શબ્દલોકના યાત્રીઓ – ૧/બચુભાઈ રાવત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બચુભાઈ રાવત

આ વિભાગમાં શ્રી બચુભાઈ રાવત વિશે લખવાનું તો ક્યારનુંય નક્કી કરેલું, એ માટે જરૂરી વિગતો મેળવવા માટે પણ મેં ભાઈ શ્રી ધીરુ પરીખને કહેલું, પણ આ લખાણ પ્રગટ થશે ત્યારે બચુભાઈ નથી એ હકીકત હૃદયમાં ખટકો મૂકી જાય છે. બચુભાઈ રાવતે આમ તો કોઈ ખાસ પુસ્તકો લખ્યાં નથી પણ ઘણા લેખકોનાં પુસ્તકોને તેમના નિરીક્ષણનો લાભ મળ્યો છે, ઘણાંનાં પુસ્તકો તેમણે સુઘડ પ્રભાવશાળી મુદ્રણમાં છાપ્યાં છે. બચુભાઈને વિવિધ વિષેયોમાં રસ, કવિતા પ્રત્યે તેમને પક્ષપાત. ૧૯૩૦માં તેમણે ‘બુધ કવિસભા’ સ્થાપી. દર બુધવારે ‘કુમાર’ કાર્યાલયમાં કવિઓ મળે, પોતે લાવ્યા હોય તે રચનાઓ વાંચે, એની પર ચર્ચા થાય, બચુભાઈને જે રચનાઓ ગમી હોય તે ‘કુમાર’માં છાપવા માટે રાખે, કેટલીક ‘કવિલોક’ માટે પણ રાખે. નવોદિત કવિઓની પ્રતિભાના બીજની બચુભાઈએ જે માવજત કરી છે તે અનન્ય કહી શકાય એવી છે. આજના આપણા મૂર્ધન્ય કવિઓ સુંદરમ્ અને ઉમાશંકર ‘બુધ કવિસભા’માં જતા. વેણીભાઈ પુરોહિત અને બાલમુકુંદ દવે પણ જતા, પ્રિયકાન્ત અને પિનાકિન ઠાકોર પણ ખરા. આજના આપણા આધુનિક કવિ લાભશંકર ઠાકર પણ થોડો સમય ગયેલા. નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહનો ‘કુમાર’ અને બચુભાઈ રાવત સાથેનો પરિચય જીવંત અને સઘન. આજે ગુજરાતીમાં કવિતા લખતા કોઈ કવિ ભાગ્યે જ બુધ કવિસભામાં ગયા સિવાય રહ્યા હશે. બચુભાઈ પોતે કવિ ન હતા (તેમણે એક કાવ્ય ‘ગુજરાત’ વિશે કરેલું, એ છપાયું પણ છે.) પણ કવિતાના મર્મજ્ઞ હતા. કવિતાકલાને પામવાની તેમની આગવી સૂઝ હતી. એનો મબલખ લાભ નવોદિતોને મળ્યો હતો. બુધ કવિસભાને ૧૯૮૦માં પચાસ વર્ષ થયાં. ગુજરાતી સાહિત્ય પરિષદે એ સંસ્થા પોતાના હસ્તક લેવાની દરખાસ્ત કરી. બચુભાઈએ એ સહર્ષ સ્વીકારી. એ અંગેના સમારંભમાં નાદુરસ્ત તબિયતે પણ પોતે હાજર રહી બુધ સભાનાં સંસ્મરણો તેમણે કહેલાં. બચુભાઈને માત્ર કવિતા-સાહિત્યમાં જ રસ ન હતો; ચિત્ર-શિલ્પ-સ્થાપત્યમાં પણ એટલો જ રસ હતો. બચુભાઈ કાવ્ય કલાવિદ હતા. ‘કુમાર’ માસિકના તંત્રી તરીકે તેમણે ગુજરાતની નવી પેઢીને ઘડી છે. સંસ્કાર ઘડવૈયા તરીકેની તેમની સેવા અવિસ્મરણીય રહેશે. દેશપરદેશનું કોઈ ચિત્ર કે શિલ્પ તેમના જોવામાં આવ્યું હોય તો એનો ફોટો ‘કુમાર’માં આવે જ. ‘કુમાર’ એ સૌનું માનીતું માસિક હતું. એમાં મૌલિક લેખો કે લેખમાળા ઉપરાંત વિવિધ ઉપયોગી માહિતી પણ તે આપતા. એક રીતે ‘કુમાર’ સ્વતંત્ર અને ડાઈજેસ્ટ ઉભય સ્વરૂપનું માસિક થઈ શકેલું. તેમણે રવિશંકર રાવળને પગલે પગલે ‘કુમાર’ની જવાબદારી સ્વીકારી અને નિષ્ઠાપૂર્વક અદા કરી. ખાસ નોંધવા જેવું તો એ છે કે ‘કુમાર’નું જાહેર ટ્રસ્ટ અને લિમિટેડ કંપની કર્યા છતાં બચુભાઈ બહુ ઓછું મહેનતાણું લેતા. મિત્રો આગ્રહ કરે ત્યારે કહેતા કે સંસ્થા આર્થિક દૃષ્ટિએ ક્યાં એટલે સધ્ધર થઈ છે? તેમની લોકસંગ્રહની ભાવના આચારમાં અનુવાદિત થઈ હતી. તે બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટીના જે મકાનમાં રહેતા એનું નામ હતું ‘નેપથ્ય.’ ઉમાશંકરે ૧૯૩૯માં પોતાનો સંગ્રહ ‘ગુલપોલાંડ’ બચુભાઈને અર્પણ કર્યો ત્યારે લખ્યું કે : ‘મનોનેપથ્યમાં જેના રંગરાગ સજ્યા અમે” બચુભાઈ જીવનભર નેપથ્યમાં જ રહ્યા છે અને છતાં અનેક લેખકોને અને સંસ્થાઓને માર્ગદર્શન આપ્યું છે. આપણા બીજ મૂર્ધન્ય કવિ શ્રી સુંદરમે એ જ વર્ષે ૧૯૩૯માં પોતાનો કાવ્યસંગ્રહ ‘વસુધા’ બચુભાઈને અર્પણ કર્યો ત્યારે લખ્યું : ‘મારી કવિતાને અને મારા પ્રથમ તથા પરમ સુહૃદને”. બચુભાઈ સૌ પહેલાં કવિતાના સુહૃદ હતા, પછી કવિના. ગુજરાતી કવિતાને અને કવિઓને તેમનાં વાત્સલ્ય અને હૂંફનો લાભ મળતો. સંસ્કૃત સાહિત્યમીમાંસકોનો પારિભાષિક શબ્દ વાપરીને કહીએ તે બચુભાઈની પ્રતિભા ‘ભાવયિત્રી’ પ્રતિભા હતી. તેમણે ભલે ગ્રંથો ન લખ્યા હોય, પણ તે મહાન પુસ્તક પ્રેમી હતા અને સુઘડ મુદ્રણવાળાં અનેક પુસ્તકો તેમણે છાપ્યાં છે. મુદ્રણ એક કલા છે અને એમાં બચુભાઈ હંમેશાં પ્રયોગશીલ રહ્યા છે. આમ શ્રી બચુભાઈ રાવત દૃષ્ટિસમ્પન્ન પત્રકાર (ગુજરાતમાં સચિત્ર પત્રકારત્વના આરંભથી તે પુસ્તકર્તા હતા.) કાવ્યકલાવિદ, સૂઝવાળા મુદ્રક અને વ્યવહારનિપૂણ સંસ્કાર–પુરુષ હતા. તેમનો જન્મ ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે એમના મૂળ વતન અમદાવાદમાં થયો હતો. પિતાનું નામ પોપટભાઈ જીવાભાઈ રાવત અને માતાનું નામ સૂરજબા. પિતા સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ રાજ્યમાં વેટરીનરી સર્જન અને પૅડોક સુપ્રિન્ટેડેન્ટ હતા. માતાપિતાના ઉચ્ચ ગુણોનો બચુભાઈને વારસો મળ્યો હતો. ગોંડલ હાઈસ્કૂલમાંથી તેમણે ૧૯૧૪માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ફર્ગ્યુસન કૉલેજ પૂનામાં અભ્યાસ કરવાની તેમની ઈચ્છા હતી પણ કૌટુમ્બિક સંજોગોને કારણે તે એમ કરી ન શક્યા અને પિતાજીની ઈચ્છા મુજબ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી સ્વીકારી લીધી. કૉલેજના ઉચ્ચ શિક્ષણની તક તેમને ન મળી; પણ બચુભાઈએ આપમેળે અભ્યાસ કરી પોતાની સજ્જતામાં વધારો કર્યો. ગોંડલની ચિત્રશાળામાં દાખલ થયા. ચિત્રકામની પરીક્ષાઓ પસાર કરી. એ ગાળામાં સ્વ. કવિ ‘વિહારી’, દેશળજી પરમાર, રવિશંકર જેવાના પરિચયમાં આવ્યા. આ સમયે મુંબઈથી પ્રગટ થતા ‘વીસમી સદી’ જેવા સચિત્ર માસિકનું તેમને આકર્ષણ રહેતું. આવું કોઈ માસિક કાઢી શકાય એનાં તે સ્વપ્ન સેવતા. આ વખતે તો તેમણે “જ્ઞાનાંજલિ” નામે હસ્તલિખિત પત્ર શરૂ કર્યું. રવિશંકર રાવળનો તેમને સહયોગ સાંપડ્યો. ભવિષ્યમાં શરૂ થનાર ‘કુમાર’નાં જાણે અહીં બીજ રોપાયાં! બચુભાઈ વિશાળ ક્ષેત્રમાં કામ કરવા ઝંખતા હતા. અને તક મળી ગઈ. સ્વામી અખંડાનંદ અમદાવાદમાં પોતાનું સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય બંધ કરવાનું વિચારતા હતા. તેમણે ગોંડલમાં કવિ ‘વિહારી’ના પુત્ર