શાહજહાં/ત્રીજો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રીજો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : કાશીમાં સૂજાની છાવણી. સમય : રાત્રિ.

[સૂજા અને પિયારા]

સૂજા : સાંભળ્યું કે, પિયારા! દારાનો એ બટુક બેટો સુલેમાન આ લડાઈમાં મારી સામે ચડી આવ્યો છે.
પિયારા : શું, બડે ભાઈ દારાનો બેટો દિલ્હીથી આવ્યો છે? સાચેસાચ? ત્યારે તો એ દિલ્હીના લડ્ડુ પણ લાવ્યો હશે. જલદી માણસ મોકલો; આમ સામે શું જોઈ રહ્યા છો? માણસ મોકલોને જલદી!
સૂજા : અરે લડ્ડુ તે વળી શાના? આ તો લડાઈ — એની — સાથે —
પિયારા : હાં, એની સાથે જો બિલ્લાંનો મુરબ્બો હોય તો તો ઓર લહેજત. મને એ ભાવે છે, હો. અને દિલ્હીના લડ્ડુ — સહુ કહે છે કે દિલ્હીકા લડ્ડુ ખાયા વો ભી પસ્તાયા, ઓર નહિ ખાયા વો ભી પસ્તાયા, તો પછી ખાધા વગર પસ્તાવા કરતાં ખાઈ કરીને જ પસ્તાવું બહેતર ને! માટે જલદી માણસ મોકલો.
સૂજા : પિયારા, તું એક જ દમમાં એટલું બધું બોલી ગઈ કે બાકીનું બોલવાનો મને તો વખત જ ન મળ્યો.
પિયારા : તમારે વળી બોલવાનું શું? તમે તો ફક્ત લડાઈ જ કરો ને!
સૂજા : અને જે કાંઈ બોલવાનું હશે તે તો જાણે કે તું જ બોલ્યા કરવાની, ખરું?
પિયારા : હા જ તો. અમે જેવું ગોઠવીને બોલીએ એવું તમે થોડા બોલી શકવાના હતા? તમે લોકો તો બોલવા જતાં જ એટલી બધી વાતોનો ગોટો કરી મૂકો. અને વ્યાકરણની પણ એવી ભૂલો કરો કે —
સૂજા : કે શું?
પિયારા : બીજું શું? શબ્દકોશના અડધા પણ શબ્દો તમને આવડતા નથી. વાતો કરવામાંયે કેટલી ભૂલો કરી બેસો છો? બોબડા શબ્દો સાથે આંધળા વ્યાકરણની ભેળસેળ કરી એવી એક લંગડી બોલી પેદા કરો છો, કે જીભને બિચારીને ખોડંગતાં ખોડંગતાં ચાલવું પડે.
સૂજા : અને તારી પોતાની જબાન પણ કાંઈ શુદ્ધ હોય એવું દેખાતું નથી.
પિયારા : એમ કે? મારી જબાન સમજવાની અક્કલ જ તમારામાં ન મળે. યા ખુદા! આવી અક્કલમંદ ઑરત જાતને તેં એવી બેવકૂફ મરદ જાતના હાથમાં સોંપી દીધી છે, કે એ કરતાં તો એને કડકડતા તેલની કડામાં તળી નાખી હોત તોયે બિચારી વધુ સુખ પામત.
સૂજા : ઠીક ત્યારે, હવે તું જ બોલ્યા કર.
પિયારા : હા જ તો. બીજું શું કરીએ? સિંહનું જોર દાંતમાં, હાથીનું સૂંઢમાં, પાડાનું શિંગડામાં, ઘોડાનું પાછલા પગમાં, બંગાળીનું જોર બરડામાં અને ઑરતનું જોર જીભમાં.
સૂજા : ના ના, ઓરતનું જોર આંખના કામણગારા ખૂણામાં.
પિયારા : ના રે ના, આંખ શરૂ શરૂમાં કંઈક કાર કરી શકે ખરી, પણ પછી આખી જિંદગીમાં તો મરદને કબ્જામાં રાખે આ જીભ જ.
સૂજા : મને લાગે છે કે તું મને વાત કરવાનો વારો જ નહિ આવવા દે. સાંભળ, હું શું કહેતો હતો —
પિયારા : બસ આ જ તમારી — મરદોની પીડા. પ્રસ્તાવનાને જ એટલી લાંબી બનાવી નાખો કે તે દરમિયાન જે કહેવાની વાત હોય તેને જ ભૂલી જાઓ.
સૂજા : હવે તું જરા પણ વધુ બકીશ તો હું સાચેસાચ મારી વાત ભૂલી જવાનો, હો!
પિયારા : તો હવે સટ દઈને બોલોને, વાર કાં લગાડો?
સૂજા : તો હવે સાંભળ —
પિયારા : બોલો, પણ ટૂંકમાં; જોજો હો, એક જ શ્વાસે.
સૂજા : અત્યારે મારી સામે દારાનો બેટો સુલેમાન ચડી આવ્યો છે, અને તેની સાથે આવ્યા છે બિકાનેરના રાજા જયસિંહ તથા સેનાપતિ દિલેરખાં.
પિયારા : બહુ સારું; તો એક દિવસ બોલાવીને જમાડી દો, બીજું શું?
સૂજા : પિયારા, તું તો છોકરવાદી જ કર્યા કરીશ કે? લડાઈ જેવડી એક ભારી મોટી આફત. એ પણ તારે મન તો —
પિયારા : એટલા વાસ્તે તો મેં એને હળવી બનાવી લીધી, નહિ તો હજમ કેમ કરીને થાય! લો, બોલ્યે રાખો.
સૂજા : હવે હકીકત એવી બની છે કે મહારાજ જયસિંહ હમણાં જ મારી પાસે આવેલા. તેણે કહ્યું કે પાદશાહ શાહજહાં હજુ મર્યા નથી એટલું જ નહીં, પાદશાહની ખુદની સહીવાળો કાગળ પણ મને બતાવ્યો. એ કાગળમાં શું હતું, ખબર છે?

