વેરાનમાં/એ સલ્તનને ઉખેડનાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એ સલ્તનને ઉખેડનાર

હબસી ગીતોના ગાન વાટે, રંગભૂમિ અને ચિત્રપટના અભિનય વાટે, લેખિની અને જબાનના જોરથી, તેમજ રમત ગમતોના વીરત્વ વડે જગતના કાનમાં હબસી સંસ્કારની દર્દભીની અસ્મિતાનો અવાજ ફૂંકનાર કલાકાર પોલ રોબ્સન લન્ડન ખાતેના રંગીન રાષ્ટ્રસંઘ સમક્ષ દિલની વેદના ઠાલવીને વિલાયતનો કિનારો છોડે છે. ઇંગ્લાન્ડનાં કિનારાને હું તુરતમાં જ સલામ કરીશ. હીનતાની સતત લટકતી તલવાર નીચે જીવનભર જીવવા હું ના પાડું છું. હું ત્યાં જવા તલસું છું, જ્યાં એક સામાન્ય હબસી તરીકે-કાળા આફ્રીવાસી તરીકે મારાથી જીવી શકાય. દિવસે દિવસ અને કલાકે કલાક ‘શ્રી પોલ રોબ્સન’ એવા ચમકતા નામનો ઝરિયાની ઝભો પહેરીને મારે જ્યાં રહેવું પડે, ત્યાં ઊભા રહેવાનું હવે મને મન નથી. મારું સાચું ધામ તો આફ્રીકા છે. મારો હબસીને એ માતૃ-ખોળો છે. હું કાળો કદરૂપો પણ એ ભૂમિનો પુત્ર છું. મને મારી વતન-ભોમ બોલાવે છે. મારું શરીર ગમે ત્યાં હો, મારો આત્મા ત્યાં જ ભમે છે. જગતભરના મારા પરિભ્રમણમાંથી હબસી તરીક મને ધણું ઘણું જાણવાનું મળ્યું છે. મારી સામે ઊભેલી મોટી સમસ્યા તો એ છે કે જગતના તમામ પટ પરથી મારા હબસી બાંધવો બસ હબસી હોવાની જ ના પાડે છે. અમારા કેટલાંકોને તો આફ્રીકાવાસી ગણાવાની પણ ઈચ્છા નથી. મને પોતાને તો હબસી તરીકેની તલમાત્ર હીનતા નથી ખટકતી. આપણને ઊતરતી રીતે મુલવનારાઓનાં મૂલ્યાંકન આપણે સ્વીકારીએ શા માટે? પણ ગોરી ચામડીવાળાએ હબસીને એટલા કાળથી ને એટલા જોરશોરથી હીન હીન કહ્યા કર્યો છે, કે હબસીએ પણ એ હીનત્વ સ્વીકારી લીધું. આમ શા માટે? અમે જાણીએ છીએ કે અમારામાં બુદ્ધિ છે. હરહંમેશ અમે જગતને અમારી એ બુદ્ધિનો પરિચય આપીએ છીએ. શા માટે અમારે અમારું ચડિયાતું મૂલ્ય ન મૂલવી લેવું? મને તો મારા માર્ગમાં મારું હબસીપણું ક્યાંય નથી નડ્યું. મેં તો સહુનાં માથાં ભાંગીને મારી પ્રગતિ કરી છે. રૂકાવટને મેં મારે રસ્તેથી ઉખાડી નાખી છે. પરંતુ એ તો મારો વ્યકિતગત વિજય. એને હું શું કરું? હું જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં મારો સગો બાપ કે ભાઈ પણ જો ન આવી શકે, મને જે સમાજ ખમા ખમા કહી સત્કારે છે તેની અંદર મારા જાતભાઈઓ જો ન પ્રવેશી શકે, તો એ સુકીર્તિ, એ સમાજપ્રતિષ્ઠા, એ સમાજનું જીવન મારે ન ખપે.

હું જાઉ છું.