વ્યાજનો વારસ/રસ–ભોગી અને અર્થ–ભોગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રસ–ભોગી અને અર્થ–ભોગી

નંદનને મહિના હોવાના સમાચારથી કેટલાક લોકો રાજી થયા અને કેટલાક લોકો નિરાશ થયા.

નિરાશ થનારાઓમાં મુખ્ય તો માનવંતી અને ચતરભજ હતાં. આભાશાનો દલ્લો હાથ કરવામાં નિષ્ફળ ગયેલાં આ બન્ને પરાજિતો હમણાં હમણાં એક થઈ ગયાં હતાં અને હજી પણ પેઢીમાંથી સુલેખાનો વહીવટ ઉથલાવી પાડીને પોતાનો પગદંડો જમાવવાનાં સપનાં સેવતાં હતાં. પણ નંદન સગર્ભા છે એવી જાહેરાતે એમના સપનાં પાર પડવાની શક્યતા નહિવત્ બનાવી દીધી તેથી તેઓ નિરાશ થયાં.

સ્વાભાવિક નિરાશા તો સુલેખાને થવી જોઈતી હતી, પણ એ તો આ સમાચાર સાંભળીને નાચી ઊઠી. આ અણગમતા વારસાનું પોતાને ન–છૂટકે વારસ બનવું પડ્યું હતું એમાંથી આપમેળે જ મુક્તિ મળતી હોવાથી એના આનંદનો પાર ન રહ્યો.

સુલેખાના હાથમાં વહીવટ આવ્યા પછી પેઢીની નીતિરીતિમાં એણે ફેરફાર કરાવ્યો હતો. હવે પછી નવી ધીરધારો વધારવાને બદલે જૂની ધીરધારોની પતાવટ તરફ વધારે ધ્યાન અપાતું હતું. વ્યાજના દરોમાં તો સુલેખાએ બેહદ ઘટાડો કરાવી નાખ્યો હતો અને ઘરાકોને માત્ર નામનું જ વ્યાજ ચૂકવવું પડતું. પરિણામે જીવણશા જેવા હરીક શરાફોની ઘરાકી ઉપર અસર થવા પામી તેથી જીવણશાએ આભાશાની પેઢી સાથેનું જૂનું વેર તાજું કર્યું. ​ અને લશ્કરી શેઠના વાણોતરોના હાથમાંથી વહીવટ ઝૂંટવી લેવાના ત્રાગડા રચવા માંડ્યા.

કોઈ કોઈ જાણભેદુઓ વાત કરતા કે નંદન સગર્ભા હોવાની જાહેરાત કરાવવા પાછળ અમરત ઉપરાંત જીવણશાનું ભેજું પણ કામ કરી રહ્યું છે.

વહીવટ હાથમાં લેવો પડ્યો ત્યારે તો સુલેખાનો વિચાર એવો હતો કે બહુ બહુ તો દસ વર્ષની અંદર પેઢીનાં લેણદેણ પતાવી નાખવાં અને વહીવટ સંકેલીને રિખવનું એક સુંદર સ્મારક કરવું. જે પેઢીને નામે ચતરભજ જેવા શોષકે ગરીબોનાં ગળાં લોહ્યાં હતાં એ પેઢી તરફથી વિશાળ અન્નક્ષેત્ર ખોલીને એ ‘કર્મો’નું યત્કિંચિત્ પ્રાયશ્ચિત્ત કરવું.

છેલ્લાં વર્ષો દરમિયાનની મોટામાં મોટી ધીરધારો મીંગોળાની હતી. મીંગોળા યાદ આવતાં સુલેખાને રિખવની એ ગામ તરફની અવરજવર યાદ આવી જતી. રિખવ જેને ‘સ-કલંક મયંક’ ગણતો એ એમીનું મોં યાદ આવી જતું, એમીનો ઓચિંતો ગુમ થયેલો છોકરો ગુલુ તરત યાદ આવી જતો. અને એ બધાને અંતે મીંગોળાના એ મેળામાંથી પાછાં ફરતાં થયેલું રિખવનું મૃત્યુ યાદ આવતાં સુલેખા ચોધાર આંસુએ રડી પડતી.

