શબ્દલોકના યાત્રીઓ – ૧/રાજેન્દ્ર શાહ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રાજેન્દ્ર શાહ

પચીસેક વર્ષ પહેલાં એમ.એ.ની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવવાનું થયેલું. એ અરસામાં મિત્ર પિનાકિન ઠાકોરે કટકિયાવાડના તેમના જૂના મકાનમાં ચૂનીલાલ મડિયા સાથે ભોજનનો એક સુયોગ રચી દીધેલો એ આજે બરોબર યાદ છે. રાજેન્દ્રભાઈ અને નિરંજન ભગત પણ આવેલા. રાજેન્દ્ર શાહ સાથેનું એ પ્રથમ મિલન. એ પછી તો અનેક વાર મળવાનું બન્યું છે. તેમણે પ્રેમપૂર્વક કાવ્યસંગ્રહો મોકલ્યા છે. એના પ્રતિભાવો આપતાં લખાણો પણ લખ્યાં છે પણ રાજેન્દ્રની છાપ એક નિઃસ્પૃહ, સમજદાર, નિર્મળ અને અંતર્મુખ વ્યક્તિ તરીકેની પડેલી તે આજે પણ એવી જ અકબંધ છે અને એટલે જ્યારે મેં ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ શરૂ કરી ત્યારે જ મને રાજેન્દ્ર શાહ ઉપર પુસ્તિકા તૈયાર કરાવવાનો વિચાર આવેલો અને મારા મિત્ર ડૉ. ધીરુ પરીખે એમના કવિકર્મનો એક સુંદર આલેખ તૈયાર કરી આપ્યો. રાજેન્દ્ર શાહનો આજે પણ વિવેચકો “યુવાન કવિ” તરીકે ઉલ્લેખ કરે છે. પણ એ કવિ પાંસઠ વર્ષના છે તે બહુ ઓછા જાણતા હશે. ઈ.સ. ૧૯૧૩ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમી તારીખે કપડવણજમાં તેમનો જન્મ થયેલો. આજે નિવૃત્તિ જીવન પણ વતન કપડવણજમાં જ ગાળે છે. કવિનાં દાદાદાદી ધર્મ પરાયણ હતાં. પિતા સાદરામાં સરકારી વકીલ હતા. જડજપદે પહોંચેલા. તે વડોદરા આવ્યા ત્યારે શ્રેય:સાધક વર્ગના પરિચયમાં આવ્યા અને શ્રીમન્નૃસિંહાચાર્યના અંતેવાસી બન્યા. પિતા કેશવલાલ અને માતા લલિતાબહેનનું એકનું એક સંતાન તે રાજેન્દ્ર. બે વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા. વિધવા માતાએ કાળજીપૂર્વક તેમને ઉછેર્યા. પ્રાથમિક શિક્ષણ કપડવણજની મ્યુનિસિપલ શાળામાં લીધું. અંબુભાઈ પુરાણીની વ્યાયામ પ્રવૃત્તિઓમાં રસ લીધો. ૧૯૩૦માં અસહકારની લડતને કારણે મૅટ્રિકની પરીક્ષાનું દૂર ઠેલાયું. ૧૯૩૨માં એ પરીક્ષા પસાર કરી. ૧૯૩૩માં મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા પણ તબિયતને કારણે ઘેર પાછા ફરવું પડ્યું. છેક ૧૯૩૭માં ફિલૉસૉફી સાથે બી.એ. થયા. એમ.એ.નો અભ્યાસ ઇચ્છા હોવા છતાં કૌટુમ્બિક પરિસ્થિતિને કારણે થઈ ન શક્યો. અમદાવાદમાં ‘કુમાર’ અને એના દૃષ્ટિસમ્પન્ન તંત્રી બચુભાઈ રાવતની છાયામાં રાજેન્દ્રની કવિતા પાંગરવા લાગી. બુધસભામાં નિયમિત જવા લાગ્યા. સુન્દરમના પરિચયમાં આવ્યા અને તેમની ભલામણથી જ્યોતિસંઘમાં શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ. એ પછી તેમણે જુદા જુદા વ્યવસાયો કર્યા. ‘ગૃહસાધન’ નામે દુકાન