વેળા વેળાની છાંયડી/૨૭. ગમે ત્યાંથી ગોતી કાઢો !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭. ગમે ત્યાંથી ગોતી કાઢો !

પધારો, પરભુલાલ શેઠ, પધારો !’

⁠પોતાની ઓરડીને ઓટલે બેઠાં બેઠાં કીલાએ નરોત્તમને આવતો જોયો કે તુરત એને આવકાર આપવા લાગ્યો.

⁠‘એ… આવો, આવો શેઠિયા, પધારો !’ કહીને કીલો ઓરડીમાં ગયો ને ડામચિયેથી હીરાકણીની ખોળવાળું ગોદડું લઈને ભોંય ઉ૫૨ પાથર્યું. ફરી એણે બોલતાં મોઢું ભરાઈ જાય એવો આવકાર આપ્યો, ‘બિરાજો, બિરાજો, ૫રભુલાલ શેઠ !’

⁠નરોત્તમ પહેલવહેલું સ્વાગત-વચન સાંભળીને જ મનમાં હસી રહ્યો હતો. એ હવે તો ખડખડાટ હસી પડ્યો. બોલ્યો:

⁠‘કીલાભાઈ, આ ગરીબ માણસની ઠેકડી શું કામે કરો છો ?’

⁠‘એલા, મશ્કરી મરી ગઈ છે તે ઠેકડી કરું ?’

⁠‘પણ મારી મશ્કરી, કીલાભાઈ ? તમારા ‘મોટા’ની મશ્કરી ?’

⁠‘હવે તને મોટો કહીને ન બોલાવાય,’ કીલાએ કહ્યું.

⁠‘મોટામાંથી તમે ૫૨ભુલાલ તો કર્યું. પણ હવે પાછું પરભુલાલ શેઠ કહો છો ત્યારે તો મારે શ૨માવું પડે છે—’

⁠‘શેઠ ન કહું તો અપમાન થાય—’

⁠‘કેવી વાત કરો છો, કીલાભાઈ ! હું તો તમારા દીકરા જેવો ગણાઉં,’ નરોત્તમ બોલ્યો. ‘મારે વળી માન શું ને અપમાન શું ?’

⁠‘તારાં માન-અપમાનની આમાં વાત નથી, મોટા ! આ તો મંચેરશા ડમરીનાં માન-અપમાનની વાત છે,’ કહીને કીલાએ ઉમેર્યું, ‘તને પરભુલાલ શેઠ ન કહું તો મંચેરશાની પેઢીની આબરૂ જાય. મોટાં બેસણાંનો મોભો તો જાળવવો જોઈએ ને, મોટા !’

⁠‘પણ તમે ઊઠીને શેઠ શેઠ કરો છો ત્યારે તો મુંઝાઈ મરું છું.’

⁠‘એલા, તું તો હજી સાવ અણસમજુ જ રહ્યો ! આટલા દી આ કીલા જેવા કીલાનું પડખું સેવ્યું તોય તારામાં દુનિયાદારીની સમજ ન આવી ! મેં તને નહીં નહીં તોય હજાર વાર કીધું હશે કે ગરથ વિનાનો ગાંગલો ને ગરથે ગાંગજીભાઈ… આદિકાળથી આમ જ હાલતું આવ્યું છે. નાણાં વિનાના નર નિમાણા. આ કીલો પોતે કાલ સવારે પાંચ પૈસાનો પરચો બતાવે તો કીલાચંદ થઈ પડે ને મોટા ચમરબંધી પણ ભાઈ ભાઈ કરવા માંડે. સમજ્યા ને પરભુલાલ શેઠ ?’

⁠‘જુવો, વળી પાછો મને શેઠ કીધો ને !’

⁠‘એલા અડબંગ, દુનિયામાં માણસ શેઠાઈ મેળવવા મોટાં ફાંફાં મારે છે, તને શેઠાઈ સામે પગલે હાલીને આવી છે, એ તને ગમતી નથી ?’

⁠‘મેં તો તમારી જેમ બહુ શેઠાઈ જોઈ છે. જાણી છે, ભોગવી છે. આપણને એની કાંઈ નવી નવાઈ થોડી છે ?’