રિખવના મૃત્યુ પછી એમી અંગેની સઘળી વાતો આ ઘરમાં ઇરાદાપૂર્વક દાટી દેવામાં આવી હતી. કેવળ માનવતાથી પ્રેરાઈને સુલેખાએ એમીની તપાસ કરાવી હતી, પણ માત્ર એટલું જ જાણવા મળી શક્યું હતું કે એમીને તો એના સાસરિયાંએ મરણતોલ માર મારીને કાઢી મૂકી છે. પણ હાલ એ ક્યાં છે એની ચોક્કસ માહિતી સુલેખાને મળી શકી નહોતી. કોઈ કહેતું કે એણે તો ક્યારનોય વાવકૂવો પૂર્યો છે; કોઈ બાતમી લાવતું કે એને તો મવાલી લોકોએ ઉપાડી જઈને મુંબઈના વેશ્યાબજારમાં વેચી મારી છે. તો કોઈ વળી એમ પણ વાત કરી જતું કે એમીને તો એના સાસરિયાંવાળાઓ ​ કટકા કરી નાખવા માટે ગોતાગોત કરી રહ્યાં છે, પણ લાખિયારે એને કણબણનો વેશ પહેરાવીને જસપરમાં જ ક્યાંક છાને ખૂણે છુપાવી દીધી છે. એક બાતમી એવી પણ હતી કે એમી તો ઢેઢડાઓની નાતમાં ભળી ગઈ છે અને દૂરદૂરના ગામમાં શેરીઓ વાળે છે.

લાખિયાર તો અવસ્થાને આરે પહોંચી જ ગયો હતો અને એના રહેણાક ઘરમાંથી ચતરભજે એને કાઢ્યા પછી વધારે ઝડપથી શરીર ખખડી ગયું. છતાં આભાશાના ઘર સાથે પેઢી જૂનો નાતો એ છેક છોડી શક્યો ન હતો અને ક્યારેક ક્યારેક લથડિયાં ખાતો એ ડેલીએ આવી ચડતો ત્યારે સુલેખા સિફતપૂર્વક એમી અને ગુલુના સમાચાર એને પૂછતી – પ્રશ્નો ફેરવી ફેરવીને, જુદી જુદી યુક્તિઓથી પૂછતી, પણ સાગરપેટો લાખિયાર પ્રશ્નોને રોળીટાળી નાખતો અને કોઈને જરા સરખું પણ પેટ આપતો નહિ. એમ કરીને સુલેખાની ઇંતેજારી અને કુતૂહલને અનેકગણાં વધારી મૂકવાનું જ એ કામ કરતો.

વહીવટ હાથમાં આવ્યા પછી સુલેખાને લાગ્યું કે મીંગોળા ગામ પ્રત્યે આ કુટુંબનું મહાન ઋણ છે અને એ ઋણ અદા કર્યા સિવાય છૂટકો જ નથી. પેઢીએથી એકએક ચોપડા સુલેખાએ ઘેરે મંગાવવા માંડ્યા અને દરેક કળના ખાતા તપાસી તપાસીને ઉદારતાથી એની પતાવટો કરવા માંડી. પીલાયેલા દેણદારો આ ‘નાની શેઠાણી’ના વહીવટની બે મોઢે તારીફ કરવા લાગ્યા. અદેખા જીવણશાથી આ જોયું ન જતાં એણે સુલેખાના વહીવટને ‘રાણીનું રાજ’ કહીને વગોવવા માંડ્યો, છતાં સુલેખા તો વગોવણીની અવગણના કરીને આ આપદ્‌ધર્મના ઉપાધિયોગને સમાધિયોગ બનાવી રહી હતી.

તેથી જ તો, નંદનને ‘આશા છે’ એમ સાંભળીને સુલેખા આ ઉપાધિયોગમાંથી મુક્તિ મળ્યાનો આનંદ અનુભવી રહી.

અમરતે પાસો તો આબાદ નાખ્યો હતો. નંદનને મહિના હોવાની જાહેરાતે સહુની જીભ સીવી લીધી હતી. હવે કોઈને કશું ​ કહેવાપણું રહેતું નહોતું. આભાશાના મૃત્યુ વેળા નંદન સગર્ભા હોવાની સચ્ચાઈ અંગે અલબત્ત કોઈ માણસ બીતાં બીતાં શંકા ઉઠાવતાં, પણ એ મનની શંકા મનમાં જ રહી જતી અને એ વ્યક્ત કરવાની કોઈની હિંમત ન ચાલતી. અમરતનો રુઆબ અને અનાડી૫ણાં એવાં તો ભયપ્રેરક હતાં કે આવી જાતની આશંકા કરતાં પણ લોક ધ્રૂજતા.

