શાહજહાં/ત્રીજો પ્રવેશ1

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રીજો પ્રવેશ

અંક બીજો


         સ્થળ : રજપૂતાનાના રણની સરહદ. સમય : બપોર.

[ઝાડને છાંયે દારા, નાદિરા અને સિપાર ઊભેલાં છે. એક બાજુ જહરતઉન્નિસા ઊંઘે છે.]

નાદિરા : હવે તો ચલાતું નથી, પ્યારા! આંહીં થોડો વિસામો લઈએ.
સિપાર : હા, બાબા, ઓહ! બહુ પ્યાસ લાગી છે.
દારા : વિસામો! નાદિરા, આ દુનિયામાં આપણે માટે વિસામો નથી રહ્યો. આ પછવાડે રણ દેખ્યું? એ રણ વટાવીને આપણે ચાલ્યા આવીએ છીએ. જોયું, નાદિરા?
નાદિરા : જોયું, પ્યારા! ઓ!
દારા : જેવું રણ આપણી પછવાડે પડ્યું છે, તેવું જ રણ આપણી સામે પણ પથરાયેલું છે. ત્યાં ન મળે પાણી, ન મળે છાંયડી, કે ન મળે છેડો. બસ. રેતી જ રેતી ધખધખે છે.
સિપાર : બાબા, બહુ પ્યાસ — થોડુંક પાણી!
દારા : હવે પાણી નહિ મળે, સિપાર!
સિપાર : ઓ બાબા! પાણી વિના મારાથી જિવાશે નહિ.
દારા : [રુદ્ર ભાવે] હં!
સિપાર : ઓ! પાણી! પાણી!
નાદિરા : પ્યારા, ક્યાંઈક જરાક જેટલું પાણી હોય તો જુઓ ને! બેટો બિચારો બેહોશ થતો જાય છે, મારો પ્રાણ પણ તરસે નીકળી જાય છે
દારા : ફક્ત તમારો એકલાનો જ પ્રાણ નીકળી જાય છે, ખરું ને, નાદિરા? મારો જીવ નહિ જતો હોય એમ ને! પોતપોતાનો જ વિચાર કરો છો, કેમ!
નાદિરા : ના, નાથ, હું મારે માટે નથી કહેતી. પણ આ બિચારો ઓહ!
દારા : મારા પેટમાં પણ આગ ઊઠી છે — ભયાનક આગ ઊઠી છે. બીજી બાજુ આ બિચારાનું સૂકું તાળવું જોઉં છું — બોલી શકાતું નથી — જોઉં — અને તને શું એમ થાય છે, નાદિરા, કે મને લીલાલહેર થઈ રહી છે? પણ હું કરું શું? પાણી જ ન મળે. એક ગાઉની અંદર તો પાણીનું નામોનિશાન પણ નથી. ઓહ ખુદા! તેં આ અમારી કેવી હાલત કરી દીધી? હવે તો નથી સહેવાતું.
સિપાર : બાપુ, મારાથી નથી રહેવાતું.
નાદિરા : અરેરે બેટા, હુંયે મરું છું — હવે નથી રહેવાતું.
દારા : મરો, બસ, મરો, તમે સહુ મરો — હુંયે મરું — આજ આ ઠેકાણે જ આપણે બધાં ખતમ થઈ જઈએ — ભલે થઈએ — બસ, ભલે.
સિપાર : અમ્મા — ઓહ! હવે બોલાતું નથી. ભારી વેદના.
નાદિરા : ઓય! ભારી વેદના!
દારા : બસ! હવે તો નથી જોવાતું, હવે તો આજ હું અલ્લા ઉપર વૅર વાળીશ. એ જાલિમની પેદા કરેલી આ સડેલી, અસાર દુનિયાને કાપી નાખી હું એની ઘોર દુષ્ટતાને ઉઘાડી પાડીશ. હું તો મરીશ! પણ તે પહેલાં તો મારે પોતાને જ હાથે તમારા તમામના જીવ ખેંચી કાઢીશ, તમને હલાલ કરીને પછી હું મરીશ.

[છૂરી કાઢે છે.]

સિપાર : બાબા! અમ્માને ન મારો — મને મારો!
નાદિરા : ના, પ્યારા, પહેલાં મને મારી નાખો — મારી આંખો સામે હું મારા બેટાને છૂરી મારવા નહિ દઉં. પહેલાં મને પૂરી કરો.
સિપાર : ના, બાપુ, પહેલાં મને મારી નાખો.
દારા : દયાળુ ખુદા! આ શું? વચ્ચે વચ્ચે આ તું શું બતાવી રહ્યો છે? અંધકારની અંદર વળી આ અજવાળાં શાનાં? પરમેશ્વર! તારી કરામત આટલી સુંદર, ને છતાં આટલી નિર્દય? આ માતા અને દીકરાની વચ્ચે એકબીજાને બચાવવાનો કેવો કાળો કળેળાટ, અને છતાં કોઈ કોઈને બચાવી શકતાં નથી — ઓહ! કેવો જોરદાર છતાં કેવો કમજોર એ પ્યાર! આટલી ઉમદા લાગણી, છતાં કેટલી લાઇલાજ થઈને પડી છે! આસમાનમાંથી જાણે કોઈ એક રત્ન તૂટીને નીચે પડ્યું છે! જાણે સાક્ષાત્ સ્વર્ગ અને નરક જોડાજોડ ઊભાં છે! આ તે તારી કેવી માયા, દયાસિન્ધુ!
સિપાર : બાપુ, એ બાપુ! ઓહ.