⁠‘એટલે તો હું સાચા માણસ સિવાય કોઈને શેઠ કહીને નથી બોલાવતો. મોટા માંધાતાનીય ઓશિયાળ નથી કરતો. સામો માણસ મરની લખપતિ હોય; એ એના ઘરનો. એ લખપતિ હોય તો કીલાનો મિજાજ કરોડપતિનો છે, એ તને નહીં ખબર હોય ?’

⁠‘ખબર છે, સારી પટ ખબર છે,‘ નરોત્તમે ટકોર કરી.

⁠‘તો ઠીક !’ કીલો બોલ્યો, ‘મેં પોતે શેઠાઈ છોડ્યા પછી આજ લગીમાં, ફક્ત બે જણાને શેઠ કહીને બોલાવ્યા છે —’

⁠‘કોને કોને ?’

⁠‘એક તો મંચેરશા ડમરીને… એનામાં મને સાચી અમીરાત દેખાણી—’

⁠‘ને બીજું કોણ ?’

⁠‘રાજમાન રાજેશ્રી સર્વ શુભોપમા લાયક શ્રી પાંચ પરભુલાલ શેઠ !’

⁠‘એ વળી કોણ ?’

⁠‘એને ઓળખતાં હજી તને વાર લાગશે. એનું સાચું નામ તો નરોત્તમ શેઠ છે. મૂળ રહીશ તો વાઘણિયાના, પણ હવે મંચેરશાની પેઢીની ગાદી બેઠા છે. પણ એની ઓળખ થતાં હજી તને વાર લાગશે મોટા ! આ નવા શેઠનું નામ જીભે ચઢતાં હજી વાર લાગશે—’

⁠કીલો શક્ય તેટલું ગાંભીર્ય જાળવીને ઠાવકે મોઢે આટલાં વાક્યો બોલી તો ગયો, પણ એ ગાંભીર્ય બહુ ટકી શક્યું નહીં, તુરત એ નાના બાળક જેવું નિર્દોષ મુક્ત હાસ્ય વેરી રહ્યો.

⁠નરોત્તમનું હૃદય આ વડીલના પ્રેમાળ હાસ્ય વડે પ્લાવિત બની ગયું. આ પ્રેમનો ઉત્તર એ હદયની મૂક વંદના વડે જ આપી રહ્યો.

⁠ગાંભીર્ય ધારણ કર્યાં પછી કીલાએ પહેલો જ પ્રશ્ન પૂછ્યો: ‘કેમ છે વેપારપાણી ?’

⁠‘સારાં.’

⁠‘વછિયાતી કામકાજ ?’

⁠‘મોટા ભાઈએ ઉપાડી લીધું છે.’

⁠બહુ મઝાનું. વછિયાતી કામકાજમાં આવું વિશ્વાસુ માણસ મંચેરશાને બીજું કોઈ ન જડત. બીજા, એક તો બમણી હકશી ચડાવે ને માથેથી વળી નફાનો ગાળો કાઢી લિયે. આ મનસુખભાઈવાળી વિલાયતી પેઢી એમાં જ ઊંચી નથી આવતી ને !’

⁠‘આપણે તો આ મોસમમાં બહુ માફકસર ભાવે ને મોટું કામકાજ થાશે,’ નરોત્તમે કહ્યું, ‘મોટા ભાઈએ બધા જ દરબારના વજેભાગ લઈ લીધા છે… બીજાઓનાં કરતાં ટકાફેર ભાવ આપવો પડશે, ને મોટા ભાઈની હકશી ચડશે તોય વિલાયતી પેઢી કરતાં આપણને વિલાયતી માલ સસ્તો પડશે—’

⁠‘વાહ, બહાદર, વાહ !’

⁠‘ઓણ સાલ વરસ સોળ આની ઊતર્યું છે. પણ આપણી પેઢીને વીસ આની પાકશે.’