લોકો હજી તો આ એક આશ્ચર્યમાંથી પૂરેપૂરા મુક્ત થાય એ પહેલાં તો અમરતે બીજું આશ્ચર્ય તૈયાર જ રાખ્યું હતું. વર્ષો વીતી ગયાં પછી આ ઘરમાં બીજી વખત સાકર વહેંચાણી. નંદનથી નાની બહેન ચંપા વેરે અમરતના દલુનું વેવિશાળ થયું એની જાહેરાત સાકરલહાણીથી થઈ. અને લગન પણ દિવાળી પછી તરત જ લેવાનું નક્કી થયું.

આ સમાચાર સાંભળીને પણ સુલેખા હૃદયપૂર્વક રાજી થઈ. એના દરિયાવ દિલમાં કશી શકા–કુશંકા થવાની શક્યતા જ નહોતી. એ તો હમણાં હમણાં શિલ્પ અને ચિત્રકળાના અધ્યયનમાં મસ્ત રહેવા લાગી હતી. ઉગ્ર ઇન્દ્રિયદમન દ્વારા મનોવિકારોના કરેલા ઉર્ધ્વીકરણનો મસ્ત નિજાનંદ એ અનુભવી રહી હતી.

અનેક વખત રિખવનાં સ્મરણો સુલેખાને સતાવ્યા કરતાં. એમાંય લગ્ન પૂર્વેનો કેસરીયાજી પરનો એ મિલન–પ્રસંગ તો સુલેખાની સ્મૃતિમાંથી કેમે કર્યો ખસતો નહોતો. ઓછામાં પૂરું હમણાં લાખિયાર વાળા મકાનની પછવાડેના ઉજ્જડ ખરાબામાં કેસૂડાનું એક ઝુંડ ઊગી નીકળ્યું હતું તે બારીમાંથી સુલેખા જોતી કે તરત એને કેસરીયાજી પરથી ખેરગામની દિશામાં જોયેલાં કેસુડાનાં વન યાદ આવી જતાં અને રિખવની મૂર્તિ નજર સામે આવીને ખડી થતી. તરત સુલેખાને એ ખરાબામાં ઉગેલાં કેસુડાનાં ઝુંડ ઉપર ચીડ ચડતી અને અનાયાસે જ, બાળપણમાં પિતૃગૃહે પઢેલ પ્રાચીન ગૂર્જર કાવ્યની પંક્તિઓ ઓઠે આવી જતી : ​

કેસુ કલિ અતિ વાંકુડી,
આંકુડી મયણચી જાણી :
વિરહિણીનાં ઈણ કાલિજ,
કાલિજ કાઢ ઈ તાણિ.

સુલેખા કાવ્યાનંદની પરાકોટિ અનુભવતાં ડોલી ઊઠતી. રિખવની મનોમૂર્તિ વધારે તાદૃશ બનતી. વિચારતી : આ એ જ પ્રાચીન ગૂર્જર કાવ્ય, જેમાંથી રિખવે ‘સકલંક મયંક’ની ઉપમા ઉપાડી હતી. શી એની મર્મગ્રાહક રસિકતા ! શાસ્ત્રી માધવાનંદજી પાસે બેસીને, કરેલો કાવ્યસસૃષ્ટિનો ૨સાનુભવ ! એમાં માત્ર વિલાસિતાએ મળીને એની રસિકતાને વિકૃત ન કરી હતી તો કેવું સારું થાત ! સૌન્દર્યનો એ આજીવન ઉપાસક એક સ્થૂળ સૌન્દર્ય પાછળ ઘેલો બન્યો અને એ ઘેલછાની કિંમત પોતાની જિંદગી વડે ચૂકવી ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ની સાધના આડે આવા પાર્થિવ પ્રલોભને વિઘ્ન ઊભાં ન કર્યા હોત તો ! રસનો ભોક્તા રસાનુભવ કરતો કરતો જ ખતમ થયો. રસનો ભોગી ગયો અને પાછળ આ સહુ અર્થનાં ભોગી રહ્યાં – અર્થ વહેંચણી માટે અંદરોઅંદર ઝઘડતા અને એકબીજાનાં કાસળ કાઢતાં. વિફળ જીવનનાં એ કલેવરોથી બીજું થઈ પણ શું શકે ?

