શાંત કોલાહલ/મેડીને એકાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેડીને એકાન્ત

નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ
અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં
શેરી અવ શાન્ત.
મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ
વિકિરંત મંદ મંદ તેજ :

આછેરાં સાધન તો ય
તેજછાયા તણા ભૂમિ-ભીંત પર
વિચિત્ર કંઈ અંકાય આકાર
આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય,
સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય....
બારીને ગગન-
કાચથી મઢેલ છત મહીં જાણે-
શગનાં અગણ્ય પ્રતિબિંબ
જાગામીઠીને તરંગ કરે જાગરણ.

નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન

સોપાનશ્રેણીએ વાજે ઝીણી ઝીણી નેપુરકિંકિણી
શિરનો સકલ ભાર ચરણે લહાય પણ
સમુત્સુક મન સંગ
સરલ સ્વભાવે
તાલ દેઈ રહે ચાલ

પલને હિલ્લોળે
શ્વેત સેજની પાંગઠે સરી આવે સંસારિણી.
અહીં
સ્પર્શને ગહને શબ્દ પામે વિલોપન
નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ-
પ્રગલ્ભ મુગ્ધતા.

તેજતિમિરના શાન્ત સાયુજ્યની આભા મહીં
મલકંત લહું એનું મુખ
લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા.

પરસ્પર થકી બેઉ દિનભર દૂર.
સીમને ખેતર, જનપદને બજાર
નિત્ય
સાધને વા અસાધને વહું કર્મભાર
ઋતુની ટાઢક, ઝાળ, ઝડીને ઝીલંત.
ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ.
ઉભયની સમસ્યા સમાન.
શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન
ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન.
ધડકંત ઉર તણી હૂંફ મહીં
અંગ અંગ પ્રાણ, મન
જીવિતવ્ય
પ્રફુલ્લ પ્રસન્ન.

દૃગે દૃગે આંહી ઉદ્દીપન
ગોખનો દીપક કૃતકૃત્ય
જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન
અંધકાર નહીં
અહીં દ્વયનો વિલય.