વેણીનાં ફૂલ/માલા-ગુંથણ
Jump to navigation
Jump to search
[ઢાળ-મોર બોલે મધુરી રાત રે નીંદરા નાવે રે-એને મળતો]
માલા-ગુંથણ
મેં તો હરખેથી બેસી બેસી ગુંથી આ ફુલડાંની માળા રે
તારે કંઠે આરોપવાને કાજે પરોવી એક માળા રે.
મને કામ સૂજ્યાં ન કાંઈ ઘરનાં, હું શુધ બુધ ભૂલી રે
બેઠી ગુંથું બકુલ કેરી છાંયે અકેલી ને અટૂલી રે
એની ઘેરી ઘટામાં મોર મેના બાપૈયા ગીત ગાતાં રે
એની ડાળે પરભાત કેરા વાયુ હીંચીની લ્હેર ખાતા રે.
કુંજ-કળીઓને હેતે હૂલાવતાં પરભાતે તે દિ' ખીલ્યાં રે
એવાં સાથીના સાથમાંહી બેસી મેં ફુલડાં આ ઝીલ્યાં રે.
એને ફુલડે ફુલડે જડ્યાં છે આંસુ તે દિનનાઅ સૂરજનાં રે
એની કળીએ કળીએ મઢ્યાં છે ગીતો તે દિનના પવનનાં રે.
તેના અણુયે અણુમાં રહ્યાં છે મ્હેકી પ્યારાજી હાસ્ય તારાં રે
એવી માળા આરોપું તારે હૈયે, એ નેનના સિતારા રે!