વેણીનાં ફૂલ/વસંતની વનદેવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વસંતની વનદેવી
[ઢાળ-કાન તારે તળાવ રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, ચુંદડી વીસરી રે]


આજ ફાગણને ફાગ, રૂમઝુમતી રમવા નીસરી;
રમવા નીસરી, દુઃખડાં વિસરી રે -આજ૦

આજ ફુલડાંને ફાલ, ફુલવંતી રમવા નીસરી;
રમવા નીસરી, મન મીઠાં કરી રે-આજ૦

આજ ખેતર મોઝાર, અનદેવી રમવા નીસરી;
રમવા નીસરી, કણ ખોબા ભરી રે-આજ૦

આજ ગલને ગુલાલ છાટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે-આજ૦

આજ કેસુડાં ડાળ, રંગરેલી રમવા નીસરી;
રમવા નીસરી, પટકુળ કેસરી રે -આજ૦

આજ આંબાને મ્હોર, મધુવંતી રમવા નીસરી;
રમવા નીસરી, કરમાં મંજરી રે -આજ૦

આજ દખણાદે દ્વાર, મદઘેલી રમવા નીસરી;
રમવા નીસરી, પવનની પાંખડી રે -આજ૦

આજ દરિયાને તીર, અલબેલી રમવા નીસરી;
રમવા નીસરી, જળની મોજડી રે -આજ૦

આજ કિલકિલ ટૌકાર, કોયલડી રમવા નીસરી;
રમવા નીસરી, મદભર આંખડી રે -આજ૦

આજ પૂનમને આભ, અનહદમાં રમવા નીસરી;
રમવા નીસરી, ઉર ચાંદો ધરી રે -આજ૦

આજ સૂરજનો તાપ, સળગન્તી રમવા નીસરી;
રમવા નીસરી, ઝગમગ ઓઢણી રે -આજ૦

આજ કરતી અંઘોળ, નદીઓમાં રમવા નીસરી;
રમવા નીસરી, ભીંજવે ચૂંદડી રે -આજ૦

આજ આવળને ફુલ પથ ભૂલી રમવા નીસરી;
રમવા નીસરી, પીળુડી પાંભરી રે -આજ૦

આજ કાંટાની વાડ્ય, વીંધાતી રમવા નીસરી;
રમવા નીસરી, નવલી વેલડી રે -આજ૦

આજ પંખીને માળ, હીંચન્તી રમવા નીસરી;
રમવા નીસરી, સુણતી બંસરી રે -આજ૦

આજ કૂંપળને પાન, પગ દેતી રમવા નીસરી;
રમવા નીસરી, કુમકુમ પાથરી રે -આજ૦

આજ મેંદીને છોડ, મલકંતી રમવા નીસરી;
રમવા નીસરી, નખલા રંગતી રે -આજ૦

આજ સોળે શણગાર, શોભંતી રમવા નીસરી;
રમવા નીસરી, સુખભર સુંદરી રે -આજ૦

આજ વનદેવી નાર, નવખંડે રમવા નીસરી;
રમવા નીસરી, વિભુની ઈશ્વરી રે -આજ૦