પિયારા : જલદી બોલી નાખો ને, મારી ધીરજ રહેતી નથી.

સૂજા : એ કાગળમાં એણે લખ્યું છે કે મારે એકદમ બંગાળામાં જવું. એમ થશે તો મને સૂબાગીરીમાંથી બરતરફ નહિ કરે. નહિતર —
પિયારા : નહિતર બરતરફ કરશે એટલું જ ને? બહુ સારું. ત્યાર પછી હવે કાંઈ બોલવાનું નથી ને? તો હવે હું ગીત ગાઉં?
સૂજા : પણ મેં જવાબમાં શું લખ્યું, ખબર છે? મેં લખ્યું કે બહુ સારું. લડાઈ કર્યા વગર હું બંગાળા ચાલ્યો જાઉં છું. બાબાના માલિકપદને હું માથું નમાવીને કબૂલ રાખું છું, પણ દારાની તાબેદારીને હું કોઈ વાતે પણ નથી ઉઠાવવાનો.
પિયારા : તમે મને ગાવા નહિ દો, કાં? તમે એકલા જ બક્યા કરો છો, તો હું નહિ ગાઉં.
સૂજા : ના, ગા, લે હું ચૂપ રહ્યો.
પિયારા : જુઓ, પ્રતિજ્ઞા યાદ રાખજો, હો. શું ગાઉં?
સૂજા : તારી ઇચ્છામાં આવે તે ગા, કોઈ એક પ્યારની ચીઝ છેડ. એવું એક ગાન ગા, કે જેની ભાષામાં પ્યાર, ભાવમાં પ્યાર, તાલ, આલાપ અને હલકમાંયે પ્યાર હોય. ગા, હું સાંભળું છું.

[પિયારા ગીત ગાય છે.]


પ્યાસ રહી સળગી, જીવતરમાં આગ રહી સળગી
દિલ મુજ નાનું : પ્યાર દરિયા સમ,
કેમ શકું શમવી?
પીતી તોય તરસ નવ ટળતી :
નીર જતાં છલકી. — જીવતરમાં.
પાસ જ્યમ નિકટ લઉં તુજ દિલ
મુજ દિલ જોડે
તોય જુદાઈ જતી, પ્રીતમ!
જોડ સદા અળગી — જીવતરમાં.
પામર ઘર મુજ પામર જીવતર
ક્યાં જઈ પ્રીત કરું,
જ્યમ ચાહું વધુ ત્યમ વધુ ચ્હાવા
લગન રહી વળગી — જીવતરમાં.
સ્થાન અસીમ કદીક સાંપડશે
અંતર ટળી જશે,
તે દી કરજ ભરી જિંદગીભરનું
પામીશ હું મુગતિ — જીવતરમાં.

સૂજા : જિંદગી જાણે એક નીંદ છે. વચ્ચે વચ્ચે સ્વપ્નની માફક કોઈ એક ઇશારત, કોઈ એક સંકેત સ્વર્ગમાંથી જાણે ઊતરી આવે છે અને બતાવે છે કે આ નીંદમાંથી લગાર પણ જાગવામાં કેટલી મીઠાશ છે! સંગીત પણ એ સ્વર્ગનો જ એક ઝંકાર છે. નહિતર એ આવું મધુર શી રીતે હોઈ શકે!

