શાંત કોલાહલ/વિદાયતરી
Jump to navigation
Jump to search
વિદાયતરી
સઈ મોરી વિદાયતરી
મિલનતીરથી વિરહને જલ જાય રે સરી
એને સ્મરણને પાથેય તે સભર દીજિયે ભરી.
દૂરની ક્ષિતિજ પારને કોઈ
દેશ જવું અણદીઠ;
નિત નવું જગ વિલસે ને તો ય
કોઈ નહીં મનમીત;
એકલ આકુલ પ્રાણને આલંબન ર્હે ધરી...
કરુણ કોમલ ગાન,
દિયો તવ અધર અમીપાન;
જલની લહર લહરને દોલ ઉછળે જેની તાન.
નેણના સરલ ભાવથી
ચરમ પલ કીજે મુખરાળ,
(જેને) પાલમાં ભર્યા પવને
સતત ગુંજતો રહે કાળ;
અસહ રે સહુ વેદના દિયો સ્મિતમાં ઝરી...