આવી આવી સ્મૃતિઓ વચ્ચે રિખવ માટે પોતે યોજેલી પંક્તિ ‘કાંતિ લાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્‌’નું સુલેખાના માનસમાં રટણ ચાલ્યા કરતું; અને એ સામગ્રીને મૂર્ત કરતાં પેલાં ભોગાસનોનાં શિલ્પ પણ અનાયાસે જ યાદ આવી જતાં. બાળપણમાં પિતાશ્રી સાથે પરિભ્રમણમાં નીરખેલાં એલોરાનાં સુરમંદિરો, મારવાડમાં રાણકપુરનાં મંદિરો, આબુ ઉપર અચલેશ્વર નજીકની મૂર્તિઓ, તારંગા પરનાં અજીતનાથના મંદિરમાંનાં ભોગાસનના શિલ્પ વગેરે શું સૂચવે છે ? ગભારાની બહારના ‘નરથર’ ઉપર રજૂ થતાં ધર્મ અર્થ, કામ અને મોક્ષના એ સંકેતશિલ્પો : ​ સહસ્ત્ર ફણાએ પૃથ્વીનો ભાર વહોરી રહેલ આદિશેષ; એની ઉપર પ્રાચીન યુગના સંગ્રામો અને યુદ્ધખેલનો, એની ઉપરનાં કામશાસ્ત્રોક્ત આસનો, નાટારંભો અને વિલાસચેષ્ટાઓ, અને એ સહુની ટોચે મહર્ષિઓ, સાધકો, અર્હંતો અને સિદ્ધોની પ્રતિમાઓ – આ બધી શિલ્પસમૃદ્ધિ શું સૂચવે છે ? જીવનના ચારેય પ્રમુખ પુરુષાર્થોની અભિવંદના. સમસ્ત લોકવૃત્તની ઘટનાઓનું બહુમાન. માનવજીવનનો એક પણ પુરુષાર્થ બીજા પુરુષાર્થ કરતાં ઊતરતો કે હલકો નથી. કામ પણ કબૂલ કરે છે કે હું ધર્મથી ‘અવિરુદ્ધ’ છું .धर्माऽविरुद्ध: कामोॶहम् કહીને ગીતાના ગાનારાએ એનું બહુમાન કર્યું. તો પછી રિખવનો પગ ક્યાં લપસ્યો ? કામુકતામાં ? કે વિલાસમાં ?

એથી આગળ વિચાર કરતાં સુલેખા કંપી ઊઠતી. અને ફરી પોતાના વિચારપ્રવાહને કલા અને રસાસ્વાદ ઉપર વાળવા મથતી, પણ એમાં એ એકાગ્ર નહોતી થઈ શકતી. રિખવની મનોમૂર્તિ એની નજર સામેથી ખસતી જ નહોતી. એ કયા રિખવની યાદ સતાવ્યા કરે છે ? વિલાસી અને દારૂડિયા રિખવની ? ના, ના, એ યાદ તો ઘૃણાજનક છે. આ તો એ સુંદર સવારે ચોરની જેમ ઓચિંતા આવી ચડીને મારી આંખો દાબી, પરુરવાની એ અપ્રતિમ ઉક્તિઓ ઉચ્ચારનારા અને પછી રસ અને યોગની ચર્ચાઓ કરનાર રિખવની યાદ છે. બિચારાને રસયોગી બનવું હતું. પણ એક હાડચામના દેહે વચ્ચે આવીને એની સાધનામાં અંતરાયો ઊભા કર્યા કુસંગત–પ્રેરિત સ્વચ્છંદે એ યોગીને તપોભ્રષ્ટ બનાવ્યો. મારા માનસમાં તો એ રસમૂર્તિ ‘પુરુરવા’ની ચિરંજીવી છાપ રહી છે, નહિ કે પ્રથમ મિલને જ ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિત મધુ’ કહીને મદ્યપાનની પ્યાલીઓ ખણખણાવતા વિલાસમૂર્તિ રિખવની. પહેલો રિખવ એ ખરેખરા અર્થમાં રસભોગી હતો. બીજો, સામાન્ય માટીની મૂર્તિ હતો. પહેલો ઊર્ધ્વગમન કરી રહ્યો હતો, ત્યારે બીજો અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો હતો. ​ સુલેખાએ આગળ વિચાર્યું : રિખવના આ બે ભિન્ન ભિન્ન સ્વરૂપો વચ્ચે ફરક ક્યાં પડે છે ? એણે બહુ બહુ વિચાર કર્યો પણ કશો ઉત્તર ન મળ્યો. છેવટે એની કુશાગ્ર બુદ્ધિએ અત્યંત સહેલો અને સુભગ ઉત્તર રચી કાઢ્યો : કૌમારવયમાં પોતે જેને હૃદયદાન દઈ ચૂકી હતી એ વ્યક્તિ તે રિખવ; અને જેની સાથે પોતે ચાર ફેરા ફરી, એ રિખવ શેઠ. આ રિખવ શેઠ તે બાપદાદાઓએ રહેલી અઢળક લક્ષ્મી સંપત્તિનો હકદાર, ભોગવટો કરનાર. માબાપ તરફથી જે કાંઈ પણ મળી શકે તેનો વારસદાર – વ્યાજનો તેમ જ વિકૃતિઓનો – રિખવ તો સુલેખાના પૂજન અર્ચન અને ન્યોચ્છાવરીનું પાત્ર હતું. રિખવ શેઠ એ તિરસ્કાર ઘૃણા અને સૂગનું પાત્ર બની રહ્યું.