⁠‘રંગ, બહાદર, રંગ !’ નરોત્તમને શાબાશી આપીને કીલાએ ઉમેર્યું. ‘આવી ઉપરાઉપર પાંચ મોસમ સારી જાશે તો મનસુખભાઈ પેઢીનું ઉઠમણું થઈ જાશે–’

⁠‘એટલું બધું તે હોય !’

⁠‘અરે, આ ભવિષ્યવાણી ખોટી પડે તો આ કીલો મૂછ મૂંડાવી નાખે !’

⁠‘વિલાયતી પેઢીની વાત થાય ? એની પાસે આપણી ગુંજાશ શી ?’ નરોત્તમે કહ્યું.

⁠‘પેઢી ભલેને વિલાયતી હોય ! અનુભવ વિના વેપલો થોડો થાય છે ? એના મુનીમ મનસુખલાલને ગજના આંકાનું તો ભાન નથી.’ કીલાએ કહ્યું, ‘આ તો બજારમાં કોઈ હરીફ નહોતો એટલે લાકડાની તલવારે લડ્યા કરતા હતા. હવે એને ખબર પડશે કે કેટલી વીશીએ સો થાય છે.

⁠આ આત્મશ્રદ્ધાભર્યો વાણીપ્રવાહ સાંભળીને નરોત્તમ વિસ્ફારિત આંખે કીલા તરફ તાકી રહ્યો ત્યારે કીલાએ કહ્યું:

⁠‘આમ ડોળા શું ફાડી રહ્યો છો ? વિશ્વાસ ન બેસે લખી લે ચોપડામાં… અક્ષરેઅક્ષર લખી લે. ને એમાં જ પડે તો આ કીલો મૂછ મૂંડાવી નાખે મૂછ સમજ્યો ને ?’

⁠વારંવાર મૂછ મૂંડાવી નાખવાની વાત સાંભળીને નરોત્તમ ને મનમાં હસી રહ્યો હતો. એની ઉપહાસભરી મુખમુદ્રા જોઈને કીલાએ વળી સંભળાવ્યું:

⁠‘મારી વાત હજી તને ગળે ઊતરી લાગતી નથી ! પણ મોટા, તારા ગ્રહ હમણાં ચડિયાતા લાગે છે ?’

⁠‘મારા ગ્રહ તમને ચડિયાતા લાગે છે ?’ નરોત્તમે મજાકમાં પૂછ્યું: ‘તમે જોષ જાણો છો ?’

⁠‘એમાં જોષ વળી શું જોવાના ? આ કીલો તો સંધુયે નજરે જોઈને આવ્યો છે.’

⁠‘શું ? નજરે શું જોયું વળી ?’

⁠‘શું જોયું એ હમણાં નહીં કહું. તને એની મેળે ખબર પડશે.’

⁠‘ટીપણું જોઈ આવ્યા છો કે શું ?’ નરોત્તમે પૂછ્યું.

⁠‘ટીપણાં જુવે જોષી મહારાજ. આ કીલો ટીપણાંબીપણાંને ગણકારે નહીં. હું તો ભવિષ્યની વાત નજરે જોઈ આવ્યો છું — જેમાં મીનમેખ ન થાય એવી વાત —’

⁠કીલો મભમ વાતો કરી કરીને ઇરાદાપૂર્વક નરોત્તમની જિજ્ઞાસા ઉશ્કેરતો જતો હતો.

⁠કુતૂહલ રોકી ન શકાયું ત્યારે નરોત્તમે પૂછ્યું: ‘તમે ક્યાં જઈ આવ્યા છો ?’

⁠‘મનસુખભાઈને ઘેર, કીલાએ ટૂંકો જવાબ આપ્યો.

⁠‘મનસુખભાઈને ઘેર ?’ નરોત્તમ ચોંકી ઊઠ્યો.

⁠‘હા, કેમ ભલા કાંઈ નવાઈ લાગે છે ? આ કીલો તો ગામ આખાનો ઉંદર. મોટા મોટા મહાજનને ઘેરેય હું તો પહોંચી જાઉં. મનસુખભાઈ વળી કઈ વાડીનો મૂળો ?’

