શાહજહાં/ચોથો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચોથો પ્રવેશ

અંક બીજો


         સ્થળ : મુંગીરના દરબારગઢમાં. સમય : અજવાળી રાત.

[પિયારા ટેલતી ટેલતી ગાય છે.]


સુખને કારણ બાંધી મઢૂલી:
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે!
અમૃત-સાગરે સ્નાન કરંતાં,
વખડાં ક્યાંથી ભેળાણાં રે.
હું રે ચકોરી ગઈ ચંદ્રને ઝીલવા:
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે!

[સૂજા આવે છે.]

સૂજા : તું આંહીં છો, પિયારા! હું તો તને ગોતી ગોતી થાક્યો.

[પિયારાનું ગીત ચાલુ રહે છે.]


નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં
ઊંડેરાં નીરમાં બૂડી રે.

સૂજા : પછી તો તારો સૂર સાંભળીને સમજ્યો કે તું આંહીં છો.

[પિયારાનું ગીત ચાલુ રહે છે]


ધનની આશા જનમી આંતરે
નિરધન ત્યાં તો બની છું રે.

સૂજા : વાત તો સાંભળ — આહ!

[પિયારા ગાય છે.]


જલની પ્યાસે જોયું ગગનમાં:
વાદળથી વજ્ર વરસ્યાં રે

સૂજા : નહિ સાંભળ ને! તો હું તો આ ચાલ્યો!

[પિયારાનું ગીત ચાલે છે.]


કાનાની પ્રીતથી તો મૉત ભલેરું,
ભેદ્યા છે પ્રાણ જ્ઞાનદાસના રે.

