયુજીને વાહર વા'વા રે લોલ.
૬[૩]ભરિયલ હરણ્યોની ચોપાટ્યું
કે માંડશું રમતડી રે લોલ.
૪ આકાશ-ગંગા આભને એક છેડેથી બીજે છેડે લંબાયલી દેખાય છે, તેથી તોરણ સમી કલ્પી છે.
૫ ચંદ્ર વીંઝણા સમ ગોળાકાર દેખાય છે.
૬ હરણીનું નક્ષત્ર ચોપાટ જેવું ચોખંડું હોય છે. વચ્ચે બીજાં ચાંદરડાં સોગઠાં સરીખાં ભાસે છે