અને છતાં સુલેખાને લાગ્યું કે કૌમારવયમાં પોતે પૂજેલા રિખવની મૂર્તિ હજીય મનોપ્રદેશમાં ઊંંડી જડ ઘાલીને પડી રહી છે. કેમે કરી એ ત્યાંથી ખસતી જ નથી. મૃત પતિની વ્યક્તિમત્તામાં શું અલ્પાંશ પણ ચિરંજીવી છે ? હા, હોય પણ ખરો કદાચ. આખા રિખવ શેઠમાંથી રસના ઉપાસક રિખવ જેટલો ટુકડો મારે માટે કદાચ ચિરંજીવી નીવડે પણ ખરો.

એ રસાત્મા રિખવના યશદેહને જરા કે મરણ પણ કશી અસર નહિ કરી શકે. સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી રહ્યું. અને એ પરમ પરિતોષ ‘સુરૂપકુમાર’ના ચિત્રમાં ઉતારવા મથી રહી. આ રસોપાસના દ્વારા જ વૈધવ્ય જીવનની વિષમતાને સહ્ય બનાવી શકાશે એમ એને લાગ્યું. છતાં ચિત્રને પરિપૂર્ણ કરવામાં હજી મુશ્કેલી પડતી હતી. રિખવના મોંની હૂબહૂ રેખાઓના આલેખન માટે અવલંબન તરીકે – ઓઠા તરીકે – એને હજી કોઈ મુખાકૃતિ નહોતી મળી શકતી. આજ દિવસ સુધીમાં અનેક મુખાકૃતિઓ સુલેખા જોઈ વળી હતી: શેરીમાં રમતાં જુદી જુદી કોમનાં અને જુદી જુદી ઉંમરનાં બાળકો, ફૂટડાં અને ફૂલ જેવાં ​ કોમળા કિશોરો, માર્ગેથી પસાર થતા રાજવંશી કુમારો; ડેલીમાં ભિક્ષાર્થે આવતા કૌપીનધારી સોહામણા સાધુઓ, ઊભી શેરીએ રોટીની ટહેલ નાખતાં નમણાં ફકીરફકરાઓ, પર્વણી મેળાઓમાં નાટારંભો કરતા દેદીપ્યમાન નટડાઓ... પણ એમાં ક્યાંય સુલેખાને અંતરમાં રમતી મનોમૂર્તિનાં દર્શન નહોતાં થયાં. કાન્તિલાવણ્ય, લેખામાધુર્ય સુન્દરમ્ એ સર્વ લક્ષણો એકીસાથે ક્યાંય જોવા નથી મળતાં. એકમાં કાન્તિ છે તો લાવણ્ય નથી. બીજામાં તો લાવણ્ય છે તો રેખામાધુર્યનો અભાવ છે. સઘળા જ સૌન્દર્ય–ગુણનો સમન્વય તો એક સપનું જ રહ્યું છે. અને એ સમન્વયનું સ્વપ્ન–હોવાપણું જ તો સુલેખાના આ રસયોગનું દ્યોતક બળ હતું.

આભાશાને ઘરને એક ખૂણે આવી રીતે જ્યારે રસયોગની સાધના થઈ રહી હતી ત્યારે બીજે ખૂણે નંદન અને અમરતે એમના અર્થયોગની સાધના આરંભી દીધી હતી.

*