[પડી જાય છે.]

નાદિરા : બેટા! મારા બેટા!

[એને ખોળામાં લે છે.]

દારા : ફરી પાછું એ-નું એ નરક દેખાણું! ના-ના-ના, આ તો અજવાળાંની ભ્રમણા? આનું નામ શયતાની! દગલબાજી! અંધકાર કેવો કાળો ઘોર છે તે જોવા માટે જ આ એક સળગતો અંગારો. બાકી કાંઈ નથી. બસ, હવે તો હું તમને બધાંને કાપીને મરી જઈશ. [જહરતની સામે જોઈને] એ ઊંઘે છે. એનેય મારીશ, ત્યાર પછી તમારાં મુડદાંને બથ ભરીને હું પોતે મરીશ. આવો એક પછી એક!

[નાદિરાને મારવા માટે છૂરી ઉગામે છે.]

સિપાર : મારશો મા, બાપુ! મારશો મા!
દારા : [એક હાથે સિપારને પકડી દૂર કરી, નાદિરાને છૂરી મારવા તત્પર] ત્યારે —
નાદિરા : માલિક, મરતાં પહેલાં અમને એક વાર બંદગી કરી લેવા દેશો?
દારા : બંદગી! કોની બંદગી? અલ્લાની? નાદિરા, અલ્લા નથી. બધી ઠગબાજી છે. ગપાટાના ગોળા છે. અલ્લા નથી. કોણે! કોણે! કોણે કહ્યું છે? એમ! બહુ સારું, કરો બંદગી!
નાદિરા : આવ, બેટા, મરતાં પહેલાં એક વાર બંદગી કરી લઈએ.

[બન્ને જણાં ઘૂંટણિયે પડે છે. આંખો મીંચે છે.]

નાદિરા : હે દયાસિંધુ! ભારી દુઃખની મારી હું આજ તમને પોકારું છું. હે પ્રભુ! દુઃખ દીધું, તે ભલે દીધું! તમે જે દેશો તે માથે ચડાવી લઈશ! તો પણ — તો — પણ મરતી વખત જો મારા સ્વામીનાથને અને બેટાબેટીને સુખી જોઈને હું મરી શકી હોત!
દારા : [જોતે જોતે એકાએક ઘૂંટણિયે પડે છે] ઓ ઈશ્વર! ઓ રાજાધિરાજ! તું છે! તું જો ન હોત તો આવા પ્રચંડ વિશ્વને ચલાવનારું કોણ? અને તારા સિવાય બીજે ક્યાંથી આવ્યો આ નિયમ, જેને બળે જગત પર આવી બે પવિત્ર ચીજો પેદા થઈ — આ જનેતા અને બચ્ચાં! ઓ પરમેશ્વર! તને અનેક વાર યાદ કર્યો છે. પરંતુ આવે દીનભાવે, આવા ગદ્ગદિત અંત :કરણથી અગાઉ કદીયે નથી કર્યો. દયાસાગર! અમારી રક્ષા કરજે!

[ગોવાળ અને ગોવાળણ આવે છે.]

ગોવાળ : કોણ છો તમે?
દારા : આ કોનો અવાજ! [આંખો ખોલે છે.] કોણ તમે! થોડું પાણી આપો — થોડુંક પાણી — મને ન આપો. આ ઑરતને અને — આ બાળકને આપો.
ગોવાળણ : અરેરે બિચારાં! હું હમણાં જ પાણી લઈ આવું. જરાક સબૂર કરો, ભાઈ!

[જાય છે.]

ગોવાળ : અરેરે, છોકરો બિચારો હાંફે છે.
દારા : જહરત! બચ્ચા જહરત! મરી ગઈ કે શું!
ગોવાળ : ના, મરી નથી. અરે દીકરા!
દારા : જહરત!
જહરત : [ક્ષીણ સ્વરે] હં બાબા!

[ગોવાળણ આવીને સહુને પાણી પાય છે.]

ગોવાળણ : હાલો બાપુ! મારી ઝૂંપડીએ હાલો.
ગોવાળ : હાલો બાપા!
દારા : તમે કોણ છો! શું સ્વર્ગના ફિરસ્તા છો? ખુદાએ મોકલ્યા?
ગોવાળ : ના બાપા, હું તો ભરવાડ છું — ને આ મારી ઘરવાળી છે.
દારા : ને છતાં આટલી દયા! માણસના દિલમાં આટલી બધી દયા! હોઈ શકે ખરી?
ગોવાળણ : કેમ બાપા! તમે શું કદી માણસ ભાળ્યાં જ નથી? બધા રાક્ષસને જ ભાળ્યા છે!
દારા : એમ જ છે કે? શું એ તમામ રાક્ષસો જ છે કે?
ગોવાળણ : માણસનાં તો આ કામ જ છે ને — અનાથને આશરો દેવો, ભૂખ્યાંને અન્ન આપવાં, તરસ્યાંને પાણી પાવાં એ તો માણસનાં કામ જ છે ને, બાપા. રાક્ષસ હોય એ જ આટલું ન કરે. અરે, રાક્ષસનેય કોઈ કોઈ વાર તો આવું કરવાનું મન નહિ થાતું હોય એમ કેમ મનાય? આવો, બાપા.

[જાય છે.]