⁠‘પણ એને ઘેર તમે ગ્યા’તા શું કામ ?’

⁠‘શું કામે ? આ કીલાને વળી કોઈને ઘેરે જાવામાં કામનું બહાનું જોઈએ ? હું તો મારી ગગીની ખબર કાઢવા ગ્યો’તો—’

⁠‘કોની ?’

⁠‘મનસુખભાઈની વહુની… ધીરજની.’ કીલાએ કહ્યું, ‘ધી૨જ મારે છેટી સગાઈએ દીકરી થાય, સમજ્યો ?’

⁠આટલા લાંબા સહવાસને પરિણામે નરોત્તમને સમજતાં વાર ન લાગી કે કલાભાઈએ આ સગાઈ-સગપણની વાત આખી ઉપજાવી કાઢી છે.

⁠‘કેમ અલ્યા, મૂછમાં હસે છે?’ કીલાએ મીઠા રોષથી પૂછ્યું, ‘હું શું ખોટું બોલું છું?’

⁠‘ના, ના. ખોટું બોલો છો એમ મેં ક્યાં કીધું?’

⁠‘તો પછી? આમ મારી સામે ડોળા શું કામે ફાડી રહ્યા છો?’ કીલાએ પૂછ્યું.

⁠નરોત્તમ મૂંગો રહ્યો.

⁠‘કાં એલા મૂંગો થઈ ગયો? મોઢામાં મગ ભર્યા છે? બોલતો કાં નથી?’

⁠‘શું બોલું?’

⁠‘કાંઈ પૂછતો કાં નથી?’

⁠‘શું પૂછું?’

⁠હવે કીલો હસી પડ્યો. બોલ્યો:

⁠‘એલા, તારે શું પૂછવું છે એ શું હું નથી જાણતો? આ કીલાને કાચી માયા ન સમજતો. હા, મેં મલક આખાને પગ નીચેથી કાઢી નાખ્યો છે. તારે શું પૂછવું છે એ હું ન જાણું એવો કીકલો છું?’

⁠‘જાણો છો તો પછી કહી જ દો ને, મારે પૂછવું છે એ!’

⁠‘તારે ચંપાની વાત પૂછવી છે, બોલ, સાચું કે ખોટું? ચંપા શું કરે છે, એનું શું થયું, એ સમાચાર જાણવા છે, બરોબર?’

⁠નરોત્તમે શરમાઈ જઈને નકારમાં માથું ધુણાવ્યું.

⁠‘એલા, મનમાં ભાવે છે ને પાછો મૂંડો હલાવે છે?‘

⁠કીલાએ ફરી મીઠો રોષ ઠાલવવા માંડ્યો: ‘મને ઊઠાં ભણાવવા નીકળ્યો છે? મને? આ કીલાને? આ કાંગસીવાળાનો ગુરુ થાવા નીકળ્યો છે?’

⁠‘તમને તો કોણ ઊઠાં ભણાવી શકે?’ નરોત્તમે અહોભાવથી કહ્યું, ‘તમે તો ભલભલાને ભૂ કરીને પી જાવ એવા છો. તમારા ગુરુ થાવાનું તો આ દુનિયામાં કોનું ગજું છે ?’

⁠‘તો ઠીક !’ પોતાની શક્તિનો સ્વીકાર થતાં કીલાએ આત્મસંતોષ અનુભવ્યો. ‘તારા મનની વાત મેં કેવી રીતે જાણી લીધી ?’

⁠‘જાણી જ લીધી છે તો, હવે વધુ જણાવો ! મારે જે પૂછવું છે, એનો વગર પૂછ્યે જ જવાબ આપો–’

⁠‘હું જવાબ આપું ? મરી જાઉં તોય જવાબ ન આપું !’ ફરી કીલાનું મગજ ફટક્યું.

⁠‘મારો કાંઈ વાંકગુનો થઈ ગયો છે ?’ નરોત્તમે હસતાં હસતાં પૂછ્યું.

⁠‘વાંકગુનો ? મારો ગુરુ થાવા ગયો એ જ તારો વાંક. બીજું શું વળી ?’