[નેપથ્યમાં તોપોના અવાજ]

સૂજા : [ચમકીને] એ શું!
પિયારા : હાય હાય! પ્યારા, આટલી મોડી રાતે તોપોના ગડગડાટ આટલા નજીક! દુશ્મનો તો સામે પાર છે ને?
સૂજા : શો ગજબ! એ ફરી અવાજ! હું જોઈ આવું.

[સૂજા જાય છે.]

પિયારા : ઓ મા! વારે વારે તોપોના બાર. આ ફોજની રણકિકિયારી, શસ્ત્રોના ઝણઝણાટ રાત્રિની આ ગાઢ શાંતિને એકાએક વજ્રથી વીંધીને જાણે કે કોઈ પ્રચંડ શોર આર્તનાદ કરતો નીકળ્યો. આ બધું તે શું કહેવાય?

[દોડતો સૂજા દાખલ થાય છે.]

સૂજા : પિયારા, પાદશાહની ફોજે આપણી છાવણી પર હુમલો કર્યો છે.
પિયારા : હુમલો! એ શું કહેવાય?
સૂજા : હા, એ કામાં વિશ્વાસઘાતક મહારાજનાં! હવે હું લડવા જાઉં છું. તું તંબૂમાં જા, કાંઈ ડર ન રાખતી, પિયારા —

[સૂજા જાય છે.]

પિયારા : આ શોર તો વધવા લાગ્યો. ઓહ! આ બધું શું —

[પિયારા જાય છે. નેપથ્યમાં કોલાહલ, સુલેમાન અને દિલેરખાં સામી બાજુથી આવે છે.]

સુલેમાન : સૂબેદાર ક્યાં?
દિલેર : એ તો નદી તરફ નાસી ગયો.
સુલેમાન : નાસી ગયો? એની પાછળ દોડો, દિલેરખાં.

[દિલેરખાં જાય છે ને જયસિંહ આવે છે.]

સુલેમાન : કાં મહારાજ, આપણી જીત થઈ છે.
જયસિંહ : તે શું આપે રાતોરાત નદી પાર કરીને દુશ્મનની છાવણી પર છાપો માર્યો?
સુલેમાન : હા, એ લોકોને તો ખ્યાલ પણ નહોતો. અચાનક જ તૂટી પડ્યો. છતાં આટલી જલદી જીતવાની તો આશા જ નહોતી.
જયસિંહ : સૂજાની ફોજ તો બિલકુલ તૈયાર નહોતી, શાહજાદા! અડધી ફોજ કપાઈ ગઈ ત્યાં સુધીય તેઓની ઊંઘ નહોતી ઊડી.
સુલેમાન : એનું શું કારણ? કાકા તો કાબેલ લડવૈયા છે. રાતના હુમલા આવે એ તો એ જાણતા જ હશે ને?
જયસિંહ : શાહજાદા, મેં શહેનશાહ તરફથી એની સાથે સંધિ કરી હતી. ને એણે લડ્યા વગર બંગાળા ચાલ્યા જવા કબૂલ પણ કરેલું. એટલું જ નહિ, પાછા જવા માટે એણે નૌકા તૈયાર કરવાની પણ વરદી દીધી હતી.

[દિલેરખાં ફરી આવે છે.]

દિલેરખાં : શાહજાદા, સુલતાન સૂજા પોતાના પરિવાર સાથે નૌકામાં નાસી છૂટ્યા છે.
જયસિંહ : એ તો એ જ તૈયાર રાખેલી નૌકામાં.
સુલેમાન : એનો પીછો લ્યો. જાઓ, ફોજને હુકમ કરો.

[દિલેરખાં જાય છે.]

સુલેમાન : આપે કોના હુકમથી એ સંધિ કરી હતી, મહારાજ?
જયસિંહ : શહેનશાહના હુકમથી.
સુલેમાન : બાબાએ તો મને આ વાતનો ઇશારો પણ નથી લખ્યો. અને આપ પણ મારી પાસે કાંઈ બોલ્યા નહોતા.
જયસિંહ : શહેનશાહની મના હતી.
સુલેમાન : જૂઠ ઉપર જૂઠ! જાઓ.

[જયસિંહ જાય છે.]

સુલેમાન : શહેનશાહનો હુકમ જુદો, ને મારા બાબાનો હુકમ પણ જુદો! બને ખરું? કદાચ હોય તો? કદાચ મેં મહારાજને અન્યાય કર્યો હશે. જો શહેનશાહનો આવો હુકમ હોય તો? બીજી બાજુ બાબા લખે છે કે ‘સૂજાને સપરિવાર ગિરફતાર કરી લઈ આવો.’ કોનો હુકમ માનવો? ના, હું તો બાબાનો જ હુકમ ઉઠાવીશ. એની આજ્ઞા તો મારે મન ખુદાની જ આજ્ઞા.