સૂજા : ઓહોહો! બહુ સતાવ્યો! ભલા થઈને કોઈ બીજી વાર શાદી કરશો મા! ભાયડાઓને તો ગાળી જ નાખે! તું પહેલીવારની હોત તો શું મારી એક વાત સાંભળવા માટે હું તને આટલો કરગત કે?
પિયારા : આ હા હા! આવું રૂપાળું કીર્તન ધૂળ મેળવી દીધું! ભલી થઈને કોઈ બીજવરને પરણશો મા. નીકર શું આવીને આવું ભજન ધૂળ મેળવે? આહા! તોબા પોકારી ગઈ! દિવસરાત લડાઈની જ વાતો સાંભળવી! અને વળી ન જાણે વ્યાકરણ. ન સમજે ગીત. તોબા, બાપ!
સૂજા : હું ગીત નથી સમજતો શી રીતે?
પિયારા : આ હા હા હા, કેવું ભજન!
સૂજા : વાહવા! પોતે ગાય અને પોતે જ મોહિત થાય!
પિયારા : ત્યારે શું કરું? તમે તો સમજો નહિ. એટલે પછી હું જ ગાનાર અને હું જ સાંભળનાર.
સૂજા : હવે સાંભળ. વાત જરા ગંભીર છે. તારી પાસે સલાહ લેવા આવ્યો છું.
પિયારા : એમ કે? ત્યારે ખમો. હું તૈયાર નથી થઈ. [ચહેરો અને પોશાક ઠીકઠાક કરી] બળ્યું! આંહીં તો એક ઊંચી બેઠક પણ ન મળે! બહુ સારું, ઊભી રહીને જ સાંભળીશ. ચલાવો, હું તૈયાર છું.
સૂજા : મને ખાતરી છે કે બાપુ મરી ગયા છે.
પિયારા : મને પણ ખાતરી છે.
સૂજા : ને જયસિંહે તે દિવસ મને બાપુના હસ્તાક્ષરનો જે કાગળ બતાવેલો, તે દારાએ બનાવટી કરેલો હતો.
પિયારા : હોય જ ને!
સૂજા : તું કબૂલ કરે છે?
પિયારા : કબૂલ-બબૂલ હું કાંઈ જ નહિ કરું. તમે તમારે બોલ્યે જ જાઓ.
સૂજા : બીજી લડાઈમાં ઔરંગજેબને હાથે દારાએ હાર ખાધી. સાંભળ્યું છે?
પિયારા : હા.
સૂજા : કોની પાસેથી સાંભળ્યું?
પિયારા : તમારી પાસેથી.
સૂજા : ક્યારે?
પિયારા : અબઘડી.
સૂજા : દારા આગ્રાથી પલાયન કરી ગયો છે. ઔરંગજેબે આગ્રામાં દાખલ થઈ બાપુને કેદ કર્યા છે, મુરાદને પણ બંદીખાને પૂરેલ છે.
પિયારા : બહુ સારું!
સૂજા : હવે ઔરંગજેબ મારી સાથે લડાઈમાં ઊતરવાનો.
પિયારા : ઊતરેય તે!
સૂજા : અને એ તો ખૂનખાર લડાઈ થવાની.
પિયારા : ખૂનખાર — ખરાખરીની ખૂનખાર.
સૂજા : મારે અત્યારથી જ સજ્જ થવું પડશે.
પિયારા : થાવું તો પડે જ ને!
સૂજા : પરંતુ —
પિયારા : મારો પણ એ જ અભિપ્રાય — પરંતુ...
સૂજા : તું શું બોલે છે તે જ હું સમજી શકતો નથી.
પિયારા : સાચું કહો તો હું પણ સમજી શકતી નથી.
સૂજા : જા, જા, તારી સાથે મસલત કરવી નકામી છે.
પિયારા : તદ્દન!
સૂજા : લડાઈની વાતમાં તું શું સમજે!
પિયારા : હા જ તો, હું શું સમજું?
સૂજા : પણ બીજી બાજુ વળી મુશ્કેલી છે.
પિયારા : કઈ જાતની?
સૂજા : મહમ્મદે મને ચોખ્ખું લખ્યું છે કે એ આપણી દીકરી સાથે હવે શાદી નહિ કરે.
પિયારા : એ તો શી રીતે કરે?
સૂજા : કેમ ન કરે? વેવિશાળ કાંઈ ફોક થાય?
પિયારા : એ તે કાંઈ ફોક થાય!
સૂજા : પણ હવે એ શાદી કરવા માગતો જ નથી.
પિયારા : ન જ માગે તો!
સૂજા : લખે છે કે મારા બાપના દુશ્મનની દીકરીને હું નહિ પરણું.
પિયારા : શી રીતે પરણે?
સૂજા : પણ તો તો મારી દીકરી બહુ દુઃખ પામશે.
પિયારા : તે તો પામે જ ને! કેમ ન પામે?
સૂજા : મારે હવે શું કરવું તેની ગમ પડતી નથી.
પિયારા : મનેય પડતી નથી.
સૂજા : હવે શું થાય!
પિયારા : હવે શું થાય!
સૂજા : તારી પાસે તો સલાહ માગવી જ નકામી!
પિયારા : ઓહો! સમજી ગયા ને શું? શી રીતે સમજી ગયા? અરે કહો તો ખરા, સમજી શી રીતે ગયા? વાહ, કાંઈ અક્કલ!
સૂજા : હવે હું શું કરું! એક તો ઔરંગજેબ સાથે લડાઈ, ને ઉપરાંત એનો બહાદુર બેટો મહમ્મદ પણ એની સાથે. ભારી વિકટ સમસ્યા. તારી શી સલાહ છે?
પિયારા : પ્યારા! મારી સલાહ સાંભળશો? સાંભળો તો કહું.
સૂજા : બોલ. હું સાંભળીશ.
પિયારા : તો સાંભળો. મારી સલાહ છે કે લડાઈની જ જરૂર નથી.
સૂજા : કેમ?
પિયારા : સલ્તનતને શું કરવી છે, નાથ? આપણે કઈ કમીના છે? આમ તો જુઓ, આ ધાન્યથી લચકતી, ફૂલોથી શોભતી ને હજારો ઝરણાંના રૂમઝૂમાટથી ગાજતી અમરાપુરી સમી બંગભૂમિ! આની પાસે શી વિસાત છે સલ્તનતની! અને મારા જે હૃદય-સિંહાસન પર મેં તમને બેસારેલા છે, તેની સામે શી વિસાત છે એ મયૂરાસનની? જે વખત આપણ બેઉ આ મહેલની અટારીએ ઊભી, હાથમાં હાથ રાખીને હૈયું દબાવી પંખીઓના કિલકિલાટ સાંભળીએ છીએ, દિગન્ત સુધી પથરાયેલો ગંગાનો પટ દેખીએ છીએ, આ અનંત આસમાની આકાશ ઉપર થઈને આપણી સંયુક્ત નજરની નૌકાને તરાવતાં તરાવતાં જ્યારે આપણે ચાલ્યાં જઈએ છીએ, અને એ આસમાન-સાગરના કોઈ એક ગુપ્ત પ્રદેશમાં કલ્પનાનો એક મનોહર શાંતિમય ટાપુ સરજીને એની વચ્ચે એક સ્વપ્નસુંદર કુંજમાં બેસી સામસામાં નજર મિલાવી પરસ્પરના પ્રાણને પીઈએ છીએ; તે વખતે શું તમને નથી લાગતું, પ્યારા, કે શી વિસાત છે આ સલ્તનતની! પ્યારા! આપણે આ યુદ્ધનું કામ નથી. એમાં તો કદાચ આપણું જે નથી તે પામશું નહિ ને ઊલટું આપણું જે છે તે ગુમાવી બેસશું.
સૂજા : વાહ, શું નવીન વિચારો આપ્યા! એક તો વિચાર કરી કરીને મારું માથું ગરમ થઈ ગયું છે, ને એના ઉપર — ના, ના, દારાની તાબેદારી તો કદાચ સ્વીકારી શકત, પણ આ ઔરંગજેબની — મારાથી નાનેરા ભાઈની — તાબેદારી કદી ન કબૂલું, મરી જાઉં તો પણ નહિ.

[જાય છે.]

પિયારા : તને ઉપદેશ દેવો વ્યર્થ છે. તું વીર નર છે. સલ્તનતને ખાતર નહિ તો ખુદ લડાઈને ખાતર જ તું તો લડે તેવો છે. હું તને બરાબર પિછાનું છું. લડાઈનું નામ પડતાં જ તું નાચી ઊઠે છે.