⁠‘તો એની માફી માગી લઉં’ નરોત્તમે અર્ધગંભીર અવાજે સૂચન કર્યું.

⁠‘આ કીલા પાસે માફી કેવી ને બાફી કેવી વળી ?’

⁠કીલાની આવી પ્રેમાળ, ક્રૂરતાનો નરોત્તમને આ અગાઉ ઠીક ઠીક અનુભવ થઈ ચૂક્યો હોવાથી એને ખાતરી હતી કે થોડીક પજવણીને અંતે એનું ગાડું પાછું પાટા ઉપર આવશે જ. પણ વાતચીત મૂળ પાટે ચડે એ પહેલાં તો બહારથી કોઈકનો અવાજ કાને પડ્યો:

⁠‘સ્ટેશનવાળા કીલાભાઈ ક્યાં રહે છે ?’

⁠સાંભળીને કીલાના કાન ચમક્યા.

⁠‘આ… પણે—ઊંચા ઓટલાવાળી ઓરડીમાં—’

⁠કોઈ પડોશીએ પૃચ્છકને માર્ગદર્શન કરાવ્યું એ સાંભળીને ખુદ કીલો બહાર ઓટલા ઉપર આવ્યો ને મોટેથી બોલી ઊઠ્યો:

⁠‘ઓહોહો ! આવો, આવો. મનસુખભાઈ, આવો !’

⁠નરોત્તમ તો આ નામ સાંભળીને જ ચોંકી ઉઠ્યો હતો. એ આ આગંતુકને ઉંબરામાં જોઈને ડઘાઈ ગયો.

⁠‘પરભુલાલ શેઠ, આ મહેમાનને બેસવા જેટલી જગ્યા કરો જરાક.’ નરોત્તમની બાજુમાં જોડાજોડ આ મહેમાનને બેસાડતાં બેસાડતાં કીલો બોલી રહ્યો: ‘આ કીલાની ઓરડીમાં તો મઢી સાંકડી ને બાવા ઝાઝા જેવું છે, મનસુખભાઈ !’

⁠આગંતુકને આ રીતે ‘બાવા’માં ખપાવી નાખીને કીલાએ ઔપચારિક ઢબે કહ્યું: ‘આજ તો આ ગરીબ કીલાનું આંગણું પાવન કર્યું કાંઈ.!’

⁠‘હું તો તમને સ્ટેશન ઉપર ગોતવા ગ્યો’તો. પણ ક્યાંય જડ્યા નહીં પછી ઓલ્યા ફકીરે કીધું કે કીલાભાઈ તો ઓરડીએ ગ્યા છે—’

⁠‘ફકીર મારો સાચો ભાઈબંધ છે—’

⁠‘એણે ઠેકાણે ચીંધ્યું એટલે ગોતતો ગોતતો અહીં આવી પૂગ્યો—’

⁠‘ભલે આવ્યા, ભલે આવ્યા. અમ જેવા રાંક માણસને ઉંબરે તમારા જેવા મહાજનનાં પગલાં ક્યાંથી !’ કીલાએ મોઢેથી લાપસી પીરસવા માંડી.

⁠‘હમણાં તો ઘણાય દિવસથી તમને જોયા નહોતા, ને આજે વૅગન નોંધાવવા સ્ટેશન ઉપર ગ્યો’તો એટલે તમારી તપાસ કરી, પણ તમે અહીં ઓરડીએ આવી પૂગ્યા’તા—’

⁠‘શું કરું, ભાઈ ? મારે તો હાથે રોટલા ઢીબવાના, એટલે વહેલું આવવું પડે—’

⁠‘અરે નસીબદાર છો, નસીબદાર, કીલાભાઈ !’

⁠‘આ હથૂકાં ઢીબવાનાં, એટલે નસીબદાર ગણો છો ?’