ચંદુલાલને આ વાત કરી. ચંદુલાલે આ સારી પ્રવૃત્તિ જારી રાખવાનું સૂચવ્યું. તેમણે આ કામ માટે બચુભાઈને નામની ભલામણ કરી. સ્વામીજીએ બચુભાઈને બોલાવ્યા. ૧૯૧૯ના નવેમ્બરની આખરમાં બચુભાઈએ ગોંડલ હાઈસ્કૂલની નોકરી છોડી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં તેમણે ખૂબ જહેમતપૂર્વક કામ કર્યું. બધું કામ જાતે જ કરતા. અમદાવાદ આવ્યા એટલે રવિશંકર રાવળની જૂની મૈત્રીનો દોર સંધાઈ ગયો. બચુભાઈ માટે એક બીજી તક ઊભી થઈ. ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહમદે રવિશંકર રાવળ પાસે એક સહાયકની માગણી કરી. તેમને બચુભાઈનું નામ સૂચવ્યું. પોતાના માનીતા માસિકમાં કામ કરવાની તક ઊભી થતાં તેમણે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાંથી રાજીનામું આપી દીધું; પણ ‘વીસમી સદી’નું કામ ગોઠવાય એ પહેલાં જ હાજી મહંમદનું અવસાન થતાં ‘વીસમી સદી’ બંધ પડ્યું. રવિશંકર રાવળની પ્રેરણાથી બચુભાઈએ ‘હાજી મહંમદ સ્મારક ગ્રંથ’ના સંપાદનકાર્યમાં કીમતી સહાય કરી. બચુભાઈ એ અરસામાં જ શરૂ થયેલા નવજીવન પ્રકાશન મંદિરમાં જોડાયા. દરમ્યાન ‘કુમાર’ની યોજના સાકાર બની. ૧૯૨૪ના જાન્યુઆરીમાં એ બહાર પડ્યું. ૧૯૨૪થી ૧૯૪૨ સુધી તેમણે રવિશંકર રાવળના સહયોગમાં ‘કુમાર’નું તંત્ર સંભાળ્યું. ૧૯૪૩થી તેમણે એકલે હાથે ‘કુમાર’ની જવાબદારી સ્વીકારી અને લિમિટેડ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા. ૧૯૪૮માં પત્રકારત્વની તેમની સેવામાં ગુજરાત સાહિત્યસભાએ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. ૧૯૫૩માં મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં કામ કર્યું. ૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે તેમની નિમણૂક થયેલી. તેમણે અનેક સંસ્થાઓને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો છે. અખિલ ભારતીય મુદ્રક મહાસંઘની કારોબારીના સભ્ય, મુંબઈ સરકારે નીમેલી રાજ્યના મુદ્રણ ઉદ્યોગ માટે લઘુતમ વેતન નક્કી કરી આપનારી સમિતિના સભ્ય, પહેલી ગુજરાત મુદ્રક પરિષદના પ્રમુખ, દ્વિતીય મુદ્રણ ઉદ્યોગ લઘુતમ વેતન સમિતિના સભ્ય, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળની કારોબારીના સભ્ય વગેરે કામગીરી તેમણે બજાવી છે. ૧૯૬૫માં સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૩મા અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થયેલી. લંડનમાં સ્થપાયેલા ગુજરાતી સાપ્તાહિક ‘ગરવી ગુજરાત’ નિમિત્તે ત્યાંના ગુજરાતીઓના આગ્રહથી તેમણે ૧૯૬૮માં ઈંગ્લેન્ડનો અને અમેરિકાનો પ્રવાસ પણ કરેલો. ૧૯૭૭માં આ જ નિમિત્તે ઇંગ્લેન્ડ ગયેલા. ૧૯૭૫માં ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કર્યો હતો. આમ સમાજે અને સરકારે તેમનું વખતોવખત બહુમાન કર્યું છે; પણ બચુભાઈનું ખરું સ્થાન કલારસિક ગુજરાતના હૃદયમાં સ્થિરપણે અંકાયેલું છે. મૃત્યુનો આછાયો ત્યાં પડી શકે એમ નથી!

૨૭-૭-૮૦