કરી, કોલસાનો સ્ટોર કર્યો, બૉબિન બનાવવાનું કારખાનું શરૂ કર્યું. પછી એ મુંબઈ ગયા, નોકરી કરી. જંગલોમાં લાકડાં કાપવાનો કૉન્ટ્રાક્ટ રાખતા. કંપનીમાં નોકરીની હેસિયતથી થાણાંનાં જંગલોમાં ફરવાનું બન્યું. આ પ્રકૃતિસૌંદર્યનો અનુભવ તેમની કવિતામાં દેખાય છે. એ પછી ૧૯૫૧માં ‘પાયોનિયર ટ્રેડર્સ’ નામે કાગળનો વેપાર શરૂ કર્યો. એ પછી ‘લિપિની પ્રિન્ટરી’ નામે પ્રેસ કર્યું. આજે એ પ્રેસ તેમના ભાઈ સંભાળે છે અને રાજેન્દ્રભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. રાજેન્દ્રને વ્યવહાર-જીવનના અનેક કપરા અનુભવમાંથી પસાર થવું પડ્યું છે. તેમનું ખરું શિક્ષણ જીવનની પાઠશાળામાં જ થયેલું છે. દાદા-પિતાના ધાર્મિક વારસાએ તેમને વિકટ પરિસ્થિતિમાં ટકાવી રાખ્યા છે. રાજેન્દ્રનું આધ્યાત્મિક માનસ તેમના જીવનમાંથી પ્રગટેલું છે. શ્રેયસ્સાધક વર્ગ અને ઉપેન્દ્રાચાર્યજીની તેમના પર મોટી અસર થયેલી છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ બે વિભૂતિઓને અર્પણ કર્યો છે. એક ઉપેન્દ્રાચાર્ય ‘જેણે કીધો દીક્ષિત’ અને બીજા ત્રિલોકચંદ્રસૂરિ ‘જેણે દીધી લેખિની’. ‘ધ્વનિ’ને આવકારતાં ઉમાશંકરે રાજેન્દ્રને ‘સૌન્દર્યલુબ્ધ કવિ’ તરીકે ઓળખાવેલા. એક નોંધપાત્ર નિરીક્ષણ રજૂ કરતાં ઉમાશંકર કહે છે : “રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે; છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત્ છે! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીનો હત્યાકાંડ, ગાંધીજીનું બલિદાન, કેવા મોટા બનાવો બન્યા છે પણ ‘ધ્વનિ’માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!” અને તેમ છતાં રાજેન્દ્ર જેવા પ્રતિભાશાળીએ સાચી કવિતા આપી છે એટલે એની સાથે કોઈ પણ બહાને વાંકું ન પાડવું એમ ઉમાશંકરે કહ્યું છે. સૉનેટ, ગીત, લાંબી રચનાઓમાં રાજેન્દ્રને એકધારી સફળતા સાંપડી છે. ‘આંદોલન’, ‘શ્રુતિ’, મોરપીંછ’, ‘ચિત્રણા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘વિષાદને સાદ’, ‘મધ્યમા’ વગેરે તેમના કાવ્યસંગ્રહો કવિતાપ્રેમીઓનો આદર પામ્યા છે. તેમના ‘શાંત કોલાહલ’ને અકાદમી ઍવોર્ડ મળેલો. રાજેન્દ્રને રાજ્ય સરકારનાં પારિતોષિકો અને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં જેમ સુન્દરમ્-ઉમાશંકરનું યુગ્મ ઉલ્લેખાય છે તેમ રાજેન્દ્ર-નિરંજનની જોડી પણ વિવેચકો ઉલ્લેખે છે. પણ કદાચ નિરંજન જેટલા જાણીતા છે તેટલા રાજેન્દ્ર નથી! પણ એ જ રાજેન્દ્રની વિશેષતા છે. તેમની સર્જકતા ઊણી ઊતરે છે એમ કોઈ કહી શકે ખરું? રાજેન્દ્ર જેવા સાત્ત્વિક પ્રકૃતિના કવિનો અવાજ ગુર્જર ગિરાનું આભરણ છે.

૨૧-૫-૭૮