⁠‘હા, વળી, અમારા અનુભવ ઉપરથી કહું છું. આ અમારે ઢીબનારી છે, પણ રોટલા ભેગા અમનેય ઢીબી નાખે છે.’ પોતાનો સ્વભાવ આટલી નિખાલસતાથી રજૂ કરી દીધા પછી ખ્યાલ આવ્યો કે આ ઓરડીમાં કીલા ઉપરાંત બીજી પણ એક અજાણી વ્યક્તિની હાજરી છે. તરત એમણે આત્મકથા આગળ અટકાવીને કહ્યું: ‘આ શેઠની ઓળખાણ પડી નહીં, કીલાભાઈ !’

⁠‘ન ઓળખાયા ? આ પરભુલાલ શેઠ !’

⁠મનસુખલાલ ઝીણી નજરે નરોત્તમ તરફ તાકી રહ્યા.

⁠કીલાએ નરોત્તમની વધારે ઓળખ આપી: ‘મંચેરશાની પેઢીમાં ભાગીદાર છે.’

⁠‘ઓહોહો ! પરભુલાલ શેઠ !’ મનસુખલાલ ઉમળકાભેર નરોત્તમને ભેટી પડ્યા, ‘તમારું નામ તો સાંભળ્યું હતું. આજે અહીં મળી ગયા તેથી બહુ આનંદ થયો—’

⁠‘મેં પણ આપનું નામ તો બહુ સાંભળેલું.’ નરોત્તમે મનસુખભાઈની આખી ઉક્તિનું પુનરુચ્ચારણ કર્યું. ‘આજે અહીં મળી ગયા તેથી બહુ આનંદ થયો—’

⁠કીલો આ બંને મુલાકાતીઓને મૂંગો મૂંગો અવલોકી રહ્યો.

⁠‘તમે તો આ મોસમમાં બહુ માલ સંઘરવા માંડ્યો છે, પરભુલાલ શેઠ !’ મનસુખભાઈ બોલ્યા.

⁠‘અમારા ગજાના પ્રમાણમાં કામ કરીએ છીએ. તમારી વિલાયતી પેઢીની તોલે તો તો અમે ક્યાંથી આવીએ !’ નરોત્તમે કહ્યું.

⁠કીલાએ એમાં સૂર પુરાવ્યો: ‘આ તો પેઢીય નવી છે, ને પરભુલાલ શેઠ પણ નવાસવા છે. છોકરાએ છાશ પીવા જેવું કર્યું છે, પણ ધીમે ધીમે શીખશે.’

⁠‘એ તો કામ કામને શીખવે,’ મનસુખભાઈએ મુરબ્બીવટથી ટાહ્યલું ઉચ્ચાર્યું.

⁠નરોત્તમ અને કીલો એકબીજા સામે આંખ માંડીને મૂંગી ગોષ્ઠી કરી રહ્યા. નરોત્તમ જાણે ફરિયાદ કરતો હતો: ‘હું તો અહીં ભેખડે ભરાઈ ગયો.’ કીલો જાણે કે જવાબ આપતો હતો: ‘જોયા કર મોટા, મૂંગો મૂંગો જોયા કર.’

⁠આવું મૌન મનસુખભાઈને કદાચ અપમાનજનક લાગશે એવો ખ્યાલ આવતાં આખરે કીલાએ બોલવાની શરૂઆત કરી:

⁠‘શું હુકમ છે મનસુખભાઈ ! ફરમાવો !’

⁠‘તમારા જેવા હાકેમને હું તે શું હુકમ ફરમાવવાનો હતો !’

⁠‘તોપણ મારા જેવું કાંઈ કામકાજ ?’

⁠‘કામકાજ ખાસ તો કાંઈ નહીં, પણ…’

⁠‘ખાસ ન હોય એવી કંઈ કામસેવા ?’

⁠‘કામસેવામાં બીજું તો કઈ નહીં, પણ… પણ…’

⁠‘બોલો બોલો !’

⁠‘આ ઓલી ફેરે હું સ્ટેશને ઊતર્યો. ને સામાન ઉપાડવા તમે ઉપડામણિયો કરી દીધો’તો ને—’

⁠‘હા, હા. તે માણસ કંઈ ચોરીચપાટી કરીને ભાગી ગયો કે શું ?’

⁠‘ના રે ના. ચોરીચપાટી તો બિચારો શું કરે ? ઊલટાનું એણે સામેથી—’

⁠‘શું ? શું ? મજૂરીના વધુ પડતા પૈસા માગ્યા કે શું ?’ કીલાએ પૂછ્યું, ‘કે પછી કાંઈ અટકચાળો કર્યો ?’

⁠‘ના રે ના. બિચારો બહુ ભલો માણસ હતો,’ મનસુખભાઈએ ગળું ખૂંખારીને કહ્યું: ‘વાત જાણે એમ થઈ કે મજુરી ચૂકવીને મેં પાકિટ ખિસ્સામાં મૂક્યું ને ઘરમાં ગયો. પણ પાકીટ ખિસ્સામાં ઉતરવાને બદલે સોંસરું નીચે પડી ગયું.’

⁠‘અરેરે ! પછી ! ઓલ્યો માણસ ઉપાડીને હાલતો થઈ ગયો કે શું ?’

⁠‘એણે ઉપાડી તો લીધું પણ તરત ડેલીની સાંકળ ખખડાવી મને બોલાવ્યો ને આખુંય પાકીટ અકબંધ સોંપી દીધું—’

⁠‘હા… …પછી ?’

⁠‘પછી શું ? પછી હું તો ઘરમાં ગયો ને સહુને વાત કરી. મારી ભાણી ચંપાએ મને બહુ ઠપકો આપ્યો.’

⁠‘કેમ ભલા ?’

⁠‘કોણ જાણે ભાઈ ! પણ મને મહેણાં મારવા માંડી કે આખું પાકીટ પાછું સોંપી દેનાર માણસને પાંચ પૈસા આપીને રાજી પણ ન કર્યો ?’

⁠‘લ્યો, સાંભળો સમાચાર !’ કીલો હસી પડ્યો, ‘મનસુખભાઈ, બાઈ માણસની બુદ્ધિ પાનીએ, એમ કીધું છે એ વાત સાવ ખોટી નથી. સાડલા પહેરનારીને દુનિયાના વ્યવહારની શું ખબર પડે ?’

⁠‘પણ કીલાભાઈ, હું તો એનાં રોજ રોજ મહેણાં સાંભળીને ગળા લગી આવી રહ્યો છું. હવે તો મારે ઘરમાંથી રોજ સાંભળવું પડે છે કે ઓલ્યા મજૂરને ગોતીને એને બક્ષિસ આપો ને આપો જ !’

⁠‘હા, આ તો ભારે થઈ ગઈ !’ કીલો બોલ્યો.

⁠‘એટલે હું તો નીકળ્યો સ્ટેશન તરફ. મનમાં કીધું કે એ માણસ કીલાભાઈનો ઓળખીતો હશે.’

⁠‘ના ભાઈ, ના. મારે ને એને બહુ ઝાઝી ઓળખાણ જ નહોતી. સ્ટેશન ઉપર નવરો પડ્યો પડ્યો કામ માગતો’તો, એટલે મેં એને કામ ચીંધ્યું ને તમારી ભેગો મોકલ્યો–’

⁠‘હજી પણ એ છે તો સ્ટેશન ઉપર જ ને ?’ મનસુખભાઈએ પૂછ્યું.

⁠‘ના રે ના, એ એ તો બીજે-ત્રીજે દી જ ક્યાંક રવાના થઈ ગયો. કાંઈક કામધંધો જડી ગયો હશે એમ લાગે છે.’

⁠‘તમે એનું નામઠામ કાંઈ જાણતા નથી ?’

⁠‘એવા મવાલીને તે વળી નામઠામ હોતાં હશે ?’

⁠‘મારે એને આ પાંચ રૂપિયાની નોટ પહોંચાડવી છે એનું શું કરવું ?’

⁠‘મને ક્યાંક ભે ભેટો થઈ જશે તો હું એને મોકલી દઈશ તમારી પેઢી ઉપર,’ કલાએ કહ્યું.

⁠‘ના, એમ નહીં, તમને ભેટો થાય, ને એને પેઢી ઉપર મોકલો, ને એ આવે એમાં વરસ નીકળી જાય.’

⁠‘પણ બીજું તો શું થાય આપણાથી ?’ કીલાએ પૂછ્યું. ‘ઠામઠેકાણા વિનાના માણસને ગોતવોય કેમ કરીને ?’

⁠મનસુખભાઈ થોડી વાર વિચારમાં પડી ગયા. પછી ધીમે અવાજે સૂચન કર્યું: ‘એમ કરીએ…’

⁠‘શું ? ફરમાવો !’

⁠‘કે આ પાંચ રૂપિયા હમણાં તમારી પાસે જ મૂકતો જઉં. તમને એ માણસ ક્યાંક ભેગો થઈ જાય તો મારા વતી આપી દેજો.’

⁠‘અરે, હું ક્યાં આવી પારકી થાપણ સાચવું !’

⁠‘પાંચ રૂપિયામાં વળી કઈ મોટી થાપણ થઈ ગઈ !’ મનસુખભાઈએ કહ્યું.

⁠‘પણ આ કીલો રહ્યો રંગીભંગી માણસ. મારા હાથમાં પૈસા રહે કે ન રહે તો—’

⁠‘હવે રાખો, રાખો, બહુ કરી તમે તો કીલાભાઈ !’ કહીને મનસુખભાઈએ માર્મિક ટકોર કરી. ‘જાણે હું તમને ઓળખતો જ ન હોઉં.’

⁠કીલો શરમાઈ ગયો. પોતાની સાચી ઓળખાણની ધમકી આગળ એના હાથ હેઠા પડ્યા. બોલ્યો:

⁠‘ઠીક લ્યો, તમે રાજી થાવ એમ કરો.’

⁠‘રાજી તો ઓલ્યા ઉપડામણિયાને કરવાનો છે. ને તો જ અમારે ઘરમાં સહુ રાજી થાય એમ છે. તમે એને ગમે ત્યાંથી પણ ગોતી કાઢજો !—’

⁠‘ભલે. ઘરવાળાં રાજી તો ભગવાન રાજી.’

⁠‘તમે જરાક મારા વતી મહેનત કરીને એ માણસને ગોતી કાઢજો, સમજ્યા ?’

⁠‘ભલે, ભલે. આ કીલાને એમાં કહેવું ન પડે–’

⁠મનસુખલાલભાઈએ કીલાના હાથમાં રૂપિયા મૂકીને પૂછ્યું: ‘હવે રજા લઉં ?’

⁠‘ખુશીથી.’

⁠‘આવજો-આવજોની ઔપચારિક વિદાય પછી કીલો ઓરડીમાં પાછો આવ્યો ને નરોત્તમને ઉદ્દેશી પોકારી ઊઠ્યો:

⁠‘એલા મોટા, તેં તો મોટી મોંકાણ ઊભી કરી !’

⁠નરોત્તમ આ નાટક ઉપર હસતો રહ્યો ને કીલો બોલતો રહ્યો:

⁠‘એલા તું તો મજરી કરવા ગયો ને મનસુખભાઈના ઘરમાં ઉંબાડિયું ઘાલતો આવ્યો !’

⁠‘પણ એમાં હું શું કરું ?’ નરોત્તમે કહ્યું.

⁠‘તેં તો ન કરવાનું હતું એ કરી નાખ્યું.’ કીલો બોલ્યો, ‘હવે તો આ કીલો છે ને મનસુખભાઈ છે !’

⁠‘તે આ પાંચ રૂપિયા મને આપી દિયો ને !’ નરોત્તમે મજાકમાં માગણી કરી.

⁠‘એલા, રૂપિયા એમ કંઈ રેઢા પડ્યા છે તે તને આપી દઉં ?’

⁠‘તો તમે હવે શું કરશો ?’

⁠‘તું મૂંગો મૂંગો જોયા કર મોટા, કે આ કિલો હવે શું કરે છે !’ કિલાએ આખરે ગર્વોક્તિ ઉચ્ચારી: ‘તેં હજી લગી મને ઓળખ્યો નહીં. હું કોણ ? કીલો કાંગસીવાળો !’